Ravi Purti

એક પાપ બીજા અનેક પાપનો દરવાજો ખોલી આપે છે!

By GS Team
10 Oct 20267 mins read
એક પાપ બીજા અનેક પાપનો દરવાજો ખોલી આપે છે!
  • જાણ્યું છતાં અજાણ્યું-મુનીન્દ્ર
  • આ પાપ મન, વચન અને કાયાથી થતા હોય છે અને એને નાગપાશની ઉપમા આપવામાં આવી છે. માનવી સાવધ ન હોય અને એની પાશમાં સપડાઈ જાય તો એ એમાંથી બહાર નીકળી શકતો નથી

પા પ વિશેની આગવી વિચારધારા જોઈએ. એક સીધીસાદી સમજની વાત આપણે સાંભળીએ છીએ કે માનવીએ જીવનમાં પાપપ્રવૃત્તિથી દૂર રહેવું જોઈએ. પ્રત્યેક વ્યક્તિની ભીતરમાં સુખની તીવ્ર આકાંક્ષા હોય છે, પણ ઘણી વાર એનું સુખ એ બાહ્ય પરિગ્રહમાં સિમિત થઈ જાય છે અને એને પરિણામે એની પરિગ્રહની આંધળી દોડ વારંવારની પાપપ્રવૃત્તિમાં પરિણમે છે. આથી જ માત્ર આધ્યાત્મિક માનવીએ જ નહીં, બલ્કે વ્યવહારજીવન જીવતા માનવીએ અને એથીય વિશેષ પ્રત્યેક માનવીએ પાપપ્રવૃત્તિનું એનાલિસીસ કરવું જોઈએ. જો એ પાપનું એનાલિસીસ ન કરે, તો એ પુણ્યથી દૂર ચાલ્યો જાય છે.
આચાર્ય કુંદકુંદ સ્વામીએ કહ્યું છે કે, 'આત્માનું શુભ પરિણામ ભાવપુણ્ય છે અને અશુભ પરિણામ પાપ છે.' આ રીતે પાપ એ માત્ર આપણી જીવનપ્રવૃત્તિ સાથે જોડાયેલું નથી, એ માત્ર આપણા કોઈ આચરણ સાથે બંધાયેલું નથી, પરંતુ એનો સંબંધ આત્મા સાથે છે. આજ સુધી આપણે પાપની વાત કરીએ, ત્યારે માત્ર પાપપ્રવૃત્તિ સુધી જ એને સીમિત કરીએ છીએ, પરંતુ હકીકતમાં પાપ એ વ્યક્તિના આત્મા સાથે સંલગ્ન હોય છે. એનું કારણ છે કે માનવીની ગંગોત્રીનું સ્થાન એનો આત્મા હોય છે અને એમાંથી જ જીવનપ્રવાહ અને પ્રવૃત્તિઓ બહાર વહેતી હોય છે.
આપણું દુર્ભાગ્ય એ છે કે આપણે બહારથી અંદર જઈએ છીએ એટલે કે આસપાસની દુનિયામાં રચ્યાપચ્યા રહીને પછી આત્મા તરફ જઈએ છીએ. હકીકતમાં સાચી પ્રવૃત્તિ તો અંદરથી બહાર જવાની છે. જો ભીતરનાં આવરણો ઓછા થાય, તો જ જીવનમાં પુણ્યનો પ્રકાશ ફેલાય. આથી તો નામદાર પોપે કહ્યું છે કે, 'ઈમાનદાર માણસ એ ઈશ્વરની સર્વોત્તમ કૃતિ છે.' પરંતુ 'ઈમાન'ની વાત કરવી સરળ છે, પણ ઈમાનનું પાલન કરવું અઘરું છે.
જરા પાપના ક્રમ વિશે જોઈ લઈએ. એમાં પહેલી વાત છે દ્રષ્ટિ. 'જેવી દ્રષ્ટિ, એવી સૃષ્ટિ' એમ કહીએ છીએ, પણ સાથોસાથ એમ કહેવું જોઈએ કે, 'જેવી વૃત્તિ, એવી દ્રષ્ટિ'. પાપનું મૂળ માનવીની વૃત્તિ છે અને એ વૃત્તિને કારણે એના મનમાં પાપ કરવાની ઇચ્છા જાગતી હોય છે. આ વૃત્તિ વિશે વિચાર કરીએ તો મજાની વાત એ છે કે માનવી માનતો હોય છે કે એની દુર્વૃત્તિઓ દુઃખદાયક બનતી હોય છે, પરંતુ એ મોટેભાગે વૃત્તિને વશ થઈ જતો હોય છે. એ વૃત્તિ એને ઉશ્કેરે છે.
બીજા અર્થમાં કહીએ તો તે એના ચિત્તને બહેકાવે છે અને પછી એ વૃત્તિ દ્વારા એટલે કે એ દ્રષ્ટિ ધીરે ધીરે વિચારમાં પ્રવર્તે છે. ભીતરમાં પડેલી ક્રોધની વૃત્તિ તમારી આંખમાં ક્રોધ લાવશે. તમે એવા ઘણા લોકો જોયા હશે કે જેમને સામાન્ય બાબતમાં ગુસ્સો કરવાની આદત હોય છે અને પછી એમનો એ ગુસ્સો ક્રોધમાં પરિણત થતો હોય છે અને એ હત્યા પણ કરી બેસે છે. આ રીતે એનો ગુસ્સો કે એનો ક્રોધ મૂળ તો એના ભીતરમાં પડેલા અહંકારમાંથી જાગેલો હોય છે. કોઈ અપશબ્દ બોલે તો એને એમ લાગે છે કે જાણે આખુંય આભ તૂટી પડયું અને પછી એ અપશબ્દોનો સેંકડો અપશબ્દો બોલીને બદલો લેવા પ્રયત્ન કરે છે.
આમ એના ક્રોધની પાછળ એનો પ્રબળ અહંકાર છુપાયેલો હોય છે. જો એની દ્રષ્ટિ કામવાસનાથી લુપ્ત હશે, તો એ પ્રત્યેક વ્યક્તિને એની આગવી કુશળતા, એનો ઉમદા સ્વભાવ કે એના પરિવારની મહત્તા જોવાને બદલે એ વ્યક્તિમાં માત્ર પોતાની કામદ્રષ્ટિને પોષક એવા માદક અંગઉપાંગને જ જોતો હોય છે. સ્ત્રીની ક્ષમતાને બદલે એના સૌંદર્ય પર એની નજ૨ ઠરેલી હોય છે અને એ એનો ઉપભોગ કરવા માટે આતુર હોય છે. માનવીની દ્રષ્ટિમાં લોભ વસ્યો હોય તો પછી એ પ્રત્યેક બાબતના લોભથી વિચાર કરતી હોય છે. આમ પાપનું પહેલું પગથિયું એ વ્યક્તિની દ્રષ્ટિ છે. જેમ દ્રષ્ટિ ધૂંધળી હોય તો કશું સ્પષ્ટ દેખાતું નથી, એ રીતે એની આ પાપવિચારણાને કારણે એ સત્યદર્શન કરી શકતો નથી અને એથીયે વિશેષ તો ધૂંધળી દ્રષ્ટિને કારણે એનું જગત અજ્ઞાનથી ભરપૂર બને છે. દ્રષ્ટિ પછી વિચાર આવે છે અને એના મનમાં એ વિચાર જ ઘોળાતો રહે છે. ગુસ્સો ચડયો હોય તો ક્યારે એ વ્યક્તિ પર ક્રોધ ક૨વાની તક મળે એ શોધતો હોય છે. કામના જાગી હોય તો કઈ રીતે એ કામનાથી મળનારાં સુખોની કલ્પના સાકાર થશે એનો વિચાર કરતી હોય છે.
આથી જ ભગવાન બુદ્ધે કહ્યું છે કે, 'પાપની કલ્પના અફીણના જેવી માદક લાગે છે, પણ અંતમાં નાગણના આલિંગન જેવી વિષમય લાગે છે.' કલ્પનામાંથી શરૂ થતું પાપ, તે પછી ક્રોધનું હોય, કામનાનું હોય, અસત્યનું હોય, રાગ-દ્વેષ કે મૈથુનનું હોય, પણ એ બધાં પાપનું મૂળ તો વ્યક્તિની દ્રષ્ટિમાં છે.
આપણા દેશમાં દુર્વૃત્તિનો મોતિયો ધરાવનારી વ્યક્તિઓનો પાર નથી. એની દ્રષ્ટિ જ એવી નિંદાખોર અને નકારાત્મક હોય છે કે એના જીવનમાં પાપવિચાર સિવાય બીજું કશું હોતું નથી. નિંદા, ચાડીચુગલી, ગોસિપ, ફાંકાબાજીનો મોતિયો ઉતરાવવાની ભારતીય સમાજને જરૂ૨ નથી લાગતી.
એ ભૂલવું ન જોઈએ કે તમે પાપને ગમે તેટલું ધિક્કારો, પાપથી થતી હાનિ વિશે કેટલાંય ઉપદેશ આપો, પાપને કારણે પીડા પામનારા લોકોની કથા કહીને એના દુઃખદ અંતની વાત કરો, સાધક પાસે પાપથી દૂર રહેવાના નિયમો લેવડાવો, આમ છતાં એ સ્વીકારવું જોઈએ કે પાપનું પણ એક આકર્ષણ હોય છે. પાપ માનવીના મનને મલિન કરીને જોશથી ધક્કો મારતું હોય છે.
આનું કારણ એટલું જ કે પાપની પાછળ એક 'સુખ'નો ખ્યાલ જોડાયેલો છે. એમાં વ્યક્તિ વાસનાનું સુખ મેળવવા માટે ધસમસતો હોય છે. અહંકાર જેવા વ્યવહારિક સુખની ઇચ્છા રાખતો હોય છે અને મનની કામનાનું સુખ તૃપ્ત કરવા ચાહતો હોય છે. એ હકીકત છે કે કોઈ વ્યક્તિ બળાત્કાર કરે તો એની પાછળ પણ એનો આવો જ આશય હોય છે, માત્ર એટલું જ કે એ પાપના પરિણામને જોઈ શકતો નથી અને વાસનાથી એની આંખો અંધ બની ગઈ હોય છે.
પરિણામે વ્યક્તિ જાણે છે કે આ પાપ છે, એ જાણે છે કે હું પાપી પ્રવૃત્તિ કરું છું, પણ છતાં એ પાપના પ્રબળ આકર્ષણને વશ થઈ જાય છે અને એ વશ થવાને કારણે એને એક પ્રકારના લાગણીના ઉદ્રેકનો અનુભવ થતો હોય છે.
વળી માનવી જ્યારે પાપ કરતો હોય છે, ત્યારે ભારે પ્રપંચી હોય છે. એ પોતાની જાત સાથે એક પ્રપંચ ખેલતો હોય છે. એનો પહેલો પ્રપંચ એ છે કે આ તો હું મારી મોજમજા માટે કરું છું કશું પાપ કરતો નથી. મોજમજા મળે છે એમ માનીને એ દારૂ પીએ, પણ અંતે એ પોતાની પત્ની અને બાળકોને માર મારે, નિર્ધન થાય અને દારૂ પીવા માટે પૈસા મેળવવા ખોટે રસ્તે જાય, એમ કરવા જતા ચોરી કરે, હત્યા પણ કરી બેસે - એનો અર્થ એ કે જેમ નિસરણી પર બેઠેલી વ્યક્તિ સતત નીચે સરતી જાય છે એ રીતે પાપમાર્ગે જનારી વ્યક્તિ એ સતત જુદાં જુદાં પાપ આચરતી જાય છે. આથી હું કહીશ કે પાપ એકલું આવતું નથી, પરંતુ એની સાથે મોટી પાપ- સેના લઈને આવે છે, પણ મજા એ છે કે પાપ કરનારને માત્ર એ પાપનો જ ખ્યાલ આવે છે પેલી પાપ-સેનાનો નહીં.
પાપ વિશેની બીજી બાબત એ છે કે વ્યક્તિઓ પાપ સાથે પ્રપંચ ખેલતી હોય છે. એ એમ માનતી હોય છે કે હું પાપ કરું છું, તેને કોઈ જોતું નથી એટલે મને કશો વાંધો નહીં આવે. પરીક્ષામાં ચોરી કરનાર વિદ્યાર્થી કે પછી વેપારમાં ખોટો હિસાબ કરનાર વેપારી આવું માનતો હોય છે અને હકીકતમાં એ પાપ એને ક્ષણિક આનંદ આપે છે. એને એ પોતાની સફળતા માને છે, પણ ધીરે ધીરે એ પાપ ક્યાંકને ક્યાંકથી પ્રગટ થતું હોય છે અને એ સમયે એની મુશ્કેલીઓમાં પારાવાર વધારો થતો રહે છે.
સામાન્ય માનવીને પવિત્ર બાબતોમાં ઓછો રસ હોય છે. સુચિતાની એ બહુ ચિંતા કરતો નથી, તેથી એ પોતાની જાતની એવી વંચના કરતો હોય છે કે આ એક વાર પાપ કરી લઉં, પછી નહીં કરું, પણ હકીકતમાં તો એ એકવારનું પાપ એને અનેક પાપ સુધી લઈ જાય છે અને એક પછી એક વધુ મોટા પાપ કરતો જાય છે.
આ પાપ મન, વચન અને કાયાથી થતા હોય છે અને એને નાગપાશની ઉપમા આપવામાં આવી છે. માનવી સાવધ ન હોય અને એની પાશમાં સપડાઈ જાય તો એ એમાંથી બહાર નીકળી શકતો નથી. સાદા શબ્દોમાં કહું તો એક પાપ બીજા પાપનો દરવાજો ખોલે છે. આપણે એવી અનેક ઘટનાઓ જાણીએ છીએ કે દસ વર્ષ પૂર્વે કોઈની હત્યા કરી હોય અને એના શબને તળાવમાં ફેંકી દીધું હોય તો દસ વર્ષ બાદ પણ એ પાપ બહાર આવતું હોય છે. આને માટે વ્યવહારમાં આપણે કહીએ છીએ કે, 'પાપ પોકાર કરે છે.' પરિણામે કોઈ પકડી પાડનારું ન હોય ત્યારે જે માણસ પ્રમાણિકતા બતાવે એ જ ખરી પ્રમાણિકતા. આપણે ત્યાં કેટલા બધાં ધર્મસ્થાનો છે, અગણિત ધર્મોપદેશકો છે, ધર્મમંગલ સૂચવતા ગ્રંથો છે, ધર્મસૂત્રોનું ગહન વાચન થાય છે, બારે માસ કોઈને કોઈની ઉપાસના થતી હોય છે અને છતાં આ બધું બહાર રહે છે. એ ભીતરમાં જતું નથી, એ ભીત૨માં જાય તો જ
પાપ ટળે.
આથી જ 'ગુરુ ગ્રંથસાહિબ'માં કહ્યું છે કે,
'કામ, ક્રોધ, લોભ, મોહ અભિમાન,
તા તે જાત વિકાર મન મુખ અજ્ઞાન !'
એટલે કે 'કામ, ક્રોધ, લોભ, મોહ અને અહંકારના કારણે માણસ અજ્ઞાની બનીને પાપના માર્ગે જાય છે.'