કમજોર બનેલા ડોલરની નકલખોરીનો ધમધોકાર ધંધો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- હોટલાઈન - ભાલચંદ્ર જાની
- કેફી દ્રવ્યોનું ઉત્પાદન અને દાણચોરી કરનારી દક્ષિણ અમેરિકાની માફિયા ટોળીઓ જથ્થાબંધ નકલી ડૉલરો છાપે છે. તેનો ઉપયોગ અન્ય માફિયા ટોળીઓને નાણાં ચૂકવવામાં થાય છે
ચોવીસે કલાક પૈસા કમાવાની વેંતરણમાં પડેલા લોકો કોઇને કોઇ રસ્તો શોધી કાઢી અર્થોપાર્જન કરે છે, કેટલાંક લખપતિ બની જવા લોટરી ખરીદવાથી માંડીને મટકા, દાણચોરી, જુગારનો માર્ગ અપનાવે છે. ચતુર વેપારી બુદ્ધિ ધરાવનારા કેટલાંક લોકો જે વસ્તુની અછત વર્તાતી હોય તેનો વેપાર કરીને કમાઇ લે છે. હાલમાં ડૉલર નબળો પડયો છે પરંતુ તેની આંતરરાષ્ટ્રીય માંગ ઓછી થઇ નથી. કેટલાંક ગઠિયાઓએ આ પરિસ્થિતિનો લાભ લઇને ડોલરની નકલી નોટો છાપવાનું કામ વધાર્યું છે.
વિજ્ઞાનની પ્રગતિએ અસલી-નકલી નોટની આ સ્પર્ધાને વધુ કાતિલ બનાવી દીધી છે. દુનિયાનું કોઈ પણ ચલણ આ રીતે નકલથી સુરક્ષિત નથી.
અમેરિકન ડૉલર નકલબાજોનું માનીતું નિશાન એટલા માટે છે કારણ કે તે દુનિયાભરમાં વેચી કે વટાવી શકાય એવું ચલણ છે. ઇંટરનેશનલ પોલીસ (ઇન્ટરપોલ) દ્વારા પકડાતી નકલી નોટોમાં એંશી ટકા જેટલી નોટો ડૉલરની હોય છે.
મુંબઇના ડોંગરી વિસ્તારથી બેંગકોક સુધી અને ચીનથી માંડીને જર્મની સુધી નકલી ડૉલર છાપવાનું કામકાજ ચાલે છે. આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે બધા જ ચલણમાં ડોલર સૌથી વધુ લોકપ્રિય છે. આ કારણથી જ ડોલરની માંગ વધુ રહે છે. જાપાનીઓ અમેરિકામાં તેમનો માલ ઘુસાડવા માંગતા હોવાથી બજારમાં કોઇ પાર્ટી ડોલરમાં પેમેન્ટ કરે તો તે ચુપચાપ લઇ લે છે. રશિયાની કે.જી.બી. એ પણ જર્મનીના કેટલાંક શયતાનોની સહાયથી ડોલર નબળો પાડવા બનાવટી નોટોનું છાપકામ હાથ ધર્યું હતું.
થોડાં સમય પહેલાં થાઇલેન્ડમાં ૧૦૦ રૂપિયાની નોટની સાથે ૧૦૦ ડોલરની નોટો છાપવાનું કારખાનું પકડાયું હતું. ભારતીય નોટો વિદેશોમાં છપાતી હોય તેનું કાવતરું પકડાય ત્યારે સર્વપ્રથમ તોઅમેરિકા, ચીન કે બીજી કોઇ વિદેશી સત્તા તેમાં સંડોવાઇ હોવાનું માનવામાં આવે છે. પણ બેંગકોકમાં પકડાયેલા ભૂર્ગભમાં ચાલતા છાપખાનામાં અમેરિકન ડોલર ઉપરાંત ભારતીય રૂપિયા પણ છપાતાં હતાં.
અમેરિકાના ટ્રેઝરી ખાતાએ આપેલા અહેવાલ મુજબ ૨૦ કરોડ ડોલરની નકલી નોટો ચલણમાં ફરતી હોવાનો અંદાજ છે. દર ૪,૦૦૦ સાચી કરન્સી નોટમાં એક નોટ નકલી હોવાની શક્યતા ખરી. આ અંદાજ પણ માત્ર અટકળ જ છે. કારણ કે ટ્રેઝરીના અફસરોની કેફિયત મુજબ વાસ્તવમાં ચલણમાં ફરતી નકલી ડૉલરની નોટોનો સાચો આંકડો મળવો મુશ્કેલ છે.
અલબત્ત, ભૂતકાળમાં બનાવટી નોટોની જે ભરમાર અમેરિકામાં જોવા મળતી હતી તેટલી હવે નથી. કહે છે કે ૧૯મી સદીમાં અમેરિકામાં ચલણમાં ફરતી અડધાથી વધુ નોટો નકલી હતી. એ વખતે અમેરિકામાં જુદી જુદી બેન્કો પોતાની ચલણી નોટો ઇસ્યુ કરતી હતી.
જોકે ૧૮૬૫ની સાલમાં સિક્રેટ સર્વિસની સ્થાપના જ એ હેતુથી થઇ કે જેથી કાઉન્ટરફિટીંગ (ડુપ્લીકેટ નોટ બનાવવા)ના ધંધા પર અંકુશ લાવી શકાય. એ સમયગાળામાં 'સુપર ડોલર્સ' તરીકે ઓળખાતા હાઇકવૉલીટી ડુપ્લીકેટ ૧૦૦ ડોલરની નોટોનો મોટો જથ્થો ચલણમાં ઠલવાયો હતો. છેક ૨૦૦૭માં ખબર પડી કે ઉત્તર કોરિયા આ નકલી સુપર ડોલર્સ છાપીને અમેરિકન બજારમાં ઘુસાડતું હતું. આ બદમાશીનો પત્તો પણ ત્યારે લાગ્યો જ્યારે પેરુની બેન્કોએ અમેરિકન ૧૦૦ ડોલરની નોટો સ્વીકારવાનું બંધ કર્યું.
થોડા વર્ષ પૂર્વે ત્રાસવાદી જૂથ અલ-કાયદા સાથે સંકળાયેલા એક એજન્ટે અમેરિકાની ટંકશાળ બ્યુરો ઓફ એન્ગ્રેવિંગ એન્ડ પ્રિન્ટીંગમાંથી ડૉલર છાપવા વપરાતી પ્લેટો ચોરી હતી. પરંતુ આ પ્લેટોનો દુરુપયોગ કોઇ કરે એ પહેલા ચોરીનો ભેદ ઉકેલાઇ ગયો હતો.
હાલમાં અમેરિકાની બહાર દસ અબજ ડૉલરની નકલી નોટો ફરી રહી હોવાનો અંદાજ છે.
ઘણાં વિદેશી નાગરિકો તેમની સાથે આપણાં દેશની ચલણી નોટોની બેગો ભરીને લાવે છે અને પછી મનગમતીવસ્તુઓ ખરીદીને બનાવટી નોટો ચલણમાં ઘુસાડે છે. બેંગકોક, સિંગાપુર, નોર્થ કોરિયા હોનોલુલુ વગેરે શહેરોમાં બનાવટી ડોલર છાપવાનું કાવતરું મોટા પાયે ચાલે છે. આ ધંધામાં સંડોવાયેલા જાનના જોખમે પણ બીજા દેશોની ચલણી નોટો છાપીને તે દેશમાં નોટો ઘુસાડે છે. દેશમાં વિદેશી હુંડિયામણની છુપી અને સમાંતર બેંકિંગ કામગીરીનું આ ષડયંત્ર ચલાવતી એક આંતરરાષ્ટ્રીય ટોળકીનો હાથ હોવાનું જણાય છે.
અમેરિકન ડોલરનો ભાવ થોડા વર્ષ અગાઉ એક ડોલર બરાબર ૭૫ હતો તે વધીને ૯૫ રૂપિયા થઇ ગયો. તેથી ડોલર ઘણો મોંઘો થતાં દરેક દેશમાં તેની માંગ ખૂબ વધી ગઇ છે. હોંગકોંગમાં તો બારેમાસ આંતરરાષ્ટ્રીય મેળો ભરાયો હોય તેમ દેશપરદેશના ટુરિસ્ટોથી ત્યાંના બજારો ઊભરાતા રહે છે. ત્યાં અમેરિકન ડોલરની લે-વેચ સૌથી મોટા પ્રમાણમાં થાય છે તેને કારણે ત્યાં બનાવટી ડોલર આપવાવાળા પણ મોટા પાયે કામ કરતાં હોય છે. તાજેતરમાં જ હોંગકોંગમાં ચાર માણસો ડોલર અને ફિલીપાઇન્સનું ચલણ પેસોની નોટો છાપતાં
પકડાયા હતા.
છેલ્લા કેટલાક વર્ષોમાં ૧૦૦ મિલિયન, ૫૦૦ મિલિયન અને ૧ બિલિયન ડૉલરની બનાવટી નોટો ભરેલા ધાતુના પટારા ફિલિપાઇન્સ અને મલેશિયા જેવા દેશોમાં
જપ્ત થયા છે.
છેતરપિંડી કરનારા અમુક મોટા વેપારીઓ અને ઉદ્યોગપતિઓને બેન્કના એજન્ટના સ્વાંગમાં એવું કહેતા ફરતા કે આ ખૂબ ઉંચી રકમની નોટો વિશે સરકાર ગુપ્તતા જાળવે છે એટલે સામાન્ય જનતાને તેના વિશે બહુ ખબર નથી. પરંતુ આવી મૂલ્યવાન નોટો બેન્કોમાં વટાવી શકાય છે.
હોંગકોંગ પોલીસની એક સ્પેશિયલ સ્કવોડ તો પોકેટમાં 'કાઉન્ટરફીટ બીલ ડિટેકટર' (બનાવટી ચલણી નોટ ઓળખી કાઢતું યંત્ર) સાથે લઈને જ ફરતા હોય છે.
સેલફોનના કદના આ યંત્રને સહેલાઇથી ગજવામાં રાખી શકાય છે. વાપરવામાં સરળ તથા ચોકસાઇમાં પરિપૂર્ણ અને સસ્તું ઉપકરણ હવે દુકાનોમાં પણ વપરાવા લાગ્યું છે. અમેરિકન ચલણ ઉપરાંત બ્રિટીશ જર્મન અને ઓસ્ટે્રલિયન ચલણની તપાસ માટે પણ આ ઉપકરણ બજારમાં ઉપલબ્ધ છે. આ યંત્રનો અર્થ એ કે ખોટી નોટ છાપનારાઓને કોઇ નવો કિમિયો અજમાવવો પડશે નોટના મુદ્રણ માટે નવી પદ્ધતિ અપનાવવી પડશે.
જો કે કલર કોપિયર મશીનોએ નકલખોરોનું કામ આસાન બનાવી દીધું છે. ડૉલરની કે અન્ય ચલણોની નકલમાં અક્કલની ઝાઝી જરૂર રહી નથી. નિષ્ણાતો કહે છે કે કેનન સીએલસી ૮૦૦ એવી આબેહૂબ નકલો છાપે છે જે પારખવી ખૂબ મુશ્કેલ છે. કોડક, ઝેરોક્સ અને મિનોલ્ટાનાં મશીનો પણ એવાં જ કાર્યક્ષમ મનાય છે. એડોબી સિસ્ટમનાં ફોટોસ્કોપ અને ઇલેસ્ટ્રેટર અને અલ્સીના ફ્રીહેન્ડ જેવા છૂટથી મળી શકતા અઘતન ગ્રાફિક સોફ્ટવેરની મદદથી ગમે તે ચલણની નકલ કરી શકાય છે. આધુનિક સ્કેનરો અને લેસર પ્રિન્ટરો પણ નકલખોરો માટે શક્તિશાળી ઓજારો પુરવાર થયાં છે.
કાગળ પરનું લખાણ અને આકૃતિઓ ઉકેલીને આંકડારૂપે કૉમ્પ્યુટરમાં દાખલ કરનારાં કલર સ્કેનર મશીનો છસોથી હજાર ડૉલર સુધીમાં મળી જાય છે. દસ વર્ષ પહેલાં નકલી નોટોનું છાપખાનું વસાવવા માટે અઢી લાખ ડૉલરની જરૂર પડતી, આજે માત્ર દસ હજાર ડૉલરમાં થઈ શકે છે.
જ્યારથી અમેરિકન સરકારને ખબર પડી છે કે ડોલરની નોટો છાપવાનું કામકાજ દુનિયાભરમાં મોટા પાયે ચાલે છે ત્યારથી અમેરિકાનું ટ્રેઝરી ખાતું ચેતી ગયું છે. આપણે ત્યાં જેમ રિઝર્વબેન્કવાળા રૂપિયાની નોટો છાપવાનો હક્ક ધરાવે છે. તેમ અમેરિકામાં ટ્રેઝરી ખાતું ડોલર છાપવાની જવાબદારી ધરાવે છે. આ ખાતાએ ડોલરની નોટોની ડિઝાઇન, કાગળ અને છાપકામમાં મૂળથી ફેરફાર કરવાનો નિર્ણય લીધો છે.
આવો ફેરફાર કરવાનો નિર્ણય લેવાનું કારણ જણાવતાં ટ્રેઝરી સેક્રેટરી કહે છે કે અમેરિકન ડોલરની હાલની ડિઝાઇનની હુબહુ નકલ કરી શકે તેવા છાપકામ યંત્રો ચીનાઓએ વિકસાવ્યા છે. વળી ફોટોકોપી મશીનો એટલા આગળ નીકળી ગયા છે કે કોઇ પણ દેશની ચલણી નોટોની આબેહુબ નકલ તૈયાર થઇ શકે.ખુદ સી.આઇ.એ. વાળાઓએ એવું કોમ્પ્યુટર સંચાલિત પ્રિન્ટીંગ મશીન વિકસાવ્યું છે કે દુનિયાના કોઇ પણ દેશની ચલણી નોટોની નકલ કરી શકાય. આ યંત્રની મદદથી તેમણે અમેરિકન ડોલરની નકલી નોટો છાપીને વિયેતનામ, થાઇલેન્ડ, કમ્બોડિયા વગેરે દેશોમાં વાપરી હતી. આજે પણ આ દેશોમાં બનાવટી ડોલરની નોટોનું પ્રમાણ સૌથી વધુ છે.
કેફી દ્રવ્યોનું ઉત્પાદન અને દાણચોરી કરનારી દક્ષિણ અમેરિકાની માફિયા ટોળીઓ જથ્થાબંધ નકલી ડૉલરો છાપે છે. તેનો ઉપયોગ અન્ય માફિયા ટોળીઓને નાણાં ચૂકવવામાં થાય છે. ઈરાન અને સીરિયા પણ નકલી ડૉલર છાપતા હોવાનું મનાય છે. ઇરાન તો અમેરિકાના નાણા ખાતાની જ ટેકનોલોજી વાપરે છે એટલે તેની નકલ તો અસલને ટક્કર મારે તેવી આબાદ હોય છે.
ભારતમાં અત્યારે પરદેશ જનારાઓ અમેરિકન ડોલર મુંબઇથી ખરીદીને લઇ જાય છે. વિઝા કઢાવવા અને પ્લેનની ટિકિટની જોગવાઇ કરવા મુંબઇ આવી વધારાનો ડોલરનો પુરવઠો પણ મેળવી લેવાય છે. ડોંગરીથી કોલાબા સુધીના વિસ્તારમાં ડોલરનું ચલણ મળે છે. આમાં સાચી નોટોની ભેગી બનાવટી નોટો પણ હોઇ શકે. ભારતમાં લાખોની સંખ્યામાં ૧૦૦ ડોલરની કિંમતની અમેરિકન નોટો આવી ગઇ છે. તેમાંથી મોટા ભાગની ચીન અને થાઇલેન્ડથી આવે છે. કારણ કે ત્યાં બનાવટી નોટો છાપવાનો ધંધો મોટા પાયે ચાલે છે. ડોલરનો ભાવ જેમ જેમ ઊંચકાતો જાય છે તેમ વધુને વધુ લોકો બનાવટી નોટો છાપવાના ધંધામાં ઝંપલાવવા માંડયા છે.
ભારતમાં દિલ્હીથી ત્રિવેન્દ્રમ સુધીમાં કેટલાંય સ્થળે છુપી રીતે ડોલરની બનાવટી નોટો છપાય છે. શરૂઆતમાં સરકાર એમ સમજતી હતી કે નાના ગઠિયાઓ જ આ કામમાં પડે છે. પરંતુ કોમન વેલ્થગેમ્સ વખતે દિલ્હીમાં ડોલરનો
ધંધો કરનારા જે માણસો પકડાયા હતા તેના પરથી ખબર પડી ગઇ છે કે ભારતીય ગઠિયાઓ કોઇ મોટી આંતરરાષ્ટ્રીય ગેંગ સાથે મળીને ડોલરની બનાવટી નોટોનો ધંધો કરે છે.
દિલ્હીમાં બનાવટી નોટો અને બીજા વિદેશી ચલણનો ધંધો કરનારાને પકડવા દિલ્હીની પોલીસે સો બનાવટી ગ્રાહક ઊભા કરવા પડયા હતાં. મોટા ભાગના ટ્રાવેલ એજન્ટો ડોલરને કાળાબજારમાં વેંચીને કમાણી કરવાનું તેમજ બનાવટી પાસપોર્ટ કાઢી આપવાનું કામ કરતાં હોય છે. એક યુગલ તો અશોક રોડ પર આવેલી લકઝરી હોટલમાં રહીને જ બનાવટી ડોલરની લહાણી કરતું પકડાયું હતું. પોલીસે જ્યારે બનાવટી ગ્રાહકને આ યુગલ પાસે ડોલર ખરીદવા મોકલ્યા ત્યારે તેમની કારીગીરી પ્રકાશમાં આવી હતી. પતિ-પત્ની બન્ને હોટલના વૈભવશાળી રૂમમાં જ રહીને જ ડોલર વેંચવાનો ધંધો કરતા હતા.બજારમાં જ્યારે એક ડોલરનો ભાવ ૯૦ રૂપિયા ઉપજતો હતો ત્યારે પણ આ યુગલ એક ડોલર માત્ર ૭૦ રૂપિયામાં વેંચતું હતું. તેથી પોલીસે તરત જ તેમની ધરપકડ કરી હતી.
સ્ત્રીને કરાયેલી પુછપરછ પરથી પોલીસને ખબર પડી કે ભારતમાં બનાવટી ડોલરોનો તૈયાર પેટીપેક માલ હોંગકોંગથી અને પાકિસ્તાનથી આવે છે. પાકિસ્તાનમાંથી જે બનાવટી નોટો આવે છે તે ચીનમાં બનેલી હોય છે. જ્યારે હોંગકોંગથી આવતી નોટો ત્યાં જ તૈયાર થયેલી હોય છે. નવાઇની વાત એ છે કે બે જુદાં જુદાં દેશોમાં તૈયાર થયેલી ડોલરની નોટો બિલકુલ મળતી આવે છે. આ માટેનું મુખ્ય કારણ એ છે કે બન્ને સ્થળે નોર્વેમાં બનેલો ખાસ કાગળ વપરાય છે.
છેલ્લાં કેટલાંક સમયથી દિલ્હી એરપોર્ટ પર કસ્ટમખાતાને વધુ સાવચેતી રાખવા જણાવવામાં આવ્યું છે. કારણ કે વિદેશથી જેમ બનાવટી ડોલર ભારતમાં આવે છે તેમ ભારતમાંથી વિદેશ જતાં મુસાફરો પણ સાથે બનાવટી ડોલરના થોકડાં લઇ જતાં હોય છે. દિલ્હીના કરોલ બાગ, અને ચાંદની ચોક વિસ્તારમાં ઘણા દેશોનું ચલણ મળે છે.
સી.બી.આઇ.નો એવો અંદાજ છે કે મુંબઇ કરતાં પણ દિલ્હીમાં વધુ બનાવટી નોટો જોવા મળે છે. દિલ્હીમાં થતાં જાસુસી, રાજકીય અને સંરક્ષણ બાબતના કૌભાંડો માટે મોટા પાયે પૈસાની ચૂકવણી થાય છે તે પણ આ બનાવટી નોટોમાં થતી હોવાની શક્યતા છે.
કેરળમાંથી દર વર્ષે સેંકડો યુવક-યુવતીઓ નોકરી ધંધા માટે વિદેશ જાય છે. આ લોકો સાથે મોટા પ્રમાણમાં બનાવટી ડોલર લઇ જાય છે. કેરળની ક્રાઈમ બ્રાન્ચે અવારનવાર ટ્રાવેલીંગ એજન્સીઓની ઓફિસો પર દરોડા પાડીને બનાવટી નોટોનો જથ્થો પકડયો છે. અત્યાર સુધીમાં એક કરોડ ડોલરની નોટો પકડાઇ છે. ડોલરો છાપવાના મશીનો ધરાવતા મીની કારખાના પાલઘરમાંના ખેતરોમાં ચાલતા હતાં. આવું એક પ્રિન્ટીંગ મશીન તો તામિલનાડુમાં ફટાકડા બનાવવાના મશહૂર સ્થળ શીવકાશીમાંથી મળી આવ્યું હતું. ફટાકડા બનાવવાની ફેકટરીમાં મંદીની સિઝનમાં નકલી ડોલરો બનાવવાનું કામ ચાલતું હતું.
મુંબઇમાં જોવા મળતી ડોલરની નોટોમાં ૨૦ ડોલરની કિંમતની નોટો વધુ હોય છે. સૌથી વધુ નકલી નોટો પણ વીસ ડોલરની હોય છે. ઇંગ્લેંડની ૨૦ પૌંડની નોટો છાપવાનો ગોરખધંધો પકડાઇ જતાં ત્યાંની મધ્યસ્થ બેંકે તરત જ ૨૦ પૌંડની નોટની ડિઝાઇન તેમજ શાહી અને રંગ બદલી નાખ્યાં હતાં. ચીને વિકસાવેલા અદ્યતન ફોટો કોપી મશીનને કારણે દરેક દેશને ચિંતા પેઠી છે. અમેરિકા અને બ્રિટનને પગલે પગલે કેનેડા અને ઓસ્ટ્રેલિયા સરકાર પણ તેમના ચલણમાંથી જુની નોટો ખેંચી લઇને નવા રૂપ-રંગ સાથેની પ્લાસ્ટિકની નોટો ઇસ્યુ કરતી રહે છે.
અમેરિકાએ એડવાન્સડ કાઉન્ટર ફિટિંગ ડિટેકશન પ્રોગ્રામ નામનો કાર્યક્રમ તૈયાર કર્યો છે. આ કાર્યક્રમ હેઠળ ફોટોકોપી મશીન દ્વારા છાપી ન શકાય તેવી ચલણી નોટો છાપવાની તરકીબ વિચારવામાં આવી રહી છે. સલામતી ખાતર પણ તમામ દેશોએ પોતાની ચલણી નોટોની ડિઝાઇનોને તેનું ડુપ્લીકેટીંગ થઇ ન શકે તેવી યોજના ઘડવી પડશે. અમેરિકામાં બ્યુરો ઓફએનગ્રેવીંગ એન્ડ પ્રિન્ટીંગ નામનું ખાતું દરેક દેશને નવી ચલણી નોટોની ડિઝાઇન અંગે સલાહ આપે છે.
ઘરઆંગણે બનાવટી ડોલર છાપવાના ગોરખધંધા સામે પાળ બાંધવાનું વિચારતી અમેરિકન સરકારની પડખે જ મોટો ગુનેગાર બેઠો છે. અને એ છે અમેરિકાની જાસુસી સંસ્થા સી.આઇ.એ. બીજા દેશોના અર્થતંત્રમાં આફત સર્જવા નકલી નોટો છાપે છે. અલબત્ત આ બનાવટી ડોલર બીજા દેશોમાં ઘુસાડવામાં આવે છે.
કોમ્પ્યુટર સંચાલિત અદ્યતન પ્રિન્ટીંગ મશીનરીની શોધ સી.આઇ.એ.ના એક વખતના વડા રીચાર્ડ હેલ્મ્સે કરી હતી. જ્યારે આ યંત્ર હોવાની સી.આઇ.એ.ની ગુપ્ત વાતો લીક થઇ ગઇ ત્યારે ખુદ અમેરિકન સરકાર પણ ચોંકી ગઇ. બન્યું પણ એવું કે એ અરસામાં જ ફ્રાન્સમાંથી એક કરોડ ડોલરની કિંમતની બનાવટી ડોલરની નોટો પકડાઇ હતી. તેથી અમેરિકન સત્તાવાળાઓને ચિંતા પેઠી કે આ બનાવટી ડોલરનું કાવતરું સી. આઇ.એ.નું તો નહીં હોય ને !આ કાવતરું પકડવા અમેરિકાએ તેના ટ્રેઝરી ખાતાના અને સિક્યોરીટી પ્રેસના નિષ્ણાતોને પેરિસ મોકલ્યાં હતાં !
અમેરિકન ડોલરની હુબહુ નકલ ન થઇ શકે માટે અમેરિકન ટ્રેઝરી ખાતું ઘણી ચીવટ રાખે છે. દાખલા તરીકે પતરા પર ડોલરની ડિઝાઇન કોતરનાર કારીગર દોઢ બે વર્ષની મહેનતને અંતે માંડ એક પતરું કોતરી શકે છે. નોટ જેટલા રંગમાં છાપવાની હોય એટલા પતરાં પર નોટો છાપવામાં આવે છે. નોટો છપાઇ ગયા બાદ દરેક પતરાંને અલગ અલગ તિજોરીમાં રાખવામાં આવે છે. જેથી એકાદ પતરું ચોરાય તો પણ નોટની નકલ થવાનો ભય ન રહે. વીસ ડોલરની પ્રમુખ એન્ડ્રસ જેકસનની તસ્વીરવાળી નોટ વિશે તો એવો દાવો કરાત ોહતો કે એ નોટની નકલ કરવા માટે ફરેબીઓએ પાંચ વર્ષ સુધી મહેનત કરવી પડે. એટલું જ નહીં, પણ અમેરિકન સિક્યોરીટી પ્રેસના કોઇ ચુનંદા કારીગરની મદદ લેવી પડે.
અમેરિકાએ છેક હમણાં હમણાં ૧૯૯૦થી. ડૉલરની નકલ અટકાવવા કેટલાંક પગલાં લીધાં. નોટમાં પોલિયેસ્ટરની બનેલી સિક્યોરિટી સ્ટ્રીપ ઉમેરી, નોટ પરના ફોટાની આસપાસ ખૂબ ઝીણા અક્ષરોમાં લખાણ છાપવાની શરૂઆત કરી. નોટના કાગળમાં લાલ અને ભૂરા રંગના તાંતણા દાખલ કર્યા.
ફિનલેન્ડ અને ઑસ્ટ્રિયાની નોટોમાં ચળકતી અને રંગ બદલતી ડિફ્રેક્શન ફોઇલ્સ વપરાય છે. કેનેડાની નોટોમાં એક નાનકડી ચોરસ જગામાં ઓપ્ટિકલ સિક્યોરિટી ડિવાઇસ હોય છે. વિવિધ ખૂણેથી જોતાં એ જગાનો રંગ સોનેરી કે લીલો દેખાય, કોપિયર મશીનો પર ડિફ્રેક્શન ફોઇલ્સ કે ઓપ્ટિકલ સિક્યોરિટી ડિવાઇસની નકલ થઇ શકતી નથી.
બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન હિટલરે પૌંડની બનાવટી નોટો છાપીને બ્રિટનનું અર્થતંત્ર ખોરવી નાંખવા પ્રયત્ન કર્યો હતો. પૌંડની લાખો નોટો જર્મનીના એક ભૂગર્ભ પ્રેસમાં છપાઇ હતી. પરંતુ આ નોટો બ્રિટનમાં ઘુસાડાય તે પહેલાં ભાંડો ફૂટી ગયો હતો. ભારતમાં દેવાસ ખાતે જે નોટો છપાય છે તેવી નોટો છાપવાના યંત્રો બ્રિટનની દલારૂઝ નામની કંપની બનાવે છે. તેણે આવા યંત્રો ચીન અને પાકિસ્તાનને પણ આપ્યા છે. છતાં એક દેશ બીજા દેશની નોટો યંત્રો પર છાપી શકતો નહોતો. પરંતુ ફોટો-કોપી મશીન પર કલરમાં કોપી કાઢવાનું શરૂ થયું ત્યારથી કોઇ પણ દેશની ચલણી નોટો છાપવાનું સુગમ થઇ પડયું છે.
હવે જો કે અમેરિકન સિક્રેટ સવસ કેનન, ઝેરોક્સ તથા અન્ય હાર્ડવેર કંપનીઓ સાથે મળીને એવી ટેક્નોેલોજી વિકસાવી રહી છે જેનાથી આ કંપનીઓનાં કોપિયર મશીનોનો નકલી નોટો છાપવા માટે થતો ઉપયોગ અટકાવી શકાય. કોપિયર મશીનો દુનિયાભરનાં ચલણોને ઓળખી શકે અને ચલણી નોટોની નકલ માત્ર બ્લેક એન્ડ વ્હાઇટમાં જ નીકળે એવી સિસ્ટમ વિકસાવાઇ રહી છે. અન્ય એક વ્યવસ્થા અનુસાર પ્રત્યેક નકલ પર એક અદ્રશ્ય સિરિયલ નંબર છપાશે જેથી ક્યું મશીન નોટોની નકલ માટે વપરાયું છે તે જાણી શકાય.
ભારત ૧૦૦, ૨૦૦ અને ૫૦૦ રૂપિયાની બનાવટી નોટોની સમસ્યાનો સામનો કરી રહ્યું છે. એવી જ હાલત મંદીમાં સપડાયેલા અમેરિકાની છે. આંતરરાષ્ટ્રીય સ્તરે ડૉલર કંગાળ થતો જાય છે ત્યારે જ બનાવટી ડોલરનો ગોરખધંધો અમેરિકન અર્થતંત્રને વધુ ભીંસમાં લેશે એ વાત નક્કી.




