Ravi Purti

ઓડિસી અને ઇથાકા : સંજોગોની સફરમાં હતાશ થયેલા માટે સફળતાની આશા અને જિંદગીની જીદની પ્રેરણાગાથા!

By GS Team
2 Aug 202613 mins read
ઓડિસી અને ઇથાકા :  સંજોગોની સફરમાં હતાશ થયેલા માટે સફળતાની આશા અને જિંદગીની જીદની પ્રેરણાગાથા!
  • સ્પેક્ટ્રોમીટર-જય વસાવડા
  • ત્રણેક હજાર વર્ષ જૂની અમર ગ્રીક રચના કેવી રીતે આજના આપણા જીવનની ભૂતાવળ સામે લડવાનો ને આપણા લક્ષ્ય સુધી પહોંચવાનો નકશો કંડારી શકે? એના પ્રતીકોમાંથી આધુનિક મોટીવેશન કેવું મળે?

તમે ઇથાકા તરફ પ્રયાણ કરો
ત્યારે પ્રાર્થના કરજો,
કે પ્રવાસ સુદીર્ઘ હોય.
શોધ અને સાહસથી સમૃદ્ધ
ન ડરજો દૈત્યોથી, રાક્ષસોથી,
કે વરુણના કોપથી
જો તમારા ઉરમાં ઉત્તેજના હોય
તો જરાયે અડચણ નહીં આવે
માર્ગમાં નહીં મળે
દૈત્યો, રાક્ષસો કે વિકરાળ વરુણ
સિવાય કે તમે એમને
સાથે લઈને નીકળ્યા હો તમારા મનમાં.
પ્રાર્થના કરો કે પ્રવાસ સુદીર્ઘ હોય
વાસંતલ વહાણું વાયું હોય
આનંદભર્યા તમે સરતા આવો
સરસરાટ અજાણ્યા બંદરબારે
કાફલો લાંગર્યો હોય
ફિનિસિયનોના બજારમાં
તમે ખરીદતા હો
પરવાળાં, અબનૂસ, સાચાં મોતી
પછી હંકારી દો મિસરના નગર ભણી
કિસમ કિસમનાં અત્તર
વિદ્વાનો પાસે બે વાત શીખવા.
તમારું લક્ષ્ય છે ઇથાકા
પરંતુ ઉતાવળ કશી નથી
ભલે વરસોનાં વરસ લાગતાં
ભલે ઇથાકા સુધી પહોંચતાંમાં
તમે થાઓ વૃદ્ધ
પ્રવાસની પ્રાપ્તિઓથી સમૃદ્ધ
તમારે કશી સંપત્તિ નથી જોઈતી
ઇથાકા પાસેથી
એણે તમને અદ્ભુત પ્રવાસ આપ્યો-
શું એ જ પૂરતું નથી?
ઇથાકા ન હોત
તો તમે
સમંદરમાં ઝુકાવ્યું જ ન હોત!
અં ધમહાકવિ હોમરની ધરતી પરના જ ગ્રીક પોએટ સી.પી. કાવાફીએ છેક ૧૯૧૧માં આ કવિતા લખી હતી જેનો ગુજરાતી અનુવાદ ઉદયન ઠક્કરે કરેલો છે. ઇથાકા એટલે રાજા ઓડિસિયુસનું વતન, જ્યાંથી ટ્રોયની લડાઈમાંથી નીકળ્યા બાદ એને પાછા ફરતા વીસ વર્ષ વીતી ગયા. કવિ એનો આસ્વાદ કરાવતા અહીં કહે છે કે 'પ્રવાસ ટૂંકો અને શાંતિમય નહીં, પરંતુ લાંબો અને સાહસમય હોય. એક અભ્યાસનું તારણ હતું કે આપણને ડર હોય તેમાંની પચાસ ટકા પરિસ્થિતિઓ કદી સર્જાતી જ નથી! આપણે અમસ્તા દૈત્યોને દિમાગમાં લઈને ફરીએ છીએ. હૈયું હોકાયંત્ર હોય, અને બાવડાં બળવાન હોય, તો ભય શાનો? કાવાફી શેનું વર્ણન કરે છે? દૈત્યો સાથેના દંગલનું? ના, આનંદ-મંગલનું રાક્ષસોને યાદ રાખવાના ન હોય. ઓડિસિયુસને પ્રવાસમાં શું મળ્યું? અબનૂસનું લાકડું (સ્થૂળ), ઝગારા મારતું મોતી (સૂક્ષ્મ), અત્તરની સુવાસ (સૂક્ષ્મતર), અને જ્ઞાન (સૂક્ષ્મતમ). લક્ષ્ય છે ઇથાકા. દરેકનું ઇથાકા જુદું હોઈ શકે. ટ્રાવેલિંગ ઇઝ બેટર ધેન અરાઇવિંગ. ત્રણ હજાર વર્ષ પછી આપણે ઓડિસિયુસને યાદ કરીએ છીએ તે ઇથાકામાં તેના નિવાસને લીધે નહીં, પરંતુ ઇથાકા સુધીના તેના પ્રવાસને લીધે!'
છેલ્લા ત્રણ લેખોમાં હોમર, ઇલિયાડ અને ઓડિસીની કથાસાર સહિતની ચર્ચા માંડી એ વાંચી હોય તો આગળ આ ચોથી કડી. આમ તો હોમરની કૃતિઓ સિવાય પણ આખી કથાના આગળપાછળના સગડ બીજી કૃતિઓમાંથી મળે છે. ટ્રોયની લડાઈના નામે દેવતાઓએ ચોપાટ માંડીને દેવતાઈ અંશ ધરાવતા મનુષ્યોને લગભગ પતાવી દીધા! બચ્યો એક ઓડિસિયુસ.
પણ એમાં ઘણા મેટાફર છે. એક્ચ્યુઅલી, ઓડિસિયુસ ભાગ્ય અને ભગવાન બેઉની રમત સામે ઝઝૂમીને પોતાની મંઝિલ સુધી પહોંચતા ઇન્સાનની જયકથા છે. હોમરનો ઓડિસિયુસ નોલાનના ઓડિસિયુસથી અલગ છે. હોમરનો ઓડિસિયુસ યુધ્ધમાં કરેલા છળકપટને કૃષ્ણની જેમ લે છે ને એનાથી ગિલ્ટ અનુભવતો નથી. ઉલટું પ્રાઈડ ફીલ કરે છે ને એ ગર્વના મદમાં જ પેલા રામાયણના કબંધ જેવા એકાક્ષી અસુર પોલીફિમસને એની ઓળખ ખબર નથી તો પણ કહેતો જાય છે કે મારું નામ તો ઇતિહાસમાં લખાવું જોઈએ ને એમાં એના બાપ સાગરદેવના ખૌફનો ભોગ બને છે. એનો આ ગર્વ ધીરે ધીરે પરિસ્થિતિઓથી તૂટે છે. પણ એ હ્યુમર, ચાર્મ ને જરૂર પડે તો જૂઠનો પણ સહારો લે છે બચવા માટે.
'ધ ઓડિસી' તલવાર-ઢાલ લઈને ફરતા કોઈ લડાયક ગ્રીક હીરોની જ કહાની હોત, તો ક્યારેય આટલી લોકપ્રિય ન થઈ હોત. આ ખરેખર એક જર્ની ટુ સેલ્ફ ડિસ્કવરી છે. આ એવી કવિતા છે જે માનવ હોવાનો અર્થ શું છે, તેની જીવંત અનુભૂતિ કરાવે છે. તેમાં આનંદ, પ્રેમ, પીડા, દયા, ગુસ્સો, જૂઠ, રમત, મોહ, આકર્ષણ, એકલતા, પરિવાર શોક, સફળતા અને નિષ્ફળતા-બધું જ
ધબકે છે.
ઓડિસિયુસની પોતાના ઘરની શોધ આજે પણ એવા લોકોના જીવન સાથે જોડાયેલી છે, જેઓ ઈચ્છવા છતાં , ઝૂરવા છતાં ક્યારેય પોતાના વતન પાછા ફરી શકતા નથી. કે કોઈ મોટી લડાઈ પછીનો ટ્રોમા વર્ષો સુધી ભોગવે છે. ઓડિસી જીવનના અનિવાર્ય સંઘર્ષો અને ઉતાર ચઢાવને વાંરવાર ફરિયાદને બદલે સ્વીકાર કરીને એની સામે નિરંતર લડતા રહેવાનો સંદેશ આપે છે. એનો આશાવાદ પ્રયાસો કરવાથી ના થાકતા ખંત અને ધગશમાં છે.
જીવન ઓડિસિયુસની ઘરે પાછા ફરવાની યાત્રા જેવું જ છે, એની જેમ આપણા જીવનમાં પણ મુશ્કેલીઓ, પ્રલોભનો અને અણધાર્યા વળાંકો આવવાના જ છે. બહારની તાકાતો આપણને રસ્તેથી ભટકાવશે અને આપણી ઉત્તમ યોજનાઓને બગાડી નાખશે. અસલી કિમીયો આ મુશ્કેલીઓને ગમે તે ભોગે ટાળવામાં નથી (તે શક્ય પણ નથી), પણ એને સહન કરવામાં ને મોકો મળે ત્યારે મુકાબલો કરવામાં છે. વાસ્તવિકતા સમજ્યા વિના એની સાથે કામ પાર પાડી શકાતું નથી. લાઈફ ઈઝ નોટ ફેરીટેલ. સતત આનંદમય જીવન એક સપનું છે. ગળાબૂડ લવમાં ડિવોર્સ પણ આવી શકે તંદુરસ્ત લાગતા દેહમાં અણધારી બીમારી થઇ શકે. નોકરી છૂટી જાય કે ધંધામાં ખોટ જાય. એનીથિંગ કેન હેપન. પણ આ પડકારો તમને ધારો તો કૈંક શીખવી શકે, ઘડી શકે. મંઝિલ માટેની યાત્રા થકવી નાખનારી હોય, તો પણ એ વિકસીત કરે છે.
એક અર્થમાં, ટ્રોયથી ઇથાકા સુધીની ઓડિસિયુસની દસ વર્ષની લાંબી મહાયાત્રા સમર્પણ અને દ્રઢસંકલ્પનું ઉત્તમ ઉદાહરણ છે. તે ક્યારેય પોતાની પત્ની, પુત્ર અને રાજ્ય માટેની ઝંખના છોડતો નથી; તે ઘરે પહોંચવાની આશા ક્યારેય ગુમાવતો નથી. આજના આરામમાં જીવતા માણસની જેમ એના લક્ષ્ય ઘડી ઘડી ફરી જતા નથી. હિંમતવાન રાજવી ઓડિસિયુસ યોદ્ધો છે, જેણે કાળની થપાટો ઝીલી છે. છતાં રડે છે, તે ખુલ્લેઆમ કહે છે કે પોતે પરેશાન છે, ઘર માટે ઝંખે છે. આપણા માટે ખરેખર શું મહત્વનું છે તે ઇથાકા શોધી કાઢવું એ પણ જીવનની એક અગત્યની ખોજ છે. એ ઘર હોય, કારકિર્દી હોય, સંબંધ હોય, શોખ હોય, સર્જન હોય, પ્રવાસ હોય, પ્રકૃતિ હોય કે કોઈ ગમતું કામ કે ગમતો આરામ હોય. પછી કસોટીઓ સામે ફાઈટ આપવાનો સ્પિરિટ આપોઆપ આવી જશે. નહિ તો આજીવન ભટકતા રહેશો.
ઓડિસિયુસની જેમ આપણા અંતરમાં કંઈક એવું હોવું જોઈએ જે આપણા આંતરિક હોકાયંત્ર તરીકે દિશા બતાવે ને ગાઇડિંગ લાઈટ બની અંધારમાં આપણને આગળ ધપાવતું રહે. એ માટે જ્યાં હો ત્યાંથી મદદ અને માર્ગદર્શન શોધવા પડે. દુશ્મનો મળે તો સાથીદારો પણ ગોતવા પડે. ને યાદ રાખવું પડે કે આપણું 'ઇથાકા' ગમે તે હોય, સીધા રસ્તે ત્યાં ફટાફટ જવાની લાલસા એક ભ્રમ જ છે. અસલી રસ્તો તો વાંકાચૂંકા વળાંકો અનેઅણધારી અડચણોથી ભરપૂર હોવાનો. અને એમાં બળ જ કામ નહિ લાગે, બુદ્ધિ જોઈશે. પ્રેમ કરનારા તત્વોનો સાથ જોઇશે. યોગ્ય સમય પારખવાની ધીરજ જોઇશે. ઇથાકા પહોંચીને પણ ઓડિસિયુસ સીધો પ્રગટ નથી થતો. પોતાની ગેરહાજરીમાં શું થયું એના સમીકરણ બેસાડે છે. કોણ ખરેખર સાથે છે ને કોણ ખરેખર સામે છે એ છૂપી રીતે સમજે છે, ને પછી મોકો મળે ત્યારે ત્રાટકે છે!
ઓડિસિયુસ એવો હીરો નથી જેને રાજપાટ જીતવા હોય. એ એવો નાયક છે જેને ઘેર પાછા ફરવાની તડપ છે. કોઈ મંઝિલ એવી નથી હોતી જે કોઈ બલિદાન ના માંગે. ઓડિસિયુસે પણ ઘણું છોડવું પડે છે. જહાજ, મિત્રો, યૌવન, કૃષ્ણની જેમ જ માર્ગમાં મળેલો અપેક્ષા વિનાનો પ્રેમ ને સખીઓ સાથેનું સુખ… કમ્ફર્ટેબલ વિસામા જેવા ઘેર પહોંચવા માટે પણ અન્ય ક્મ્ફર્ટ ઝોન છોડવા પડે છે. અને ઘર માત્ર એક પ્રદેશ નથી. એવા ટાપુ તો રહેવા જેવા એને મળે છે જ્યાં કોઈ કમી ના હોય. એને માટે ઘર એટલે યાદ, મેમરી. ઘર એટલે પોતાના ગમતા લોકો સાથે જીવવા ધારેલી આનંદની પળો, ઘર એટલે એવું કશુંક જ્યાં કોઈ ઉત્સાહથી તમારી રાહ જુએ છે ને તમને મોડું થાય તો મોઢું ફુલાવી તમારા પર કાયમી ચોકડી નથી મારતું! હોમ એટલે હાશકારો!
હોમરનો ઓડિસિયુસ એટલે જ યાદો ભૂલાવી દેતા કમળના ફૂલથી આઘો રહે છે. દેવતાઈ અમરત્વ પણ એને ખપતું નથી. કારણ કે એકધારાપણું પણ કંટાળાજનક છે. સાગરમાં લહેરો ઉછળે ને દ્રશ્યો બદલાય તો એની મજા છે. સમય પસાર થાય એમ ઓડિસિયુસની માફક આપણા પોતાનાઓ વચ્ચે આપણે સ્ટ્રેન્જર યાને અપરીચિત હોઈએ એવો અહેસાસ થાય. આ સમય સામે લડવા પણ સ્મરણ કામ લાગે. ઓડિસિયુસને રસ્તામાં પંખીનું શરીર અને માનવનું મુખ ધરાવતી માયાવી મોહિની સાયરનના ગીત ટેમ્પટેશન બનીને ખેંચે છે, કમળના ફૂલ ભૂખને અપીલ કરે છે, સરસી સાથે ભોગવિલાસ છે, કેલિપ્સો સાથે સ્વર્ગ જેવો સેક્સ ને નિત્ય આનંદવાળું આયુષ્ય છે. હોમરનો ઓડિસિયુસ નોલાન જેવો સેક્સલેસ નથી. એ સમયે એવી મોરાલિટી હતી પણ નહિ. પણ ઓડિસિયુસ સહજ સેક્સ માણી લે છે માર્ગમાં મળે ત્યારે સામેથી સહમતી હોય તો, પણ ત્યાં મોહપાશમાં રોકાઈ જવાને બદલે પોતાની મૂળ ચાહત ને મૂળ મંઝિલ યાદ રાખી આગળ પણ વધતો રહે છે. જીવનની સફળતા કે સુખ તરફની સફરમાં આવતા વિઘ્નો આપણને રોકી નથી શકતા. હા, બદલાવી જરૂર શકે છે ને એ પરિવર્તન પોઝીટીવ હોય કે નેગેટીવ એ આપણા હાથમાં છે.
તકલીફો સામે લડતા લડતા જેવા હો એવા રહેવું એ પણ એક ચેલેન્જ છે. જે જે જગ્યાઓથી ઓડિસિયુસ પસાર થાય છે, એ બધી જ આમ જુઓ તો એક ઓફર છે એના માટે! જે એને એ છે એમાંથી બદલી નાખે! કમળના ફૂલ ડ્રગ જેવો નશો છે. જે તમને તમાર મકસદથી ભટકાવીને આળસુ બનાવી અંદરથી ભાંગી નાખે. સરસી એવી માયા છે જે તાકાતથી પુરુષોને હંફાવતી નથી. પણ જે લલચાઈને એની પાસે ભૂખ્યા જાય છે એને પાલતુ પશુ બનાવે છે. મતલબ એવો મોહ જે તમને મોજ આપે, પણ કાયમ માટે પોતાના ગુલામ બનાવે. સરસી તો કહે છે કે હું તો માત્ર અરીસો બતાવું છું. પુરુષો પશુ જેવા, વાસના કે સત્તા બાબતે ડુક્કર જેવા અકરાંતિયા હોય તો એવા દેખાય! પણ એ કસોટી એવી શક્તિ ય છે કે જો તમે મક્કમ રહો તો તમને શરણે થાય ને લાભ પણ અપાવે, જોખમોથી પણ બચાવે.
પોતાના ગીતોથી ખલાસીઓને ખેંચી એમના જહાજ તોડી એમને મોત તરફ ધકેલતી સંગીતમય સાયરન એ ખેંચાણ છે કે જે તમે જાણો છો કે ખતરનાક છે, તમને બરબાદ કરશે ને છતાં પણ તમે એની પાછળ ભાગીને તૂટી જાવ છો. પછી એ સ્ત્રી કે પુરુષનું એટ્રેક્શન હોય, અફેર હોય, વ્યસન હોય, કારણ વગર પંગા લેવાની કુટેવ હોય, જરૂરથી વધુ સ્પષ્ટ રહેવાની અકોણાઈ હોય… લિસ્ટ જાતે લંબાવતા જજો. પણ ગ્રીક ફિલસૂફ એરિસ્ટોટલે 'અક્રાશિયા' નામનો શબ્દ હોમરની સાયરન્સના વિવેચનમાં વાપરેલો. યાને એ બાબત જે તમારા જ બેટર જજમેન્ટને ઓવરટેક કરી જાય.
મતલબ, તમે મૂર્ખ બની છેતરાઈ જાવ એમ નહિ. તમને ખબર જ હોય કે આ રસ્તો ખોટો છે, ભવિષ્યમાં મારો નાશ કરી શકશે, એમાં ભલીવાર નથી. છતાં તમે એ છોડવાને બદલે જાણી જોઇને એના પારખા કરવા અતિઆત્મવિશ્વાસથી

અથવા તમારા અંતરાત્માના અવાજને રૃંધીને ધસી જાવ એ. જુગારમાં જીત્યા બાદ હવે ઉભા થઇ જવાય એવું અંદરથી કહેવાયા હોવા છતાં યુધિષ્ઠિરની જેમ બેઠા રહી બધું ગુમાવવાનું મન થાય એ! ડિસ્ટ્રેકશન હમેશા રિફાઈન્ડ શુગર કે જંક ફૂડની જેમ મીઠું હોય પણ એ પછી તબિયત તોડી નાખે. વળી, એ બધા ઝેર કાયમ ડેન્જરસ દેખાય એવું પણ ના હોય. પણ દેખાવે મોહક લાગતા નશા કે રિલેશન પળભરની ખુશી માટે આખું જીવન તકલાદી કરી નાખે.
સાયક્લોપ્સ પોલીફીમસ અમુક વખતે આંધળી ભયાનક તાકાતને ફોર્સથી હરાવી ના શકાય પણ થોડી સમય પલટાય એની ધીરજ ને વધુ ચતુરાઈ રાખીને રસ્તો કાઢી શકાય એ શીખવે છે. મહાકાય લેસ્ટ્રીગોનિયન તમે જેને પહોંચી ના વળો એવી એનાર્કી છે. આમાં લડવામાં સમય શક્તિ વેડફવાને બદલે રણછોરાયની જાય બોલાવી ભાગી જ છૂટવાનું હોય. એવું પેલા હેલિયોસના પશુ માની છતાં ખાવાની લાલચ, એક ક્ષણ માટે જાત પર કાબૂ ગુમાવી એવો અપરાધ કરો કે આજીવન એની વ્યથા ભોગવવી પડે.
છ માથાથી છનો ભોગ લેતી સિલા અને એના વિના આખા વહાણને ગરકાવ કરતુ વમળ ચેરીબડીઝ પરફેક્ટ ચોઈસનાં અભાવનો સિમ્બોલ છે. દરેક વખતે બ્લેક એન્ડ વ્હાઈટમાં આદર્શ પસંદગીઓ નથી મળતી આપણને. ક્યારેક સારા ને ખરાબ ને બદલે વધુ ખરાબ અને ઓછા ખરાબ વચ્ચે સિલેકશન કરવની નીયતિ આવે ત્યારે થોડું ગુમાવીને બાકીનું બચાવવા જેટલી રુથલેસનેસ કે ચાલાકી પણ આવડવી જોઈએ સર્વાઈવલ માટે. અને મૂળ વાત આવી જગ્યાએ રોકાવાને બદલે નુકસાન વેઠીને પણ આગળ વધવાની છે. બાકી દરેક ચોઈસની કોઈને કોઈ પ્રાઈસ તો હોય જ છે.
કેલિપ્સો મટીરિયલ પ્લેઝર ઉપરાંત સિમ્બોલ છે જવાબદારીઓમાંથી છટકીને લાંબો સમય એકનું એક કામ કરતા એકની એક જગ્યાએ જ બેઠા રહેવાનું. ગ્રોથને બદલે ગોળ ગોળ ફર્યા કરવાનું. અને એને જ આખરી પડાવ સમજીને આગળ અજાણી આફત આવશે એમ માની સફર કરવાની હિંમત ગુમાવી દેવાનું. સરસી ઓડિસિયુસને પઝેશનમાં નથી રાખતી. એને સહાય આપી એને જવું હોય ત્યારે જવા દે છે. પણ કેલિપ્સોનો પ્રેમ પઝેસીવ છે. એને અચરજ થાય છે કે હું અમરત્વ આપું છું છતાં આ પુરુષ કેમ એની પત્ની પેનેલોપીને ભૂલી નથી શકતો ને મારા શરીરસુખ પછી પણ ઉદાસ રહે છે. એ લવ એન્ડ સેક્સ વચ્ચેનો ભેદ છે ને ઓડિસિયુસને એટલે સાત વર્ષ દેવતાઓ છોડાવે છે. દરેક સગવડ સુખ નથી. દરેક સુવિધા એ સંતોષ નથી. દરેક આકર્ષણ એ શાશ્વત આનંદ નથી. અંતે કેલિપ્સો દેવતાઓના પોતાને મન થાય ત્યારે સ્ત્રીઓ ભોગવી લેવાના બેવડા ધોરણને કોસીને પણ વ્હાલા લાગતા ઓડિસિયુસને જવા માટેની વિદાય અને શુભકામના આપે છે. બધા રૂપ વિનાશક જ હોય એવું નથી. કોઈને સમય જતા સમજાવી શકાય. પણ વધુ પડતો આરામ તમારું ભવિષ્ય ના છીનવી લે એ સાવચેતી રાખવી. લવ તમારી ફ્રીડમ છીનવી લે તો ચાર્મ ગુમાવી દે છે.
અને પેલી સોળ વર્ષની નૌસિકા. એ અપેક્ષા વિનાની ભલાઈનું પ્રતિક છે. ત્યાંથી જ ઓડિસિયુસના દુખોનો અંત આવે છે. ત્યાં જ એ કોઈ જૂઠ વિના હૈયું ખોલીને સાચું કહે છે. ક્યારેક ઈતિહાસ મહાન નાયકોના પરાક્રમોથી નહિ પણ એમને જીવનની સફરમાં મળતા સારા માણસોની ભલમનસાઈ અને મદદથી પલટાઈ જતો હોય છે. અને ઓડિસિયુસ નૌસિકાને વચન આપે છે એમ સ્વ સત્કર્ર્મો યાદ રાખવા જોઈએ. બાકી, એથીના યાને ડહાપણ અને બહાદૂરી બે ગુણ તો છે જ આપણી ભીતર. જે હમેશા ચમત્કાર નહિ કરે, પણ આપણે પ્રોબ્લેમ સોલ્વ કરીએ એ માટે હૂંફ ને માર્ગદર્શન આપશે.
સાચી ઈશ્વરીય મદદ સારથી કૃષ્ણ જેવી છે. પોતાની જ મજબૂતી ઓળખી, ખામીઓ સુધારી સફળતા તરફ પ્રેરે પણ કર્મ આપણે કરવાનું હોય. અને એમાં કેટલાક પેલા શ્વાન અર્ગોસ જેવા વફાદાર મળે, જે છેલ્લા શ્વાસ સુધી રાહ જુએ ને આપણી તરફ રહે. અને કેટલાક પેનેલોપી જેવા સ્વજનો હોય જે રણમેદાન વિના આપણને દુખી કર્યા વિના પોતાની લડાઈઓ લડતા હોય પણ સાથે એમને ઝંખના બસ આપણા પ્રેમભર્યા સહવાસની હોય. અને આમ અસલી રાક્ષસો આપણી અંદર હોય એ ઈગો, એન્ગર, ફીઅર, ડાઉટ, ગ્રીડ, ટેમ્પટેશન વગરેને તૈયારી સાથે હરાવી શકાય!
આ સ્માર્ટ ઓડિસિયુસ ઇથાકા પહોંચે ને ફરી પત્ની અને પુત્રને મળે છે, ત્યાં હોમર તુલસીદાસજીના માનસની જેમ કથા પૂરી કરે છે. પણ અન્ય ગ્રીક દંતકથાઓમાં પછી શું થયું એની કિસમ કિસમની વાતો છે. ઓડિસિયુસ સાગરદેવ પોસાઈડનના શ્રાપ મુજબ ફરી યાત્રાએ નીકળે છે, એમાં રાણી ક્લેડીસ મળે છે, એની જોડે રહી ત્યાં રાજ ભોગવે છે ને એના થકી પણ સંતાન થાય છે. જાદૂગરણી સરસી સાથેના એક વર્ષના સહવાસથી ઓડિસિયુસને થયેલો પુત્ર ટેલીગોનસ મોટો થઇ બાપની ભાળ મેળવવા નીકળે છે, એ પણ બાપ જેવો યોદ્ધો છે પણ પિતાને જોયા નથી. ઇથાકા આવી ચડે ને પશુઓ ચોરનાર સમજી વૃદ્ધ ઓડિસિયુસ એના સાથે જંગ કરે છે ને અનૌરસ દીકરાના હાથે હારે ને મરે છે. પછી ઓડિસિયુસની પત્ની રાણી પેનેલોપી અને યુવરાજ ટેલીમાકુસ સરસીને મળવા ટેલીગોનસ પાસે જાય છે. ઓડિસિયુસને અંતિમ વિદાય આપી સરસી ચારે ને માયાથી અમર બનાવી દે છે. અર્જુનને મોહિત થઇ પાતાળલોકમાં લઇ જનાર સુંદરી નાગકન્યા ઉલૂપી જેવી કેલિપ્સો અમર દેવી છે પણ એનું શું થયું એનો કોઈ ઉલ્લેખ નથી. પ્રેમમાં એકાકી રહી જનારા ભૂંસાઈ જાય છે?
ઓડિસિયુસની સફરમાં જે જે સંકટો ને પાત્રો આવ્યા છે એની જ કથા રોમન કવિ વર્જીલની 'એનીડ'માં ટ્રોયની લડાઈમાંથી જીવતા બચીને ભાગનાર ટ્રોજન એનિઆસની સફર રૂપે છે, એને પણ એવી જગ્યાઓએ જવા મળે છે જ્યાં અગાઉ ઓડિસિયુસ ગયેલો, એની કથાઓ સાંભળવા મળે છે. (મતલબ સદીઓ બાદ વર્જીલે સિફતથી હોમરની ઓડિસી ગૂંથી લીધી છે પોતાનામાં) એને પણ રસ્તામાં રાણી દીદ્દાનો સહવાસ સાંપડે છે. અંતે એ પિતામહ બને છે એ બાળકનો જે રોમ નગરનો સ્થાપક બને છે ને એ રીતે ગ્રીક પછીની સંસ્કૃતિ રોમનું કનેક્શન ગ્ર્રીસ સાથે ટ્રોયની લડાઈ દ્વારા જોડાઈ જાય છે. હેલનના હરણ પછી ટ્રોય જીતીને એને મારવા ગયેલા પતિ મિનેલોસ એના અપૂર્વ સૌંદર્યના રૂપકામણમાં ફરી ખેંચાઈ ગયો ને મારવાની બદલે ઘેર લઇ આવ્યો ને હેલનને પેરિસ અને મિનેલોસ બેઉથી સંતાનો હતા. અંતે એનું મૃત્યુ અંતે ટ્રોયની લડાઈમાં એક વિધવા થયેલી રાણી તરફથી મળેલા મૃત્યુદંડમાં થયું.
પણ આ તો સિકંદર પણ પડખામાં લઇ સુતો એ હોમરની ગ્રીક ઓડિસીની ગુરુચાવીઓ હતી. નોલાનની ફિલ્મનું શું? જોઈ રાખજો એ. એટલે આવતા બુધવારે આ શ્રેણીના અંતિમ ભાગમાં માંડીને વાત કરીશું એની.
ફાસ્ટ ફોરવર્ડ
'સંસારનું સૌથી સુંદર દ્રશ્ય : આંખોમાં આંખો નાખી પ્રેમ કરી શકતા સ્ત્રી અને પુરુષ એક ઘર વસાવે, જ્યાં સ્વજનોને મજા મળે અને શત્રુઓને સજા.' (હોમર)