Ravi Purti

શૂન્યમાંથી સર્જનની શક્તિ

By GS Team
8 Aug 20267 mins read
શૂન્યમાંથી સર્જનની શક્તિ
  • આજકાલ-પ્રીતિ શાહ
  • કૈલાશ કાટકર ક્યારેય કૉલેજ નથી ગયા, પરંતુ કેટલીક યુનિવર્સિટી આજે એમને માનદ ડૉક્ટરેટ આપીને સન્માન કરી રહી છે

અ ત્યારના પરિવર્તનશીલ સમાજમાં ઘણી બાબતો બહુ ઝડપથી બદલાઈ રહી છે. તેની સાથોસાથ એ પણ જોવા મળે છે કે પહેલાંના સમયમાં ડિગ્રીની સાથે નોકરીનો સંબંધ હતો, પરંતુ આજે વ્યક્તિની ડિગ્રી કરતાં વધુ મહત્ત્વ તેની બુદ્ધિમત્તા કે તેના કૌશલ્યનું આંકવામાં આવે છે. આવી વાત છે કૈલાશ કાટકરની. મહારાષ્ટ્રના સતારા જિલ્લાના રહિમતપુરા નામના ગામમાં ૧૯૬૬માં કૈલાશનો જન્મ થયો હતો. તેના પિતા સાહેબરાવ કાટકર ફિલિપ્સ ઇન્ડિયામાં મશીન સેટર તરીકે કામ કરતા હતા. કૈલાશ સમજણો થયો ત્યારથી તેણે પિતાને ઘરમાં રેડિયો રીપેર કરતા જોયા હતા. સાહેબરાવની કંપનીના કાર્યદક્ષ કર્મચારી તરીકે ગણના થતી, પરંતુ પગારમાં ખાસ વધારો થતો નહીં. તેનું કારણ એ હતું કે તેમણે સાતમા ધોરણ સુધી જ અભ્યાસ કરેલો.
પોતે બહુ ભણી શક્યા ન હોવાથી પિતા સાહેબરાવની ઇચ્છા તેમના બંને પુત્રોને ઉચ્ચ અભ્યાસ કરાવીને એન્જિનિયર બનાવવાની હતી. પોતાનાં સ્વપ્નાંને સાકાર કરવા તેઓ પોતાના ગામમાંથી પુણે રહેવા આવ્યા. આર્થિક મુશ્કેલીઓની વચ્ચે પુણેની વાકડેવાડી ચાલમાં રહેવા લાગ્યા અને નજીકમાં આવેલી અંગ્રેજી માધ્યમની સ્કૂલમાં બંને સંતાનોને - કૈલાશ અને સંજયને - પ્રવેશ અપાવ્યો. ચાલમાં સવાર-સાંજ પાણી ભરવા માટે તેમજ શૌચાલય માટે પણ લાંબી લાઇનમાં ઊભા રહેવું પડતું. જોકે ધીમે ધીમે આ જીવનશૈલીમાં ગોઠવાતા ગયા, પરંતુ ખરી મુશ્કેલી તો અભ્યાસમાં આવતી. સ્કૂલમાં હોમવર્ક આપવામાં આવે, પરંતુ તેને કોણ કરાવે? માતા-પિતાને તો અંગ્રેજી આવડતું નહોતું, તેથી તેમને માટે ટયૂશન રાખ્યું. ઘરખર્ચ, સ્કૂલની ફી, ટયૂશન ફી વગેરે ખર્ચને પહોંચી વળવું મુશ્કેલ હતું, પરંતુ એ અંગે એમના પિતા એક પણ શબ્દ બોલ્યા વિના સંતાનો અભ્યાસમાં કેમ આગળ વધે તે માટે સતત પ્રયત્નશીલ રહેતા. કૈલાશને ગણિત અને વિજ્ઞાનના વિષયમાં ખૂબ રસ પડતો, પરંતુ અન્ય વિષયોમાં બિલકુલ રસ પડતો નહોતો. દસમા ધોરણનો અભ્યાસ કર્યા પછી તેણે અભ્યાસ છોડી દેવાનું નક્કી કર્યું. તેણે વિચાર્યું કે પરીક્ષામાં સારા માર્ક્સ આવતા જ નથી, તો પછી પિતાના આટલી મહેનતથી કમાયેલા પૈસાને કેવી રીતે બરબાદ કરાય? પિતા રેડિયો રીપેર કરતા હતા, તે જોઈ જોઈને એ ઘણું શીખી ગયો. એણે નક્કી કર્યું કે દસમા ધોરણમાં તે પાસ થવાનો જ નથી, તેથી આગળ અભ્યાસ કરવા માટે કોઈ જગ્યાએ પ્રવેશ મેળવવાની ચિંતા નથી. નિશ્ચિંત થઈને તે રેડિયો-ટીવી રીપેરીંગનું કામ કરવા લાગ્યો અને એમાં થોડી ઘણી આવક પણ થવા લાગી.
૧૯૮૬માં એક દિવસ કેલક્યુલેટર ટૅક્નિશયનના ઇન્ટરવ્યૂ અંગે અખબારમાં આવેલી જાહેરખબર પર તેની નજર પડી. તે ઇન્ટરવ્યૂ આપવા પહોંચી ગયો. ત્યાં જઈને જોયું તો વીસ-પચીસ છોકરાઓ આવેલા હતા, જેમાંથી કોઈ ટૅક્નીકલ કોર્સ કરીને આવ્યા હતા, તો કોઈ ગ્રેજ્યુએટ હતા. કૈલાશ પાસે તો પોતાનો બાયોડેટા પણ નહોતો. એણે વિચાર્યું કે અહીં નોકરી તો મળશે નહીં, પણ આવ્યો છું તો ઈન્ટરવ્યૂ આપવામાં શું વાંધો? જાણું તો ખરો કે ઈન્ટરવ્યૂમાં કેવી રીતે પ્રશ્નો પૂછાય છે? ઈન્ટરવ્યૂ લેનારે કહ્યું કે, 'ન તારી પાસે બાયોડેટા છે કે ન શૈક્ષણિક લાયકાત. તેં એવું કેવી રીતે વિચાર્યું કે તને નોકરી મળી જશે?' કૈલાશે કહ્યું, 'તમે પ્રશ્ન પૂછો, હું જવાબ દઈશ. હું કેલક્યુલેટર વિશે નથી જાણતો, પણ ઈલેક્ટ્રોનિક્સ વિશે જાણું છું.' તેનો આત્મવિશ્વાસ જોઈને ઈન્ટરવ્યૂ લેનારે પ્રશ્નો પૂછવાનું શરૂ કર્યું. બધાના સાચા જવાબ મળ્યા અને સાડા ત્રણસો રૂપિયાના પગારથી એની નોકરી શરૂ થઈ.
આ સમયે તે રેડિયો-ટીવી રીપેર કરીને હજાર-બારસો રૂપિયા કમાઈ લેતો હતો, પરંતુ ડિજિટલ પાર્ટ્સ વિશે જાણવા મળશે તે હેતુથી નોકરી સ્વીકારી લીધી. કંપનીએ એને ટ્રેનિંગ માટે મુંબઈ મોકલ્યો. ત્યારબાદ કંપનીના જર્મનીના એન્જિનિયરો સાથે કામ કરવાની તક મળી. કૈલાશ કેલક્યુલેટર રીપેરિંગની સાથે સાથે ઈલેક્ટ્રોનિક્સ અંગે શીખતો ગયો. ૧૯૯૧માં તેણે પંદર હજારના મૂડીરોકાણ સાથે કેલક્યુલેટર અને કમ્પ્યૂટર રીપેરિંગની પોતાની નાની કંપની શરૂ કરી. તે સમયે ભારતમાં કમ્પ્યૂટરનો ઉપયોગ વધી રહ્યો હતો. કમ્પ્યૂટરમાં વાયરસ આવી જતા તેને રીપેર કરવામાં ઘણો સમય જતો. આ સમય દરમિયાન તેનો ભાઈ કમ્પ્યૂટર એન્જિનિયર બની ગયો હતો. બંને ભાઈઓ એન્ટીવાયરસ પ્રોગ્રામનું પરીક્ષણ કરવા લાગ્યા. વિદેશની એન્ટીવાયરસ સિસ્ટમ અત્યંત મોંઘી હતી. એન્ટીવાયરસ સોફ્ટવેર બનાવવા પાછળ રાત-દિવસ મહેનત કરી. નિષ્ફળતા મળી, ભૂલો સુધારી પરંતુ હાર ન માની. છેવટે ૧૯૯૫માં માત્ર સાતસો રૂપિયામાં કૈલાશ કાટકરે 'ક્વિક હીલ' નામનું એન્ટીવાયરસ બજારમાં મૂક્યું. જોતજોતામાં ક્વિક હીલ ટૅક્નૉલૉજીસ દેશમાં સાયબર સુરક્ષાની ઓળખ બની ગઈ. આજે ક્વિક હીલની માર્કેટ કેપ આશરે નવસો કરોડ છે અને હજારો લોકોને રોજગારી આપી રહી છે. નવું શીખવાની જિજ્ઞાસા, મહેનત કરવાની લગન અને અદમ્ય આત્મવિશ્વાસ ધરાવનાર કૈલાશ કાટકર ક્યારેય કૉલેજ નથી ગયા, પરંતુ કેટલીક યુનિવર્સિટી આજે એમને માનદ ડૉક્ટરેટ આપીને સન્માન કરી રહી છે.

વેદના ઓછી કરતી સંવેદના
આ સફરમાં ન તો હવે તે એકલી છે કે ન તેની માતા! આજે તિરુવનંતપુરમ અને એની આસપાસના ક્ષેત્રોની બસોથી પણ વધુ માતાઓ આ ટ્રસ્ટ સાથે જોડાયેલી છે

'ઘા યલ કી ગત ઘાયલ જાને.' સમદુખિયા જ્યારે મળે, ત્યારે બહુ ઓછા શબ્દોમાં તેઓ સમસંવેદન અનુભવી શકે છે. આવી સમસંવેદનામાંથી જ જન્મ થયો સ્નેહસાંદ્રમનો. કેરળના તિરુવનંતપુરમમાં જન્મેલી શીજાએ મંચડી ગવર્નમેન્ટ એલ.પી. સ્કૂલમાં અને ત્યારબાદ સેન્ટ ઝેવિયર્સ સ્કૂલમાં અભ્યાસ કર્યો. હજી તો સ્નાતક કક્ષાનો અભ્યાસ પૂરો નહોતો કર્યો અને શીજાના લગ્ન થઈ ગયા. શીજાને એમ હતું કે લગ્ન પછી અભ્યાસ પૂર્ણ કરશે, પરંતુ ૨૦૧૦માં શીજાએ દીકરી સેન્ડ્રાને જન્મ આપ્યો, જેણે તેના જીવનની દિશા બદલી નાખી. સેન્ડ્રાને માઇક્રોસેફલી નામની એક દુર્લભ બીમારી હતી, જેમાં મસ્તિષ્કનો પૂરો વિકાસ થતો નથી. આ એક જન્મજાત બીમારી છે. એમાં કંઈ થઈ શકે તેમ ન હોવાથી તેને નિયતિ માનીને સ્વીકારી લીધી.
સેન્ડ્રાની સારવાર, દવાઓ, હોસ્પિટલની મુલાકાતો, આઈસીયુ, વેન્ટીલેટરની આસપાસ શીજાનું જીવન ગોઠવાતું ગયું. જેમ જેમ તેની સારવારનો ખર્ચ વધતો ગયો અને સતત સેન્ડ્રાને જાળવવાની જવાબદારી વધતી ગઈ, તેમ તેમ પતિનો સાથ છૂટતો ગયો. પતિ એને છોડીને જતો રહ્યો. હોસ્પિટલ એનું બીજું ઘર બની ગયું. આવા સંજોગો વચ્ચે પણ તેણે પોતાનો અધૂરો અભ્યાસ પૂરો કર્યો, પરંતુ કોઈ નોકરી મળી નહીં. માતા-પિતાના સહકારથી સિલાઈકામ અને અન્ય કૌશલ્ય શીખી લીધું. તેણે વિચાર્યું કે દિવ્યાંગ બાળકોની કેટલી માતાઓને માતા-પિતાનો કે અન્યનો સાથ મળતો હશે? હોસ્પિટલમાં જ્યારે જવાનું થતું, ત્યારે તે જોતી કે માતાઓ પોતાના વિકલાંગ સંતાન સાથે એકલી ખૂણામાં બેઠી હોય. હોસ્પિટલમાં તેની મુલાકાત વિદ્યા નામની સ્ત્રી સાથે થઈ કે જે એક સમયે સ્કૂલમાં ગણિતની શિક્ષિકા હતી, પરંતુ તેના નવ વર્ષના પુત્રને સેરેબ્રલ પાલ્સી હોવાથી તેની ઇચ્છા હોવા છતાં તે ક્યારેય પાછી નોકરી કરવા જઈ શકી નહીં. શીજા સાથેની મુલાકાત વખતે તેને સહાનુભૂતિથી વિશેષ પોતાની ઓળખનો અહેસાસ થયો અને શીજા પણ પોતાને ધીમે ધીમે ઓળખતી થઈ. એક દંપતી જેને તે જાણતી હતી તેમણે પોતાના વિકલાંગ સંતાનની સાથે આત્મહત્યાનો પ્રયાસ કરેલો. માતા-પિતા તો મૃત્યુ પામ્યા, પરંતુ બાળક બચી ગયું, જેનો ઉછેર તેની દાદી કરી રહી છે. એક હોસ્પિટલમાં એક વિકલાંગ બાળકની માતા સાથે શીજાની મુલાકાત થઈ. તેણે પોતાનું બાળક શીજાને સોંપીને કહ્યું કે તે થોડી વારમાં જ આવે છે અને પછી ક્યારેય આવી નહીં. આવી ઘટનાઓથી તે દુ:ખી રહેતી. તેણે વિચાર્યું કે વિકલાંગ સંતાનોની માતાઓ સાથે સતત તેને સહાય કે હૂંફ આપનારી વ્યક્તિનો અભાવ હોવો તે મુખ્ય સમસ્યા છે. હોસ્પિટલની આવી ઘટનાઓએ શીજાના મનમાં એક વિચારબીજ રોપ્યું. તે ધીમે ધીમે વિકસિત થઈને સ્નેહસાંદ્રમ ચેરિટેબલ ટ્રસ્ટના સ્વરૂપે સ્થાપના પામ્યું.
૨૦૨૧ના ઑગસ્ટ મહિનામાં સ્નેહસાંદ્રમ ટ્રસ્ટનું રજિસ્ટ્રેશન કરાવ્યું, આ ટ્રસ્ટમાં માત્ર વિકલાંગ બાળકોની પરવરિશ કરનારી માતા જ સભ્ય થઈ શકે. ટ્રસ્ટ માટે તેની પાસે એવા કોઈ સંસાધનો હતા નહીં, તેથી તેની શરૂઆત અત્યંત સાધારણ રીતે થઈ. એણે સિલાઈમશીન, સિલાઈની તાલીમ, બકરી તેમજ મરઘાંપાલન જેવા માધ્યમોથી રોજગારી મળી રહે તેવી શરૂઆત કરી. તેનો ઉદ્દેશ દાન મેળવીને નહીં, પરંતુ રોજગાર દ્વારા સ્થિરતા પ્રદાન કરીને આત્મનિર્ભર બનાવવાનો છે. આનાથી ઘણી સ્ત્રીઓના જીવનમાં પરિવર્તન આવ્યું. ડાઉન સિંડ્રોમ ધરાવતી પુત્રીની પાંત્રીસ વર્ષની ઉંમરની માતા સ્કૂલની બહાર પુત્રીની પ્રતીક્ષા કરવામાં ચાર કલાક વીતાવતી હતી, તે આજે ટ્રસ્ટ દ્વારા ચાલતી વર્કશોપમાં બ્લાઉઝ સીવે છે. જેમ જેમ સભ્યો વધતા ગયા, તેમ તેમ જરૂરિયાતમંદ પરિવારોને દવાઓ, વ્હીલચૅર, ડાયપર, ખાવાની વસ્તુઓ વગેરે મદદ પહોંચાડવામાં આવી. સંકટ કે કટોકટી વખતે નેટવર્કથી સહુ એક થઈ જાય છે.
આ ટ્રસ્ટ પપ્પાનમકોડમાં સામાન્ય કાર્યાલયમાં કામ કરે છે, પરંતુ મોટાભાગનું કામ ઘરો, હોસ્પિટલો અને અનૌપચારિક નેટવર્કથી થાય છે. અખબાર અને સામયિકો એકત્ર કરીને તેની પસ્તી વેચીને પૈસા એકત્ર કરે છે અને કટોકટીના સંજોગો ઉભા થાય, ત્યારે તે માતાઓને તેમાંથી સહાય કરવામાં આવે છે.હવે વ્યક્તિગત દાન તેમજ સીએસઆર ફંડ મળવા લાગ્યું છે. તિરુવનંતપુરમમાં આશરે સાડા આઠથી નવ હજાર સ્ક્વેરફીટ જમીન દાનમાં મળી છે તેમાં પુનર્વસન કેન્દ્ર બનાવવાની યોજના વિચારી છે, જેથી વિકલાંગ બાળકો તેની સંભાળ લેનાર વ્યક્તિઓ સાથે રહી શકે અને માતા કામ કરવા જઈ શકે. આજે સોળ વર્ષની સેન્ડ્રા ટ્રસ્ટમાં હોમસ્કૂલિંગ કરે છે. તેને વારંવાર આંચકી આવે છે, પરંતુ તે કહે છે કે આ સફરમાં ન તો હવે તે એકલી છે કે ન તેની માતા! આજે તિરુવનંતપુરમ અને એની આસપાસના ક્ષેત્રોની બસોથી પણ વધુ માતાઓ આ ટ્રસ્ટ સાથે જોડાયેલી છે. આ માતાઓ કહે છે કે તેઓ જીવનની પરીક્ષામાં વારંવાર નિષ્ફળ ગયા, પરંતુ દરેક વખતે તેઓ એકબીજાને મદદ કરી શક્યા, તે તેમની નાનકડી જીત છે. જીવનમાં એક બીમારીએ બધી સંભાવનાઓને ખતમ કરી દીધી હતી, તે માતા-પુત્રીની જોડીએ અનેક પરિવારોને સધિયારો પૂરો પાડયો છે.