જેટલી મોટી મહત્ત્વાકાંક્ષા, એટલી વધુ પડકારો ઝીલવાની તૈયારી રાખો !

- જાણ્યું છતાં અજાણ્યું-મુનીન્દ્ર
- આશા, અપેક્ષા, આકાંક્ષા અને મહત્ત્વાકાંક્ષા જો ઘણી ઊંચી હશે અને જીવનનું તમારું નિશાન ઘણું ઊંચું હશે, તો એની સાથે વધતા જતા પ્રશ્નોનો મુકાબલો કરવો પડશે
કો ઈ એમ ફરિયાદ કરે કે આઈ.ટી. કંપનીના સી.ઈ.ઓ. થયા પછી તો એક મિનિટની નિરાંત મળતી નથી, સતત એક પછી એક પ્રશ્નો આવ્યા કરે છે. આના કરતાં તો કંપનીમાં મેનેજર હતા, ત્યારે ઘણી સુખશાંતિ હતી.
કોઈ પ્રધાન ફરિયાદ કરે કે જ્યાં સુધી ખાતા વિનાનો પ્રધાન હતો, ત્યાં સુધી ભારે શાંતિ હતી, પરંતુ ગૃહખાતાનો હવાલો મળતાં એટલા બધા સવાલોનો સામનો કરવો પડે છે કે ક્યારેક હાંફી જવાય છે !
કોઈ ઉદ્યોગપતિ એમ વિચારે કે જીવનના પ્રારંભે નાના પાયે ઉદ્યોગની શરૂઆત કરી, ત્યારે કેવું મોજીલું જીવન હતું અને પરિવાર સાથે પુષ્કળ સમય ગાળવા મળતો હતો, પરંતુ હવે કરોડોનું ટર્નઓવર થતાં એટલું બધું કામ વધી ગયું છે કે પરિવારનું ધ્યાન પણ રાખી શકતો નથી. ક્યાં ગયો એ આનંદ ? કોણે ઝૂંટવી લીધી મારી એ નિરાંત? બસ, જિંદગી એટલે સમસ્યાઓના ઉકેલ માટેની એકસો મીટ૨ની તીવ્ર ઝડપી દોડ !
આવી વાતો સમાજમાં ચોપાસ સાંભળવા મળતી હશે, પરંતુ આવા લોકો વિશે એમ કહેવાય કે એ લોકો ગુલાબની મધમીઠી સુગંધ ઇચ્છે છે, પરંતુ શરી૨માં ભોંકાઈ જાય એવા એના તીક્ષ્ણ કાંટા એમને જોઈતા નથી. આવા લોકો એવા છે કે જેમને શિખર પર ચડવાનો ગર્વ ધારણ કરવો છે, પણ શિખર પરની તીવ્ર સ્પર્ધા અને મુશ્કેલીઓ અંગે પ્રબળ આક્રોશ છે.
વાસ્તવિકતા એ છે કે જ્યાં પ્રગતિ છે, ત્યાં પ્રશ્નો છે. જ્યાં વિકાસ છે, ત્યાં સમસ્યાઓ છે. જો આપણે વિકાસને ઇચ્છતા હોઈએ, તો સમસ્યાઓનો સામનો કરવા માટે તૈયાર રહેવું જોઈએ, કારણ એટલું જ કે આ જીવન એવું છે કે તમે જે કોઈ નવી જવાબદારી ઉપાડશો, એની સાથે નવી સમસ્યાઓનો પડકાર તમારી સામે આવીને ઊભો રહેશે.
ખાતા વિનાના પ્રધાનમાંથી ગૃહપ્રધાન બન્યા એટલે રાજ્ય આખાની ઘટનાઓની સમસ્યાઓનો તમારે સામનો કરવો પડશે. અરે ! તમે નવી મોટ૨ ખરીદશો એટલે વાત ત્યાં પૂર્ણ થતી નથી. મોટ૨ની પ્રાપ્તિ સાથે બીજી ઘણી જવાબદારીઓ નિભાવવાની આવે છે. ઘરના બજેટમાં પેટ્રોલનો ખર્ચ ઉમેરવો પડશે. એ પછી મોટ૨નું રિપેરિંગ તમારી આવકમાં ઘટાડો કરશે, જરૂ૨ પડે ડ્રાઇવર પણ રાખવો પડશે અને મોટ૨માં સફર કરશો ત્યારે એ તૈયારી રાખવી જોઈએ કે પહેલાં પગપાળા કે સાઇકલમાં ટ્રાફિકજામનો કે પાર્કિંગનો સવાલ જ નહોતો. જે હવે એ મહાપ્રશ્નો બની ગયા છે.
આ રીતે એક મોટ૨ આવતા એની સાથે બીજા અનેક સવાલોનો ઉકેલ શોધવાનું આવે છે. કોઈપણ પ્રાપ્તિની સાથે પડકારો જોડાયેલા હોય છે. પ્રાપ્તિ પડકાર વિનાની હોતી જ નથી. આવક વધે તો તમારે એનું આયોજન કરવું પડે, એના રોકાણની વ્યવસ્થા કરવી પડે અને એડવાન્સ ટેક્સ ભરવાની તકેદારી રાખવાની સાથોસાથ ઇન્કમટેક્સ પણ ભરવો પડે. રિટર્ન ફાઈલ કરવું પડે.
આમ જે જવાબદારી ઊઠાવો અને કામ સ્વીકારો, તેની સાથોસાથ એના પ્રશ્નો ને પડકારોને સ્વીકારો. તમે સેનાપતિ બનો એટલે તમારે સેના ઊભી કરવી જ પડે અને શસ્ત્રો મેળવવાં પડે. માત્ર સેનાપતિના દોર- દમામથી કામ ન ચાલે. એવી જ રીતે સત્તાનું ઊંચું સ્થાન મળે, એની સાથે એના પ્રશ્નોને માટે તૈયાર રહેવું પડે.
ઘરમાં રહેતા હો કે ગુફામાં રહેતા હો, ગામડાંમાં રહેતા હો કે શહેરમાં રહેતા હો, ગરીબાઈમાં ઊછરતા હો કે વૈભવમાં આળોટતા હો, પણ બધા સમયે તમારી પાછળ તમારી પ્રાપ્તિ કે સિદ્ધિ સાથે સમસ્યાઓ ઊભી જ હોય છે.
આજના જગતમાં માનવી માત્ર જીવવાનું પસંદ કરતો નથી, એની સામે એનું ધ્યેય હોય છે. એના જીવનની સાર્થકતા વિશે વિચારો અને આદર્શો હોય છે અને એની પોતિકી પ્રબળ મહત્ત્વાકાંક્ષા હોય છે. ગ્રીસના મહાન ચિંતક સોક્રેટિસે તો કહ્યું છે, જિંદગીની સાર્થકતા એમાં રહેલી છે કે એને કોઈ મહાન આદર્શ પાછળ ખર્ચી નાખવામાં આવે.' રગશિયા ગાડાની માફક એકધારી જિંદગી જીવતા કે પછી આળસને ઓઢીને પડયા રહેતા માનવી સામે પણ પ્રશ્નો હોતા જ નથી એવું નથી હોતું, એને પણ નાના-નાના પ્રશ્નોનો તો સામનો કરવો પડે છે.
માણસના જીવનનો હેતુ જ એ છે કે એ માત્ર જીવવા ચાહતો નથી, પણ સારું જીવવા ચાહે છે. પ્રસિદ્ધ ઉક્તિ પ્રમાણે માણસે જીવનમાં વર્ષો ઉમેરવાનાં નથી, પરંતુ વર્ષોમાં જીવન ઉમેરવાનું છે. આથી તો આપણે જાણીએ છીએ કે કોઈ માણસ મૃત્યુ પામે છે, ત્યારે થોડી વાર લોકો એ કઈ રીતે મૃત્યુ પામ્યો એની વાત કે વિશ્લેષણ કરતા હોય છે, પરંતુ એ પછી તો એ કેવું જીવન જીવ્યો એની જ ચર્ચા કરતા હોય છે. એના જીવનમાં એણે કેવો વિકાસ સાધ્યો, કેવી પ્રગતિ કરી કે કેટલાં સેવાકાર્યો કર્યા, એની જ સુવાસ એ ફૂલ ખર્યા પછી સૌને માણવા મળે છે. આથી વ્યક્તિએ એ નક્કી કરવું જોઈએ કે જીવનના દ્રષ્ટા બનવું છે કે જીવનના સ્રષ્ટા બનવું છે ? એણે માત્ર જીવનના અભ્યાસી બનવું છે કે પછી નવજીવનના શિલ્પી બનવું છે ? જો તમે પ્રગતિ સાધવા માગતા હો કે પછી તમારી શક્તિનો કે યોગ્યતાનો હિસાબ આપવા માગતા હો, તો તમારે અનિવાર્ય રીતે એની સાથે આવતા પ્રશ્નોને હલ કરવાની તૈયારી રાખવી પડશે.
આશા, અપેક્ષા, આકાંક્ષા અને મહત્ત્વાકાંક્ષા જો ઘણી ઊંચી હશે અને જીવનનું તમારું નિશાન ઘણું ઊંચું હશે, તો એની સાથે વધતા જતા પ્રશ્નોનો મુકાબલો કરવો પડશે. એનું કારણ એટલું જ છે કે તમે બેટનો હાથો પકડો છો, ત્યારે આખા બેટનું વજન ઊંચકવું પડે છે. એક છેડેથી હોકીની સ્ટિક ઘૂમાવો છો, ત્યારે એને બરાબર ઘૂમાવવા માટે કાંડાનું આખુંય બળ આપવું પડે છે. તમારી ઇચ્છાઓ કે મહત્વાકાંક્ષાઓ તમારે માટે નવા પ્રશ્નો લાવશે. જિંદગીની આ શતરંજ છે, એમાં તમે પાસાં ફેંકો એટલે એનો પડઘો તો પડવાનો જ !
વ્યક્તિએ એના જીવનમાં કોઈપણ નવી જવાબદારી સ્વીકારતા પહેલાં આવનારા પડકારોનો વિચાર કરવો જોઈએ. નહીં તો એવું બને કે એ જવાબદારીનો આનંદ પામે, તે પહેલાં સમસ્યાઓએ એના પર કરેલા સકંજાથી કાગારોળ મચાવવા માંડશે.
જીવનમાં મહત્ત્વની બાબત એ લક્ષ્મણરેખા છે. વ્યક્તિ જ્યારે એ લક્ષ્મણ રેખા પાર કરે, ત્યારે એના પ્રશ્નો માટે તૈયારી રાખવી જોઈએ. કારણ કે પ્રત્યેક જવાબદારી તમારી પાસે એના ઉકેલ માટે સમય માગશે. પ્રત્યેક પ્રશ્ન એના યોગ્ય ઉત્તર માટે ઘણો વખત લેશે. સામે આવતી કેટલીક સમસ્યાઓ કદાચ પૂર્વનિર્ધારિત હોય, પણ એની સાથે કેટલીક સમસ્યાઓ એકાએક આવતી હોય છે.
આપણા દેશના રાજકારણમાં જ જુઓને ! વડાપ્રધાનને રોજેરોજ કેટલી નવી-નવી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. જો એમની પાસે આ સમસ્યાઓ હલ કરવાની તૈયારી ન હોય, તો એમના કર્તવ્યમાં નિષ્ફળ જાય. પણ સાથોસાથ તમે ક્યારેય ભારતના વડાપ્રધાનને કે ગુજરાતના મુખ્યમંત્રીને એમ કહેતા સાંભળ્યા નહીં હોય કે હવે આ જવાબદારીથી તોબા પોકારી ગયો છું. આટલી બધી સમસ્યાઓ હોય ખરી ? આનું કારણ એ છે કે આ બધાએ આ જવાબદારીઓની સાથોસાથ આવનારી સમસ્યાઓને પણ સામે ચાલીને સ્વીકારી છે.
બીજી બાજુ સમાજમાં આપણે એવી પણ વ્યક્તિઓ જોઈએ છીએ કે જેઓ ઊંચું સ્થાન ધરાવતા હોય, પરંતુ સમસ્યાઓ જોઈને માથું કૂટતા હોય છે. એમાં વળી કોઈ આકસ્મિક કે વણધારેલી સમસ્યા આવી જાય, તો એ બેબાકળા થઈને બૂમો પાડતા હોય છે અથવા તો પોતાના હાથ નીચેના કર્મચારીઓ પર અતિ કોપાયમાન થતા હોય છે. કોઈને અપશબ્દો કહેતા હોય, તો કોઈને સસ્પેન્ડ કરતા હોય. આવી વ્યક્તિઓ ઊંચા પદને સ્વીકારતી હોય છે, પરંતુ એ પદ સાથે આવતા પડકારો માટે તૈયાર હોતી નથી.
ત્યારે હકીકત એ છે કે વ્યક્તિ કોઈપણ કામ શરૂ કરે, ત્યારે એણે એની સાથોસાથ આવતા પ્રશ્નોનો સામનો કરવાની તૈયારી કરવી જોઈએ. આમ નહીં હોય તો વ્યક્તિનું જીવન ઘણું અસ્તવ્યસ્ત અને આકળવિકળ બની જશે અને સમય જતાં સમસ્યાઓ જ એના ચિત્ત પર પ્રભુત્વ જમાવશે.









