Ravi Purti

ગરબે રમતા આપણે રાઉન્ડ જ કેમ બનાવીએ છીએ? જાણો સર્કલનું સાયન્સ ને વર્તુળનો વિચાર!

By GS Team
18 Oct 202612 mins read
ગરબે રમતા આપણે રાઉન્ડ જ કેમ બનાવીએ છીએ? જાણો સર્કલનું સાયન્સ ને વર્તુળનો વિચાર!
  • સ્પેક્ટ્રોમીટર-જય વસાવડા
  • પૃથ્વી ગોળાકાર કેમ છે? પુષ્પ હોય કે પરપોટો નેચરમાં કેમ બધું કર્વ્ઝમાં હોય? રાઉન્ડ શેપના રહસ્યો શોધવાનો ઈતિહાસ જાણો છો ? ગોળાકારનું ગણિત અને ગતિમાં વર્તુળનું વિજ્ઞાન શું છે?

ર મતો ભમતો જાય આજ માનો ગરબો ઘૂમતો જાય… ચરરર ચરરર મારું ચકડોળ ચાલે… ફરરર ફરરર ફુદરડી…
ગરબા રસના ગ્રાઉન્ડ સાથે રાઉન્ડ રમતું સર્કલ જોડાયેલું છે. મોટે ભાગે માતાજીનું વચ્ચે સ્થાપન હોય ને ગોળ બધા એની આસપાસ રાસ રમે. મોટા ગ્રાઉન્ડ કે પાર્ટી પ્લોટમાં પણ મોજથી રમનારાઓને ફાઈનલ રાઉન્ડ માટે સર્કલ બનાવવાનું જ કહેવાય. ઘણા પોતપોતાનો નાનો ઘેર વળે. ગરબે રમવાની વાત આવે એટલે ગોળ ગોળ ઘૂમવું ફરજીયાત થઇ જાય. ઘણા ઉસ્તાદ ખેલૈયા તો પોતે એકલા એકલા ગોળ ફુદરડી ફરતા સ્ટેપ્સ લે. ઘણી નવરાત્રિ માટે સ્પેશ્યલ ચણિયાચોળી સીવડાવીને ફરતી છોકરીઓ ખાસ ધ્યાન રાખે કે એના ઘાઘરાનો ગોળ ઘેર રીલમાં બરાબર આવે. માટી કે ધાતુનો કુંભ યાને ગરબો પોતે તો જાણે ગોળાકાર હોય જ.
તો આ ગરબો વર્તુળમાં જ કેમ લેવાય કાયમ એવો સવાલ કદી થયો છે ? વધુ આગળ કલ્ચરમાં સાયન્સનો વઘાર કરીએ તો જગતમાં ઘણું બધું ગોળ કેમ છે ને ગોળ ગોળ જ કેમ ફરે છે ?


વર્તુળ એટલે એક એવો આકાર જેને આખી દુનિયા જાણે છે. ખૂણાઓ કે ખાંચાઓ વિનાનો, એકદમ પરફેક્ટ અને સપ્રમાણ ગોળ આકાર! આમ તો દુનિયા જ લિટરલી ગોળ છે. (આકાશમાં જઈને જુઓ તો પૃથ્વી દેખીતી ગોળ જ છે પણ બે છેડે નારંગી જેવી જરા ચપટી.) ભૂમિતિ ભણવામા ધ્યાન આપ્યું હોય તો યાદ હશે કે વર્તુળ એ એક દ્વિપરિમાણીય યાને ટુ ડી કે ત્રિપરિમાણીય થ્રીડી ભૌમિતિક આકાર છે. જેનું દરેક બિંદુ એક મધ્યબિંદુથી સમાન અંતરે આવેલું હોય છે. તેની ફરતે આવેલી વળાંકવાળી રેખાને 'પરિઘ' (સર્કમફરન્સ) કહેવાય છે. કેન્દ્રથી પરિઘ સુધીના અંતરને 'ત્રિજ્યા' (રેડિયસ) કહેવાય છે, અને કેન્દ્રમાંથી પસાર થતી આખી લીટીના અંતરને 'વ્યાસ' (ડાયામીટર) કહે છે, જે ત્રિજ્યા કરતાં બરાબર બમણો હોય છે.
રાસના ગ્રાઉન્ડ પર વારંવાર બોલાય એ ગોળાકાર માટેનો અંગ્રેજી શબ્દ સર્કલ લેટિન શબ્દ 'સર્કસ' પરથી ઉતરી આવ્યો છે, જેનો અર્થ જ થાય છે 'રિંગ' અથવા 'ગોળાકાર રેખા.' રોમન લોકો આ શબ્દનો ઉપયોગ રમતો, પ્રદર્શનો અને રેસિંગ માટેના ગોળ મેદાનો દર્શાવવા માટે કરતા હતા. ગ્રીક ભાષામાં તેનો સમાન શબ્દ 'કિર્કોસ' છે. ચક્ર યાને પૈડું માણસની એઆઈ કે ઈન્ટરનેટ જેવી લાઇફ ચેન્જિંગ ખોજ હતી. પણ વર્તુળ તો કુદરતમાં માણસે અસ્તિત્વના ઉદ્ભવથી નિહાળેલું. ૪૦૦૦ વર્ષથી પણ વધુ સમય પહેલાં, ઇજિપ્તવાસીઓ અને મેસોપોટેમિયનોને ભૂમિતિ અને વર્તુળ વિશે સારી એવી સમજ હતી. એ વખતે બેબીલોનિયન લોકોએ તો વર્તુળનું ક્ષેત્રફળ ગણવાની રીત પણ શોધી કાઢી હતી. ઇ.સ. પૂર્વે ૬૫૦ની આસપાસ થેલ્સે સર્કલના સિદ્ધાંતોની શરૂઆત કરી.
સદીઓ પછી, 'ભૂમિતિના પિતા' ગણાતા ગ્રીક ગણિતશાસ્ત્રી યુક્લિડે તેમના પુસ્તક 'એલિમેન્ટ્સ' (બૂક થ્રી) માં વર્તુળના ગુણધર્મોને સાચી વૈજ્ઞાનિક રીતે સમજાવ્યા. એણે જ ત્રિજ્યા, વ્યાસ અને કેન્દ્ર જેવા શબ્દોની વ્યાખ્યા આપીને ભૂમિતિનો એવો મજબૂત પાયો નાખ્યો, કે એના નામ વગર ગણિતની ટેક્સ્ટબુક શક્ય જ નથી. વિમાન કે સેટેલાઇટ વિના પણ પશ્ચિમમાં ગ્રીકોએ પહેલી વાર વિચાર્યુંં કે ધરતી એક ગોળો છે !
આશરે ૨૫૦૦ વરસ પહેલા પ્રમેયને લીધે ખ્યાતનામ ગ્રીક ગણિતશાસ્ત્રી પાયથાગોરસે ચંદ્રગ્રહણના અવલોકનો પરથી પૃથ્વીના ગોળાકાર આકારનું સૂચન કર્યું. એના અઢીસો વર્ષ પછી ગ્રીક ખગોળશાસ્ત્રી ઇરેટોસ્થેનિસે ઇજિપ્તના સાયેન અને એલેક્ઝાન્ડ્રિયાથી મળેલાનિરીક્ષણો પરથી પૃથ્વીને ગોળ સમજીને એનો ઘેરાવો માપવાની કોશિશ કરી.
પણ પાયથાગોરસનો સમકાલીન એવો ગ્રીક ફિલોસોફર હતો પરમેનાઈડસ. એણે તર્ક લડાવેલો કે પૃથ્વી તો પૂર્ણ જ હોય. ખંડિત નહિ અને સૌથી પૂર્ણ સપ્રમાણ આકાર તો ગોળ છે. એટલે પૃથ્વી ગોળ હોવી જોઈએ ! એ જ અરસામાં અઢી હજાર વર્ષ પહેલા આપણા ભારતના મહાન ગણિતશાસ્ત્રી આર્યભટ્ટે 'આર્યભટીય' નામનો ગ્રંથ લખ્યો, જેમાં દશાંશ પદ્ધતિ અને ગોલક (સ્ફીઅર) વિશે ઊંડી ચર્ચા છે. 'ધ ગ્રેટ જીઓમીટર' તરીકે ઓળખાતા એપોલોનિયસે 'કોનિક્સ' નામનું પુસ્તક લખ્યું, જેમાં તેમણે પેરાબોલા, ઇલિપ્સ (લંબગોળ) અને હાઇપરબોલા જેવા શબ્દો અને તેના ખ્યાલો રજૂ કર્ર્યા.
રોમન યુગ દરમિયાન, ઇજનેરો અને આર્કિટેક્ટ્સે બાંધકામમાં ભૂમિતિનો અદ્ભુત ઉપયોગ કર્યો. રોમના જગવિખ્યાત કોલોઝિયમ અને કમાનો (આર્ચ) હજુ તેની સાક્ષી પૂરે છે. ગોળાકાર આકારો અને ગુંબજોના ઉપયોગથી ઇમારતો માત્ર સુંદર જ નહોતી દેખાતી, પણ ખૂબ જ મજબૂત પણ બનતી. ૮મી થી ૧૪મી સદી દરમિયાન, ઇસ્લામના સુવર્ણકાળમાં અલ-હૈથમ (ઓપ્ટિક્સના પિતા) અને અલ-ખ્વારિઝમી (બીજગણિતના પિતા) જેવા વિદ્વાનોએ માનવજાતના વારસા જેવા પ્રાચીન ગણિતને સાચવ્યું અને તેમાં વધારો કર્યા. તેમણે પણ શંકુ અને વર્તુળના ગુણધર્મોનો ઊંડો
અભ્યાસ કર્યો.
૧૪મી થી ૧૭મી સદી દરમિયાન યુરોપમાં રેનેસાંની ક્રાંતિ થઈ અને કલા તથા વિજ્ઞાનનો પવન ફૂંકાયો. જિનિયસ આર્ટીસ્ટ એન્ડ સાયન્ટિસ્ટ લિયોનાર્દો દ વિન્ચીએ માત્ર મોનાલિસામાં ગાલ ગોળ ન્હોતા જોયા, પણ તેમણે પાણીના વમળ અને પ્રકૃતિમાં જોવા મળતા ગોળ આકારોનું ખૂબ જ ઝીણવટભર્યું અવલોકન કરી ગ્રાફિક સાથે ડાયરી લખેલી !
૧૭મી સદીમાં 'આઈ થિંક ધેરફોર આઈ એમ' જેવું વિશ્વવિખ્યાત સૂત્ર આપનાર રેને દેકાર્તે બીજગણિત અને ભૂમિતિને જોડીને 'એનાલિટિકલ જિયોમેટ્રી'ની શરૂઆત કરી. ત્યારબાદ ૧૮મી અને ૧૯મી સદીમાં આઇઝેક ન્યુટન અને ગોટફ્રાઇડ લિબનિઝે 'કેલ્ક્યુલસ' (કલનગણિત)ની શોધ કરી, જેણે વર્તુળો અને વળાંકોના અભ્યાસને એક નવી જ દિશા આપી. જો કે જેમાં ઉલ્લેખ વિના ગોળાકારની ગાથા અધૂરી રહે એવા આજે પણ ભણવામાં આવતો સિમ્બોલ ''પાઇ'' !
ઘનતા માટે વિખ્યાત એવા સમીકરણનો જવાબ જડતા યુરેકા યુરેકા કહેતા ભાન ભૂલીને નગ્ન અવસ્થામાં બહાર દોડી ગયેલો ભેજાંબાજ ગણિતશાસ્ત્રી આર્કિમિડીઝ યાદ છે ? એ આર્કિમિડીઝે વર્તુળની અંદર અને બહાર બહુકોણ (પોલીગોન) દોરીને વર્તુળના ક્ષેત્રફળનો અંદાજ કાઢવાની એક અનોખી રીત શોધી. જેમ જેમ તેમણે બહુકોણની બાજુઓ વધારી, તેમ તેમ તેમની ગણતરી વર્તુળના સાચા ક્ષેત્રફળની વધુ નજીક પહોંચી. તેના પરથી એક ચોક્કસ નંબર મળ્યો, એને આજે આપણે ધપાઇધ તરીકે ઓળખીએ છીએ. સરળ શબ્દોમાં કહીએ તો, વર્તુળના પરિઘ અને તેના વ્યાસ વચ્ચેનો જે ગુણોત્તર (રેશિયો) છે, તે જ 'પાઇ' છે. વર્તુળ નાનું હોય કે મોટું બાવીસ સપ્તમાંશ અર્થાત આશરે ૩.૧૪ની ટકાવારી અચળ રહે છે કુદરતમાં. શા માટે ? બસ, એ જવાબ અકળ છે.


એક ક્ષણ માટે તમારી આસપાસ જુઓ. તમને કયા આકારો દેખાય છે?
કદાચ તમને કોઈ સિક્કો, ઘડિયાળ, થાળી, વાટકો કે પૈડું દેખાશે. ટામેટાં, લીંબુ, દ્રાક્ષ કે દાળ દેખાશે. લખોટી, બોલ કે રોટલી દેખાશે. મોબાઈલ છોડી જરા બહાર જઈને જુઓ, તમને હજી વધુ ગોળ આકારો જોવા મળશે : સૂર્ય, ચંદ્ર, ખાબોચિયામાં પડતા વમળ, ફૂલનો મધ્યભાગ, અથવા તો ઝાડના થડની અંદર જોવા મળતી રિંગ્સ (વલયો). ઈન્સ્ટાગ્રામની રીલમાં સિડની સ્વિની જેવી માદક માનુનીઓ જુઓ. સુડોળ ગોળ સ્તનો અને નિતંબો દેખાશે ને એ જોઈ હોઠનો થતો પાઉટ પણ ગોળ, સ્કિન નહીં તો સ્ક્રીન પર ફરતાં ટેરવાં પણ ગોળ ! એ જોતી આંખના ડોળા ને કીકી પણ ગોળ ને આ વાંચતા માથું ખંજવાળી લો તો વાળ પણ મોટા ભાગના અંગોની જેમ કર્વ લેતા ગોળ ! અરે ગરણીની જેમ જે ચક્રવાત આવે ટોર્નેડો કે ટવીસ્ટર જેવો એ પણ ગોળ ફરતો હોય અને વરસાદ હોય કે ઝાકળ પાણીના ટીપાં પણ ગોળ જ છે. પ્રકૃતિ વર્તુળમાં જ વ્યક્ત થાય છે. યે દુનિયા ઘૂમ રહી હૈ ગોલ ગોલ ગોલ ગોલ !
ના, આ કોઈ અમસ્તો સંયોગ નથી. ટોયલેટ ને ટાયર પણ ગોળ. પિત્ઝા ને રોટલો ગોળ. શૂન્ય પણ ગોળ ને ઓમ પણ કર્વવાળો રાઉન્ડ ! બાળક જન્મે ત્યારે એનો ચહેરો રાઉન્ડ શેપ જ હોય. બટાકાવડા કે પેંડા, ઘારી કે પતાસાં પણ ગોળ ! મોટા ભાગના ફળો તડબૂચથી ટેટી, જામફળથી ચીકૂ સુધી બધા ગોળ, સ્ક્વેર સાઈઝમાં કપાતા કાગળ પણ પેક થાય ગોળ રીમ યાને ભૂંગળામાં. સ્ટ્રો હોય કે કપરકાબી. યાદી કરીને હાંફી જશો એટલા ગોળાકાર આસપાસ દેખાશે. નાના સાબુના પરપોટાથી લઈને આખેઆખા ગ્રહો સુધી, ગરબાની ફુદરડીથી આકાશગંગાઓના પથારા સુધી આ બ્રહ્માંડમાં ચોરસ કે ત્રિકોણનો બદલે આઈફોન ટાઈપ કર્વ્ઝ ધરાવતા ગોળ આકારો જ વારંવાર કેમ જોવા મળે છે તેની પાછળ નક્કર વૈજ્ઞાનિક કારણો છે !
પ્રકૃતિમાં વર્તુળો એટલા માટે જોવા મળે છે કારણ કે તે અસ્તિત્વમાં રહેલા સૌથી સંતુલિત અને કાર્યક્ષમ આકારોમાંનો એક છે. બેલેન્સ્ડ એન્ડ એફિશિયન્ટ. નેચરમાં ઘણા ફોર્સીઝ બધી જ દિશાઓમાં સમાન રીતે કામ કરે છે. જ્યારે આવું થાય છે, ત્યારે જે આકાર બને છે તે મોટેભાગે વર્તુળ કે ગોળાનો જ હોય છે. પાણીના એક ટીપાંનો જ વિચાર કરો. પાણીના અણુઓ એકબીજા તરફ ખેંચાય છે. તેઓ જે સૌથી આસાન અને સમાન આકાર બનાવી શકે છે તે ગોળાકાર છે. પાણીના ટીપાં કે પરપોટા ગોળ છે કારણ કે, વર્તુળ કોઈપણ વસ્તુને કેન્દ્રબિંદુની આસપાસ સમાન રીતે ફેલાવે છે, જેથી ઊર્જાને ઇકવલી ડિસ્ટ્રીબ્યુટેડ રાખવાનો કુદરતી ધારો હોય ત્યારે આ આકાર શ્રેષ્ઠ સાબિત થાય ! પરપોટો જેમ સરફેસ ટેન્શન યાને પૃષ્ઠતાણ ને લીધે ગોળાઇ ધારણ કરે છે, જેમ એની સપાટી સેન્ટર તરફ ખેંચાયેલી રહે છે, એ જ રીતે તમામ ગ્રહો પણ ગુરુત્વાકર્ષણને કારણે ગોળ હોય છે.
ગુરુત્વાકર્ષણ બધું જ પદાર્થના કેન્દ્ર તરફ ખેંચે છે. જ્યારે કોઈ ગ્રહની રચના થાય છે, ત્યારે ગુરુત્વાકર્ષણ દ્રવ્ય(મેટર)ને બધી દિશાઓમાંથી સમાન રીતે ખેંચે છે. સમય જતાં, આ પ્રક્રિયા ગ્રહને એકદમ ગોળ સ્ફીઅર બનાવી દે છે. યાને માતાજીની આ જ ઈચ્છા છે કે ગરબાના ઘડાની જેમ બધું કર્વમાં ગોળાકાર રહે !
અવકાશમાં રહેલા નાના પદાર્થો-જેમ કે એસ્ટરોઇડ્સ (લઘુગ્રહો) મોટેભાગે ખરબચડા કે આડાઅવળા દેખાય છે. તેમનું ગુરુત્વાકર્ષણ એટલું મજબૂત નથી હોતું કે તે તેમને ગોળ આકાર આપી શકે. યાને જેમાં ગોળ વળાંકો નથી એ એટલું સુંદર પણ નથી ! ઘણી વનસ્પતિઓ કેન્દ્રબિંદુથી બહારની તરફ વિકસે છે, જે કુદરતી રીતે જ વર્તુળાકાર પેટર્ન બનાવે છે. ઘણા સજીવો પણ ગોળ વળાંકોને લીધે ક્યૂટ લાગે છે. જ્યારે કોઈ ઝાડ ઉગે છે, ત્યારે તે દર વર્ષે એક નવું પડ ઉમેરે છે. સમય જતાં આ પડ રિંગ્સ બનાવે છે જે પાણીના વમળની જેમ બહારની તરફ ફેલાય. જેનો અભ્યાસ કરતા ઝાડની ઉંમર અને ભૂતકાળની આબોહવાની સ્થિતિ વિશે માહિતી મળે !
રત્નો કે ખનીજના ક્રિસ્ટલ્સ ચોરસ દેખાય ખાંડની જેમ. પણ જ્વેલેરી માટે એને કર્વમાં કાપવા પડે. અને અંદર અણુ પરમાણુ પ્રોટોન ઈલેક્ટ્રોન તો ગોળ જ હોય ! એ પ્રદક્ષિણા પણ ગોળ જ ફરતા હોય. આપણું શરીર પણ કોષનું બનેલું છે જેનું ન્યુક્લીયસ જુઓ તો વળી ગોળ જ નીકળે ! બ્રહ્માંડમાં ચક્રગતિ છે. સીધી લીટી રસ્તા જેવી દેખાય એ પણ ગોળ બિંદુઓની બનેલી હોય !
તો ગરબો હોય કે ગ્રહો, બધાનો પ્રદક્ષિણાપથ ગોળાકાર જ કેમ હોય ? આસ્ક સાયન્સ.


ગતિમાન વસ્તુઓ માત્ર ત્યારે જ ગોળાકાર માર્ગ (સર્કલ) બનાવે છે. જ્યારે તેઓ સીધા જવાનો પ્રયાસ કરતી હોય, પરંતુ તેમને સતત કોઈ સેન્ટર પોઈન્ટ તરફ ખેંચવામાં આવતી હોય ! ફિઝીક્સનો નિયમ કહે છે કે કોઈપણ ગતિમાન વસ્તુ હંમેશા સીધી રેખામાં જ ચાલવા માંગે છે, જ્યાં સુધી કોઈ બાહ્ય બળ (ફોર્સ) તેને અટકાવે નહીં. આ ગોળાકાર માર્ગ એક ખાસ ખેંચતાણ (ટગ ઓફ વોર) ને કારણે બને છે. એક છે જડત્વ (ઇનર્શિયા) જેને લીધે વસ્તુ સ્થિર હોય સ્થિરતા અને હોય ગતિમાં હોય તો ગતિશીલતા જાળવી રાખવાનો પ્રયાસ કરે એ સ્થિતિ. બીજું છે, કેન્દ્રગામી બળ સેન્ટ્રીપેટલ ફોર્સ યાને કેન્દ્ર તરફ ખેંચાણ ઉભું કરતો બાહ્ય ફોર્સ. આ અંદરનું ખેંચાણ આગળની ગતિના બરાબર લંબ(પરપેન્ડીક્યુલર) હોવાથી એ ઝડપ નહિ પણ માત્ર તેની દિશા બદલે છે. આવું દર માઇક્રોસેકન્ડે સતત થયા કરે. એટલે જરાક જરાક સ્ટેપ ફરતા હો ત્યારે કદમ સીધી લીટીમાં પડે, પણ અંતે ધીરે ધીરે વર્તુળ રચાતું જાય એમ આ વળાંકવાળો રસ્તો એક પરફેક્ટ સર્કલ (ગોળાકાર)નું રૂપ ધારણ કરે ! આના માટે કોઈ સેન્ટર પોઈન્ટ તરફનું ખેંચાણ જોઈએ. ગરબે ઘૂમતી વખતે વચ્ચે મુકેલી ગરબીને કે અમુક જગ્યાએ કંઈ ના હોય તો શૂઝનો ઢગલો કરે એને સેન્ટર બનાવી બધા ફરે એટલે સુષુપ્ત માનસિક દબાણ રહે ગોળાકાર રચવાનું સબકોન્શ્યસ માઈન્ડમાં પ્રેશર રહેવાનું. જસ્ટ ઈમેજીન કે, તમે દોરીથી બાંધેલા દડાને ગોળ ફેરવો છો. જો તમે દોરી છોડી દો, તો દડો ગોળ ફરતો રહેશે ? ના, એ સીધી રેખામાં દૂર ફેંકાઈ જશે. કારણ કે ફિઝીક્સ મુજબ ગોળાકાર માર્ગ માત્ર ત્યાં સુધી જ જળવાઈ રહે, જ્યાં સુધી દોરી તેને અંદરની આંગળી તરફ ખેંચે !
આ વિજ્ઞાન પૃથ્વી ફરતે ચક્કર લગાવતા ચંદ્રને પણ લાગુ પડે. અને રોડ પર જયારે ટર્ન લો ત્યારે કારને આગળ લઇ જતી સ્પીડને ટાયર ને રોડ વચ્ચેનું ઘર્ષણ યાને ફ્રિકશન અંદર તરફ ધકેલે એ દ્રશ્યને પણ લાગુ પડે. મેરી ગો રાઉન્ડમાં આકાશમાં ફંગોળાતી પાલખીને પણ લાગુ પડે. કોઈ વસ્તુ જેટલી ઝડપમાં હોય, તેને સીધા રસ્તા પર જતા રોકવા અને સર્કલમાં જાળવી રાખવા માટે એટલું જ મજબૂત અંદરનું કેન્દ્ર તરફનું ખેંચાણ જોઈએ.
પણ ધરી પર ફરતા ભમરડામાં કે સિંકમાં ગોળ ફરીને પાઈપમાં ઉતરતા પાણીમાં ગોળ ફરવાની સ્પીડ દેખાય એમાં ગુરુત્વાકર્ષણ નીચે પાડવા મથતું હોય. પણ ફરતી ગતિ એને સીધું રાખે. જેમ ગતિ ગુમાવે એટલે એ નીચે પડવા લાગે. મુખ્ય સિદ્ધાંત એક જ છે - વસ્તુઓ સીધી રેખામાં જ ગતિ કરવા માંગે છે, પરંતુ હવાનું દબાણ, પરિભ્રમણ યાને રોટેશન અથવા પૃથ્વીની ગતિ તેમને એક સુંદર અથવા શક્તિશાળી રાઉન્ડ સર્કલમાં ઢાળી દે છે. આઈસ સ્કેટરને ફુદરડી ફરવી હોય તો ફેલાયેલા હાથ ભેગા કરે કે તરત સ્પીડ વધી જાય એન્ગ્યુલર મોમેન્ટમ/કોણીય વેગમાનનું સંરક્ષણ લાગુ પડે. અને વંટોળિયો કોરોલિયસ ઈફેક્ટને લીધે ગોળ ડમરી ચડાવે. (હવે એ શું એવું પૂછવું પડે એનો અર્થ એ કે સાયન્સને બદલે ધામક કે ચાંપલાઘેલા મેસેજો વાંચવામાં જિંદગી કાઢી છે!) જ્યારે કોઈ પૈડું કે ભમરડો ખૂબ જ ઝડપથી ધરી પર ફરે છે, ત્યારે તે અવકાશમાં પોતાની દિશા બદલવાનો સખત વિરોધ કરે છે. એને હલાવવા જાવ તો પણ અકબંધ રહેવા કોશિશ કરશે, રાસ રમતા ભાન ભૂલેલા ખેલૈયાનો ધક્કો તમને લાગી જાય એ ફરતા રહે એમ !
આ સાયન્સ છે જાયરોસ્કોપિક ઇનર્શિયા. સ્માર્ટફોનમાં સ્ક્રીન રોટેટ થાય છે ને પોઝીશન બદલાવો હાથમાં એમ આડી ઉભી. એ કેમ થાય છે એનો વિચાર કર્યો છે? એમાં ટચૂકડી જાયરોસ્કોપ ચિપ હોય છે જે દ્રશ્યને એકસરખું રાખવા મથે છે આંખ સામે. બંદૂકની ગોળી પણ નળીની અંદરના વળાંકને લીધે સીધી લીટીમાં દૂર સુધી ભમરડાની જેમ ખુદની ધરી પર ગોળ ફરતી જાય છે. અને સાયકલના ટાયર પણ સ્પીડમાં હોય ત્યારે એમ જ બેલેન્સ જાળવે છે એટલે આપણે પડી નથી જતા ! ન્યુટન હી ન્યુટન હૈ જહાં ભી દેખો !


જે રાઉન્ડ છે એ પૂર્ણ છે. સ્ત્રીનું વક્ષ હોય કે ઘટાદાર વૃક્ષ ! જીમમાં જાવ તો હેલ્થ સુધરતા માટલા જેવી ફાંદ ઘટે તો ગોળ નાભિ સરખી દેખાય, પણ હિપ્સ ફૂલ રાઉન્ડ બને. જુના જમાનાના ચાંદલાની જેમ કે ગોળાકાર રચતા ગરબા જુઓ ત્યારે વિજ્ઞાન અઘરું લાગે તો એટલું વિચારજો કે ભારતીય તત્વજ્ઞાન મુજબ સમયનો પ્રવાહ સીધી લીટીમાં નથી. કાળચક્ર છે. જન્મ, મૃત્યુ, પુનર્જન્મ એમ નિરંતર ચક્ર ચાલતું જ રહે છે. જે અનંત છે. ને શૂન્યથી ભાગો એટલે અનંત ઈન્ફિનીટી જ આવે ! સૂર્યની ઉર્જા ફરતે ગ્રહો ગરબા જ રમે છે ને આમ તો !
આમ પણ ગોળાકારમાં કોઈ આગળ નથી, કોઈ પાછળ નથી. કોઈ ઉપર નથી. કોઈ નીચે નથી. બધા જ સમાન છે. પૂરી હોય કે ફુગ્ગો, ગોળાકાર સમાનતાનો આકાર છે. આગળ વાંચ્યું ને, એમાં ઉર્જા સરખા ભાગે વહેંચાય છે. એટલે શૂન્ય માટે જગતે એ પસંદ કર્યો છે ને શૂન્ય થઇ શકે એ પૂર્ણ થઇ શકે એવી સંકલ્પના ભારતે આપી છે. ગરબાના સર્કલની જેમ માનવજાતનું જ્ઞાન પણ આ એકબીજા સાથે જોડાયેલું અને એટલે અનંત છે!

ફાસ્ટ ફોરવર્ડ

સંબંધ રાખો તો વર્તુળ જેવો,
વર્તુળને હોય છે કદી છેડો ?