Ravi Purti

ISROની કથા...ISROની વ્યથા...

By GS Team
1 Aug 20268 mins read
ISROની કથા...ISROની વ્યથા...
  • જે સંસ્થાની ષષ્ટિપૂર્તિમાં હવે, ગણતરીનાં ત્રણ જ વર્ષ બાકી રહ્યાં છે!
  • લપછપ - કૌશિક કુમાર દીક્ષિત
  • રશિયા ઈ.સ.૧૯૫૭થી Space ક્ષેત્રે સક્રિય છે તો પણ હજુ સુધી ત્યાં ખાનગી કંપનીઓ માટે Space ક્ષેત્રે દરવાજા ખોલવામાં આવ્યા નથી !… સ્પેસ ક્ષેત્રે ખાનગી કંપનીઓનું સહિયારું વૈશ્વિક બજાર આશરે ૭૮ બિલિયન ડોલર આસપાસ છે અને, ભારતની ભાગીદારી આમાં
    ૬૨૦ મિલિયન ડોલરથી વધુ થઇ ગઈ છે!

અ મેરિકામાં 'નાસા'ની સ્થાપના તા.૨૯-૭-૧૯૫૮ના રોજ કરવામાં આવેલી અને, તે પછી બરાબર અગિયાર વર્ષ બાદ ભારતમાં તા.૧૫-૮-૧૯૬૯ના રોજ 'ઈસરો' સ્થાપના કરવામાં આવી હતી. વાસ્તવમાં, ઈ.સ.૧૯૬૨ દરમ્યાન જ ડો.વિક્રમ સારાભાઇના આગ્રહને વશ થઈને તે વખતના વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ INCOSPAR (Indian National Committee for Space Research)ની રચના કરી લીધી હતી. અને, પછીથી સાતેક વરસે તેનું નામ બદલીને ઇસરો તરીકે તેની જાહેરાત કરવામાં આવી હતી. તે પછી, છેક ૧૯૭૨ની સાલમાં સરકારે 'અંતરિક્ષ આયોગ' તેમજ 'અંતરિક્ષ વિભાગ' વગેરેની સ્થાપના કરી…તે પછી, બરાબર ૩૦ વરસે 'ઈસરો'નો લોગો નક્કી કરવામાં આવ્યો (ઉપર તરફ જતું એક કેસરી રંગનું તીર જેની સાથે બે ભૂરા રંગનાં ઉપગ્રહ-પેનલ…અને, ડાબી બાજુએ હિન્દીમાં કેસરી રંગમાં 'ઈસરો' તેમજ જમણી બાજુ અંગ્રેજીમાં ભૂરાં રંગમાં ISRO લખેલું જોવા મળે છે) જે આજ પર્યન્ત ઉપયોગમાં લેવામાં આવી રહ્યો છે.
હાલને તબક્કે ISRO કેટલાં માણસો દ્વારા ચાલી રહ્યું છે?
ઈસરોનું કોઈ એક ઠેકાણું નથી કેમ કે, તેનાં વિવિધ કેન્દ્રો દેશમાં વિવિધ શહેરોમાં ફેલાયેલાં જોવા મળે છે. જેમ કે, ત્રિવેન્દ્રમમાં વિક્રમ સારાભાઇ સ્પેસ સેન્ટર (વી.એસ.એસ.સી.) તેમજ ત્યાં લિકવીડ પ્રોપુલ્ઝ્ન સીસ્ટમ સેન્ટર (એલ.પી.એસ.સી.) આવેલ છે તો, અમદાવાદમાં સ્પેસ એપ્લીકેશન્સ સેન્ટર (એસ.એ.સી.) આવેલ છે… બેંગ્લોરમાં યુ.આર.રાવ સેટેલાઈટ સેન્ટર (યુ.આર.એસ.સી.) આવેલ છે. હૈદ્રાબાદમાં નેશનલ રીમોટ સીન્સિંગ(એન.આર.સી.એસ.) સેન્ટર જોવા મળે છે. દેશભરમાં ઈસરોનાં આવાં નાનાં-મોટાં કેન્દ્રો દેશભરમાં ફેલાયેલાં છે. ઈસરો કોઈ એક વ્યક્તિ કે એક કમિટી દ્વારા નહિ પણ દેશભરમાં અંદાજે ૧૪,૫૦૦થી વધુ વ્યક્તિઓ દ્વારા ચાલી રહ્યું છે ! અને, તે બધી વ્યક્તિઓ ઈસરો-પ્રમુખ વી.નારાયણનની રાહબરી હેઠળ પોતપોતાનાં કામ કરી રહી છે. દર વર્ષે ઈસરોને નવાં ૨૦૦-૨૫૦ માણસોની જરૂરત પડતી રહે છે. વર્ષ ૨૦૨૬-૨૭નું ઇસરોનું વાર્ષિક બજેટ ૧.૪ બિલિયન અમેરિકન ડોલર છે એટલે કે, તે ભારતીય રૂપિયા મુજબ આશરે ૧૩,૭૦૬ કરોડ રૂપિયા થાય છે.
ISROમાં તાજેતરમાં પડેલાં સામૂહિક રાજીનામાંથી સરકાર કેમ ગભરાઈ ગઈ ?
ઈસરોમાં તાજેતરમાં ૧-૨-૩-૪ નહિ પણ, દોઢસો જવાબદાર માણસોએ રાજીનામાં ધરી દીધાં તેનાથી સરકાર કેમ ગભરાઈ ગઈ તે મગજ સાબદું રાખીને સમજવા જેવું છે. રાજીનામાં ધરનાર એ દોઢસો જણાં ઇસરોમાં જવાબદારીભરી ભૂમિકા નિભાવી રહ્યાં છે. ઇસરોની પ્રગતિમાં એમનો સિંહફાળો હોવાનું સમજી શકાય. સામાન્ય રીતે, સરકારી નોકરીઓ માટે લોકો પડાપડી કરી રહેલા જોવા મળે છે. અને, આ જવાબદાર માણસો સામેથી નોકરી છોડી રહેલાં દેખાયાં ! જવાબદાર કોઈ બે-ચાર માણસોનાં રાજીનામાં પડતે તો, તે ગભરાવા જેવો વિષય નહોતો પણ, સાગમટે દોઢસો માણસો ઈસરો જેવી સંસ્થામાં જવાબદારીભર્યા પદો પરથી છૂટાં થવાનું પસંદ કરે ત્યારે તે માત્ર સરકાર નહિ પણ, દેશના નાગરિકો માટે પણ ફિકરનો વિષય બની રહે છે. રાજીનામાં ધરી દેનાર તમામ જવાબદાર વ્યક્તિઓ વૈજ્ઞાનિક સ્તરની છે અને, પ્રાઇવેટ સેક્ટરમાં જવાનો હેતુ રાખી આર્થિક પ્રગતિ માટે તેઓ ઈસરોનો સાથ છોડી દે વાત ગળે ઉતરે તેવી નથી. રૂપિયાનો મોહ તેઓને ઈસરો છોડાવી દે તેવું પ્રથમ દૃષ્ટિએ માની શકાય નહિ. જેઓની કશી પાત્રતા નથી તેવી વ્યક્તિઓનો ચંચુપાત ઈસરોનાં જવાબદાર માણસો માટે ત્રાસદાયક થઇ પડયો હોય તે કારણ રાજીનામાં પાછળ જવાબદાર હોય તેવું ઇસરો સાથે નજીકથી જોડાયેલા લોકોનાં મગજમાં બરાબર બેસે છે. હાલતુરત તો, સરકારે રાજીનામાં સ્વીકાર્યા નહિ તેમજ આ રીતે, કોઈ જવાબદાર વ્યક્તિ રાજીનામાં નહિ આપી શકે તેવી વ્યવસ્થા પણ સરકાર હવે લાવશે ! આવા સંજોગોમાં સરકારે ખરેખર તો, વ્યવસ્થા બનાવવાની નહિ પણ પોતાનું વલણ બદલવાની સખત જરૂરત છે. સરકાર(ખાસ કરીને, મંત્રીઓની ફોજ) જો, સરખી રહેતી હોય તો આવી રીતે, સાગમટે રાજીનામાં કદાપિ પડે નહિ એટલું તો પ્રજા સમજી જ શકે છે કેમ કે રાજીનામાં ધરી દેનારાં પણ આખરે તો દેશની પ્રજાનો જ એક હિસ્સો છે!
Space ક્ષેત્રે ખાનગી કંપનીઓ માટે ખૂલી ગયેલા દરવાજા ISRO માટે સાચે જ ખતરનાક ?
સરકારે જૂન-૨૦૨૦ દરમ્યાન ભારતના અંતરિક્ષ ક્ષેત્રમાં પ્રવેશ કરવા માટે ખાનગી કંપનીઓને મંજૂરી આપી દીધી અને, તે ઐતિહાસિક નિર્ણયથી સરકારના એકાધિકારનો સરકારે પોતે જ અંત આણ્યો હતો. જો,કે અમેરિકાએ તો સ્પેસ ક્ષેત્રે ખાનગી કંપનીઓ માટે ઈ.સ.૧૯૬૨ની સાલથી (અમેરિકા સંચાર ઉપગ્રહ અધિનિયમ લઇ આવીને !) દરવાજા ખોલી નાખેલા છે ! આમ, આપણી સરકારે તો સ્પેસ ક્ષેત્રમાં ખાનગી કંપનીઓ માટે બહુ મોડા દરવાજા ખોલ્યા છે એમ કહી શકાય. સ્પેસ ક્ષેત્રે ખાનગી કંપનીઓનું સહિયારું વૈશ્વિક બજાર આશરે ૭૮ બિલિયન ડોલર આસપાસ છે અને, ભારતની ભાગીદારી આમાં ૬૨૦ મિલિયન ડોલરથી વધુ થઇ ગઈ છે. અલબત્ત, સ્પેસ ક્ષેત્રે પ્રાઇવેટ કંપનીઓ માટે ટૂંકા અથવા માધ્યમ ગાળા માટે સારી નફાકારકતાની કોઈ ઉમ્મીદ નહિ હોવાથી સ્પેસ ક્ષેત્રે ખાનગી કંપનીઓનો સંઘર્ષ સરકારી સંસ્થાઓ કરતાં ખાસ્સો વધુ રહે છે.
અમેરિકામાં NASA માટે ISRO જેવો જ પડકાર ઊભો થયેલો ત્યારે અમેરિકાએ શું રણનીતિ અપનાવી હતી ?
અમેરિકામાં ખુદ નાસા માટે ઈસરો જેવો જ પડકાર ૪૦ વરસ પહેલાં ઊભો થયેલો ! પણ, ત્યારે અમેરિકાની સરકારે પોતાની સરકાર અને પ્રાઇવેટ સેક્ટર એકબીજાના હરીફ બનીને નહિ પણ એકબીજાના પૂરક બનીને રહે તેવી રણનીતિ રાખીને સમસ્યાઓનો ઉકેલ આણ્યો હતો…! હાલને તબક્કે, નાસાનું ૮૫% બજેટ ખાનગી કંપનીઓ સાથેના કોલ-કરાર વગેરે પાછળ ખર્ચાઈ રહ્યું છે ! જો, સરકારે ઈસરોનું ભવિષ્ય ઉજ્જવળ બનાવવું હોય તેમજ ખાનગી કંપનીઓ તરફથી ખતરાનો ભય નહિ રહે તેવું કૈંક કરવું હોય તો ઈસરો તેમજ ખાનગી કંપનીઓના ઉદ્દેશ સ્પષ્ટ રીતે અલગ-અલગ તારવીને આપવા જોઈએ…જો, આ કામ સુસ્પષ્ટ હોય તો ઈસરોને ખાનગી કંપનીઓનો કોઈ ખતરો રહે નહિ. જો, ખાનગી કંપનીઓનો ઉદ્દેશ ઈસરોના ઉદ્દેશ જેવો જ હોય તો એક કાળે ઇસરોની હાલત આપણા દેશના ટપાલ ખાતા જેવી થઇ શકે!
ISRO માટે હાલને તબક્કે સૌથી મોટા પડકાર…
ઈસરો માટે હાલને તબક્કે સૌથી મોટા પડકાર માનવધન વિષયક છે અને, તે આજકાલનો નહિ પણ, લાંબા સમયગાળાથી છે. દેશના અનેક વૈજ્ઞાનિકો બીજા દેશમાં સ્પેસ ક્ષેત્રે પ્રાઇવેટ કંપનીઓમાં અથવા સરકારી કંપનીઓમાં કામ કરવા માટે પ્રયત્નશીલ રહે છે. સરકારની કોઈ જ યોજના નાગરિકોને સ્પેસ ક્ષેત્રે દેશ ખાતર કામ કરવા માટે આકર્ષી નથી રહી ! તે માટે ઇસરોનો ઢાંચો બદલવો જરૂરી છે. આપણે વધુ ભાર વાહન માટે હજુ પણ બીજા દેશનાં રોકેટ વાપરવા પડે છે ! ઇસરોની સહુથી મોટી તકલીફ એ છે કે, પોતાનું કોઈ પણ મિશન સંસ્થા સમયસર પાર પાડી શકી નથી. પોતે જ જાહેર કરેલી સમયમર્યાદાને ઓળંગીને સંસ્થા ખાસ્સી દૂર નીકળી જતી જોવા મળે છે. નાસાનું વાર્ષિક બજેટ ૨૪.૪ બિલિયન ડોલર હોય અને, ઇસરોનું બજેટ માત્ર ૧.૪ બિલિયન ડોલર હોય ત્યારે સરકારે ઈસરોનાં બજેટમાં મોટો વધારો કરવાની પણ જરૂર છે. ભારતે ૧૯૬૭ની બાહ્ય અન્તરિક્ષ સંધિ તેમજ ૧૯૭૨ની દાયિત્વ સંધિ પર હસ્તાક્ષર કર્ય હોવાથી, તે ભારતને રાષ્ટ્રીય અન્તરિક્ષ વસ્તુઓ માટે આંતર્રાષ્ટ્રીય સ્તરે જવાબદાર ઠેરવે છે…આમાં કોઈ લોન્ચિંગ ઈસરો દ્વારા થયું હોય કે પછી, ખાનગી કંપની દ્વારા થયું હોય તે વચ્ચે કશો ફરક પડતો નથી. ખૂબીની વાત છે કે, રશિયા ઈ.સ.૧૯૫૭થી સ્પેસ ક્ષેત્રે સક્રિય છે તો પણ હજુ સુધી ત્યાં ખાનગી કંપનીઓ માટે સ્પેસ ક્ષેત્રે દરવાજા ખોલવામાં આવ્યા નથી !

સ્ત્રીઓ કરતાં પુરુષોને કેમ વધારે પાણીની જરૂર પડે છે ?
કયા ત્રણ સંજોગોમાં સ્ત્રીઓને પુરુષો કરતાં વધુ પાણી પીવાની જરૂરત રહે છે તે પણ જાણી-સમજી રાખવું જોઈએ!
એ ક સંપૂર્ણ સ્વસ્થ માણસના શરીરમાં બધું મળીને આશરે ૪૨ લીટર પાણી હોય છે ! સ્વસ્થ માણસના શરીરનો લગભગ ૬૦% હિસ્સો પાણી દ્વારા રોકાયેલો રહે છે. આપણું શરીર બહારથી ભલે ભીનું નથી લાગી રહ્યું પણ, અંદરથી તે બિલકુલ આર્દ્ર હોય છે.
પુરુષોનાં શરીરમાં પાણીનું પ્રમાણ સ્ત્રીઓનાં શરીર કરતાં દશેક ટકા જેટલું વધુ હોય છે. આનું મુખ્ય કારણ એ છે કે, પુરુષો કરતાં સ્ત્રીઓમાં ચરબીનું પ્રમાણ વધુ હોય છે ! તમને તમારી આસપાસ જાડા પુરુષો કરતાં જાડી સ્ત્રીઓ વધુ પ્રમાણમાં જોવા મળશે…ક્યારેક, અવલોકન કરી જોજો !
વળી, નાનાં બાળકોનાં શરીરમાં પાણીનું પ્રમાણ ખૂબ વધારે હોય છે… એક બાળક-એક જુવાન-એક વૃદ્ધ…વ્યક્તિનાં શરીરમાં પાણીનું પ્રમાણ તપાસવા જાઓ તો સામાન્ય રીતે જ, બાળકનાં શરીરમાં પાણીની ટકાવારી વધુ જોવા મળે છે.નવજાત બાળકોનાં શરીરમાં ૭૮% જેટલું પાણી જોવા મળે છે !

મનુષ્યોમાં શ્વાસોચ્છવાસ -પરસેવો- મૂત્ર ત્યાગ અને મળોત્સર્જન આ ચાર ક્રિયાઓ થકી શરીરમાંનું પાણી સતત શરીર બહાર નીકળી જતું જોવા મળે છે. એટલે જ, શરીર દરરોજ પાણી માગે છે-આપણને તરસ લાગે છે અને આપણે પાણી પીએ છીએ-પાણી માત્ર તરસ બુઝાવવા જ પીવાનું હોય, તેવું નથી. શરીરને ટકાવી રાખવા માટે પણ પાણી પીવાનું જરૂરી બની રહે છે.
એક સ્ત્રી પણ માણસ છે અને, એક પુરુષ પણ માણસ જ છે…તેમ છતાં, તમને એક જણાવું તો તમારા આશ્ચર્યનો પાર નહિ રહેશે. એક સ્વસ્થ સ્ત્રી કરતાં એક સ્વસ્થ પુરુષને વધુ પાણી પીવું પડે છે ! સ્ત્રીઓ કરતાં પુરુષો પ્રમાણમાં વધુ પાણી પીતાં જોવા મળે છે ! એક સ્ત્રીના શરીર કરતાં એક પુરુષનું શરીર વધુ પાણી માગે છે.
સ્ત્રી કરતાં પુરુષનું શરીર કેમ વધારે પાણી માગે છે તે સમજવું ખૂબ જરૂરી છે. ભલે,સ્ત્રી પણ માણસ છે અને પુરુષ પણ માણસ છે પરંતુ તે બંનેનાં શરીર જુદાં-જુદાં પ્રકારનું બંધારણ ધરાવે છે. સ્ત્રીઓમાં ચરબીનું પ્રમાણ કુદરતી રીતે વધારે હોય છે જયારે, પુરુષોમાં માંસપેશીઓ(મસલ્સ)નું પ્રમાણ વધારે હોય છે. ટકી રહેવા માટે ચરબી કરતાં માંસપેશીઓને વધુ પાણીની જરૂરત પડે છે. હાઈડ્રેટેડ રહેવા માટે સ્ત્રીઓ કરતાં પુરુષોને આ કારણથી તરસ વધુ લગતી જોવા મળે છે.
સામાન્ય રીતે, પુખ્ત વયના એક સ્વસ્થ પુરુષને સાડા ત્રણ લીટર પાણીની દરરોજ જરૂરત પડતી રહે છે. જયારે, પુખ્ત વયની એક સ્વસ્થ સ્ત્રીને અઢી લીટર પાણીની દરરોજ જરૂરત પડે છે.
પરંતુ, સ્ત્રીઓમાં શરીર ત્રણ સંજોગોમાં સામાન્ય કરતાં વધુ પાણીની માંગ કરતુ જોવા મળે છે…એક તો, ગર્ભાધાન ! સ્ત્રીઓમાં ગર્ભ ધારણ થાય કે તરત જ વધુ પાણીની જરૂરત રહે છે. ગર્ભવતી સ્ત્રીઓએ પોતાનું શરીર જેટલું પાણી માગે તેટલું પીતાં રહેવું જોઈએ અને પાણીની તરસ હમેશા બુઝાવતાં રહેવું જોઈએ. ગર્ભને વિકસવા માટે તરલ પદાર્થોની નિરંતર જરૂરત રહ્યા કરતી હોય છે જેને સંતોષવાનું કામ પૂરતા પ્રમાણમાં પાણી વગર શક્ય નથી. બીજું, પ્રસવ બાદ જયારે સ્ત્રીએ નવજાત શિશુને સ્તનપાન કરાવવાનું આવે છે ત્યારે પણ શરીરમાં દુગ્ધનું ઉત્પાદન પૂરતા પ્રમાણમાં થયા કરે તે માટે ખૂબ પાણી પીવું અનિવાર્ય બની રહે છે…સ્તનપાન કરાવી રહેલી દરેક સ્ત્રીને પુરુષો કરતાં પણ વધુ પાણીની જરૂરત પડે છે. અને, ત્રીજું… સ્ત્રીઓમાં માસિક રક્તસ્ત્રાવના દિવસો દરમ્યાન હોર્મોનલ ફેરફારોને લીધે સામાન્ય દિવસો કરતાં વધુ પાણીની જરૂરત
રહે છે.
સ્ત્રીઓ કરતાં પુરુષોમાં ચયાપચય(મેટાબોલિઝ્મ) પ્રક્રિયા દશેક ટકા વધુ ઝડપી હોય છે… આ કારણે પણ સ્ત્રીઓ કરતાં પુરુષોનું શરીર વધુ પાણી માગતું રહે છે ! પુરુષોને પોતાની ચયાપચય પ્રક્રિયા ૩૦% વધુ ઝડપી બનાવવી હોય તો વધારાનું ૪ કપ પાણી પીવું પડે અને તે રીતે, સ્ત્રીઓને ચયાપચય પ્રક્રિયા ૩૦% વધુ ઝડપી બનાવવા માટે ૩ કપ વધુ પાણી પીવું પડે !