Ravi Purti

ઈંધણાં વીણવા ગઈ'તી.... બપોરે ખીલી ઊઠેલો પ્રેમ

By GS Team
10 Oct 20264 mins read
ઈંધણાં વીણવા ગઈ'તી.... બપોરે ખીલી ઊઠેલો પ્રેમ
  • અંતરનેટની કવિતા-અનિલ ચાવડા

લોગઈન :
ઈંધણાં વીણવા ગૈતી મોરી સૈયર,
ઈંધણાં વીણવા ગઈ 'તી રે લોલ;
વેળા બપ્પોરની થૈતી મોરી સૈયર,
વેળા બપ્પોરની થઈ 'તી રે લોલ.
ચૈતરનું આભ સાવ સૂનું સૂનું ને તોય
કંઈથી કોકિલકંઠ બોલે રે લોલ,
વનની વનરાઈ બધી નવલી તે કૂંપળે
દખ્ખણને વાયરે ડોલે રે લોલ.
જેની તે વાટ જોઈ રૈતી મોરી સૈયર,
જેની તે વાટ જોઈ રહી 'તી રે લોલ,
તેની સંગાથ વેળ વ્હૈતી મોરી સૈયર,
તેની સંગાથ વેળ વ્હૈતી રે લોલ.
સૂકી મેં વીણી કાંઈ ડાળી ને ડાંખળી
સૂકાં અડૈયાંને વીણ્યાં રે લોલ,
લીલી તે પાંદડીમાં મ્હેકંત ફૂલ બે'ક
મારે અંબોડલે ખીલ્યાં રે લોલ.
વાતરક વ્હેણમાં ન્હૈતી મોરી સૈયર,
વાતરક વ્હેણમાં ન્હૈતી રે લોલ,
ઈંધણાં વીણવા ગૈતી મોરી સૈયર,
ઈંધણાં વીણવા ગઈ 'તી રે લોલ.

  • રાજેન્દ્ર શાહ
    નવરાત્રીમાં દરેક ગાયક ઝગમગતી લાઈટો અને ઢોલના તાલે બહેલાવી બહેલાવીને આ કવિતાને ગરબા તરીકે ગાઈને લોકોને ડોલાવશે. રાજેન્દ્ર શાહે લખેલા આ ગીતમાં લોકગીત જેવી સરળતા છે, તેથી જ તે લોકહૈયે ઝિલાયું છે. બહારથી જોઈએ તો આ કવિતામાં એક સામાન્ય ઘટના છે. એક યુવતી બપોરે ઈંધણાં અર્થાત્ બળતણ, કે ચૂલામાં બાળવા માટેનાં લાકડાં વીણવા વનમાં જાય છે. પણ કવિતા પૂરી થાય ત્યાં સુધીમાં સમજાય છે કે તે માત્ર ઈંધણાં લઈને પાછી ફરી નથી; પોતાની સાથે એક આખી પ્રેમઘટના, એક ગુપ્ત બપોર, અને અંબોડલે ખીલેલાં બે ફૂલ લઈને આવી છે.
    'મોરી સૈયર' અને 'રે લોલ' જેવા શબ્દો કવિતાને લોકગીતનો લય આપે છે. જાણે એક સખી બીજીને વાત માંડી રહી હોય. સમય પણ અત્યંત સૂચક છે… બપોર. સવારની અવરજવર પૂરી થઈ ગઈ છે અને સાંજની ચહલપહલ શરૂ થઈ નથી. ગામડાની બપોર એટલે માણસો ઘરમાં, રસ્તા સૂના, ખેતરો પર તડકો અને વનવગડામાં એક પ્રકારનું એકાંત. પ્રેમ માટે કવિએ ચાંદની રાત નહીં. ભરબપોર પસંદ કરી છે. પ્રેમને અંધકારની જરૂર નથીત તે સૂર્યની આંખ સામે પણ પોતાનું રહસ્ય સાચવી શકે છે.
    બપોરે ચૈત્રનું આભ 'સાવ સૂનું' છે, પણ એ સૂનકારમાં કોયલ બોલે છે. બહાર સૂનકાર અને અંદર સંગીત. પ્રેમની શરૂઆત કદાચ આવી જ હોય છે. કૂંપળ અહીં માત્ર વૃક્ષની નથીત યુવાનીની પણ છે. ચૈત્ર માત્ર ઋતુ નથી; શરીર અને મનની વસંતનો સંકેત છે. દક્ષિણનો વાયરો માત્ર પાંદડાં હલાવતો નથી, યુવતીની અંદર જાગેલી ઝંખનાને પણ ઝૂલાવે છે.
    યુવતી માત્ર ઈંધણાં વીણવા નહોતી ગઈ. કોઈની વાટ પણ જોઈ રહી હતી. જેની વાટ જોતી હતી તે આવ્યો. પછી? કવિ કશું કહેતા નથી. માત્ર એટલું જ કહે છે. 'તેની સંગાથ વેળ વ્હૈતી.' સમયને કવિ જળ બનાવી દે છે. પ્રેમમાં સમય ચાલતો નથી, વહે છે. યુવતી શું વીણે છે? સૂકી ડાળી-ડાળખાં, સૂકાં અડૈયાં અર્થાત છાણાં વગેરે. પણ ઘરે પાછી ફરતી યુવતીના અંબોડલે શું છે? લીલાં પાંદડાં અને મહેકતાં ફૂલ! તે વનમાં સૂકું વીણવા ગઈ અને લીલું લઈને પાછી ફરી!
    'અંબોડલે ખીલ્યાં' શબ્દપ્રયોગ પણ ધ્યાન ખેંચે એવો છે. કવિ 'ખોસ્યાં' નથી કહેતા, 'ખીલ્યાં' કહે છે. કારણ કે હવે એ ફૂલ માત્ર ફૂલ નથી; મુલાકાતની નિશાની છે. કદાચ પ્રિયતમે આપ્યાં હશે, યુવતીએ પોતે તોડયાં હશે, મળવાની ખુશીએ જ એને ફૂલ તરફ ખેંચી હશે. કવિ નિર્ણય વાચક પર છોડે છે. પણ એટલું નક્કી છે કે સવારે જે યુવતી ગઈ હતી અને હવે પાછી ફરી, બંને વચ્ચે કંઈક બદલાઈ ગયું છે.
    વાત્રક અહીં માત્ર નદી નથી, પ્રિયતમનો પ્રેમ છે. આખી બપોર યુવતી એના વહેણમાં ભીંજાય છે. ખાસ ધ્યાન આપવા જેવી વાત એ છે કે કવિતામાં પ્રેમીનું નામ નથી. નથી ચહેરો. સંવાદ પણ નથી. તે આવ્યો ક્યાંથી, ગયો ક્યાં. કશું ખબર નથી. છતાં તેની હાજરી આખી કવિતામાં છે. કોયલના કંઠમાં, દક્ષિણના વાયરમાં, વહેતી વેળામાં, અંબોડલાના ફૂલમાં અને વાત્રકના પાણીમાં… બધે જ.
    આ કવિતાની વિશેષતા એ છે કે એમાં ક્યાંય 'પ્રેમ' કે 'પ્રિયતમ' શબ્દ નથી, ક્યાંય આલિંગન કે ચુંબનની વાત નથી. છતાં આખી કવિતા પ્રેમથી તરબતર છે. રાજેન્દ્ર શાહ ગામઠી ભાષા, લોકગીતનો લય, ચૈત્રની ઋતુ, વનરાઈ, દક્ષિણનો વાયરો, સૂકી ડાળી, લીલું પાન, બે ફૂલ અને વાત્રકનું પાણી.. આટલી જ સામગ્રીથી પ્રેમનું એવું ચિત્ર બનાવે છે જેમાં રંગ કરતાં સુગંધ વધારે છે. અહીં એક બપોર છે, અને કેટલીક બપોર એવી હોય છે જે માણસની જિંદગીમાં ક્યારેય સાંજ પડવા દેતી નથી.
    લોગઆઉટ:
    કેવડિયાનો કાંટો અમને વનવગડામાં વાગ્યો રે,
    મૂઈ રે એની મ્હેક, કલેજે દવ ઝાઝેરો લાગ્યો રે.