Get The App

ગરવ કિયો સો નર હાર્યો : પ્રેમ અને પોલિટિક્સમાં દિલ ન જીતવાના કારણો સરખા છે !

Updated: Feb 16th, 2020

GS TEAM

Google News
Google News
ગરવ કિયો સો નર હાર્યો : પ્રેમ અને પોલિટિક્સમાં દિલ ન જીતવાના કારણો સરખા છે ! 1 - image

સ્પેક્ટ્રોમીટર - જય વસાવડા

દિલ્હી ઈલેકશનના એનાલિસીસ વાંચીસાંભળીને બોર થઇ ગયા હશો એટલે એ એકની એક વાત નથી કરવી રિપીટ. થોડી સાચી, વધુ ઊંડી ને વધુ મહત્વની દેશહિતમાં એવી વાતો કરવી છે

કેન્દ્રમાં મોદીની લોકપ્રિયતા બરકરાર હોવા છતાં સુશાસનનું સપનું સરખું ન હોવાને લીધે એક પછી એક રાજ્યો સરકતા જાય છે

મર્દ બનીને દર્દ ઉધાર લીધું હોય,પ્રેમમાં ચકચૂર ભરપુર પડયા હો, દિન ગુલાબી અને રાત શરાબી થાય એવો માહોલ હોય.... અને એમાં રવાનો શીરો ખાતા હો ત્યાં મોંમાં કડક કાંકરો આવે એમ કોઈ હરીફ ત્રીજો ખૂણો બનીને દિલ પર કરવત ચલાવવા લાગે. ન કહેવાય, ન સહેવાય, ન રહેવાય એવી વેદનામાં જીગર ભડભડ બળવા લાગે ત્યારે એ 'રકીબ' ( થર્ડ પાર્ટી એવો આપણી માની લીધેલી માશૂકનો એણે ધારી લીધેલો આશિક)નો તોડ કેમ કાઢવો ?

એક રસ્તો છે રાંઝણા વે, જે મોટા ભાગના ઈશ્કબાજો અપનાવતા હોય છે. રાઉડીટપોરી બનીને એ કોમ્પિટીટર પર તૂટી પડવાનું. એના હાડકા ખોખરા કરી દેવાના. એનું કાસળ કાઢી નાખવાનું. એને બીવડાવી ભગાડવાના. પણ ખાટલે મોટી ખોડ એમાં એ છે કે એમાં પ્રેમિકા રીઝે નહી, ઉલટી ખીજે. દિલ લેવા જતા દોસ્તી પણ જાય. અને પછી એકલા આંસુ સારવા પડે.

બીજો રસ્તો છે, કબીર સિંહ વે. કોઈ નવું એન્ટ્રી ન કરે એની આગોતરી સાવચેતીમાં ગુમાની બનીને સતત પોતાની પ્રેમિકા પર ધોંસ જમાવવી. માલિકી હક જતાવવો. એને ધમકાવીને કાબૂમાં રાખવી ને પોતે જ પ્રેમ કરે છે ને પોતે જ એનું રક્ષણ કરશે અને એણે કોઈ પણ સ્થિતિમાં પોતે કહે એ જ કરવાનું એવું આધિપત્ય જમાવવું અને પછી એ પ્રેમથી ગૂંગળાઈને અંતે નિર્બળ લાગતી નારી પણ ડોમિનન્સ ફગાવી ચાલી જાય એની પાછળ પીલુડાં પાડતા માથા પછાડતાં રોતા રહેવું.

ત્રીજો રસ્તો છે 'આપ કી કસમ' વે. પોતાની ગમતી યુવતી બીજા કોઈ સાથે ફ્રેન્ડશિપ પણ કરી ન શકે, નોર્મલથી આગળ સ્પેશ્યલ સંબંધ પણ રાખી ન શકે. જરાક હસેબોલે ત્યાં શંકા કરવાની ને એના ભરોસાની પાછળ પડી જવું. સાચી વાત કરે તો ઝગડા કરી એનો કબજો જાળવવાની કોશિશ કરવી. એમાં એના માટે એટલા એનોયિંગ અને ઈરિટેટિંગ થઇ જવું કે એને રસ ન પડે ને એ બતાવી દેવા છોડીને બીજા સાથે જાય. પછી જિંદગી કે સફર મેં ગુજર જાતે હૈ જો મકામ વો ફિર નહિ આતે નો આજીવન પસ્તાવો કરવો.

ચોથો રસ્તો છે 'છોટી સી બાત' વે. જેમાં કર્નલ અશોક કુમાર અમોલ પાલેકરને અબજ રૂપિયાની વાત સમજાવે છે કે 'પેલા' પર ફોકસ થઈને એનું ચિંતન કરવાનું જ બંધ કરો. ને ખુદની આત્મખોજ કરો. આપણી પર્સનાલિટીમાં શું પ્રોબ્લેમ છે ? આપણો કોન્ફિડન્સ ક્યાં કાચો છે. એ ચેક કરો. પછી ખુદમાં સુધારો કરો. ફલાણા સાથે કમ્પેર કરીને નહિ. પણ એ જરૂરી છે કોઈની જોડે રહેવા જેટલા લાયક બનવા માટે, એને વિશ્વાસ અને સુરક્ષાનો અહેસાસ આપવા માટે એટલે. એનામાં આકર્ષણ સામે ચાલીને જાગશે તો જ બીજાના પ્રભાવ ઘટશે એટલે. ધ બેસ્ટ ઓપ્શન.

એક પાંચમો ય એમ તો છે. પણ બહુ અઘરો ને બહુ ઓછાથી જ ચાલી શકાય એવો 'ગાંધીચીંધ્યો' માર્ગ. જેમાં વળી કોઈ ગેરેંટી પણ નથી રિઝલ્ટની 'હમ દિલ દે ચૂકે સનમ' વે. જેમાં ઝાઝી દલીલોને બદલે ત્યાગ કરી શકાય એટલો પ્રેમ કરતા રહીને સહન કરીને માની લીધેલી પ્રેમિકાના સુખ ખાતર ખુદ દુખ ભોગવવા સુધીની કસોટીમાંથી અપેક્ષા વગર પસાર થવું. ને કદાચ સામે ચાલીને પ્રેમ જન્મે તો ઠીક , નહિ તો હરિઈચ્છા કહીને પોતાનું પ્રેમતત્વ અને સત્વ ગુમાવવું નહિ તે.

આ લાગુ ખાલી મહોબ્બતમાં જ નથી પડતું. આખિરકાર વાત ઈમોશનની છે, ને માણસ મૂળ તો લાગણીઓનો બનેલો છે. ધંધામાં, ઘરમાં, સ્કૂલ-કોલેજમાં, જીવનમાં બધે જ લાગુ પડે છે. અને પોલિટિક્સમાં 

પણ ! 

    

દિલ્હીની શિકસ્ત આમ તો કોર્પોરેશન લેવલના નાના રાજ્યની હાર છે. પણ લોકસભામાં ભાજપની જીત બબ્બે વાર ને જે રીતે એન્ટી ઇન્કમ્બન્સીને બદલે લોકસભામાં મોદીમેજીકથી થયું હતું એમ ફરી એ જ પ્રભાવક બહુમતી સાથે સત્તા મળી કેજરીવાલને, અને આ વખતે કોમવાદી ધ્રુવીકરણના જે માહોલમાં મળી એ સૂચક છે. 

વળી એને પ્રતિષ્ઠાનો પ્રશ્ન ભાજપે જ બનાવ્યો હતો. કીડી પર કટકની જેમ તૂટી પડેલા પૂરી ફોર્સથી. ઝેરની પરાકાષ્ઠા જેવા તદ્દન દબંગ ગુંડાગીરી જેવા નિવેદનો. ટોચના તમામ નેતાઓ ઉતરી આવે, મુખ્યમંત્રીઓ અને સાંસદો હોંશિયાર. સ્વયં ગૃહમંત્રીએ ભરોસો જતાવ્યો હતો એ કાયમના ભેરુ સાઈબરસૈનિકો પણ ખબરદાર. ધારે તો એક દિવસમાં ઉપરથી જે વિખેરી શકાય એ શાહીનબાગ પણ ટ્રેપ તરીકે તૈયાર. મીડિયામાં સમાચારોનો ઢગલો. જાણે ઝેરેક્સસે ઘેરો નાખ્યો હોય લિયોનાઈડસ ફરતે ચક્રવ્યૂહ બનાવી એવું લાગે. ને આવામાં પ્રેક્ષક બળિયા સામે બાથ ભીડનારાને હોય કે ન હોય, પણ  હીરો ગણી લે એ હ્યુમન સાયકોલોજી છે. આપણને ઇંગ્લેન્ડ કે ન્યુઝીલેન્ડ બેમાંથી કોઈ વર્લ્ડકપ જીતે એનાથી ફેર ન પડતો હોવા છતાં મોટા ભાગની નેચરલ સિમ્પથી નાના ન્યુઝીલેન્ડ તરફ કેમ હતી ? એવું જ. 

છતાં ય રિઝલ્ટ આવ્યું એક સમયે ૨૦૧૪માં બનારસમાં નાક કપાવનાર કેજરીવાલની ફેવરમાં ! અમુક રિઝન્સ તો આવી ગયા એના - લોકોને સ્થાનિક રાજ્યોની ચૂંટણીમાં લોકલ લેવલનો ફેસ જોઈએ છે. ભાજપ પાસે ઇન્દિરાયુગ પછીની કોંગ્રેસની જેમ એવા ક્રાઉડપુલર ચહેરા ઓછા છે. મનોજ તિવારી જેવા કાર્ટૂનો જ વધુ આવી ચડયા છે ને એ ય આયાતી. કેજરીવાલે સ્માર્ટલી ભૂલોમાંથી શીખવાની વૃત્તિ રાખી, અહંકારમાં ભૂલો નકારી કાઢવાની નહિ. અગાઉ એરોગન્સમાં પોતાના સાથીઓને કાઢી મુક્યા હતા ને કેપેસિટી વગર નેશનલ લેવલે છવાઈ જવાના હવાતિયા મારેલા અને પાળી ન શકાય એવા નિવેદનો કરીને પછી ફેરવી તોળ્યું હતું, ને સતત મોદીવિરોધની ધૂણી ધખાવી હતી, એ બંધ કરી પોતાના કામ પર ફોકસ કર્યું. એજ્યુકેટેડ માણસ છે, વાંચતાબોલતા આવડે છે. માત્ર ભારતના ભૂતકાળનું જ જ્ઞાાન નથી, ગ્લોબલ ટ્રેન્ડસ આજના ખબર છે અને મૂળ આવડત એની ઇકોનોમિકસમાં અને ટેકનોલોજીમાં છે - એ સ્ટ્રેન્થ હતી એનો ફાયદો લીધો. બીજાની વીકનેસ બતાવીને લડવાનું છોડયું. 

કેગના રિપોર્ટમાં હતું એમ પાંચ વરસથી સરપ્લસ ઈકોનોમી દિલ્હીની છે. મતલબ ખોટમાં નથી. ખોટા વૈભવી ખર્ચને બદલે લોકોની દુઃખતી રગ એવા બે સેક્ટર હેલ્થ એન્ડ એજ્યુકેશન પકડી લીધા. આપણે ત્યાં હિંદુ હોય કે મુસ્લિમ - દરેક ધર્મના મોટા ભાગના (બધા નહિ) ચુસ્ત ઠેકેદારોની મોડસ ઓપરેન્ડી એ હોય છે કે એ પોતાના ધામક ઉત્સવોમાં ખર્ચ કરે એટલું સમાજના આરોગ્ય અને શિક્ષણ પાછળ નથી કરતા. વળી પુરુષપ્રધાન માનસિકતાને લીધે સ્ત્રીઓને સેકન્ડરી સિટીઝન સમજે છે. અને યૌવનને ગમતી મોકળાશ ને મુક્તિના ઘોર શત્રુ બનીને એટલે સિનેમા જેવા એમને ગમતા માધ્યમોને જાતભાતની ફાંકાબાજ વાર્તાઓ બનાવી વખોડયા જ કરે છે. એટલે જે લોકો ધર્મને દેશથી ઉપર મુકે એમાં આ લક્ષણો વધુ એક્ટીવેટ થઇ જાય છે.

કેજરીવાલે ફિમેલ સ્પેશ્યલ ટ્રેન્ડ પારખી સ્ત્રીઓ માટે ફાયદાકારક યોજના કરી. યુવાનોના આનંદને ક્યાંય વખોડયો નહિ. સૌથી મોટી વાત. અગાઉ અનેક વખત કહેવાયું છે એમ મોદીનો જેટલો વ્યક્તિગત વિરોધ એટલી મોદીની મજબૂતી. પહેલી વખત સ્માર્ટલી એમણે અન્ય વિપક્ષી નેતાઓની સાપેક્ષે (શશી થરુરનું મૂળ પ્રિસ્ક્રીપ્શન હતું આ ! પણ કોંગ્રેસમાં એમને પ્રમુખ પણ ક્યાં કોઈ બનવા દે !) એ પાઠ શીખી, મોદી પર તીર તાક્વાને બદલે છોટી સી બાતની જેમ પોતાના કામની બ્રાન્ડ બનાવવા પર ફોકસ કર્યું. અને ભાજપે સેલ્ફ ગોલની જેમ કેજરીવાલ પર એટલી હદે થ્રો બોલિંગ કરી કે હનુમાનજીનું મંદિર અશુદ્ધ થઇ ગયું જેવા નો બોલનું ઓવરસ્ટેપિંગ થઈ ગયું !

અને ટોચના નેતાઓ જેવી મેચ્યોરિટી બતાવીને હાર સ્વીકારવાને બદલે, ઘણા ફ્રસ્ટ્રેટેડ ફોલ્ડરિયા ગોખેલો મેસેજ ચોંટાડી જે ડિનાયલમાં જતા રહ્યા 'આ મફતિયું' કહીને, એ રાંઝણા મોડમાં છે. દિલ્હી લોકસભામાં ભાજપને સાતમાંથી સાત સીટ આપનાર મતદારોને હવે મૂરખ, હિંદુદ્રોહી ને લાલચુડા કહીને ખુદની આબરૂ ઘટાડી રહ્યા છે. તમારા લવલેટરનો જવાબ ના આપે એટલે છોકરી કેરેક્ટરલેસ એ થર્ડ ક્લાસ મેન્ટાલિટી થઈ. અરે ભાઈ, ટેક્સપેયરના પૈસે ટેક્સપેયરને સારી સુવિધા મળે, ને સમાજમાં ગેપ વધતો હોય ધનિકો ને ગરીબોનો એ વખતે નીચલા વર્ગને રાહત મળે એ માટે તો સરકાર છે. સરકારે શું ચોવીસ કલાક યુદ્ધો લડવાના કે પૂજાપાઠ કરવાના છે ?

યુરોપના અતિવિકસિત દેશોમાં હેલ્થ ને એજ્યુકેશન ફ્રી હોય છે જ. આ તો બેઝિક ડયુટી છે કોઈ પણ સરકારની. માત્ર સેલ્ફ ફાઈનાન્સ સ્કૂલો ઘર ભરે ને સરકારી સ્કૂલો ખાલી પડે, પ્રાઈવેટ હોસ્પિટલમાં કમરતોડ ખર્ચ હોય ને સરકારી હોસ્પિટલમાં બીમારી વધી જાય ચેપથી, એ  માટે વહીવટ નથી. આયુષમાન ભારત કે જનધન જેવી યોજનાઓ ય ટેક્સપેયરના પાસે ચાલે છે, ને ચાલવી જોઈએ. ખુદનો પક્ષ કરે એ લીલા ને બીજા કરે એ છીનાળું એવું વાત આજે લાંબી ન ચાલે. પબ્લિક તો પોતાને નડતા સડક, બીજલી, પાની જેવા મુદ્દાને સ્થાનિક લેવલે પ્રાયોરિટી આપે. જેમ નેશનલ લેવલ પર જેહાદી આતંકવાદ અને નાગરિકહિતના કાયદાના સુધારા અને ઇકોનોમિક વિઝનને આપે એમ જ. કોઈ નોર્મલ મિડલ ક્લાસ ફેમિલીને પોતાના બાળકોના હાથમાં દંડા નથી જોઈતા હોતા, દફતર જોઈએ છે. 

પણ આ ડેવલપમેન્ટના નામે વોટ માંગનાર અને શક્તિશાળી કેન્દ્ર સરકાર સામે કામના જોરે એકલે હાથે જંગ લડનાર કેજરીવાલ પહેલા નથી. એક્ચ્યુઅલી એમનું આ સકસેસ મોડેલ કોપી પેસ્ટ છે.યાદ છે એના સર્જક ? આપણા ગુજરાતના લાડીલા નરેન્દ્ર દામોદરદાસ મોદી. 

    

જેમ પરફોર્મન્સ બેઝ્ડ ભાજપની ખુદ એના અને દેશના ભલા માટે કોઈ અંગત સ્વાર્થ વિના યોગ્ય સકારણ સાધાર ટીકા કરો તો નીચલી કતારના કેટલાક ટપોરીટ્રોલિયા ભાજપના સતત વખાણ કરવા એ કોઈ સર્જકની મૂળભૂત ફરજ હોય એવી રીતે ચોંટીને એને પાટલીબદલુ કહેવા લાગે છે, ભલે ને કોંગ્રેસ ને બીજેથી આયાતી લોકોને ભાજપ સત્તા ખાતર મિનિસ્ટર બનાવી દે એ તો ઠીક પણ જેની સામે લડેલા એ ઓમપ્રકાશ ચૌટાલાને જેલમાંથી છોડાવે ખુરશી માટે અને વહેલી સવારે ઉઠીને અજીત પવાર સાથે નાતરું કરી સરકાર રચવા જાય એ પાટલીબદલુ નહી પણ કોઈ રોગ તરફ આંગળી ચીંધતો નિષ્ણાત તબીબ નાલાયક. અમે તો બીમાર પડીએ જ નહિ, માટે ડોક્ટરની જીભ કાપી લો એવી વાયડાઈ છે. નેતાઓ સમજદાર છે, સૌમ્ય છે. સમતાવાન છે. પણ ટ્રોલીયાઓને ટ્રેનિંગ નથી સરખી એટલે ઇન્ટલેક્ટના માનને બદલે ટૂંકી બુદ્ધિથી એને કોઈ પોતાનો પગારદાર કર્મચારી માની એના અપમાન કરવા કૂદે છે. એવી જ રીતે મોદીસાહેબના જરાક સાચા ને વાજબી વખાણ કરો તો કેટલાય ચાટુકાર કહીને કરડવા દોડે છે. સીધા સેટિંગ ને કરપ્શનના આક્ષેપ કરવા લાગે. મૂળ તો પોતે એવા હોય છે બેઉ બાજુ કે એમના સ્વાર્થ થકી જ પોલિટીકલ વખાણ ને ટીકા કરતા હશે બધા., કોઈ નિખાલસ અભ્યાસથી પક્ષાપક્ષી વિના સાચું કહે એવું એ જમાતને ગળે જ નથી ઉતરતું. આમ પણ વોટ્સએપ વિષવિદ્યાલયના સાબિતી વિનાના ગપ્પાના ઝેરી વાઈરસ પછી એ બધા ઝોમ્બી બની ગયા હોય છે. પોતાના પક્ષે નહિ એ બધા દુશ્મન એવું માની કકળાટ કરે છે. પણ ખંડન ને બદલે આત્મચિંતન કોઈ કરતું નથી. 

તો વાત એ છે કે, મોદીસાહેબ ઓરિજીનલ ડેવલપમેન્ટ મોડેલના જાદૂગર છે, એ કોણ નથી જાણતું ગુજરાતમાં ? ૨૦૦૨ના હિન્દુ  કોમી ધ્રુવીકરણ અને એ અગાઉ કેન્દ્રના લઘુમતી તુષ્ટિકરણ બેઉ વિચારધારા સામસામી હોવા છતાં નરેન્દ્ર મોદીએ વાયબ્રન્ટ ગુજરાતનું સપનું જોયું. ડેવલપમેન્ટ મોડેલ બનાવ્યું. તમામ લીલાકેસરી ઘૂરકિયા કરતા ઉદ્દામવાદીઓને ધરબી દીધા અને ઇન્ટરનેશનલ વિઝન શરુ કરી લોકોની સુખાકારી પર સરકારનું ફોકસ કર્યું. ભલે બધા કામ ધાર્યા નહિ થયા હોય, એ તો દિલ્હીમાં દાવા જેવી હકીકત ન હોય. પણ તો ય અગાઉ કરતા વિઝીબલ ચેન્જ પ્રજાએ જોયો. જ્યોતિગ્રામ અને ૧૦૮નો અનુભવ સરસ રસ્તા અને નવી હાઈ ટેક યુનિવસટી સાથે જોયો. ગુજરાત આમ પણ વેપારમાં હોશિયાર એટલે જરાક મોકળાશ મળે તો આથક પ્રગતિ જાતે જ કરે કોઈ નડે નહિ તો. એ પણ થયું. એટલે મોદીવિરોધીઓ માને છે એમ માર્કેટિંગ નહિ પણ પ્રજાની ફીલિંગ પછી બ્રાન્ડ અને પ્રચારના કેમ્પેઈન ચાલ્યાં. કોર પ્રોડક્ટની ક્વોલિટી ગમી પછી એની એડવર્ટાઈઝમેન્ટ વધુ ચાલે. ઉલટું કદી ન થાય આમાં.

અને પુરા કોન્ફિડન્સથી ભગવા હિંદુ રાષ્ટ્રની કે ભૂતકાળની વાતો વિના, મુસ્લિમોની ટોપી પહેર્યા વિના પણ સદભાવનાની રમખાણો વિનાની શાંતિ સ્થાપીને નરેન્દ્ર મોદીએ જનતા પર જાદૂ કરીને ૨૦૦૭ ને ૨૦૧૨માં  વિકાસના નામે જ દ્રઢ રહીને મત માંગ્યા ને દુનિયા દંગ થઇ જાય એમ મેળવ્યા. કોર બ્રાન્ડ હિંદુહિતરક્ષકને બદલે વિકાસપુરુષની કરી. કેન્દ્રની મોદી સામે વિપક્ષી કોંગ્રેસી સરકારે એડીચોટીનું જોર લગાવી કુપ્રચાર કર્યો. ( મૌત કા સૌદાગર યાદ છે ?) પણ મોદીએ ડેવલપમેન્ટ પકડી રાખ્યું. આધુનિક અભિગમ ને ગ્લોબલ ટેકનોસાવી બનીને નવી પેઢીનું દિલ જીત્યું. એ વખતે યુવા એવા અમારા જેવા કેટલાય હશે જેમને કોંગ્રેસ મેરિટલેસ નેતૃત્વ અને દંભી લેફટીસ્ટ સેક્યુલરિઝમને લીધે નથી ગમતી, તો ભાજપ નરેન્દ્ર મોદીના વિઝન અને એટીટયુડ સાથે ફ્રીકવન્સી મેચ થતા ગમે છે.

ચંદ્રાબાબુ નાયડુએ ભલે આંધ્રમાં વિકાસનું મોડેલ મુક્યું હોય, એની નેશનલ લેવલ બ્રાન્ડ નહોતી બની ને બધા સમીકરણ બાજુએ રાખી એમણે એના નામે મત નહોતા માંગ્યા. અટલજીની સરકારે વિકાસના નામે મત માંગ્યા એ વખતે ધાર્યું પરિણામ નહોતું મળ્યું, તો ય હિંદુ અસ્મિતાગૌરવ સાથે ગ્લોબલ લેવલ ડેવલપમેન્ટના મિકસથી મોદીએ બધા દબાણ છતાં ખુદની પાર્ટીના હાર્ડલાઈનર્સને સાઈડમાં રાખી વિકાસના નામે ચૂંટણીઓ જીતી બતાવી. શિવરાજસિંહ ચૌહાણ, મનોહર પરિકર, રમણસિંહ જેવા અન્ય ભાજપના મુખ્યમંત્રીઓએ પણ એમાંથી પ્રેરણા લીધી. અને એ જ પોઈન્ટ પર સામા પૂરે તરીને મોદીએ લોકસભા પણ એકલપંડે જીતી. અને ૨૦૧૯માં ય પુલવામા / સજકલ સ્ટ્રાઈકમાં મોદી પરના ભરોસે લોકોએ ખોબલે ટોપલે મત આપ્યા. ઇવન ગત ઉત્તરપ્રદેશ વિધાનસભાની ચૂંટણી પણ યોગી આદિત્યનાથના નહિ, મોદીના નામ પર જીતાયેલી. યોગીજી તો હમણાં દિલ્હીમાં ૧૩ સીટ પર આક્રમક પ્રચાર કરી આવ્યા તો એમાંથી ૧૧ સીટસ ભાજપ જીત્યું નહી, ને બે જીત્યું એમાંથી એક તો અગાઉ પણ જીતેલા એમની હતી. ૩૭૦ કે ટ્રિપલ તલાક પર લોકોએ મોદી-શાહને વધાવી લીધા અને રામમંદિરનો ચૂકાદો પણ ઝાઝા વિરોધ વિના આવી ગયો. 

સબ કા સાથ, સબ કા વિકાસ, સબ કા વિશ્વાસ એ મોદીનું સ્લોગન છે. કેજરીવાલ ભલે અત્યારે હાઈજેક કરી ગયા. અને કોમ્યુનિકેશનથી જનમત જ નહી, વિશ્વ રાજનેતાઓ પોતાની તરફેણમાં કરવાની હથોટી મોદી પાસે છે. એમની મક્કમતા, વાતમાં આત્મવિશ્વાસ અને ઊંડો અભ્યાસ. રમૂજ અને વકતૃત્વકળા. બાકી એક જ માણસ એકસાથે રશિયા ને અમેરિકા ને ફ્રાન્સના સત્તાધીશોને વહાલો હોય ને ઇઝરાએલ ને આરબ જગતમાં એકસાથે સન્માનિત થાય ને વળી ચીન સંવાદ કરે ને પાકિસ્તાન ડરે એ જોયું છે કદી ? 

ઇટ્સ ગ્રાઉન્ડ ફોર રેપિડ ઇકોનોમિક ડેવલપમેન્ટ. વૈશ્વિક મંદી છતાં ટ્રમ્પે કુનેહથી બધી બયાનબાજી વચ્ચે અમેરિકાનું અર્થતંત્ર ઘોડા જેવું ધમધમતું કરી નાખ્યું છે. ભૂખે પેટ ના ભજે ગોપાલા. ગમે એવી હિંદુમુસ્લિમના હાકલાપડકારાની વાતો કરો, ભવ્ય મંદિર બનાવો, પાકિસ્તાનને ચપટીમાં ચોળી નાખો. અંતે લોકોને ત્વરિત ન્યાય જોઈએ છે. આનંદ અને મનોરંજનની મુક્તિ જોઈએ છે. નકામી પરંપરાઓથી આગળ વૈજ્ઞાાનિક શિક્ષણની ઉડાન જોઈએ છે. ફૂડ, ફિટનેસ ને ફિલ્મો જોઈએ છે. હેલ્થ ને સ્કૂલ્સ જોઈએ છે. પ્રવાસ ને આધ્યાત્મિક શાંતિ જોઈએ છે. ખિસ્સામાં પૈસા ને બિઝનેસમાં બરકત જોઈએ છે. રોટી, કપડા ઔર મકાન. અને થોડાક જીંદગીમાં રસ ટકાવતા જલસા. એ પછી યાદ આવશે ધામક ઉન્માદ. બાકી પાકિસ્તાનનું પતન નજર સામે છે સંવિધાન ઉપર શરિયત રાખીને ધામક રાષ્ટ્ર બનવા જતાં. ને જ્યાં સુધી અવિશ્વાસ ને હિંસાનું વાતાવરણ હોય ત્યાં સુધી ચેનથી જમી શકાતું નથી.

*** 

અગાઉ પણ લખેલું છે અહીં જ. હરખપદ્દુડા હિન્દુત્વવાદીઓ યાને ગાંધીને ગાળો દઈ ગોડસેની ભક્તિ કરનારા ને એ સિવાય બીજું કશું યોગદાન કે ફ્યુચર વિઝન ન ધરાવતા પ્રજ્ઞાાજીઓ કે વિજયવર્ગીયો કે સાક્ષીજીઓ ને એવા તમામોભલે ઈલેકશન જીતવા માટે એસેટ લાગતા હોય પણ લાંબા ગાળે લાયાબિલીટી બને છે. કારણ કે કોર વોટબેંક એજ્યુકેટેડ અર્બન યૂથની હોય એનો બધો વર્ગ કોઈ ધામક ઘેટાં જેવો નથી. ગ્લોબલ હ્યુમનિટી ને હ્યુમર છે. એ ફોરેન વેબ સિરીઝ પણ જુએ છે, ખાલી ભવ્ય ભૂતકાળના થોથાં નથી વાંચતો. વિધાર્થીઓને માર પડતો હોય દ્રશ્યો એને નથી ગમતા. ઈલેકશન ખાતર યોગ્ય કાનૂનનો પણ હિંદુ રાષ્ટ્રનો કલર ચડાવી સોશ્યલ મીડિયામાં બીજાને ડરાવી અસલામત કરતો વિભાજનવાદી પ્રચાર એ હિંદુ હોય તો ય એને નથી ગમતો. 

સામાન્ય હિંદુ બેશક આસ્થાવાન છે, એને વામપંથી વાયડાઈ સામે સિલેકટીવ સેક્યુલરો સામે રોષ પણ અન્યાયબોધથી છે. પણ છતાં એ કટ્ટર કોમવાદી નથી,. રેડિકલ ઇસ્લામની કોપી વિના ષિઓએ આ વારસાનું એક અનોખું મોડલ વિકસાવ્યું છે. હોય એમાં થોડા ઝનૂનીઓ. બધે હોય. પણ સતત એ એગ્રેશનમાં ન રહે. દાર્શનિક રીતે આપણું એ ડીએનએ નથી. માટે કારણ વગર શંકાશીલ કે હિંસક એ સતત રહી શકે એમ નથી. બીજા સમજદાર હિંદુઓ જ સેલ્ફ કરેકશન કરે, અન્યોના અધિકાર કે શ્રદ્ધાનું ઉદારતાથી રક્ષણ કરે. વળી ભારતમાં હિંદુ ઓળખથી આગળ પ્રાદેશિક અને જ્ઞાાતિગત અપાર વૈવિધ્ય છે. અંગત જીવનમાં હિંદુ પણ જાહેર જીવનમાં હિન્દુસ્તાની બનેલા ગાંધીજી એ નાડ પારખી ગયેલા એટલે હરીફરીને ગમે તેટલી ટીકા કરો છેલ્લે એમના શરણે જ ભારતીય રાજનીતિમાં આવવું પડે છે. પણ એ અપવાદરૂપ હમ દિલ દે ચૂકે સનમ મોડ હતો. 

પણ અંધભક્ત બની ગયેલો એક ઓનલાઈન સમુદાય રેતીમાં માથું ખોસી બેઠેલા શાહમૃગ જેવો થઇ ગયો છે. જે સતત પોતાનો વાંક કેમ નથી ને સામેનાનો કેમ છે એના કુતર્કો જ શોધ્યા કરે છે. પણ આપણને ય ચિકિત્સાની જરૂર છે ખોટા હોઈએ તો એ સમજતો નથી. એટલે એ ક્બીર સિંહ મોડમાં બીજાને ડરાવવા ને પોતાનાઓને દબાવવાના ખેલ કરે છે. કે આપ કી કસમ મોડમાં અંદરો અંદર જ ખોટી કાવતરાખોરી જોયા કરે છે. પણ છોટી સી બાત મોડ અપનાવી, પોતાની આથક, શૈક્ષણિક વિકાસની લીટી મોટી કરી, ઝડપી સાચા ન્યાય માટે અને ભ્રષ્ટ તંત્રની સજા માટે વૈજ્ઞાાનિક રીતે સંગઠ્ઠન કરવાની રીત અપનાવતો નથી. એમાં ભલે બે-ચાર ટકા જ મતનો સ્વિંગ આવે, કે નિરાશામાં નોટા આવે, પણ મોડર્ન પ્રોગ્રેસીવ લોકોની નારાજગી આપણી ચૂંટણીમાં એટલો તફાવત પેદા કરી ભાજપને હરાવવા નિર્ણાયક નીવડે છે. જ્ઞાાતિવાદી સમીકરણો કે તડજોડ પછી બળવાન બને છે. પેલા અંધસમુદાયના કોલાહલને લીધે ટોચ પર નીચેનો અવાજ સરખો પહોંચતો નથી. એ રીતે એ લોકો ખુદનો ખાડો ખોદી રહ્યા છે. 

અને કેન્દ્રમાં મોદીની લોકપ્રિયતા બરકરાર હોવા છતાં સુશાસનનું સપનું સરખું ન હોવાને લીધે એક પછી એક રાજ્યો સરકતા જાય છે. ન ધર્યા હોય એવા ય. જે મળ્યા છે એમાં કર્ણાટકમ, ગોવા ને હરિયાણા કેમ મળ્યા એ નજર સામે છે. ને એ ય અમુક પ્રામાણિક લોકોને અંદરથી નથી ગમ્યું. એકબીજાથી વિરોધાભાસી અનેક મોઢાની વાતો બંધ કરો. કેવળ સોશ્યલ મીડિયામાં નફરત ને અંગત ચારિત્ર્યહનનના મેસેજીઝ ને ટુકડે ટુકડે ગેંગ ને એ બધું હવે ચાર્મ ગુમાવી બેઠું છે ને એના બેહિસાબ અતિરેક લોકો થાક્યા છે. લોકોની રોજની સમસ્યા દૂર કરો. નીચલા લેવલે તંત્રની કામગીરી સુધારો, ઉપર નીચે પ્રવેશી ગયેલા ગુરુરનું ગુમાન ઘટાડો. બોડી લેંગ્વેજથી ભાષણો સુધી નેતાઓમાં આવી ગયેલી 'ટણી' ઓછી કરો. અને ખાસ તો બેકારી ને મંદીમાં સરકતા જતા અર્થતંત્રનો સરખો નિષ્ણાતો દ્વારા ઈલાજ કરો. સત્તા નહી, શક્તિ મજબૂત કરો. ૨૦૧૮માં આ સિલસિલો ચાલુ થયો ત્યારે લખેલા લેખનું સોલ્યુશન જ હજુ એનું એ જ છે : કોલ બેક વિકાસ, ધ ડેવલપમેન્ટ.

ફાસ્ટ ફોરવર્ડ 

' નિષ્ફળતાની ખાઈમાં પડયા પહેલાનું છેલ્લે ચડેલું પગથિયું અહંકાર હોય છે' ( ગ્રીક કહેવત ) 

Tags :