સંવાદની કટોકટી અને સન્નાટાનો સળવળાટ

- યાદ રાખો, વાતો ખૂટી નથી જતી, માત્ર સંભળાવવાની અને સાંભળવાની દાનત ખૂટી જાય છે
- હોરાઈઝન-ભવેન કચ્છી
- જેમ શબ્દ વગર અર્થ નકામો છે, તેમ સંવાદ વગર સંબંધ નકામો છે
- પરિવાર અને સમાજની એક ભયજનક માનસિકતા : વાત શું કરવી, કરવાની જરૂર પણ શું છે?
આ જના આધુનિક અને ડિજિટલ યુગમાં એક બહુ વિચિત્ર વિરોધાભાસ સર્જાયો છે. આપણી પાસે સંપર્ક માટેના સાધનો અને ટેકનોલોજીનો અસીમ ભંડાર છે 'સ્માર્ટ ફોન, સોશિયલ મીડિયા, હાઇ-સ્પીડ ઇન્ટરનેટ અને ઇન્સ્ટન્ટ મેસેજિંગ. પરંતુ, માનવજાતના ઇતિહાસમાં કદાચ આપણે આજે સૌથી વધુ 'એકલા' અને 'અલિપ્ત' બની ગયા છીએ.
એક જ ઘરમાં રહેતા પરિવારના ચાર સભ્યો ચાર અલગ ખૂણામાં બેસીને પોતાના ફોનની સ્ક્રીન તરફ જોઈ રહ્યા હોય છે. બહારથી જોતાં આ કુટુંબ શાંત અને સુખી લાગે, પરંતુ અંદરથી ત્યાં એક ઊંડું, અવાચક અને ભયાનક મૌન પથરાયેલું હોય છે. આજે સગાં-સ્નેહીઓ, મિત્રો કે પરિવારમાં સૌથી મોટો પ્રશ્ન એ નથી કે આપણી પાસે સમય નથી; મોટો પ્રશ્ન એ ઊભો થયો છે કે 'એકબીજા સાથે વાત શું કરવી?'
ખોટી ધારણાઓ
આ માત્ર વાતચીતનો અભાવ નથી, પણ સંવાદની ઊંડી કટોકટી છે. આ કટોકટીના કારણો, તેની પાછળની માનસિકતા અને આ નીરવતાને તોડીને ફરીથી સંબંધોમાં સંવાદનું મધુર વાતાવરણ ચોક્કસ જીવંત કરી શકાય.
સંવાદ અટકી જવા પાછળ કોઈ એક કારણ નથી, પરંતુ માનવ મનની કેટલીક ખોટી ધારણાઓ અને આધુનિક શૈલીની કેટલીક લાક્ષણિકતાઓ જવાબદાર છે :
મોટેભાગે વ્યક્તિ એમ વિચારે છે કે 'હું જે જાણું છું, તે કહેવાની શું જરૂર?'
ઘરનો એક યુવાન સભ્ય ઘણીવાર વિચારતો હોય છે, 'હું જે કોડિંગ, ટેકનોલોજી, વૈશ્વિક રાજકારણ કે પોપ-કલ્ચર વિશે વિચારું છું, તે મારા માતા-પિતા કે દાદા-દાદી ક્યાં સમજી શકવાના છે? તો પછી તેમને શેર કરવાની જરૂર જ શું છે?'
આ માનસિકતા વ્યક્તિને પોતાના જ વિચારોમાં કેદ કરી દે છે. અહીં યુવાન એ ભૂલી જાય છે કે સંવાદ માત્ર માહિતીનું આદાન-પ્રદાન નથી, પરંતુ લાગણીની અભિવ્યક્તિ છે.સામી વ્યક્તિના અસ્તિત્વનો સ્વીકાર છે. તમારા કામના કલાકો કે ટેકનિકલ વિગતો ઘરના વડીલો ન સમજે, પરંતુ એ કામ કરતી વખતે તમને અનુભવાયેલો થાક, ખુશી કે તનાવ તેઓ ખૂબ સારી રીતે સમજી શકે છે.
મિત્રતામાં શંકા
મિત્રતામાં પણ આજે એક પ્રકારની શંકા પ્રવેશ કરી ગઈ છે. એક મિત્ર એમ માને છે કે 'હું મારી રોજિંદી મથામણ કે નાની વિગતો કહીશ તો સામેવાળો કંટાળી જશે અથવા તેને રસ નહીં પડે.' આ ડરને કારણે આપણે વાત કરવાનું ટાળીએ છીએ. આપણે સામેથી પૂછતા નથી અને સામેવાળો પણ એ જ ડરથી મૌન રહે છે. પરિણામે, જૂની અને ગાઢ મિત્રતા પણ ધીમે ધીમે માત્ર બર્થ-ડે વિશ કે તહેવારોના ઔપચારિક મેસેજ પૂરતી સીમિત થઈ જાય છે.
માહિતીનું રાજકારણ
ઘણા સંબંધોમાં એક બહુ સૂક્ષ્મ લાક્ષણિકતા જોવા મળે છે 'જાણી જોઈને અગત્યની વાત ન કહેવી. વ્યક્તિ પોતાની અંદર રહેલી કોઈ અસંતોષની લાગણી, ઈર્ષ્યા કે પૂર્વગ્રહને કારણે સામેથી માહિતી છુપાવે છે. 'એ મને ક્યાં બધું કહે છે કે હું એને કહું?' એવા અહંકાર હેઠળ સંવાદની સાંકળ તોડી નાખવામાં આવે છે.
ઘણી વખત વ્યક્તિને એવો ડર રહે છે કે હું જો પરિવારના સભ્યો કે મિત્રો જોડે વિવિધ વાતો કરતો રહીશ અને પછી મારે કોઈ ન કહેવા જેવી વાત નહીં કરું તો તે છુપાવી તેવું પુરવાર થશે તેના કરતા પસંદગીના સંવાદ પૂરતું જ બોલવું. આ એક પ્રકારનું રાજકારણ છે જેમાં વ્યક્તિ ચાલાકીનો ઉપયોગ કરે છે અને કઈ વાત કરવી, ન કરવી, અડધી છોડી દેવી, ફિલ્ટર કરવી તે રીતે રજુ થાય છે. સામી વ્યક્તિ ઘણી વખત વાતના બધા જ પાસા જાણતી હોય છે તેથી તેને દુ:ખ થાય છે કે આવી ચાલાકી મારી સાથે કેમ અને તે સંવાદથી ક્રમશ: દૂર થતી જાય છે.
બીજી એક લાક્ષાણિક્તા પ્રમાણે સંવાદ કરતા પહેલા જ વ્યક્તિ ચાલાકીથી મનોમન નક્કી કરી લે કે 'આ તો મારે કહેવાનું જ નથી. આ વ્યક્તિ કે પ્રસંગ બદલ પ્રસંશા કરવાની નથી કે આભાર માનવાનો જ નથી ' ત્યારે સંવાદની સરવાણી વખત જતા સુકાતી જાય છે કેમ કે બંને પક્ષે વ્યક્તિ એટલી તો સ્માર્ટ હોય છે કે તેને સમજ પડે કે સામી વ્યક્તિ કારણ વગર તેની માનસિકતા કે સંસ્કાર મુજબ કેટલું સેન્સર કરે છે.
એકતરફી પ્રયાસ
પરિવાર કે મિત્રવર્તુળમાં અવારનવાર એવું જોવા મળે છે કે કોઈ એક જ વ્યક્તિ હંમેશા સંવાદની પહેલ કરે છે. એ જ ફોન કરે, એ જ હસતાં મુખે ખબરઅંતર પૂછે અને એ જ મુલાકાત ગોઠવવાનો પ્રયત્ન કરે. પરંતુ સામી વ્યક્તિ ક્યારેય સામેથી પહેલ કરતી નથી. જ્યારે એકતરફી પ્રયાસો લાંબા સમય સુધી ચાલે, ત્યારે પહેલ કરનાર વ્યક્તિ પણ થાકી જાય છે અને એના મનમાં એવો વિચાર આવે છે કે 'મારે એકલાએ જ શું કામ આ સંબંધ સાચવવો?' અને આ ક્ષણે સંવાદની શ્રુંખલા સંપૂર્ણપણે તૂટી જાય છે.
સંવાદનું તત્વજ્ઞાન
સંવાદ એ માત્ર શબ્દોનો સમૂહ નથી. વિખ્યાત ઓસ્ટ્રિયન-ઈઝરાયેલી ફિલોસોફર માર્ટિન બુબરે તેના પુસ્તક 'ૈં ચહગ ર્્રે' (હું અને તું) માં માનવ સંબંધોના બે પ્રકાર બતાવ્યા છે :
૧. હું અને તે : જ્યાં સામેની વ્યક્તિને એક વસ્તુ, ઉપયોગી સાધન કે માત્ર માહિતી આપવાના માધ્યમ તરીકે જોવામાં આવે છે. આજે આપણી મોટાભાગની વાતચીત આવી વ્યાવસાયિક કે ધૈં-ૈંાધ પ્રકારની થઈ ગઈ છે. કામ હોય ત્યારે જ વાત કરવી તેવું વધતું જાય છે.
૨. હું અને તમે : જ્યાં સામેની વ્યક્તિને એક સચેતન, જીવંત અને સંપૂર્ણ આત્મા તરીકે સ્વીકારવામાં આવે છે. અહીં સંવાદમાં ભૌતિક સ્વાર્થ નથી હોતો, પણ એક ઊંડું આત્મિક જોડાણ
હોય છે.
જ્યારે આપણે પરિવાર કે મિત્રને ધૈં-ર્્રે (જીવંત આત્મા)ની દ્રષ્ટિએ જોઈશું, ત્યારે 'વાત શું કરવી?' એવો પ્રશ્ન જ નહીં રહે. કારણ કે ત્યાં શબ્દો કરતાં લાગણીનો અને હાજરીનો કોઈ ગણતરી વગરનો પ્રવાહ વહેતો હોય છે.
આ વિષયને સમજવા એક કાલ્પનિક પરંતુ આપણી આસપાસ જ બનતી હોય તેવી તેવી વાર્તાનો આશ્રય લઈએ.
અને મૌન તૂટયું..
એક શાંત વિસ્તારમાં આવેલ બંગલામાં ૬૫ વર્ષના રમેશભાઈ, તેમના પત્ની સુમિત્રાબેન, તેમનો ૩૨ વર્ષનો આઇટી એન્જિનિયર પુત્ર રોહન અને તેની પત્ની નેહા રહેતા હતા.
બહારથી જોનારને આ એક આદર્શ અને સમૃદ્ધ પરિવાર લાગતો. પરંતુ ઘરની અંદર એક ભયાનક શાંતિ રાજ કરતી હતી.
ડાઇનિંગ ટેબલ પર રાત્રે ચારેય જણા જમવા બેસે ત્યારે માત્ર ચમચી અને થાળીનો અવાજ આવતો.
રોહન મનમાં વિચારતો : 'હું આખો દિવસ એ. આઈ. અને ક્લાઉડ કમ્પ્યુટિંગમાં વ્યસ્ત રહું છું, પપ્પાને એમાં શું ખબર પડે? નેહા સાથે તો હું વીકેન્ડમાં વાત કરી લઉં છું. અત્યારે જમીને રૂમમાં જઈને ઓ. ટી. ટી. પર શ્રેણી જોઈ લઉં.'
રમેશભાઈ વિચારતા: 'રોહન પોતાની દુનિયામાં મસ્ત છે. મારી જૂની વાતો કે નિવૃત્તિના વિચારો કે પછી અમારા જેવા નિવૃતો બગીચામાં બેસીને જે વાત કરતા હોય છે તે જણાવીને રોહનને શું કામ કંટાળો આપવો? નેહા તેની પુત્રીના સ્કૂલના અનુભવો કે પોતાની ફ્રેન્ડની વાતો રોહનને પણ નહોતી કરતી ત્યારે ઘરના વડીલોને કહેવાનો તો વિચાર જ ક્યાંથી આવે.
યાદ રહે આ પરિવારમાં બધા જ સંસ્કારી છે અરસપરસ સદ્દભાવ પણ છે છતાં ઘરનું વાતાવરણ નિરસ લાગે છે.
એક દિવસ રમેશભાઈના જૂના મિત્ર ડો. પ્રવીણચંદ્ર ઘેર આવ્યા. તેમણે સાંજના સમયે ઘરનું આ નીરવ મૌન અનુભવ્યું. ચા પીધા પછી તેમણે રોહન અને રમેશભાઈ બંનેને પાસે બેસાડયા અને એક નાની રમત રમવા કહ્યું.
તેમણે કહ્યું, 'આજે આપણે એક નિયમ રાખીએ. કોઈએ કોઈ મોટી કે જ્ઞાનની વાત નથી કરવાની. રોહન, તારે આજે તારા દિવસની સૌથી નાની અને ફાલતુ લાગે તેવી ઘટના પપ્પાને કહેવાની છે. અને રમેશ, તારે તારા નાનપણની કોઈ એવી ભૂલ કહેવાની છે જે તું આજે પણ યાદ કરીને હસે છે.'
શરૂઆતમાં રોહન ખચકાયો. પછી તેણે કહ્યું, 'પપ્પા, આજે ઓફિસની કેન્ટીનમાં ચાવાળાએ ચામાં ખાંડની જગ્યાએ મીઠું નાખી દીધું અને મેં ધ્યાન વગર પી લીધી!'
આ સાંભળીને રમેશભાઈ ખડખડાટ હસી પડયા. પછી રમેશભાઈએ તેમના સમયની એક વાર્તા કહી કે કઈ રીતે તેઓ ઘેરથી શાળાએ જાય છે કહી ફિલ્મ જોવા ચાલ્યા ગયેલા અને તે પછી કેવું હાસ્યાસ્પદ બહાનું કાઢતા પકડાઈ ગયા હતાં.
એ રાત્રે તે ઘરનું મૌન તૂટી ગયું. રોહનને સમજાયું કે પપ્પા સાથે વાત કરવા માટે કમ્પ્યુટર સાયન્સના જ્ઞાનની જરૂર નહોતી, પણ માત્ર માણસ હોવાના સાહજિક અનુભવો શેર કરવાની જરૂર હતી. રમેશભાઈને સમજાયું કે યુવાન પુત્રને ઉપદેશની નહીં, પણ પિતાના મિત્ર જેવા સાનિધ્યની જરૂર હતી.
સંવાદની જરૂરિયાત
આપણને પ્રશ્ન થાય કે 'જાણી જોઈને બધું શેર કરવાની જરૂર શું?'
માણસ એક સામાજિક અને સંવેદનશીલ પ્રાણી છે. જ્યારે માણસ પોતાના વિચારો અને લાગણીઓને અંદર ને અંદર ઘૂંટયા કરે છે, ત્યારે તે માનસિક રીતે રોગી બને છે.
સંવાદ એ મનનો કચરો કે બોજ બહાર કાઢવાનો શ્રેષ્ઠ માર્ગ છે. આપણી નિષ્ફળતાઓ, ડર અને ખુશીઓને વહેંચવાથી મન હળવું થાય છે.
સુરક્ષાની લાગણી : જ્યારે પરિવારના સભ્યો પોતાના નાના-મોટા નિર્ણયો કે વિચારો એકબીજાને કહે ત્યારે એક જોડાણ અનુભવાય છે. સુરક્ષા કવચની લાગણી જન્મે છે. પરિવારના નાણાં મોટા તમામને આત્મા સન્માન અને અસ્તિત્વ, સામેલગીરીની લાગણી થાય છે.
ગેરસમજનો અંત : જ્યારે તમે નથી બોલતા, ત્યારે સામેની વ્યક્તિ પોતાની કલ્પના મુજબ તમારા મૌનનો ખોટો અર્થ ઘડી કાઢે છે.
પ્રયાસ જરૂરી
ઘરમાં કે મિત્રવર્તુળમાં અટકી ગયેલી સંવાદની શ્રુંખલાને પુન:જીવિત કરવા માટે પ્રત્યેક વ્યક્તિએ પોતાના અહંકાર અને આળસને બાજુ પર મૂકીને પ્રયાસ કરવો પડશે.
'મોટી વાતો' નહીં, 'નાની વાતો'થી શરૂઆત કરો. સંવાદ શરૂ કરવા માટે કોઈ ફિલોસોફિકલ કે ગંભીર મુદ્દો હોવો જરૂરી નથી.
દિવસ દરમિયાન બનેલી કોઈ રમુજી ઘટના, નિરીક્ષણ,રસ્તામાં જોયેલું કોઈ સુંદર વૃક્ષ, કે બાળપણ, કોઈનો સંઘર્ષ, કોઈ પરિચિત મળ્યું હોય તો તેની વાતથી શરૂ કરો.
યુવાનોએ માતા-પિતાને પોતાના મિત્રોની કે કામની નાની વિગતો કહેવી જોઈએ અને વડીલોએ પોતાના જમાનાની વાતોને ઉપદેશ આપ્યા વગર માત્ર વાર્તાની જેમ કહેવી જોઈએ.અહીં સંવાદ એટલે એકબીજાને રિપોર્ટિંગ કરવું તેવી જવાબદારી તેમ નથી સમજવાનું પણ સહજતા પર ભાર મુકવાનો છે. સંવાદમાં કોઈની સિદ્ધિ, સફળતા કે પ્રેરણાદાયી વાત હોય તો ખાસ તેનો સંવાદ કરવાના સંસ્કાર રાખવા. માત્ર ગોસીપ, નકારાત્મક વાતો ન હોવી જોઈએ. કોઈએ કઈંક સારું કર્યું હોય તો ખોંખારો ખાઈને બિરદાવવવું. આજકાલ બધા વોટ્સ એપ કે ફેસબુક પર ટાઈપ કરીને પ્રસંશાના ફૂલ બાંધી શકે છે પણ બોલીને કોઈનો આભાર માનવો કે પ્રતિભાવ આપવો તે જીવંતતા બે વ્યક્તિને વધું જોડે છે.
સલાહમાં શુરા
ઘણીવાર સંવાદ એટલા માટે તૂટી જાય છે કારણ કે સામેવાળો વ્યક્તિ આપણી વાત પૂરી થાય તે પહેલાં જ પોતાનો અભિપ્રાય કે સલાહ આપવા તૈયાર બેઠો હોય છે મોટાભાગના લોકો સામેવાળાને સમજવા માટે નથી સાંભળતા, પણ ઉત્તર આપવાની તૈયારી કરવા માટે સાંભળે છે.'
સામેની વ્યક્તિ જ્યારે બોલે ત્યારે તેને જજ કર્યા વગર, માત્ર પ્રેમથી સાંભળો. જજ કરવાથી તમારા પૂર્વગ્રહ કે કોઈ ગ્રંથી તેને ખોટી રીતે મૂલવે છે. ઘણીવાર માણસને સલાહની નહીં, પણ માત્ર કોઈ તેને સાંભળે તેટલી જ જરૂર હોય છે
જો સામેની વ્યક્તિ સામેથી ફોન કે વાત નથી કરતો, તો તમારો અહંકાર વચ્ચે લાવ્યા વગર ફરી એકવાર પહેલ કરો. પરંતુ, સાથોસાથ સામેની વ્યક્તિને પણ સમજાવો કે સંબંધોની સાયકલ બંને પૈડાં ચાલે તો જ આગળ વધે.
જ્ઞાન પોસ્ટ
સંવાદની વાત આવે ત્યારે એક વાત સ્પષ્ટ કરવી જરૂરી છે કે બધા જ પ્રકારનું મૌન ખરાબ નથી હોતું.
ભારતીય અધ્યાત્મમાં 'મૌન' ને તપસ્યા માનવામાં આવી છે. પરંતુ એ મૌન શાંતિ અને સમર્પણનું મૌન છે, ઉપેક્ષા કે અહંકારનું નહીં. જો શબ્દોમાં કડવાશ કે ઈર્ષ્યા ઉમેરવાની હોય અને સામી વ્યક્તિને હીન બતાવવાની હોય તો તેના કરતાં મૌન સારું. પરંતુ જ્યાં પ્રેમ, હૂંફ અને સંબંધોને બચાવવાનો પ્રશ્ન હોય, ત્યાં મૌન રખાય તો તે નુકશાનકારક પુરવાર થાય છે.
જેમ શબ્દ વગર અર્થ નકામો છે, તેમ સંવાદ વગર સંબંધ નકામો છે.
યાદ રાખો, વાતો ખૂટી નથી જતી, માત્ર સંભળાવવાની અને સાંભળવાની દાનત ખૂટી જાય છે.









