અમદાવાદની કોર્ટમાં વલ્લભભાઈ સિંહશાવક થયેલા

- સરદાર @150-હસિત મહેતા
- અમદાવાદ, બૅરિસ્ટર થઈને આવ્યાં પછી પણ વલ્લભભાઈની વકીલ તરીકેની મૂળ અદા, અસલની આક્રમક્તા સ્હેજેય ઓછી થઈ નહોતી. તેમની આ કાર્યપદ્ધતિની નોંધનીય ખાસિયત એ હતી કે તેઓ સીધું નિશાન તાક્તા અને બિનજરુરી બાબતોમાં અટવાતા નહીં. ફોતરાં ઉડાડી મૂકીને દાણા જુદા પાડવાની એમને ઘણી ફાવટ હતી.
વ લ્લભભાઈના અંગત અને પારિવારીક જીવનમાં અમદાવાદકાળે ઘણાં માઠાં પ્રસંગો આવ્યા. ઈ.સ. ૧૯૧૩માં શરુ કરેલી વકીલાતને માંડ બાર મહીના થયાં, ત્યાં તો પિતા ઝવેરભાઈના અવસાનના સમાચાર આવ્યા. પોતાના વતને રાજભા તરીકે ઘણો માન-મરતબો ધરાવતાં ઝવેરભાઈ જીવનના ૮૫માં વર્ષે, ઈ.સ. ૧૯૧૪ના માર્ચ મહીનામાં ટૂંકી માંદગી બાદ દેવલોક પામ્યાં. તેઓ જીવ્યા ત્યાં સુધી દર પૂનમે વડતાલના સ્વામિનારાયણ મંદિરના દર્શને પગપાળા જતા હતા. મૂળે ખેડૂત, એટલે શરીરે પણ ખડતલ. પરંતુ સ્વભાવે અત્યંત ધાર્મિક, સાત્વિક અને મીતભાષી. આથી આખા પંથકમાં તેમને માટે ઘણું માન.
પરંતુ વલ્લભભાઈ અને તેમના ગુરુબંધુ વિઠ્ઠલભાઈ, બંને પિતાજી પાછળ સામાજિક રીતે કરવાની થતી ઉત્તરક્રિયાઓના ઘણાં વિરોધી. મરણોત્તર ક્રિયા, બેસણું, અસ્થિવિસર્જન જેવી એક પણ પારંપરિક વિધિમાં તેઓ માનતા નહીં. બીજી તરફ અન્ય પરિવારજનો લોકલાજે અને ચાલી આવતી ઘરેડને કારણે આ બધું કરવાની જીદ છોડતા નહોતા. પિતાના મરણપ્રસંગે વલ્લભ-વિઠ્ઠલને પરિવારજનો સાથે આ બાબતે ઘણો મતભેદ થયેલો. એટલે સુધી કે વિઠ્ઠલભાઈએ પોતાના ભાઈઓને કરમસદ પત્ર મોકલીને ચોખ્ખેચોખ્ખાં વેણ લખી મોકલતાં જણાવ્યું કે….
'તમે મને આવવાનું (પિતાની ઉત્તરક્રિયાવિધિમાં) લખ્યું છે. મારા કહેવા પ્રમાણે કરવાના હો તો જ હું આવીશ. વલ્લભભાઈ કદાચ તમારી વાત માનશે. તો પછી તમે તેમના કહેવા મુજબ કરજો…. મને બોલાવવાની તમારી મરજી હોય તો તમે મારું કહ્યું માનવાના છો કે નહીં, તે લખજો.
આ પત્રમાં વિઠ્ઠલભાઈ પોતાના ભાઈઓને જે માનવા-મનાવવાની વાત લખે છે, તે પિતાજી પાછળ ઉત્તરક્રિયાઓ નહીં કરવાની બાબત છે. વળી તેમના લખવા પ્રમાણે કદાચ વલ્લભભાઈ ભાઈઓની વાતમાં નમતું જોખે, પણ પોતે તો અડગ જ રહેવાના છે. મતલબ કે વલ્લભભાઈ અને વિઠ્ઠલભાઈ રાજનેતા કે દેશસેવક થયા તે પહેલેથી અતાર્કીક સામાજિક રુઢિઓનો તિરસ્કાર કરનારા વિચક્ષણ બુદ્ધિજીવી તો હતા જ.
આ અરસામાં વલ્લભભાઈને બીજું એક વ્હાલસોયું પરિવારજન ગુમાવવું પડયું, તે પોતાની લાડકી બહેન ડાહીબા. ઝવેરબાની એકની એક દીકરી અને વલ્લભભાઈને પણ પ્રાણસરખી ડાહીબેન નાની ઉંમરે, અકાળે અવસાન પામી હતી. નડિયાદ પરણાવેલી આ નિ:સંતાન બેન જ્યારે માંદગીના ખાટલે ખોટકાઈ, ત્યારે વલ્લભભાઈ તેને તાબડતોબ પોતાના અમદાવાદના ઘરે લઈ આવ્યા હતા, અને સારામાં સારી સારવાર માટે ચિંતિત થયા હતા. છતાં કાળનું ધાર્યું થયું. વલ્લભભાઈને ઈ.સ.૧૯૧૪માં જ ત્રીસ-બત્રીસ વરસની ડાહીબેનને ગુમાવવી પડી. તેના અવસાનથી પથ્થર જેવું કાળજું ધરાવનાર વલ્લભભાઈ પણ ભારે શોકમાં પીગળતાં હતા. વર્ષો પછી પણ તેઓ વખતોવખત કહેતાં કે ડાહીમાં તો નામ પ્રમાણે ગુણ હતા.
આવી પડેલી આ કૌટુંબિક આપત્તિઓ અને શોકજન્ય દિવસોમાં પણ વલ્લભભાઈએ પોતાની રહેણીકરણીમાં ભૌતિક પ્રગતિ સાધી હતી. સાથોસાથ પોતાના અસલ મીજાજનો પરિચય સાથી વકીલોને, અકડું ન્યાયાધીશોને અને સામાવાળા આરોપીઓને કરાયા વગર રહી શક્તાં નહીં. દેખાવે કડક અને સામા માણસને પોતાની આમન્યા રાખવાની ફરજ પડે, એવા મોભા સાથે તેઓ અમદાવાદની કોર્ટોમાં પોતાનું સ્થાન જમાવવા માંડયા હતા. અહીં પણ તેઓ બોરસદની જેમ ફોજદારી કેસો જ લડતાં. તેમાં વલ્લભભાઈને જે ફાવટ આવી ગઈ તે પછવાડે એમની નિડર, કડક અને પારખું દ્રષ્ટિની પ્રકૃતિ જ મદદે આવી હતી. એમની કડક રીતભાત અને ખોટાબોલાં માણસો સામે તૃચ્છતાથી જોવાની રીતથી ઘણાં પીઢ વકીલો નારાજ થતાં,પણ યુવાનીયાઓ તો અંજાઈ જ જતાં. નરહરિ પરીખ, મહાદેવભાઈ દેસાઈ, ત્ર્યંબકરાય મજમુદાર જેવા સાથીઓએ આ નવાસવા આવેલાં વકીલનું ઉપનામ સિંહશાવક (સિંહનું બચ્ચું) પાડેલું.
અહીં પણ વલ્લભભાઈએ બગાવત કરવામાં કાંઈ બાકી રાખેલું નહીં. એક તુમાખીભર્યા મેજીસ્ટ્રેટે વકીલોને કોર્ટમાં જોડા બહાર કાઢીને આવવાનો ફતવો કાઢેલો, તેની સામે લડયા, અને તે રદ કરાવીને ઝંપ્યા. ખેડા જિલ્લાના બે ભાઈઓના કેસમાં જજે ખોટી રીતે જામીન નામંજૂર કર્યા તો ભરી અદાલતમાં વલ્લભભાઈએ જજ સામે ખેડાના ગુનેગારો તરફ અદાવત રાખીને પક્ષપાત કરતાં હોવાનો આરોપ બેધડક સંભળાવી દીધો. એ જજ ડઘાઈ ગયા અને તેમણે પોતાનો નિર્ણય ફેરવી તોળ્યો. ઉમરેઠમાં એક બારૈયાનું ખૂન થયેલું. એ કેસમાં પોલીસપટેલને ઉલટ તપાસ વખતે વલ્લભભાઈએ એવા તો સાણસામાં લીધાં, કે કોર્ટકઠેડામાં જ એ ભાંગી પડયાં, અને સાચેસાચું બોલી ગયાં, જેથી અસીલ નિર્દોષ છૂટયો. ઉમરેઠમાં ખોટા દસ્તાવેજો બનાવવાનો વાયરો ચાલેલો. એમાં પોલીસપાર્ટીએ ખોટા કેસો કરવાની વણઝાર ચલાવેલી.વલ્લભભાઈએ આવા એક અસીલને બહુ ચતુરાઈપૂર્વક બચાવેલો.
અહીં, અમદાવાદ, બૅરિસ્ટર થઈને આવ્યાં પછી પણ વલ્લભભાઈની વકીલ તરીકેની મૂળ અદા, અસલની આક્રમક્તા સ્હેજેય ઓછી થઈ નહોતી. તેમની આ કાર્યપદ્ધતિની નોંધનીય ખાસિયત એ હતી કે તેઓ સીધું નિશાન તાક્તા અને બિનજરુરી બાબતોમાં અટવાતા નહીં. ફોતરાં ઉડાડી મૂકીને દાણા જુદા પાડવાની એમને ઘણી ફાવટ હતી.




