Ravi Purti

પૃથ્વીના પેટાળમાં થતી ઉથલપાથલ જગતનો નકશો બદલી રહી છે...

By GS Team
12 Jul 202611 mins read
પૃથ્વીના પેટાળમાં થતી ઉથલપાથલ જગતનો નકશો બદલી રહી છે...

હોટલાઈન-ભાલચંદ્ર જાની
ખંડોની છાજલી ઉત્તર તરફ સરકી રહી છે. જેને કારણે ભવિષ્યમાં જુના ટાપુ ગરક થઇ જશે, નવા ફુટી નીકળશે, ઉપરાંત ભારત અને શ્રીલંકાનો ભૂખંડ જોડાઇ જશે

બે સપ્તાહ પૂર્વે વેનેઝુએલા, જાપાન અને કેલિફોર્નિયામાં પ્રચંડ તીવ્રતાવાળા ભૂકંપે આ ત્રણેય દેશોમાં કેટલી ભયાનક ખાનાખરાબી સર્જી છે તેની તસવીરો, વિડિયો આખા જગતના પ્રચાર માધ્યમોમાં જોવા મળે છે. તેમાં પણ વેનેઝુએલામાં હજારો લોકોએ જાન ગુમાવ્યો છે.
કેટલાક જાણકારો કહે છે કે ભારતને આ ભૂકંપ સાથે સીધો કોઈ સંબંધ નથી. પણ જિયોલોજિસ્ટો આ ભૂકંપને ભારત માટે ખતરાની ઘંટી ગણાવી રહ્યા છે. આવી આગાહી કરવા પાછળનું વિજ્ઞાન સમજવા જેવું છે.
છેલ્લાં એક દાયકામાં જગતનાં વિવિધ સ્થળે ત્રાટકેલા ભૂકંપની વિગતો તપાસશો તો તમને ખબર પડશે કે મોટા ભાગના ધરતીકંપ યુરેશિયન પ્લેટ અને ઇન્ડિયન ટેકટોનિક પ્લેટ નામના જમીનના વિરાટ ખંડ પર થયા હતા. પછી એ દેશ જાપાન હોય કે ઈરાન, તુર્કી હોય કે અફઘાનિસ્તાન, કે પાકિસ્તાન કે ઇન્ડોનેશિયા
આપણે ૨૧માં સદીમાં આગળ વધીએ છીએ. પરંતુ એ સાથે જ આપણે દર વરસે એકથી બે સેન્ટિમીટર સુધી ઉત્તર તરફ આગળ વધી રહ્યા છીએ. આને પરિણામે ભારતીય ઉપખંડ તિબેટ તરફ આગળ વધી રહ્યો છે. દૂરના ભૂતકાળમાં આપણે દ્રષ્ટિ દોડાવીએ તો ભૂસ્તર વિજ્ઞાનની દ્રષ્ટિએ છ કરોડ વર્ષ અગાઉ ભારતખંડ અનેક ભાગોમાં વિભાજીત થયો હતો. ગોન્ડવાલા લેન્ડ સાથે ૧૮ કરોડ વર્ષ પહેલાં તે જોડાયેલો હતો અને તેમાંથી ધીમે-ધીમે તૂટતો-તૂટતો તથા જુદી-જુદી દિશામાં ખસતા-ખસતા આજે 'ભારત' વિશ્વનો એક નાનો સો હિસ્સો બની ગયો છે. આ ભારત ઉપખંડ દર વર્ષે અમુક અંશે તૂટે છે. મુખ્ય જમીનના જથ્થાથી (એશિયા ખંડ) એ વિખુટો પડતો જાય છે.
ન જાણ્યું જાનકી નાથે કાલે શું થવાનું છે. કરોડો વર્ષ પૂર્વ ઉદ્ભવેલી આ પૃથ્વીના પેટાળમાં આજેય કલ્પના ન કરી શકાય એટલી ઉથલપાથલ થઈ રહી છે. આખા ને આખા ખંડો સરકી રહ્યા છે. પાણી પર જેમ બરફનો ટુકડો તરે છે એ રીતે!
હાલમાં પૃથ્વીના ગોળા ઉપર સાત ખંડો છે : આફ્રિકા, એન્ટાર્કટિકા, ઓસ્ટ્રેલિયા, એશિયા, યુરોપ, ઉ. અમેરિકા અને દ. અમેરિકા, પરંતુ આલ્ફ્રેડની થિયરી મુજબ આશરે ૨૦૦ મિલિયન વર્ષો પહેલાં પૃથ્વીના ગોળા ઉપર માત્ર એક જ મોટો ભૂખંડ હતો. વૈજ્ઞાનિકો આ ભૂખંડને 'પેન્જીયા' તરીકે ઓળખાવે છે. સમયાંતરે જમીનના આ અતિ વિશાળ ખંડમાંથી નાના- મોટા ટુકડાઓ છૂટા પડતા ગયા, જે બાદમાં અલગ-અલગ ખંડોના નામે ઓળખાયા. સહુથી પહેલાં પેન્જીયાનો એક મોટો હિસ્સો, જે 'ગોન્દવાના' તરીકે ઓળખાયો, એનું વિભાજન થયું અને આફ્રિકા, સાઉથ અમેરિકા, એન્ટાર્કટિકા જેવા ખંડો અને માડાગાસ્કર અને ભારતનો વિસ્તાર છૂટા પડયા. એમાં વળી માડાગાસ્કર અને ભારતનો જે ભૂખંડ હતો, એમાંથી ભારત દેશ છૂટો પડયો અને માડાગાસ્કર એક ટાપુ તરીકે રહી ગયો. છૂટો પડેલો ભારતીય ભૂખંડ દર વર્ષે ૧૫ સેન્ટિમીટરની (૬ ઈંચ) ઝડપે 'યુરેશિયા' (યુરોપ + એશિયા) તરફ ઓળખાતા ભૂખંડ તરફ સરકવા માંડયો. અગાઉ જણાવ્યું એમ, જ્યારે યુરેશિયા સાથે એની ટક્કર થઇ, ત્યારે આ ટક્કરના પ્રતાપે હિમાલય પર્વતમાળાની રચના થઇ.
છેલ્લા પાંચ કરોડ વરસથી ભારતીય ઉપખંડ સતત ઊત્તર-પૂર્વ તરફ આગળ ખસતો જાય છે. વિશ્વના બીજા કોઈપણ ખંડ કરતા ભારતીય ઉપખંડ વધુ પડતો ગતિશીલ છે. દર વર્ષે ૧ સે.મી.ના હિસાબે ૧૦ લાખ વર્ષે નવ કિલોમીટર જેટલો ભારતીય ઉપખંડ તેના મૂળ સ્થાનેથી ઊત્તર તરફ આગળ ખસે છે.
થોડાં વરસ પહેલાં અમેરિકાના એક શહેરમાં જ્વાળામુખી ફાટયો ત્યાર બાદ તેની પ્રક્રિયારૂપે ઈટાલીમાં જબરદસ્ત ભૂકંપ થયો હતો. આ દુર્ઘટના પછી ભૂસ્તરશાસ્ત્રીઓએ એવું નિદાન કર્યું હતું કે આફ્રિકા ખંડ ધીરે ધરે યુરોપ તરફ સરકી રહ્યો છે. એટલાન્ટિક મહાસાગર પહોળો થઈ રહ્યો છે. પ્રશાંત મહાસાગર સંકોચાતો જાય છે. આલ્પ્સ પર્વતમાળાની ઊંચાઈ વધી રહી છે. લોસ એન્જિલસ ઊત્તરે સરકી રહ્યંું છે. જ્યારે આફ્રિકાખંડના ટુકડા થઈ રહ્યા છે.
એવી જ રીતે દુનિયામાં આવેલા સાત ખંડ વિશે સૌને જાણકારી છે. પરંતુ થોડા સમય પહેલાં જ વૈજ્ઞાનિકોએ આઠમા ખંડ ઝીલેન્ડિયાની હયાતીને સાચી ઠરાવી છે. કહેવાય છે કે, લગભગ ૩૭૫ વર્ષની શોધખોળ બાદ આ મહાદ્વીપ એટલે કે ખંડ મળી આવ્યો છે.
વૈજ્ઞાનિકોના મતે, ઝીલેન્ડિયા મહાદ્વીપ ૧.૮૯ મિલિયન વર્ગ મીટરમાં ફેલાયેલો છે. એક રિપોર્ટ મુજબ, આ મહાદ્વીપ પાણીની અંદર ડૂબેલો છે. લગભગ ૧૦૫ મિલિયન વર્ષ પહેલા ઝીલેન્ડિયા મહાદ્વીપ ગોંડવાના લેન્ડનો ભાગ હતો. તે છેલ્લા ૫૦૦ મિલિયન વર્ષથી પશ્ચિમી એન્ટાર્કટિકા અને પૂર્વી ઓસ્ટ્રેલિયાનો હિસ્સો છે. ઝીલેન્ડિયા મહાદ્વીપ ૬૫૬૦ ફીટ એટલે કે, લગભગ ૨કિમી જેટલો પાણીની અંદર છે.
વિજ્ઞાનીઓ ધરતીકંપના વિજ્ઞાનને એવી રીતે સમજાવે છે કે આપણી પૃથ્વી પર જે કંઈ જમીન છે એ પેટાળમાં ધગધગતા લાવારસના રગડા ઉપર તરતી તાસકો જેવી છે. આંતરિક ગરમીના કારણે ભૂગર્ભમાં જે ખદબદ થાય છે તેના પરિણામ સ્વરૂપે પેદા થતું દબાણ ક્યારેક ખંડીય છાજલીને ધક્કો મારે છે ખંડો સરકે છે એ બાબતનું ઊંડુ સંશોધન છેલ્લા કેટલાંય વર્ષોથી થઈ રહ્યું છે. ઓસ્ટ્રિયાના ભૂસ્તરશાસ્ત્રી આલ્ફ્રેડ વેગનર કહે છે કે પૃથ્વીની ઊત્પતિ થઈ ત્યારથી એક ભાગ જમીન અને ત્રણ ભાગ પાણી (સમુદ્ર)ના પ્રમાણમાં સતત ફેરફાર થતા રહ્યા છે. છેલ્લા બે કરોડ વર્ષોથી ખંડોની રચના અને સ્વરૂપમાં ફેરફાર થતા રહ્યા છે. આ પરિવર્તનને 'થિયરી ઑફ કોન્ટિનેન્ટલ ડ્રિફ્ટ'ના નામે ઓળખાવવામાં આવે છે.' થિયરી પ્રમાણે બધા ખંડો પહેલાં એકસાથે જોડાયેલા એક મોટા ખંડ સમાન હતા. ભૂસ્તરશાસ્ત્રી એડવર્ડ સુએઝે એને 'ગોંડવાના લેન્ડ' (ગોન્દવાના) નામ આપ્યું હતું. ત્યાર બાદ આ જ થિયરી પર વધુ સંશોધન કરી વેગનરે ૧૯૧૨માં એવું તારત્મય બહાર પાડયું હતું કે ગોંડવાના લેન્ડ બધા જ નાના મોટા ખંડોના સમુહનો ભેગો બનેલો સિંગલ સુપર લેન્ડ હતો. બંને ગોળાર્ધ ઊત્તર અને દક્ષિણ તેમાં સમાયેલા હતા. બે કરોડ વર્ષ પહેલાં આ ખંડો છૂટા પડવા માંડયા અને આજની સ્થિતિ પર આવ્યા. પોતાની થિયરીને વૈજ્ઞાનિક સમર્થન મળી રહે માટે તેણે એટલાંટિક સમુદ્રની બંને બાજુએ આવેલા ખંડોની ભૂસ્તરીય રચના, જમીનની રાસાયણિક તત્ત્વમાંની સામ્યતા, ભૂગર્ભમાંથી મળી આવેલા અવશેષો વગેરે ચકાસીને તેમની વચ્ચેની સમાનતા પારખી કાઢી હતી.
વિજ્ઞાનીઓએ જુદા જુદા ખંડોની તટપ્રદેશોની રચના એકબીજા સાથે સરખાવી જોઈ છે. આ અભ્યાસ પરથી એવું જાણવા મળ્યું છે કે એકબીજા ખંડોની કિનારી બંધબેસતી આવે છે. પ્રાથમિક અભ્યાસ પછી ભૂસ્તર શાસ્ત્રીઓએ કૉમ્પ્યુટર વડે 'લિસ્ટ સ્કવેર'ની પધ્ધતિ અપનાવી પાણી ઉપર દેખાતી જમીનની સપાટીને ધ્યાનમાં ન લેતાં દરેક ખંડની કિનારીની પાણીની અંદર રહેલી રચનાનો ઝીણવટભર્યો અભ્યાસ કર્યો હતો. આ સર્વેક્ષણ પરથી એવું તારણ નીકળ્યું છે કે બધા જ ચોસલાં એકમેકની સાથે બંધબેસતા જોડી દેવાથી એક મોટો ખંડ રચી શકાય છે.
વિજ્ઞાનીઓ કોન્ટિનેન્ટલ થિયરી પર વધુ સ્પષ્ટતા કરતાં એવું અનુમાન બાંધે છે કે કરોડો વર્ષ અગાઉ બે મહાખંડો ગોંડવાના લેન્ડ અને લોરેશિયામાં ફાટ પડી અને તેમાંથી ઊત્તર અને દક્ષિણ અમેરિકા ખંડ આફ્રિકાથી વિખૂટા પડયા. ઉત્તર ગોળાર્ધમાં આઈલેન્ડ, ગ્રીનલેન્ડ વગેરે અલગ પડયા. વિવિધ ખંડના નકશાઓ ઉપર ઉડતી નજર નાખવાથી પણ એક વાતનું સામ્ય તરત પરખાઈ આવશે કે દરેક ખંડોની નીચલી બાજુ એટલે કે દક્ષિણ તરફી છેડો સંકોચાતો જાય છે. અને નકશામાં પાતળી પટ્ટી સ્વરૂપે દેખાય છે. મૂળાને તેના પાંદડાથી પકડો તો તેના સફેદ મૂળાનો આકાર દેખાય, કંઈક એવો જ આકાર મોટા ખંડોનો છે. આ તમામ ખંડોની કિનારી (બોર્ડર) એકબીજા સાથે બંધબેસતી આવે છે. ભૂસ્તરશાસ્ત્રી એવું માને છે કે વિખૂટા પડેલા ખંડો વર્ષે એક થી ત્રણ સેન્ટિમીટરની ગતિએ એકબીજાથી દૂર ખસે છે.
પૃથ્વીના પેટાળમાં રહેલો ગરમ રગડા જેવો લાવારસ ભૂગર્ભમાં પેદા થયેલા પ્રચંડ દબાણને કારણે બહાર ધસી આવવા જોર કરે ત્યારે સમુદ્રના તળિયાના પોપડામાં પર્વતમાળાઓ જેવી અનેક ટેકરીઓ ઊંચી ઊપસી આવે છે. ધરતીમાં ફાટ પડે છે તેમ જ નજીકના ખંડોને આંચકા લાગે છે.
આમ બે ખંડોની વચ્ચે ભૂગર્ભમાં ચાલતી અથડામણને કારણે ડુંગરોની હારમાળા રચાય છે. ભારતીય ઉપખંડનો ઉત્તરીય ભાગ બાકી રહેલા એશિયા ખંડના ભૂતળ સાથે ટકરાવાને કારણે જ એક સમયે જ્યાં સમુદ્ર ઘૂઘવતો હતો ત્યાં હિમાલયની પર્વતમાળા રચાઈ ગઈ.
પૃથ્વી પર હિંદ-પ્રશાંત-એટલાન્ટિક-આર્કટિક અને દક્ષિણ એમ પાંચ મહાસાગર ઘૂઘવે છે. બે વર્ષ પૂર્વ સંશોધકોએ છઠ્ઠો મહાસાગર શોધી કાઢ્યો છે. રસપ્રદ વાત એ છે કે છઠ્ઠો મહાસાગર પૃથ્વીની સપાટીમાં નહીં, પેટાળમાં ઘૂઘવે છે.
પૃથ્વીની સપાટી ઉપર ઘૂઘવતા પાંચ મહાસાગરો જેટલો જ વિશાળ અને શક્તિશાળી આ મહાસાગર પૃથ્વીના ઉપરના અને નીચેના સ્તર વચ્ચે હિલોળા લે છે.
પૃથ્વીની સપાટીથી ૬૬૦ કિલોમીટર ઊંડાણમાં બરાબર મધ્યભાગમાં ઉપલા અને નીચલા સ્તરની વચ્ચે ચારેબાજુ ખડકોથી ઘેરાયેલો આ મહાસાગરને સંશોધકો ટ્રાન્ઝિશન ઝોન કહે છે.
ગ્રીક ફિલોસોફર પ્લેટોજે એટલાંટિસ દ્વિપની વાત કરતો હતો તે જિબ્રાલ્ટરની પશ્ચિમે આવેલો હતો અને તેના જેવો જ બીજો ખંડ પેસિફિક મહાસાગરમાં હતો. જેના પરથી તેનું નામ પેસિફિક રાખ્યું હતું. આજે એ એટલાંટિસ ખંડ અદ્દશ્ય થઈ ગયો છે.
સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના ભૂસ્તરશાસ્ત્રીઓનું એવું માનવું છે કે ૨ કરોડ વર્ષ પહેલાં ઓસ્ટ્રેલિયા જેવાજ એક વિરાટ ખંડનું કેટલાંય વર્ષો સુધી વિભાજન થતું રહ્યું. ૮૦ લાખ વર્ષ પૂર્વે આ ખંડિત થયેલા ખંડો પાછા ભેગા મળ્યા. આ પેસિફિક ખંડ જ્યારે અમેરિકા ખંડ સાથે અથડાયો ત્યારે અલાસ્કા, ઊત્તર અમેરિકા, ઊત્તર પૂર્વ રશિયા, જપાન અને પૂર્વ એશિયાના કિનારે પર્વતોની હારમાળા રચાઈ હતી.
છેલ્લાં કેટલાંય વર્ષોેથી વિજ્ઞાનીઓ ખંડોની રચના અને ભૂગર્ભમાં ચાલતી ઉથલપાથલની વાતના સમર્થનમાં કહે છે કે ત્રણ કરોડ વર્ષ પહેલાં ગરમ પાણીમાં રહી શકે તેવાં મહાકાય પ્રાણીઓના અવશેષો અલાસ્કા, ન્યુઝીલેન્ડ અને ચિલી દેશોમાંથી મળી આવ્યા છે. પેસિફિક ખંડમાં તે સમયે આ બધા પ્રાણીઓ રહેતા હતાં તેવું માની લેવામાં આવે તો તેમના અવશેષો આજે દૂર દૂર પથરાયેલા ઉપરોક્ત જણાવેલા દેશોમાંથી કેવી રીતે મળી આવે? જવાબ એક જ છે કે ખંડો સરકવાને કારણે પૂર્વના પેસિફિક ખંડના હિસ્સા એકબીજાથી દૂર ગયા.
ડેક્કન દ્વિપકલ્પ અને માડાગાસ્કર પર મળી આવેલાં ડાયનોસોર જેવાં મહાકાય જાનવરોનાં અવશેષો પણ એક સમાન હતા. એ પરથી એવું મનાય છે કે આફ્રિકાનો પૂર્વ કિનારો અને ભારતનો પશ્ચિમ કિનારો બંને એકબીજા સાથે જોડાયેલા હતા. આ સિવાય અળસિયાં દરેક ખંડની જમીનમાંથી મળી આવ્યાં છે. જો અળસિયાં સમુદ્રના ખારા પાણીમાં જીવી શકતા ન હોય તો તેઓ સમુદ્ર વાટે બીજા ખંડો પર જઈ ન શકત. આમ છતાં બધા ખંડોમાં અળસિયાં છે. એ જ સાબિત કરે છે કે ખંડોની ભૂસ્તરીય રચનામાં કોઈ સામ્ય છે.
એક હકીકત એ છે કે જેમ ખંડીય છાજલી ખસવાથી ભૂકંપની પરંપરા સર્જાય છે એવી જ રીતે ભૂકંપને કારણે પણ ભૂગર્ભમાં ઘણી હલચલ મચી જાય છે. ભૂતળમાં રહેલી પ્લેટો ખસવાથી આખાના આખા દેશ પણ જાણે સ્થળાંતર કરે છે ! જેમ કે તુર્કીમાં બે વર્ષ પૂર્વે આવેલા ભૂકંપને કારણે આ દેશની ટેકટોનીક પ્લેટ દસ ફૂટ ખસી ગઇ.
ફેબુ્રઆરી ૨૦૧૦માં ચિલીમાં ૮.૮ની તીવ્રતાવાળા ભૂકંપથી કન્સેપ્સિયન શહેર પશ્ચિમ દિશામાં ૧૦ ફૂટ જેટલું ખસી ગયું હતું. એટલું જ નહીં, ભૂકંપના એપીસેન્ટરથી ૮૦૦ માઇલના અંતરે આવેલું આર્જેન્ટિનાનું પાટનગર બ્યુએનોસ એરિસ પણ એક ઇંચ જેટલું ખસી ગયું હતું. અરે દૂર આવેલા ફોકલેન્ડ ટાપુ અને બ્રાઝિલના ફોર્ટાલેઝા ટાપુ પણ થોડા સરક્યા હતા.
માર્ચ, ૨૦૧૧માં જાપાનને હચમચાવી નાખનારા ૮.૯ ની તીવ્રતાના વિનાશક ભૂકંપને કારણે તો પૃથ્વીને પણ તેની ધરી પરથી ચાર ઇંચ ખસેડી નાંખી. જાપાનના એક ટાપુને તેના સ્થાન પરથી આઠ ફૂટ ખસેડયો. જ્યારે આખો દેશ પૂર્વ દિશા તરફ છ કિલોમીટર ખસી ગયો હતો. આ વિનાશકારી ભૂકંપમાં ૨૦,૦૦૦થી વધુ લોકોના મોત થયાં હતાં. અતિશક્તિશાળી ભૂકંપને કારણે ટેકટોનિક પ્લેટ્સ ૧૮ મીટરથી વધુ ખસી ગઇ. જેના પરિણામે પૃથ્વીને પોપડામાં ૪૦૦ કિ.મી. લંબાઇ અને ૬૦૦ કિ.મી. પહોળાઇની વિશાળ ફાટ પડી ગઇ.
સપ્ટેમ્બર ૨૦૧૦માં ન્યુઝિલેન્ડના ૭.૧ની તીવ્રતાના પ્રચંડ ભૂકંપથી પૃથ્વી પર નવી ફોલ્ટ લાઇન સર્જાઇ. સંશોધન પરથી એવું તારણ કાઢવામાં આવ્યું છે કે ૭ કે તેથી વધુ તીવ્રતા ધરાવતા ધરતીકંપથી વિશ્વના અન્ય દેશોની જમીન પર વહેલા મોડા ખળભળી ઊઠે છે.
જાણકારો તો એટલે સુધી કહે છે કે કાળાંતરે ભારત અને શ્રીલંકા વચ્ચેનું અંતર પણ ગાયબ થઈ જશે. પાલ્કની સમુદ્રધુની ભૂતકાળની બીના બની જશે. બેઉ દેશની જમીન જોડાઈ જશે. છેલ્લા પાંચ દાયકાથી અન્નામલાઈનગર અને ત્રિવેન્દ્રમ ખાતે 'ઈન્ડિયન ઈન્સ્ટિટયૂટ ઑફ જિયોમેગ્નેટીઝમ દ્વારા જે માહિતી એકઠી કરાઈ છે તેનું વિશ્લેષણ કરતાં એવું બહાર આવ્યું છે કે ભારત અને શ્રીલંકા વચ્ચે જે સમુદ્ર છે તે ન રહેતા બેઉ દેશોની ખંડીય છાજલીઓ જોડાઈ જશે.
ભવિષ્યમાં જમ્મુ-કાશ્મીર અને પાકિસ્તાનમાં શક્તિશાળી ભૂકંપ આવે તો ગંગા અને સિંધુ જેવી નદીઓનો પ્રવાહ પણ બદલી શકે છે.
ભૂસ્તર શાસ્ત્રીઓ એવું પણ કહે છે કે ભારતીય ઉપખંડની પ્લેટ સરકતી હોવાને કારણે નેપાળની તિબેટ સાથેની ૬૬૦ કિ.મી. ઊત્તરીય સરહદ સંકોચાતી જાય છે-પરિણામે નેપાળ વર્ષે ફૂટબોલના બે મેદાન જેટલો વિસ્તાર ગુમાવે છે.
ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ઇસરો) સાથે સંકળાયેલા એક સિનિયર વિજ્ઞાની આ શક્યતનો નિર્દેશ આપ્યો છે. તેઓ વૈદિક યુગની નદી સરસ્વતીનો માર્ગ શોધી રહ્યા છે. તેમના મતે મોટી ભુસ્તરીય ઉથલપાથલને કારણે જ ૫,૦૦૦ વર્ષ પૂર્વે સરસ્વતી નદી અદ્રશ્ય થઈ ગઈ હતી.
ગુજરાતમાં પણ ખંભાતનો અખાત અને કચ્છના અખાતની રચના આવી જ કોઈ ભૂસ્તરીય પ્રવૃત્તિને કારણે થઈ છે. હજ્જારો વર્ષો પહેલાં આ પ્રદેશમાં દરિયાની સપાટી ઘણી નીચી હતી પરંતુ ભૂસ્તરીય હલચલને કારણે જમીનમાં ઉથલપાથલ થઈ હતી અને અખાત રચાયા હતા.
ભૂતકાળમાં કચ્છ ભારતથી થોડું દૂર હતું હવે તે ભારત સાથે જોડાઈ ગયું છે અને ભવિષ્યકાળમાં તે વળી પાછું અલગ થઈ જાય તો કહેવાય નહીં. કચ્છનો આકાર કાચબા જેવો છે માટે તો તેનું નામ કચ્છ પડયું છે. કચ્છનો કાચબો ઘણી વાર પાણીમાં ડૂબી જાય છે તો ઘણી વાર બહાર આવે છે. લંકા પણ એક કાળે ભારતથી ઘણું નજીક હતું આજે તે દૂર છે.
એક જમાનામાં વિંધ્યાચળ ઊંચો અને ઊંચો થતો જતો હતો. વિંધ્યાચળની આ ક્રિયાથી જબ્બર ધરતીકંપ થયા હતા. તેને લીધે વિંધ્યપર્વતનાં શિખરો નીચે પડી જતાં હતાં.
તેમણે જણાવ્યું હતું કે, ૨૦૦૧મા ગુજરાતમાં આવેલા વિનાશક ભૂકંપ પછી કચ્છના મોટા રણમાં એક ચેનલ જોવા મળી હતી જે ૧૦૦ કિ.મી. લાંબી અને ૨૦૦ મીટર પહોળી હતી. આ ચેનલની સૌથી મહત્ત્વની લાક્ષણિકતાએ છે કે તેના પાણીના વિવિધ સેમ્પલો પરથી જાણવા મળ્યું હતું કે પાણી ૧૨,૦૦૦ વર્ષથી માંડી ૮૯,૦૦૦ વર્ષ જૂનું હતું. રેડોન ડેટિંગ નામની વિજ્ઞાનની ઢબે પાણીના સેમ્પલ અંગે આ અંદાજ કાઢવામાં આવ્યો હતો.
એટલું જ નહીં, સમગ્ર ઊત્તરભારતમાં અને ખાસ કરીને હિમાલય પર્વતમાળામાં ભૂકંપનું જોખમ દિવસે દિવસે વધતું જાય છે.
યુરોપના પ્રખ્યાત સામયિક ટેક્ટોનો ફિઝિક્સમાં અગાઉ એક નિષ્ણાતે ભારતીય ઉપખંડ બાબત એવી ટકોર કરી હતી કે પેટાળની આંતરિક ગરમીને કારણે ભારતીય ઉપખંડની જમીનનું પડ ધીરે ધીરે પાતળું પડતું જાય છે અને અમુક અતિશય પાતળા પડેલા પડને બીજા પડમાં અથવા પાણીમાં વિલીન થતાં વાર નહીં લાગે. ગતિ વધવાને કારણે ભારતીય ઉપખંડ અમુક દાયકાઓ પછી તિબેટ સાથે જોડાઈ જાય તો નવાઈ નહીં.