પતિની કાયરતાએ નિર્દોષ પત્નીઓને સાસુના ત્રાસની આગમાં હોમી!
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- કેમ છે, દોસ્ત - ડૉ.ચન્દ્રકાન્ત મહેતા
- 'ખામોશી, હું આવું છું, તારી પાસે. અનંતની વાટે મારે તને એકલી નથી રાખવી' મિલનની વ્યથાકથા'
વર્ષાની હેલી ! મેઘલી રાત. બંગલામાંથી વીજળીએ અચાનક જ વિદાય લીધી હતી. મિલને મીણબત્તી સળગાવીને ડ્રોઈંગરૂમમાં મૂકી હતી, પણ તેને
ચેન નહોતું.
મિલનના મમ્મી ગરિમાદેવી મંદિરે દર્શન કરવા ગયા હતા. મિલન ઘરમાં એકલો જ હતો. થોડી વારમાં બહાર ઘાંટાઘાંટી સાંભળતા મિલન મીણબત્તી લઈને બહાર દોડી ગયો. ગરિમાદેવી રણચંડી બનીને પોર્ચમાં બેઠેલી એક મેલીઘેલી યુવતીને બંગલાનું કમ્પાઉન્ડ છોડી દેવા માટે બળપ્રયોગ કરી રહ્યાં હતાં.
ઘટાટોપ અંધકાર અને એકલી અટૂલી ચીંથરેહાલ દશામાં એક યુવતી. મિલને તેની તરફદારી કરી એટલે ગરિમાદેવીએ આક્રોશમાં કહ્યું, 'મિલન, તું તો એની એવી લાગણીથી વકીલાત કરે છે કે એ જાણે તારી સગી બહેન હોય !' અને ગરિમાદેવી ઘરમાં ચાલ્યા ગયાં હતાં. એટલે મિલને પેલી યુવતીને કહ્યું ઃ 'તમે શાન્તિથી અહીં રાત પસાર કરો. હું ખાવાનું તથા ઓઢવા-પાથરવાનું તમને મોકલાવું છું.' દૂધનો ગ્લાસ, બિસ્કિટ, ચવાણું ભરેલી ડિશ તથા પાણી લઈને મિલન પોર્ચમાં આવ્યો અને અસહાય યુવતીને પ્રેમથી બધું આપીને પાછો ફર્યો.
બહાર આંધી અને વર્ષાનું તાંડવ. પેલી એકલી અટૂલી અસહાય યુવતીની તસવીર મિલનની નજર આગળથી ખસતી નહોતી. એને બીજી ક્ષણે જ એમ લાગ્યું કે મીણબત્તીના પીળાચટ પ્રકાશમાં એક ખૂણામાંથી કોઈ પોતાને કશુંક કહેવા મથી રહ્યું છે. અને એ અવાજ સાથે જણાતી આકૃતિ સાવ જુદા પ્રકારની છતાં ચિર પરિચિત હોય તેમ મિલનને લાગતું હતું. નિર્દોષ ચહેરો, લાંબા વાળ, ચોવીસ-પચીસ વર્ષની ઉંમર, આંખોમાંથી ટપકતી લાચારી…
'અરે, ખામોશી તું ?' મિલનથી સહજપણે બોલાઈ ગયું. 'હા, મિલન હું.' પેલી આકૃતિએ કહ્યું. એક ઘેરો નિસાસો… વેદના અને મજબૂરીનો અણસાર હતો એના શબ્દોમાં.
'પણ ખામોશી, તારા અવસાનને તો એક વર્ષ થઈ ગયું.' મિલનની મૂંગી આંખોએ કહ્યું.
'હા, મિલન, મોતે મને અપનાવી ન હોત તો તારા બંગલાના ખૂણે પડેલી પેલી યુવતી જેવી મારી હાલત થઈ હોત.' પેલી આકૃતિએ દર્દ સાથે કહ્યું અને અવાજ બંધ થઈ ગયો.
મિલનના મમ્મી ગરિમાદેવી થોડીકવારમાં વીજળી પ્રવાહ ચાલુ થઈ જશે, એની પ્રતીક્ષામાં હતાં. મિલન ડ્રોઈંગ રૂમમાં ગયો અને સોફા પર બેઠો. અંધકારમાં બાચકાં ભરતું તેનું મન શહેરની સીમા વટાવી જઈ પહોંચ્યું એક ગામના ગોંદરે !
એક નાનકડું ગામ. ગામની વચ્ચે મિલનનું ઘર. ઘરમાં રહેતાં હતાં ચાર જણાં… મમ્મી,પપ્પા, મિલન અને તેનાં દાદી.
દાદીનો સ્વભાવ બહુ જ ખરાબ. એમને મિલનના મમ્મી ગરિમાદેવી માટે એટલા માટે નફરત હતી કે ગરિમાદેવી લગ્ન કરીને ઘરમાં પ્રવેશ્યાં હતાં, તે જ દિવસે દાદાજીનું અવસાન થયું હતું. બસ ત્યારથી દાદીએ ગરિમાદેવીનું નામ અમંગળ લોકોની યાદીમાં મૂકીને મિલનના પપ્પાની કાન ભંભેરણી શરૂ કરી દીધી હતી.
વાતવાતમાં મિલનનાં મમ્મી-પપ્પા વચ્ચે ઝઘડો થઈ જતો હતો. અને ક્યારેક મિલનના પપ્પા ઉગ્ર સ્વભાવને કારણે તેની મમ્મી પર હાથ પણ ઉપાડી બેસતા હતા. ત્યારે મિલન અસહાય મમ્મીની કોટે વગળીને રડી પડતો હતો.
વર્ષો વીતતાં ગયા. મિલન અભ્યાસ માટે શહેરની કોલેજમાં દાખલ થયો. હોસ્ટેલમાં રહેવાની વ્યવસ્થા પણ ગોઠવી દીધી હતી. મિલન એકલો પડતો ત્યારે તેને મમ્મીની ચિંતા સતાવ્યા કરતી હતી. વાંચવા બેસતો ત્યારે અશ્રુ સારતી મમ્મીની લાચાર મૂર્તિ તેની સમક્ષ ખડી થઈ જતી હતી.
મિલને મનોમન નક્કી કર્યું કે પોતે સ્નાતક થયા પછી નોકરી મેળવીને પોતાની બળી-જળી મમ્મીને સુખ શાન્તિથી જીવવા માટે પોતાની સાથે રાખશે. ખામોશી મિલનની કોલેજમાં તેની સાથે જ અભ્યાસ કરતી હતી. ખામોશીનો શાન્ત અને ધીર-ગંભીર સ્વભાવ મિલનને ખૂબ જ પસંદ હતો. અવારનવાર ખામોશીના ઘેર જવાને કારણે તેનો પરિવાર પરિચિત થઈ ગયો હતો. ખામોશીએ પોતાના પપ્પા આગળ મિલન સાથે લગ્ન કરવાની વાત મૂકી અને પિતાની સંમતિ મળતાં છ માસમાં મિલન અને ખામોશી જીવનસાથી બની ગયાં. પોતાની મમ્મીની સુખ-શાન્તિ માટે મિલને લગ્નની ઉતાવળ કરી અને ખામોશી જેવી ઠરેલ વહુ મમ્મીની સેવા કરીને એમને સુખ શાન્તિ આપશે તેવી મિલનને ખાતરી હતી.
પોતાની મમ્મી ગરિમાદેવીને 'સરપ્રાઈઝ' આપવા મિલન ગામડે ઊપડી ગયો. દાદીમા અને પપ્પાજી મંદિર ગયાહતા… ગરિમાદેવી ઘરમાં બારણાં પાસે એકલા બેઠાં હતા. એકાએક લગ્ન કરીને આવેલા પોતાના પુત્ર મિલનને જોઈને તેઓ હરખઘેલાં થઈ ગયાં. ખામોશીના ઓવરણાં લીધા અને ગૃહપ્રવેશ કરાવ્યો.
હજુ ખામોશી ઘરમાં પ્રવેશ કરે તે પહેલાં જ એક ફોન આવ્યો 'દાદીમાને અને પપ્પાજીને એક કારે હડફેટે લીધા હતા અને તેમનું સ્થળ પર જ પ્રાણપંખેરું ઊડી ગયું.'
બસ… વર્તમાને ભૂતકાળ સાથે તંતુ સાધી લીધો. દાદીમાના આત્માએ જાણે કે ગરિમાદેવીના દેહમાં પ્રવેશ કરી લીધો અને તેઓ વીફર્યા. 'ખામોશીના અપશુકનિયાળ પગલાં એ બન્નેનો જાન લીધો.' એમ કહીને ખામોશીને પાછા શહેરમાં જવાનું ફરમાન કરી દીધું.
દાદીમાની અંતિમવિધિ પતાવ્યા બાદ ગરિમાદેવીને સમજાવવાની મિલને ખૂબ કોશિશ કરી પણ તેઓ ખામોશી અંગેની કોઈ વાત સાંભળવા તૈયાર જ નહોતા. મિલનની ઘણી સમજાવટ બાદ તેની સાથે શહેર આવવા માટે ગરિમાદેવી તૈયાર થયાં પણ એક શરત સાથે કે તેઓ ખામોશી સાથે વાત પણ નહીં કરે. મનોમન તો ખામોશીથી મિલનને બચાવવા માટે જ તેઓ શહેર જવા તૈયાર થઈ ગયા હતા.
અને મિલન પોતાનાં મમ્મીને લઈને શહેરમાં આવ્યો હતો. ગરિમાદેવી ખામોશીના હાથની રસોઈને હાથ સુદ્ધાં અડાડતાં નહોતાં. પોતાની રસોઈ અલગ જૂદી બનાવીને જમતાં હતાં. ખામોશી વિરૂદ્ધની વાતો ઉપજાવી કાઢીને તેઓ મિલનને ઉશ્કેરવાનો પ્રયાસ કરતા. ક્યારેક તો મિલન ઉશ્કેરાઈને પોતાની મમ્મીને ઠપકો આપવા ઇચ્છતો, પરંતુ ખામોશી તેને સમજાવી શાન્ત પાડતી. એમાં પણ ગરિમાદેવી ખામોશીનો દંભ અને કાવતરું જોતાં. પૂર્વગ્રહનો પાલવ છોડવા માટે તેઓ તૈયાર નહોતા.
એક દિવસે તો ગરિમાદેવીએ હદ કરી નાખી. તેમણે એક જ જીદ પકડી. 'કાં તો આ ઘરમાં હું નહીં અથવા ખામોશી નહીં.'
મિલન ખૂબ જ મૂંઝાયો. એટલે પોતાનું મન હળવું કરવા, આ વાત એણે ખામોશી આગળ ચર્ચી. ખામોશીએ કહ્યું ઃ 'મેં તમારી અને મમ્મીની વાત સાંભળી છે. પણ મિલન તું તારો અભિપ્રાય તો જણાવ. મારા પગલાંને તું પણ શું અમંગળ માને છે ? પતિને પત્નીમાં વિશ્વાસ ન હોય એ દામ્પત્યનું સૌથી મોટું અમંગળ છે.'
મિલને કહ્યું : 'ના ખામોશી ના, આ તો મમ્મીના વિચારો છે. મમ્મીએ પોતે જે દુઃખ ભોગવ્યું છે, તે પોતે ભૂલી શકતી નથી. એટલે આડકતરી રીતે તું તેમના ગુસ્સાનો ભોગ બની રહી છે.'
અને બીજે દિવસે સવારે ખામોશી મિલનનું ઘર છોડી ચાલી નીકળી હતી. ટેબલ પર પડેલો પત્ર મિલનના હાથમાં આવ્યો હતો. જેમાં ખામોશીએ લખ્યું હતું ઃ 'મિલન, તારી મમ્મીની નજરમાંથી ફેંકાઈ જઈને હું, તારી કરુણાની યાચિકા બનીને જીવવા નથી માગતી. નારી માત્ર આશ્રય માટે લગ્ન નથી કરતી. મારે તને આ દ્વિધામાંથી ઉગારી લેવો હોય તો બસ એક જ માર્ગ છે, અહીંથી ખસી જવાનો. તને હું મારાથી આઝાદ કરું છું. મારી શોધખોળનો પ્રયાસ ન કરતો… ખામોશી.'
ખામોશીના ચાલ્યા જવાથી ગરિમાદેવી ખૂબ ખુશ થઈ ગયા હતાં. તેઓ પોતાની જિંદગીમાં મસ્ત હતાં…. મિલન, બિચારો ખામોશીની પાછા આવવાની રાહ જોતો હતો. એક દિવસ એકાએક મિલનને ખામોશીના પપ્પાએ સમાચાર આપ્યા ખામોશીના મૃત્યુનાં. માનસિક સ્વસ્થતા ગુમાવવાને કારણે ખામોશીનું એક અકસ્માતમાં મોત થયું હતું.
ખામોથીના મૃત્યુના સમાચાર સાંભળી ગરિમાદેવી મિલનને તેના રૂમમાં મળવા ગયાં હતાં અને કહ્યું હતું ઃ 'બેટા ખામોશીને ભૂલીને નવેસરથી સંસાર માંડવાનો વિચાર કર. આમ એકલો બેસીને કેટલા દિવસ તું શોક મનાવીશ ? ખામોશી પોતે ઘર છોડીને ચાલી ગઈ, અને સમાજમાં બદનામ કરી નાખ્યો.'
મિલને ગુસ્સામાં કહ્યું ઃ 'મમ્મી બસ કરો હવે. વ્યક્તિના મૃત્યુની અદબ ન જાળવે એવા તમારા વિચારોને હું નકારી કાઢું છું. ખામોશીને મોતને તમે નગણ્ય ગણો છો ? મમ્મી, તમે તમારા મુખે ખામોશીનું નામ પણ ઉચ્ચાર્યું નથી. આટલી બધી નફરત ? મમ્મી ખામોશીને તમે સાક્ષાત્ નર્કનો અનુભવ કરાવ્યો આ ઘરમાં. માનવતા વગરની મમ્મીનો હું શ્રવણ બનવા માગતો હતો એટલે ખામોશી બિચારી ચાલી ગઈ. એના મૃત્યુ માટે હું જવાબદાર છું. હું એનો અપરાધી છું. પતિની કાયરતાએ કેટકેટલી નિર્દોષ પત્ની અને સાસુના ત્રાસની આગમાં હોમી દીધી છે.'
ગરિમાદેવી ક્રોધથી લાલચોળ થઈ ગયાં અને મિલનના ગાલ પર ચાર પાંચ તમાચા ચોડી દીધાં.
બસ ત્યારથી ગરિમાદેવી અને મિલન વચ્ચે લગભગ અબોલા શરૂ થઈ ગયા હતા. મિલનની વિચારયાત્રા ચાલતી હતી, ત્યાં જ વીજળી એકાએક ચાલુ થઈ ગઈ. મિલનની મમ્મીએ મિલનને જમવા માટે બૂમ પાડી.
પણ મિલન પેલી મેલી-ઘેલી યુવતીને જોઈને ક્ષુબ્ધ થઈ ગયો હતો. તેને તેમાં પાગલ થઈ ગયેલી ખામોશીનાં દર્શન થતાં હતાં. મિલનથી જોસથી ચીસ પડાઈ ગઈ… છાતીમાં તેને અસહ્ય દુઃખાવો ઉપડયો હતો. એણે તૂટક તૂટક શબ્દોમાં કહ્યું ઃ 'ખામોશી, હું આવું છું તારી પાસે. અનંતની વાટે મારે તને એકલી નથી રાખવી.'









