Ravi Purti

વલ્લભભાઈને અમદાવાદની વકીલાત વખતે પારિવારીક હૂંફ મળી હતી

By GS Team
10 Oct 20264 mins read
વલ્લભભાઈને અમદાવાદની વકીલાત વખતે પારિવારીક હૂંફ મળી હતી
  • સરદાર @150-હસિત મહેતા
  • કોર્ટની કાર્યવાહીમાં તેમનો કરડો ચહેરો સામા પક્ષનાને તો ડરામણો જ લાગે. મૂછ ઉપર કે પછી નાકના ટેરવા ઉપર તેમની આંગળીઓ ફરતી હોય, ઉભા થઈને આંટાફેરા લગાવતા હોય, અને ઊંડા વિચારમાં ડૂબેલા હોય તેવા વકીલ વલ્લભભાઈ સામાવાળાને અશાંત જ લાગે

બે એક વર્ષના અંતરાલ પછી વલ્લભભાઈએ કોર્ટની વકીલાત શરુ કરી હતી. ઈંગ્લેન્ડથી પરત આવ્યા પછી જ્યારે તેમણે અમદાવાદની કોર્ટમાં કામ શરુ કર્યું ત્યારે નવાસવા વકીલો આ બૅરિસ્ટરનું બારીકાઈથી નિરીક્ષણ કરતાં હતા. બે-અઢી વર્ષથી કોર્ટમાં નહીં ગયા હોવા છતાં વલ્લભભાઈના મનમાં કશો સંકોચ નહોતો, વિશ્વાસનો સ્હેજેય અભાવ નહોતો અને તેમની આક્રમક્તામાં લગીરેય ખોટ નહોતી. કારણ કે તેમની પાસે અનુભવોનું ભાથું અને અડગ પરિશ્રમ કરવાની પૂરેપૂરી તૈયારી હતી.
અમદાવાદની કોર્ટના આ નવાસવા વકીલનું વ્યક્તિત્વ અને વર્તાવ આકર્ષક હતા. તેથી અસીલો અને વકીલમંડળ તેમને આપોઆપ માન-આદર આપતા થઈ ગયા હતા. તેઓ ત્યારે બરાબર અમદાવાદની મધ્યમાં, ભદ્રકાળીના કીલ્લા પાસે (લાલ દરવાજા) બે માળના અને છ ઓરડાના ભાડાના મકાનમાં રહેતાં હતા. આ મકાનની બંને બાજુએ રસ્તો હતો. જેની એકતરફ ગુજરાત ક્લબનું મકાન હતું, જે વલ્લભભાઈ માટે જાણે રોજ સાંજના પત્તા રમવા માટેનું ઘર
જ હતું.
આ ગુજરાત ક્લબની બાજુમાં શહેરની લગભગ બધી જ અદાલતો આવેલી હતી. જેથી વલ્લભભાઈનું રોજીંદુ જીવન ઘણું સગવડ ભરેલું ગોઠવાયું હતું.આ સાથે તેમનાથી ૧૨ વર્ષ નાના માવલંકર તેમના નજીકના મિત્ર બન્યાં હતા. એ સિવાય બીજા પણ અનેક મિત્રો બન્યાં, પરંતૂુ એ બધામાં ડૉક્ટર બળવંતરાય કાનૂગા જોડે વલ્લભભાઈને ખાસ સંબંધ બંધાયો હતો.
આ ડૉ.કાનુગા અને તેમના પત્ની વિજયાગૌરી જોડે વલ્લભભાઈને ઘર જેવો સંબંધ થયો હતો. વિજયાગૌરીને તેઓ નંદુબેન કહેતા, કારણ કે તેમનું ઘરનું લાડકું નામ એ જ હતું.કાનૂગાને ત્યાં તેઓ કોઈપણ સમયે જતાં, જમતાં, ટોળટપ્પાએ ચઢતાં અને વ્યવસાય - પરિવારની અનેક વાતો પણ કરતાં. ત્યાં વલ્લભભાઈ પોતાની બધી અક્કડાઈ, અતડાપણું વગેરે છોડીને સાવ સ્વાભાવિક-સહજ રીતે વર્તતા. આ એ જ ઘર હતું, જ્યાં વલ્લભભાઈ પોતાના મનના ઉભરા પણ ઠાલવતાં. વલ્લભભાઈના જીવનમાં અમદાવાદથી શરુ થયેલી આ ઘરમૈત્રી જીવનના અંત લગી અતિશય ગાઢ રહી હતી. જોગાનુજોગ આ ત્રણેય મિત્રો ચૌદ મહિનામાં જ થોડે-થોડે અંતરે દેવલોક પામ્યાં હતા. વલ્લભભાઈ અને કાનુગા દંપતી વચ્ચે ની આ ગાઢ મૈત્રી બતાવતાં ઘણાં પત્રો પણ મોજૂદ છે. જેમાંથી વલ્લભભાઈના અંગત જીવનના ઘણાં પ્રસંગો મળી રહે, પરંતુ તેમના પુન:લગ્નની ચર્ચા કે તે અંગેની કોઈ શ્રદ્ધેય માહિતી મળતી નથી. શ્રી રાજમોહન ગાંધી તેમના ચરિત્ર પુસ્તક 'સરદાર'માં આ અંગે લખે છે કે….
'ફરી વખત લગ્ન કરવાની કોઈ વાત કાનૂગાદંપતી જોડે થઈ હશે અને તાબડતોબ વાત પડતી મુકાઈ હશે? ફરી લગ્ન કરવાનું પ્રલોભન, તે માટેનાં સૂચન અને દરખાસ્તો આ વખતે જ થયાં હોવાનો સંભવ છે. સન ૧૯૧૫ની આખરમાં વલ્લભભાઈ ચાળીસના થયા અને ચાળીસ વરસે નવી જિંદગી શરુ થયાનું કહેવાય છે. તેમની સફળતા જગજાહેર હતી. બાળકોના ઉછેર માટે ઘરની સ્ત્રી જરુરી હોવાની દલીલ વાજબી પણ લાગે અને મનગમતી પણ થાય. વિઠ્ઠલભાઈએ પત્ની ગુજરી ગયા પછી 'ફરી વખત લગ્ન ન કરવાનો અફર નિર્ણય' લીધો તે બાબતમાં તેમના ચરિત્રલેખક કહે છે કે આમાં ગત્ પત્ની પ્રત્યેની વફાદારી ઉપરાંત દૂધનો દાઝ્યો છાશ ફૂંકીને પીવે તેવી ગણતરી પણ હતી. વલ્લભભાઈની બાબતમાં ઝવેરબા અંગેની લાગણી વલ્લભભાઈએ કદી દર્શાવી નથી. છતાં પોતાનું લગ્નજીવન દુ:ખી હોવાની ગવાહી આપે તેવું કોઈ સૂચન કે વાક્ય તેમણે કદી ઉચ્ચાર્યું નથી. લગ્નજીવન અંગે અગર સ્ત્રીઓના સહવાસ અંગેનો અણગમો તેમણે કદી દર્શાવ્યો નથી. પણ પોતાનાં બાળકોને અપરમાનું દુ:ખ ન પડવું જોઈએ, તેવી તેમની ભાવના હતી. તેથી ફરી લગ્ન કરવાનું પ્રલોભન અને દરખાસ્તો તેમણે ફગાવી દીધાં.'(પૃ.૩૩)
આ અમદાવાદની વકીલાત કાળના વલ્લભભાઈ પેલા બોરસદના ધોતી પહેરતાં વલ્લભભાઈ કરતાં તદ્દન જુદાં હતા. તેમનો આનંદી સ્વભાવ અહીં પણ ટક્યો હતો ખરો, પણ ઘણો જ ઓછો. એટલે કે તેઓ ક્યારેક જ હસતાં-હસાવતાં. મોટેભાગે તો તેઓ કરડો વ્યંગ જ કરતાં, જે હાસ્ય નહીં પણ ભય આપનારા હતા. કોર્ટની કાર્યવાહીમાં તેમનો કરડો ચહેરો સામા પક્ષનાને તો ડરામણો જ લાગે. મૂછ ઉપર કે પછી નાકના ટેરવા ઉપર તેમની આંગળીઓ ફરતી હોય, ઉભા થઈને આંટાફેરા લગાવતા હોય, અને ઊંડા વિચારમાં ડૂબેલા હોય તેવા વકીલ વલ્લભભાઈ સામાવાળાને અશાંત જ લાગે. રાજમોહન ગાંધી લખે છે કે આવા વર્તન પાછળ તેમની આંતરિક અશાંતિ જવાબદાર હોઈ શકે.