Ravi Purti

વાત એક એવા લેખકની, જે પુસ્તકોના અધૂરા પ્રોજેક્ટ્સથી ડિપ્રેશનમાં છે!

By GS Team
19 Sep 20266 mins read
TukuTouch Logo
આજે 20 સપ્ટેમ્બરે, અમેરિકાના ન્યૂજર્સીમાં જન્મેલા જ્યોર્જ આર. આર. માર્ટિનનો 78મો જન્મદિવસ છે. 'ગેમ ઓફ થ્રોન્સ' જેવી સુપરહિટ ટીવી સિરીઝ અને "અ સોંગ ઓફ આઈસ એન્ડ ફાયર" નોવેલના સર્જક માર્ટિન આજે વિશ્વના ત્રીજા સૌથી ધનવાન લેખક છે, જેમની નેટવર્થ 1153 કરોડ રૂપિયા છે. બાળપણમાં ગરીબીનો સામનો કરી, કલ્પનાની દુનિયામાં રાચતા જ્યોર્જે પોતાના સપના સાકાર કર્યા.

Summarized by AI; it may make mistakes. Check important info

વાત એક એવા લેખકની, જે પુસ્તકોના અધૂરા પ્રોજેક્ટ્સથી ડિપ્રેશનમાં છે!
  • સાઈન-ઈન - હર્ષ મેસવાણિયા
    કલ્પનાકથાનો ઈતિહાસ સેંકડો સદીઓ જૂનો છે. ભારતની કલ્પનાકથાઓથી આખી દુનિયા પ્રેરિત થઈ છે. કલ્પનાકથા એટલે જેમાં પ્રાણીઓ બોલતાં હોય, માણસ અને પ્રાણી-પંખીઓ વચ્ચે સંવાદ થતો હોય, પ્રાણી-પંખીઓ વચ્ચે દોસ્તી-દુશ્મનીની કલ્પના થતી હોય. આવી કથાઓમાં અલૌકિક, જાદુઈ તત્વ હોય છે. માનવીય ગુણો ધરાવતા બોલતાં પ્રાણી-પંખીઓની કથાઓ જેટલી ભારતમાં મળે છે એટલી બીજે ક્યાંય મળતી નથી. જગતભરના સાહિત્યકારોએ પછીથી માનવીય ગુણો ધરાવતા પ્રાણીઓ-પંખીઓની કલ્પનાઓ કરીને સાહિત્ય રચ્યું છે. આ થઈ કલ્પના કથાઓ.
    આ જ પ્રકારનો ઉપવિભાગ છે - લો ફેન્ટસી યાને નરમ કે હળવી કલ્પના. આવી કલ્પનાકથાઓમાં સર્જક હંમેશા એ વાતે સચેત હોય છે કે ક્યાંક વાચકોને ગળે ન ઉતરે એવી કલ્પના ન થઈ જાય. એમાં સજીવો બોલતાં હોય તો પણ એને એવા બતાવવામાં ન આવે કે જે પહેલી નજરે માન્યામાં ન આવે. એવી કથાઓમાં અલૌકિક ફેક્ટર હોય પણ એ એવું ન હોય કે જેની કલ્પના જ કરી ન શકાય. જેમકે એમાં આપણી આસપાસ હોય એવાં કાગડો, ચકલી, સાપ, અજગર જેવા સજીવો બોલતા હોય એવી કલ્પના તો થાય, પરંતુ ડ્રેગન-ડાયનોસોર કે જેનું અસ્તિત્વ જ નથી એની કોઈ વાત એમાં ન આવે. બાળવાર્તાઓ, કિશોરકથાઓ બહુધા નરમ કલ્પનાકથાની શ્રેણીમાં આવે છે.
    ફેન્ટસી સાહિત્યનો જ બીજો વિભાગ છે - હાઈ ફેન્ટસી, ઉત્કટ કલ્પના. ઈંગ્લિશ લેખક વિલિયમ મોરિસની ૧૮૯૬માં પ્રસિદ્ધ થયેલી નવલકથા 'ધ વોલ એટ ધ વર્લ્ડ એન્ડ'ને આ પ્રકારની પ્રથમ નોંધપાત્ર નોવેલ ગણવામાં આવે છે. ૧૯૩૭માં હાઈ ફેન્ટસી લેખનમાં નવા માપદંડો બનાવનારી નોવેલ 'ધ હોબિટ' આવી. જેણે ભવિષ્યમાં જે. કે. રોલિંગ, રોબર્ટ જોર્ડન જેવા લેખકો માટે હાઈ ફેન્ટસીનો માર્ગ મોકળો કર્યો. એ જ હાઈ ફેન્ટસીનો હાથ ઝાલીને ગરીબ ઘરનો એક છોકરો અબજોનો માલિક બન્યો, જેનું નામ છે - જ્યોર્જ આર. આર. માર્ટિન.
    આજે ૨૦મી સપ્ટેમ્બરે જ્યોર્જ આર. આર. માર્ટિનનો જન્મદિવસ છે. ૭૭ વર્ષ પૂરા કરીને જ્યોર્જ આજે ૭૮માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે ત્યારે તેમના જીવન અને સાહિત્યસર્જન વિશે થોડું જાણી લઈએ…

જ્યોર્જ આર. આર. માટન.
એપિક ફેન્ટસીના ચાહકો માટે આ નામ બિલકુલ અજાણ્યું નથી. એચબીઓમાં રજૂ થયેલી ગેમ ઓફ થ્રોન્સ (જીઓટી) સીરિઝ દુનિયામાં સૌથી વધુ જોવાયેલો ટીવી શો છે. આઠ સીઝનના ૭૩ એપિસોડનો ફેન્ટસી વર્લ્ડમાં જુદો ફેનબેઝ છે. અમેરિકામાં ૨૦૧૧માં પહેલી સીરિઝ રીલિઝ થઈ હતી. તે પછી ઓટીટીની દુનિયાનો ઉદય થયો ને એમાં કરોડો વ્યૂઅર્સની આ મનપસંદ સીરિઝ બની ગઈ. એના એક-એક કેરેક્ટર્સના ફેન્સ બન્યા. એની સ્ટોરી, સ્ટોરીમાં આવતાં અણધાર્યા વળાંકો, એનું પાત્રાલેખન, હાઈ ફેન્ટસીની ઘટમાળ, ન વિચાર્યું હોય એવી ફિક્શન થિયરીએ દુનિયાભરના ચાહકોને ગેમ ઓફ થ્રોન્સનું ઘેલું લગાડયું. એની જ પ્રિક્વલ હાઉસ ઓફ ડ્રેગન નામે બની, જેની ૩જી સીઝન હજુ ગયા મહિને આવી.
જે કલ્પનાકથાના આધારે જીઓટી બની છે તે 'અ સોંગ ઓફ આઈસ એન્ડ ફાયર' નોવેલના પાંચ-પાંચ વોલ્યૂમ બેસ્ટસેલર બની ગયા ને એના લેખક જ્યોર્જ આર. આર. માટન એટલા પોપ્યુલર થયા કે આજે દુનિયાના સૌથી ધનવાન લેખકોમાં તેઓ ત્રીજા ક્રમે છે. ભારતીય રૂપિયામાં તેમની નેટવર્થ ૧૧૫૩ કરોડ થાય છે. કોઈ દેશના સુપરસ્ટારથી પણ વધુ કમાણી આજે જ્યોર્જ માટનની છે. એમના પુસ્તકો ખરીદવા માટે વાચકો હજારો ડોલર્સ ખર્ચે છે, પરંતુ માટન પાસે બાળપણમાં ગમતા લેખકોના પુસ્તકો ખરીદવાના પૈસા ન હતા.
જ્યોર્જ આર. આર. માટનનો જન્મ અમેરિકાના ન્યૂજર્સી રાજ્યમાં આવેલા બેયોન શહેરમાં ૨૦મી સપ્ટેમ્બર, ૧૯૪૮માં થયો હતો. પિતા રેમન્ડ માટન મજૂરીકામ કરીને પત્ની અને ત્રણ સંતાનોનું પેટ ભરતા હતા. જ્યોર્જની માતાનો પરિવાર એક સમયે ખૂબ જ ધનવાન ગણાતો. એના નાના બેયોનમાં જાણીતા કોન્ટ્રાક્ટર હતા, પરંતુ અમેરિકામાં ૧૯૨૯થી ૧૯૩૯નો ગ્રેટ ડિપ્રેશનનો સમયગાળો આવ્યો ત્યારે એમની બધી જ સંપત્તિ ધોવાઈ ગઈ. જ્યોર્જના પિતાને કોઈ ઘર ન હતું. અલગ અલગ શહેરોમાં મજૂરી કરીને ઘર ચલાવતા. એવી સ્થિતિમાં જ્યોર્જનું બાળપણ પસાર થયું. એ સમયે જ્યોર્જની દુનિયા ઘરથી સ્કૂલ, સ્કૂલથી ઘર - એટલી નાની હતી. જ્યોર્જ કહે છેઃ 'મારી દુનિયા ફર્સ્ટ સ્ટ્રીટ ટુ ફિફ્થ સ્ટ્રીટની અંગ્રેજી કહેવત જેટલી નાનકડી હતી. વાસ્તવિકતાની દુનિયા બહુ આકરી હતી એટલે હું કલ્પનાની દુનિયામાં રાચતો. એમાં મને કંઈક અલગ દુનિયા લાગતી. એ કલ્પનાઓએ મને લખવા પ્રેર્યો.'
જ્યોર્જ બાળપણમાં પોકેટ મની માટે પોતાના દિમાગમાં આવતા ચિત્ર-વિચિત્ર વિચારોમાંથી શાળાના ધનવાન બાળકો માટે સ્ટોરી લખતા. રાક્ષસોની કલ્પનાકથા લખીને સમવયસ્ક વિદ્યાર્થીઓને વેંચી દેતા. એ ઉંમરે તેમની કલ્પનાકથા એટલી મજબૂત હશે એનો પુરાવો એ વાતે મળે કે જે વિદ્યાર્થીઓ સ્ટોરી ખરીદી જતાં એ રાતે ડરીને જાગી જતાં. એ બાળકોની મમ્મીઓને જ્યારે પોતાના સંતાનોના ડરનું ખરું કારણ જાણવા મળ્યું ત્યારે ફરિયાદ છેક જ્યોર્જના ઘર સુધી પહોંચી ને એમ બાળપણમાં ડરામણી મોન્સ્ટર સ્ટોરીનું લેખન
બંધ થયું.
પણ લેખન તેમને છોડવાનું ન હતું, હાઈ ફેન્ટસી તેમને જીવનભર પકડી રાખવાની હતી. એનાથી જ તેમનું ભાગ્ય પલટાઈ જવાનું હતું.

તેમની પહેલી શોર્ટ સ્ટોરી ૨૧ વર્ષની વયે એક મેગેઝિનમાં પ્રસિદ્ધ થઈ હતી, પણ લેખનમાંથી જરૂરિયાતો પૂરી થાય એટલી આવક થતી ન હતી. તેમનામાં બીજી સ્કિલ ચેસની હતી. વીકએન્ડમાં ચેસ ટૂર્નામેન્ટમાં ડિરેક્ટર બનતા ને પાંચ દિવસ લેખન કરતાં. જર્નાલિઝમની ડિગ્રી મેળવીને ફૂલટાઈમ લેખન શરૂ કર્યું. શરૂઆતમાં ટૂંકીવાર્તાના લેખક તરીકે જ જાણીતા થયા. ૨૯ વર્ષની ઉંમરે સાયન્સ ફિક્શન નોવેલ 'ડાઈંગ ઓફ ધ લાઈટ' પ્રસિદ્ધ થઈ. એ પુસ્તકે જ્યોર્જનું પ્રારબ્ધ પલટાવ્યું. બેસ્ટ નોવેલનો હ્યુગો એવોર્ડ મળ્યો. બ્રિટિશ ફેન્ટસી એવોર્ડ પણ એનાયત થયો. આ પુસ્તકથી નવલકથા લખવાનો આત્મવિશ્વાસ આવ્યો. એ પછી શોર્ટસ્ટોરી ઉપરાંત બબ્બે-ત્રણ-ત્રણ વર્ષે નવલકથા પબ્લિશ થતી રહી. અમેરિકામાં જે નોવેલની ચર્ચા જાગવાની હતી, જે નોવેલથી જ્યોર્જ આર. આર. માટન લોકપ્રિય બનવાના હતા એના પર તેમણે ૧૯૯૧માં કામ શરૂ કર્યું. એ 'સોગ ઓફ આઈસ એન્ડ ફાયર' નામની નોવેલનો પહેલો ભાગ 'ગેમ ઓફ થ્રોન્સ' નામથી ૧૯૯૬માં
પબ્લિશ થયો.
'એ ક્લાસ ઓફ કિંગ્સ' નામે બીજો ભાગ ૧૯૯૮માં અને 'એ સ્ટોર્મ ઓફ સ્વોર્ડ' નામથી ત્રીજો પાર્ટ ૨૦૦૦માં આવ્યો. આ ત્રણેય ભાગ બેહદ પોપ્યુલર બન્યા. એ પછી ચોથો ભાગ પાંચ વર્ષે ૨૦૦૫માં આવ્યો. જેનું નામ હતું - એ 'ફિસ્ટ ઓફ ક્રોઝ.' એ ચાર ભાગના આધારે અમેરિકન ટેલિવિઝન નેટવર્ક એચબીઓએ ૨૦૧૧માં 'ગેમ ઓફ થ્રોન્સ' નામથી ટીવી સીરિઝ લોંચ કરી. દુનિયાભરના જુદા જુદા ટીવી નેટવર્કે એચબીઓ પાસેથી રાઈટ્સ લઈને એનું પ્રસારણ કર્યું. ૨૦૧૪ પછી ઓટીટીનો ઉદય થયો. ૭૩ એપિસોડમાં પથરાયેલી વાર્તાનો આમ તો એ ટીવી સીરિઝમાં અંત આવે છે, પરંતુ લેખકની મૂળ નવલકથા હજુ અધૂરી છે. ૨૦૧૧માં જે વર્ષે ટીવી સીરિઝની પહેલી સીઝન આવી એ જ વર્ષે નોવેલનો પાંચમો ભાગ 'ડાન્સ વિથ ડ્રેગન' આવ્યો. ગેમ ઓફ થ્રોન્સની પાંચમી સીઝન આ ભાગ પર આધારિત હતી. સાત વર્ષના લાંબાં સમયે આવેલા આ પુસ્તકે વેચાણના તમામ રેકોર્ડ તોડી નાખ્યા હતા.
છઠ્ઠો ભાગ હજુ આવ્યો નથી. એનું નામ 'ધ વિન્ડસ ઓફ વિન્ટર' રખાયું છે. ૧૫-૧૫ વર્ષથી એ નોવેલની રાહ છે. એને મોસ્ટ અવેઈટેડ નોવેલ કહેવામાં આવે છે. જ્યોર્જે 'એ સોંગ ઓફ ધ આઈસ એન્ડ ફાયર'નો છેલ્લો ભાગ પણ પ્લાન કર્યો છે. જ્યાં નોવેલ પૂરી થશે. એનું નામ 'એ ડ્રીમ ઓફ સ્પ્રિંગ' રખાયું છે, પણ હવે લેખન અલગ પ્રકારની પરેશાનીમાં છે.
ટાઈમના મોસ્ટ પાવરફૂલ-૧૦૦માં સામેલ થઈ ચૂકેલા ૭૭ વર્ષના જ્યોર્જ આર. આર. માર્ટિન વૃદ્ધાવસ્થામાં આવતા ડિપ્રેશનનો ભોગ બન્યા છે. તેમણે ખુદ થોડા દિવસ પહેલાં સ્વીકાર્યું કે તેમને ઘડપણનો ડર લાગે છે. ઉદાસી અને હતાશા તેમને ઘેરી વળ્યા છે. અધૂરા રહી ગયેલા પ્રોજેક્ટ્સ, ખાસ તો 'સોગ ઓફ આઈસ એન્ડ ફાયર'ના છેલ્લાં બે ભાગ તેમને માનસિક રીતે પજવી રહ્યા છે. માર્ટિને કહ્યું, 'દુનિયાને ખબર નથી, મારી અંદર એક યુદ્ધ ચાલી રહ્યું છે.'
વેલ, આપણે તેમના જન્મદિવસે કામના કરીએ કે જ્યોર્જ માર્ટિન તેમની અંદર ચાલી રહેલા યુદ્ધમાંથી વહેલાસર બહાર નીકળે ને અધૂરું લેખન પૂરું કરે…

  • જ્યોર્જ આર. આર. માર્ટિનના ફેમસ ક્વોટ્સ
  • 'કોઈ માણસ પોતાની સ્ટોરીમાં ખલનાયક હોતો નથી. આપણે સૌ પોત-પોતાની કહાનીમાં હીરો છીએ.'
  • 'સારો રીડર મૃત્યુ પહેલાં હજારો જીવન જીવી લે છે. જે ક્યારેય કશું વાંચતો નથી એ માણસ સળંગ એક જ જિંદગી જીવે છે.'
  • 'દરેક માણસે યુવાનીમાં એક યુદ્ધ હારવું જોઈએ કે જેથી એ ઘડપણમાં જંગ હારી ન જાય.'
  • 'સર્વશ્રેષ્ઠ કલ્પના
    લખાય છે
    એ નથી, સપનામાં
    આવે એ છે.'
  • 'સિંહને ઘેટાના ઓપિનિયનની ચિંતા હોતી નથી.'