વોઝિન્હા-ઈલોય : રાતોરાત સુપરસ્ટાર બની ગયેલા ટચુકડા દેશોના ગોલકિપર્સ

- કાબો વેરડેના વોઝિન્હા અને કુરાકાઓના ઈલોયએ દિગ્ગજ ગોલ સ્કોરર્સને જ નહીં વિવેચકોને પણ આંચકો આપ્યો
- Sports ફન્ડા-રામકૃષ્ણ પંડિત
- વોઝિન્હાએ બસ ડ્રાઈવર અને ઈલેક્ટ્રિશિયન જેવી નોકરી કરીને પણ ફૂટબોલર બનવાનું સ્વપ્નને જીવંત રાખ્યું : નેધરલેન્ડમાં જન્મેલા ઈલોયે પિતાના વતન કુરાકાઓને વૈશ્વિક ઓળખ અપાવવાનું બીડું ઝડપ્યું
- ઈલોય
- વોઝિન્હા
યુ દ્ધથી લઈને રમતના મેદાનો સુધી દરેેકમાં અગ્રપંક્તિમાં ઉભા રહેલા તમામને સુપરસ્ટાર તરીકેની ઓળખ સહજતાથી મળી જતી હોય છે. દરેેક સફળતાના શ્રેયથી માંડીને તેમના દરેક અંદાજ પર આખી દુનિયાની નજર રહેતી હોય છે. હકીકત એ છે કે, સફળતાના દરેક ચહેરાની પાછળ એક આખી ટીમની ભૂમિકા મહત્વની બની રહેતી હોય છે. જેઓ મૌન બનીને માત્ર સામુહીક સફળતામાં યોગદાન આપતા હોય છે, તેના પર સ્પોટલાઈટ કે પછી કેમેરાના લેન્સનું ધ્યાન ભાગ્યે જ જતું હોય છે. કેટલીક વેળાએ આ પ્રકારે મૌન રહીને અસાધારણ કમાલ કરનારી પ્રતિભાઓ તેમની વિશિષ્ટ સિદ્ધિથી બધાનું ધ્યાનાકર્ષિત કરતી હોય છે.
હાલમાં ચાલી રહેલા ફૂટબોલ વર્લ્ડ કપમાં ચારેબાજુ ગોલ ફટકારનારા સ્ટ્રાઈકર્સની બોલબાલા જોવા મળી રહી છે. જ્યારે ગોલકિપર્સ તો મોટાભાગે હાસિંયામાં જ રહેતા હોય છે અને મોટાભાગે હાર માટે તેમને જ જવાબદાર ઠેરવવામાં આવે છે. જોકે અમેરિકા, કેનેડા અને મેક્સિકોમાં ચાલી રહેલા ફૂટબોલ વર્લ્ડ કપમાં કુરાકાઓના ગોલકિપર ૩૮ વર્ષના ઈલોય રુમ અને કાબો વેરડેના ૪૦ વર્ષના ગોલકિપર વોઝિન્હાએ જબરજસ્ત પર્ફોર્મન્સ આપતાં રાતોરાત સુપરસ્ટાર તરીકેની ઓળખ મેળવી લીધી છે.
ફૂટબોલના મેદાનમાં ગોલ ફટકારવાની કુશળતા માટે જાણીતા સુપરસ્ટાર્સની સામે દિવાલ બનીને ઉભા રહેલા આ બંને ગોલકિપરોએ તેમના જબરજસ્ત દેખાવ થકી હરિફ ટીમની ગણતરી તો ઊંધી વાળી જ દિધી છે. તેની સાથે સાથે રમત જગતના કરોડો ચાહકો અને વિવેચકોને પણ આંચકો આપીને સાબિત કર્યું છે કે, મેદાન પરનો દરેક મુકાબલો નવો ઈતિહાસ રચતો હોય છે. યોગાનુંયોગ કુરાકાઓ અને કાબો વેરડે નામના દેશ અસ્તિત્વ ધરાવે છે, તેવી ખબર તો ઘણા બધાને હવે પડી હશે. વળી, આ બંને દેશોએ તેમના ઈતિહાસના સૌપ્રથમ ફૂટબોલ વર્લ્ડ કપને પોતાના પ્રદર્શનથી યાદગાર બનાવી દીધો છે. તેની સાથે સાથે તેમણે પૂરવાર કર્યું છે કે, સખત મહેનત અને દ્રઢ ઈચ્છાશક્તિને સહારે ગમે તેવા મજબુત હરિફને બરોબરી પર રોકવા માટે મજબૂર કરી શકાય છે.
કાબો વેરડેના ગોલકિપર વોઝિન્હાએ ૪૦ વર્ષની ઉંમરે ફૂટબોલ વર્લ્ડ કપમાં પ્રવેશ મેળવતાની સાથે ઈતિહાસ રચી દીધો હતો. જોકે વોઝિન્હાએ તેની આટલી જ સિદ્ધિથી સંતોષ માન્યો નહતો. સ્પેન જેવી વર્લ્ડ ચેમ્પિયન બનવા માટે ફેવરિટ ગણાતી ટીમમાં સામેલ પેડરી, ઓયારઝાબાલ તેમજ યમાલ અને ગાવી જેેવા ખેલાડીઓએ એક પણ સ્કોર કરવા દીધો નહતો. આ સાથે કાબો વેરડે અને સ્પેેન વચ્ચેની મેચ અણધારી રીતે ૦-૦થી ડ્રો રહી હતી. ફૂટબોલના એક્સપર્ટ્સ માનતા હતા કે, સ્પેનિશ ટીમ આ મેચમાં ચાર થી પાંચ ગોલ તો ફટકારી જ દેશે. જોકે વોઝિન્હાએ સાત યાદગાર ગોલ ફટકારવાના પ્રયાસો અટકાવીને તેણે પોતાની શ્રેષ્ઠતાનુ પ્રમાણ પુરું પાડયું હતુ.
રસપ્રદ બાબત એ છે કે, ઓનલાઈટ સટ્ટામાં કાબો વેરડે મેચ ડ્રોમાં ખેંચે તેની સંભાવના માત્ર ૭ ટકા જેટલી જ હતી. જ્યારે સ્પેનની જીતની શક્યતા ૮૮ ટકા જોવાતી હતી. જોકે કાબો વેરડેએ આ સંભવિત લાગતી સિદ્ધિ મેળવી બતાવી. વોઝિન્હાના ઈન્સ્ટાગ્રામ પેજ પર ફોલોઅર્સની ભરમાર જોવા મળી. મેચ અગાઉ માંડ ૫૦ હજાર જેટલા ફોલોઅર્સ ધરાવતા વોઝિન્હાએ એક જ મેચના પ્રદર્શનને સહારે ૧.૫ કરોડ ફોલોઅર્સનો આંકડો હાંસલ કરીને લોકપ્રિયતાના નવા મકામને પ્રાપ્ત કરી લીધા.
એટલાન્ટિક મહાસાગરના મધ્યમાં અને પશ્ચિમી આફ્રિકામાં રમણીય ટાપુ પર કાબો વેરડે દેશ આવેલો છે. માંડ પાંચ લાખની વસતી ધરાવતા કાબો વેરડેના મિન્ડેલો શહેરમાં જન્મેલા વોઝિન્હાનું ખરુ નામ તો હોશીમેર હોસે ઈવોરા ડિયાઝ છે. તેના માતા-પિતા પણ ફૂટબોલ ફેન હતા અને તેઓ તેમના પુત્રનું નામ આર્જેન્ટીનાના વર્લ્ડ કપ વિજેતા જોર્ગે વાલ્ડૅનો પરથી રાખવા માંગતા હતા. જોકે, નિયમ પ્રમાણે બાળકનું નામકરણ કરતાં પહેલા સરકારની મંજૂરી લેવી ફરજીયાત હતી અને ત્યાંની સરકારે દિગ્ગજ ફૂટબોલનું નામ નાનકડા બાળકને આપવાનો ઈનકાર કરી દીધો. આ પછી તેનું નામ બ્રાઝિલના ધુરંધર ફૂટબોલર હોઝીમૅર રાખવાનો નિર્ણય લેવાયો.
વોઝિન્હાનું બાળપણ તેના દાદા-દાદી પાસે પસાર થયું. તેની સ્થાનિક બાળકોની સરખામણીમાં ઓછી ઉંચાઈના કારણે તેને વોઝિન્હા તરીકેનું હૂલામણું નામ મળ્યું, જેનો અર્થ 'નાનકડા દાદીમા' એવો થાય છે. કદમાં નાનો હોવા છતાં વોઝિન્હા લડાયક મિજાજનો હતો. તેની કારકિર્દીની શરુઆત સ્થાનિક બાટુકે કલબ તરફથી થઈ. તે સમયે કાબો વેરડેની સ્થાનિક સ્તરના ફૂટબોલમાં પણ ઓળખ નહતી. જોકે તે સમયે વોઝિન્હાએ વર્લ્ડ કપમાં રમવાનું સ્વપ્ન સેવ્યું હતુ અને - 'લોગ જુડતે ગએ ઔર કારવાં બનતા ગયા' - ની જેમ તેની ફૂટબોલર તરીકેની કારકિર્દી તેેને અંગોલા લઈ ગઈ, જ્યાં અન્ય ગોલકિપરનું નામ પણ હોઝિમેર હતું. આ કારણે તેણે તેના હુલામણા નામ વોઝિન્હા ને જ તેની ઓળખ બનાવી લીધી.
કાબો વેરડેના ગોલકિપરની સફર અંગોલા થી મોલ્ડોવા, પોર્ટુગલ, સાયપ્રસ અને સ્લોવેકિયા જેવા દેશોમાં થઈને આગળ વધી. તેણે વર્ષ ૨૦૧૨ થી રાષ્ટ્રીય ટીમમાં સ્થાન મેળવી લીધું અને આફ્રિકન નેશન્સ કપમાં પણ ભાગ લીધો હતો. વધતી ઉંમરના કારણે બાળપણમાં વર્લ્ડકપમાં રમવાનું સેવેલું સ્વપ્ન પણ ધીરે ધીરે અશક્ય લાગવા માંડયું હતુ. જોકે તેણે હિંમત ન હારી. ઈલેટ્રિશિયન તેમજ બસ ડ્રાઈવર જેવી નોકરી કરીને પણ તેણે ફૂટબોલર તરીકેની કારકિર્દીને ધબકતી રાખી.
દરમિયાનમાં ફિફાએ વર્લ્ડ કપનો વિસ્તાર કરતાં તેને ૩૨ થી ૪૮ ટીમની સ્પર્ધામાં ફેરવવાનો નિર્ણય લીધો અને ફિફાની આ પહેલ અને વોઝિન્હા સહિતના ખેલાડીઓના જુસ્સાના સમન્વયનું ફળ હાલ ચાલી રહેલા ફૂટબોલ વર્લ્ડ કપમાં જોવા મળી રહ્યું છે.
વર્લ્ડ કપના ઈતિહાસના યાદગાર દેખાવ બાદ દિવંગત દાદા-દાદીને અશ્રુભીની શ્રદ્ધાંજલી આપનારા વોઝિન્હાએ નાણાંકીય અસમર્થતાના કારણે માતાને અમેરિકા લાવવાની લાચારીનો પણ ઉલ્લેખ કર્યો. જોકે દુનિયાની આંખોમાં કાબો વેરડેને આગવી ઓળખ અપાવનારા વોઝિન્હાની એ ખ્વાહિશ પણ આખરે પુરી થઈ ચૂકી છે. કાબો વેરડેના ગોલકિપર વોઝિન્હાએ કમાલ કરી તે પછી ફૂટબોલ વર્લ્ડ કપમાં ક્વોલિફાય થયેલા સૌથી ટચુકડા દેશ કુરાકાઓના ગોલકિપર ઈલોય રુમે પણ તેની પ્રતિભાનો પરચો દેખાડીને બધાને દંગ કરી દીધા.
મેજર લીગ સોકરમાં માયામી એફસી તરફથી રમતાં ૩૭ વર્ષના ઈલોય રુમે વર્લ્ડ કપમાં એક્વાડોર સામેની મેચમાં નવો કીર્તિમાન સ્થાપિત કરતાં હરિફ ટીમના ૧૫ ગોલ આક્રમણોને નિષ્ફળ બનાવ્યા હતા. જે વર્લ્ડ કપના ઈતિહાસમાં ૯૦ મિનિટની રમતમાં કોઈ ગોલકિપરે કરેલો શ્રેષ્ઠ દેખાવ છે. અમેરિકાના ટીમ હોવાર્ડે ૨૦૧૪ના વર્લ્ડ કપમાં બેલ્જીયમ સામે ૧૨૦ મિનિટની રમતમાં ૧૬ ગોલના ઓન ટાર્ગેટ પ્રયાસોને નિષ્ફળ બનાવ્યા હતા. નેધરલેન્ડમાં જન્મેલા ઈલોયના પિતા કુરાકાઓના અને માતા ડચ હતા. ઈલોયની કારકિર્દી તેની જન્મભૂમિ નિજમેગેનમાં જ શરુ થઈ. ત્યાર બાદ તેણે નેધરલેન્ડની લીગમાં જ પોતાની પ્રતિભાને નિખારી અને જુનિયર સ્તરની સ્પર્ધામાં નેધરલેન્ડની રાષ્ટ્રીય ટીમનું પણ પ્રતિનિધિત્વ કર્યું હતુ.
નેધરલેન્ડની ટીમ છોડીને તે મેજર લીગ સોકરમાં કોલંબસ ટીમની સાથે જોડાયો. આ દરમિયાન જ કુરાકાઓના હેડ કોચ તરીકે નેધરલેન્ડના ફૂટબોલ લેજન્ડ પેટ્રિક ક્લુયેટે જવાબદારી સંભાળી. તેમણે કુરાકાઓની સાથે લોહીનો સંબંધ ધરાવતા ખેલાડીઓનો સંપર્ક કરવાનું શરુ કર્યું. તેમણે આ માટે ઈલોયનો પણ સંપર્ક સાધ્યો. તેમની ભારે સમજાવટ બાદ ઈલોય આખરે કુરાકાઓ તરફથી રમવા માટેે તૈયાર થઈ ગયો. આ પછી તેણે ૨૦૧૫માં કુરાકાઓ તરફથી રમવાનું શરુ કર્યું. વર્ષ ૨૦૧૭માં જ્યારે કુરાકાઓની ટીમે કેેરેેબિયન કપ જીત્યો, ત્યારે ઇલોયને ટુર્નામેન્ટમાં કુલ ૨૬ સેવ કરવા બદલ તેને ગોલ્ડન ગ્લોવ્ઝ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત ૨૦૧૯માં આફ્રિકન ગોલ્ડ કપમાં તેણે હોન્ડુરાસ સામે ૧૫ ગોલ આક્રમણોને નિષ્ફળ બનાવ્યા હતા.
ઈતિહાસમાં પહેલીવાર વર્લ્ડ કપમાં રમી રહેેલા કુઆકાઓના ગોલકિપર ઈલોયે એક્વાડોર સામેની ઐતિહાસિક સિદ્ધિની સાથે પોતાની આગવી ઓળખ પણ ઉભી કરી દીધી છે. ફૂટબોલમાં સામાન્ય રીતે ગોલ ફટકારનારા ખેલાડીઓની બોલબાલા જોવા મળી રહી છે, ત્યારે વોઝિન્હા અને ઈલોયે તેમના અસાધારણ દેખાવને પગલે આગવી ઓળખ ઉભી કરવાની સાથે યુવા ખેલાડીઓને સ્વપ્ન સેવવાની અને તેને સાકાર કરવા માટે સખત મહેનત કરવાની પ્રેરણા પણ પુરી પાડી છે. આગામી સમયમાં આ બંને ખેલાડીઓ યુરોપમાં કલબ ફૂટબોલ રમતા જોવા મળે તો નવાઈ નહીં.









