સ્વિફ્ટ ઓબ્ઝર્વેટરી : મોતના મુખમાંથી પાછી ફરશે ?
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- ફયુચર સાયન્સ - કે.આર.ચૌધરી
- સૂર્યના ક્રોધે સર્જ્યું સંકટ!
2004ની 24મી નવેમ્બરે, નાસાએ બ્રહ્માંડના અદ્રશ્ય ચોકીદાર તરીકે અવકાશયાનને પૃથ્વીની નીચી ભ્રમણકક્ષામાં વહેતું મૂક્યું હતું. જેનું નામ હતું 'સ્વિફ્ટ ઓબ્ઝર્વેટરી'. ૨૫૦ મિલિયન ડોલરના અધધ ખર્ચે તૈયાર થયેલું, પૂરા ૧,૪૭૦ કિલોગ્રામનું વજન ધરાવતું આ ટેલિસ્કોપ, મુખ્યત્વે ત્રણ અત્યાધુનિક ઉપકરણોથી સજ્જ કરવામાં આવ્યું હતું. આ વૈજ્ઞાનિક સાધનો દ્રશ્યમાન પ્રકાશ, અલ્ટ્રાવાયોલેટ, એક્સ-રે અને છેક દૂર બ્રહ્માંડના ઊંડાણમાંથી આવતા ગામા-રે જેવા વિવિધ તરંગલંબાઈના ડેટા એકત્રિત કરવાની અદ્ભુત ક્ષમતા ધરાવતા હતા. આ ટેલિસ્કોપનું નામ 'સ્વિફ્ટ' રાખવાનો એક ચોક્કસ તર્ક હતો. આ ટેલિસ્કોપ અવકાશમાં અતિશય ઝડપથી દિશા બદલી શકતું હતું.પળવારમાં સર્જાતા ગામા-રે વિસ્ફોટો જેવી, અતિ ક્ષણિક ઘટનાઓને પણ પોતાની આંખમાં કેદ કરી લેતું હતું. સૌથી રસપ્રદ અને આશ્ચર્યજનક બાબત એ છે કે 'સ્વિફ્ટ ઓબ્ઝર્વેટરીનું નામ તેની અવકાશમાં અતિશય ઝડપથી પોતાની દિશા બદલવાની અદ્ભુત ક્ષમતાને કારણે રાખવામાં આવ્યું હતું,- પરંતુ આજે વિધિના ખેલ જુઓ કે, તેની એ જ સ્પીડ અને ઝડપ તેના અસ્તિત્વને મિટાવવા માટે સૌથી મોટો પડકાર બનીને સામે ઊભી રહી ગઈ છે. આ એક એવો હાસ્યાસ્પદ વિરોધાભાસ છે, જે અવકાશ વિજ્ઞાનની અણધારી અને રોમાંચક પ્રકૃતિનું આબેહૂબ દર્શન કરાવે છે. વર્ષ ૨૦૨૪ની શરૂઆત થતાં જ પાસાં સંપૂર્ણપણે પલટાઈ ગયાં. આપણાં સૂર્યદેવતા પોતાના નિર્ધારિત ૧૧ વર્ષના સૌર ચક્રની એકદમ સર્વોચ્ચ ટોચ પર પહોંચી ગયા છે. આ કારણે અવકાશમાં ધારણા કરતાં ઘણું વધારે ભયાનક અને તીવ્ર કોસ્મિક હવામાન સર્જાઈ રહ્યું છે. જેમ કાળઝાળ ઉનાળામાં અસહ્ય ગરમીને લીધે, પૃથ્વી પરની હવા ચારેતરફ ફેલાય છે. બરાબર એ જ ન્યાયે સૂર્યની આ પ્રચંડ પ્રવૃત્તિને કારણે, પૃથ્વીના વાતાવરણનું સ્તર પણ સહેજ બહારની તરફ ફેલાઈ રહ્યું છે. આ વૈશ્વિક ફેરફારની સીધી અને ઘાતક અસર, સ્વિફ્ટ જેવા નીચી ભ્રમણકક્ષામાં ગોઠવાયેલા ઉપગ્રહો પર પડી રહી છે. વાતાવરણનું આ અદ્રશ્ય ખેંચાણ એકાએક વધી જવાથી, આ મૂલ્યવાન ટેલિસ્કોપ ધીમે ધીમે પૃથ્વી તરફ લપસવા લાગ્યું છે.
નો રિટર્નની સીમાથી થોડા મહિના દૂર
આ વિશિષ્ટ રોબોટની અંતરીક્ષ સફર કોઈ હોલીવુડની સાયન્સ ફિકશન ફિલ્મ જેટલી જ રોમાંચક છે. આ મિશનની શરૂઆત કોઈ સામાન્ય પ્રક્ષેપણ કેન્દ્ર પરથી નહીં, પરંતુ પ્રશાંત મહાસાગરમાં એકાંતમાં આવેલા, માર્શલ ટાપુઓના એક નાના એટોલ પરથી કરવામાં આવશે. જમીન પરથી થતા પરંપરાગત ઊભા રોકેટ લોન્ચિંગથી, સાવ અલગ રસ્તો અપનાવીને, આ 'લિંક' રોબોટને પેગાસસ રોકેટ સાથે બરાબર જોડી દેવાશે. પછી આખા રોકેટને એક વિશાળ વિમાનના, પેટના નીચેના ભાગ સાથે મજબૂતાઈથી બાંધીને, આકાશમાં ઉડાડવામાં આવશે. જ્યારે આ વિમાન આકાશને ચીરીને લગભગ ૪૦,૦૦૦ ફૂટ (૧૨,૧૯૦ મીટર)ની સર્વોચ્ચ ઊંચાઈએ પહોંચશે, ત્યારે પેગાસસ રોકેટ પેલા વિમાનથી અલગ થઈ જશે. થોડીક સેકન્ડ સુધી રોકેટ મુક્ત અવસ્થામાં નીચે તરફ પડતું રહેશે. બરાબર એક કટોકટીની પળોમાં, રોકેટના ત્રણ તબક્કાના શક્તિશાળી એન્જિનો એકસાથે સળગી ઊઠશે. જે આંધળી ઝડપે દોડીને માત્ર ૧૦ મિનિટના ટૂંકા ગાળામાં, 'લિંક' રોબોટને પૃથ્વીની ભ્રમણકક્ષામાં સફળતાપૂર્વક ધકેલી દેશે. અંતરીક્ષની ભ્રમણકક્ષામાં પહોંચ્યા પછી પણ, 'લિંક' રોબોટે સ્વિફ્ટ ટેલિસ્કોપ સાથે મુલાકાત કરવા માટે શૂન્યાવકાશમાં, લગભગ ૧ મહિના સુધી લાંબી મુસાફરી કરવી પડશે. જેમ કોઈ વાહનચાલક, હાઈવે પર પોતાની આગળ જતી ચાલતી કારની લગોલગ પહોંચવા માટે, ધીમે ધીમે પોતાના વાહનની સ્પીડ વધારે છે. બરાબર એ જ રીતે 'લિંક' પણ, અંતરીક્ષમાં ધીરે ધીરે આગળ વધીને સ્વિફ્ટની એકદમ નજીક પહોંચશે. પોતાના ત્રણ મશીની હાથો ફેલાવીને તેને આલિંગનમાં લઈ લેશે.
ત્યારબાદ આખા ઓપરેશનનો સૌથી જોખમી અને મહત્વનો તબક્કો શરૂ થશે. જે સ્વિફ્ટ ટેલિસ્કોપને ધીમે ધીમે ઉપર ઊંચકવાનું ભગીરથ કામ છે.'લિંક' રોબોટ આગામી કેટલાક મહિનાઓ સુધી સતત મહેનત કરીને, તેને ધીરે ધીરે ૬૦૦ કિલોમીટરની એકદમ સુરક્ષિત અને સ્થિર ભ્રમણકક્ષામાં પુનઃ સ્થાપિત કરી દેશે. જો બધું જ યોજના મુજબ પાર પડશે, તો સપ્ટેમ્બર મહિનો આવતા સુધીમાં સ્વિફ્ટ ટેલિસ્કોપ, ફરીથી બ્રહ્માંડના ચોકીદાર તરીકે કાર્યરત થઈ જશે.
લિંક રોબોટ : અંતરીક્ષમાં આલિંગન
આ સાહસિક અવકાશ મિશનની સફળતાની પાછળ મુખ્યત્વે ત્રણ દિગ્ગજ ચહેરાઓ રહેલા છે. સૌપ્રથમ વાત કરીએ નાસાના વિજ્ઞાન મિશન ડિરેક્ટોરેટના મુખ્ય વડા નિકી ફોક્સની. ડૉ. ફોક્સ પોતે સૌર ભૌતિકશાસ્ત્રના એક આંતરરાષ્ટ્રીય ખ્યાતનામ વિજ્ઞાની છે. આ અગાઉ તેઓ નાસાના ઐતિહાસિક 'પાર્કર સોલર પ્રોબ' મિશનના મુખ્ય પ્રોજેક્ટ સાયન્ટિસ્ટ તરીકે પોતાની અદ્ભુત સેવાઓ આપી ચૂક્યા છે. આ મિશનના બીજા અતિ મહત્વના આધારસ્તંભ એટલે શોન ડોમાગલ-ગોલ્ડમેન. જેઓ હાલ નાસાના એસ્ટ્રોફિઝિક્સ ડિવિઝનના ડાયરેક્ટર તરીકેની જવાબદારી સંભાળી રહ્યા છે. ડોમાગલ-ગોલ્ડમેન અગાઉ બ્રહ્માંડમાં રહેલા, અન્ય અજ્ઞાત ગ્રહોની લાયકાત જાણનાર અને સૂર્યમાળા બહારના ગ્રહોના ગહન સંશોધનમાં એક અગ્રણી તજજ્ઞા તરીકે જાણીતા છે. આ ત્રિપુટીના ત્રીજા અને અત્યંત મહત્વના મહારથી એટલે ઘોનહી લી. જેઓ 'કેટેલિસ્ટ સ્પેસ ટેક્નોલોજીસ' કંપનીના સીઈઓ છે. લીના અદભૂત મેનેજમેન્ટ અને નેતૃત્વના કારણે જ, આ નાનકડી સ્ટાર્ટઅપ કંપનીએ માત્ર ૧ વર્ષથી પણ ઓછા સમયગાળામાં 'લિંક' રોબોટની આખી બ્લુપ્રિન્ટ તૈયાર કરી, તેનું સચોટ ઉત્પાદન કરી, તેને રોકેટ લોન્ચિંગ માટે પ્લેટફોર્મ પર લાવીને ઊભી કરી દીઘી છે. આ એક એવું અસાધારણ પરાક્રમ છે. જેને પૂરું કરવામાં નાસાના મોટા-મોટા અબજોપતિ કોન્ટ્રાક્ટરો પણ સામાન્ય રીતે વર્ષોના વર્ષો લગાડી દેતા હોય છે. ઘોનહી લીની કંપની દુનિયાને એ જ સાબિત કરવા માંગે છે કે, આવા 'નોન-સર્વિસેબલ' જૂના ઉપગ્રહોને પણ, જો ધારીએ તો નવી ટેક્નોલોજીના બળે ચોક્કસ બચાવી શકાય છે.' - આ સફળતા ભવિષ્યના વૈશ્વિક અવકાશ સેવા ઉદ્યોગ માટે એક નવું આદર્શ મોડેલ સાબિત થશે. આ ત્રણેય દિગ્ગજોના અથાગ પુરુષાર્થ અને લોહી-પરસેવાના કારણે જ, આજે 'લિંક' રોબોટ અંતરીક્ષની અજાણી સફર ખેડવા માટે સંપૂર્ણ સજ્જ છે. પરંતુ હવે ખરો પ્રશ્ન એ થાય છે કે, આ ત્રણ મજબૂત મશીની હાથવાળો અનોખો રોબોટ, શૂન્યાવકાશમાં વાસ્તવમાં પોતાની કરામત કેવી રીતે કરી બતાવશે?
જૂના ઉપગ્રહોની નવી વ્યાખ્યા
જો 'લિંક' રોબોટ સફળતાપૂર્વક સ્વિફ્ટને ફરીથી મૂળ ભ્રમણકક્ષામાં પહોંચાડી દેશે, તો ભૂતકાળમાં જે જૂના અને ક્યારેય મરામત ન થઈ શકે તેવી ડિઝાઈન સાથે બનેલા ઉપગ્રહોને, આપણે નકામા ગણી લીધા હતા. તેને પણ આધુનિક વિજ્ઞાનના બળે ચોક્કસ બચાવી શકાય તેમ થશે. આ સફળતા વિજ્ઞાન જગત માટે સંજીવની સમાન સાબિત થશે, જ્યારે નાસાનું ઓફિશિયલ સાયન્સ મિશન બજેટ અણધારી રીતે ૪૭ ટકા જેટલું અધધ ઘટાડી દેવામાં આવ્યું છે. કપરા આર્થિક સંજોગોમાં અબજો રૂપિયા ખર્ચીને, કોઈ નવું સ્પેસ ટેલિસ્કોપ પ્રયોગશાળામાં ઊભું કરવા કરતાં, અવકાશમાં પહેલેથી હાજર જૂના અને અનુભવી ટેલિસ્કોપનું આયુષ્ય લંબાવવું, એ આર્થિક દ્રષ્ટિએ વધુ વ્યવહારુ અને શાણપણભર્યું પગલું બની રહેશે. આ અસાધારણ મિશનનું સૌથી મોટું દાર્શનિક મહત્વ એ છે કે 'તે સીધેસીધું વિશ્વપ્રસિદ્ધ હબલ સ્પેસ ટેલિસ્કોપના અસ્તિત્વ સાથે જોડાયેલું છે.' ઈસવીસન ૧૯૯૦માં લોન્ચ થયેલા ઐતિહાસિક હબલ ટેલિસ્કોપે, પાછલા દાયકાઓમાં બ્રહ્માંડના ૧૫ લાખથી પણ વધુ આબેહૂબ અવલોકનો પૃથ્વી પર મોકલ્યા છે. તેની મદદથી વિજ્ઞાન જગતમાં, અંદાજે ૧૮,૦૦૦ જેટલા ગહન વૈજ્ઞાનિક સંશોધનપત્રો પ્રકાશિત થઈ ચૂક્યા છે. પરંતુ અફસોસ કે 'આ મહાન ટેલિસ્કોપ પણ અત્યારે સૂર્યની અત્યંત તીવ્ર અને ભયાનક સૌર પ્રવૃત્તિના પ્રકોપ હેઠળ આવી ગયું છે.' વાતાવરણના અદ્રશ્ય ખેંચાણને કારણે, ધીમે ધીમે પોતાની ભ્રમણકક્ષા ગુમાવીને નીચે તરફ લપસી રહ્યું છે. વૈજ્ઞાનિક ગણતરીઓ મુજબ, વર્ષ ૨૦૨૮ સુધીમાં હબલ ટેલિસ્કોપને પણ પૃથ્વી પર તૂટી પડતું બચાવવા માટે, આ જ રીતે ઉપર તરફ ધકેલવાની સખત જરૂર પડવાની છે. આ સંજોગોમાં જો 'લિંક' મિશનના ઓપરેશનમાંથી શીખેલા ટેકનિકલ અનુભવો આપણી પાસે હશે, તો ભવિષ્યમાં હબલ જેવા વિરાટ ટેલિસ્કોપને બચાવવાનું ભગીરથ કામ, નાસા માટે ઘણું સરળ અને સસ્તું બની જશે. શું ભવિષ્યમાં માનવજાત ઉપગ્રહો આઉટ-ઓફ-ડેટ થતાં જ, તેમને કચરો સમજીને સ્પેસમાં ફેંકી દેવાના બદલે, પૃથ્વીની માફક તેમનું સમારકામ કરવાની ટકાઉ સંસ્કૃતિ તરફ આગળ વધશે?









