Ravi Purti

પૃથ્વી પરનું અમૃત ગણાતું દૂધ હવે પીવાલાયક પણ નથી રહ્યું

By GS Team
25 Oct 20268 mins read
પૃથ્વી પરનું અમૃત ગણાતું દૂધ હવે પીવાલાયક પણ નથી રહ્યું
  • હોટલાઈન-ભાલચંદ્ર જાની
  • દુષિત પાણી, સસ્તા પામ ઓઇલ અને કોસ્ટિક સોડા મિશ્રિત દૂધનું બેધડક અને બેરોકટોક ચાલતું કૌભાંડ. ૧૦૦ લિટર અસલી દૂધમાં નકલી દૂધ ઊમેરીને ૫૦૦ લિટર દૂધ બનાવીને તગડો નફો રળવામાં આવે છે

દૂ ધ એટલે સંપૂર્ણ આહાર. દૂધ એટલે અમૃત. દૂધ એટલે સબકુછ… દૂધની મહત્તા વિશે બચપણથી જ આપણે મોટેરાંઓના મોઢે કંઈ કેટલીય વાતો સાંભળી છે. પરંતુ આજના જમાનામાં દૂધના પૌષ્ટિક તત્ત્વો વિશે કોઈ વાત કરે તો એને કહેવું પડે કે ભાઈ તને ખબર છે કે દૂધમાં હાનિકારક તત્વો કેટલા હોય છે. અગાઉ સુપ્રીમ કોર્ટે દેશમાં વેચાતા ભેળસેળવાળા દૂધ અંગે ચિંતા વ્યક્ત કરતાં કહ્યું હતું કે આ ખૂબ જ ગંભીર મુદ્દો છે અને તેના પર અંકુશ લાવવા રાજ્યોની સરકારોએ પગલાં લેવા જરૂરી છે. એક અંદાજ મુજબ દેશની કૂદકે ને ભૂસકે વધતી જતી વસતિ સાથે દૂધની માગ પણ દર વરસે પાંચ ટકાના દરે વધતી જાય છે. ખોરાકમાં દૂધનો ઉપયોગ ઉપરાંત તેમાંથી દહીં, માખણ, ઘી, પનીર સહિત જુદી જુદી મીઠાઈઓ પણ બનતી હોવાથી તેનો વપરાશ પણ વધતો જતો હોવાથી તેની માગ પણ એટલી જ વધી.
બસ, આજ વધતી જતી માગનો ગેરફાયદો ઉઠાવીને કેટલાંક અસામાજિક તત્ત્વો અને વેપારીઓએ નકલી એટલે કે સિન્થેટિક દૂધ બનાવીને બજારમાં વેચવાનું શરૂ કર્યું. ધીમા ઝેરની માફક આખા સમાજમાં ફેલાતા જતા આ ધંધાની ઝપટમાં આજે ભારતનાં ઘણાં રાજ્યો આવી ગયાં છે. હમણાં જ દૂધની ક્વોલિટી બાબત રાજધાનીમાંથી સરકારી એજન્સી ફુડ સેફ્ટી સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (એફએસએસએઆઈ) દ્વારા લેવાયેલા દૂધના ૭૦ ટકા નમૂના નિર્ધારિત ધારાધોરણોની કસોટીમાં નિષ્ફળ ગયા હતા. એજન્સીએ દેશના ૩૩ રાજ્ય અને સંઘપ્રદેશોમાંથી દૂધના નમુના એકત્ર કર્યા હતા અને તેમા આખા દૂધમાં પાણી ઉમેરવા ઉપરાંત અખાદ્ય કહી શકાય એવા ડિટર્જન્ટ ફેટ અને યુરિયાના ઘટક તત્વો મળી આવ્યા હતાં. ૫૦ સેમ્પલ્સમાં સામાન્ય રીતે હલકી કક્ષાનો સ્કીમ્ડ મિલ્ક પાવડર અને ગ્લુકોઝ વડે તે પ્રદૂષિત હોવાનું જણાયુ હતું. આવી જ રીતે મુંબઈ શહેરની દૂધની જરૂરિયાત રોજના ૪૦ લાખ લીટર જેટલી છે. તેમાંથી ભેંસના ૩૦૦ જેટલા તબેલાઓ રોજનું ચાર લાખ લીટર જેટલું દૂધ પુરું પાડે છે. બાકીના ૩૬ લાખ લીટર દૂધ માટે નાગરિકોએ સરકારી ડેરીઓ અને ખાનગી ડેરીઓ ઉપર જ નિર્ભર રહેવું પડે છે.
ગયા વર્ષે શહેરમાં ૩૦ લાખ લિટર થેલીના દૂધમાંથી આઠ લાખ લિટર દૂધમાં ભેળસેળ કરવામાં આવતી હતી. નામાંકિત ડેરીની અડધો અને એક લિટર દૂધની થેલીને જમણી બાજુએ ઉપરથી ફાડી દૂધ કાઢી લેવામાં આવતું, બાદમાં તેમાં ૯૦ ટકા ગંદુ પાણી, ૧૦ ટકા દૂધ તેમ જ સફેદી જાળવવા સાબુ બનાવવામાં વપરાતો કોસ્ટિક સોડા નાખવામાં આવતો હતો. બાદમાં દૂધની થેલીને ગ્રાહકોને શંકા ન જાય તે રીતે ફરી પેક કરવામાં આવતી હતી. દૂધમાં પાણી નાખવાની વાતો તો હવે જૂની થઈ ગઈ. પરંતુ ગમે તે ભોગે રૂપિયા રળવા માગતાં તત્ત્વોએ તેમાં ગટર અને નાળાનું પાણી, કોસ્ટિક સોડા, ડીટરજન્ટ અને યુરિયા નાખવાનું શરૂ કર્યું છે. કેટલાક કેસમાં ગંધરહિત શેમ્પુ વપરાયું હોવાનું માલુમ પડયું છે. આવી જોખમી કુપ્રવૃત્તિ મહાનગર મુંબઈમાં પણ બેધડક અને બેરોકટોક ચાલે છે.
ઘણા વેપારીઓ અનાજ, ખાદ્યતેલ અને રસોઈમાં વપરાતા વિવિધ મસાલામાં ભેળસેળ કરીને તગડી કમાણી કરતા હોય છે. પરંતુ હવે આ યાદીમાં દૂધનો નંબર સૌથી ઉપર લાગી ગયો છે. મુંબઈના ઘણા વિસ્તારોમાં દૂધમાં મોટા પાયે અને એ પણ વ્યવસ્થિત રીતે મિલાવટ કરવાનો ગોરખધંધો ચાલે છે. આવું દૂધ પીનાર વ્યક્તિના આરોગ્ય માટે ભારે હાનિકારક પુરવાર થાય છે. મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ અને રાજ્ય સરકારના ફૂડ એન્ડ ડ્રગ્સ એડમિનિસ્ટ્રેશન (એફ.ડી.એ.)ના અધિકારીઓએ શહેરમાં ચાલતી જોખમી પ્રવૃત્તિઓને અટકાવી તેમાં સંડોવાયેલાં તત્ત્વોને પકડી લેવા એક અસરકારક યોજના તૈયાર કરી હોવા છતાં તે કેટલી હદે પરિણામલક્ષી પુરવાર થાય છે તે મહત્ત્વનો સવાલ છે.
જો કે બનાવટી અને દૂષિત દૂધ વેચવાનો ધંધો મુંબઈ ઉપરાંત ગુજરાત દિલ્હી, બુલંદ શહેર, ગાઝિયાબાદ સહિત રાજસ્થાનનાં અમુક શહેરોેમાં પણ ફેલાયો છે. એક રીતે કહીએ તો ઉત્તર ભારતના મોટાભાગના વિસ્તારમાં લાખો લિટર નકલી દૂધ વેચાઈ રહ્યું છે, એ આપણા દેશ અને તેની પ્રજાની કમનસીબી છે.
ભારતનું કુલ વાર્ષિક દૂધ ઉત્પાદન આશરે ૨૪.૭ કરોડ ટન (૨૦૨૪-૨૫માં) છે. આ રીતે આપણા દેશની ગણના વિશ્વના સૌથી વધુ માત્રામાં દૂધ ઉત્પન્ન કરનારા દેશ તરીકે થાય છે. આખા વિશ્વનું કુલ ૨૫ ટકા દૂધ ભારત તૈયાર કરે છે. ભારતના જે કુલ પાંચ રાજ્યો દેશમાં ઉત્પાદિત દૂધમાં ૫૪ ટકા ફાળો આપે છે તેમાં યુ. પી., રાજસ્થાન, મધ્ય પ્રદેશ, ગુજરાત અને મહારાષ્ટ્ર મુખ્ય છે. દેશની રાજધાની દિલ્હીમાં દરરોજ લગભગ ૩૦ લાખ ટન દૂધની જરૂર પડે છે. આમાંથી લગભગ ૧૮ લાખ ટન જેટલું દૂધ શહેરની પ્રતિષ્ઠિત ડેરી અને દિલ્હી દૂધ સેવા દ્વારા મળી રહે છે. ઉપરાંત દિલ્હીની નાની-મોટી લગભગ ૬૦૦ જેટલી ડેરી ચાર લાખ ટન દૂધની વહેંચણી કરે છે. ટૂંકમાં દિલ્હીમાં દૂધની તંગી સતત અનુભવવા મળે છે. બસ આ જ તંગીમાંથી ગંદા અને બનાવટી દૂધનો જન્મ થયોે.
સિન્થેટિક દૂધ વેચવાનો વ્યવસ્થિત અને મોટાપાયે ધંધો કરતી ટોળીઓ જાણીતી ડેરીઓની દૂધની ખાલી થેલીઓ ખરીદી લે છે. ત્યારબાદ તેઓ પ્લાસ્ટિકની કોથળીઓને કોઈ એક ખૂણેથી કાપી લઈને તેમાંથી ત્રીજા ભાગ જેટલું શુદ્ધ દૂધ કાઢી લઈ તેની જગ્યાએ કૃત્રિમ અને પ્રદૂષિત દૂધ ઉમેરી દે છે. આટલું જ નહીં આ તત્ત્વો તો એક વખત ઉપયોેગમાં લેવાયેલી પ્લાસ્ટિકની કોેથળીઓમાં પણ બનાવટી અને ગંદુ દૂધ ભરીને બજારમાં વેચે છે.
જો કે મહત્ત્વનો સવાલ એ છે કે આ પ્રકારનું ષડયંત્ર એકદમ છેલ્લા એટલે કે દૂધના વેચાણના તબક્કે જ શક્ય છે કારણ કે આ તબક્કે તેમના પર ધ્યાન રાખનાર કે પકડનાર કોઈ નથી હોતું. જો કે અમુક પ્રતિષ્ઠિત ડેરીઓ હવે એકદમ સજાગ થઇ ગઈ હોવાથી તેણે જુદા જુદા તબક્કે ખાસ માણસોની ટુકડી ગોઠવી દીધી છે. કારણ કે ગ્રાહકોનાં મનમાં તો અમુક તમુક ડેરી સામે જ શંકા જાય છે અને તેથી લોકોમાં પોતાની આબરુનું ધોવાણ ન થાય તેનું ધ્યાન રાખી મોટી ડેરીઓ દૂધનાં વેચાણનાં કેન્દ્રો પર આકસ્મિક તપાસ પણ કરે છે. પરંતુ સામાન્ય માનવી શુદ્ધ અને નકલી દૂધ વચ્ચેનો ભેદ જલદીથી પારખી નહીં શકતો હોવાથી પોતાના શરીરમાં રોજ થોડું થોડું ઝેર રેડતો જાય છે, અને એક દિવસ તેનું શરીર જુદા જુદા રોગનું ઘર બની જાય છે.
નકલી અને જોેખમી દૂષિત દૂધનો ગંદો વેપાર આટલેથી જ નથી અટકતો. અમુક વેપારીઓ તો કાચા દૂધને લાંબા સમય સુધી જાળવી રાખવા તેમાં જુદા જુદા રસાયણો, જંતુનાશક પદાર્થ અને ઘનતા (ફૅટ) વધારે તેવા પદાર્થ પણ ઉમેરે છે. જોે કે આવા દૂધમાંથી બનાવેલાં દહીં, ઘી અને મીઠાઈ પણ એકદમ ઉતરતી કક્ષાનાં હોય છે.
આ દૂધ લોકો સુધી પહોંચે એ પહેલાં ગાય- ભેંસ જેવાં દૂધાળા ઢોર ઉપર પારાવાર અત્યાચાર ગુજારવામાં આવે છે. પુણેના એક પશુ કલ્યાણ સંગઠને બે વર્ષ સુધી કરેલા દેશવ્યાપી અભ્યાસને અંતે ડેરી ઉદ્યોગની આ કાળી અને કારમી બાજુ સામે આવી છે. ઢોરને કૃત્રિમ ગર્ભધાન કરાવવા બિનઅનુભવી કર્મચારીઓ જંતુમુક્ત કરવામાં ન આવ્યા હોય એવાં 'અનસ્ટરાઈલ' સાધનો વાપરે છે. ગાયને વાછરડું જન્મે એ પછી દૂધ પીતા વાછરડાને જબરજસ્તી માતાના આંચળથી છોડાવવામાં આવે છે. ગાય- ભેંેસને લાઠી કે લોખંડની સાંકળથી ફટકારવામાં આવે છે. જ્યારે ઢોર દૂધ આપવાનું બંધ કરે ત્યારે વસૂકી ગયેલા ઢોરને કતલખાને મોકલી દેવામાં આવે છે.
એક ચોંકાવનારી માહિતી મુજબ વધુ દૂધ મેળવવા દૂધાળાં પ્રાણીઓ( ગાય, ભેંસ, બકરી)ને ઑક્સી ટૉક્સીનના ઈન્જેક્શન પણ અપાય છે. આવાં ઈન્જેક્શનનને કારણે ગાય કે ભેંસનાં હોર્મોન્સ ખૂબ ઝડપથી સક્રિય થાય છે અને તેનાં આંચળમાં જલદીથી દૂધ ઊતરી આવે છે. પરંતુ દૂધની સાથોસાથ ગાય કે ભેંસનાં લોહી અને હાડકાંના તત્ત્વો પણ આવે છે. દૂધ પીનારી વ્યક્તિ આ બધા જોખમી પ્રયોગથી સાવ અજાણ હોવાથી તે નિર્દોષપણે દૂધ પીને તંદુરસ્તી ટકાવી રાખવાનાં સપનાં નિહાળે છે પરંતુ સમય જતાં તેની તંદુરસ્તી તો ઠીક તેના આયુષ્ય સામે પણ જોખમ ઊભું થાય છે.
ઉપરાંત બનાવટી દૂધમાં ઉમેરાયેલા કોસ્ટિક સોડા અને યુરિયાને કારણે વ્યક્તિના પેટ અને આંતરડાને ગંભીર નુકસાન થાય છે. પેટમાં ચાંદા પડી જાય છે. તો ચામડીનાં દરદ પણ થાય છે. સાથોસાથ હાથ-પગમાં સોજા ચડે છે તો હૃદય,ફેફસાં અને આંખની દ્દષ્ટિને પણ ભારે નુકસાન થાય છે. કહેવાનો અર્થ એ છે કે સિન્થેટિક અને દૂષિત દૂધને કારણે દેશની ઉછરતી પેઢીનું જીવન જોખમમાં છે.
એક તરફ દેશમાં રાષ્ટ્રીય ડેરી વિકાસ નિગમ દ્વારા શ્વેત ક્રાંતિનો પ્રયોગ થઈ રહ્યો છે. તો તેની વિરુધ્ધ કેટલાંક સ્વાર્થી તત્ત્વો એ સફેદ ષડયંત્ર ફેલાવ્યું છે. દેશમાં શ્વેત ક્રાંતિના નારા હેઠળ ડેરી વિકાસ યોજના શરૂ થઈ. ત્યારે સિન્થેટિક મિલ્કની મોટી સમસ્યા દેશ સામે ઊભી થઈ છે. ખાસ કરીને સૌરાષ્ટ્રમાં દૂધની ભેળસેળનો ગોરખધંધો કદાચ દારૂના દૂષણ કરતા પણ વધુ જોખમી રીતે ચાલી રહ્યો છે. નકલી દૂધની સાથે દૂધના ફેટ જાળવી રાખવા માટે વપરાતા તત્ત્વો માનવીના આરોગ્ય સાથે ગંભીર ચેડાં કરે છે.
બાળરોગ નિષ્ણાત નકલી તથા કેમિકલવાળા ભેળસેળયુક્ત દૂધની આડઅસરો વિશે સ્પષ્ટ અભિપ્રાય આપે છે કે દૂધનું સૌથી વધુ સેવન બાળકો કરતા હોય છે માટે તેના કુમળા અવયવો ઉપર કેમિકલની ગંભીર માઠી અસર પડે છે. કેમિકલવાળા દૂધના કાયમી સેવનથી બાળકો આંતરડા, લીવર, કિડનીના રોગોનો ભોગ બને છે. ચામડીના રોગો થાય છે. આ ઉપરાંત મગજના વિકાસ પર ગંભીર અસર પડે છે. યુરિયા-પામતેલ જેવા તત્ત્વોના કારણે કુમળા હૃદયને ગંભીર હાની પહોંચે છે.
સમસ્યા એટલા માટે કહેવી પડે છે કે નકલી અને અસલી દૂધ વચ્ચેનો તફાવત પારખવો થોડો મુશ્કેલ છે. એટલે સુધી કે દૂધમાંની ઘનતા (ફૅટ) માપવા માટે વપરાતું લૅક્ટોમીટર પણ કૉસ્ટિક સોડા, યુરિયા અને ડિટરજન્ટ મિશ્રિત સિન્થેટિક મિલ્કને પકડી શકતું નથી. એટલે કે લેક્ટોમીટર દ્વારા પણ આવા મિલાવટી દૂધની તપાસ કરી શકાતી નથી. જો કે રાષ્ટ્રીય ડેરી વિકાસ નિગમ (કરનાલ) ના વિજ્ઞાનીઓ આ પ્રકારના કૃત્રિમ દૂધની પરખ કરવા એક ખાસ પ્રકારનું ઉપકરણ તૈયાર કર્યું હોવાનો દાવો કરે છે. પરંતુ આ ઉપકરણને સરકારી માન્યતા આપવા પ્રયાસો કરીને તેનો ઉપયોગ આખા દેશમાં કરવો જરૂરી છે.
અગાઉ ઉલ્લેખ કર્યો એ રાષ્ટ્રીય ડેરી વિકાસ નિગમ ફરી એકવખત દૂધ ઘીની નદીઓ વહાવવા પ્રયાસ કરી રહી છે ત્યારે બીજી તરફ રાતોરાત અમીર બની જવાનાં સ્વાર્થમાં કેટલાંક તત્ત્વો અમૃતતૂલ્ય દૂધમાં ઝેર ભેળવી ખતરનાક રમત રમી રહ્યાં છે.