Ravi Purti

શ્રીત્રિપુરામહિમ્ન સ્તોત્રમાં વર્ણવાયેલું તંત્રબીજ

By GS Team
11 Jul 20263 mins read
શ્રીત્રિપુરામહિમ્ન સ્તોત્રમાં વર્ણવાયેલું તંત્રબીજ

સનાતન તંત્ર -બ્રહ્મચારી પરખ ઓમ
શ્રી ત્રિપુરામહિમ્ન સ્તોત્રમ્ મૂળત્વે તાંત્રિક મહાવિદ્યા - શ્રીવિદ્યા - આત્મવિદ્યા દેવી મા લલિતા મહાત્રિપુરસુંદરીના સ્વરૂપ, મંત્ર અને કુંડલિની અંગે ચર્ચા કરે છે. શ્રીવિદ્યાની ૧૨ પરંપરાઓમાંની એક પરંપરાના મંત્રદ્રષ્ટા તરીકે ઓળખતા ક્રોધભટ્ટારક દુર્વાસા મુનિ દ્વારા આ સ્તોત્રની રચના કરવામાં આવી છે. રસપ્રદ વાત એ છે કે સ્તોત્રમાં શ્રીવિદ્યાના મૂળ પંચદશી મંત્રના ત્રણ કૂટ -ત્રિકૂટ - ગણાતાં વાગ્ભવ કૂટ, કામબીજ અર્થાત્ મધ્યકૂટ અને શક્તિકૂટની મહત્તા અંગે વિસ્તારપૂર્વક વાત કરે છે. માત્ર આટલું જ નહીં, તેમાં જગદંબા (મા લલિતા મહાત્રિપુરસુંદરી)ના સ્વરૂપ અંગે મસ્તકથી માંડીને ચરણકમળ સુધીનું વર્ણન આપવામાં આવ્યું છે. સૂક્ષ્મ રીતે, ઋષિ દુર્વાસાએ સ્તોત્રમાં પંચદશી મંત્ર તરફ પણ આંગળી ચીંધી છે.
પાછલાં કેટલાક અઠવાડિયાંથી માંડેલી વાગ્બીજની ચર્ચામાં આજે વાગ્ભવ કૂટ અંગે જાણીશું. શ્રીવિદ્યાના મૂળ પંચદશી મંત્રના કુલ ત્રણ ખંડો છે : વાગ્ભવ કૂટ, મધ્યકૂટ અને શક્તિકૂટ.
શ્રીલલિતાસહસ્ત્રનામ સ્તોત્રમાં આ ત્રણેય કૂટ દેવીનાં મંત્રમય દેહના કયા ભાગો દર્શાવે છે, એ અંગે પણ જણાવવામાં આવ્યું છે :
દેવી માનું જે મુખ છે, એ વાગ્ભવ કૂટ દર્શાવે છે. વાગ્ભવ કૂટમાં કુલ પાંચ બીજાક્ષરોનો સમાવેશ થાય છે - ક, એ, ઈ, લ, હ્રીં.
ઉપરોક્ત પાંચ બીજાક્ષરોનો સમૂહ એટલે વાગ્ભવ કૂટ, જેનું મૂળ 'વાગ્બીજ' છે. જો આ પાંચેય બીજાક્ષરોનો સરવાળો કરીએ, તો મંત્રોક્ત ભાષામાં તે વાગ્બીજ (ઐં) સ્વરૂપે પ્રગટ થાય છે. અન્ય બે કૂટ શું દર્શાવે છે, એની ચર્ચા આવનારા અંકોમાં કરીશું.
મૂળત્વે તંત્રશાસ્ત્રોનું કથન છે કે વાગ્બીજ મંત્રની સાધના કર્યા વિના એકપણ સાધક તંત્રમાર્ગ પર પૂર્ણતા પ્રાપ્ત ન કરી શકે. દેવી માનું મુખ અર્થાત્ પ્રગટ સ્વરૂપ વાગ્બીજ છે. શ્રીત્રિપુરામહિમ્ન સ્તોત્રમાં કહેવાયું કે,
આ બંને શ્લોકને સંક્ષિપ્તમાં સમજવા હોય, તો એમ કહી શકાય કે વાગ્બીજની મહત્તા અહીં દર્શાવવામાં આવી છે. કહેવામાં આવ્યું કે વાગ્બીજ એ સઘળી મીમાંસા, વ્યાકરણ, આગમ-નિગમ વગેરેનો સ્ત્રોત છે, મૂળિયું છે. તેના વગર કશું જ ઉત્પન્ન થઈ શકે નહીં. ભગવાન શિવ જો તંત્રનું મહાજ્ઞાન દેવી પાર્વતીને પ્રદાન કરી શક્યા, તો તેની પાછળનું મૂળ કારણ વાગ્બીજની શક્તિ છે. સાક્ષાત્ વાગ્દેવી દેવાધિદેવ શંકર પર બિરાજમાન થયા, ત્યારે તંત્રશાસ્ત્રનું પ્રાગટય સંભવ બન્યું. વાગ્બીજની સિદ્ધિ વિના તંત્રમાર્ગની યાત્રા અધૂરી ગણાય. વાગ્બીજ થકી પ્રાપ્ત થતી વાક્-સિદ્ધિ વડે ત્રિલોક પર આધિપત્ય સ્થાપિત કરવું શક્ય છે. જો કોઈ સાધક સમગ્ર બ્રહ્માંડના જીવને મોહિત કરવા ઈચ્છતો હોય, તો તેની પાસે વાક્-સિદ્ધિ હોવી નિતાંત આવશ્યક છે. બારાખડીનો પ્રથમ અક્ષર 'અ' છે. તેના ઉપર માત્રા આવી જાય અને અનુસ્વાર લગાવી દેવામાં આવે, તો તે વાગ્બીજનું સ્વરૂપ ધારણ કરી લે છે. રસપ્રદ વાત છે કે, દરેક અક્ષરમાં 'અ' અંતનહિત હોય છે. તેના વગર અક્ષર પૂર્ણ જ ન થઈ શકે. અડધા અક્ષરો જેમકે, ક્-ખ્-ગ્-ઘ્ વગેરેમાં 'અ' હોતો નથી. એક આખું વાક્ય લખવા માટે 'અ'નો ઉપયોગ જરૂરી છે. અડધા અક્ષરો વડે આખો શબ્દ ન બની શકે, વાક્ય પણ આખું ન રચાઈ શકે. જ્યાં સુધી શબ્દ અથવા વાક્યમાં 'અ' સાથેના આખા અક્ષરો ન જોડાઈ જાય, ત્યાં સુધી એ શબ્દો અને વાક્યોનો અર્થ સરતો નથી.
અક્ષરોને અર્થ આપવા માટે સૌથી વધારે ઉપયોગી છે, 'અ' મૂળાક્ષર! જેવી રીતે 'અ' વગર વાક્ય ન બની શકે, એવી રીતે બ્રહ્માંડના ગૂઢ રહસ્યો 'વાગ્બીજ'ની સિદ્ધિ વિના પૂર્ણ રીતે સમજી શકવા શક્ય ન બને. આથી, વાગ્બીજને દરેક પ્રકારની સાધનાનો મૂળ આધાર માનવામાં આવ્યો છે. આ અંગે વધુ વાત કરીશું આવતાં અંકે.