Ravi Purti

હવે કડકડતી પ્લાસ્ટિકની ચલણી નોટો આવે છે

By GS Team
28 Jun 20269 mins read
હવે કડકડતી પ્લાસ્ટિકની ચલણી નોટો આવે છે
  • ગંદી, ફાટેલી કાગળની કરન્સી નોટોથી કંટાળ્યા છો…?
  • હોટલાઈન-ભાલચંદ્ર જાની
  • પીવીસી કરન્સીનો સૌથી મોટો લાભ એ થાય કે પાકિસ્તાનની આઇ.એસ.આઇ.કે બીજા કોઇ દેશી ગઠિયા માટે આ નોટોની બનાવટી નકલ કરવાનું કામ અત્યંત કઠિન બની જાય
    થો ડા દિવસ પૂર્વે સોશિયલ મિડિયામાં ભારતીય ચલણી નોટોની નવી ડિઝાઇનો સાથેની તસવીરો વાયરલ થઇ હતી. સાથે એવી કોમેન્ટ પણ કરવામાં આવી હતી કે પ્લાસ્ટિકની નોટો આવી રહી છે.
    ખેર, આ વિડિયો તો ફેક હતો. પરંતુ આરબીઆઇના ગવર્નરે એવી સ્પષ્ટતા કરી હતી કે અમે હજુ સુધી પ્લાસ્ટિકની નોટો ચલણમાં મૂકી નથી પરંતુ આ દિશામાં પાકે પાયે તૈયારી થઇ રહી છે. આ માટે એક પાયલટ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવશે અને શરૂઆતમાં ૧૦ અને ૨૦ રૂપિયાની નોટો ચલણમાં મૂકાશે. ત્યારબાદ બેન્કો અને નાગરિકોના અભિપ્રાય મેળવવામાં આવશે અને આ રીતે ધીરે ધીરે ભારતમાં પ્લાસ્ટિક નોટનું
    આગમન થશે.
    વાસ્તવમાં બનાવટી ચલણી નોટ્સની સમસ્યા તથા ચલણી નોટો જલ્દી ફાટી જવાની સમસ્યાને હળવી કરવા માટે ભારત સરકારે ગયા સપ્તાહે રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયાને પોલીમર્સની ચલણી નોટ્સ ચલણમાં મૂકવાની અનુમતી આપી દીધી છે. યોજના સમયસર આગળ વધે તો ૨૦૨૮ની સાલમાં કાગળની કરન્સી નોટોના સ્થાને ખાસ પ્રકારની પાતળી પીવીસી (પોલી વિનાઈલ ક્લોરાઈડ) ફિલ્મ પર છાપેલી નોટો ચલણમાં મુકાશે. રિઝર્વ બેન્કના એક અધિકારીએ જણાવ્યા પ્રમાણે ચલણી નોટોનું આયુષ્ય વધારવા શરૂઆતમાં ૧૦ અને૨૦ રૂપિયાની ચલણી નોટો પીવીસી પર છાપવામાં આવશે. જો કોઈ સમસ્યા નહીં નડે તો ભવિષ્યમાં ૧૦૦ અને ૫૦ રૂપિયાની પ્લાસ્ટિકની નોટો બહાર પાડવામાં આવશે. અને આ રીતે પાંચેક વર્ષના ગાળામાં અત્યારની કાગળની બધી નોટો ચલણમાંથી પાછી ખેંચી લેવામાં આવશે.
    આર.બી.આઇ. પોલિમર કરન્સી બહાર પાડવાની તરફેણમાં એક એવો મૂદ્દો રજુ કરે છે કે દેશમાં ડિજિટલ પેમેન્ટનું પ્રમાણ ખૂબ વધી ગયું હોવા છતાં ચલણીનોટોની લેવડ દેવડ હજું ઓછી થઇ નથી. ઊલ્ટાનું બેન્કો પાસે કરન્સી નોટની ડિમાન્ડ વધી ગઇ છે.
    પ્લાસ્ટિકની નોટ અથવા પ્લાસ્ટિક કરન્સી એ હાલની કાગળની નોટો (પેપર કરન્સી)ની અવેજીમાં ઊપયોગમાં લેનારી ચલણી નોટ હશે. ખૂબ જ પાતળી પણ ટકાઉ પોલિમર પર છપાયેલી હશે, હાલમાં આપણે જે ચલણી નોટ વાપરીએ છીએ ખાસ પ્રકારના કાગળમાંથી બનાવાય છે. પોલિમર નોટ વજનમાં ખૂબ હળવી, એને ગમે તે રીતે વાળી, ગડી વાળીને ખિસ્સામાં કે પર્સમાં મૂકી શકાય… તેને ધૂંળ, ભેજ કે બીજા ગંદા દાગ જલ્દી લાગતા નથી તેમજ આસાનીથી ફાટી જતી નથી. તેથી આવી નોટો લાંબો સમય ચલણમાં ફરતી રહે છે.
    વળી આ પ્રકારની પ્લાસ્ટિક નોટની ડુપ્લીકેટ કોપી બનાવવી ખૂબ અઘરી છે કારણ કે તેમાં અદ્યતન, સિક્યુરીટી ફિચર્સ આમેજ હોય છે. જેમ કે નોટની આરપાર જોઇ શકાય તેવી ગોઠવણ તેની અંદર ચોક્કસ જગ્યાએ હોય છે. તેમ જ માઇક્રો ઓપ્ટિક હોલોગ્રામ અને વિશિષ્ટ પ્રકારની શાહીનો ઉપયોગ થાય છે.
    પ્લાસ્ટિક નોટની આવી વિશિષ્ટતાને કારણે જ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાને ફરી એકવાર આવી બેન્કનોટ ચલણમાં લાવવાનું શૂર ઊપડયું છે. વળી આગળ જણાવ્યું તેમ દેશમાં કરન્સીનો વપરાશ ખૂબ વધ્યો છે. આર.બી.આઇ.ના છેલ્લાં વાર્ષિક અહેવાલ મુજબ ચલણી નોટ છાપવાનો ખર્ચ ૨૦૨૪માં ૫૧૦૧ કરોડ આવ્યો હતો ત્યાં ગયા વર્ષે (૨૦૨૫)આ ખર્ચ રૃા.૬૩૭૨ કરોડ થયો હતો.
    આમ તો ૨૦૧૨માં કેન્દ્રસરકારે પહેલીવાર ૧૦ રૂપિયાની પોલિમર નોટ્સ દેશના અમુક શહેરોમાં દાખલ કરવાનું નક્કી કર્યું હતું. ભૌગોલિક અને આબોહવાનું વૈવિધ્ય ધરાવતા કોચી, મૈસૂર, જયપુર, ભુવનેશ્વર અને સિમલાની પસંદગી થઇ હતી. પરંતુ ટેકનિકલ સમસ્યા સર્જાતા આ પ્રોજેક્ટ પડતો મુકાયો. એક તો આવી નોટ પરની શાહી ભૂંસાઇ જવી ન જોઇએ. તેમજ એટીએમમાં આ પ્રકારની પ્લાસ્ટિક નોટોની ગણતરી અને વિતરણમાં અડચણ ઉભી ન થાય તેનું પણ ધ્યાન રાખવું પડે.
    કાગળમાંથી બનાવવામાં આવતી ચલણી નોટ્સનું આયુષ્ય ઓછું હોવાથી અત્યારે બજારમાં રૂપિયા દસ - વીસની નોટ્સની ખાસ્સી અછત વર્તાઈ રહી છે. સરકાર દ્વારા આ ખર્ચ બોજ ઓછો કરવા માટે ચલણી નોટ્સ પર લખાણ ન કરવા અને તેને વધુ પડતી ન વાળવાની વિનંતી પણ કરવામાં આવી છે. અર્થતંત્રમાં બોગસ કે બનાવટી ચલણી નોટ્સ વધી જાય તો તેની અવળી અસર દેશના અર્થતંત્ર પર પડે છે.
    વિશ્વમાં અત્યારે ૬૦ દેશોમાં પ્લાસ્ટિકની કરન્સી નોટો વપરાય છે. જેમાં સુવિકસીત દેશો ઉપરાંત ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, રોમાનિયા, બ્રાઝિલ, સિંગાપુર, ચીન અને મેક્સિકોનો પણ સમાવેશ થાય છે. અરે, વિકાસની દ્રષ્ટિએ આપણાથી પાછળ ગણાતા બાંગલાદેશ અને શ્રીલંકામાં પણ મર્યાદિત ધોરણે પ્લાસ્ટિકની નોટો ચલણમાં ફરતી થઈ છે.
    જોકે ઓસ્ટ્રેલિયા દુનિયાનો પ્રથમ દેશ છે જેણે છેક ૧૯૮૮માં ૧૦ ડોલરની પોલિમર નોટ ઇસ્યુ કરી હતી. ત્યાર બાદ કેનેડા, યુ.કે. સિંગાપુર, મેલેશિયા, થાઇલેન્ડ, ઇન્ડોનેશિયા અને વિયેટનામે પણ પોલિમર નોટસ અપનાવી લીધી. કેટલાક દેશોએ તેમની બધી જ રકમની નોટોના બદલે અમુક રકમવાળી નોટો જ પોલિમર નોટ્સ રૂપે અપનાવી છે.
    ભારતીય અર્થતંત્રને જૂની અને જર્જરિત નોટોનો પ્રશ્ન સદાય નડતો રહ્યો છે. એમાં પાછુ બનાવટી નોટોની સમસ્યા પણ બહુ ચિંતાકારક છે. સરકારી માલિકીના દેવાસ (મધ્યપ્રદેશ) તથા નાસિક (મહારાષ્ટ્ર) ખાતેના બેન્ક નોટ સિક્યોરિટી પ્રેસ દિવસ-રાત નોટો છાપતા રહે તો પણ ચલણી નોટોની તંગી વર્તાય છે. તેમાં પાછી ફાટેલી-તૂટેલી નોટોની પળોજણ તો અલગ છે. વર્તમાનમાં વિવિધમૂલ્યોવાળી કુલ ૧૨૫,૦૦૦ કરોડ રૂપિયાની નોટો ચલણમાં ફરી રહી છે છતાં આશરે ૧૦,૦૦૦ કરોડ રૂપિયાની નોટો ચલણમાં ઓછી પડે છે. ભારત સરકાર ચલણી નોટોની માગને પહોંચી નથી વળતી તેથી અવારનવાર રૂ.૧૦૦ અને રૂ.૫૦૦ની નોટો વિદેશી છાપખાનામાં (દક્ષિણ આફ્રિકા અથવા બ્રિટન) માં છપાવીને 'આયાત' કરાય છે.
    રૂ.૧,૨, અને ૫ની નોટો છાપવાનું રિઝર્વ બેન્કે ક્યારનું બંધ કરી દીધું છે. આ નોટો છાપવા જતા સોના કરતાં ઘડામણ મોંઘી એવો ઘાટ થતો હોવાથી રિઝર્વ બેન્કની ટંકશાળ ૧,૨,૫ અને ૧૦ના સિક્કા જ વધુ બહાર પાડે છે.
    કાગળની કરન્સીનો ધસારો ફક્ત ભારતને જ નડયો છે તેવું નથી.બ્રિટન, અમેરિકા, જાપાન અને ફ્રાન્સે નાની રકમનના સિક્કા બહાર પાડયા છે. બીજા અનેક દેશોએ ઓછા મૂલ્યવાળી ચલણીનોટોની અવેજીમાં સિક્કાને સ્થાન આપ્યું છે. કારણ કે એક સિક્કો ૧૦ વર્ષથી પણ વધુ સમય ટકી રહે છે. જ્યારે કાગળની કરન્સી જલદી ઘસાય છે. આમપણ ઓછા મૂલ્યવાળી ૧,૨ અને ૫ની નોટ ચલણમાં ઝડપથી ફરે છે કોઈ આવી નાની નોટો સંઘરતું નથી. તેથી ભારત સરકારે અને રિઝર્વ બેન્કે સર્વપ્રથમ ૧૯૯૩માં એક રૂપિયાની નોટને ચલણમાથી રૂખસદ આપવાનો નિર્ણય લીધો હતો. પછી રૂ.૨ અને રૂ.૫ની નોટોને પણ વિદાય આપવામા આવી.
    આ ચલણી નોટો વાસ્તવમાં સાવ રદ્દી ક્વોલિટીની તો નહોતી જ. પરંતુ ભારતની મોટાભાગની અણધડ, ગરીબ, અભણ પ્રજા રૂપિયાની નોટોેના બૂરા હાલ કરતી હતી. ઉત્તર ભારતના કેટલાંય પ્રાંતોમાં વરરાજા પરણવા ઉઘલે છે. ત્યારે તેને એક કે બે રૂપિયાની નોટોના હાર પહેરાવાય છે. આ જે આ નોટોે ઓછી દેખાતી હોવા છતાં વરરાજાના સગલાંઓ વધુ પૈસા (બેની નોટ સામે ત્રણ રૂપિયા ચૂકવીને) ખર્ચીને પણ ચલણી નોટોના હાર બનાવડાવે છે. રાજકારણીઓને વાર તહેવારે ચલણી નોટોના હાર પહેરાવવાનો કે ગોેવિંદાની મટકી ફોડતી વખતે ઊંચે દોરડા પર કરન્સીનોટોના હાર-બંડલ લટકાવવાનો રિવાજ હજુ ઓછો થયો નથી. આવી હરકતોને કારણે ઓછા મૂલ્યોવાળી નોટો કાણા પડવાથી,ભીની થવાથી બગડે છે.
    આમ આપણા દેશમાં ચલણી નોટો સાથે વધુ પડતી જયાદતી થતી હોવાથી, રૂપિયા સાથે ઉધ્ધતાઈભર્યું વર્તન થતું હોવાથી આ નોટો જલ્દી ધસાઈ, ફાટી તૂટીને રિઝર્વ બેન્કમાં આવે છે. દર વર્ષે રિઝર્વ બેન્ક ૩૦૦ થી ૪૦૦ કરોડ રૂપિયાની વૉલ્યુમની કરન્સી નોટો પાછી ખેંચી લે છે. આ નષ્ટ થઈ ગયેલી નોટોની ચીવટપૂર્વક ગણતરી કરીને સામે એટલી જ રકમની સારી, નવીનકોર નોટ ચલણમાં ઈસ્યુ કરવી પડે છે.
    આ જ રીતે ગંદી, ફાટી ગયેલી, ખૂબ ચોળાઇ ગયેલી નોટો જે સર્ક્યુલેશનમાંથી પાછી ખેંચી લેવાતી હોય, તેનો આંકડો પણ વધતો જાય છે. ગયા વર્ષે આવી ગંદી નોટોમાં ૧૦૦ અને ૫૦૦ રૂપિયાની સૌથી વધુ નોટો પાછી આવી હતી. બીજી ૧૦, ૨૦ કે ૫૦ની નોટો ઉમેરતા કુલ મળીને ૨૪ અબજ નોટ (નંગ) આરબીઆઇ પાસે પાછી
    આવી હતી.
    રિઝર્વ બેન્કને કાગળની નોટો છાપવાનો કંટાળોે આવતો હોય તો તેનું સૌથી મુખ્ય કારણ જ એ છે કે ચલણમાંથી પાછી ફરેલી, પાછી ખેંચી લેવાયેલી નોટોે ખૂબ જર્જરીત હોય છે ગંદી હોય છે આ પ્રત્યેક નોટને ગણી, પારખી તેની પરના જુના સિરિયલ નંબર તથા બીજી વિગતો નોંધી લેવા પડે. ત્યારબાદ આ ચીંથરેહાલ નોટોને ભઠ્ઠીમાં બાળી નંખાય છે. નોટો બાળી નાંખતા પૂર્વેની આ તૈયારી કોઈ કઠીન કસરતથી જરાય ઊતરતી નથી. રિઝર્વે બેન્કે ગંદી, ફાટેલી નોટો ગણવા માટે આશરે ૧૮,૦૦૦ કર્મચારીઓ રાખ્યા. નોટો ગણવા રિઝર્વે બેન્કે કરન્સી કાઉન્ટિંગ મશીન વસાવ્યા. પરંતુ આ મશીન તો કડકડતી ભેજવિનાની અને વાંકી વળી ન હોય તેવી સપાટ નોટોની જ ચોક્સાઈપૂર્વક ગણતરી કરી શકે.

જૂની, જર્જરીત નોટોમાં તો આવો એકેય ગુણ શોેધ્યે જડે નહીં. ના છૂટકે જૂની નોટો ગણવાનું કંટાળાજનક કામ કર્મચારીઓને જ સોંપવુ પડે.
વચમાં રિઝર્વ બેન્કે નવી ભરતી પર પ્રતિબંધ મૂક્યો ત્યારે એ હાલત થઈ કે નોટપરખ વિભાગમાં કર્મચારીઓની ટંચાઈ વર્તાવા લાગી. પૂરતા માણસોના અભાવે જૂની નોટોની ગણતરી કરવાનો 'બેકલોગ' વધી ગયો. આ કામ એટલું મંદ ગતિએ ચાલતું રહ્યું કે હજારો કરોડની નોટના બંડલોના થર પર થર જામ્યા હતા તેની પર ધૂળ જામી હતી. આવી વાસી નોટોે ગણવા જતાં કર્મચારીઓના સ્વાસ્થ્ય જોખમાય તેવી ભીતી ઊભી થઈ અબજો રૂપિયાની વેલ્યુ થાય તેટલી જૂની ચલણી નોટોને ઊધઈ ખાઈ રહી છે.
પ્લાસ્ટિકને કાગળની જેમ સડો લાગતો નથી કે એ ફાટી જતું નથી. પરંતુ કાગળની જેમ પ્લાસ્ટિક શીટ પર સહેલાઇથી છાપકામ થઇ શકાતું નથી.
પૉલી વિનાઇલ ક્લોરાઇડની પાતળી ફિલ્મ પર છાપવામાં આવતી ઓસ્ટ્રેલિયન કરન્સીને પ્રારંભમાં અનેક વિધ્નો નડયા હતા. નોટ પરનો રંગ જલ્દી ઝાંખો પડી જતો હતો. અક્ષરો ભૂંસાઇ જતા હતા. આ બધી પળોજણનું કારણ એ કે પ્લાસ્ટિકમાં કાગળની જેમ રંગોને શોષી લેવાનો ગુણધર્મ હોતો નથી. તેથી ઓસ્ટ્રેલિયન સંશોધકોએ એમ્બોસીંગની નવી ટેક્નિક વિકસાવી. છાપકામ માટે પણ 'હિટ એન્ડ ડ્રાય' પ્રોસેસનો એવો નુસ્ખો શોધી કાઢ્યો કે પોલી વિનાઇલ ક્લોરાઇડની સૂક્ષ્મ દાણદાર સપાટી રચાય ત્યારે જ તેના અણુઓમાં અમુક રંગો ઊમેરાતા જાય. આ રંગોનું ટેક્સચર વિવિધ અક્ષરો-આંકડા છાપવા વપરાતી શાહીને સુપેરે શોષી લે. તેથી અગાઉ નડતી હતી એ સમસ્યા હવે રહી નહીં. ખરો લાભ તો એ થયો કે રંગોનું આ છાંટકામ અતિ સૂક્ષ્મ અને જટિલ હોવાથી આધુનિક કલર સ્કેનર પણ આ પીવીસી નોટોની ડુપ્લિકેટ નકલ કાઢી શકે નહીં. તેથી આ નોટોની બનાવટ કરવાનું શક્ય નથી. નકલી નોટો બનાવનારા જરાય ફાવે નહીં તેથી ઓર એક નુસ્ખો ઓસ્ટ્રેલિયાના સંશોધકોએ અપનાવ્યો. તકેદારી રૂપે તેમણે પીવીસી નોટની મધ્યમાં પ્લાસ્ટિકના દાણેદાર ત્રિપાર્શ્વ કાચની તકતી મૂકવાની શરૂ કર્યું. આ તકતી મેઘધનુષ જેવા સાત રંગોની ઝાંય પેદા કરે છે. અને આ જ ઓસ્ટ્રેલિયન ડોલરની અસલી ઓળખ બની ગઇ. થ્રીડી હોલોગ્રામ આજે પ્રત્યેક ઓસ્ટ્રેલિયન પીવીસી કરન્સી ઉપર જોવા મળે છે. પર્યાપ્ત પ્રકાશમાં આ કરન્સી નોટને બે હાથમાં પકડીને આડીતેડી કરો તો રંગોના આકર્ષક ઝબકારા જોવા મળે છે. જો કે તમામ તકેદારી લીધા પછી પણ આ આધુનિક કરન્સીએ એક સમસ્યા ખડી કરી હતી. પ્રોેબ્લેમ એ હતો કે પીવીસીની પાતળી નોટ પર કુદરતી રીતે પેદા થતી સ્થિર વિદ્યુત (સ્ટેટિક ઇલેક્ટ્રિસીટી) વારંવાર નોટધારકના હાથમાં તડ…. તડ…. અવાજ કરતી હતી. આ સમસ્યા દૂર કરવા કરન્સી નોટ નિષ્ણાતોએ દરેક પીવીસી ચલણ પર વિશિષ્ટ પ્રકારનું વોર્નિશ લગાવવાનો ઇલાજ અજમાવ્યો અને એ કારગત નીવડયો. આમ ૧૯૮૮માં દેશનાં સ્વાતંત્ર્યની દ્વિશતાબ્દિની ઉજવણી નિમિત્તે પ્લાસ્ટિક કરન્સીની પ્રથા શરૂ કરનાર ઓસ્ટ્રેલિયાએ ૧૯૯૬ સુધીમાં તમામ ચલણને પ્લાસ્ટિકમાં ફેરવી નાંખ્યું.
મેક્સિકો સરકારે તો પોલિમર ટેક્નોલોજીનો બખૂબી ઉપયોગ કરીને ચલણી નોટની અંદર જ એક એવી તકતી મૂકી છે જેની નકલ થઈ જ ન શકે.
પેપર કરન્સીની સરખામણીએ પીવીસીની નોટો દેખીતી રીતે ચઢિયાતી છે. એક તો આ નોટો કાગળના રૂપિયા કરતાં વધુ ટકાઉ છે.આ નોટો પરસેવાથી કે બીજા પ્રવાહીથી ગંદી, સડેલી થઇ જવાની ભીતિ રહેતી નથી. આરોગ્ય માટે તથા પર્યાવરણની દ્રષ્ટિએ પણ પીવીસી નોટોનો હાથ સૌથી ઉપર રહે છે. ભારત જેવા દેશને તો પીવીસી કરન્સીનો સૌથી મોટો લાભ એ થાય કે પાકિસ્તાનની આઇ.એસ.આઇ.કે બીજા કોઇ દેશી ગઠિયા માટે આ નોટોની બનાવટી નકલ કરવાનું કામ અત્યંત કઠિન બની જાય.
હાલમાં ભારતની ૫૦૦ રૂપિયાની મોટા પાયે નકલ થાય છે. બેન્કો પણ બનાવટી અને અસલી નોટો વચ્ચેનો ભેદ પારખવામાં થાપ ખાઇ જાય છે. ભારત સરકારે આ નકલખોરી અટકાવવા વિદેશોમાંથી મોંઘા ભાવના કરન્સી કાગળ ખરીદ્યા તો બનાવટ ખોરોએ પણ ચોરીછૂપીથી આ કરન્સી પેપર મેળવ્યો. છેલ્લાં થોડા મહિના દરમિયાન પકડાયેલી બનાવટી નોટો સાચી નોટો છપાઇ છે એવા જ કાગળ પર છપાઇ હોવાનું ધ્યાનમાં આવ્યું છે.
રિઝર્વ બેન્કના એક અધિકારીએ જણાવ્યા મુજબ કાગળના બદલે પ્લાસ્ટિકની નોટો ચલણમાં મૂકવાનો ખર્ચ બમણો થશે પરંતુ આ નોટોેની આયુ લાંબી હોવાથી વારંવાર થતો પ્રિન્ટિંગ ખર્ચ બચી જશે. વધારામાં પ્લાસ્ટિકની નોટોની આવરદા પૂરી થયાં પછી તેને પીગાળીને પ્લાસ્ટિકના બીજા પ્રોડક્ટના ઉત્પાદનમાં કામે લગાડી શકાય. પ્લાસ્ટિક સાચોસાચ સર્વવ્યાપી છે તેનો આ બળુકો નમુનો હશે.