Ravi Purti
ઈંગ્લેન્ડની રૂપાળી જીવનશૈલીથી વલ્લભભાઈ સ્હેજેય આકર્ષાયા નહીં
By GS Team
27 Jun 20264 mins read

- સરદાર @150-હસિત મહેતા
- રાજમોહન ગાંધીએ તેનો ઝીણો અભ્યાસ કરીને લખ્યું છે કે 'વલ્લભભાઈની રહેણીકરણીના ઘણાં આડકતરાં ઉલ્લેખો તેમાં છે. સેલ્ફ્રીજના ડિપાર્ટમેન્ટલ સ્ટોરનું બિલ ચૂકવાયું છે
જે પરદેશી પ્રજા હિંદની પ્રજા ઉપર વર્ચસ્વ ધરાવતી હતી, જે પરદેશી પ્રજા હિંદની પ્રજાને અભણ ગણીને અપમાનિત કરતી હતી, જે પરદેશી પ્રજા હિંદના અબુધો ગુલામીને જ લાયક છે એમ માનતી હતી, તે પ્રજાનું પોતાનું સામાજિક જીવન અને નૈતિક જીવન કેવુંક છે? એ જોવાની હૃદય ઉત્કંઠા વલ્લભભાઈના ઈંગ્લેન્ડ પ્રવાસનું મૂળ કારણ હતી. તેમણે પોતે જ ઈ.સ.૧૯૨૧ની સાલમાં આપેલાં એક ભાષણમાં કહ્યું હતુ ંકે 'જે લોકો પરદેશથી સાત હજાર માઈલ દૂરથી રાજ્ય કરવા આવે છે તેમનો દેશ કેવો હશે તે જોવા તથા જાણવાને હું નાનપણથી જ તરફડિયાં મારતો હતો.'
આ કારણે જ ઈંગ્લેન્ડ પહોંચ્યા પછી વલ્લભભાઈ અંગ્રેજ રાજ્યની ચકાચૌંધ જીવનશૈલીથી સ્હેજેય આકર્ષાયા નહોતા, તેથી ભટક્યાં પણ નહોતા. બીજા હિંદી જુવાનોની જેમ મોજશોખમાં તે પડયાં નહીં, પોતાના જીવનસંસ્કાર ખોયા નહીં અને નક્કી કરેલાં માર્ગથી ડગ્યાં નહીં. નરહરિ પરીખે સરદાર જીવનચરિત્રમાં સ્પષ્ટ લખ્યું છે કે 'પુખ્ત ઉંમરે અને જીવનનો અનુભવ લઈને વિલાયત ગયેલાં હોવાને લીધે આપણાં કેટલાંક જુવાનોની વિલાયતમાં જે દશા થાય છે, તેવી થવાનો સરદારને ભય નહોતો. અહીં હાઈસ્કૂલમાં વિદ્યાર્થી હતા ત્યારે જેટલાં તોફાની હતા તેટલા જ સ્થિર અને એકાગ્રતાવાળા વિલાયતમાં તેઓ બન્યાં. એમને તો બૅરિસ્ટર થઈને બને તેટલાં વહેલાં પાછા આવવું હતું. મા વિનાના બે છોકરાંને બીજી બાઈને સોંપીને તેઓ ગયા હતા. એટલે વિલાયતમાં બીજી કશી પ્રવૃત્તિમાં માથું માર્યા વિના એકાગ્રચિત્તે પરીક્ષાની જ તૈયારી કરવા માંડી.'(પાન-૩૩)
લંડનમાં વલ્લભભાઈ જે વિસ્તારમાં રહેતાં હતા, તે બે વોટર (બેઝ વોટર)ના આલ્ડ્રિજ વિલા રોડથી તેમની બૅરિસ્ટરી માટેની કૉલેજ મિડલ ટેમ્પલ વચ્ચે પોણા પાંચ માઈલનું અંતર રાજમોહન ગાંધીએ પોતાના 'સરદાર' પુસ્તકમાં નોંધ્યું છે. (પાન-૨૫) જ્યારે નરહરિ પરીખ અને યશવંત દોશીએ પોતાના સરદાર ચરિત્રોમાં આ અંતર અગિયાર-બાર માઈલનું દર્શાવ્યું છે. જો કે વલ્લભભાઈની થોમસ કુક એન્ડ સન્સની વિલાયતી પાસબુકમાં તેમનાં ઈંગ્લેન્ડ નિવાસના પાંચેક સરનામા નોંધાયેલા છે. (૧)૨૩,આલ્ડ્રિજ વિલા રોડ, (૨)૬૨, ઓક્સફર્ડ ટેરેસ (૩)૨, સાઉથ હિલપાર્ક ગાર્ડન્સ, (૪) ૫૭,એડેલાઈટ રોડ (૫) પ, ઈટન રોડ. આવા જુદાં-જુદાં મકાનોની માલકણોના નામો પણ આ પાસબુકમાં નોંધાયેલા છે. (૧)શ્રીમતિ પેટ્રિક(૨)શ્રીમતિ સ્મિથ(૩)શ્રીમતિ એ.થોમસ (૪)શ્રીમતિ વિલિઅમ્સ. આમાંથી કંઈ માલકણ કયા વિસ્તારના કયા મકાનના માલકણ હતાં, તે સ્પષ્ટ થયું નથી. વળી આવા સ્ત્રી નામો એ જમાને ઈંગ્લેન્ડમાં ખૂબ જ કોમન હતા. તેથી તેની આખરી ખરાઈ થઈ શકી નહોતી. પરંતુ ઈંગ્લેન્ડની સરકારે આજે પણ તેમના ૨૩,એલ્ડ્રિજ વિલા રોડ ઉપરના મકાનને સરદાર સ્મારક તરીકે જાહેર કરેલું,જાળવી રાખેલું છે, તે નિર્વિવાદ છે.
એ સમયે ઈંગ્લેન્ડમાં બૅરિસ્ટર થવા માટે માત્ર ચાર જ સોસાયટીઓ (કૉલેજો) હતી. (૧)લિંકન્સ ઈન(૨)ઈનર ટેમ્પલ (૩)મિડલ ટેમ્પલ(૪) ગ્રેઝ ઈન.આ ચાર સોસાયટીઓ સિવાય બીજા કોઈને બૅરિસ્ટરની ડીગ્રી આપવાનો અધિકાર નહોતો. ઉપરાંત જેણે આ પરીક્ષા પાસ કરી દીધી હોય, તો ય તેને બૅરિસ્ટર તરીકે નોંધવો અને નવાજવો કે નહીં, તેની અબાધિત સત્તા આ ચાર સોસાયટી પાસે હતી. એક વખત બૅરિસ્ટર તરીકે જે નોંધાઈ જાય, (રજીસ્ટર થઈ જાય)તે પછી પણ જો તે કોઈ ગેરવર્તન કરે કે નાલાયક ઠરે તો તેવાની બૅરિસ્ટરી નોંધણી રદ કરવાનો હક્ક પણ આ સોસાયટીઓ ધરાવતી હતી.
વલ્લભભાઈએ આ ચાર પૈકી ઈંગ્લેન્ડની જે સોસાયટીમાં પ્રવેશ લીધો હતો, તે મિડલ ટેમ્પલની ખ્યાતિ એવી હતી કે મોટા મોટા નામાંકિત બૅરિસ્ટરો એમાંથી બહાર પડયા હતા. જ્યારે ઇનર ટેમ્પલમાં ભણનારા મોટે ભાગે અમીર વર્ગના અને બહુ ફેશનમાં રહેનારા હોય તેમ મનાતું હતું. આમ છતાં મહાત્મા ગાંધીજી આ ઈનર ટેમ્પલમાંથી જ બૅરિસ્ટર થયાં હતા, અને પાછળથી જ્યારે ભારતની લડત વખતે ઈ.સ.૧૯૨૨માં તેમની ઉપર રાજ્યદ્રોહનો આરોપ લગાવીને ૬ વર્ષની જેલની સજા ફટકારી હતી, ત્યારે ત્યાંની આ ઈનર ટેમ્પલે ગાંધીજીને આપેલી બૅરિસ્ટરીની ડીગ્રી પાછી લઈ લીધી હતી, અને તેમનાં રજીસ્ટરમાંથી નામ રદ કરી નાંખ્યું હતું. તેથી આજે પણ ઈનર ટેમ્પલના બૅરિસ્ટરોના લીસ્ટમાં ગાંધીજીનું નામ જોવા મળતું નથી, પણ મિડલ ટેમ્પલના બૅરિસ્ટર તરીકે વિદ્યાર્થી વલ્લભભાઈનું નામ આજે પણ અવિરત રહ્યું છે.
વલ્લભભાઈના લંડન નિવાસના દુર્લભ દસ્તાવેજી પુરાવાઓમાં તેમની પેલી પાસબુક(પાસપોર્ટ જ) બહુ મોટો આધારપુરાવો છે. રાજમોહન ગાંધીએ તેનો ઝીણો અભ્યાસ કરીને લખ્યું છે કે 'વલ્લભભાઈની રહેણીકરણીના ઘણાં આડકતરાં ઉલ્લેખો તેમાં છે. સેલ્ફ્રીજના ડિપાર્ટમેન્ટલ સ્ટોરનું બિલ ચૂકવાયું છે. જી.એમ.પરીખ, આર.એસ.મહેતા, એસ.ડી.મહેતા અને એન.એચ.સેતલવાડને નાણાં અપાયા છે, જે એવું સૂચવે છે કે વલ્લભભાઈના ઘણાંખરાં સંબંધો કેવળ ગુજરાતીઓ પૂરતા મર્યાદિત હતા. તેમને બે ઈનામો મળ્યાંની ખતવણી પણ એમાં કરવામાં આવી છે.
(પાન-૨૫)
આ રીતે વલ્લભભાઈના ઈંગ્લેન્ડ જીવનનો આરંભ થયો હતો. જો કે એ વખતે તેઓ પાંત્રીસ વર્ષના વ્યવહારું પાટીદાર હતા, દસેક વર્ષનો સક્રીય અનુભવ ધરાવતા વકીલ હતા, અને નમાયા બે બાળકોના પિતા પણ હતા, તેથી તેઓ પોતાના મુખ્ય પ્રયોજનમાં એટલે કે બૅરિસ્ટરીના અભ્યાસમાં સ્હેજે ય વિચલિત થયા નહોતા.









