નિષાદ કુમારે અકસ્માતને આશીર્વાદમાં ફેરવીને વૈશ્વિક ઓળખ ઉભી કરી

- Sports ફન્ડા-રામકૃષ્ણ પંડિત
- બાળપણમાં ઘાંસ કાપવાના મશીનમાં હાથ આવી જતાં દિવ્યાંગ બનેલા નિષાદે એશિયન પેરા ગેમ્સમાં ત્રણ સુવર્ણ જીતવાની સાથે પેરાલિમ્પિક અને વર્લ્ડ ચેમ્પિયનશિપમાં પણ ચંદ્રકો જીતી બતાવ્યા છે
દ રેકની જિંદગીમાં સતત નવા-નવા પડકારો આવતા જ રહે છેે. આ પડકારો જ વ્યક્તિને તેની ખરી ક્ષમતાની ઓળખ કરાવે છે. જૂજ પ્રતિભાઓ પડકારનો સામનો કરવાનો જુસ્સો બતાવે છે અને તેેના થકી જ તેઓ પોતાની પ્રતિભાનું કદ વૈશ્વિક સ્તર સુધી વિસ્તારવામાં સફળ થાય છે. કોઈ પણ પરિસ્થિતિને તાબે થયા વિના સતત પોતાના સ્વપ્નને સાર્થક કરવાનો પ્રયાસ કરવામાં આવે તો આ દુનિયામાં અશક્ય જેવો કોઈ શબ્દ નથી.આ જ કારણે કહેવાય છે કે,જ્યા ચાહ, ત્યાં રાહ. માત્ર દ્રઢ ઈચ્છા શક્તિ અને મનોબળને સહારે એવરેસ્ટની ઊંચાઈને પણ હાંસલ કરી શકાય છે. ભારતના પેરા એથ્લીટ નિષાદ કુમારે જાપાનમાં ચાલી રહેલી એશિયન પેરા ગેમ્સમાં બેવડા સુવર્ણ ચંદ્રક જીતવાની સાથે ઈતિહાસ રચી દીધો છે.
બાળપણમાં એક અકસ્માતમાં જમણા હાથનો કોણીથી આગળનો ભાગ ગુમાવનારા નિષાદ કુમારે શરીરની મર્યાદાને મન પર હાવી થવા દીધી નથી. જિંદગી એ તેની સામે જે પડકાર ફેંક્યો તેનો સામનો કરતાં આગળ વધવાની રાહ શોધી કાઢી છે અને આ કારણે તે દેશના સૌથી સફળ પેેરા એથ્લીટ્સમાં સ્થાન ધરાવે છે. નિષાદે જાપાનમાં ચાલી રહેલી એશિયન પેરા ગેમ્સમાં લાંબી કૂદમાં સુવર્ણ ચંદ્રક જીત્યો હતો અને ત્યાર પછીના દિવસે ઊંચી કૂદમાં પણ અન્ય હરિફો કરતાં આગળ રહેેતા વધુ એક સુવર્ણ ચંદ્રક ભારતના નામે કર્યા હતો. એશિયન પેેરા ગેમ્સના ઈતિહાસમાં એક જ ગેમ્સમાં બે સુવર્ણ ચંદ્રક જીતનારો તે ઈતિહાસનો માત્ર ત્રીજો ભારતીય ખેલાડી બની ગયો છે. અગાઉ ૨૦૨૨માં હાંગઝોઉ એશિયન ગેમ્સમાં મહિલા તીરંદાજ શીતલ દેવી અને એથ્લીટ અંકુર ધામા આવી સિદ્ધિ મેળવી ચૂક્યા છે.
નિષાદ કુમાર આંતરરાષ્ટ્રીય પેરાલિમ્પિક સમિતિના માપદંડો અનુસાર પેરા એથ્લેટિક્સની ટી૪૭ કેટેગરીની સ્પર્ધામાં ભાગ લે છે. આ કેટેગરીમાં હાથના કાંડા કે કોણીથી નીચેના ભાગની દિવ્યાંગતા ધરાવતા ખેલાડીઓ ભાગ લેતા હોય છે. નિષાદની એશિયન પેરા ગેમ્સની કારકિર્દીનો આ ત્રીજો સુવર્ણ ચંદ્રક છે. તેણે અગાઉ ૨૦૨૨ની હાંગઝોઉ પેરા ગેમ્સમાં પણ ઊંચી કૂદમાં એશિયન ચેમ્પિયન તરીકેનો ખિતાબ હાંસલ કર્યો હતો. નિષાદે આ વખતે પહેેલીવાર લાંબી કૂૂદમાં પણ ભાગ લેવાનો નિર્ણય લીધો અને તેમાં ટોચનું સ્થાન મેળવીને ઈતિહાસ રચ્યો.
છ ફૂટ અને ચાર ઈંચ ઊંચાઈ ધરાવતા નિષાદ કુમારની વિશેષતા ઊંચી કૂદની રમતમાં રહી છે અને પેેરાલિમ્પિક જેવા દિવ્યાંગોના મહા રમતોત્સવથી લઈને વર્લ્ડ પેરા ચેમ્પિયનશિપ્સમાં તેમણે એકથી વધુ ચંદ્રકો પણ હાંસલ કર્યો છે. જે તેમની વિશિષ્ટ પ્રતિભા અને દ્રઢ નિર્ધારને દર્શાવે છે. આ ઉપરાંત રાષ્ટ્રીય સ્પર્ધાઓમાં તેમણે પોતાનો આગવો દબદબો પ્રસ્થાપિત કરતાં ખિતાબી જીત હાંસલ કરી દેખાડી છે. સખત મહેનત અને દુનિયાને કંઈક કરી બતાવવાના જઝ્બાને સહારે સફળતાના નવા-નવા શિખરો સર કરી રહેલા નિષાદ કુમારે તેમના પરિવારની આર્થિક મુશ્કેલીઓને પણ દૂૂર કરી છે.
જાપાન એશિયન ગેમ્સમાં સફળતા મેળવવાના વિશ્વાસ પર ખરા ઉતર્યા બાદ નિષાદે કહ્યું કે, હું અહીં આવવા માટેે રવાના થયો, ત્યારે મારા માતા-પિતા અને નાની બહેન રામાને કહીને જ આવ્યો હતો કે, આ વખતે હું બે સુવર્ણ ચંદ્રક જીતીને પાછો ફરીશ. મેં બંને ઈવેન્ટમાં સુવર્ણચંદ્રક જીતવાની સાથે મારું વચન પાળ્યું છે. સફળતા મેળવ્યા બાદ પરિવાર સાથેની મારી વાતચીત અત્યંત લાગણીસભર રહી હતી. એશિયન ગેમ્સમાં ફરી વખત પોતાની પ્રતિભાનું પ્રમાણ આપ્યા બાદ નિષાદે હવે આગામી વર્લ્ડ ચેમ્પિયન અને ત્યાર બાદ ૨૦૨૮માં યોજાનારા લોસ એંજલસ ઓલિમ્પિક તરફ મીટ માંડી છે.
આંતરરાષ્ટ્રીય પેરા એથ્લેટિક્સમાં આઠ ચંદ્રકો જીતી ચૂકેલા નિષાદ કુમારનો જન્મ હિમાચલ પ્રદેશના અંબ નામના શહેરમાં થયો હતો. તેેના પિતા રસપાલ સિંઘનું બદાયુમાં ખેતી કામ કરતાં. નિષાદની માતા પુષ્પા દેવી પણ પતિની મદદ કરતી. પુષ્પા દેવી રાજ્ય કક્ષાની સ્પર્ધામાં વોલીબોલ ખેલાડી તરીકે ભાગ લઈ ચૂક્યા હતા. તેઓ ચક્ર ફેંકના પણ ખેલાડી હતા. બાળપણમાં નિષાદ અન્ય બાળકોની સાથે રમતોમાં ભાગ લેતો. જોકે, તે પરિવારની સાથે ખેતરે ગયો હતો,ત્યાં પૂળા કાપવાના મશીનમાં તેનો જમણો હાથ આવી ગયો અને આ કારણે તેને કોણીની નીચેનો ભાગ ગુમાવવો પડયો.
અકસ્માતમાં હાથ ગુમાવવા છતાં નિષાદે હિંમત ન હારી. તેણે એથ્લેટિક્સમાં આગળ વધવાનો નિર્ણય લીધો અને શાળાકીય સ્પર્ધામાં ૧૦૦ અને ૨૦૦ મીટરની દોડની સાથે તે ઊંચી કૂદમાં પણ ભાગ લેવાનું શરુ કર્યું. આ પછી ધીરે ધીરે તેણે માત્ર ઊંચી કૂદની રમતમાં જ ધ્યાન કેન્દ્રીત કર્યું. શરુઆતમાં તને પેરા સ્પોર્ટ્સ અંગે કોઈ માહિતી જ નહતી અને આ કારણે તે અન્ય સામાન્ય (કોઈ ખોડ-ખાંપણ ન ધરાવતા) ખેલાડીઓની સાથે જ સ્પર્ધામાં ઉતરતો. તેણે ૨૦૧૩માં પટિયાલા ખાતે યોજાયેલી નેશનલ સ્કૂલ ગેમ્સમાં રજત ચંદ્રક હાંસલ કર્યો હતો. તે આ પછી જુનિયર લેવલની તૈયારીમાં વ્યસ્ત બની ગયો. સ્થાનિક લેવલની સ્પર્ધામાં તો તેણે ભલભલા કોઈ અભાવ ન ધરાવતા ખેલાડીઓને પણ હરાવ્યા હતા.
૨૦૧૭માં નિષાદ અંડર-૧૯ની નેશનલ્સની તૈયારી કરી રહ્યો હતો અને આ દરમિયાન રાજ્ય સ્તરે ઊંચી કૂદમાં મળેલી સફળતાના પગલે તેેને ૩૫૦૦ રુપિયાનું રોકડ ઈનામ મળ્યું હતુ. યુવાવસ્થામાં ડગ માંડવા માટે થનગની રહેલા નિષાદને તેના પરિવારજનોએ સ્માર્ટફોન ભેટમાં આપ્યો કારણ કે તે પરિવારથી દૂર જઈ રહ્યો હતો. આ તબક્કે તેેણેે ઈન્ટરનેટ પર પેેરા એથ્લેટિક્સની ઈવેન્ટ્સ જોઈ હતી. આ પછી તેને પેરા એથ્લેટિક્સની સ્પર્ધામાં ભાગ લેવાની સલાહ મળી અને આ તબક્કે તેણે માત્ર પેરા એથ્લેટિક્સ તરફ ધ્યાન કેન્દ્રીત કર્યું.
નવા સ્માર્ટ ફોન પર નિષાદ આંતરરરાષ્ટ્રીય એથ્લેટિક્સના સ્ટાર ખેલાડીઓની ઈવેન્ટ્સ જોતો અને તેમની તકનિકનો અભ્યાસ કરતો. તેે કતરના મુટાસ બાર્શિમના વિડિયો જોઈને ઘણું શીખ્યો અને આખરે ૨૦૧૭માં પાંચકુલમાં આવેલા સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયાના સેન્ટરમાં તેની તાલીમ શરુ થઈ. ત્રણ વર્ષની તાલીમ બાદ તેણે ૨૦૧૯ની વર્લ્ડ પેરા ચેમ્પિયનશિપમાં દુબઈ ખાતે કાંસ્યચંદ્રક હાંસલ કર્યો. તેણે આ સફળતાની ઉજવણી કરતાં દુબઈથી તેના પિતા માટે એક ટોર્ચ ખરીદી, જેથી તેમને રાત્રે ખેતરે જવા-આવવામાં મુશ્કેલી ન પડે.
નિષાદની કારકિદીના પ્રારંભે જ કોરોનાએ દેેશ-દુનિયા પર ભરડો લીધો. આ મુશ્કેલ સમયમાં પણ તેણે પ્રેક્ટિસ જારી રાખી હતી. આખરે તેની પસંદગી ૨૦૨૦ની ટોકિયો ઓલિમ્પિક માટેની ટીમમાં કરવામાં આવી. જોકે ગેમ્સ અગાઉ તે ફરી વખત કોરોના પોઝિટીવ આવ્યો હતો., પણ તેની હાલતમાં ઝડપથી સુધારો જોવા મળ્યો અને આખરે તેણે ટોકિયો પેરાલિમ્પિકમાં પહેલી વખત રજત ચંદ્રક જીતી બતાવ્યો હતો. પેરાલિમ્પિકની સફળતાના પગલે નિષાદને રાષ્ટ્રીય સ્તરે આગવી ઓળખ મળી અને તેની આર્થિક સ્થિતિ પણ સુધરી.
આ પછી તેણે સળંગ ત્રણ પેરા વર્લ્ડ ચેેમ્પિયનશિપમાં સુવર્ણ સહિતના ચંદ્રક જીતવાની સાથે દિગ્ગજ પેરા એથ્લીટ્સની બરોબરી મેળવી લીધી હતી. તેણે પેરિસ પેરાલિમ્પિકમાં પણ રજત ચંદ્રક જાળવી રાખવામાં સફળતા મેળવી હતી. નિષાદની એશિયન પેરા ગેમ્સની સફળતા દર્શાવે છે કેે, હજુ તેનામાં વધુ ચંદ્રકો જીતવાનો જુસ્સો બરકરાર છે. તેની નજર હવે પેરાલિમ્પિકમાં સુવર્ણચંદ્રક જીતવા તરફ છે.




