સાવિત્રીદાદી એટલે હરતી-ફરતી લોક અદાલત

- કેમ છે, દોસ્ત-ડૉ.ચન્દ્રકાન્ત મહેતા
- પ્રારબ્ધ અને વાચાના વીખરાયેલા માળાને સાવિત્રીદાદીએ કેવી રીતે ફરી પાછો સુંદર બનાવ્યો?
ના નકડી બુલબુલ પપ્પા પ્રારબ્ધના ખોળામાં બેસવા જતી, ત્યારે ઠંડો પ્રતિભાવ મળતો જાણે એમની લાગણી વિહીન આંખો કહી રહી હતી : 'મમ્મીનું બહુ ઉપરાણું તું લે છે ને! જા, તારી મમ્મીના ખોળામાં બેસ. હું જોઉં છું કે તને સ્કૂલની ફી કોણ આપે છે ? નોટો-પુસ્તકો કોણ હાજર કરી દે છે.' દીકરી બુલબુલના મસ્તક પર પ્રેમાળ હાથે સ્પર્શ કર્યા વગર પ્રારબ્ધ મૂંગો બેસી રહેતો. ખોળામાં જાણે કોઇકે પંદર કિલોનું વજન ના
મૂક્યું હોય!
બુલબુલ કંટાળીને વાચામમ્મી પાસે જતી. ત્યાં પણ ઠંડો આવકાર. મમ્મી ટગર ટગર બુલબુલને જોયા કરતી અને પોતાના ઉમળકાને દાબી દેતી. તેમ છતાં બુલબુલ વાચાના ખોળામાં બેસવાની કોશિશ કરતી. અને મમ્મી પપ્પાને ભાંડવાની તક ઝડપી લેતી : 'પપ્પા-પપ્પા કરતાં તારું મોં સુકાય છે, પણ તારા સ્કૂલે જવાના સમયે તારા ઊંઘણશી પપ્પા ક્યારેય વહેલા જાગ્યા છે ખરા? તારું લંચ બોક્સ કોણ તૈયાર કરી આપે છે, એનો તેં કદી વિચાર કર્યો છે ખરો? તને નવડાવી ધોવડાવીને સ્કૂલે જવા કોણ તૈયાર કરે છે? આજે કીચન બંધ, ચા-નાસ્તો નહીં મળે. જોઉં છું તારા વહાલા પપ્પા શી વ્યવસ્થા કરે છે?'
નાનકડી બુલબુલ નક્કી કરી શક્તી નહોતી કે કોના ખોળામાં બેસવું? પપ્પા મમ્મી પૈકી કોઈપણ અબોલા તોડવા તૈયાર નહોતું.
અત્યાર સુધી શાંતિથી બેઠેલો પ્રારબ્ધ તાડૂકે છે : 'બુલબુલ અહીં આવ મારી પાસે, મારા ખોળામાં બેસ. મરઘો ના બોલે તોય વહાણું તો વાહવાનું જ છે. તારી મમ્મીને ખબર નથી કે મારા જેવા પરિણીત અભિશપ્ત પુરુષો આત્મહત્યા કરી લેતા નથી, એટલે મારી સામે મેદાને પડવાની જરૂર નથી. મારા પગાર પર તાગડધિન્ના કરવા છે અને મારી સામે જ મેદાને પડવું છે! નોકરી માટે ઘણી અરજીઓ કરી જોઈ, પણ તારી મમ્મીનો કોઇએ ધડો ના કર્યો. ચપચપ બોલવાથી કોઈ અંજાઈ ના જાય એ તેને ખબર નથી. પોતે બહુ હોશિયાર છે એવા ભ્રમમાં તારી મમ્મી છે. એક દિવસ હું ઘર છોડીને ચાલ્યો જઈશ, ત્યારે તારી મમ્મીને ખબર પડશે કે કેટલી વીસે સો
થાય છે!'
નાનકડી બુલબુલને ખબર ન પડી કે તેના પપ્પા શું કહેવા માગે છે. ત્યાં તો તેની વાચામમ્મી તાડૂકી ઊઠી : 'બુલબુલ, તારા પપ્પાને કહે શુભ કામમાં મુહૂર્ત શું જોવાનું? આપણી સોસાયટીમાં દસ નંબરના બંગલામાં રહેતી વિશાખાનો પતિ કહ્યા વગર ઘર છોડીને જતો રહ્યો, તોય કોઇએ એની શોધખોળ નથી કરી કે નથી તપાસ માટે પોલિસ ફરિયાદ નોંધાવી. બુલબુલ, આ ઘરમાં તારા પપ્પા મને મારી રીતે જીવવા દે છે ખરાં? દૂધનું બિલ કેમ વધારે આવ્યું? વોશિંગ પાવડર કેમ વધારે વપરાય છે? મહિનામાં બે સાડી ખરીદવાની શી જરૂર હતી? મહિનામાં બે વાર બ્યૂટીપાર્લર જઇને તું અપ્સરા થોડી બની જવાની હતી?… આવા સવાલો પૂછીને તારા પપ્પા મારો દમ કાઢી નાખે છે. અરે મને જોવા આવ્યા, ત્યારે કેવા ડાહ્યા-ડમરા થઇને વાતો કરતા હતા! અને મારા ભોળા શંભુ જેવા પપ્પા ભરમાઈ ગયા અને પરણાવીને તારા પપ્પાને હવાલે કરી દીધી. પરણ્યા પછી મને ખબર પડી કે તારા પપ્પા તો 'રિજેક્ટેડ માલ'જેવા છે. એમના વિચિત્ર સ્વભાવની વાતો આખા સમાજમાં ફેલાઈ ગઇ છે. પણ અફસોસ એ વાતનો છે કે એ બધી વાત મારા પપ્પાના કાન સુધી પહોંચી નથી.' વાચા બેધડક બોલે જતી હતી. નાનકડી બુલબુલ તેના તરફ આશ્ચર્યથી ટગર ટગર જોઈ
રહી હતી.
ત્યાં પ્રારબ્ધે ઉશ્કેરાઈને કહ્યું : 'બુલબુલ તારી મમ્મીને કહે, બસ હવે લવારો બંધ કરે નહીં તો…'
'નહીં તો શું કરી લેશો? જોઉં તો ખરી કે તમારી કાયરતા તમારી પાસે શું કરાવે છે?' વાચાએ આક્રમક સ્વરમાં સીધો પ્રારબ્ધને જ સવાલ પૂછ્યો.
'તો લે મારા હાથની પ્રસાદી' કહી પ્રારબ્ધે વાચા પર હાથ ઉગામવાની કોશિશ કરી, પણ રણચંડી બની વાચાએ પ્રારબ્ધનો હાથ પકડી લેતાં કહ્યું : 'પતિદેવ બનવાના દિવસો ક્યારના ય પૂરી થઇ ગયા, હવે નારી મારખાઉ બનીને જીવશે નહીં સમજ્યા? આ નારી-સશક્તિકરણનો જમાનો છે. નારીને બાપડી વિચારી બનાવવાના પ્રયત્નો કોઈપણ નારી સાંખશે નહીં. તમારી સામે હું પણ હાથ ઉગામું એવા મારા સંસ્કાર નથી.'
મમ્મી-પપ્પાનું યુદ્ધ જોઇને નાનકડી બુલબુલે રડાડોળ કરી મૂકી. એનું રુદન સાંભળીને પડોશમાં રહેતા સાવિત્રીદાદી દોડી આવ્યાં.
આખી સોસાયટીમાં સાવિત્રીદાદીનું માનવંતુ સ્થાન. સાવિત્રીદાદી એટલે હરતી ફરતી લોક અદાલત. ઉંમર એંસીની પણ મજબૂત શરીર અને વાચા તથા પ્રારબ્ધને શાંત રહેવા કહ્યું. દસેક મિનિટ સુધી સાવિત્રીદાદી કશું જ બોલ્યા નહીં, એટલે વાચા અને પ્રારબ્ધ અકળાવા લાગ્યાં.
સાવિત્રીદાદીએ કહ્યું : 'વાચા, તમે બધાં મારે ઘેર ચાલો. ચા-પાણી અને જમવાનું પણ મારા ઘરે. બાકી વાતો પછી કરીશું.'
સાવિત્રીદાદીની વાતનો કોઈ અનાદર કરી શક્યું નહીં. નાનકડી બુલબુલ પણ દાદીની આંગળી પકડી ચાલવા માંડી.
કામવાળીએ ચા-નાસ્તો તૈયાર કર્યો, બન્નેએ ચા-નાસ્તો પણ ચૂપચાપ કરી લીધો. પછી સાવિત્રી દાદીએ કહ્યું : 'ભાઈ પ્રારબ્ધ હું એકલી છું સમય જતો નથી એટલે તારે અને વાચાએ બુલબુલને લઇને મારા ઘરે આવતા જતા રહેવું પડશે. અત્યારે તમે ઘરે જાવ, ફ્રેશ થશો એટલામાં મારી કામવાળી બેન જમવાનું તૈયાર કરીને આપી જશે.'
પ્રારબ્ધ પણ શાંતિ ઇચ્છતો હતો. કશું જ બોલ્યા વગર દાદીને પ્રણામ કરીને એ પોતાના ઘેર જવા વિદાય થયો.
પ્રારબ્ધ અને વાચાનો પ્રોબ્લેમ સાવિત્રીદાદી સારી રીતે જાણતાં હતા. તેમણે વાચાને કહ્યું : 'બેટા, નારી જ્યાં સુધી આર્થિક રીતે સ્વાવલંબી નહીં બને ત્યાં સુધી એનું સન્માન નહીં જળવાય. ભારતના પતિઓ અહંકારને પોતાનો જન્મસિધ્ધ અધિકાર માને છે. પણ ઘરની શાંતિ ખાતર આપણે નારીઓ અહંકારનું પ્રદર્શન નથી કરતી. થોડીક સહિષ્ણુતા રાખી ઘરની નાવને બચાવી શકાય છે, એવું યાદ રાખજે. બધું બરાબર ઠીક થઇ જશે. તારા માટે નોકરીની ગોઠવણ પણ હું કરી દઈશ. ચિંતા ન કરીશ બેટા.' વાચા દાદીને ભેટી પડી. તેના મનનો ભાર હળવો થઇ ગયો હતો.
એ પછી વાચાને એકલી રાખી પાઠ ભણાવવાને ઇરાદે પ્રારબ્ધ ઘર છોડી પોતાના મોટાભાઈના ઘરે મુંબઇ પહોંચી ગયો હતો. મુંબઇમાં ભાઈનો નાનકડો ફ્લેટ અને એમાં રહેનાર છ જણ. ભાઈ, ભાભી, ભત્રીજો, ભત્રીજા વહુ અને બે બાળકો.
પ્રારબ્ધની બેગ જોઈ ભત્રીજાવહુ વંશિકાએ કહ્યું : 'કાકા, ક્યાંય જાત્રાએ જવા નીકળ્યા છો કે શું?' 'ના, ના હું તો થોડા દિવસ મોટાભાઈ સાથે રહેવા આવ્યો છું, મનની શાંતિ માટે. ગમશે ત્યાં સુધી રહીશ.'
'એ તમારી ભાવના સાચી, પણ હું અને તમારો ભત્રીજો નિર્ણય બન્ને નોકરિયાત. આ ફ્લેટ પણ ભાડાનો છે. એટલે ઘરખર્ચને પહોંચી વળવું અમારે માટે મુશ્કેલ છે. તમારે ઘેર પાછા જવું હોય તો રેલવેનું ટિકિટબુકીંગ કરાવી આપું?' વંશિકાવહુ એક-એક શબ્દ તોળી તોળીને બોલતી હતી.
પ્રારબ્ધનું મોટાભાઈ સાથે રહેવાનું સ્વપ્ન ખંડિત થયું… વાચાને બતાવી દેવા માગતો હતો કે તેના વગર પોતે એકલો રહી શકે છે. પણ વંશિકાવહુની વાત સાંભળીને એનું મન ભાઈના ઘર પરથી ઊઠી ગયું હતું.
વંશિકાવહુની આગળ મોટાભાઈ કે ભાભીનું પણ કશું ચાલતું નહોતું. એટલે પ્રારબ્ધે પોતાનો બાળપણનો સાથી વિશ્વાસ પણ મુંબઇમાં રહેતો હતો એના ઘરે જવાનું વિચાર્યું. અને પ્રારબ્ધ અંધેરીમાં રહેતા તેના મિત્ર વિશ્વાસના ઘરે પહોંચી ગયો. પ્રારબ્ધને એકાએક આવેલો જોઇને વિશ્વાસે કહ્યું : 'યાર, એકાએક વગર જાણ કરે કેમ આવી ગયો? વાચાભાભીએ ડાયવોર્સ તો નથી આપ્યાને?'
'ના રે ના, આ તો ઘણાં વખતથી આપણે મળ્યાં નથી, એટલે તારી સાથે રહેવાના કોડ જાગ્યા. સ્નેહસંબંધમાં ફોર્માલિટીને ક્યાં સ્થાન હોય છે?' પ્રારબ્ધે કહ્યું.
'પ્રારબ્ધ આજે અહીં રહે, કાલે એક સરસ હોટલમાં તારી રહેવાની ગોઠવણ કરી દઈશ. ત્યાં જમવાની પણ વ્યવસ્થા છે. દર આંતરે દિવસે આપણે મળતાં રહીશું.'
જે વિશ્વાસે પ્રારબ્ધે ઘર છોડયું હતું એ વિશ્વાસ ભાંગીને ભુક્કો થઇ ગયો હતો. 'ગમે તેવી તોય વાચા સહનશીલ બની પોતાને નિભાવતી હતી. અહંકારે જ પોતાનું જીવન બરબાદ કરી નાખ્યું છે'… આમ પ્રારબ્ધને પશ્ચાતાપ થયો હતો.
એણે પોતાના ઘેર પાછા જવાનું નક્કી કર્યું. અને પોતાની રીતે નહીં પણ વાચાની રીતે જીવીને શાંતિ અનુભવવાનો દ્રઢ નિર્ધાર કર્યો.
પ્રારબ્ધે પોતાના ઘર તરફ પ્રસ્થાન કર્યું. સ્ટેશનેથી ઉતરીને તે રિક્ષામાં બેસીને ઘરે જતો હતો ત્યાં રસ્તામાં એક સ્મશાનયાત્રાએ જતાં ડાઘુ નજરે પડયા. એમાં સૌથી મોખરે વાચા ચાલતી હતી. પ્રારબ્ધે પોતાની બેગ નજીકની એક દુકાનમાં મૂકી દીધી. ડાઘુ ઓને પૂછ્યું એટલે જાણવા મળ્યું કે સાવિત્રીદાદીનું અવસાન થયું છે.
પ્રારબ્ધ રડી પડયો, એ સ્મશાનયાત્રામાં જોડાઈ ગયો. સાવિત્રીદાદીનો અગ્નિસંસ્કાર વાચાએ કર્યો. અગ્નિસંસ્કાર પૂરો થતાં પ્રારબ્ધ ચૂપચાપ વાચાની પાછળ ચાલવા માંડયો છે. ઘરે પહોંચીને પ્રારબ્ધે વાચાના પગ પકડી લીધા અને કહ્યું : 'વાચા, મેં જિંદગી સાથે ચેડાં કર્યાં છે, મારા અહંકારને મને ભરમાવ્યો છે. મને માફ કરી દે વાચા.'
વાચાએ પ્રારબ્ધના હાથમાં એક કવર મૂક્યું. સાવિત્રીદાદીએ કરેલા વીલનાં તેમાં કાગળો હતાં અને એક પત્ર હતો. દાદીએ લખ્યું હતું : 'પ્રારબ્ધ, મેં વાચાને દત્તક પુત્રી સમાન ગણી છે. હું ઇચ્છું છું કે તમે બન્ને ભૂતકાળ ભૂલી જઇને મારા પ્રત્યેની લાગણીને ખાતર સાથે જીવો. મને પાકો ભરોસો છે કે, બેટા તું પાછો આવીશ અને તારા વીખરાયેલા માળાને ફરી પાછો સુંદર બનાવીશ.'
પ્રારબ્ધે સાવિત્રીદેવીના ફોટાને વંદન કરી મનોમન ક્ષમા માંગી હતી. થાકેલો પ્રારબ્ધ દાદીના ફોટા આગળ જ ઊંઘમાં સરી પડયો હતો. સવારે વાચાએ કહ્યું : 'પ્રારબ્ધ ઊઠો, હવે નવી સવારનું સ્વાગત કરો.'




