Ravi Purti

પાપ અને પશ્ચાતાપ

By GS Team
25 Jul 20266 mins read
પાપ અને પશ્ચાતાપ
  • ઝાકળઝંઝા-રવિ ઈલા ભટ્ટ
  • જેલવાસ દરમિયાન રુદ્રેશને સમજાયું કે તેની ક્રાંતિ તો માત્ર આભાસ હતો. સાચી લાગણી તો પાપની અનુભૂતી અને તેનો સાચો પશ્ચાતાપ હોય છે…

સ યાજીગંજની એક સાંકડી ગલીમાં આવેલી જૂની, જર્જરિત બિલ્ડિંગના ત્રીજા માળે એક નાનકડી ઓરડીમાં રુદ્રેશ ભટ્ટ બેઠો હતો. એમ.એસ. યુનિવર્સિટીમાંથી ફિલોસોફીનો અભ્યાસ અધૂરો છોડી ચૂકેલો રુદ્રેશ છેલ્લા કેટલાય મહિનાઓથી આ રૂમમાં કેદ હતો. રૂમનું ભાડું આપવાના પૈસા નહોતા, જમવાના ફાંફા હતા અને ઘરેથી આવતી આર્થિક મદદ પણ લગભગ બંધ જ થઈ ગઈ હતી.
કોલેજમાં લાલ સલામ જૂથમાં જોડાયા બાદ તેના વિચારો વધુ પડતા આક્રમક અને વિદ્રોહી થવા લાગ્યા હતા. રુદ્રેશના મનમસ્તિકમાં એક વાર ઘર કરી ગઈ હતી કે, દુનિયામાં બે પ્રકારના માણસો હોય છે, એક 'સામાન્ય' જેઓ કાયદાનું પાલન કરે છે, અને બીજા 'અસામાન્ય' જેઓ સમાજના ભલા માટે અથવા કોઈ મહાન લક્ષ્ય માટે કાયદાને તોડવાનો અધિકાર ધરાવે છે. તેણે મનોમન ઓપરેશન ક્લિન સોસાયટની શરૂઆત કરવાનું વિચાર્યું હતું. તેણે તેના માટે અભ્યાસ પણ છોડી દીધો હતો.
રુદ્રેશના મગજમાં છેલ્લા કેટલાક દિવસોથી એક જ ચહેરો ઘૂમરાઈ રહ્યો હતો, તે હતો નલિની ચોક્સીનો ચહેરો. તેના થકી તે પોતાના સમાજ સુધારાની આધુનિક ચળવળને વેગ આપવાનું
વિચારતો હતો.
નલિનીબેન ફતેહગંજ વિસ્તારમાં વ્યાજે પૈસા આપવાનું અને સોના-ચાંદીના દાગીના ગીરવે રાખવાનું કામ કરતી એક લોભી, કઠોર અને કજાત બાઈ હતી. તે ગરીબ વિદ્યાર્થીઓ અને મજબૂર લોકોની મજબૂરીનો ફાયદો ઉઠાવીને ઊંચું વ્યાજ વસૂલતી હતો. તેણે લગ્ન કર્યા નહોતા અને પરિવારમાં એક નાની બહેન હતી જે પણ હવે તો આધેડ ઉંમરે પહોંચી હતી. માનસિક રીતે થોડી અસ્થિર જણાતી નાની બહેન વિમલાની પાસે તે આખો દિવસ વૈતરૃં કરાવતી હતી.
રુદ્રેશના મનમાં એક વિચાર સ્ફૂર્યો હતો - 'એક એવી સ્ત્રી, જે સમાજ માટે ઊધઈ જેવી છે, તેને મારી નાખવામાં આવે અને તેના પૈસાથી સેંકડો ગરીબ વિદ્યાર્થીઓનું ભવિષ્ય સુધારવામાં આવે, તો એ પાપ કેવી રીતે હોઈ શકે? એ તો એક પુણ્યનું કામ છે.'
લગભગ બપોરના ત્રણ વાગ્યા હતા. ફતેહગંજની એ ગલીમાં સાવ શાંતિ હતી. રુદ્રેશ નલિનીબેનના ફ્લેટ પાસે પહોંચ્યો. તેણે બેલ વગાડયો. વૃદ્ધાએ દરવાજો ખોલ્યો, તેની આંખોમાં હંમેશ મુજબની શંકા અને લુચ્ચાઈ ડોકાતા હતા.
'કોણ છે તું? અત્યારે કેમ આવ્યો છે?' - નલિનીબેને કરડાકીથી પૂછયું.
'એક સોનાની વીંટી ગીરવે મૂકવી છે…' - રુદ્રેશનો અવાજ ધ્રૂજતો હતો.
'લાવ પહેલા વિંટી બતાવ, પછી અંદર આવવા દઈશ.' - નલિનીબેને કરડાકીથી કહ્યું અને રુદ્રેશે હાથમાં પહેરેલી વિંટી તેમના હાથમાં મુકી દીધી. નલિનીબેને વિંટી જોઈ અને દરવાજો ખોલ્યો.
'ેવિંટી તો સાચી છે. દસ હજાર આપી શકીશ. બોલ જોઈએ તો લઈ આવું બાકી રવાના થઈ જા.' - નલિનીબેને કહ્યું અને રુદ્રેશે માત્ર હકારમાં માથું હલાવ્યું.
નલિની બેન વિંટી મુકવા અને પૈસા લેવા બીજા રૂમમાં જવા આગળ વધ્યા ત્યાં જ રુદ્રેશે કપડામાંથી કુહાડી કાઢી અને પૂરી તાકાતથી તેના માથા પર ઘા કર્યો. નલિનીબેન લોહીના ખાબોચિયામાં ફસડાઈ પડયા. રુદ્રેશ ધૂ્રજી રહ્યો હતો. તેણે ઝડપથી નલિનીબેનના ગળામાં પહેરેલો કાળો દોરો તોડી કાઢયો અને તેમાં રહેલી ચાવીઓ લઈને અંદરના રૂમ તરફ દોડયો.
તિજોરીમાં રહેલા દાગીના, પૈસા અને અન્ય દસ્તાવેજો તેણે એક થેલામાં ભર્યા અને બહાર નિકળ્યો ત્યાં જ સામે વિમલા દરવાજા પાસે દેખાઈ. તે લોહીના ખાબોચિયામાં પડેલું નલિનીબેનનું નિસ્તેજ શરીર જોઈને ધુ્રજી રહી હતી. રુદ્રેશ ફરી આવેશમાં આવી ગયો અને એક પણ પુરાવો ન છોડવાના નિર્ધાર સાથે તેણે વિમલાના માથે પણ કુહાડી મારી અને તે ત્યાં જ ઢળી પડી.
બે લોકોની હત્યા કરીને રુદ્રેશ ત્યાંથી ભાગ્યો. સદનસીબે તેને કોઈએ જોયો નહોતો. તે દોડતો દોડતો સયાજીગંજ પોતાની ઓરડીમાં આવ્યો. તેણે લોહીવાળા કપડાં બદલ્યાં, એક થેલીમાં તે કપડાં, કુહાડી બધું ભર્યું અને પોતાની રૂમના જૂના એક ટ્રેકમાં મુદ્દામાલ છુપાવી દીધા.
રેલવે બ્રિજની નીચે જઈને એક અવાવરૂ ખુણામાં તેણે કપડાં અને કુહાડી સળગાવી દીધા. તે કામ પતાવીને ઘરે આવી ગયો પણ હવે સાચો સંઘર્ષ ચાલુ થયો હતો. તેનું મગજ હવે તેની કામગીરીને સમાજ સુધાર નહીં પણ ગુનો સાબિત કરવા મથતું હતું. આ દ્વિધામાં તેની મનોદશા વધારે ખરાબ થવા લાગી.
તે સતત તણાવમાં રહેવા લાગ્યો. દિવસો સુધી રૂમમાં જ ભરાઈ રહ્યો. દરવાજા પર થતો નાનો અમથો ટકોરો પણ તેના કાળજાને કંપાવી મૂકતો. જે પૈસા માટે તેણે આટલું મોટું સાહસ કર્યું હતું, તેને જોવાની પણ તેની હિંમત રહી નહોતી. એક રાત્રે તે છાનોમાનો નીકળ્યો અને વિશ્વામિત્રી નદીના પુલ પરથી નીચે ઉતર્યો. દાગીના અને રોકડ તથા દસ્તાવેજો ભરેલો એ થેલો એક કોતરમાં સંતાડી આવ્યો.
હવે તેની માનસિક સ્થિતિ વધારે બગડવા લાગી હતી. તે કલાકો સુધી કમાટીબાગના બાંકડા પર બેસીને શૂન્યમનસ્ક આંખે હવામાં જોયા કરતો. તે ક્રાંતિકારી નહીં પણ લાચાર ગુનેગાર જેવો થઈ
ગયો હતો.
આ મનોદશામાં એક રાત્રે તેની નજર બગીચાના ખૂણામાં બેસીને રડતી એક યુવતી ઉપર ગઈ. તે અનાયસ જ ઊભો થઈને તેની પાસે પહોંચી ગયો. તેની સાથે વાત કરતા ખબર પડી કે, તેનું નામ રોશની છે પણ પિતાએ પૈસાની લાલચમાં દેહવેપારના અંધારા ધંધામાં તેને ફેંકી દીધી હતી. રુદ્રેશને પહેલી વખત પોતાના જેવું કોઈ વ્યક્તિ મળ્યાનો અનુભવ થયો.
બંને હવે નિયમિત મળવા લાગ્યા, વાતો કરતા હતા. બંનેની સ્થિતિ એક સરખી હતી. એકની લાગણીઓ લીલીછમ પણ ખિસ્સાં ખાલી અને એકના ખિસ્સાં ભરેલા પણ લાગણીઓ ખાલી. બંને વચ્ચે સ્નેહનો સંબંધ વધતો જતો હતો. બંનેને એકબીજા ઉપર વિશ્વાસ વધતો હતો. આ દરમિયાન એક વખત પોલીસ રુદ્રેશના રૂમ ઉપર આવી. ત્યાં રોશની અને રુદ્રેશ ભોજન કરતા હતા.
'રુદ્રેશ તું છે?' - પોલીસકર્મીએ કરડાકીથી પૂછયું. રુદ્રેશે હા પાડી.
'સાંજે છ વાગ્યે વડોદરા ક્રાઈમબ્રાન્ચ આવી જજે. પીઆઈ દવે સાહેબને મળી જજે.' - પોલીસે ફરીથી કહ્યું.
'ક…. કેમ?' - રુદ્રેશના અવાજમાં ભય વર્તાતો હતો.
'નલિની, વિમલા મર્ડર કેસમાં પૂછપરછ ચાલે છે. નલિનીના ચોપડામાં તારું નામ પણ હતું. તે ફિલોસોફીના ચોપડા, કપડાં અને કેટલીક વસ્તુઓ તેને ત્યાં ગીરવી મુકી હતી તેની નોંધ મળી છે. સાહેબે બધાને બોલાવ્યા છે.' - પોલીસ કર્મી બોલ્યો અને ત્યાંથી જતો રહ્યો.
રુદ્રેશ નક્કી કરેલા સમયે પહોંચી ગયો. તેણે જોયું તો આઠ-દસ લોકો લાઈનમાં ઊભા હતા. એક પછી એક બધાના નિવેદન લેવામાં આવતા હતા. લગભગ અડધો કલાક પછી રુદ્રેશનો વારો આવ્યો.
'અરે આવો આવો કોમરેડ રુદ્રેશ. લાલ સલામ. તમારી સમાજ સુધારાની ચળવળ કેવી ચાલે છે? દેશમાં પરિવર્તન ક્યારે લાવો છો.' - દવે સાહેબે રુદ્રેશને ટોણો માર્યો. રુદ્રેશ ચુપચાપ ઊભો રહ્યો.
'કોમરેડ રુદ્રેશ વાત એવી છે કે, સમાજના હિત માટે કાયદો તોડવાની તમારી ચળવળ વિશે અને વિચારો વિશે મેં ઘણું સાંભળ્યું છે. મને આ કેસ પણ આવો જ કંઈક લાગે છે. તમે આ સદકાર્ય કર્યું હોય તો સ્વીકારી લેજો બાકી હું શોધી કાઢીશ તો તમારી ચળવળનો કરૂણ અંત આવશે.' - પીઆઈ દવે બોલ્યા અને રુદ્રેશના કપાળ પર પરસેવો વળી ગયો.
'સાહેબ, એ તો માત્ર એક ફિલોસોફિકલ થિયરી હતી,' રુદ્રેશે ધૂ્રજતા અવાજે કહ્યું.
'હા, થિયરી તરીકે સારું છે, બસ તેનું પ્રેક્ટિકલ ન થયું હોવું જોઈએ.'

  • પીઆઈ દવેએ કહ્યું અને જવાનો ઈશારો કર્યો. રુદ્રેશ ત્યાં સીધો જ કમાટીબાગના એક બગીચે પહોંચ્યો જ્યાં રોશનીને કાયમ બેસતી હતી. રુદ્રેશે ત્યાં જઈને રોશનીને તમામ હકિકત જણાવી દીધી. રોશનીએ તેને ગુનો કબુલવાની અને પોલીસ સમક્ષ સમર્પણ કરવાની સમજ આપી. તેણે કહ્યું કે, હું તને પ્રેમ કરું છું અને તું આ પાપમાંથી મુક્ત થઈશ ત્યાં સુધી હું તારી રાહ જોઈશ.
    રુદ્રેશે તેની વાત માની અને દવે સાહેબ પાસે જઈને શરણાગતિ સ્વીકારી લીધી. તમામ મુદ્દામાલ આપી દીધો. કોર્ટમાં કેસ ચાલ્યો અને દવે સાહેબે રુદ્રેશને મનોરોગી સાબિત કરી દીધો અને તેને માત્ર સાત વર્ષની કેદ થઈ. વડોદરા સેન્ટ્રલ જેમાં રોશની તેને વારંવાર મળવા જતી, ભગવદ્ ગીતા અને અન્ય ધાર્મિક ગ્રંથો આપતી અને વાંચવા સમજાવતી.
    જેલવાસ દરમિયાન રુદ્રેશને સમજાયું કે તેની ક્રાંતિ તો માત્ર આભાસ હતો. સાચી લાગણી તો પાપની અનુભૂતી અને તેનો સાચો પશ્ચાતાપ હોય છે. તે હવે મનોભારમાંથી મુક્ત થતો જતો હતો.
    સાત વર્ષ પૂરા થયા અને જેલમાંથી મુક્ત થયો ત્યારે સામે રોશની ઊભી હતી. વડોદરા પોલીસના યુનિફોર્મમાં સજ્જ, પીઆઈ રોશની ઝાલા. વડોદરા સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમની લીડર અને સૌથી મોટી ઓળખ રુદ્રેશની બાળમિત્ર. તેના ગામની મિત્ર. રોશનીએ પોતાની તમામ ઓળખ છતી કરી અને રુદ્રેશ તેને આઘાતથી ભરેલા આનંદ સાથે ભેટી પડયો.