બીજા દેશોમાંથી ડોક્ટરની ડીગ્રીઓ લઈને આવેલા Doctors કેવી કફોડી હાલતમાં ?!

- લપછપ-કૌશિક કુમાર દીક્ષિત
- FMGE આપીને 300માંથી 255 ઉપર માર્ક્સ હજુ સુધી કોઈ તબીબને મળ્યા નથી…!
- 2020ના વર્ષથી FMGE વર્ષમાં બબ્બે વાર લેવાતી રહી છે… અંતિમ ૨૪ વર્ષમાં ૩૯.૬૦%થી વધુ પરિણામ કદાપિ આવ્યું નથી!… શું, પરદેશમાંથી તબીબી Degree લઈને આવેલા વિદ્યાર્થીઓને FMGEના પ્રશ્નોવાળું સાહિત્ય ભણવાનું આવ્યું નહિ હોય ?
ભા રત બહાર બીજા દેશોમાં જઈને મેડિકલની ડીગ્રીઓ લઇ આવી ભારતમાં મેડિકલ પ્રેક્ટીસ કરીને તબીબી કારકિર્દી બનાવવાનાં સપનાં જોઈ રહેલા વિદ્યાર્થી વર્ગની જે કફોડી હાલત છેવટે થાય છે તે ઉપર ઝીણવટથી વિચાર-અભ્યાસ કરવો બહુ જ જરૂરી છે. મેડિકલ અભ્યાસ માટે દેશના વિદ્યાર્થીઓએ માત્ર બે જ સંજોગોમાં દેશ બહાર જવું પડે છે…એક તો, જેઓને અહિ આપણા દેશનું શિક્ષણ નબળું લાગી રહ્યું છે અને તેમાં દમ નહિ હોવાની માન્યતા સાથે તેઓ દેશને બદલે બીજા દેશોમાં ભણીને આવવાનું પસંદ કરે છે. અને બીજું કે, જેઓને અહિ દેશની મેડિકલ કોલજોમાં પ્રવેશ લેવાના ફાંફા પડી રહ્યા હોય - ધો.૧૨માં ટકાવારી ઓછી આવી હોય એટલે વટ રાખવા માટે ફરજીયાતપણે તેઓએ ભારત બહાર જઈને જે-તે રીતે મેડિકલ અભ્યાસ કરવા જવું પડે છે. બંને સંજોગોમાં ભારત બહાર જઈને મેડિકલ અભ્યાસ કરી આવ્યા બાદ જયારે તે દેશોમાં મેડિકલ પ્રેક્ટીસ માટે ઉજળી તકો માલમ નહિ પડી રહી હોય ત્યારે વિદ્યાર્થી ભણીગણીને પાછો ભારતમાં આવી જાય છે ને તબીબી પ્રેક્ટીસ કરવા આગળ વધે છે…પણ, ત્યાં તેને ભારત સરકાર એક પરીક્ષા પાસ કરવાની ફરજ પાડે છે. જ્યાં સુધી બહાર બીજા દેશમાંથી ડોક્ટર બનીને આવેલો વિદ્યાર્થી આપણા દેશની આ પરીક્ષા પાસ નહિ કરે ત્યાં સુધી તેને મેડિકલ પ્રેક્ટીસ કરવાની મંજૂરી મળતી નથી !
FMGE શું છે અને, તે કોણ Conduct કરે છે ?
ફોરેન મેડિકલ ગ્રેજ્યુએટ એક્ઝામિનેશન સંક્ષેપમાં 'એફએમજીઈ' તરીકે ઓળખાય છે. ભારત બહાર બીજા દેશમાંથી મેડિકલ અભ્યાસ કરીને પરત આવેલ દરેક વિદ્યાર્થીએ આ પરીક્ષા પાસ કરવી પડે અને, તો જ તેને ભારતમાં મેડિકલ પ્રેક્ટીસ કરવાની અથવા મેડિકલ ક્ષેત્રે વધુ અભ્યાસ કરવાની છૂટ સરકાર દ્વારા મળે છે. આ પરીક્ષા એન.બી.ઈ.એમ.એસ.(નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશન ઇન મેડિકલ સાયન્સીસ) તરફથી લેવામાં આવે છે. આ પરીક્ષા માત્ર ભારતના નાગરિકો માટે જ હોય છે એટલું જ નહિ પણ, જેઓ ઓ.સી.આઇ. એટલે કે ઓવરસીઝ સિટીઝન્સ ઓફ ઇન્ડિયા છે તેઓ પૂરતી મર્યાદિત રહે છે. બીજા દેશના નાગરિકો ડોક્ટર હોય તો તેઓ માટે આ પરીક્ષા આપવાની જોગવાઈ આપણે ત્યાં નથી.
આ પરીક્ષા વર્ષમાં બે વાર જૂન અને ડિસેમ્બર દરમ્યાન લેવામાં આવે છે.
FMGE પરીક્ષાઓ
કેવા પ્રકારની હોય છે ?
એફ.એમ.જી.ઈ. બધું મળીને પાંચ કલાકની પરીક્ષા હોય છે અને, તેમાં ૩૦૦ બહુવિકલ્પીય (ઓબ્જેક્ટીવ) પ્રશ્નો હોય છે. ૧૫૦-૧૫૦ પ્રશ્નોનાં બે પેપર હોય છે. પરીક્ષા અંગ્રેજીમાં આપવાની હોય છે. આ પરીક્ષાની ખૂબી એ હોય છે કે, તેમાં નકારાત્મક અંકન નથી હોતું એટલે કે, કોઈ જવાબ ખોટો પડે તો વધારાના કોઈ માર્ક્સ કપાઈ જાય તેવું નહિ ! વિદ્યાર્થી તબીબે પાસ થવા માટે ૩૦૦માંથી ઓછામાં ઓછા ૧૫૦ માર્ક્સ મેળવવા પડે, એક સવાલ એક માર્ક્સનો હોય છે. જો, માર્ક્સ ૧૫૦ કરતાં ઓછા આવે તો તબીબ વિદ્યાર્થી નાપાસ થયો ગણાય અને તે તબીબ હોવા છતાં ભારતમાં પ્રેક્ટીસ કરવાની પરવાનગી તેને મળે નહિ-તેને વધુ તબીબી અભ્યાસ દેશમાં કરવા માટે પણ મંજૂરી નહિ મળે !
FMGE ના અભ્યાસક્રમ વિષે થોડુંક જાણવા-સમજવા જેવું !
એફ.એમ.જી.ઈ. પરીક્ષામાં અભ્યાસક્રમ એમ.બી.બી.એસ.નો જ હોય છે અને, કયા-કયા વિષયોમાંથી કેટલા માર્ક્સના પ્રશ્નો પૂછવામાં આવે તે પણ સમજવા જેવું છે. શરીર રચના (૧૭ માર્ક્સ),શરીર ક્રિયા વિજ્ઞાન (૧૭ માર્ક્સ), જીવ રસાયણ (૧૭ માર્ક્સ),વિકૃતિ વિજ્ઞાન (૧૩ માર્ક્સ),માઈક્રો બાયોલોજી (૧૩ માર્ક્સ્), ઔષધ વિજ્ઞાન (૧ર માર્ક્સ), ફોરેન્સિક દવા(૧૦ માર્ક્સ), દવાઓ(૩૩ માર્ક્સ), મનોચિકિત્સા(પાંચ માર્ક્સ), ત્વચા-યૌન વિજ્ઞાન(પાંચ માર્ક્સ), રેડિયો થેરેપી (પાંચ માર્ક્સ), જનરલ સર્જરી (૩૨ માર્ક્સ), એનેસ્થેસિયા(પાંચ માર્ક્સ), હાડકાં (પાંચ માર્ક્સ), રેડિયો ડાયગ્નોસિસ(પાંચ માર્ક્સ), બાળકોની દવાઓ (૧૫ માર્ક્સ), નેત્ર વિજ્ઞાન (૧૫ માર્ક્સ), ઓટોર્હીનોલેરીન્ગોલોજી(૧૫ માર્ક્સ), પ્રસુતિ- સ્ત્રીરોગ (૩૦ માર્ક્સ), સામુદાયિક ચિકિત્સા(૩૦ માર્ક્સ)… ૧ માર્ક્સનો ૧ સવાલ !
FMGE માં દર વર્ષે અંદાજે કેટલા તબીબો પાસ થાય છે ?
એફ.એમ.જી.ઈ. ઈ.સ. ૨૦૦૨થી લેવામાં આવી રહી છે…આમ, આ પરીક્ષાઓ દેશમાં શરુ થયાને નહિ-નહિ કરતાં ૨૪ વર્ષ વીતી ગયાં છે ! જૂન-૨૦૨૩ની પરીક્ષામાં માત્ર ૧૦.૨૦% પરિણામ આવ્યું હતું જે અત્યાર સુધીનું સૌથી ખરાબ પરિણામ ગણાય છે. અને, ડીસેમ્બર-૨૦૨૨ની પરીક્ષાનું પરિણામ અત્યાર સુધીનું શ્રેષ્ઠ પરિણામ ગણાય છે જે દરમ્યાન ૩૯.૬૦% વિદ્યાર્થીઓ પાસ થઇ શક્યા હતા. ખૂબીની વાત છે કે, ૩૦૦માંથી ૨૫૫ ઉપર હજુ સુધી કોઈના માર્ક્સ આવ્યા નથી !
FMGE અંતિમ પરિણામ Worst નહિ હોવા છતાં, કેમ વિવાદાસ્પદ બન્યું ?
એફ.એમ.જી.ઈ. ઈ.સ. ૨૦૨૬ (જૂન) પરીક્ષાનું એટલે કે, અંતિમ પરીક્ષાનું તાજેતરમાં જે પરિણામ આવ્યું તે સાવ નીચલા સ્તરનું નહિ ગણાવી શકાય કેમ કે, ૧૦.૨૦% પરિણામ તો આપણે ૨૦૨૩(જૂન) પરીક્ષાઓમાં જોઈ ચૂક્યાં છીએ ! ૨૦૨૬(જૂન)નું પરિણામ ૧૩.૫૮% રહ્યું…૩૭,૪૪૮ વિદ્યાર્થીઓ પૈકી ૫,૦૮૬ તબીબ વિદ્યાર્થીઓ આ પરીક્ષા પાસ કરી શક્યાં !
પરીક્ષા આ વખતે એટલા માટે વિવાદાસ્પદ બની કે, પરીક્ષામાં વિદ્યાર્થીઓને સ્વરૂપ બદલાઈ ગયેલું લાગ્યું ! અત્યાર સુધી પ્રત્યક્ષ સૈદ્ધાંતિક સવાલો પૂછવામાં આવતા જેને બદલે આ વખતે રોગી આધારિત નૈદાનિક બાબતોને સામેલ કરવામાં આવી ! આ વખતની પરીક્ષામાં ચિત્ર આધારિત અને વિડીયો આધારિત પ્રશ્નો પર વધુ જોર આપવામાં આવ્યું હતું જે માટે ઉમેદવારોની તૈયારી નહોતી. એફ.એમ.જી.ઈ.એ ચાલુ વર્ષે કરવટ બદલી છે જે દેશ બહારથી તબીબ થઈને આવેલા વિદ્યાર્થીઓને માફક નહિ આવ્યું ! આ વખતની પરીક્ષા દેશભરનાં કુલ ૭૫ શહેરોમાં લેવામાં આવી હતી…પરીક્ષા કેન્દ્રો પરીક્ષા આપવાને અનુકૂળ નહિ હોવાની પણ ફરિયાદો વિદ્યાર્થીઓ તરફથી આવી !
- હવે, જે પણ હોય તે…મુદ્દાના સવાલો એ ઊભો થાય છે કે…
બીજા દેશોમાંથી તબીબી અભ્યાસ કરીને આવેલા વિદ્યાર્થીઓ કેમ આટલી ઓછી સંખ્યામાં આ પરીક્ષા પાસ કરતા રહે છે ? શું, આપણા દેશનું તબીબી શિક્ષણ વધુ ઊંચું હશે ? બીજું કે, દર વર્ષે બે વાર આવડી મોટી ટકાવારીમાં જે તબીબ વિદ્યાર્થીઓ નાપાસ થતા રહે છે તેઓ છેવટે તબીબી કારકિર્દી બનાવવા કયા રસ્તે જતાં હશે ? સરકાર સ્વયં આ પરીક્ષાને અઘરી બનાવે છે કે પછી, પરદેશ તબીબીનું ભણીને આવેલા વિદ્યાર્થીઓ જ તબીબ થવાને સુપાત્ર નહિ હોય ?
સંગીતકાર પ્યારેલાલનાં પત્ની સ્વ.સુનીલાના જીવનની ચાર અંગત વાતો !
- 'પ્યારેલાલ તો નામ કે હૈં, બાકી ઉનકે અંદર ગુસ્સા બહુત ભરા હુવા હૈ' એવું હમેશા કહેતાં…
- લતા મંગેશકરને પ્યારેલાલનાં પત્ની સુનીલા જીવનમાં કદી રૂબરૂમાં મળ્યાં નહિ !… સુનીલાએ જીવનમાં એક જ વાર 'મૈં હૂં પરિયોં કી રાની…' ગીત કોઈ પારીવારિક પ્રસંગમાં રાતે ગયેલું જેને પગલે બીજે દિવસે પ્યારેલાલને તાવ ચડયો હતો જે બે-ચાર દિવસે ઉતર્યો હતો…
હેપ્પી બર્થ ડે ટુ યૂ
સુનીતા ! હેપ્પી બર્થ ડે ટુ યૂ
બાર બાર દિન યે આયે
બાર બાર દિલ યે ગાયે
તૂ જીયે હઝારોં સાલ
યે મેરી હૈ આરઝૂ
- આ ગીત ગાયા વગર કોઈ પોતાની વર્ષગાંઠ ઉજવે તો તે વર્ષગાંઠ અધૂરી ઉજવાયેલી ગણાય ! સાઠેક વરસ પહેલાં એક હિન્દી ફિલ્મ રિલીઝ થઇ હતી જેનું નામ હતું 'ફર્ઝ' અને તેમાં નાયક-નાયિકા તરીકે જીતેન્દ્ર-બબીતાએ અભિનય કર્યો હતો. ફિલ્મમાં લક્ષ્મીકાંત-પ્યારેલાલનું સંગીત હતું…તે 'ફર્ઝ' ફિલ્મનું આ ગીત છે ! ફિલ્મને ૬૦ વર્ષ વીતી ગયા પછી પણ, તેનું ગીત આજે પણ તાજું લાગી રહ્યું છે. ગીતમાં 'સુનીતા'નું નામ આવે છે તે સુનીતા ફિલ્મમાં મુખ્ય નાયિકા હોય છે, બબીતા 'ફર્ઝ'માં સુનીતા બની હતી…આ ગીત એટલા માટે યાદ આવ્યું કે, હમણાં થોડા જ દિવસો પર સંગીતકાર લક્ષ્મીકાંત-પ્યારેલાલ પૈકી પ્યારેલાલ શર્માનાં પત્ની સુનીલા ગુજરી ગયાં. પ્યારેલાલ હજુ હયાત છે. પ્યારેલાલનાં પત્ની સુનીલા મઝાકમાં એવું ઘણી વાર કહેતાં કે, 'હેપ્પી બર્થ ડે' વાળું ગીત હકીકતમાં મને ઉદ્દેશીને પ્યારેએ બનાવ્યું છે પણ, ગીતમાં એણે 'સુનીલા'ને બદલે 'સુનીતા' કરી દીધું છે !
લક્ષ્મીકાંતને સ્વર્ગે સિધાવ્યાને ૨૮ વરસ થઇ ગયાં… લક્ષ્મીકાન્તનો વિરહ ૨૮-૨૮ વરસથી ભોગવી રહેલા પ્યારેલાલને પત્નીનો વિરહ પણ હવે, ભોગવવાનો આવ્યો. પ્યારેલાલ હાલ ૮૬ વર્ષના છે,એમનાં પત્ની પંદર-વીસ દિવસ પર જ ૭૮ વર્ષની વયે મૃત્યુ પામ્યાં.
એક બહુ જ ગમ્મત પડે તેવી વાત છે.
સુનીલાનું કુટુંબ હુબલીથી મુંબઈ સ્થાયી થયું. વિદ્યાભ્યાસ દરમ્યાન પ્યારેલાલની એક બહેન (જેનું નામ સુનીલાએ બતાવ્યા મુજબ વિજયા હતું) જોડે દોસ્તી થઇ હતી. વિજયાએ એક દિવસ સુનીલાને પૂછી લીધું કે, તૂ મેરે ભાઈ કે સાથ શાદી કરેગી ? ત્યારે તો, વાત સુનીલાએ બહુ ગંભીરતાથી નહિ લીધી. નાટયકાર ગિરીશ કર્નાડ તે સુનીલાના મામા થાય. એક વાર ગીરીશ કર્નાડ સાથે સુનીલાની મા લક્ષ્મીકાંત-પ્યારેલાલનું કોઈ રીહર્સલ ચાલી રહ્યું હતું ત્યાં ઓચિંતા જઈ ચડયાં…તે દરમ્યાન, એમણે પ્યારેલાલને પૂછયું કે, યે સબ તો ઠીક હૈ મગર આપ કામ ક્યા કરતે હૈં ? વિચાર કરો કે, તે વખતે ખ્યાતનામ થઇ ગયેલા સંગીતકાર પ્યારેલાલ શું કામ કરીને કમાઈ રહ્યા છે તે ગિરીશ કર્નાડને ખબર નહોતી ! જે મશહૂર સંગીતકાર જોડે સુનીલા પરણે તેવી સંભાવના હતી તે સંગીતકાર વિષે પણ સુનીલા ખાસ કશું જાણતી નહોતી ! તે વખતે સુનીલા એક માત્ર સંગીતકાર બેલડી શંકર-જયકિશન નામથી જ પરિચિત હતી…! સુનીલાના પિતાએ પ્યારેલાલ સાથે દીકરીનું લગ્ન કરવું નહોતું, તેઓ પુત્રીનાં લગ્ન પોતાની જ્ઞાતિ(કોંકણી બ્રાહ્મણ)માં જ થાય તેવું ઇચ્છતા હતા. જયારે, પ્યારેલાલનાં લગ્ન સુનીલા જોડે થયાં ત્યારે પ્યારેલાલ ૩૮ વર્ષના હતા ! અને, સુનીલા ૩૦ વર્ષનાં હતાં ! સુનીલા એવું ઘણી વાર કહેતાં કે, શરુ-શરૂમાં તો મારા પિતાજી પ્યારેલાલને બિલકુલ પસંદ નહિ કરતા ! પણ, લગ્ન બાદ જમાઈ-સસરા બંને પાક્કા મિત્રો બની ગયા હતા…અને, ઘણી વાર સિગરેટ પીવાનું મન થાય ત્યારે સુનીલાના પિતાજી પ્યારેલાલ પાસે આવીને બધાંની વચ્ચે કહેતા કે, પ્યારે ! એક સિગરેટ ચાહિયે ! દારૂ પીવાનું મન થાય ત્યારે જમાઈ પ્યારેલાલને સસરાજી આંગળીઓથી ઈશારામાં કહેતા કે, પ્યારેજી ! થોડી-સી પિલા દો…!
પ્યારેલાલનાં પત્ની સુનીલાએ જીવનમાં એક જ વાર (પારીવારિક પ્રસંગમાં) એક ગીત ગયું હતું… મૈં હૂં પરિયોં કી રાની ! આ વાત સુનીલાએ પોતે પોતાના મોંઢે કરી હતી કે… રાતે મેં એ ગીત ગયું અને, સવારે પ્યારેલાલને તાવ આવી ગયો ! બે-ચાર દિવસે એ તાવ મટયો ! પણ, તે પછી, સુનીલાએ કદી કોઈ ગીત ગાવાની કોશિશ-હિંમત કરી નહિ…આ વાત પણ સુનીલા હસતાં-હસતાં કહે એટલું જ નહિ પણ, વાત કરી લીધા પછી ખડખડાટ હસી પડે !
લક્ષ્મીકાંત-પ્યારેલાલે ૭૫૦થી વધુ ફિલ્મોમાં સંગીત આપ્યું ! એમણે સંગીતબદ્ધ કરેલાં ગીતોની સંખ્યા ૨,૫૦૦થી વધુ ! પણ, પ્યારેલાલનાં પત્ની સુનીલાએ જીવનમાં કદી કોઈ ગીતનું રેકોર્ડીંગ કે કદી કોઈ ફિલ્મનું શુટિંગ જીવનમાં જોયું નહિ ! સુનીલાને કદી કોઈએ કોઈ સ્ટુડીયોમાં જોયાં નહિ.
આથી વધુ અચંબાભરી વાત તો એ છે કે, પ્યારેલાલને પ્રસિદ્ધ ગાયિકા લતા મંગેશકર પોતાનો ભાઈ જ માનતાં ! પરંતુ, લતા મંગેશકરને પ્યારેલાલનાં પત્ની સુનીલા જીવનમાં કદી રૂબરૂ મળ્યાં નહિ ! અને, આ વાત પણ તેઓ બિન્દાસ્ત જણાવતાં ! જાણે કે, લતાને પોતે કદાપિ નહિ મળ્યા તે કોઈ મહત્વપૂર્ણ વાત નથી. લતાનાં ગાયેલાં ૭૧૨ ગીતોમાં લક્ષ્મીકાંત-પ્યારેલાલનું સંગીત જોવા મળે છે. અલબત્ત, લતા માટે સુનીલાનો અભિપ્રાય જીવન દરમ્યાન સારો જ રહ્યો… સુનીલાએ હમેશા લતાની પ્રશંસા કરી. લતા પ્રત્યે સુનીલાને અહોભાવ હતો-ખૂબ જ આદર હતો. એટલે, લતા પ્રત્યે અણગમો હોવાને લીધે જીવનમાં એને કદી તેઓ મળ્યાં નહિ તે વાતમાં દમ નહિ ! લતાને પણ કદી સુનીલાને રૂબરૂમાં મળવાનું મન થયું નહિ તે પણ કેવું અદભુત ?! લતાને જીવનમાં કદી પ્યારેલાલનાં પત્નીને મળવાની ઈચ્છા થઇ નહિ કે એવી કોશિશ પણ નહિ રહી એમની ?!









