Ravi Purti

ચાલવું જ મુલ્યવાન

By GS Team
10 Oct 20262 mins read
ચાલવું જ મુલ્યવાન
  • લેન્ડસ્કેપ-સુભાષ ભટ્ટ

ઇ.સ. પૂર્વેની ચોથી સદીના ચિંતક ઝૂઆન્ગઝી
(ઈ.સ.પૂ. ૩૬૯-૨૮૬) અને હ્યુ-શી વચ્ચે અસામાન્ય સંવાદ થયેલો :
હ્યુ-શી : અમારે ત્યાં એક વિશાળ વૃક્ષ છે. બધા તેને દુર્ગન્ધ મારતા વૃક્ષ તરીકે ઓળખે છે. અવળ-સવળ અને ફૂલેલ ડાળીઓ માપી પણ ન શકાય. તેને કોઈ કારીગર કે સુથાર જુએ પણ નહીં. મોટું લાગે પણ સાવ નકામું. સૌ તેને તિરસ્કારે અને અવગણે છે. તેના વિશે તમે શું કહેશો?
ઝૂઆન્ગઝી : જ્યાં કશુય ઉગતું નથી ત્યાં તેને વાવોને. કોઈ પાંદડા ચરાવશે નહીં કે લાકડું કાપશે નહીં. બધું જ ઉપયોગી હોય તેમ હંમેશા નથી બનતું. તેના નકામાપણાંમાં જ તેનું હોવું હોય છે. જીવનમાં કે તત્વજ્ઞાનમાં, વિચાર કે વિજ્ઞાનના ઈતિહાસમાં આ એક અદભૂત નિરીક્ષણ છે; નિર્થકતા જ સાર્થકતા, નિરૂપયોગિતા જ ઉપયોગિતા, નકામાપણું જ કામનું!
એક સ્થળે ભલેને જીવનભર જવાનું હોય પણ ત્યાં પહોચવાના નવા રસ્તાઓ શોધવા કોઈ ગુનો નથી. દરેક વખતે મળતો જવાબ એકસરખો હોય ત્યારે જવાબને પણ સવાલ પૂછવાના હોય છે. આપણી મન-બુદ્ધિમાં પડી ગયેલ એક કેડી કે ચાસ (મનોવિજ્ઞાન તેને પાથ-વે કહે છે) ને ચાતરીને નવી કેડી શોધવાની હોય છે. બીબાઢાળ કે ઢાંચાઢાળ સર્જન કે દર્શન ટેવ બની જાય છે અને પછી તે નિંદ્રા બની
જાય છે.
ક્યારેક સર્જનમાં;
ઉપયોગ નહીં - અભિવ્યક્તિ,
આશય નહીં - આવેગ,
કૃતિ નહીં - પ્રક્રિયા,
પ્રસ્તુતતા નહીં - પ્રયોગશીલતા,
પૂર્ણતા નહીં - અધૂરપ,
સુરેખતા નહી - ઊર્જા,
કાર્યક્ષમતા નહીં - આકૃતિ,
મુલ્યવાન હોય છે.
સર્જન સમાંતરે ચાલતી પ્રક્રિયા છે : બહાર સર્જન પ્રગટે છે અને તે જ સમયે અંદર સર્જક પ્રગટે છે. એ યાદ રાખવું કે કશુંયે ન કરીએ ત્યારે દિવસ નકામો નથી જતો. ક્યારેક ચાલવું જ મુલ્યવાન હોય છે - કશે પહોચવું નહી.