Ravi Purti

ભારતીય સમાજની વિટંબણા

By GS Team
24 Oct 20264 mins read
ભારતીય સમાજની વિટંબણા
  • આજમાં ગઈકાલ-ભગીરથ બ્રહ્મભટ્ટ
  • બાળકને એકલા પડયાનો કે એકલતાનો અનુભવ જ ન્હોતો થતો. વેકેશન પડે એટલે બાળક મામા-માસા કે કાકાને ત્યાં અડ્ડા જમાવે, ત્યાંના વાતાવરણમાં ભળી જાય

આ જથી પાંચ સાત દાયકા પૂર્વે પરિવાર દીઠ છ સાતભાઈબહેનો હતાં, એટલે કે દરેક બાળકને કાકાઓ અને ફોઈઓ, માસીઓનું ઠીકઠીક પ્રમાણ હતું. મામાઓ-મામીઓની સંખ્યા પણ સારી, બાળકને સ્વજનોનું વર્તુળ હતું અથવા કેન્દ્રમાં બાળક અને પરિઘ ઉપર અપાર સ્વજનો હતાં. એની દરકાર પરોક્ષ રીતે, દાદા, દાદી, બાપા, મોટાકાકા, કાકા અને મામા-મામી, માસા-માસી નાના-નાની, ફોઈ-ફૂઆ, રાખતાં. બાળકને એકલા પડયાનો કે એકલતાનો અનુભવ જ ન્હોતો થતો. વેકેશન પડે એટલે બાળક મામા-માસા કે કાકાને ત્યાં અડ્ડા જમાવે, ત્યાંના વાતાવરણમાં ભળી જાય. ત્યાંના સ્વજનોનો પ્રેમ પામે. ત્યાંના વાતાવરણના સંસ્કારો મેળવે. ખેતી-પશુપાલનનું કામ કરે. આનંદ કરે. આ વગર ફીની તાલીમ હતી. આવી પારિવારિક તાલીમી સંસ્થાઓમાં જ બાળકનું ઘડતર થતું, બાળક સાહસિક બનતું, તેજસ્વી બનતું સંસ્કારી બનતું. આવી પારિવારિક તાલીમી સંસ્થાઓ પડી ભાંગવા બેઠી છે. સંયુક્ત કુટુમ્બપ્રથા નષ્ટપ્રાય થઇરહી છે. બાળક જ નહિ, બાળકનો બાપ અને મા પણ એકલાં પડી રહ્યાં અને એકલતાની ઊધઈનો સમાજમાં સડો દાખલ થઇ ગયો છે. એનું કોઈને ભાન નથી. 'મોડાં લગ્ન' ફેશન થઇ ગઇ છે. તૂટતી જતી સમાજ વ્યવસ્થામાં 'બાળક'નો વિચાર થતો નથી.
સાંપ્રત સમાજમાં શું ચાલે છે? સાઇઠ પાંસઠ વર્ષનો બાપ પોતાની ત્રીસ બત્રીસ વરસની દીકરી માટે છોકરા શોધે છે થાકી ગયો છે. દીકરી પણ હા-ના કર્યા કરે છે. દીકરો પણ નોકરી વગરનો છે, રોજી રોટીના પ્રશ્નો છે ત્યાં લગ્નની ઉપાધિની સમસ્યા સમાજને સતાવે છે. મોટી વયે દીકરાને મળતું નથી. દીકરી પરણવાની ના પાડે છે. પદ, પ્રતિષ્ઠા અને પૈસાને મહત્ત્વ વધારે અપાઈ રહ્યું છે. સામાજિક માળખું તૂટવા માંડયું છે. 'લગ્ન' નામની સંસ્થામાં હવે વિશ્વાસ રહ્યો નથી એ સંસ્થાએ પોતાનું ગૌરવ ઘટાડયું છે કે આદર અને વિશ્વાસ ગુમાવ્યાં છે - લગ્નની વય મોડી થતી જાય છે.
કેટલાયે પરિવારોમાં ભણેલી-ગણેલી તેજસ્વી દીકરીઓને પરણવું જ નથી. કારકિર્દી બનાવવી છે. ગામડું ગમતું નથી અને શહેર મળતું નથી. જવાબદારીવાળું સાસરું ગમતું નથી અને જવાબદારી વગરનું સાસરું મળતું નથી. નોકરી કરવી છે, લગ્ન નથી કરવાં. આવા બહાનાં હેઠળ મહિલાઓની વય વધતી જાય છે. ઉચ્ચશિક્ષણ અને કારકિર્દીનો ખ્યાલ આગળ રાખીને નૂતન જીવનનું ઘડતર કરવાનો વિચાર કરતી આજની યુવતી ભાવિ બાળકના અંધકારમય ભાવિ અંગે વિચાર કરતી નથી. પાંત્રીસ વર્ષે લગ્ન થાય, એ મોટી ઉંમરે થયેલા બાળક પછી બીજું બાળક નહિ કરવાનો નિર્ધાર હોય, ત્યારે એ બાળકના ઉછેરની સમસ્યાઓ અંગે વિચાર થતો નથી. સંયુક્ત પરિવારમાં બાળક ખબર ન પડે એમ મોટું થઇ જતું. આજે? પરદેશમાં તો પગારદાર માણસો સાચવે આપણે ત્યાં હવે બાળકોને પડોશમાં રમતાં હસતાં મૂકીને નોકરી કરવાના દિવસો પણ પૂર્ણ થતા જાય છે. બહેનોને સ્વાવલંબી બનવાના ઓરતા છે, તેમને આજની સ્થિતિમાં કોઇના પર આધારિત રહેવાનું નથી ગમતું. સ્વતંત્રતાનો ખ્યાલ અહમનો વ્યાપ વધારી રહ્યો છે. જાતે નિર્ણયો લેવા પડે છે. ક્યાંક અનુભવના અભાવે તે ખોટા પણ પડે છે… (દા.ત. 'મા' નહિ બનવાની શરતે લગ્નો થાય છે) નવા ખયાલો પરંપરાગત ખ્યાલોની આડે આવતાં, પરંપરાગત સામાજિક માળખું તૂટવા માંડે છે. મા-બાપને રાખવાની વહુ-વરની તૈયારી ના હોય તો બાળકને સાચવવાની મા-બાપ પાસે અપેક્ષા કેમ રખાય? બાળકો દાદા-દાદીના પ્રેમથી વંચિત થતાં જાય છે. બીજી તરફ છોકરાઓ પણ મોટી ઉંમરે પરણતાં નથી અને સમસ્યા બને છે.
આજે સમાજમાં અવિવાહિત પુરુષોની સંખ્યા વધી રહી છે. કુંવારી અપરણિત સ્ત્રીઓની સંખ્યામાં પણ વધારો થઇ રહ્યો છે. વૃધ્ધો એકાકી બન્યા છે. વૃધ્ધાશ્રમોની સંખ્યામાં પણ ઉત્તરોત્તર વધારો થઇ રહ્યો છે. વૃધ્ધો ઘરડા નહિ, એકલાં પડી ગયા છે . બાળકોને મોબાઈલને સહારે છોડી દેવાયાં છે અને બાલમંદિરો, નર્સિંગ હોમનાં ગજવાં ભરાય છે - સંસ્કાર નામની સંપૂર્ણ ગેરહાજરીમાં બાળકો મોટાં થાય છે. સંવેદનાનું શિક્ષણ તેઓ ક્યાંથી મેળવે છે? આત્મીયતાની તાલીમ તો તેમને ક્યાંથી મળે? પરિવારોમાંથી જે પ્રેમ મળતો તે આજની શિક્ષણ સંસ્થાઓ ક્યાંથી આપી શકવાની?
પાંચ-સાત દાયકા પૂર્વે વીસ વર્ષ સુધીમાં છોકરા છોકરી પરણી જતાં - સમાજ પરણાવી દેતો. એ લોકો પાંચ પેઢી જોઈ શકતા. પછી પચીસ વર્ષ થયાં એટલે ચાર પેઢી જોઈ શકતા, આજે ત્રીસ વર્ષની વયે લગ્નઓ થાય છે માંડ ત્રણ પેઢીનાં દર્શન થાય છે. બાળકોની સંખ્યા ઘટવાથી મામા-મામી, ફોઈ-ફુઆ, માસી-કાકા આ સંબંધોથી સંવાદ કરતું બાળક સંવાદ શૂન્ય બની જશે. હવે તો ત્રણ પેઢીનાં દર્શન દુર્લભ થતાં જશે. ત્રીજી પેઢી નાબુત થઇ જશે. શેરીઓ, મહોલ્લાઓ ગામનાં પાદરો બાળક વગરનાં દેખાવા લાગ્યાં છે. ભવિષ્ય ધુંધળું જરૂર છે. મોર્ગન સ્ટેન્લીનો મે ૨૦૨૬નોે એક આંતરરાષ્ટ્રીય અભ્યાસ એમ કહી રહ્યો છે કે આગામી છ વર્ષમાં વિશ્વની ૪૫% મહિલાઓ અવિવાહિત જોવા મળશે એના કેન્દ્રમાં પદ, પ્રતિષ્ઠા અને
પૈસો રહેશે.
પદ, પ્રતિષ્ઠાની પાછળ પડેલા આજના યુવકો, યુવતીઓ વૃદ્ધત્વવેળાએ કોની, કેવી હૂંફ મેળવશે? એ પ્રશ્ન સમાજ માટે ચિંતાનો બની જશે. જીવનના અંતે ઉપલબ્ધિમાં શું હશે?
અરે! કેવળ પૈસો, પદ, પ્રતિષ્ઠાને શું કરશો?