પ્રમદાની પીઠ : ભારતના સંસ્કૃત સાહિત્ય અને શિલ્પોમાં પદ્ય અને પથ્થરથી કંડારાયેલું લાવણ્યમય લાલિત્ય !

- સ્પેક્ટ્રોમીટર-જય વસાવડા
- આપણી ટ્રેડીશન ખાલી નારીને પાંજરે પુરવાની ડરપોક નથી. શક્તિની પૂજા કરવી હોય તો નજર સામે રહેલી સ્ત્રીના એસ્થેટિક્સનું પણ સ્વાગત કરતા શીખો. અને વાંચો કે માત્ર નારીની પીઠના કેવા મદઝરતા રૂપ પ્રાચીન ભારતે આપ્યા છે !
શરદ પૂનમે ચાંદાને બદલે વાંસો ? જી હા, નવરાત્રિમાં કાયમનો કકળાટ છે આ. પ્રાચીન ભારતમાં ઉત્સવ માટે સ્ત્રી માટે ચોક્કસ મર્યાદાનાઢાંકેલા ડ્રેસ કોડની વાત જ નથી. નવરાત્રિના ગરબામાં ‘વિધર્મી’ આવે કે ના આવે, હોંઠ પર સનાતનનું નામ ને હૈયામાં જુનવાણી સંકુચિત વિધર્મી અબ્રાહમિક સંસ્કૃતિની મર્યાદાની વ્યાખ્યાની વાઈરસનુમા પક્કડ થઇ છે, એ વાસ્તવ છે.
જી હા, કડવું લાગે છે કારણ કે ચિંતન, અધ્યાત્મ, મોક્ષ, સંસારત્યાગ, સંયમ વગેરેના નામે ભારતનો આખો એક મજબૂત રસિક વારસો વિદ્વાનોએ જ રીતસર શરમાઈને સંતાડી દીધો છે. પાછું એને લીધે કંઈ મહાન દાર્શનિકો આપણે દુનિયાને આપ્યા એવું નથી. ભ્રષ્ટાચારમાં મર્યાદા નથી, ગંદકીમાં સંયમ નથી. ટ્રાફિકની ઉતાવળ જુઓ કે પૈસાપાવરની ખટપટ… દેખાય છે ક્યાંય અધ્યાત્મ કે સંયમ કે ઉપાસના ? નર્યો દંભ ચાલે છે આધુનિક આનંદ કરતી નવી પેઢીનો દાવ લેવા માટેનો.
એટલે જ જાણે સનાતની સંસ્કાર ગરબે ઘૂમતી નારીના બ્લાઉઝની પાછળ બાંધેલી કસ/દોરી પર જ ટકેલા હોય એવું ઝેર એ આસુરી લોકોએ ઓક્યું જે ધાર્મિક સ્થળોએ કેટલાય પુરુષોને નવ નહિ, ત્રણસો પાંસઠ દિવસ પેટ ને પીઠ બધું દેખાયું એવા ધોતીધારી અવસ્થામાં પૂજન કરતા જુએ છે ! બળાત્કાર બાબતે ખામોશ એવા આ વર્ગને એવું છે કે પુરુષની નજર ના બગડે એની જવાબદારી પણ સ્ત્રીઓની ફેશનની છે. પાછા બધા એવી દુહાઈઓ દીધા કરે કે માતાજીના ઉત્સવમાં આવું તે કેમ ચાલે, બાકીના દિવસો જે કરવું હોય એ કરો. એ બધા જ માતાજીની ભક્તિ કરવાને બદલે ખુદ મોબાઈલ પર સોશ્યલ મીડિયામાં પોસ્ટ કરે, ઉધામા કરે કે વાઈરલ વિડીયો જોયા કરે છે. ને બીજાએ નવરાત્રિમાં શું કરવું એનું જ્ઞાન વિદેશી ટેકનોલોજીથી મફત મળેલ નેટ ને ફોન્ટથી આપ્યા કરે ! જાણે કેમ બાકીના દિવસોમાં બહુ છૂટ આપી દેતા હોય સ્ત્રીઓને શણગાર સજવાની ને નાચવાની. મોટા ભાગના તો અત્યંત અભદ્ર શબ્દોમાં ફોટા કે વિડીયો જોઇને સ્ત્રી વિષે કોમેન્ટ કરતા હોય એ પાછા સ્ત્રીની મર્યાદાની દુહાઈ દીધા કરે ! દુર્ભાગ્ય છે દેશનું સંસ્કૃત માત્ર સાધુ બનવા પુરતું વૈરાગ્યભાવથી વાંચે છે,ને શિલ્પો તો દર્શન કરવાની ધક્કામુક્કીમાં જોતા પણ નથી.
અહીં સોળ સજી શણગાર એવું માતાજી વિશે કહેવાય પણ મા બનવાની ક્ષમતા કુદરતે જે સ્ત્રીને આપી એ સ્ત્રી શણગાર સજીને આવે તોઝાટકા લાગે છે. પ્રાચીન ભારતમાં તો દોરીઓ કે બટન વિનાના વિનાના સ્તનપટ્ટા ને ઉપવસ્ત્ર હતા ચણિયા ચોળીનાં પૂર્વજ ! આપણને જ રસ નથી સૌંદર્યને પણ પરમાત્માનો પ્રસાદ સમજીને એને માણવા કે જાણવામાં ! જાહેરમાં પવિત્રતાનો દેખાડો કરવો છે બ્યુટીને વખોડતા ભીરુ સમાજને.
નારી રમણ કરે ત્યાં દેવતા વસે એમ નારી તું નારાયણી કહીને સ્ત્રીને સીધી ઘરડા માજી બનાવી ગોખલામાં બેસાડી સામે દીવો પ્રગટાવી દેવાથી પૂજા નથી થતી. એની મોજમસ્તીનો સ્વીકાર કરવો પડે સુરક્ષિત મોજનો માહોલ આપીને ! ગુજરાતે ગૌરવ લેવાનું હોય કે અમારે ત્યાં તો કન્યા કોન્ફિડન્સથી બેકલેસ ચોલી કે ડીપ નેક બ્લાઉઝ પહેરી પરીની જેમ ફરી શકે રાત્રે, એને બદલે ગુજરાતીઓમાં ઈરાનના હિજાબ ફરજીયાત કરવા મોત ફરમાવતા મુલ્લાઓનો આત્મા સાગમટે પ્રવેશી ગયો હોય એવી ચોખલિયા ચીસાચીસ થઇ જાય છે !
એની વે, એટલે જ થયું કે શરદ પૂર્ણિમાએ આપણા અદ્ભુત અને જમાનાથી ક્યાંય આગળ એવા કલાત્મક વારસામાંથી જ થોડી આચમની ભરીને માત્ર નારીની પીઠ પરના માત્ર પ્રાચીન સંસ્કૃત શ્લોકો ને શિલ્પોની વાત કરીએ. બસ એક મેઘધનુષી ફૂલદડૂલો (મલ્ટીકલર ફ્લાવરબોલ)એ શ્રાપિત પ્રજા માટે જે પોતાનો જ વારસો વિસરી ચૂકી છે. માત્ર સુંદરીની પીઠ પર જ કેવી બેનમૂન વિશ્વમાં ક્યાંય ના જડે એવી રચનાઓનો રત્નાકરહિલોળા લે છે ભારતમાં ! કેવું હતું એ રસિક્તાનું શિખર ને ક્યાં પડી ગયા આપણે લાગણી દુભવતી જડતાવાળી જનતાથી ખદબદતી ખીણમાં !
સીધો ચાખો, થોડો સનાતન રસ. વામાના વાંસાના વૈભવ વિષે.
જ્યારે કોઈ સુંદરી પોતાના બંને હાથ ઊંચા કરીને સહેજ પાછળ વળે છે (અંગડાઈ, આળસ ખાતી મુદ્રા), ત્યારે તેની પીઠ અને પાતળી કમરનો આકાર અત્યંત મનમોહક દેખાય છે. કદાચ મહાકવિ બાણભટ્ટે 'કાદંબરી' માં આ મુદ્રાના વખાણ કરતા લખ્યું છે:उन्नम्य बाहुयुगलम् वलमानमध्या पृष्ठं किंचिद् नमितवती या विलासवती।मदनचापविकृष्यमाणा रेखा इव सारराज॥
અર્થ: જ્યારે તે વિલાસવતી સુંદરીએ પોતાના બંને હાથ ઉપર કર્યા, કમરથી સહેજ લચકાઈ અને પોતાની પીઠને પાછળ તરફ સહેજ વળાંક આપ્યો, ત્યારે તેનો એ નમેલો વાંસો જાણે કામદેવે પૂર્ણ રીતે ખેંચેલું ધનુષ્ય હોય તેવી મનમોહક દેખાતી હતી.
અહા, નારીની બેકલેસ ચોલીમાં પીઠ એટલે કામદેવે તાકેલું ધનુષ ! સંસ્કૃત શૃંગારસાહિત્યમાં સ્ત્રીની પીઠને ભાગ્યે જ સાવ એકલી વર્ણવાઈ મોટે ભાગેછે. તેને 'તનુ મધ્યમ' (પાતળી કમર) અને 'પૃથુ શ્રોણી' (સુડોળ નિતંબ) સાથે જોડીને એક સંપૂર્ણ આકર્ષક કાયા તરીકે રજૂ કરાઈ છે. સંભવત ભર્તૃહરિનું મનાતું સુભાષિત છે:किं नु वपुषि तस्याः सुवर्णलतिकायाः मध्ये क्षामत्वं पृष्ठतश्च पृहुता।कामस्य निर्मितं किमपि दिव्यशस्त्रं दृष्ट्वा जनस्य हरति चेतनां यत्॥અર્થ: સુવર્ણની વેલ જેવી તે સુંદરીના શરીરમાં વિધાતાનું આ કેવું અદભુત આયોજન છે! જે વચલા ભાગ(કમર)થી એકદમ પાતળી છે અને પાછળના ભાગથી (વાંસો અને નિતંબ) એકદમ ભવ્ય અને સુડોળ છે. આ જાણે કામદેવે બનાવેલું કોઈ દિવ્ય શસ્ત્ર છે, જે જોતાં જ પુરુષોના હોશ ઉડાવી દે છે.
યાને, નારીની પીઠની ભંગિમા એ કામદેવનું ધનુષ યાને ઉન્માદનું આમંત્રણ એ રડીખડી ઉપમા નથી. વારંવાર કહેવાતી ‘પરંપરા’ છે ! વધુ એક પુરાવો જુઓ.'શૃંગારતિલકમ્' કહે છે. मध्ये तनूकृता धात्रा पृष्ठतश्च पृथूकृता।कामबाणकठोराय प्रिया पृष्ठतटी बभौ॥वलिभिश्च सविभ्रमाभिरञ्चिता सा सुमध्यमा।અર્થ: વિધાત /બ્રહ્માએ તે પ્રિયતમાની કમરને અત્યંત પાતળી બનાવી છે અને તેની પીઠ તથા નિતંબના ભાગને અત્યંત સુડોળ અને ભવ્ય બનાવ્યો છે. પાછળથી જોતાં તેની એ સુંદર પીઠ અને તેના પર દેખાતા નાજુક વળાંકો જાણે કામદેવના બાણને આધાર આપવા માટે બનાવેલી કોઈ દિવ્ય કલાત્મક રચના હોય તેવી મનોહર લાગે છે !
વધુ એક સુભાષિત વાંચો : पृष्ठे कृतः कनककंकणमण्डितोअहस्तः सलीलमनघा सुतनुः सुकेशी ।भातीव मन्मथधनुः परिकर्मयुक्तंमध्याढ्यनम्म्रवपुषा वलमानबाहुः॥અર્થ: સુંદર વાળ અને સુડોળ શરીરવાળી તે સ્ત્રી જ્યારે અદાથી પોતાનો સોનાના કંગનવાળો હાથ પોતાની પીઠ પર ટેકવીનેસહેજ વળી, ત્યારે તેનો વળાંકવાળો વાંસો અને કમર જાણે કામદેવના સજ્જ કરેલા ધનુષ્ય જેવા મનમોહક હતા.
મહાભારત પણ અનુમોદન આપે છે કે પીઠ કામદેવનું બાણ છે. યજ્ઞવેદીમાંથી દ્રૌપદી પ્રગટ થાય છે, ત્યારે વર્ણન છે : नीलोत्पलसमो गन्धो यस्याः क्रोशात् प्रवायति।सुमध्यमा सुकेशान्ती पृथुश्रोणीपयोधरा॥पृष्ठतश्चैव सुनता कामबाणतटी यथा।અર્થ: જેમના શરીરમાંથી નીલકમલ જેવી સુગંધ એક કોસ સુધી ફેલાય છે. જે અત્યંત નાજુક કમર અને સુંદર વાળવાળી છે. તેનો નીચલો વાંસો અને કટિપ્રદેશ (નિતંબ) અત્યંત સુડોળ અને વિસ્તૃત છે, અને પાછળથીતે સહેજ નમેલી અને વળાંકવાળી કાયા એવી લાગે છે જાણે કામદેવના બાણોને રાખવાનું ભાથું હોય!
હજુ પીઠ સાથે મુક્તમને સનાતનના જ આપણા પૂર્વજોએ મર્યાદાના નામે કોઈ સેન્સરશિપ કે ઢાંકપિછોડા વિના કામદેવને કનેક્ટ કર્યો છે એની ખાતરી જોઈએ છે? વાંચો 'અમરુશતકમ્'માં ઉલ્લેખ છે એવો કદાચ ચારૂદત્તમનો આ શૃંગાર: तन्वी सुकेशी वलमानमध्या, पृष्ठभागे च मदनरथमहोत्सवा।भाति प्रिया कनकलतेव सुजातापृष्ठा॥અર્થ: પાતળી કમર અને સુંદર વાળવાળી તે નાયિકા જ્યારે ચાલે છે અથવા વળે છે, ત્યારે તેનો પાછળનો ભાગ (બેક એન્ડ હિપ્સ) જાણે કામદેવના ઉત્સવનો રથ હોય તેવો ભવ્ય લાગે છે. સુવર્ણની વેલ જેવી તે પ્રિયતમા તેની સુંદર અને સુડોળ પીઠને કારણે અત્યંત આકર્ષક દેખાય છે. અહા ધનુશમાંથી મન્મથરથ ! મન્મથ એટલે પણ કામ-દેવ !
સેમ ટુ સેમ ઉપમા મહાભારતમાં પણ મળે. જો વાંચવાની તકલીફ લો તો. વન પર્વમાં નળ દમયંતીનું આખ્યાન છે એમાં રાજા નળ પ્રેયસી દમયંતીના સપ્રમાણ શરીર અનેપીઠના સુંદર આકારના વખાણ આ રીતે કરે છે:कथं नु तस्यास्तन्वी कटी पृष्ठतटी च सा।अरण्ये हि विना नाथं मदनस्य रथोपमा॥અર્થ : સુવર્ણના રથ જેવી ભવ્ય પીઠ (કેવો નાજુક નમણો નવો શબ્દ આપે છે વેદવ્યાસ પીઠ માટે ‘પૃષ્ઠતટી’ પાછળના ભાગનો કિનારો !) અને નાજુક કમર ધરાવતી તે સુંદરી, જેના અંગોનો પાછળનો વળાંક કામદેવના રથ જેવો સુંદર છે, તે પોતાના નાથ વગર આ જંગલમાં કેવી રીતે ભટકતી હશે!
અગેઇન એ જ ઉપમા શૃંગાર શતકમાં ભર્તૃહરિની !तन्व्याः नितम्बभारोऽयं पृष्ठभागस्तथैव च।मदनस्य रथप्रायो जयत्येव जगत्त्रयम्॥અર્થ: તે નાજુક સુંદરીનો આ નીચલો વાંસો અને ભારે યાને પુષ્ટ નિતંબનો વૈભવવંતો ભાગ જાણે સાક્ષાત કામદેવનો વિજયરથ છે, જે પોતાની ભવ્યતા અને સપ્રમાણ વળાંકોથી ત્રણેય લોકને જીતી લેવાની શક્તિ ધરાવે છે.
કવિ બિલ્હણની‘ચૌરપંચાશિકા’માં કવિ અદભુત દૃશ્ય કોઈ નવરાત્રિ પૂરી થયા બાદ રસિકરંગીન ખેલૈયાના મનમાં આવે એ વર્ણવે છે:अद्यापि तां कनककङ्कणमण्डिताङ्गीं /पृष्ठस्थितां वलयितां कनकप्रभावाम्।पश्यामि मन्मथविमाननिभां स्मरामि/ मध्याढ्यरुक्मवसनां जघनप्रभासम्॥અર્થ: હું આજે પણ તે સોનાના કંકણ(કંગન)થી સજ્જ પ્રિયાને યાદ કરું છું, જે જ્યારે પાછળ ફરતી ત્યારે તેનો સુવર્ણ જેવો તેજસ્વી વાંસો અને પાતળી કમર જાણે કામદેવનું વિમાન હોય તેવા દિવ્ય ભાસતા હતા. સોના જેવા પીળા વસ્ત્રોમાં તેનો પશ્ચભાગ અત્યંત મનોહર દેખાતો હતો. રથમાંથી વિમાન થઇ ગયો સ્ત્રીનો વાંસો !
પણ તીર તો કામદેવનું નજરમાં ભોંકાતું જ રહે છે. ભાનુદત્ત ‘રસમંજરી’માં લજ્જા સાથે પીઠફેરવવાની અદા મતલબ અભિસારિકા મુદ્રા આમ વર્ણવે છે. : निवर्तमाना वदनाद् विलोचनापृष्ठभागे च सलीलमीक्षिता।शनैः शनै:गच्छति सा सुमध्यमा मदनस्य बाणैः प्रहिता यथा॥અર્થ: પોતાના મુખને ફેરવીને, અત્યંત નાજુક અને લીલાપૂર્વક (નઝાકતથી) પોતાની પીઠ તરફ હાથ રાખીને જ્યારે તે પાતળી કમરવાળી સુંદરી ધીમે ધીમે ચાલે છે, ત્યારે તેની એ પીઠ ફેરવવાની અદા જાણે કામદેવનું સીધું વાગેલું બાણ હોય તેવી હૃદયને વીંધી નાખે છે. (ઓ પલટ કહેવાનું કે તૌબા યે મતવાલી ચાલ !)
પીઠમાંથી એ યાદ આવ્યું કે આપણી પરંપરા શૃંગારથી દૂર જઈ પવિત્ર થવાની નહોતી, એમાં ધુબાકો મારીને પણ પાવન થવાની હતી. મહાકવિ ભવભૂતિ ‘માલતીમાધવ’માં લખે છે : उरसि निहितहस्तः पृष्ठतश्चोपगूढःस्तनभरपरिखेदादीषदामुक्तकण्ठः ।अनुपमतरसौख्यं यत्र तस्याः कटीतःस्फुरति वलयलीला सा प्रिया मे पुनातु ॥અર્થ: "જે મારી છાતી પર હાથ રાખી, મને પાછળથી યાને પીઠથી ગાઢ આલિંગનમાં લઇ લે છે, અને સ્તનોના અતિશય દબાણની પીડાને લીધે જેણે પોતાની ગરદનને સહેજ નમાવી દીધી છે; તેવા આલિંગન સમયે જેની કમર પરથી અનુપમ અને પરમ સુખ આપતી કંદોરાની રણઝણતી લીલા પ્રગટી રહી છે, તે મારી પ્રિયા મને પવિત્ર કરો!"
પણ હજુ જેને ગળે ગુટકાનું થૂંક ઉતરે પણ રસનો ઘૂંટડો ના ઉતરે એવો કોઈ ચીકાશચંપક એવું માને કે પણ આ તો દેવી ભગવતીની ઉપાસનાનો ઉત્સવ… તો રુકો જરા સબર કરો ને મૂળ પાઠ વાંચવા આંખ નહિ દિમાગ ખુલ્લું કરો. ચંદ સેમ્પલ લેખની સાઈઝની લિમિટ જોતા.
‘મૂકપંચશતી’નું નામ સાંભળ્યું છે ? એમાં કાંચીપુરમની અધિષ્ઠાત્રી દેવી ભગવતી કામાક્ષીના દિવ્ય, અલૌકિક અને સમગ્ર બ્રહ્માંડને આશ્રય આપનારા જગદંબા સ્વરૂપની પ્રશંસા છે. એના'જઘનશતકમ્'નો મનાતો શ્લોક છે: नितम्बप्राग्भारः शिथिलयति मातुस्तव गतिंजघन्याद्याकारः पृथुलतरभावं वहति च ।नभो भूमेः पृष्ठं कलयति च मज्जां तव सतांवचोतीतं रूपं सकलभुवनाधारजघनम् ॥ અર્થ: "હે કામાક્ષીદેવી! આપના દિવ્ય નિતંબોનો ભારે ગૌરવશાળી ભાર આપની ચાલને મંદ, મનોહર અને રાજવી ગરિમા આપે છે. આપનો આ કટિપ્રદેશ એટલી વ્યાપકતા ધારણ કરે છે કે આપનો પૃષ્ઠભાગ પૃથ્વીથી લઈને આકાશ સુધી બધે જ વિસ્તરેલો પ્રતીત થાય છે. સજ્જનોના મનને પોતાનામાં લીન કરતા આ ચૌદ ભુવનનો આધાર ( જે પીઠ પર છે ) એનું વર્ણન વાણીથી શક્ય નથી ! એવો એક શાક્તપૂજાનો શ્લોક છે : लसत्कटितटच्छटा-ललित-कांची-कांचनप्रभा-मिलन्मणिकिरणोज्ज्वलत्-पृष्ठभाग-भास्वत्कले ।અર્થ : હે જગદંબા, તમારી સુંદર કમર પર શોભી રહેલા કંદોરાના સુવર્ણની દિવ્ય ચમકઅને તેમાં જડેલા મણીઓના કિરણો એકબીજા સાથે ભળવાથી, તમારો પાછળનો ભાગ અને આખું સ્વરૂપ અત્યંત તેજોમય અને પ્રજ્વલિત દેખાઈ રહ્યું છે.
જગદગુરુ આદિ શંકરાચાર્યની ‘સૌંદર્યલહરી’નો આગળનો ભાગ ‘આનંદલહરી’ કહેવાય છે. એમાંથી પ્રેરિત એક જૂની સ્તુતિ છે : वलल्लग्नाभोगप्रकटितनितम्बप्रकटता पुनातु पृष्ठं नः पुरमथनमूर्तेः प्रियतमा॥ અર્થ: જેમની પાતળી કમરના વળાંકના કારણે તેમના કટિ-પ્રદેશઅને નિતંબોની ભવ્યતા દિવ્ય રીતે પ્રગટ થઈ રહી છે. ત્રિપુરારિ ભગવાન શિવના તે પરમ પ્રિયતમા અમારી પીઠ યાને અમારી પાછળ રહેલા બધા બધા પાપ અને કષ્ટને પવિત્ર કરે. તો ‘શ્યામલાદંડકમ્'કે ‘કૃષ્ણકર્ણામૃતમ્’ની મનાતી મા માતંગીની સ્તુતિ છે :मुक्ताकलापकृतवेन्यवनद्धहस्ता नीलालिकुलसकलच्छवि पृष्ठभागे। कांचीकलापरणितेन च नादिताअंगी सा पातु नः सततमुन्नतपृष्ठरम्या॥અર્થ : જેમની પીઠ (પૃષ્ઠભાગ) પર મોતીઓથી ગૂંથેલોચોટલો અને ભમરા જેવાકાળાભમ્મર કેશ લહેરાય છે, અને જેમના કમરથી નીચે સરકતો પર બાંધેલો કંદોરો મધુર અવાજની આખું અંગ ઝંકૃત કરે છે, તે ઉન્નત અને અત્યંત સુંદર પીઠવાળા દેવી અમારું રક્ષણ કરો.
અને કવિકુલગુરુ કાલિદાસ ! કુમારસંભવમ્ (તૃતીય સર્ગ, શ્લોક ૫૪)માં દેવી પાર્વતીનું વર્ણન : आवर्जिता किंचिदिव स्तनाभ्यां वासो वसाना तरुणार्करागम्। पर्याप्तपुष्पस्तबकावनम्रा सञ्चारिणी पल्लविनी लतेव॥અર્થ: પોતાના ઉન્નત વક્ષસ્થળના કારણે જેમની પીઠ અને કાયા આગળથી સહેજ નમેલી છે, અને જેમણે ઊગતા સૂર્ય જેવા લાલ રંગના વસ્ત્રો ધારણ કર્યા છે - તે પાર્વતી જાણે ફૂલોના ગુચ્છાથી નમેલી કોઈ સુંદર ચાલતી-ફરતી લતા સમાન શોભે છે. આને મળતું આવતું એક વર્ણન પણ છે એક પુરાતન શ્લોકમાં દેવીસૌંદર્યનું. सुमध्यमां सुदन्तीं च प्रमदां प्रमदोत्तमाम्।उन्नतस्तनभारार्तां पृथुश्रोणीपयोधराम्॥पृष्ठभागे सुजातां च विमलां मदनार्दिताम्।અર્થ: જેમની કમર અત્યંત પાતળી અને આકર્ષક છે, જેમના દાંત સુંદર છે, અને જેઓ સ્ત્રીઓમાં સર્વશ્રેષ્ઠ છે. ઉન્નત વક્ષને કારણે જેમની કાયા આગળથી સહેજ નમેલી છે, જેમનો શ્રોણિ અને પીઠનો નીચલો ભાગ અત્યંત સુડોળ અને ભવ્ય છે, અને પાછળથી જોતાં જેમનો વાંસોએકદમ સપ્રમાણ અને (કોઈ ડાઘ વિનાનો) નિષ્કલંક છે એવી તેસાક્ષાત સૌંદર્યની મોહિની છે.
પુરું કરતા પહેલા આ શ્લોકો પણ જોઈ લો : तनुमध्यां सुकेशान्तां सुश्रोणीं सुप्रतिष्ठिताम्।पृष्ठभागे लसद्वेणीं नीलनागवधूमिव॥અર્થ: તે નાજુક અને પાતળી કમરવાળી છે, જેના નિતંબ અને પીઠનો બાંધો અત્યંત આકર્ષક છે. પોતાની સુંદર પીઠપર ઘૂંટણ સુધી લહેરાતો લાંબો કાળો ચોટલો કોઈ સુંદર કાળી નાગણ પીઠ પર સરકતી હોય એમ શોભે છે ! અને આ કાલિદાસની શૈલીમાં : पृष्ठभागे लसति नितरां चामरीव प्रकीर्णा वेणी तस्याः कनकवलयैः वेष्टिता भाति रम्या॥તેની સુંદર પીઠ (વાંસા) પર મોતીઓ અને સોનાના આભૂષણોથી ગૂંથેલી કાળી ભમ્મર ચોટલી એવી રીતે લહેરી રહી છે, જાણે કોઈ ચામર ઢોળાતી હોય અને તેની પીઠની સુંદરતાને બેવડી કરતી હોય.
પદ્યના આ પુરાવા પથ્થરમાં જોવા હોય તો ભારતમાં હજારો છે. પણ આ પાંચ જગ્યા તો ખરેખર સંસ્કૃતિમાં રસ હોય તો જોવા જજો: (૧) ચેન્નાકેશવ મંદિર, બેલુર (કર્ણાટક) – હોઇસળ શૈલી. સોપસ્ટોન પથ્થરમાંથી બનેલી જગપ્રસિદ્ધ ‘મદનિકા’: જેમાં કપૂરમંજરી નૃત્યમુદ્રાના શિલ્પમાં નાયિકા પોતાની પીઠ ફેરવીને, આખી કરોડરજ્જુનો સુંદર વળાંક (ત્રિભંગ પોઝ) દર્શાવતી ઊભી છે.કેશ-પાશ હસ્તિનીમાં સ્નાન કરીને પોતાના લાંબા વાળને નીચોવતી નાયિકા. જે શિલ્પને રિઅર વ્યુમાં જુઓ તો, તેની ખુલ્લી પીઠ પરથી સરકતા પાણીના ટીપાં અને તેના નિતંબ પર ઝૂલતો કંદોરો પણ કંડારેલા છે ! (૨) કંદારિયા મહાદેવ અને લક્ષ્મણ મંદિર, ખજુરાહો( મધ્યપ્રદેશ) – ચંદેલ શૈલી: આલસ-કન્યાપોતાના બંને હાથ માથા પાછળ બાંધીને આળસ મરડતી આ સુંદરીની પીઠનો નીચેનો ભાગ સહેજ બહાર નીકળેલો ને વચ્ચેનો ભાગ અંદર નમેલો દેખાય છે, એટલે એનીકાયા લવચીક યાને ઈલાસ્ટિક લાગે ! પૃષ્ઠ-શૃંગાર શિલ્પમાં નાયિકા પ્રેક્ષકો તરફ પીઠ કરીને સહેજ મોં ફેરવીને પાછળ જુએ છે એમાં તેની પીઠના મધ્ય ભાગમાં પડતો ખાડો અને નિતંબ પર કંડારેલા આભૂષણોની બારીકાઈ લાજવાબ !
(૩)કોણાર્ક સૂર્ય મંદિર, પૂરી (ઓરિસ્સા) – કલિંગ શૈલી: નૃત્ય મંડપની પથ્થરની જાળીઓ પર એવી નર્તકીઓ કંડારેલી છે જેઓ નૃત્યની મુદ્રામાં તરસતી પીઠ દર્શાવે ! વાંસાના સ્નાયુઓમાં નૃત્યની ગતિ પથ્થરમાં પણ મહેસૂસ થાય! (૪) રાણકી વાવ, પાટણ (ગુજરાત) – સોલંકી શૈલી: ગુજરાતમાં તો જી જુઓ દર્પણ-ધારિણી અને વિલાસવતી ! વાવમાં એવી એવી અપ્સરાઓ છે જેઓ પાછળ ફરીને, પોતાના સુંદર વાંસા પર લટકતી ચોટલી અને પીઠના નીચલા ભાગમાં કટિસૂત્ર બાંધતી નજરે પડે! (૫) ભુવરાહ સ્વામી મંદિર, શ્રીમુષ્ણમ (તમિલનાડુ) – નાયક શૈલી: દીર્ઘ વેણી નાયિકા: આ વિશિષ્ટ શિલ્પમાં સ્ત્રી સંપૂર્ણપણે પાછળ ફરીને ઊભી છે. તેની આખી પીઠ ખુલ્લી છે અને તેની પીઠની બરોબર મધ્યમાંથી પસાર થતી તેની કરોડરજ્જુની રેખા અને નીચલા વાંસાના ખાડા ( જેને ડિમ્પલ ઓફ વીનસ કહેવાય) ક્યા મહાન શિલ્પીએ કોતર્યા હશે આમ !
રિમેમ્બર, આ વર્ણન નથી કોઈ બોલીવુડ ફિલ્મના કે કોઈ વેસ્ટર્ન કલ્ચરની પાર્ટીના. આ શુદ્ધ અસલી ભારત છે જેની એના નામની ઠેકેદારી કરતા ઠોઠઠોબારાને ખબર નથી. આ છે સનાતનના એ પૂર્વજોનો વારસો જેમના માટે સૌંદર્યનું રસપાન પણ એક પૂજા હતી ચૈતન્યની, પાપ નહિ. એટલે દરેક અંગોને વર્ણવતા એ પરમાત્માને પ્રણામ કરતા મનોમન એ ઘડવા માટે ! પીઠ ડોક્ટરને દુઃખાવા માટે બતાવવા માટે નથી. પીઠને પણ કોમળ, સુખ આપનાર અને આકર્ષક ગણતું આટલું જુનું સાહિત્ય બીજી કઈ ભાષામાં છે જગતમાં ? અને આપણને એની ખબર પણ નથી ને ઘડી ઘડી સંસ્કાર ને મર્યાદાના નામે સંકુચિત સણકા નીકળે છે. આવા અરસિક હોઈને સિક, માંદા થયેલા સમાજ સાથે કેટલા લમણા લેવા !
ફાસ્ટ ફોરવર્ડ
વિદ્યાપીઠ : કર્વી બ્યુટી હીરોઈન વિદ્યા બાલનની પીઠ ! ખીખીખી.




