રૂરલ ડેવલપમેન્ટ : દિલ બહલાને કો ખયાલ અચ્છા હૈ!

સાઈન-ઈન-હર્ષ મેસવાણિયા
સંયુક્ત રાષ્ટ્રસંઘ છઠ્ઠી જૂનને વર્લ્ડ રૂરલ ડેવલપમેન્ટ ડે જાહેર કરીને ગ્રામ્ય સ્તરે વિકાસ કરવા ભલામણ કરે છે, પરંતુ હકીકત એ છે કે ગામડાંનાં વિકાસમાં કોઈનેય રસ રહ્યો નથી
ગામડું કોને કહેવાય?
ભારતમાં ગામડું એટલે ખેતી-પશુપાલન અને ખેતમજૂરી પર નિર્ભર વિસ્તાર કે જેની વસતિ પાંચ હજારથી ઓછી હોય અને ગ્રામ પંચાયતથી સંચાલન થતું હોય. પહાડી, રણ કે સરહદ જેવાં દુર્ગમ વિસ્તારોમાં એક-મેકથી ખાસ્સાં દૂર રહેતા પરિવારોને પણ એક ગામ ગણવામાં આવે છે અને એ રીતે પંચાયતની સિસ્ટમ ગોઠવાય છે.
અમેરિકા-કેનેડા જેવા દેશોમાં વિલેજ એટલે મ્યુનિસિપલ કોર્પોરેશનથી નાની વ્યવસ્થાની કોમ્યુનિટી. એ ટાઉન જેવી પણ હોય શકે. અમેરિકામાં ગામ માટે વસતિનો કોઈ માપદંડ નથી. મોટા શહેરોથી દૂર રહેતા હોય એ તમામ લોકો કન્ટ્રીસાઈડ એટલે કે ગામડાંમાં રહે છે એમ કહેવાય છે. શહેરોની સરખામણીએ ત્યાં કુદરતી વાતાવરણ વધારે હોય.
બ્રિટન સહિત યુરોપમાં શહેરોથી દૂર ૫૦૦થી ૨૫૦૦ લોકો રહેતા હોય તેને ગામડું કહેવાય. મોસ્ટલી એ લોકોનો જીવનનિર્વાહ ખેતી-પશુપાલન કે નાના-મોટા વેપારથી થતો હોય. યુરોપના ઘણાં દેશો વિલેજ એને ગણે છે જ્યાં ઐતિહાસિક વસવાટના પુરાવા હોય. નદીકાંઠે ઉપરાંત દરિયાકાંઠે આવા ગામડાં જોવા મળે છે.
આફ્રિકામાં એશિયાની જેમ પાંચ હજાર સુધીની વસતિ રહેતી હોય તેને ગામડું કહેવાય છે. તેની રીત-ભાત, કલ્ચર અને કામથી પણ ગામડાંની વ્યાખ્યા નક્કી કરવામાં આવે છે. શહેરની જેમ મોટું વહીવટી માળખું આફ્રિકન ગામડાંમાં નથી હોતું. પાકા રસ્તા અને સરકારી સેવાઓનો અભાવ એ આફ્રિકન ગામડાંઓની ઓળખ છે.
ટૂંકમાં, આખી દુનિયામાં શહેરોથી દૂર, નાની વસતિ સમૂહમાં રહેતી હોય તેને ગામડાં કહેવાય છે. મોસ્ટલી, પરંપરાગત પદ્ધતિથી આ લોકો રોજગારી મેળવે છે. રૂરલ એરિયા જેને કહેવાય છે ત્યાં સુવિધાનો અભાવ ઉડીને આંખે વળગે છે. આસપાસ કુદરતી વાતાવરણ હોય પણ ખરું અને ન પણ હોય - આ છે ગામડાં.
દુનિયાના આવા ગામડાંઓમાં હજુય ૩૫૦-૩૭૦ કરોડ લોકો રહે છે. જગતની વસતિ ૮૩૦ કરોડને પાર પહોંચી ગઈ છે. કુલ વસતિના ૪૫ ટકા લોકો રૂરલ એરિયામાં રહે છે. ઓછી સુવિધા, રોજિંદા જીવનની હાડમારી તેમને કોઠે પડી ગઈ છે. પૃથ્વીના ગોળાની એક તરફની દુનિયા એક ક્લિકમાં ફૂડ ઓર્ડર કરીને પાંચ-સાત મિનિટમાં આરોગી શકે એટલી સુવિધા ભોગવે છે, તો બીજી તરફના લોકોને હોસ્પિટલ પહોંચવું હોય ને નજીકનું શહેર માત્ર ૧૫ કિલોમીટર દૂર હોય તો પણ કલાક-બે કલાક નીકળી જાય છે.
સૌથી ગરીબ ગામડાં આફ્રિકામાં છે. કુપોષણ આ ગામડાંની ઓળખ છે. સુવિધા શબ્દ સાથે તેમને હજુ હમણાં સુધી તો કંઈ લાગતું-વળગતું ન હતું, પરંતુ હવે યુએન જેવી સંસ્થાઓની આર્થિક સહાયની અસર જોવા મળે છે એટલે સ્થિતિ થોડીક સુધરી છે. ગરીબી અને ગામડાં એકાકાર થાય પછી જે ચિત્ર બને છે એ છે આફ્રિકાના ગામડાં.
રૂરલ પોપ્યુલેશનની વાત હોય તો ભારતના ગામડાં માથું કાઢે છે. દેશમાં આજેય ૬૫ ટકા વસતિ ગામડાંમાં રહે છે. એક દશકા પહેલાં ૭૨ ટકા વસતિ ગ્રામ્ય વિસ્તારમાં રહેતી હતી, પણ દેશમાં શહેરીકરણનો પવન ફૂંકાયો છે એટલે શહેરો મોટાં થયા છે. જોકે, આજેય ખેતી-પશુપાલન અને ખેતમજૂરી પર નિભાવ કરીને દેશના ૯૧-૯૨ કરોડ લોકો ગામડાંમાં રહે છે. ભારત જેટલાં ગામડાં બીજા કોઈ દેશમાં નથી. દેશમાં સત્તાવાર રીતે ૬.૬૫ લાખ ગામડાં છે. જેને ટેકનિકલ ભાષામાં રેવન્યૂ વિલેજ કહેવાય એવા આ ગામડાંઓનું તંત્ર ૨.૬૮ લાખ ગ્રામ પંચાયતો
ચલાવે છે.
ભારત પછી ગામડાંની સંખ્યાની રીતે ૬ લાખ ગામડાં સાથે ચીન બીજા ક્રમે છે, પરંતુ ચીનમાં વીજળી-પાણી-રસ્તાની સવલતો ભારતથી સારી છે. ચીને ગામડાંની સંખ્યાને ધ્યાનમાં રાખીને એડમિનિસ્ટ્રેશન એ રીતે વિકસાવ્યું છે. ભારતીય રેફરન્સથી સમજીએ તો ભારતમાં જ્યાં ૬.૬૫ લાખ ગામડાંનો વહીવટ ૨.૬૮ લાખ ગ્રામ પંચાયતો કરે છે તેની સામે ચીનમાં છ લાખ ગામડાંનો વહીવટ ૮ લાખ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસમાં થાય છે એટલે સુવિધા બહુ ડીલે
થતી નથી.
ભારત-ચીન ઉપરાંત ઈન્ડોનેશિયા, પાકિસ્તાન, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન, ઈરાન, ઈરાક જેવા દેશોમાં વિશાળ ગ્રામ્ય વિસ્તારો છે. સંખ્યાની દૃષ્ટિએ દક્ષિણ એશિયા સર્વાધિક ગામડાં ધરાવતો ભૂભાગ છે. વાત જો વધુ જમીન ધરાવતા ગ્રામ્ય વિસ્તારની હોય તો એમાં રશિયાનો પહેલો નંબર આવે છે. રશિયાની કુલ જમીનમાંથી ૯૯ ટકા જમીન ગ્રામ્ય વિસ્તાર ગણાય છે. ૧.૬૨ કરોડ સ્કવેર કિલોમીટરનો વિસ્તાર રશિયામાં રૂરલ એરિયા છે.
વેલ, વિશ્વમાં ગ્રામ્ય વિસ્તાર જેને કહેવાય છે એમાં ૩૭૦ કરોડ માથા રહે છે, પરંતુ ૨૧મી સદીમાં પણ તેમને શહેરો જેટલી સુવિધા આપી શકાઈ નથી. છેલ્લાં ૧૫૦-૨૦૦ વર્ષમાં માનવજાતિને ઉપયોગી અગણિત શોધો થઈ. એનાથી સેંકડો લોકોની હાડમારી ઘટી. ગામડાંમાં રહેતા લોકોનો સંઘર્ષ પણ છેલ્લાં ત્રણ-ચાર દશકામાં બેશક ઘટયો છે, પરંતુ હજુય આખી દુનિયામાં રૂરલ વિસ્તારના લોકોને અભાવો-અડચણોનો સામનો દરરોજ કરવો પડે છે.
હજુય અંતરિયાળ વિસ્તારમાં વીજળી માંડ પિયત માટે પહોંચતી હોય ત્યાં ડ્રોનથી ફસલ પર નજર રાખવાનો વિચાર કલ્પનામાં જ રહી જાય છે. વરસાદ પડયો ન પડયો કે વીજળી ગૂલ થઈ જતી હોય એવું તો ભારતના ગ્રોથ એન્જિન ગુજરાતના અનેક ગામડાંમાં અત્યારે પણ
બને છે.
…તો આવા અભાવોમાં જીવતા લોકોને પૂરતી સુવિધા મળે તે માટે સંયુક્ત રાષ્ટ્રસંઘે છઠ્ઠી જુલાઈને વર્લ્ડ રૂરલ ડેવલપમેન્ટ ડે જાહેર કર્યો છે. ગ્રામ્ય વિકાસની વૈશ્વિક અર્થતંત્રમાં સીધી અસર થતી હોવાથી એ વિસ્તારોના વિકાસ માટે બધા દેશો પ્રયાસો કરે તેની ભલામણ કરવામાં આવે છે, પણ ગ્રામ્ય વિકાસનો વિચાર જ ગાલિબના શેરની જેમ દિલ બહલાને કો ખ્યાલ અચ્છા હૈ જેવો થઈ ગયો છે. આવા પ્રયાસોની કોઈ અસર થતી નથી. સ્થિતિ ઠેરની ઠેર રહે છે એટલે સુવિધા મેળવવા ગામડાંના લોકો શહેરમાં આવીને રહે છે, તેથી શહેરીકરણ સમસ્યા બન્યું છે. ભારત જેવા દેશો પાસે હજુય સમય છે. શહેરીકરણની સમસ્યા વકરી જાય તે પહેલાં ગામડાંમાં જે નથી પહોંચ્યું એ પહોંચતું કરવું પડશે. ગામડાંમાં જ શિક્ષણ, રોજગારી, સવલતો સાથે સસ્ટેનેબલ લાઈફસ્ટાઈલ મળી રહે તો ગામડાં હજુય બચી જાય તેમ છે.
સવાલ એ છે, આવું કરવામાં રસ કોને છે?
રૂરલ એરિયાના સ્ટૂડન્ટ્સનો પગપાળા 'સ્કૂલ-પ્રવાસ'
દેશના મોટા શહેરોમાં વહેલી સવારથી સ્કૂલબસના હોર્ન શરૂ થાય છે તે છેક બપોરે સ્ટૂડન્ટ્સ પાછા આવે ત્યાં સુધી ચારેબાજુ રસ્તાઓમાં સ્કૂલબસ જોવા મળતી રહે છે. પ્રાઈવેટ રીક્ષા અને ટેક્સીઓ તો ખરી જ, પેરેન્ટ્સ બાળકોને લેવા-મૂકવાની ડયૂટીમાં લાગેલા હોય એ અલગ. તે રીતે શહેરોમાં સ્ટૂડન્ટ્સનો ઘરથી સ્કૂલ અને સ્કૂલથી ઘરનો પ્રવાસ ઘણો સરળ બને છે. તેની સામે નેશનલ સ્ટેટિસ્ટિક ઓર્ગેનાઈઝેશનના સર્વેનું માનીએ તો ગ્રામ્ય વિસ્તારોમાં ૬૦-૬૫ ટકા વિદ્યાર્થીઓ ચાલીને સ્કૂલે જાય છે. શહેરોની કમ્પેરમાં ગામડાંમાં પ્રાથમિક સ્કૂલ્સ ઘણી નજીક હોય છે એટલે બેથી માંડીને પાંચ કિલોમીટર ચાલવું પડે છે, પરંતુ હાઈસ્કૂલમાં આવ્યા પછી આ સ્ટૂડન્ટ્સ માટે પગપાળા-સાઈકલ કે પબ્લિક ટ્રાન્સપોર્ટમાં સ્કૂલ-પ્રવાસ લાંબો થઈને ૧૦થી ૩૫ કિલોમીટર સુધીનો થઈ જાય છે. આ અંતર માટે સ્કૂલબસની સુવિધા માત્ર ૨૪ ટકા ગ્રામ્ય સ્ટૂડન્ટ્સને મળે છે.
ગામડાંમાં ૧૦૦૦ કિલોમીટરે ૨૬ બસની કનેક્ટિવિટી
સંયુક્ત રાષ્ટ્રસંઘ અને વર્લ્ડ બેંક કહે છે એમ ગામડાંમાં રહેતા ૧૦૦ કરોડ લોકો સુધી ઓલવેધર રોડ નથી. આ લોકોને શહેરો સુધી પહોંચવામાં ખૂબ મુશ્કેલી પડે છે. દુનિયાની કુલ ગ્રામ્ય વસતિમાંથી ૬૫ ટકા વસતિને પબ્લિક ટ્રાન્સપોર્ટની સુવિધા મળે છે ખરી, પણ એમાં ખૂબ અવરોધો આવે છે. ભારતમાં ૧૦૦૦ કિલોમીટરના ગ્રામ્ય વિસ્તારોમાં સરેરાશ ૨૬ બસની સુવિધા છે. એ ઘણી ઓછી કહેવાય. દેશમાં સ્ટેટ ટ્રાન્સપોર્ટની ૧.૧૫ લાખ બસોની કનેક્ટિવિટી ગામડાં સુધી પહોંચે છે. વસતિની રીતે જોઈએ તો ગ્રામ્ય સ્તરે ૧ લાખ લોકોએ પબ્લિક પરિવહનની માત્ર ૧૭ બસો જ અવેલેબલ છે. તેનો અર્થ એ કે એક લાખ લોકોમાંથી માત્ર ૧૦૦૦-૧૧૦૦ લોકોને જ બસમાં બેસવાની સગવડ અત્યારે મળી શકે છે.
લીટરલી 'તનતોડ' મહેનત કરતી ગ્રામ્ય મહિલાઓ
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનનો વૉચ રિપોર્ટ કહે છે એમ આખી દુનિયામાં ગ્રામ્ય વિસ્તારોમાં રહેતી મહિલાઓના ભાગે વધારે કામ કરવાનું આવે છે. આફ્રિકાના ગામડાંમાં પુરુષોની સરખામણીએ મહિલાઓને સપ્તાહમાં ૧૪થી ૧૭ કલાક વધારે કામ કરવું પડે છે. ભારતની ગ્રામીણ મહિલાઓ શહેરોમાં રહેતી મહિલાઓથી વીકમાં ૧૧ કલાક અને પુરુષો કરતાં ૧૨ કલાક વધારે કામ કરે છે. ભારતની ગ્રામ્ય નારી આજની તારીખે પણ એવરેજ દરરોજ ૪૫ મિનિટથી એક કલાક તો પાણી ભરવા પાછળ આપે છે ત્યારે પરિવારના બધા સભ્યોને પાણી પૂરું પડે છે. ગામડાંમાં રહેતી મહિલાઓમાંથી ૧૦માંથી ચારને ડેઈલી એવરેજ ૩૦ મિનિટ પાણી ઊંચકીને ચાલવું પડે છે. તેમના વાર્ષિક કિલોમીટર કાઉન્ટ કરીએ તો વર્ષે એક હજાર કિલોમીટરનું અંતર પાણી માટે આ મહિલાઓ ચાલીને કાપે છે!









