Ravi Purti

સ્થિતિ સામાન્ય, પણ સિદ્ધિ અસામાન્ય જ્યોતિનો પ્રકાશ અને ધીરજની હિંમત!

By GS Team
10 Oct 20266 mins read
સ્થિતિ સામાન્ય, પણ સિદ્ધિ અસામાન્ય જ્યોતિનો પ્રકાશ અને ધીરજની હિંમત!
  • પારિજાતનો પરિસંવાદ-ડૉ. કુમારપાળ દેસાઈ
  • બાળપણમાં 'રામાયણ' અને 'મહાભારત'ની કથાઓ સાંભળીને એને તીરંદાજીનો શોખ લાગ્યો અને પાંચ વર્ષની ઉંમરે એના પિતાએ એને ધનુષબાણ ભેટ આપ્યાં

ભા રતીય રમતજગતમાં છેલ્લાં કેટલાંક વર્ષોથી અત્યંત સામાન્ય પરિસ્થિતિમાં, ગરીબીની હાલતમાં જીવતા પરિવારોમાંથી સમર્થ ૨મતવીરો પ્રાપ્ત થયા છે. એના ઇતિહાસ તરફ નજર નાખીએ તો ૧૯૪૭ના ભાગલા વખતે માતા-પિતા, ભાઈ અને બહેનોને ગુમાવનાર મિલ્ખા સિંહ યાદ આવે. સૈનિકોનાં બૂટ પોલીશ કરીને કમાણી કરનાર મિલ્ખા સિંહ અંતે ભારતીય સેનામાં જોડાયા અને ૧૯૫૮ની ટોકિયો ઓલમ્પિક ગેમ્સમાં ૨૦૦ અને ૪૦૦ મીટર દોડ - બંનેમાં સુવર્ણચંદ્રક હાંસલ કર્યા. ૧૯૬૨ની એશિયન ગેમ્સમાં ૪૦૦ મીટર તથા ૪ ૪૦૦ મીટરની રીલેમાં પણ સુવર્ણચંદ્રક મેળવ્યો.
દસ કિલોમીટર ચાલીને નિશાળે જનાર મિલ્ખા સિંહ એક સમયે ભારતમાં શરણાર્થી બન્યો હતો, તે એશિયન ગેમ્સમાં ભારતને માટે સુવર્ણચંદ્રક વિજેતા 'ફ્લાઈંગ શીખ' બન્યો.
એવી જ કથા મેરી કોમની છે. સામાન્ય ખેડૂત પરિવારમાં જન્મેલી મેરી કોમ બાળપણથી જ પિતાને ખેતીકામમાં મદદ કરતી હતી. બોક્સર ડિંગ્સો સિંહની સફળતાથી પ્રેરાઈને એણે બોક્સિંગમાં ઝુકાવ્યું. મણિપુર જેવા સમાજમાં બોક્સિંગ પસંદ કરવું એ ખુદ મોટો પડકાર હતો. પૈસાનો અભાવ યોગ્ય સાધનોની અછત અને તાલીમની મુશ્કેલી હોવા છતાં એણે પોતાની કારકિર્દી આગળ ધપાવી. ૨૦૧૪ની એશિયાઈ સ્પર્ધામાં ૪૮ કિલો વર્ગમાં સુવર્ણચંદ્રક મેળવીને આ સ્પર્ધામાં સુવર્ણચંદ્રક મેળવનારી પહેલી ભારતીય બોક્સર બની. એની બોક્સિંગ કારકિર્દી માટે એના પિતાએ ગાય પણ વેચી હતી.
એવી જ રીતે મહિને ત્રણ હજાર કમાતા વણકર પરિવારની ઓડિશાના ગોપાલપુરની દૂતી ચંદ ખુલ્લા પગે નદીકિનારે અને ગરમ રેતી પર દોડીને તાલીમ લેતા. બોરવેલનું પાણી ખેંચીને કસરત કરતા અને પથ્થરો ઉઠાવીને સ્ટ્રેન્થ ટ્રેનિંગ કરતા. દૂતી ચંદે ૨૦૧૮ની એશિયન ગેમ્સમાં એકસો મીટ૨ અને બસો મીટરમાં રજતચંદ્રક (સિલ્વર મેડલ) મેળવ્યો હતો.
જ્યારે સ્વપ્ના બર્મન ૨૦૧૮ની હેપ્ટાથોનની સ્પર્ધામાં ભારત તરફથી સર્વપ્રથમ વાર ગોલ્ડ મેડલ હાંસલ કર્યો હતો. બંને પગમાં છ-છ આંગળીઓ હોવા છતાં અને પરિવારનો બીપીએલ(બીલો પોવર્ટી લાઈન)ની શ્રેણીમાં સમાવેશ થતો હોવા છતાં એણે આવી સિદ્ધિ મેળવી.
હવે જરા તાજેતરમાં જાપાનમાં યોજાયેલી એશિયન ગેમ્સ ૨૦૨૬ (આઇચી નાગોયા)માં નજર કરીએ. જેમાં ભારતે કુલ ૮૫ ચંદ્રકો હાંસલ કર્યા. એશિયાઈ દેશોમાં એને ચોથું સ્થાન મળ્યું. ચીન, જાપાન અને દક્ષિણ કોરિયા પછી ભારતને સ્થાન મળ્યું, જોકે એ દેશોનાં મુકાબલે ભારતે હજી ઘણી સિદ્ધિઓ મેળવવાની બાકી છે. આ સ્પર્ધામાં પણ અસાધારણ સંઘર્ષ કરનારા ખેલાડીઓની ગાથા અત્યંત પ્રેરણાદાયી છે.
૧૯૯૯ની ૨૮મી ઓગસ્ટે જન્મેલી જ્યોતિ યારાજી આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટમમાં એક અત્યંત ગરીબ પરિવારમાં જન્મ થયો. પિતા ખાનગી સિક્યોરિટી ગાર્ડ અને માતા હોસ્પિટલમાં ક્લિનર અને બીજાને ત્યાં ઘરકામ કરતા હતા. આવી સ્થિતિમાં જ્યોતિ પાસે ટ્રેક પર દોડવા માટે મોંઘા શૂઝ તો ક્યાંથી હોય ? આથી એણે ખુલ્લા પગે દોડવાનું શરૂ કર્યું.
માતા-પિતાને એથ્લેટિક્સ શું કહેવાય એની ય ખબર નહોતી, પરંતુ પુત્રીનું સ્વપ્ન સિદ્ધ કરવા માટે માતાએ બેવડી શિફ્ટમાં કામ શરૂ કર્યું. યોગ્ય પૌષ્ટિક આહાર અને વ્યવસાયી ટ્રેનિંગના અભાવે જ્યોતિને ધારી સફળતા મળતી નહોતી. એમાં વળી પીઠની ગંભીર ઈજા થઈ, ઘૂંટણની સર્જરી કરાવવી પડી. આમ ગરીબી સાથે બીમારી ભેગી થઈ અને પરિણામે લાંબા સમય સુધી એ ટ્રેકથી દૂર રહી.
શરૂઆતમાં રાષ્ટ્રીય સ્પર્ધામાં અનેક લીલી-સૂકી જોઈ, પણ આ સઘળી મુશ્કેલીઓને પાર કરીને એણે પુનરાગમન કર્યું. પીઠની ઈજાને કારણે ઘણા લોકોએ એને સલાહ આપી કે તારી હર્ડલ(વિઘ્ન દોડ) ધીમી કરી નાખ, પરંતુ જ્યોતિએ એવું કશું કરવાને બદલે વધુ આકરી તાલીમ લીધી અને હર્ડલ(વિઘ્ન) પાર કરવાની પોતાની ટેકિનકલ વધુ ધારદાર બનાવી. એક પછી એક હર્ડલમાં એ જીતતી હતી.
દૂતી ચંદ અને હિમા દાસ જેવા જાણીતી ભારતીય દોડવીરો સાથે એ મુકાબલો કરવા લાગી અને જ્યોતિ વીસ વર્ષની શરૂઆતમાં જ દેશની સૌથી ઝડપી મહિલા વિઘ્નદોડ કરનારી બની. એણે રાષ્ટ્રીય વિક્રમ હાંસલ કર્યો અને સાથોસાથ ભારતીય દોડવીરોની નવી પેઢીનું નેતૃત્વ કર્યું. તેર સેકંડથી પણ ઓછા સમયમાં (૧૨.૭૮ સેકન્ડ) એકસો મીટ૨ની વિઘ્નદોડ પૂરી કરનારી એ ભારતની પ્રથમ મહિલા
ખેલાડી બની.
૨૦૨૩માં બેંગકોકમાં અને ૨૦૨૫માં ગુમીમાં એથ્લેટિક ચેમ્પિયનશીપમાં એણે સુવર્ણચંદ્રક હાંસલ કર્યો. ૨૦૨૪ની પેરિસ ઓલમ્પિક્સમાં એકસો મીટ૨ હર્ડલ ઈવેન્ટ્સમાં ક્વોલિફાઈડ થનાર એ સૌ પ્રથમ ભારતીય મહિલા ખેલાડી બની. રાષ્ટ્રએ એને 'અર્જુન એવોર્ડ'થી સન્માનિત કરી. ગરીબી, ઈજાઓ અને સાધનોનાં અભાવ સામે લડનારી જ્યોતિની જીવનયાત્રા આજે અન્ય સામાન્ય વ્યક્તિઓને અસામાન્ય સિદ્ધિઓ મેળવવાની પ્રેરણા આપે છે.
જાપાનમાં યોજાયેલી ૨૦૨૬ની એશિયાઈ સ્પર્ધામાં એણે ભાગ લીધો, પરંતુ કમનસીબે ઘૂંટણના જૂના સ્ટ્રેસ અને ઈજાને કારણે એને છેલ્લી ઘડીએ સ્પર્ધામાંથી પોતાનું નામ પાછું ખેંચવું પડયું હતું, પરંતુ અત્યારે પણ એ રિલાયન્સ ફાઉન્ડેશનના સહયોગથી પોતાની ટ્રેનિંગ આગળ વધારી રહી છે અને આજે ૨૪ વર્ષની ઉંમરે જ્યોતિ યારાજી ભારતને માટે ઓલિમ્પિક સ્પર્ધામાં ચંદ્રક જીતવાના સ્વપ્ન સાથે તાલીમ લઈ રહી છે.
જ્યોતિના માતા-પિતાએ પુત્રીની કારકિર્દીના ઘડતર માટે ઘણા હર્ડલ્સ(વિઘ્નો)નો સામનો કરીને અને સતત સાથ આપ્યો અને એણે માતા- પિતાને હંમેશા સારું જીવન જીવી શકે એવું વચન આપ્યું, જે પૂર્ણ પણ કર્યું. હર્ડલના ક્ષેત્રે જ્યોતિ યારાજીએ સામાન્ય સ્થિતિમાંથી અસામાન્ય સિદ્ધિ મેળવી, તો એ જ રીતે આંધ્રપ્રદેશનાં વિજયવાડાના એક સામાન્ય પરિવારમાં જન્મેલા ધી૨જ બોમ્મદેવરાએ પણ આંત૨રાષ્ટ્રીય સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે.
બાળપણમાં 'રામાયણ' અને 'મહાભારત'ની કથાઓ સાંભળીને એને તીરંદાજીનો શોખ લાગ્યો અને પાંચ વર્ષની ઉંમરે એના પિતાએ એને ધનુષબાણ ભેટ આપ્યાં. આ સમયે એનો પરિવાર ભારે આર્થિક મુશ્કેલીઓમાંથી પસાર થઈ રહ્યો હતો. એના પિતા જે શાળા ચલાવતા હતા, તે બંધ થઈ ગઈ અને એ પછી એના પિતા આર્ચરી એસોસિએશનમાં ટેકિનકલ ઓફિસર તરીકે કામ કરતા હતા, જ્યાં એમનો મહિનાનો પગાર માત્ર પાંચ હજાર રૂપિયા હતો.
આ રીતે પ્રોફેશનલ આર્ચરી ઈક્વિપમેન્ટ એટલે કે અદ્યતન ધનુષબાણ માટે ધી૨જ પાસે પૈસા નહોતા. આ સાધનો ખૂબ મોંઘા હોવાથી એણે તીરંદાજીને અલવિદા કહેવાનું નક્કી કર્યું, પરંતુ એની માતા રાવતી પુત્રના આ શોખને જાણતી હતી. એટલે એણે પોતાનું મંગલસૂત્ર બેંકમાં ગીરો મુક્યું અને છપ્પન હજારની લોન લીધી. આટલી રકમમાં નવા ધનુષબાણ તો ક્યાંથી ખરીદી શકે ? પરંતુ સેકન્ડહેન્ડ ધનુષબાણ ખરીદી શક્યો. એ સમયે એના પિતાએ પણ કહ્યું કે, 'આ તારે માટે છેલ્લી વસ્તુ કરી રહ્યા છીએ. હવે એથી વધુ અમે કશું કરી શકીએ તેમ નથી.'
આટલી આફત ઓછી હોય તેમ એશિયન ગેમ્સમાં ધીરજ સાવ થાપ ખાઈ ગયો અને પછી એના પર સોશિયલ મીડિયા પર ટીકાનો મારો ચલાવ્યો. પારાવાર ગરીબી, આર્થિક મુશ્કેલીઓ, અદ્યતન સાધનોનો અભાવ આ સઘળાંની મૂંઝવણ તો હતી, પણ એમાં એક વિશેષ ઉમેરો થયો અને તે એણે કરેલી ભૂલને કા૨ણે ચોતરફ થઈ રહેલી ટીકાઓ.
એક સમયે તીરંદાજીને તિલાંજલિ આપવાનો વિચાર કર્યો. બીજી બાજુ આ ૨મત એટલી પ્યારી હતી કે એના વિના એ જીવી શકે તેમ નહોતો. આથી એણે આપઘાત ક૨વાનો વિચાર પણ કર્યો, પણ એ સમયે એના સાથી ખેલાડીઓ અને એના કોચે એને હિંમત આપી અને કહ્યું કે, 'ભલે અત્યારે ચોપાસ અંધકાર હોય, પણ તારી કાબેલિયતથી તું જરૂ૨ દેશનું નામ રોશન કરીશ.'
એવામાં એની રમતની પ્રતિભાને આધારે ભારતીય સેનામાં હવલદારની નોકરી મળી. આજ સુધી આર્થિક સ્થિતિની નાવ હાલકડોલક હતી, એમાં સ્થિરતા મળી અને વિશેષ તો ટ્રેનિંગની તક મળી. ૨૦૨૬માં મેક્સિકોમાં યોજાયેલી આર્ચરી વર્લ્ડ કપ ફાઈનલમાં જાપાનનાં ખેલાડીને હરાવીને એણે સુવર્ણચંદ્રક હાંસલ કર્યો. આ પ્રતિષ્ઠિત સ્પર્ધામાં સુવર્ણચંદ્રક મેળવનાર એ ભારતનો પ્રથમ પુરુષ તીરંદાજ બન્યો. આર્ચરી વર્લ્ડ કપ ફાઈનલમાં પુરુષો માટેનો ભારતનો સોળ વર્ષ જૂનો મેડલનો દુકાળ એણે સમાપ્ત કર્યો.
એ પછી ૨૦૨૬ની એશિયન ગેમ્સમાં રિકર્વ ક્વોલિફિકેશન રાઉન્ડમાં ૭૨૦માંથી ૬૯૮ પોઇન્ટ મેળવીને ધીરજે એક નવો એશિયન અને નેશનલ રેકોર્ડ બનાવ્યો હતો. આ સાથે તેણે કોરિયાના લી નો ૬૯૦ પોઇન્ટનો જૂનો એશિયન ગેમ્સ રેકોર્ડ તોડયો હતો અને આ સ્પર્ધામાં અંતે એણે રજતચંદ્રક હાંસલ કર્યો. હજી એ એની શાનદાર રમતથી ઓલમ્પિક્સમાં ચંદ્રક હાંસલ કરવા ચાહે છે, પણ સૌથી મોટો ચંદ્રક તો એણે પારાવાર મુશ્કેલીઓ અને નિરાશામાંથી મેળવેલી સફળતા છે.