'યશ'યાત્રા: શાકભાજીની દુકાનથી સો કરોડ સુધી!

- સિનેમા એક્સપ્રેસ-શિશિર રામાવત
- 'રામાયણ'નું ટ્રેલર આવ્યા પછી રામના રોલમાં રણબીર કપૂરને જોવા કરતાં ઓડિયન્સને રાવણના રોલમાં યશને જોવાની વધારે તાલાવેલી જાગી છે. આ કન્નડ સુપરસ્ટાર કહે છે, 'કોઈ પણ ભાષાની ફિલ્મ ઇન્ડસ્ટ્રી નાની હોતી નથી. જે-તે ઇન્ડસ્ટ્રીમાં કામ કરતાં લોકો એને નાની કે મોટી બનાવે છે.'
'રા માયણ: પાર્ટ વન'નું ઓફિશિયલ ટ્રેલર જોયા પછી સૌ એકઅવાજે કહે છે કે રામના પાત્રમાં રણબીર કપૂર જમાવટ કરી શકશે કે નહીં તે તો ફિલ્મ જોઈએ ત્યારે ખબર, પણ રાવણના રોલમાં યશ સોલિડ જમાવટ કરે છે તેમાં કોઈ શંકા નથી. સાચ્ચે, રામાનંદ સાગરની 'રામાયણ' પછીના કોઈ પણ રાવણમાં આપણને ખાસ મજા આવી નથી. લાગે છે કે સ્વર્ગસ્થ અરવિંદ ત્રિવેદીએ ટીવી પર જેવો તરખાટ મચાવ્યો હતો લગભગ એવો જ તરખાટ હવે યશ બિગ સ્ક્રીન પર મચાવવાનો છે.
સાઉથ ઇન્ડિયન હીરો યશ માટે 'રોકિંગ સ્ટાર' એવો શબ્દપ્રયોગ કરવામાં આવે છે. આ વિશેષણ એને 'કેજીએફ'ની પહેલાં જ મળી ચૂક્યું હતું. યશની ખુદની કહાણી પણ ખાસ્સી રોકિંગ છે. યશ આજે કરોડોમાં આળોટે છે, પણ અસલી જીવનમાં એ કંઈ ધનપતિ ઘરે જન્મેલો નબીરો નહોતો. એના પપ્પા એસટી બસના ડ્રાઇવર હતા. મમ્મી સીધીસાદી હાઉસવાઇફ. કર્ણાટકના નાના એવા ગામમાં એમની ટચુકડી કરિયાણાની દુકાન પણ હતી, જેમાં શાકભાજી ય વેચાતી. યશ ટીનેજર થયો ત્યારથી આ દુકાન સંભાળવા લાગ્યો હતો. માર્કેટમાં જઈને સસ્તાં શાકભાજી લઈ આવવાનું ને દુકાનનું ધ્યાન રાખવાનું એનું કામ. પપ્પાની ઇચ્છા તો એવી જ હતી કે જેમ મેં સરકારી નોકરી કરી એમ મારા દીકરાને પણ કોઈ ગર્વમેન્ટ જોબ મળી જાય એટલે ભયો ભયો. બાંધી આવક તો ખરી!
પણ યશને તો નાનપણથી જ એક્ટર બનવું હતું. ગામની નિશાળમાં એ ખૂબ બધાં નાટકો અને ડાન્સ કોમ્પિટીશનમાં ભાગ લેતો. છોકરાઓ તાળીઓ પાડીને ને સિટીઓ મારીને એને વધાવી લેતા. બસ, આ તાળીઓ અને સિટીની ગૂંજ જ એના ચિત્તમાં જોરદાર જડાઈ ગઈ હતી. એના ટીચરો પણ એને 'હીરો' કહીને બોલાવતા. યશે નાનપણથી જ નક્કી કરી નાખેલું: લાઇફમાં મારે આ જ કરવાનું છે - એક્ટિંગ, ડાન્સિંગ અને હીરોગીરી!
પણ પપ્પાજી કોઈ રીતે માને એમ નહોતા. એટલે યશ ફિલ્મી હીરો બનવા રીતસર ઘરેથી ભાગી ગયો. બીજી થિયરી એવી છે કે યશે મા-બાપને મનાવી લીધા હતા. મા-બાપે જોકે શરત મૂકેલી કે, 'તને ફિલ્મોમાં કામ કરવાનું બહુ મન છે તો જા, ટ્રાય કર, પણ જો કંઈ ઉકાળી નહીં શકે તો ચુપચાપ ઘરે પાછા આવી જવાનું ને અમે જે કહીએ તે કરવાનુંે..' બોલિવુડ જેમ મુંબઈમાં ફૂલ્યુંફાલ્યું છે એમ કન્નડ ફિલ્મ ઇન્ડસ્ટ્રી બેંગલુરુમાં ફૂલીફાલી છે. યશ બેંગલુરુ આવ્યો ત્યારે એના ખિસ્સામાં ગણીને ૩૦૦ રુપિયા હતા.
હવે કરવું શું? યશ સ્ટ્રગલથી ગભરાય એવો નહોતો. એ આમેય પહેલેથી જ બહુ કોન્ફિડન્ટ માણસ છે. કોઈએ એને રંગભૂમિનો રસ્તો બતાવ્યો. બી.વી. કારંથ નામના સિનિયર રંગકર્મીના થિયેટર ગુ્રપમાં એ જોઈન થઈ ગયો. તરત તો કોઈ નાટકનો હીરો બનાવી ન દે. એટલે યશ બેકસ્ટેજ કરે. એક્ટરો અને બીજાઓ માટે ચા લઈ આવે, સ્ટેજ પર ઝાડુ કાઢે, પ્રોપર્ટી સાચવે વગેરે. ક્યારેક કોઈ એક્ટર આવ્યો ન હોય તો એને કહેવામાં આવે: અલ્યા, ત્યાં ઊભો રહી જા, તારો વારો આવે ત્યારે આ લાઈન બોલી જજે. ભલે પ્રોક્સીમાં તો પ્રોક્સીમાં, પણ એક્ટિંગ કરવાની તક મળે એટલે યશને 'દેખાડી દેવાનું' શૂરાતન ચડતું. એને ક્યારેક કહી દેવામાં આવે: ભાઈ, તું એક્ટિંગ કરવાની રહેવા દે, તું સારી રીતે બેકસ્ટેજ કર તોય ઘણું છે. જોકે આખરે એને સ્ટેજ પર એક્ટિંગ કરવાનો મોકો મળ્યો ખરો.
નાનપણમાં જે તાળીઓ સાંભળવા મળી હતી એવો જ ગડગડાટ બેંગલુરુમાં પણ સાંભળવા મળ્યો.
યશનું લક્ષ્ય તો ખેર, ફિલ્મો હતી. એ એક કન્નડ ફિલ્મ યુનિટમાં જોડાઈને ડિરેક્ટરને આસિસ્ટ કરવા માંડયો. પૈસા કમાવા પડે તેમ હતા એટલે ઇચ્છા નહોતી તોય ટીવી સિરિયલોમાં અભિનય કરવા માંડયો. ફિલ્મી હીરો બનવા માગતા સ્ટ્રગલરો સામાન્યપણે ટીવી સિરીયલોને નીચી નજરે જોતા હોય છે. યશ પણ જોતો. એણે મમ્મી-પપ્પાને બેંગલુરુ બોલાવી લીધાં. તે ઘડી ને આજનો દી. યશ બેંગલુરુમાં આજની તારીખે પણ મા-બાપની સાથે જ રહે છે.
યશને ફિલ્મોમાં પહેલો બ્રેક મળ્યો ૨૦૦૭માં. 'મોગીના માનસુ' નામની ફિલ્મમાં ચાર હીરો ને ચાર હિરોઈનો હતી. આટલી ભીડમાંય યશ સૌનું ધ્યાન ખેંચી શક્યો. અરે, એને ફિલ્મફેર અવોર્ડ પણ મળ્યો… ને બસ, યશ કી ગાડી નિકલ પડી. ડેબ્યુ ફિલ્મ યશને બીજી રીતે પણ ફળી. ફિલ્મમાં જે ચાર હિરોઈનો હતી એમાંથી એક રાધિકા પંડિત નામની રુપકડી કન્યા પણ હતી. રાધિકાની પણ તે પહેલી જ ફિલ્મ. બન્ને વચ્ચે સરસ દોસ્તી થઈ. દોસ્તી ક્રમશ: પ્રેમમાં પરિણમી. યશભાઈને સમજાઈ ગયું હતું કે શી ઇઝ ધ વન! પૈણીશ તો આની હારે જ પૈણીશ… ને આજે તો એમને એક દીકરી ને એક દીકરો ધમાલ કરે છે.
યશે શરૂઆત રોમેન્ટિક હીરો તરીકે કરી હતી, અને પછી ૨૦૧૩માં આવી 'ગૂગલી'. ત્યાર બાદ 'ગજકેસરી', 'મિસ્ટર એન્ડ મિસિસ રામાચારી' અને 'માસ્ટરપીસ'. આ તમામ ફિલ્મોએ એને માસીસ (એટલે કે આમજનતા)ને અપીલ કરી શકતા કમર્શિયલ સુપરસ્ટાર તરીકે પ્રસ્થાપિત કરી દીધો… અને પછી એને મળ્યા પ્રશાંત નીલ નામના ડિરેક્ટર. ૨૦૧૮માં બન્નેની ફિલ્મ 'કેજીએફ' આવી. ચાર વર્ષ પછી સિક્વલ 'કેજીએફ-ટુ' આવી. એક્ટર-ડિરેક્ટરની હિટ જોડી ક્યારેક અનાયાસ બની જતી હોય છે. યશને પ્રશાંત નીલ અને પ્રશાંત નીલને યશ ખૂબ ફળ્યા. 'કેજીએફ' વન એન્ડ ટુ જોરદાર સફળ થઈ એનું કારણ કેવળ એની એક્શન સિકવન્સીસ, હેન્ડસમ હીરો કે ભવ્યાતિભવ્ય પ્રોડક્શન વેલ્યુ જ નહોતી. તે લોકોને સ્પર્શી શકી એનું મોટું કારણ તેની ઇમોશનલ અપીલ હતી. ખાસ કરીને 'કેજીએફ-ટુ' મૂળ તો એક મા-દીકરાની કથા છે. હીરો આખી ફિલ્મમાં જે કંઈ કરે છે એની પાછળનું પ્રેરક બળ એની ગરીબ, પણ ભારે હિંમતવાન મા છે.
જે માણસ ખિસ્સામાં ૩૦૦ રુપિયા લઈને બેંગલુરુ આવ્યો હતો એને 'કેજીએફ-ટુ'માં કામ કરવા માટે કેટલા પૈસા ચુકવવામાં આવ્યા હતા? ૩૦ કરોડ રુપિયા, ફક્ત. આગામી 'રામાયણ' માટે યશને એક-એક ભાગના પચાસ કરોડ એટલે કે ટોટલ ૧૦૦ કરોડ ચૂકવવામા આવ્યા છે! આ તો ફક્ત એક્ટિંગ કરવાની ફી થઈ. યશ 'રામાયણ'નો કો-પ્રોડયુસર પણ છે, એટલે ફિલ્મના પ્રોફિટમાંય એનો હિસ્સો હોવાનો. આને કહેવાય વિકાસ… સક્સેસ! કન્ન્ડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીને આખા ભારતમાં 'વર્લ્ડ-ફેમસ' કરવાનો યશ યશઅન્નાને અમસ્તો નથી મળ્યો. 'કેજીએફ' પહેલાં સાઉથની ફિલ્મો એટલે મોટે ભાગે તમિલ, તેલુગુ ને મલયાલમ સિનેમા એવું જ સમીકરણ હતું. પોતાની ભાષાના સિનેમા સાથે થતું આવું ઓરમાયું વર્તન જોઈને યશને લાગી આવતું, પણ એણે 'કેજીએફ' અને 'કેજીએફ-ટુ' ફિલ્મો આપીને કન્નડ ઇન્ડસ્ટ્રીનું કદ એકદમ વધારી દીધું. યશ આજની તારીખે ભારતનો એક તગડો પેન-ઇન્ડિયન સ્ટાર છે. માત્ર સાઉથનું ઓડિયન્સ નહીં, આખો દેશ એના નામ અને ચહેરાથી ઓળખે છે.
'જુઓ, કોઈ પણ ભાષાની ફિલ્મ ઇન્ડસ્ટ્રી નાની હોતી નથી,' યશ કહે છે, 'જે-તે ઇન્ડસ્ટ્રીમાં કામ કરતાં લોકો એને નાની કે મોટી બનાવે છે.' (ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીવાલોં… સુન રહે હો?) 'કેજીએફ-ટુ' પછી યશ સ્ક્રીન પરથી સાડાચાર વર્ષથી ગાયબ છે. વચ્ચે એવી વાતો સંભળાતી હતી કે હવે ઔર એક સિક્વલ 'કેજીએફ ૨.૫' આવશે. યશ બરાબર જાણે છે કે ઓડિયન્સની અપેક્ષા ખૂબ વધી ગઈ છે, એટલે એની પાસે પાછાં પગલાં ભરવાનો વિકલ્પ જ નથી. યશ હવે બે તોતિંગ ફિલ્મો લઈને ત્રાટકવાની તૈયારીમાં છે. એક તો, 'ટોક્સિક'. આ ફિલ્મ ક્યારનું આવંુ-આવું કરે છે. એની મૂળ રિલીઝ ડેટ 'ધૂરંધર-ટુ' સાથે ક્લેશ થતી હતી તે કારણ હોય કે બીજું કંઈ પણ, પરંતુ ફિલ્મની રિલીઝ પાછી ઠેલાતી ગઈ. હવે ૨૬ ઓગસ્ટે તે રિલીઝ થવાની છે. ગીતુ મોહનદાસ નામનાં ડિરેક્ટરે બનાવેલી 'ટોક્સિક'ના ટ્રેલર અને ગીતોએ માત્ર ઉત્તેજના નહીં, વિવાદ પણ પેદા કરી નાખ્યો છે. 'ટોક્સિક'ના અઢી મહિના પછી, ૮ નવેમ્બરે 'રામાયણ: પાર્ટ વન' આવશે.
જોઈએ, 'ટોક્સિક' અને 'રામાયણ'ને કેવીક ફળે છે. 'ટોક્સિક' પછી યશની બ્રાન્ડવેલ્યુ વધે કે ન પણ વધે, પણ લાગે છે કે 'રામાયણ' પર રામ અને સિનેમાદેવ બન્નેના આાશીર્વાદ જરૂર ઉતરશે.
શો સ્ટોપર
હું ક્યારેય કોઈ પોલિટિકલ પાર્ટી વિરુદ્ધ કશું બોલ્યો નથી. મને સમજાતું નથી કે મારા પણ 'સંઘી'નું લેબલ કેવી રીતે લાગી ગયું છે.
- આર. માધવન









