પેશન્સ વર્થના આત્માએ સર્જ્યું અનોખું સાહિત્ય

- અગોચર વિશ્વ-દેવેશ મહેતા
- તે સ્થળાંતર કરીને મેસેચ્યુસેટ્સ કોલોની આવી હતી. રાજા ફિલિપના સમયે થયેલી લડાઈ દરમિયાન રેડ ઈન્ડિયનોના હુમલામાં ૧૬૭૫ કે ૧૬૭૬ દરમિયાન તેનું મરણ થયું હતું
પે શન્સ વર્થનો કિસ્સો પેરાનોર્મલ જગત અને સાહિત્યના ઈતિહાસનો એક અનોખો અને રહસ્યમય કિસ્સો માનવામાં આવે છે. તે અદ્ભુત, આશ્ચર્યકારક અને અકલ્પ્ય કિસ્સો એટલા માટે ગણાય છે કેમ કે પેશન્સ વર્થ નામની એક મૃત છોકરીના આત્માએ એક સાધારણ મહિલાના માધ્યમથી અનેક પ્રસિદ્ધ નવલકથા અને કવિતાઓ લખાવી હતી. પર્લ કુરનનો જન્મ ૧૫-૨-૧૮૮૩ના રોજ અમેરિકાના ઈલિનોઇસના માઉન્ટ સિટી ખાતે થયો હતો. તેના જન્મ પછી તેનું કુટુંબ અને તે ટેક્સાસ રહેવા ગયા હતા. ત્યાંથી તે સેન્ટ લૂઈ શહેરમાં આવ્યા હતા. ૨૪ વર્ષે જહોન કુરન સાથે તેના લગ્ન થયા હતા.
તારીખ ૮-૭-૧૯૧૩ની એક સાંજે કુરન એની પડોસમાં રહેતી એમિલિ હચિન્ગ્સ સાથે ઓઉઝા/ઉઝા (Ouija Board) એટલે કે પ્લેન્ચેટ જેવા સાધન સામે બેસીને મૃતાત્માઓનો સંપર્ક સાધવાનો પ્રયત્ન કરી રહી હતી. તે વખતે પેશન્સ વર્થનો આત્મા ત્યાં પ્રગટ થયો હતો. તેણે બોર્ડ પર પોતાનો પરિચય આપતા લખ્યું હતું -‘Many moons ago I lived. Again I come Patience Worth my name. Wait, I Would speak with thee. If thou Shait live, then so shall I. ઘણા ચંદ્રો (વર્ષો) પહેલાં હું જીવતી હતી. હું ફરી આવી છું. મારું નામ પેશન્સ વર્થ છે. થોભો, હું તમારી સાથે વાત કરવા માંગું છું. જો તમે જીવશો તો હું પણ જીવતી રહીશ. પર્લ કુરને વાતચીત ચાલુ રાખી અને તેને પૂછ્યું - 'તું ક્યારે જીવતી હતી?' ઉઝા બોર્ડનું પોઈન્ટર ફરવા લાગ્યું અને તેણે ચાર આંકડા દર્શાવ્યા - ૧૬૪૯. પછી તેણે પોઈન્ટર દ્વારા અક્ષરો દર્શાવ્યા અને વાક્ય બનાવ્યું - I Come from England accross the sea. હું દરિયાની પેલે પાર ઈંગ્લેન્ડથી આવું છું. એ પછી તેણે જણાવ્યું કે તે એક કિશોરી હતી. તે પાછળથી સ્થળાંતર કરીને મેસેચ્યુસેટ્સ કોલોની આવી હતી. રાજા ફિલિપના સમયે થયેલી લડાઈ દરમિયાન રેડ ઈન્ડિયનોના હુમલામાં ૧૬૭૫ કે ૧૬૭૬ દરમિયાન તેનું મરણ થયું હતું.
તેણે જણાવ્યું કે તેને કાવ્યો રચવાનો બહુ શોખ હતો. તે મોટા ગજાની વિશ્વ પ્રસિદ્ધ કવયિત્રી અને નવલકથાકાર બનવાની તીવ્ર ઈચ્છા, ઉત્કંઠા ધરાવતી હતી. તેણે કુરનને જણાવ્યું કે ૩૦૦ વર્ષ પૂર્વે તેની અધૂરી રહેલી ઈચ્છા તે હવે પૂરી કરવા માંગે છે. તે કુરનના માધ્યમથી ઉઝા બોર્ડ પર અવારનવાર પ્રગટ થઈ એના હાથનો ઉપયોગ કરી સ્વયં લેખન (Automatic Writing) પ્રક્રિયાથી કવિતાઓ અને નવલકથાઓ પણ લખશે. તેણે તે પેશન્સ વર્થના નામથી જ પ્રકાશિત કરાવવી. પર્લ કુરને એ માટે સંમતિ આપી. તે વખતથી પેશન્સ વર્થના આત્માએ કુરનના માધ્યમથી સાહિત્ય સર્જન શરૂ કર્યું. તેણે બધાં મળીને ૪૦ લાખ શબ્દો લખાવ્યા.
બ્રેઇથ વેઇટસ એન્થોલોજી ઓફ મેગેઝિન વર્સ ફોલ ૧૯૧૮ના શ્રેષ્ઠ કાવ્યસંગ્રહમાં સારા ટિસડેલ, એમ્ની લોવેલ, વાચેલ લિન્ડસે, એડગર લી માસ્ટર્સ જેવા ખ્યાતનામ કવિઓ - કવયિત્રીઓના કાવ્યો સાથે પેશન્સ વર્થના પાંચ કાવ્યો પણ પ્રકાશિત થયા હતા. કાવ્યસંગ્રહના પ્રકાશકને એ ખબર જ નહોતી કે એ કાવ્યરચનાઓ એક મૃત કિશોરીના પ્રેતાત્મા થકી થયેલી છે. એ વર્ષે પેશન્સ વર્થને 'ધ આઉટસ્ટેન્ડિંગ ઓથર ઓફ ધ યરનું બિરુદ મળ્યું હતું.'
પેશન્સ વર્થ ૬૦,૦૦૦ શબ્દો ધરાવતી ટેલ્કા (Telka) નામની લાંબી કવિતા (દીર્ઘકાવ્ય) પણ લખી હતી. સત્તરમી સદીની પ્રાચીન અંગ્રેજી ન ભાષામાં તે લખાયેલું હતું જે આધુનિક સમયે કોઈ સામાન્ય વ્યક્તિ થકી લખાવવું અસંભવ હતું. આશ્ચર્યની વાત તો એ હતી કે પર્લ કુરન માત્ર ૮ ધોરણ જ ભણેલી હતી અને તેને ન તો વાંચવા-લખવાનો કોઈ શોખ હતો કે ન તો સાહિત્ય સર્જનનો. અનેક લોકોની હાજરીમાં માત્ર ૩૫ કલાકના સમયગાળામાં કુરનના માધ્યમથી પેશન્સે આ દીર્ઘકાવ્યની રચના કરી નાંખી હતી. બોસ્ટન સોસાયટી ફોર સાઇકિકલ રિસર્ચના સંશોધક ડો. ફ્રેન્કલીન પ્રિન્સ પણ તે વખતે ત્યાં હાજર હતા. પેશન્સ વર્થની પ્રથમ નવલકથા ધ સોરી ટેલ (The Sorry Tale) ૨૦૦૦ વર્ષ પહેલાના ઈસુ ખ્રિસ્તના પેલેસ્ટાઇનના જીવન વિશે હતી. ન્યૂયોર્ક ટાઈમ્સે એને 'વર્લ્ડ લિટરરી મારવેલ' તરીકે બિરદાવી હતી. 'હોપ ટ્રુબલ્ડ ન નામની તેની બીજી નવલકથા વિક્ટોરિયન સમયના ઈંગ્લેન્ડ પર આધારિત હતી. પેશન્સની બધી સાહિત્યકૃતિઓને વિવેચકોએ બિરદાવી હતી. આમ, સત્તરમી સદીની કિશોરી પેશન્સ વર્થે શ્રેષ્ઠ સાહિત્યકાર બનવાનું જે સ્વપ્ન સેવ્યું હતું તે તેણે તેના મરણના ૩૦૦ વર્ષ બાદ સફળ કર્યું હતું.'
આ કિસ્સાનું સૌથી વધુ પ્રમાણભૂત સંશોધન ડો. વોલ્ટર ફ્રેંકલિન પ્રિન્સે કર્યું હતું. ૧૯૨૭માં તેમણે ધ કેસ ઓફ પેશન્સ વર્થ નામનું પુસ્તક લખ્યું હતું. તેમણે પર્લ કુરનનું સખત નિયંત્રિત સ્થિતિમાં પરીક્ષણ કર્યું હતું. તે છુપી રીતે કોઈ પુસ્તક વાંચીને કે ઐતિહાસિક વિગતો જાણીને તેની નકલ તો નથી કરતી ને તે પણ ચકાસ્યું હતું. તેમણે જોયું કે તેના મસ્તિષ્કમાંથી આ સર્જન સ્વયંસ્ફૂર્ત થતું હતું. તે ઉઝા બોર્ડ એટલું ઝડપથી લખતી (અથવા પાછળથી તો તે કેવળ બોલતી અને બધું લખી લેવામાં આવતું) કે જે ગોખેલું કે યાદ રાખેલું હોય તે સંભવ જ નહોતું. પરીક્ષણ દરમિયાન ડો. પ્રિન્સ કોઈ એક શબ્દ અથવા વિષય યાદ્દચ્છિક રીતે પસંદ કરીને આપતા. પર્લ કુરન એક પળ પણ રોકાયા વિના લખવા કે બોલવા લાગતી તે અવિશ્વસનીય ગતિથી લગભગ દર મિનિટના ૮૦ થી ૧૦૦ શબ્દ) તે વિષય પર કવિતા કે વાર્તા રચવા લાગતી. ભારે વિસ્મય ઉપજાવનારી વાત એ હતી કે તે કવિતાઓ કે વાર્તાઓ આધુનિક અંગ્રેજીમાં નહીં, પણ સત્તરમી સદીની જૂની અને કઠિન અંગ્રેજી (Archaic English) માં લખાતી હતી જે સામાન્ય વ્યક્તિને માટે બોલવું, લખવું અસંભવ હતું. એક ટેસ્ટ દરમિયાન ડો. પ્રિન્સે પર્લને સાહિત્ય સર્જનની પ્રક્રિયાની વચ્ચે કોઈ રોજબરોજની વાત અંગે પ્રશ્ન કર્યો. તેણે રોકાઈને સામાન્ય દૈનિક જીવનની ભાષામાં તેનો જવાબ આપ્યો અને બીજી જ પળે સાહિત્ય સર્જન જ્યાંથી અટકાવ્યું હતું ત્યાંથી સત્તરમી સદીની એલિઝાબેથન અંગ્રેજીની ભાષામાં લખાવવાનું ચાલુ કરી દીધું. ડો. પ્રિન્સ દ્વારા કરાયેલ સમાન્તર રચના પરીક્ષણ દરમિયાન પર્લ કુરને એક જ સમયે બે જુદી જુદી જટિલ કૃતિઓ 'ધ સોરી ટેલ' અને 'ટેલ્કા'ના પેરેગ્રાફ લખાવીને પોતાની અસાધારણ માનસિક ક્ષમતાનો પરિચય આપ્યો હતો. ડો. પ્રિન્સે જણાવ્યું હતું કે પર્લ કુરન ચેતન રૂપે કોઈ ચાલબાજી કે છેતરપિંડી કરતી નથી. એ કલા એના મનમાં તે જ સમયે સ્વયંસ્ફૂર્ત પ્રગટ થાય છે તેનું મન પેશન્સ વર્થના આત્મા સાથે જોડાય ત્યારે સાહિત્ય સર્જન થવા લાગે છે.




