સંતોષ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- અરવિંદભાઈ પંડયા
- આ આવડો અમથો છોકરો! શું સમજતો હશે એના મનમાં ? મુગટલાલ શેઠને એવી તો ખીજ ચડી કે….પણ શું કરે મુગટલાલ શેઠ! તેમણે સામેની દીવાલ પર નજર ફેંકી : જોયું ને!
છેલ્લા કેટલાય દિવસથી મુગટલાલ શેઠને નિરાંતે ઊંઘ નથી આવી. આમ જુઓ તો હવે તેમને કોઈ કામ રહ્યું નથી. દિવસ ને રાત પથારીમાં જ પડયા રહે છે, પણ નીંદર તેમની પાસે આવતી નથી. નીંદર નવરી થાય ત્યારે તેમની નજીક આવેય છે, પણ મુગટલાલ શેઠનું મન નવરું હોતું નથી. મન સાથે મુગટલાલ શેઠ એવા તો મશગૂલ હોય છે કે ઊંઘને ભાગી જ જવું પડે.
મુગટલાલ શેઠ પર થાય છેય એવું. હમણાં જ નાનકડો દીપુ અચાનક આવી ચડયો હતો. કંટાળેલા મુગટલાલ શેઠને સામેની બારી પાસે પડેલું છાપું વાંચવાની ઈચ્છા થઇ. તેમણે દીપુને છાપું આપવાનું કહ્યું. પણ દીપુ તો, 'મારે રમવા જવું છે !' કહેતોક ને ઝડપથી બહાર
નીકળી ગયો.
આ આવડો અમથો છોકરો ! શું સમજતો હશે એના મનમાં ? મુગટલાલ શેઠને એવી તો ખીજ ચડી કે….પણ શું કરે મુગટલાલ શેઠ ! તેમણે સામેની દીવાલ પર નજર ફેંકી : જોયું ને !
મુગટલાલ શેઠની નજર સામેની દીવાલ પર સતત ટકરાતી રહેતી. ત્યાં તેમનો પૂરા કદનો મોટો ફોટો લટકાવેલો હતો. મોટી લંબગોળ આંખો પર ભરાવદાર નેણ. જેટલું લાંબું એટલું જ પહોળું કપાળ. માથે ખાસ કાશ્મિરથી મંગાવેલી ટોપી, ઉપસેલાં જડબાં પર ચરબીથી ભરપૂર ગાલ, ધડ પછી તરત જ માથું; વચ્ચે ડોક તો દેખાતી જ નથી. શરીર પણ મજબૂત બાંધાનું ને સશક્ત. ડાબો હાથ ખુરશીના હાથા પર ટેક્વેલો અને જમણા હાથમાં કાષ્ટ કલાકારીગિરીનો ઉત્તમ નમૂનો રજૂ કરતી છડી….. તે છડી અને જમણો પગ જોડાજોડ ગોઠવાઈ ગયેલાં…. જમણો પગ…..જમણો હાથ … છડી…..
જ્યારે જુઓ ત્યારે એ છડી મુગટલાલ શેઠની સાથે જ રહેતી. તેઓ ચાલતા ઓછું, મોટા ભાગે તો કારમાં જ આવવા-જવાનું રહેતું; તોય છડી તો સાથે જ હોય !
અત્યારે પણ મુગટલાલ શેઠ ઓછું-ઘણું જ ઓછું ચાલે છે. હવે તેમને બહાર આવવા-જવાનું થતું નથી. પણ છડી તો તેમની પાસે જ રહે છે. જ્યારે ચાલવું પડે છે ત્યારે છડીની જરૂર પડે છે. જમણા હાથની શોભા બની રહેતી છડી હવે ડાબા હાથનો આધાર બની છે. જમણો હાથ તો દોરી પર કપડું સુક્વ્યું હોય તેવો - લીલાં વૃક્ષ પર લટકતી સૂકી ડાળી જેવો-ચેતનવિહોણો બની ગયો છે. મુગટલાલ શેઠ પક્ષઘાતનો શિકાર બન્યા છે. હવે જમણું અંગ તેમના કાબૂમાં રહ્યું નથી.
પણ મુગટલાલ શેઠને અફસોસ એ થયા કરે છે કે, ઘરમાં માણસો પરથી હવે તેઓ કાબૂ ગૂમાવી બેસશે ! પોતાની આંખનો એક ઈશારો દરેક માટે પૂરતો થઈ પડતો; તેને બદલે હવે કોઈને કંઈ અસર થતી નથી.
તેમણે મનોમન પાકો નિર્ણય કરી લીધો છે : ભલે ગમે તે થઈ જાય, પણ કોઈની દયા પર તો નહિ જ રહું… હું….હું…. અપંગ જેવો થઈ ગયો છું; તે શું થઈ ગયું ? અંદરથી ખુમારી ખોંખારો ખાતી : મને…. મુગટલાલ શેઠને કોઈની, કોઈની મદદની જરૂર શી હોય?
- ના…. ના…. ના….. કોઈના આધારે તો નહિ જ જીવું ! આ જુઓ, કેટલા દિવસ થઈ ગયા, પણ કોઈને મદદ માટે એક શબ્દ પણ કહ્યો છે? મને શું કોઈ મદદ કરી દેવાના હતા ? ભલે દીપુડાએ ચીંધ્યું કામ ન કર્યું… એમાં એ કરેય શું ? એ તો અત્યારે આવું થયું એટલે શું કહું ? નહિતર….?
પણ મુગટલાલ શેઠને અહીં જ ખૂચતું હતું : આવું શું કામ થયું ? બીજું ગમે તે થયું હોત તો વાંધો નહોતો, પણ આવું ? અર્ધું મરેલું ને અર્ધું જીવતું અંગ લઈને જીવવાનું ! આને જીવવું કેમ કહેવું ? આને તો જીવતર ઢસરડવું કહેવાય ! કેટલુંક ખેંચી શકીશ હું ? - થોભો, મુગટલાલ શેઠ ! ભીતર ટકોર કરતું : તમે તો ઢીલા પડતા જાઓ છો… બસ, થાકી ગયા આટલાથી ? સહનશકિત ખૂટી
ગઈ કે શું ? - ના…. ના…. એવું નથી ! મુગટલાલ શેઠ અંદરના મુગટલાલ શેઠને ઉત્તર આપતા : આ શરીરનું દુ:ખ તો સહન થાય છે, પણ આ બધાં-પત્ની, છોકરાં, છોકરાંના છોકરાં, નોકરો સુદ્ધા-કેવું વર્તી
રહ્યાં છે? એ નથી સહન થતું ! મારી પાસે તો કોઈ બે ઘડીયે બેસતું નથી. બાજુના ઓરડામાં બેઠાં-બેઠાં બધાં વાતો કર્યે રાખે છે, પણ અહીં નથી આવતા. પૂછવાનું તો ઘણુંય મન થાય છે : 'અહીં મારી પાસે આવતાં તમારું શું બગડી જાય છે ?' પણ હું આ બધાંને ઓળખું ને ! જવાબ દેવામાં બધાં એક્કા છે ! તરત કહેશે : તમારે આરામ કરવાની જરૂર છે ! અહીં બેસીને વાતો કરીને તમને ખલેલ ક્યાં પહોંચાડવી? - બોલો, આ લોકોને કહેવુંય શું ? અને હું કહું પછી કદાચ કોઈ મારી પાસે બેસે તો એમાં ભલીવારેય શું હોય!
એમ તો ઘરના બધાં જ સભ્યો મુગટલાલ શેઠ પાસે આવે છે, બેસે છે, પૂછપરછ પણ કરે છે. મુગટલાલ શેઠની અગાઉ પ્રતિભા જ એવી હતી કે, કોઈએ તેમની સામે ઊંચી આંખ કરીને કદી વાત કરી નહોતી, આથી બધાં તેમની સાથે ઓછું બોલે છે. પણ મુગટલાલ શેઠને તો એમ જ લાગ્યા કરે છે કે, આ બધાં આવવાં ખાતર જ આવે છે ને બોલવાં ખાતર જ
બોલે છે !
કોઈ મુગટલાલ શેઠ પાસે બેસે અને ખબર-અંતર પૂછે, એ તેમને ગમતુંય ઓછું, પણ બધાં બાજુના ઓરડામાં બેસીને વાતો કર્યા કરે છે તે તેમને ખૂંચતું હતું. તેમને એ સમજાતું નથી કે બધાં ભેગાં થઈને શું વાતો કર્યા કરે છે ? વાતોય એટલી બધી ધીમે ધીમે કરે છે કે, પોતે તે સાંભળી શકતા નથી. ઘણીવાર તેમને મન થાય છે કે પોતે ઊઠીને તે ઓરડાના દરવાજે કાન માંડીને ઊભા રહે, પોતાના વિરુદ્ધની બધી વાતો સાંભળી લે ! એક-બે વખત તો તેમણે-પોતાને ઊભા થવામાં અને ચાલવામાં મુશ્કેલી પડતી હોવા છતાં- ભીંતે કાન દઈને વાતો સંભાળવાનો પ્રયત્ન કર્યો હતો. કોઈ કોઈ વાતો તેઓ સાંભળી શક્યા હતા. જે વાતો સાંભળી હતી તેમાં પોતાના વિશે કંઈ કહેવાતું નહોતું ત એટલે ત્યારે તેમણે એવું તારવ્યું કે, અત્યારે ભલે બીજી વાતો થતી હતી, બાકી મારી વિરુદ્ધની વાતો જ કરે છે બધાં !
પરિણામે મુગટલાલ શેઠની ઊંઘ ઓછી થતી ગઈ : હું….. હું…. મારાં જ ઘરમાં….. મારાં જ ઘરમાં હું સાવ એકલો પડી ગયો છું…. - ના…. ના…..ના….. એમ તો નહિ ચાલે ! મુગટલાલ શેઠની નજર પોતાના ફોટા પર થીજી ગઈ : ઢીલું તો નહિ જ મૂકું…. એકવાર ઢીલું મૂક્યું તો પછી….?
- પણ તમે જ કોઈની સાથે વાત કરતાં નથી. કોઈને બોલાવતા નથી…. ભીતર મુગટલાલ શેઠને ખોતરતું હતું : પછી તમારો કાબૂ ક્યાંથી રહે ?
ખરેખર તો મુગટલાલ શેઠને બીક રહ્યા કરે છે : કોઈને કંઈ કહું ને ન માને તો ? હું અત્યારે કરીયે શું શકું? એના કરતાં વતાવ્યા જ ન હોય તો ? આ મુગટલાલ શેઠે દુનિયા જોઈ છે ને મને ખબર છે કે એકવાર આપણું માન ગયું એટલે ખલાસ !
હા, એ જ વાત છે ને! એકવાર ગયું એટલે ગયું ! મુગટલાલ શેઠના મનમાં છૂપાઈ બેઠેલા ભૂતકાળના મુગટલાલ શેઠે ભંભેરણી કરી : તમે ઢીલું મૂકો તો પછી શું થશે ? આવું જ કર્યે રાખશો તો કોઈ માન નહિ રાખે, હો !
વાત ગળે ઊતરે એવી છે. સાવ નિષ્ક્રિય રહીશ તો આ બધાં સાવ ગાંઠશે નહિ. એ બધાંને ખબર તો પડવી જ જોઈએ કે, હજી હું કંઈક છું ! આજ આ દીપુડાએ ના પાડી, કાલ બીજાય નનૈયો સંભળાવી દેશે અને દીપુડો શીખ્યો કોની પાસેથી ? આ બધાં પાસેથી જ ને ! નહિતર એ બિચારાને શું ગતાગમ પડે ? પણ એ તો જેવું જુએ ને સાંભળે એવું વર્તે ! ભલું હશે તો કોઈએ શીખવ્યું
હશે કે…..
મુગટલાલ શેઠ ઉકળી ઊઠયા. અંદરની ગરમી ઊભરાઈને તેમના શરીરને ભીજવી રહી. મુગટલાલ શેઠની નજર ઉપર ગઈ. પંખો ફરતો બંધ થઈ ગયો હતો : લાઈટ જતી રહી લાગે છે !
તેમણે સહેજ બેઠા થવાનો પ્રયત્ન કર્યો. અકળામણ ખૂબ થતી હતી. સામેની બારીમાંથી પણ હવા આવતી નહોતી. બારી પાસે જ છાપું
પડયું હતું. છાપું પાસે હોત તો તેનાથી હવા નાખી શકાત. મુગટલાલ શેઠને ફરી યાદ આવ્યું : પણ દીપુડાએ છાપું આપ્યું જ નહિ ને ? જવાબ પણ કેવો ઉદ્ધતાઈથી દીધો, જાણે કંઈ પડી
જ નથી !
આમ જુઓ તો મને શું થાય છે તેની કોને પડી છે ? ક્યારનો એકલો પડયો છું, પણ કોઈ આવ્યું છે ? કોઈ જ નથી આવવાના ! શા માટે
આવે કોઈ ?
વાતાવરણમાંથી ગરમી નીચોવાતી હતી. પંખો હજી
બંધ હતો. - છાપું હોય તો તેના વડે હવા નાખી શકાય. મુગટલાલ શેઠની નજર છાપાં અને પંખા વચ્ચે હિલોળાતી હતી : કોઈને બોલાવું ! પાસે ઓરડામાં કે આજુબાજુ જ ક્યાંક હશે બધાં ! કદાચ ઘોરતાં હશે ! કાં તો ધીમે ધીમે કંઈક ઘૂસપૂસ કરતાં હશે ! સાદ પાડીશ તો કોઈક તો સાંભળશે….
મુગટલાલ શેઠે દીપુના નામનો જ સાદ પાડયો. થોડીવાર રાહ જોઈ. કોઈએ સાંભળ્યું હોય તેવું લાગ્યું નહિ. ફરીથી સાદ પાડયો, એ પણ ખૂબ જ ધીમો ! - કોઈ સાંભળે છે ? શું કામ સાંભળે કોઈ ? કોઈને કંઈ પડી નથી .
મુગટલાલ શેઠ અકળાતા હતા. ગળું સૂકાતું હતું. બાજુમાં જ ટેબલ પર પાણી ભરેલું માટીનું માટલું પડયું હતું. મુગટલાલ શેઠ પ્રયત્નપૂર્વક બેઠા થયા. ડાબા હાથે પહેલા ગ્લાસ નીચે મૂક્યો, પછી એ જ હાથે ઢાંકણું ખોલીને નીચે મૂક્યું. ફરીથી ગ્લાસ ઉપાડયો ને માટલામાં બોળ્યો. ગ્લાસમાં પાણી ભરાતું નહોતું, મુગટલાલ શેઠ ઊંચા થયા, થોડા વધુ ઊંચા થયા, પણ સહેજ સમતુલા ગુમાવી બેઠા. માટલું પડતું પડતું રહી ગયું. ગ્લાસમાં થોડું પાણી ભરાયું હતું. મુગટલાલ શેઠ ઝડપથી પાણી પી ગયા. પછી માટલા પર ઢાંકણ ઢાંકી, ઉપર ગ્લાસ ગોઠવીને તેઓ ઊભા થયાં : છાપું લઇ આવું, વંચાશે ને હવા પણ ખવાશે !
બાજુમાં પડેલી છડી ડાબા હાથમાં લીધી. ચાલવા માટે છડી પર શરીરને ટેકવ્યું. ડાબો પગ આગળ લીધો ! થોડુંક ખસક્યા. પણ ટેબલને અડી જવાયું. ટેબલ પરનું માટલું પડી ન જાય તે માટે છડીવાળા હાથે માટલાને પકડી લીધું : હમણાં જ ટેબલ ને માટલું બેય પડત ને કદાચ સાથે હુંય….
એક ક્ષણમાં મુગટલાલ શેઠને વજન વરતાવા લાગ્યું. તેમની નજર ઘડીક માટલા પર, ઘડીક ટેબલ પર, ઘડીક પંખા પર, ઘડીક છાપાં પર ફંગોળાતી હતી. પછી તેમણે ચારે બાજુ જોયું. આ વૈભવ…
આ બધું…. મેં….. મેં જ બધું પરસેવો રેડીને ઊભું કર્યું છે… ને આજ, મારા બેટાં, બધાં એના ઉપર તાગડધિન્ના કરે છે…. હું એ બધાંને જોઈ લઈશ….
તેમની નજર ફરી ચકરાવે ચડી; માટલું…. ટેબલ….. પંખો…. છાપું….. માટલું… ટેબલ…. છાપું…. માટલું…. ટેબલ….. માટલું …. ટેબલ…. માટલું…. માટલું … માટલું…. માટલું…..
ને એકાએક મુગટલાલ શેઠે માટલાને હાથ વડે ધક્કો માર્યો. ટેબલને પણ જોર કરીને આડું પાડી દીધું . મોટો અવાજ થયો. ધ્યાન રાખ્યું હતું તોય તેમને વાગી ગયું. માટલામાંથી ઢોળાયેલાં પાણીમાં થોડું લપસી જવાયું. પછી હળવેકથી અને જાળવીને નીચે લાંબા થઈને સૂઈ ગયા.
ત્યાં તો બધાં દોડી આવ્યાં. બધાં આવ્યાં એટલે - અત્યાર સુધી દરવાજા પર તાકીને રાખેલી આંખો બંધ કરી દીધી. તેમણે બંધ આંખોએ અનુભવ્યું : બધાં તેમની પાસે આવી ગયા છે, તેમને આધાર આપીને ઊભા કરી રહ્યા છે. તેમણે ધીમેથી આંખો ખોલી.
કોઈએ પૂછયું : 'શું થયું, બાપુજી?'
'ગમે તે થયું હોય, એમાં તમારે શું છે ?' કહીને પછી એક-એક ને એવા તો ખખડાવી નાખ્યા કે બધાં નીચી મૂંડીએ સાંભળી જ રહ્યાં .
થોડીવાર પછી -
પંખો ફરતો હતો. મુગટલાલ શેઠ ઘસઘસાટ ઊંઘતા હતા. બધાં તેમની આજુબાજુ બેઠાં હતાં. ઊંઘમાં પણ મુગટલાલ શેઠના હોઠો પર સ્મિત રમતું હતું : એમ છે ત્યારે !









