Ravi Purti

શુકદેવ : મોક્ષપ્રાપ્તિનું રહસ્ય

By GS Team
24 Oct 20263 mins read
શુકદેવ : મોક્ષપ્રાપ્તિનું રહસ્ય
  • સનાતન તંત્ર -બ્રહ્મચારી પરખ ઓમ
  • પોપટનું કાર્ય છે, રટણ કર્યે રાખવાનું! અહીં 'રટણ' અર્થાત્ ઈશ્વરનું નિરંતર સ્મરણ. પોપટને જે શીખવવામાં આવે, તે બોલી શકે. સારું શીખવો તો સારું બોલે અને અપશબ્દો શીખવો તો એ પણ બોલી જાણે
    શ્રીકૃષ્ણે શ્રીમદ્ ભગવદ્ગીતામાં કહ્યું. આખી વાતનું તાત્પર્ય એ કે હજારો લોકોની ભીડ વચ્ચે શુકની જેમ માત્ર ઈષ્ટનું સ્મરણ કરી રહેલો મનુષ્ય અંતે તો સાધુ જ છે

મા તંગી દેવીના સ્વરૂપની એક ખાસિયત એ છે કે પ્રધાન મહાવિદ્યા લલિતા મહાત્રિપુરસુંદરીની જેમ એમના ખભા પર પણ એક શુક અર્થાત્ પોપટ જોવા મળે છે. મહર્ષિ વેદવ્યાસના પુત્ર શુકદેવ થઈ ગયા. સનાતન ધર્મના ઈતિહાસમાં એમનું નામ અમર થઈ ગયું છે. ભાગવત મહાપુરાણની કથા રાજા પરીક્ષિતને જણાવનારા શુકદેવ જન્મથી જ પરમ વૈરાગી સંત તરીકે પ્રચલિત થયા. તેઓ એટલા બધા નિર્મોહી હતા કે સ્વયં એમના પિતા વેદવ્યાસ મહારાજનો પિતા તરીકેનો મોહ પણ એમને પીગળાવી ન શક્યો. શુકદેવના ઉપનયન સંસ્કાર સાક્ષાત્ દેવાધિદેવ મહાદેવ થકી સંપન્ન થયા હતા.
જ્યારે જ્યારે શુકદેવ અંગે ચર્ચા નીકળે, ત્યારે ત્યારે ભાગવત પુરાણ અને મોક્ષપ્રાપ્તિ વિના એ પૂર્ણ ન થઈ શકે. શુકદેવ થકી રાજા પરીક્ષિત મોક્ષના માર્ગ પર પ્રશસ્ત થયા. જો માત્ર કથાના દ્રષ્ટિકોણથી વિચારવા જઈએ, તો એ વાત ગળે ન ઉતરે કે ઘૃતાચી નામની અપ્સરા અને મહર્ષિ વેદવ્યાસ થકી શુકદેવનો જન્મ થયો, પરંતુ તાત્ત્વિક દ્રષ્ટિકોણથી વિચારીએ તો સમજાય કે અહીં આધ્યાત્મિકતાના એ મૂળ સંદેશ વિશે વાત થઈ રહી છે, જેના ઉપર પ્રત્યેક ધર્મશાસ્ત્રોએ ભાર મૂક્યો છે.
દુનિયાના પ્રત્યેક મૂળ ધર્મગ્રંથોના મૂળ સારાંશ પર ડોકિયું કરીએ તો, શ્રીમદ્ ભગવદ્ગીતા, ગુરુ ગ્રંથસાહેબ, બાઈબલ, કુરાન વગેરે ગ્રંથોએ કહ્યું કે પોતપોતાના ઈશ્વરનું સ્મરણ કરો… તેઓ જ આપનું એકમાત્ર ગંતવ્યસ્થાન છે… તેઓ જ એકમાત્ર સત્ય છે… દરેક જીવ અંતે તો એમનામાં જ એકાકાર થાય છે.
પોપટનું કાર્ય છે, રટણ કર્યે રાખવાનું! અહીં 'રટણ' અર્થાત્ ઈશ્વરનું નિરંતર સ્મરણ. પોપટને જે શીખવવામાં આવે, તે બોલી શકે. સારું શીખવો તો સારું બોલે અને અપશબ્દો શીખવો તો એ પણ બોલી જાણે. રસપ્રદ વાત એ છે કે પોપટની આંખ ખૂલી હોય ત્યાં સુધી એ સતત રટણ કર્યે રાખે. તેના જીવનમાં ભોજન-પાણી, ઊંઘ અને પ્રજનન સિવાયની એકમાત્ર પ્રવૃત્તિ સતત પોતે શીખેલા શબ્દોનું રટણ કર્યે રાખવાની થઈ જાય.
દેવી માતંગીના ખભે રહેલો પોપટ પણ એ જ શીખવે છે કે ઈશ્વરનું સ્મરણ એ રીતે કરો કે સતત આપના અંતરમન અને ચિત્તમાં આપના ઈષ્ટ સિવાય અન્ય કોઈ બિરાજમાન ન હોય. આપની પ્રત્યેક જાગૃત ક્ષણ એ પરમશક્તિના ધ્યાનમાં વીતે, જેથી અંતે માનવશરીરનો ત્યાગ કર્યા બાદ આત્મા સદ્ગતિના માર્ગ પર આગળ વધ્યે રાખે.
રામકૃષ્ણ મઠના મહાન સંત સ્વામી સર્વપ્રિયાનંદે પોતાના એક પ્રવચન દરમિયાન કહ્યું હતું કે, 'સાધુ એ છે, જેની આંખો ખુલ્લી હોય અને એ પથારી પર ન હોય, તો એ માત્ર લોકકલ્યાણનું કાર્ય કરતો હોવો જોઈએ.'
અહીં સાધુ હોવાનો અર્થ એ નથી કે સંસારનો ત્યાગ કરીને ભગવા વો ધારણ કરી લેવા! મૂળ સાધુત્વ અથવા સંન્યાસ વાસ્તવમાં તો મનની અવસ્થા છે, એવું ભગવાન શ્રીકૃષ્ણે શ્રીમદ્ ભગવદ્ગીતામાં કહ્યું. આખી વાતનું તાત્પર્ય એ કે હજારો લોકોની ભીડ વચ્ચે શુકની જેમ માત્ર ઈષ્ટનું સ્મરણ કરી રહેલો મનુષ્ય અંતે તો સાધુ જ છે. જેવી રીતે શુકદેવ થકી રાજા પરીક્ષિત મોક્ષ પામ્યા, એવી જ રીતે મનુષ્ય પણ પોતાની ભીતર રહેલા શુક અર્થાત્ નિત્યસ્મરણ થકી મુક્તિ પ્રાપ્ત કરી શકે છે.