Ravi Purti

ચાંદનીનો અડ્ડો

By GS Team
4 Jul 202614 mins read
ચાંદનીનો અડ્ડો

મુકુલ દવે
''જો ચાંદની, હું તને ત્રણ દિવસની મહેતલ આપું છું. ત્રણ દિવસમાં તારો આ ગેરકાનૂની કારોબાર સમેટી લઈને, તારી જાતે પોલીસ સમક્ષ હાજર થઈ જા…''

''ચ લ એ ચાંદની, એક બોટલ બ્લેક લેબલ અને એક પેકેટ ડનહીલનું આપી દે.'' આગંતુકે રૂપિયા કાઉન્ટર પર ફેંક્યા અને રૂઆબ સાથે હુકમ કર્યો. ચાંદની કાઉન્ટર પાછળથી બહાર આવી અને આગંતુકને ગાલ પર બે જોરદાર તમાચા રસીદ કરી દીધા. આગંતુકને તમ્મર આવી ગયા. પછી ચાંદની બોલી, ''સાલા, સુવ્વરની ઓલાદ! આ ચાંદનીનો અડ્ડો છે, તારા બાપનું ઘર નથી. ચાંદની સાથે તમીઝથી વાત કરવાની, સમજ્યો? ઘરે બૈરી સામે કાંઈ ઉપજતું નહીં હોય એટલે ચાંદની ઉપર રોફ ઝાડે છે?'' આગંતુક સમસમી ગયો. તે છતાં, ગાલ પંપાળતાં પંપાળતાં, ધમકી આપવા લાગ્યો, ''મારે પોલીસમાં બહુ ઊંચી ઓળખાણો છે. એક ફરિયાદ કરીશ તો તારો અડ્ડો બંધ થઈ જશે.'' ચાંદનીએ કહ્યું, ''જોઈએ, તારી ઓળખાણ કામ કરે છે કે મારા હપ્તા! તને ખબર નથી પણ, મોટા મોટા પોલીસ ઓફિસરો આ ચાંદનીના ઘરાક છે. અરે! કેટલાંય રાજકારણીઓ, કોર્ટના વકીલો અને જજો,વેપારીઓ, ઉદ્યોગપતિઓ, બિલ્ડરો, ડોક્ટરો, અંડરવર્લ્ડના નામચીન ગુંડાઓ અને ઘણાં મોટાં માથાઓ મારા ઘરાક છે. તું મારું કાંઈ નહીં બગાડી શકે. છાનોમાનો ઉઠાવ તારો સામાન અને ચાલતી પકડ. તું અહીં પહેલી વાર આવ્યો લાગે છે. ફરી વાર આવવાનું થાય, તો જરા તમીઝથી પેશ આવજે, નહીં તો આનાથી પણ બૂરા હાલ કરીશ.''
આગંતુક ઝંખવાણો પડી ગયો. તેની બોટલ અને સિગારેટનું પેકેટ લઈને દબાતા પગલે અડ્ડામાંથી બહાર નીકળી ગયો. આવા હતા ચાંદનીના તેવર. ચાલીસની આસપાસ હતી એની ઉંમર, પણ દેહની જાળવણી એવી કરી હતી કે, માંડ પચ્ચીસ-ત્રીસની લાગે. આ ઉંમરે પણ નિયમિત યોગ અને વ્યાયામ દ્વારા દેહસૌષ્ઠવને અકબંધ રાખતી હતી. ધારદાર તેજસ્વી આંખોમાં છલોછલ ભરેલો આત્મવિશ્વાસ; વળી કાંડામાં કૌવત એટલું કે, બે-ત્રણ મરદોને માત આપી શકે. એક મહિલા માટે દારૂ અને જુગારનો અડ્ડો ચલાવવા માટે આટલી લાક્ષણિકતાઓ હોવી જરૂરી હતી અને પૂરતી પણ હતી. કોઈ એ જાણતું નહોતું કે, આ ચાંદની કોણ હતી અને ક્યાંથી આવી હતી. એવું પૂછવાની કોઈની હિંમત પણ નહોતી.
શહેરના ડીવાય એસપી બંસલ સાહેબ, જે ચાંદનીના અડ્ડાના નિયમિત ઘરાક હતા; તેમને એસપી તરીકે બઢતી મળી હતી ને બદલી પણ થઈ હતી. તેમણે ચાંદનીને કહ્યું, ''આવતીકાલે રાત્રે અહીં ચાંદનીના અડ્ડામાં, મારી બઢતી અને બદલીનો જશન મનાવવા એક કોકટેઇલ પાર્ટી રાખવી છે. પચાસ જેટલા લોકો આવશે પાર્ટીમાં. પૂરતા પ્રમાણમાં બોટલોની વ્યવસ્થા થઈ જશે ને? બોટલો ખૂટવી ના જોઈએ.'' ચાંદનીએ કહ્યું, ''સાહેબ, તમે એની ચિંતા ના કરશો. એ બધું તમે ચાંદની પર છોડી દો. બધી વ્યવસ્થા થઈ જશે.''
બીજા દિવસે, મોડી રાત સુધી પાર્ટી ચાલી. હાજર રહેલાં સૌએ ખૂબ દારૂ પીધો, ખૂબ મજા કરી. હાજર રહેલાં મહેમાનો ધીમે ધીમે વિખરાવા લાગ્યાં. બંસલ સાહેબ ચાંદની સાથે પાર્ટીનો હિસાબ પતાવતા હતા ત્યારે, ઇન્સ્પેકટર મહેરાએ બંસલ સાહેબને પૂછયું, ''સાહેબ, તમે તો હવે સુરત જવાના. તમારી જગ્યાએ નવા ડીવાયએસપી તરીકે કોણ આવવાનું છે?'' બંસલ સાહેબ બોલ્યા, ''પેલા સત્યવાદી અને સિદ્ધાંતવાદી આલોક ચતુર્વેદીની બદલી અહીં થઈ છે.'' આલોક ચતુર્વેદી શબ્દો સાંભળતાં જ ચાંદનીના કાન સરવા થયા. તેનું મન વિચારોના ચકડોળે ચઢયું. 'આલોક ચતુર્વેદી! શું એ જ હશે? મારો કાયર અને બેવફા પ્રેમી! એના પિતાની વાતોથી ભરમાઈને એણે મારો દ્રોહ કર્યો અને મારી જિંદગીની આ હાલત થઈ!'
આલોક ચતુર્વેદી અને ચાંદની રાઠોડ એક જ ફળિયામાં સામસામે રહેતાં હતાં. આલોકના પિતા કલેકટર હતા. તેમના બંગલાની સામે જ, ચાંદનીનું નાનું સરખું ઘર હતું. ચાંદનીના પિતાની છૂટક કરિયાણાની દુકાન હતી. ચાંદની સ્વરૂપવાન તો હતી જ, સાથે તે શીલ, સંસ્કાર અને ઉચ્ચ આદર્શોની આગ્રહી પણ હતી. આલોક અને ચાંદની બાળપણથી સાથે રમ્યાં અને સાથે ભણ્યાં હતાં. બન્નેનાં હૈયાં એકમેકમાં ઓતપ્રોત થઈ ગયાં હતાં. બન્નેએ અભ્યાસ પૂર્ણ કર્યા પછી લગ્ન કરી લેવાનો નિર્ણય કર્યો હતો. આવી વાતો વાયુવેગે ફેલાતી હોય છે. આલોક અને ચાંદનીના પ્રેમપ્રકરણની વાત આલોકના પિતાના કાન સુધી પહોંચી. તેઓ આલોક પર ખૂબ ગુસ્સે થયા. તેને બોલાવીને, ધમકાવતાં બોલ્યા, ''તને જાતબિરાદરીનું કંઈ ભાન છે કે નહીં? આપણા અને ચાંદનીના પરિવાર વચ્ચે કેટલી મોટી આર્થિક અને સામાજિક ખાઈ છે, તે શું તને નથી દેખાતી? તું જેને પ્રેમ કહે છે, તે એક ઘેલછા છે, કેવળ ઘેલછા, અપરિપક્વ માનસ દ્વારા લેવાયેલ બાલિશ અને દિશાવિહીન નિર્ણયો તારી જિંદગી બરબાદ કરી દેશે.'' પિતાજીને જવાબ આપવાનું આલોકને ઉચિત ના લાગ્યું.
આલોકના પિતાએ જોયું કે, આલોક પોતાના નિર્ણય પર અડગ છે. તેમના ઉપાલંભની તેના વલણ અને વર્તન પર કોઈ અસર થઈ નથી. બીજા દિવસે, તેમણે આલોકને બોલાવીને કહ્યું, ''આલોક, તારે એકાદ મહિનો તારા મામાને ત્યાં જવું પડશે. તેમને દુકાનમાં કામ વધી ગયું છે અને તેમને મદદ માટે કોઈ ભરોસાપાત્ર માણસની જરૂર છે.'' તેમણે યુક્તિપૂર્વક આલોકને મોસાળ મોકલી દીધો. બીજા દિવસે, તે ચાંદની પાસે ગયા. તેને કહ્યું, ''તેં તારા રૂપની મોહજાળમાં આલોકને ફસાવ્યો છે, પરંતુ તું એને પામવા સમર્થ નથી. આલોકને છોડવાની શી કિંમત લઈશ? બોલ, તારી હેસિયત કેટલી છે? બે લાખ, પાંચ લાખ, દસ લાખ…* ચાંદનીએ વિનમ્રતાપૂર્વક કહ્યું, ''ચતુર્વેદી સાહેબ, માણસની હેસિયત માત્ર પૈસાથી નથી અંકાતી. સંસ્કાર, આદર્શો અને નૈતિક મૂલ્યો પણ મહત્ત્વનાં હોય છે. માફ કરજો, પણ તમે મારા પ્રેમને ખરીદવાની બાબતે બહુ જ કંગાળ છો.'' ચતુર્વેદી સાહેબ બોલ્યા, ''આ બધી વાતો સિદ્ધાંત પૂરતી ઠીક છે, વ્યવહારમાં નહીં. તું એને ભૂલી જાય, તે એના માટે અને તારા માટે સારું રહેશે. અત્યારે તે એના મામાને ઘરે ગયો છે. બે દિવસ પછી, તેની સગાઈ ત્યાં જ, અમારી જ્ઞાતિની એક કન્યા સાથે કરવાની છે.''
ચાંદનીને કલ્પના પણ નહોતી કે, આલોક આ રીતે તેની સાથે બેવફાઈ કરશે. તે આખી રાત ઊંઘી શકી નહીં. અડધી રાતે, તેણે તેના પિતાને એક ચીઠ્ઠી લખી. ''મારું જીવન દિશાવિહીન થઈ ગયું છે. હું ઘર છોડીને જાઉં છું. કયાં જાઉં છું, તે મને પણ ખબર નથી. મને શોધવા સમય અને શક્તિનો વ્યર્થ વ્યય ના કરશો. મારા જીવનની નવી કેડી હું મારી જાતે કંડારી લઈશ.'' વહેલી સવારે, કોઈ ઊઠે તે પહેલાં, તે ઘર છોડીને ચાલી નીકળી. તે રેલવેસ્ટેશન પહોંચી. તેણે નક્કી કર્યું કે, સૌ પ્રથમ જે ટ્રેન મળે તેમાં બેસી, તે જ્યાં જતી હોય ત્યાં પહોંચી જવું. એક ટ્રેન ઉપડવાની તૈયારીમાં હતી. તે એમાં બેસી ગઈ. ટ્રેન લગભગ ખાલી હતી. એક વૃદ્ધ મુસાફરને તેણે પૂછયું, ''આ ટ્રેન ક્યાં જાય છે?* જવાબ મળ્યો, '' તારે ક્યાં જવું છે?'' તેણે કહ્યું, ''ટ્રેન જ્યાં જતી હોય ત્યાં જ
જવું છે.''
પાંચ મિનિટ પછી ટ્રેન ઉપડી. આગળના સ્ટેશનથી બે આધેડ વયના સજ્જનો બે મોટી બેગ સાથે ટ્રેનમાં ચડયા. તેમણે બેગ ચાંદનીની બાજુમાં મૂકી. બેમાંથી એકે ચાંદનીને કહ્યું, ''દીકરા, આ બેગનું ધ્યાન રાખીશ? અમે ચા પીને તરત જ આવીએ છીએ.'' ચાંદનીના પ્રત્યુત્તરની રાહ જોયા વગર, તે બન્ને ચા પીવા ઉતર્યા. પાછા આવે તે પહેલાં, ટ્રેન ઉપડી. ચાંદનીએ બારીમાંથી જોયું કે, ત્રણેક ડબ્બા છોડીને એ બન્ને ચાલતી ટ્રેનમાં ચડી ગયા. ચાંદનીને થયું કે, આગલા સ્ટેશને એ બન્ને પાછા આવીને પોતાનો સામાન સંભાળી લેશે. ટ્રેન આગળ વધવા લાગી પણ બેગ લેવા કોઈ ન આવ્યું. ચાંદનીને ચિંતા થવા લાગી.
પછીના સ્ટેશને ચાંદનીના ડબ્બામાં રેલવે પોલીસના ત્રણ માણસો દાખલ થયા. ચાંદની પારકી અમાનત એવી પેલી બે બેગ પર હાથ રાખીને બેઠી હતી. એક પોલીસે તેને કહ્યું, ''ટિકિટ બતાવ.'' તેણે કહ્યું, ''ટિકિટ તો નથી સાહેબ.'' પોલીસે કહ્યું, ''વગર ટિકિટે મુસાફરી કરે છે? સારું, તારી આ બેગો ખોલ.'' ચાંદની બોલી, ''આ બેગો મારી નથી.'' પોલીસે પ્રયત્ન કર્યો, પરંતુ બેગનાં તાળાં ખૂલ્યાં નહીં. તેમણે ચાંદની પાસે ચાવી માંગી. ચાંદનીએ કહ્યું, ''બેગો મારી નથી, તો મારી પાસે તેની ચાવી ક્યાંથી હોય?'' ''આ આમ નહીં માને,'' કહીને પોલીસે બન્ને બેગનાં તાળાં તોડી નાંખ્યાં. દરેક બેગમાં વિદેશી બ્રાન્ડની ચાલીસ ચાલીસ મોંઘા શરાબની બોટલો મળી આવી. પોલીસે કહ્યું, ''વગર ટિકિટે મુસાફરી કરે છે અને પાછી દારૂની પણ હેરાફેરી કરે છે?'' તેમણે ચાંદનીને હિરાસતમાં લઈ લીધી. ચાંદની કાકલૂદી કરતી રહી કે, તે સામાન સાથે તેને કોઈ લેવાદેવા નથી. પોલીસના લફરામાં કોણ પડે, તેમ માની ડબ્બામાંના અન્ય મુસાફરોએ પણ તેને સાથ ના આપ્યો. ચાંદનીને તો ધરમ કરતા ધાડ પડી એવો ઘાટ થયો. શહેરમાં આવીને તેને રેલવે મેજિસ્ટ્રેટ સમક્ષ હાજર કરવામાં આવી. વગર ટિકિટે મુસાફરી કરવાના અને દારૂની હેરાફેરીના અપરાધ બદલ તેને છ મહિનાની સખત કેદની સજા ફરમાવવામાં આવી.
છ મહિનાની સજા પૂરી કરીને તે બહાર આવી. હવે ક્યાં જવું અને શું કરવું, તેની કોઈ સૂઝ પડતી નહોતી. તેને કોઈ રસ્તો કે કોઈ દિશા સૂઝતી નહોતી. ફરી માબાપ પાસે જવાનો વિચાર આવ્યો, પરંતુ તે વિચાર અપરાધભાવથી પ્રેરાઈને માંડી વાળ્યો. આ સાવ અજાણ્યા શહેરમાં કોનો આશરો મળશે? ભૂખ અને તરસથી પીડાતી, ક્યાંય સુધી તે ચાલતી રહી. થાકીને લોથપોથ થઈને, ફૂટપાથ પરના એક બાંકડા ઉપર તે બેસી પડી. થોડી વાર પછી, બાંકડાની પાછળના એક મકાનની ખુલ્લી બારીમાંથી કોઈ સ્ત્રીએ તેને સંબોધીને કહ્યું, ''એ છોરી, કોણ છે તું? ક્યાંથી આવી છે?'' શો જવાબ આપવો તેની સૂઝ ના પડતાં, તે થોડી વાર નિરુત્તર બેસી રહી. ફરીથી એ સ્ત્રીએ આદેશાત્મક અવાજે કહ્યું, ''બારણું ખુલ્લું છે. અંદર આવી જા.'' તે ઊભી થઈ અને મકાનમાં યંત્રવત્ દાખલ થઈ.
ત્રણ માળનું મેડીબંધ મકાન હતું. પેલી સ્ત્રી એક મોટા સોફામાં બેઠી હતી. આધેડ વયની એ સ્ત્રીનું વ્યક્તિત્વ જાજરમાન હતું. મકાનની અંદરનું વાતાવરણ જોઈને ચાંદની સ્તબ્ધ બની ગઈ. પેલી સ્ત્રીએ કહ્યું, ''અહીં મારી પાસે આવીને બેસ. ગભરાઈશ નહીં. તું બહુ દુ:ખી લાગે છે. આ માસીનો અડ્ડો છે. અહીં બધાં પોતાના દુ:ખો ભૂલવા જ આવે છે. જો, પેલા ખૂણામાં બેસીને પીએ છે તે અમિત. તેની પ્રેમિકા તેના ખાસ દોસ્ત સાથે ભાગી ગઈ. રોજ અહીં આવીને દર્દેદિલની શાયરીઓ અને ગઝલો લખતો થઈ ગયો છે. પેલા બુઝુર્ગ રહેમાનચાચાની ચોથી બીબી આ ઉંમરે બધા દરદાગીના લઈને જતી રહી છે. સામે બેઠા છે એ ગોરધનદાસે શેરના સટ્ટામાં લાખો રૂપિયા ગુમાવ્યા છે. પેલો વિલિયમ સી. એ. ફાઇનલ પરીક્ષામાં પાંચમી વખત નપાસ થયો છે. આ બધાં રોજ અહીં દારૂ પીવા આવે છે અને પોતાના દુ:ખદર્દ
ભુલાવે છે.
માસીએ એક નોકરને બોલાવ્યો અને ચાંદની માટે ભોજનની વ્યવસ્થા કરાવી. કેટલાય સમય પછી તેણે સંતોષપૂર્વક ભોજન કર્યું. તે ધરાઈને જમી રહી, એટલે માસીબાએ પૂછયું, ''તું કોણ છે અને ક્યાંથી આવે છે?'' ચાંદનીએ ટૂંકમાં પોતાની કરમકહાણી કહી સંભળાવી. માસીબાએ કહ્યું, ''ઓહો! તો તું છે એ છોકરી, જે દારૂની બોટલો સાથે પકડાઈ હતી?'' પછી તેમણે બૂમ પાડી, ''અરે વલ્લભ, ગોપાલ, જરા અહીં આવો તો.'' બાજુના ઓરડામાંથી આધેડ વયના બે માણસો માસીબા સમક્ષ આવીને ઊભા રહ્યા. માસીબાએ ચાંદનીને કહ્યું, ''શું આ બે જણ તને ટ્રેનમાં દારૂની બોટલો ભરેલી બેગો સોંપીને ગયા હતા?'' ચાંદની વિસ્ફારિત નજરે એ બે માણસોને જોઈ રહી. પછી, વિસ્મય સાથે બોલી, ''અરે હા! આ જ બે હતા, પણ એ અહીં ક્યાંથી? એ અહીં શું કરે છે?'' માસીબાએ ખૂબ શાંતિથી જવાબ આપ્યો, ''એ મારા માણસો છે. એ મને દારૂની બોટલો લાવી આપે છે. આ મારી ખાસ કાર્યપધ્ધતિ છે. તેઓ ટ્રેનના કોઈ પણ ડબ્બામાં દારૂની બોટલો ભરેલી બેગો મૂકીને બીજા ડબ્બામાં જતા રહે છે. ઠેકાણે પહોંચી પાછા એ ડબ્બામાં જઈ બેગો ઉતારી લે. રસ્તામાં ચેકીંગ આવે તો માલ જપ્ત થાય, પણ મારા માણસો ના પકડાય. હા, કોઈ વાર માલ સાથે તારા જેવા નિર્દોષ ઝડપાઈ જાય અને સજા પણ ભોગવે. નિર્દોષ હોવા છતાં, મારા કારણે તું દંડાઈ, તે બાબતનું મને દુ:ખ છે. તું ચાહે તો હંમેશ માટે અહીં, મારી સાથે રહી શકે છે.''
આ માહોલમાં ચાંદનીનો જીવ મુંઝાવા લાગ્યો. તેણે કહ્યું, ''મારા સંસ્કાર, આદર્શો અને નૈતિક મૂલ્યોના કારણે મને આ માહોલમાં રહેવાનું નહીં ફાવે. બસ, આજની રાત મને અહીં ગાળી લેવા દો. કાલે સવારે હું અહીંથી ચાલી જઈશ. મારો રસ્તો હું શોધી લઈશ.'' માસીએ પ્રેમ અને લાગણીથી કહ્યું, ''દીકરી, તું માને છે એટલું સરળ નથી રસ્તો શોધવાનું. એક સ્વરૂપવાન સ્ત્રી માટે સમાજમાં એકલા રહેવાનું બહુ અઘરું હોય છે. આ કહેવાતા ભદ્ર સમાજના ભૂખ્યા વરુઓ તને ફાડી ખાશે. તું દારૂની બોટલો સાથે પકડાઈ હતી, એ સમાચાર અહીંના બધાં છાપાંઓમાં તારા ફોટા સાથે છપાયા હતા. આ સંસ્કાર, આદર્શો અને નૈતિક મૂલ્યોની વાતો હવે તારા માટે નકામી થઈ ગઈ છે. તું મારી વાત શાંત ચિત્તે વિચારીને જે નિર્ણય કરવો હોય તે કરજે. આ દુનિયામાં હવે, તારા માટે માસીના અડ્ડા જેવું બીજું કોઈ સુરક્ષિત સ્થાન નથી.'' માસીના કથનમાં વાત્સલ્યની ઝલક હતી. ચાંદનીની આખી રાત માનસિક અવઢવ અને અસમંજસમાં વીતી. હવે શું કરવું તે વિચારતી રહી. છેવટે, માસીનો પ્રસ્તાવ સ્વીકારી, અહીં જ રહેવાનો નિર્ણય તેણે કરી લીધો. તેણે વિચાર્યું કે, કદાચ આ જ તેના ભાગ્યમાં નિર્મિત હતું. સવારે ઊઠીને, તેણે પોતાનો નિર્ણય જણાવી દીધો. માસીએ ચાંદનીના નિર્ણયને વધાવી લીધો.
ધીરે ધીરે, ચાંદની આ નવા વાતાવરણમાં પોતાની જાતને ગોઠવતી ગઈ. અડ્ડાના કામકાજ અને પ્રણાલીઓ સાથે અનુકૂલન સાધી, તે માસીની વિશ્વાસુ મદદનીશ બની ગઈ. ધીરે ધીરે, માસી અડ્ડાની તમામ કામગીરીમાંથી નિવૃત્ત થતાં ગયાં અને બધી જવાબદારી ચાંદનીએ ઉપાડી લીધી. તે હવે કેવળ સલાહકારની ભૂમિકા નિભાવવા લાગ્યાં. માસી અને ચાંદની વચ્ચે મા અને દીકરી જેવા સંબંધ થઈ ચૂક્યા હતા. આમને આમ, વર્ષો વીતતાં ગયાં. એક દિવસ, માસી ચાંદનીને અને આ ફાની દુનિયાને છોડી ગયાં. પોતાની સગી મા ગુમાવી હોય એટલું દુ:ખ ચાંદનીને થયું. ચાંદનીએ એકલા હાથે અડ્ડાનો વહીવટ સંભાળી લીધો. માસીબાનો અડ્ડો હવે ચાંદનીના અડ્ડા તરીકે ઓળખાવા લાગ્યો.
ચાંદની અતીતના સ્મરણોમાં ખોવાયેલી હતી તે દરમ્યાન, બંસલ સાહેબ હિસાબની રકમ તથા ટીપ પેટે મોટી રકમ કાઉન્ટર ઉપર મૂકીને નીકળી ગયા હતા. અતીતને વાગોળી રહ્યા પછી, ચાંદની ફરીથી વર્તમાનમાં સ્થાયી થઈ. બે દિવસ પછી, આલોક ચતુર્વેદીએ શહેરના ડીવાયએસપી તરીકે ચાર્જ સંભાળી લીધો. એક નિષ્ઠાવાન અને ફરજપરસ્ત પોલીસ ઓફિસર તરીકે તેની છાપ હતી. શહેરમાં ચાલતી અસામાજિક અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓને ડામી દેવા તે પ્રતિબદ્ધ હતો. નશાબંધી ખાતાની સહાય લઈને, શહેરમાં ચાલતા દારૂ અને જુગારના અડ્ડાઓ બંધ કરાવવાનું અભિયાન તેણે હાથ ધર્યું. આવા ઘણાં અડ્ડાઓ બંધ કરાવવામાં તે સફળ રહ્યો હતો.
એના આ અભિયાનના ભાગરૂપે એક દિવસ તે ચાંદનીના અડ્ડા ઉપર આવી પહોંચ્યો. કાઉન્ટર પર ઊભેલી ચાંદનીને જોઈને તે ડઘાઈ ગયો. તેને કલ્પના પણ નહોતી કે, ચાંદનીનો અડ્ડો તેની ચાંદનીનો હશે! તે વિસ્ફારિત નજરે ચાંદનીને જોઈ રહ્યો. ચાંદનીએ તેની સામે જોઈને, તેને આવકારતાં કહ્યું, ''પધારો ડીવાસએસપી આલોક ચતુર્વેદી સાહેબ. ચાંદનીના અડ્ડામાં આપનું સ્વાગત છે. બોલો, શું લેશો? વોડકા, વ્હિસ્કી, જીન, રમ કે બિયર? બધો માલ એકદમ ઓરીજીનલ છે સાહેબ!'' આદર્શવાદી અને મૂલ્યનિષ્ઠ ચાંદનીના બદલાયેલા આ રંગરૂપ જોઈને આલોક બે ઘડી સ્તબ્ધ થઈ ગયો. તે ચાંદનીની નજીક ગયો. ખૂબ જ શાંતિથી તેને કહ્યું, ''જો ચાંદની, હું તને ત્રણ દિવસની મહેતલ આપું છું. ત્રણ દિવસમાં તારો આ ગેરકાનૂની કારોબાર સમેટી લઈને, તારી જાતે પોલીસ સમક્ષ હાજર થઈ જા. તને ઓછામાં ઓછી સજા થાય તે માટે પ્રયત્ન કરીશ, નહીંતર, મારે કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને તારો આ અડ્ડો બંધ કરાવવો પડશે. હું તને આ નર્કાગારમાં કલ્પી પણ નથી શકતો. શું આ જિંદગી તને શોભે છે?'' ચાંદની બોલી, ''નર્કાગાર જેવી આ જિંદગી એ તારી બેવફાઈની સોગાત છે. તારાં બૈરી-છોકરાંની સલામતી ઈચ્છતો હોય તો, ચાંદનીનો અડ્ડો બંધ કરાવવાનો ખ્યાલ તારા મગજમાંથી કાઢી નાંખજે.'' આલોકે કહ્યું, ''મને એની ચિંતા જ નથી. હું પરણ્યો જ નથી.'' ચાંદનીએ કહ્યું, ''તો તારા પપ્પાએ તારી સગાઈ થવાની વાત મને કરી હતી, તેનું શું?''
આલોકે કહ્યું, ''મને લાગે છે કે, આપણે શાંતિથી બેસીને વાત કરીએ.'' બન્ને જણ એક ખૂણામાં ખુરશી લઈને બેઠાં. આલોકે વાતનો પ્રારંભ કર્યો. ''આપણા પ્રેમપ્રકરણની જાણ થતાં, મારા પપ્પાએ મને ખૂબ ધમકાવ્યો. તેમ છતાં, હું મારા નિર્ણયમાં અફર રહ્યો. આથી, તેમણે મને યુક્તિપૂર્વક મોસાળ મોકલી દીધો અને મારી સગાઈની વાત ઉપજાવી કાઢી. એક મહિના પછી, હું મોસાળથી પાછો આવ્યો ત્યારે મને ખબર પડી કે, તેમણે તને પૈસાથી ખરીદવાની કોશિશ પણ કરી હતી. મારા પ્રેમ પર શંકા કરીને તું ઘર છોડીને ચાલી ગઈ. ત્રણચાર મહિના, મેં તને શોધવાના બહુ પ્રયત્નો કર્યા, પણ હું તને શોધી ના શક્યો. તે દરમ્યાન, પપ્પાએ લગ્ન કરી લેવા મારા ઉપર ખૂબ દબાણ કર્યું. ઘણી છોકરીઓ બતાવી, પણ મેં મક્કમતાથી ના પાડી. રીતસર તેમનો વિદ્રોહ કર્યો. મેં તેમને કહી દીધું કે, હું લગ્ન કરીશ તો ચાંદની સાથે જ. હું તેને શોધવા પ્રયત્ન કરીશ. જો તે મને નહીં મળે, તો આજીવન કુંવારો રહીશ. મારી જીદ આગળ તે નરમ પડયા. તને શોધવાની બધી કોશિશો નિષ્ફળ રહી. મારા લગ્નની ઇચ્છા મનમાં લઇ પપ્પા અને મમ્મી અવસાન પામ્યાં. હું પણ તને પામવાની આશા ખોઈ બેઠો હતો. તું મને આ રીતે મળીશ એવી તો મને કલ્પના પણ નહોતી. આજે, તને જોઈને મને જે ખુશી મળી છે, તેનું હું વર્ણન કરી શકું તેમ નથી. ચાંદની, હું તને બેહદ ચાહતો હતો, ચાહું છું અને ચાહતો રહીશ. શું તું મારી સાથે લગ્ન કરીશ?''
આલોકના આવા અણધાર્યા પ્રસ્તાવથી ચાંદની સાશ્ચર્ય આનંદમાં ગરકાવ થઈ ગઈ! આલોકની વાત પૂરી થતાં સુધીમાં તો, તેની આંખો વરસવા લાગી. તેના હૈયાના કોઈ અંધારિયા ખૂણામાં ધરબાઈ ગયેલી પ્રીતની ચિનગારી ફરીથી પ્રજ્વલિત થઈ ઊઠી. ખૂબ ગળગળા સાદે તેણે આલોકને કહ્યું, ''મને માફ કર. તને સમજવામાં મેં બહુ મોટી ભૂલ કરી છે. હું તારી સાથે લગ્ન કરવા તૈયાર છું.'' તેણે ગૃહત્યાગ કર્યો તે પછી, તેના ઉપર શું શું વીતી અને તેના જીવનની દશા અને દિશા કેવી રીતે બદલાઈ ગયા, તે તેણે આલોકને વિગતવાર જણાવ્યું. આલોકે ચાંદનીને કહ્યું, ''ચાંદની, હજુ મોડું નથી થયું. તું ત્રણ દિવસમાં તારો આ ગેરકાયદેસર કારોબાર સમેટીને પોલીસ સમક્ષ હાજર થઈ જા. તે પછી, આપણે લગ્ન કરી લઈશું.'' ચાંદનીએ કહ્યું, ''તેમાં ત્રણ દિવસની કયાં જરૂર છે?'' તે ખુરશીમાં ઊભી થઈ ગઈ અને હાજર રહેલાં ગ્રાહકોને સંબોધીને કહ્યું, ''આથી, ચાંદનીના અડ્ડાના તમામ ગ્રાહકોને જાણ કરવાની કે, ચાંદનીનો અડ્ડો આજથી, અરે અત્યારથી જ હંમેશ માટે બંધ કરવામાં આવે છે. અત્યારે અહીં જે કાંઈ માલસામાન સ્ટોકમાં પડયો છે, તે હાજર રહેલા તમામ ગ્રાહકો સમજીને વહેંચી લે. આ ચાંદની તરફથી તમને સૌને અંતિમ સોગાત છે.'' બીજા દિવસે, આલોક સાથે શાસ્ત્રોક્ત વિધિથી લગ્ન કરીને ચાંદની પોલીસ સમક્ષ હાજર થઈ ગઈ. જે જગ્યાએ ચાંદનીનો અડ્ડો હતો, ત્યાં અત્યારે ''ચાંદની વ્યસન મુક્તિ કેન્દ્ર'' કાર્યરત છે.