Ravi Purti

હું અને મારાં પાત્રો: ઇમ્તિયાઝ અલી

By GS Team
27 Jun 20267 mins read
હું અને મારાં પાત્રો: ઇમ્તિયાઝ અલી
  • સિનેમા એક્સપ્રેસ-શિશિર રામાવત
  • 'હું પ્રેમની લાગણીની આસપાસ ફિલ્મો બનાવ્યા કરું છું એનું કારણ એ જ છે કે મને હજુ સુધી આ ફીલિંગ સમજાઈ નથી. મારી પાસે પ્રેમને લગતા સવાલો જ વધુ છે,
    જવાબો નહીં.'
    'મૈં વાપસ આઉંગા' ફિલ્મના નસીરુદ્દીન શાહ હોય કે 'જબ વી મેટ'ની કરીના હોય, 'લવ આજ-કલ'નાં દીપિકા-સૈફ હોય કે 'રોકસ્ટાર' અને 'તમાશા'નો રણબીર ક્પૂર હોય - રાઇટર-ડિરેક્ટર ઇમ્તિયાઝ અલીનાં પાત્રો હંમેશાં જીવનમાં ગડથોડિયાં ખાતાં ખાતાં કશુંક શોધવાની મથામણ કરતાં હોય છે. આ શોધ પ્રેમ નામના તત્ત્વની હોય, પોતાના અસલી વ્યકિતત્વ હોય કે પેશનની હોય. ઇમ્તિયાઝ અલી કેવી રીતે પોતાનાં પાત્રો ઘડે છે? કેવી રીતે પોતાની ફિલ્મો લખે છે અને બનાવે છે? આ વાતો એમના જ શબ્દોમાં સાંભળવા જેવી છે. ઇમ્તિયાઝ અલીએ છેલ્લા દાયકા કરતાંય વધારે વર્ષો દરમિયાન આપેલી મુલાકાતોમાંથી તારવેલા રસપ્રદ અંશોમાંથી પસાર થવા
    જેવું છે…
    હું ક્યારેય એવું વિચારીને શરુઆત કરતો નથી કે હાલો હાલો, એક લવસ્ટોરી બનાવી નાખું. લોકોને લાગે છે કે હું પ્રેમની લાગણીને સારી રીતે સમજું છું. એવું નથી. મારી પાસે પ્રેમને લગતા સવાલો જ વધુ છે, જવાબો નહીં. હું પ્રેમની લાગણીની આસપાસ ફિલ્મો બનાવ્યા કરું છું એનું કારણ એ જ છે કે મને હજુ સુધી આ ફીલિંગ સમજાઈ જ નથી. સિનેમા એ લાગણીઓને સમજવાની કોશિશ છે.
    પ્રેમ જેવી કન્ફ્યુઝિંગ વસ્તુ બીજી એકેય નથી. અલગ અલગ લોકો માટે પ્રેમનો અલગ અલગ અર્થ છે. વળી, પ્રેમ વિશેના આપણા ખયાલો પણ સમયની સાથે બદલાતા રહે છે. તમે આજે જેને પ્રેમ કહેતા હો તેને કાલે પ્રેમ ન ગણો તે બિલકુલ શક્ય છે. મને મિસકમ્યુનિકેશન ગમતું નથી. એટલે 'પ્રેમ'ને બદલે હું 'અફેક્શન' (કુમાશભરી લાગણી હોવી, ગમવું) જેવા સ્પેસિફિક શબ્દ વાપરવાનું પસંદ કરુંં છું. શૂટિંગ વખતે હું હીરોને એવું કયારેય નહીં ક્હું કે આ લાઈન બોલતી વખતે તને 'પ્રેમની ફીલિંગ' થઈ રહી છે. હું એક્ટરને એ રીતે સૂચના આપીશ કે, 'આ ડાયલોગ બોલતી વખતે તને હિરોઈનને ભેટી પડવાની ઈચ્છા થઈ રહી છે' અથવા 'તારા મનમાં આ ક્ષણે હિરોઈનને ચુમી લેવાની તીવ્ર ઈચ્છા જાગી છે' વગેરે. આ રીતે એક્ટરને સમજવામાં આસાની રહે છે. અરે, હું તો મારી સગી દીકરીને પણ 'આઈ લવ યુ' ક્હેતો નથી!
    મને એવા એક્ટરો ગમે છે, જે નિરંકુશ બનીને વહી જવા માટે તૈયાર હોય, જેનામાં કુતૂહલ હોય, જે પ્રશ્નો કરતો હોય. પાત્ર કે પરિસ્થિતિ વિશેની મારી સમજણ ગમે તે હોય, એક્ટરે એમાં બંધાઈ જવાનું ન હોય. એક્ટરે પોતાના અભિનયમાં એવું કશુંક તત્ત્વ લાવવું જોઈએ, જે જોઈને ડિરેક્ટર ડરી જાય. એક્ટરો વલ્નરેબલ હોય છે, લાગણીના સ્તરે - માનસિક સ્તરે નાજુક હોય છે. ડિરેક્ટરે પોતાના એક્ટરોના આ નાજુક માનસિક વાતાવરણનું રક્ષણ કરવું જ પડે. એક્ટર જો સલામતી અનુભવતો હશે તો એ ખતરનાક 'ઇમોશનલ જમ્પ' મારતા ગભરાશે નહીં.
    દિલ્હીની કોલેજમાં ભણતો હતો ત્યારે એક વાર બસમાં મુસાફરી કરતી વખતે એક અતિ વાચાળ યુવતી મારી બાજુની સીટ પર બેઠી. કશી ઓળખાણ નહીં, છતાંય એની નોનસ્ટોપ વાતો અટકવાનું નામ લેતી નહોતી. મનમાં આવે તે બધું જ વગર વિચાર્યે ભરડી નાખતી હતી. જેમ કે, વાતવાતમાં એ બોલી ગઈ કે, 'છેને તે દિવસે મારે એક મેરેજમાં જવાનું હતું, પણ હું ન ગઈ કેમ કે મારા પિરીયડ ચાલુ થઈ ગયા હતા. મેં મસ્ત વ્હાઈટ ડ્રેસ કરાવ્યો હતો, પણ પિરીયડમાં વ્હાઈટ ડ્રેસ ક્ેવી રીતે પહેરાય? એટલે પછી મેં જવાનું જ માંડી વાળ્યંુ…' છેલ્લે છૂટાં પડતાં પહેલાં એવુંય બોલી ગઈ કે, 'ઈતના કુછ બોલ રહી હૂં ઈસકા મતલબ યે નહીં હૈ કિ મેરે બારે મેં આપ કુછ ભી સોચો!' આ અતિ વાતોડિયણ છોકરીમાં એક પ્રકારની નિર્દોષતા હતી. વર્ષો પછી 'જબ વી મેટ'માં કરીના ક્પૂરનું પાત્ર ઘડતી વખતે એ છોકરી મારા માટે મહત્ત્વનો રેફરન્સ સાબિત થઈ. મેં 'જબ વી મેટ' લખવાનું શરુ કર્યું ત્યારે મારા મનમાં વાર્તા જેવું કશું હતું જ નહીં. મેં એમ જ કાગળ પર લખવાનું શરુ કરી દીધું હતું અને હું જોેઈ રહૃાો હતો કે આ જે કંઈ લખાઈ રહૃાું છે એમાંથી વાર્તા જેવું કશું નીપજે છે કે કેમ. એક્ પ્રસંગ એવો લખાયો કે નાયિકાને છોકરાવાળા જોવા આવ્યા છે. છોકરાના મનમાં ગેરસમજ પેદા કરવા માટે નાયિકા હીરોને - કે જે હજુ પૂરો દોસ્ત પણ બન્યો નથી - એને ભેટી પડે છે અને પૂછે છે: 'આદિત્ય, ક્યા વો (એને જોવા આવેલો છોકરો) દેખ રહા હૈ?' બસ, આ પ્રસંગ લખાયો ત્યારે પહેલી વાર મને લાગ્યું હતું કે આમાંથી ફિલ્મની સ્ક્રિપ્ટ જેવું કશુંક બનાવી શકશે ખરું!
    …પણ મારે જો 'જબ વી મેટ' નવેસરથી બનાવવી હોય તો હું બધું જ બદલી નાખું. ફિલ્મના સ્ક્રીનપ્લેમાં કેટલાય લોચા છે. જેમ કે, એક સીનમાં શાહિદ-કરીના રતલામની બદનામ હોટલમાં રાતવાસો કરવા જાય છે. કરીનાને એટલી ભોળીભટાક છે કે એને સમજાતું જ નથી કે આ હોટલ વેશ્યાવૃત્તિ ચાલે છે. તમે જ કહો, મુંબઈની ગર્લ્સ હોસ્ટેલમાં વર્ષો સુધી રહેલી કઈ છોકરી આટલી ભોટ હોઈ શકે? મને લાગે છે કે 'જબ વી મેટ' બનાવતી વખતે મેં એકટરોને સીન બરાબર સમજાવ્યાં જ નહોતા. ખાસ કરીને કરીનાને. ઈવન, આ ફિલ્મના કેટલાંક પૂરક પાત્રોનું કાસ્ટિંગ પણ મને ગરબડવાળું લાગે છે. ખેર, ફિલ્મ જેવી છે તેવી લોકોને ગમી છે તે સારી વાત છે… અને આવું બધું ફિલ્મ હિટ થઈ જાય પછી જ બોલાય, પહેલાં નહીં!
    'રોકસ્ટાર' રિલીઝ થયા પછી હું અને રણબીર કપૂર એક વાર બાંદરા-મુંબઈની 'ઈન્ડિગો' રેસ્ટોરાંમાં બેઠા બેઠા ગપ્પાં મારી રહૃાા હતા. વાતવાતમાં મેં કહૃાું ક્ે જો યાર, મારા મનમાં એક વિચાર લાંબા સમયથી ઘુમારાયા કરે છે. કદાચ એના પરથી કશુંક બનાવી શકાય. વિચાર એવો છે કે, ટ્રેનમાં મુસાફરી દરમિયાન વિન્ડો સીટ પર બેસીને બારીની બહાર જોવાનું આપણને ગમતું હોય છે. બહારનું દશ્ય સતત બદલાયા કરતું હોય. બહાર ઝાડ, પહાડ, તળાવ, ખેતર, ખેતરમાં કામ રહેલા લોકો વગેરે દેખાય. આપણને એમની પાસે પહોંચી જવાનું મન થાય, પણ એવું કરી ન શકીએ, કેમ કે આપણે ટ્રેનના બંધિયાર ડબ્બામાં બેઠા છીએ. બહાર આઝાદી છે, મોકળાશ છે, જ્યારે ટ્રેનના ડબ્બામાં શિસ્તમાં રહેવું પડે, કાયદા પ્રમાણે ચાલવું પડે. અહીં એક સિસ્ટમ ગોઠવાયેલી છે. જો આ સિસ્ટમને તોડીને બહાર નીકળીએ તો જ આઝાદીનો અહેસાસ થઈ શકે. બસ, આ વિચારના આ તણખામાંથી 'તમાશા' ફિલ્મનો જન્મ થયો. શરુઆતમાં ફિલ્મનું વર્કિંગ ટાઈટલ પણ 'વિન્ડો સીટ' રાખવામાં આવ્યું હતું.
    આપણા સૌની એક સેલ્ફ-ઈમેજ હોય છે, જેમાં આપણે ખુદને બહુ જ સ્માર્ટ, હોશિયાર અને સર્વગુણસંપન્ન મનુષ્ય તરીકે જોતા હોઈએ છીએ. આ એક પાસું થયું. આપણા વ્યકિતત્વનું બીજું પાસું પણ છે, જે બહુ બોરિંગ હોય છે. આપણે સતત આ બન્ને પાસાંને એકબીજામાં ભેળવીને તેમની વચ્ચેનો ફરક દૂર કરવાની કેશિશ કરતા હોઈએ છીએ. સાચો, લાગણીથી છલોછલ અને ઈમાનદાર સંબંધ માણસને એનું બેસ્ટ વર્ઝન બનવામાં મદદ કરે છે. 'તમાશા'માં હું આ જ કહેવા માગતો હતો.
    મેં 'હાઈવે'ની સ્કિપ્ટ ઓપન રાખી હતી. અલબત્ત, શૂટિંગની શરુઆત કરી ત્યારે વાર્તા સ્પષ્ટ હતી, આરંભ અને અંત સ્પષ્ટ હતા, પણ ક્રમબદ્ધ દશ્યો, ઝીણી ઝીણી વિગતો, વળાંકો, સંવાદો આ બધું જ ફિલ્મ બનતી ગઈ તેમ તેમ લખાતું ગયું. આ રોડ મૂવી છે અને અમે દિલ્હી- હરિયાણા-રાજસ્થાન-પંજાબ-હિમાચલ પ્રદેશ-કાશ્મીરમાં શૂટિંગ કરેલું. લોકેશન જોઈને નક્કી થાય કે કલાકારો (આલિયા ભટ્ટ અને રંદીપ હૂડા) અહીં શું કરશે, શું બોલશે. તે પ્રમાણે સીન અને સંવાદો લખાય. સામાન્યપણે ફિલ્મોના શૂટિંગમાં દ્રશ્યોનો ક્રમ જળવાતો હોતો નથી. જે રીતે કલાકારો અવેલેબલ હોય તે પ્રમાણે સીન શૂટ કરી લેવાતા હોય છે, પણ 'હાઈવે'માં એક્ઝેટલી વાર્તાના પ્રવાહ પ્રમાણે જ શૂટિંગ થતું ગયું. આ ફિલ્મમાં પ્રવાસ માણસ પર કેવો પ્રભાવ પાડે છે તેની વાત છે. જો તમે પહેલેથી જ પ્રભાવ નક્કી કરી નાખો તો આખી જર્ની કૃત્રિમ બની જાય. તેથી આ પ્રકારની ફિલ્મ પાક્કી સ્ક્રિપ્ટ વગર બનાવવી પડે, અને આ આમ કરવા માટે હિંમત જોઈએ.
    કોઈ સામાજિક પ્રસંગ હોય કે પાર્ટી-બાર્ટી હોય ત્યારે લોકો સાથે વાતો કરતાં મને આવડતું નથી. આવા માહોલમાં મને બહુ જ ઓક્વર્ડ ફીલ થવા લાગે છે. સેલ્ફ-ડાઉટ (પોતાની ક્ષમતા વિશે શંકા હોવી) અને લઘુતાગ્રંથિ - આ બેય વસ્તુ મારામા રહી છે. હું જાણું છું કે હું એક્ સફળ ડિરેક્ટર છું અને લોકોે મારી પ્રશંસા કરે છે, પણ મારી અસલામતીનો સંબંધ હું એક્ વ્યકિત તરીકે કેવો છું એની સાથે છે. લોકોને લાગે છે કે હું બહુ ક્રિયેટિવ છું ને જિંદગી વિશે ઊંડી સમજ ધરાવું છું, પણ મારી બેવકૂફીઓ અને અપરિપક્વતા વિશે હું જ જાણું છું. મારે સતત મારી જાત સાથે યુદ્ધ કરતાં રહેવું પડે છે. અમુક લોકો મને સૂફી કહે છે. મને થાય કે જે ખરેખર સૂફી લોકો છે એમને થતું હશે કે ઈમ્તિયાઝ અલી જેવા નૈતિકતાના મામલે દેવાળું કાઢી ચુકેલા ખોખલા માણસને કોઈ સૂફીની પંગતમાં કેવી રીતે બેસાડો શકે?
    શો સ્ટોપર
    આજની હિરોઈનો, આગલી પેઢીની હિરોઈનોની સરખામણીમાં જોખમ ઉઠાવવા માટે ઓછી તૈયાર હોય છે.
  • અક્ષયકુમાર