અહીં સફળતાની ભરતી નથી કે નથી નિષ્ફળતાની ઓટ!
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

જાણ્યું છતાં અજાણ્યું - મુનીન્દ્ર
સાધકની આંખ મંડાયેલી હોય છે ભવિષ્યની શક્યતા તરફ. એની દ્રષ્ટિ સમક્ષ અઘ્યાત્મનો એક લાંબો વિકટ પંથ હોય છે અને એ દીર્ઘ પંથ પર સઘળી બાહ્ય આપત્તિઓને પાર કરીને ચાલવાની ઉત્સુક્તા સાધકની આંખમાં હોય છે. આવે સમયે સાધકને ભૂતકાળની ભૂલો, દોષો, વિકારો, કૃત્યો અને કર્મો યાદ આવે છે અને એ પછી ઘણી વાર એ ભૂતકાળની ભૂલને જોઈને પોતાની જાતને ધિક્કારવા માંડે છે અને એની અઘ્યાત્મ પ્રગતિ પર પૂર્ણવિરામ મૂકી દે છે.
આવી આત્મધિક્કારની લાગણીમાંથી સાધકે બહાર આવીને પોતાના દોષોનો વિચાર કરીને સાધનાના માર્ગે પ્રગતિ સાધવાની હોય છે. એ દોષો તરફ ધૃણા કે ધિક્કાર ધરાવવાની જરૂર નથી તેમજ એનું દમન કરવાની પણ જરૂર નથી. ભૂતકાળમાં કરેલાં દોષોના અવશેષો રહી ગયા હોય, તે જોવાના, સમજવાના અને પારખવાના હોય છે, એનાં કારણોની તપાસ કરવાની હોય છે અને ત્યારબાદ એનું સમજપૂર્વક નિવારણ કરવાનું
હોય છે.
સાધકને માટે દોષોને સમજવાની પ્રક્રિયા અત્યંત મહત્ત્વની છે. જો એ પોતાના દુર્વિચારોનું દમન કરવાનો પ્રયત્ન કરશે, તો એની એ દોષવૃત્તિ ગમે ત્યારે ઊછળી આવશે. એ સાધનામાર્ગે જશે, પરંતુ એનો દોષ એને સતત અવરોધ રૂપ બનતો રહેશે. વળી જપ, તપ કે ઘ્યાનથી એ દોષને નષ્ટ કરી નાંખવાનો એનો પ્રયત્ન પણ વૃથા નીવડે છે. કૃષ્ણભક્ત સુરદાસ જ્યારે એમ કહે કે 'મૌ સમ કૌન કુટિલ ખલ કામી' એટલે કે 'મારા જેવો બીજો કોણ કુટિલ, દુષ્ટ અને કામાતુર વ્યક્તિ હશે.' આનો અર્થ જ એ કે સુરદાસ એના નાનામાં નાના દોષ અંગે જાગૃત છે અને પ્રભુભક્તિ દ્વારા એનું નિવારણ કરવાનો પ્રયત્ન કરે છે, આથી સાધકને માટે મહત્ત્વની બાબત એ છે કે પોતાનાં દોષો, વિકારો, વૃત્તિઓ જાણીને એને દૂર કરવા માટે આઘ્યાત્મિક પુરુષાર્થ કરવો.
આ આઘ્યાત્મિક પુરુષાર્થ વખતે પણ દોષો આવવાની સંભાવના રહે છે. પોતાની સાથે જ સાધના કરનારને જોઈને મનમાં એમ થાય કે એની સાધના કેવી સામાન્ય છે અને હું તો સાધનાપથ પર કેટલો બધો આગળ છું ! આવે સમયે એમ માનવું કે તમારા ભીતરમાં અહંકાર જાગ્યો છે. અહંકાર એ વ્યક્તિના અજ્ઞાાનનો સૂચક છે, પણ એના મનમાં રહેલી સાથોસાથ એની ઈર્ષા અને દ્વેષનું પણ પ્રગટીકરણ છે. વળી એ અહંકાર વ્યક્તિમાં સ્પર્ધા અભિમાન, સ્વાર્થ, ક્રોધ વગેરે પણ લાવે છે અને એના પરિણામે અહંકાર એ સાધનાપથમાં સૌથી મોટો અવરોધ બની રહે છે.
જ્યાં સુધી વ્યક્તિના ચિત્તમાં અહંકાર ઘૂઘવતો હોય છે, ત્યાં સુધી એ પોતાના પ્રચંડ અને સર્વવ્યાપી ગર્વમાંથી બહાર આવી શક્તો નથી. એ બીજાની વાત કોને ધરવા જ તૈયાર હોતો નથી, ત્યારે એને 'પરમ'ના શબ્દો તો એને ક્યાંથી સંભળાય ? આવો અહંકાર સતત પ્રસરતો રહે છે અને એ પોતે જ ધન્યવાદમાં પોતાની પીઠ થાબડતો રહે છે. આમ અહંકારમાંથી ગુરુતાગ્રંથિ, દ્વેષ, સ્વાર્થ, ક્રોધ, મોહ, એ સઘળું આવે છે અને એને પરિણામે સાધનામાર્ગ પર ચાલનાર થોડો સમય થંભી જાય છે અથવા તો એનો રાવણીય અહંકાર અવરોધરૂપ બને છે. એ ભારે ઉત્સાહથી સામાન્ય પ્રજાનો આદર અને આથક લાભ પામતો હોય છે.
જેમ અહંકાર સાધનામાર્ગનો મહા અવરોધ છે, એ જ રીતે આ માર્ગમાં મળતી સિદ્ધિઓ પણ અવરોધરૂપ બની જાય છે. અઘ્યાત્મના રસ્તે ચાલનારને કેટલીક શક્તિઓ આપોઆપ મળતી હોય છે અને એ આંતરિક શક્તિઓનું પ્રાગટય બહાર થાય, ત્યારે સ્થૂળ દ્રષ્ટિએ એને સિદ્ધિઓ માનવામાં આવે છે. કેટલાક સાધકો આવી સિદ્ધિઓમાં એવા અટવાઈ જાય છે કે પછી વિશેષ સાધના કરવાનું માંડી વાળે છે. આ સિદ્ધિઓ અતિમોહક, લલચામણી અને જગતને ચમત્કારી લાગતી હોય છે. જો સાધક એની મોહજાળમાં સપડાઈ જાય, તો એ પછી સિદ્ધિઓથી જાદુ કરતો જાદુગર બની જાય છે. ઋષિમુનિઓએ જે સાધના કરી, તેમાંથી તેમને સિદ્ધિ મળી, પરંતુ એ માત્ર સિદ્ધિ સુધી જ અટક્યા નથી. ભગવાન બુદ્ધ કે ભગવાન મહાવીરની પાસે અનેક સિદ્ધિઓ હતી, છતાં એમણે ક્યારેય એ સિદ્ધિઓનું પ્રદર્શન કર્યું નથી. આવી સિદ્ધિઓ જેમ જનસમૂહમાં વધુ જાણીતી બને છે, તેમ લોકોનાં ટોળેટોળાં આવા સાધક પાસે ઉમટે છે અને જો સાધક બાહ્ય કીતમાં લપેટાઈને સિદ્ધિપ્રદર્શનનો ખેલ ક૨વા લાગે, તો એક વખત એવો આવે કે એની સાધનાનું તેજ હણાતું જાય છે અને સિદ્ધિનું સામર્થ્ય ખતમ થઈ જાય છે.
સાધનાના માર્ગે જેમ સિદ્ધિઓ મળે છે, એ જ રીતે સાધકોને કેટલાક દર્શનો પણ થતા હોય છે. ચિત્રો, દશ્યો કે મૂતઓ દેખાતા હોય છે. આ દર્શનો એ એની દિવ્યઅનુભૂતિમાંથી જાગતાં હોય છે અને જેમજેમ એના સાધનામાર્ગે આગળ જાય, તેમ તેમ એ દિવ્ય દ્દશ્યો, મૂતઓ, રંગો અને આકૃતિઓ એને દેખાય છે. આવા સુંદર અને દિવ્યદર્શનો એ સાધકને માટે એક પડાવ છે. એનાથી તો વ્યક્તિને ઈશ્વરના અસ્તિત્વની કે આઘ્યાત્મિક આનંદની ઓળખ મળી રહે છે, આથી માત્ર દિવ્યદર્શનોમાં સાધકે અટકી જવાનું નથી. એનું લક્ષ્ય તો એને પાર પહોંચવાનું છે અને એથી જ આવાં દિવ્યદર્શનો એના મનમાં આઘ્યાત્મિક ભૂમિકા રચે છે, પરંતુ જો એ દર્શનોમાં જ ડૂબી જાય, તો ૫૨મનો-પરમાત્માનો - એને સ્પર્શ થતો નથી. આ રીતે દોષો, સિદ્ધિઓ અને દર્શનો એ સાધકને અવરોધે છે અને જો સાધક એ અવરોધ ઉપર અટકી જાય, તો એની સાધના વિફળ જાય છે.
સાધના સાથે શક્યતા જોડાયેલી હોય છે. સાધકની નજર ભવિષ્યની ઉજળી શક્યતા પર ઠરેલી હોય છે અને એ શક્યતાને સાકાર કરવા માટે સાધના માર્ગે પ્રત્યેક ક્ષણે ગતિ કરતો હોય છે. સફળતા અને નિષ્ફળતાની બાબતમાં સાધક અને વિજ્ઞાાની સમાન છે. વિજ્ઞાાની નિષ્ફળતા પામે છે, પરંતુ એક વાર પ્રયોગ નિષ્ફળ જાય તો અટકી જતો નથી. એ બીજી વાર પ્રયોગ કરે છે, કારણ કે એ ભવિષ્યમાં મળનારી સફળતાની શક્યતાને જોતો હોય છે.
સાધક પણ નિષ્ફળતાને દૂર કરીને સાધનાની શક્યતા જુએ છે અને વિચારે છે કે જેમ નાના બીજમાંથી વિરાટ વૃક્ષ સર્જાય છે, જેમ નાનકડા ઝરણાંમાંથી મહાનદી સર્જાતી હોય છે, એ જ રીતે એની એ સાધનાને માર્ગે ચાલીને શક્યતાઓને ઉઘાડતો રહેશે અને એણે ઉઘાડેલી શક્યતાઓથી સાધક સાધનાપથ પર વધુને વધુ આગળ ચાલતો હોય છે.
ભગવાન મહાવીરે કહ્યું કે જેમ નાની ગોટલીમાં આંબાનું વિરાટ વૃક્ષ છુપાયેલું છે, એ જ રીતે મનુષ્યના આત્મામાં પરમાત્મા છુપાયેલો છે. એ પરમાત્માની શોધ એ સાધકનું ઘ્યેય બને છે અને એમ કરવા જતાં એ આજની નિષ્ફળતા ભૂલીને આવતીકાલની સફળતાનો વિચાર કરે છે. એ આજની અપ્રાપ્તિને ભૂલીને આવતીકાલની પ્રાપ્તિ માટે આતુર રહે છે અને આ રીતે નિષ્ફળતાઓ પછી, સાધક હોય કે સંત, તેને સફળતા મળતી રહે છે, આથી સાધનાપથની નિષ્ફળતામાં પણ ઘણું નવું શીખવાનું હોય છે.
વ્યવસાયમાં નિષ્ફળતા મળે તો વ્યક્તિ એનું સાચું કે ખોટું કારણ શોધી કાઢતી હોય છે. એને માટે બજારનો પલટાયેલો રૂખ કે પછી ધંધામાં વધી ગયેલી હરીફાઈનું કારણ આપતો હોય છે. આવું કોઈ કારણ હાથ જડે નહીં; તો એ પોતાના દુર્ભાગ્યને દોષ આપે છે. અગાઉનાં કર્મોનું ફળ માને છે અને એ રીતે ધંધા કે વ્યવસાયમાં મળેલી નિષ્ફળતાને એની જાત સાથે સંબંધ છે એવું કશું વિચારતો નથી. એને માટે બાહ્ય પરિબળોને કારણરૂપ ગણે છે. જ્યારે સાધકને મળતી નિષ્ફળતાની વાત નિરાળી હોય છે. સાધક એની નિષ્ફળતા માટે કોઈ બાહ્ય કારણ કે કોઈ અન્ય વ્યક્તિને જવાબદાર ઠેરવવાને બદલે માત્ર પોતાની જાતને કેન્દ્રસ્થાને રાખીને પૃથ્થકરણ કરે છે. સંસારી અને સાધકનું નિષ્ફળતા વિશેનુ ચિંતન સામસામા છેડાનું છે. સાધક પોતાની નિષ્ફળતા માટે ક્યારેય ગુરુને દોષિત ગણતો નથી. એ તો પોતાની જાતને જ દોષરૂપ માને છે અને એ દોષમાંથી કે નિષ્ફળતામાંથી પોતાની જાતને ઘડવાનો પ્રયત્ન કરે છે. આવી નિષ્ફળતા એના અહંકારનો નાશ કરે છે અને એને આત્મજ્ઞાાન અને આત્મવિશ્લેષણની ભેટ આપે છે જેના દ્વારા એ પોતાની નિષ્ફળતાના મૂળમા જઈને એનાં કારણને જાણી શકે છે.
આમ સાધનાપથમાં સફળતા અને નિષ્ફળતા આવવાની. સાધકને ભરતી અને ઓટનો અનુભવ થવાનો. આજે એને કશુંક પ્રાપ્ત થાય છે અને આવતી કાલે ઘણી મહેનત છતાં પ્રાપ્ત થતું નથી એવું બનવાનું. પરંતુ એની દૃષ્ટિ તો સાધનાની અપાર શક્યતાઓ ત૨ફ રહેશે. એ નિષ્ફળતાથી હતાશ થશે નહીં કે સફળતાથી ફુલાઈ જશે નહીં અને સમય જતાં એની ગતિ એવી બનશે કે એ સાધનાની વધુ ઊચ્ચ ભૂમિકા તરફ જશે અને ત્યારે એક એવો સમય આવશે કે જ્યારે નિષ્ફળતા કે સફળતાનો કોઈ સવાલ નહીં રહે. એક એવી ઉચ્ચ ભૂમિકાએ સાધક જીવન ગાળતો હશે કે એ યોગી આનંદઘન જેવાં પરમ આનંદનો અનુભવ કરશે, ત્યાં સફળતાની ભરતી નહીં હોય કે નિષ્ફળતાની ઓટ નહીં હોય.




