Ravi Purti
અનહદ અપાર વરસે!
By GS Team
8 Aug 20264 mins read

- અંતરનેટની કવિતા-અનિલ ચાવડા
- વાદળો ધરતી પાસેથી પાણીનો હિસાબ માગતાં નથી. પ્રેમ જ્યારે હિસાબ રાખવા માંડે ત્યારે વેપાર બની જાય છે. મેં આટલું આપ્યું, તેં કેટલું આપ્યું?
લોગઈન
આ ધોધમાર વરસે, ચોમેર ધાર વરસે,
હું કેટલુંક ઝીલું? અનહદ અપાર વરસે!
ના શ્રાવણી અષાઢી વરસાદના દિવસમાં,
એ તો અકળ અમસ્તું બસ વારવાર વરસે!
ભીંજાઉં ન્હાઉં ડૂબું આઘે તણાઉં એવું,
આ નેહના ગગનનો સઘળોય સાર વરસે!
હા જો કહું તો વરસે, ના પણ કહું તો વરસે,
કૈં ના કહું તો આવી આવી ધરાર વરસે!
છલકી જવાય એવું કે છોળ થઈ જવાતું,
ઘેઘૂરને ઘુઘવતો એવો ખુમાર વરસે!
- નયના જાની
વરસાદ અને પ્રેમ સરખા હોય છે. એક વાદળરૂપે બહાર બંધાય, એક સ્નેહરૂપે ભીતર. એકને પવન ખેંચી લાવે, બીજાને સ્મરણ. એક વીજળીના ચમકારે ઓળખાય, બીજું આંખના પલકારે. એકનો ગડગડાટ ગામ સાંભળે, બીજાનો હૃદય. ક્યારેક બંને વરસાદ એકસાથે આવે છે. બહારનો વરસાદ બારી ખખડાવે અને ભીતર કોઈનું વહાલ વીણા વગાડે. બહારની છાલક શરીરને ભીંજવે, અંદરની ધાર અસ્તિત્વને. પછી માણસ નક્કી કરી શકતો નથી કે તેની પર વાદળ વરસે છે વહાલ.
કવયિત્રી નયના જાનીએ ઉપરોક્ત કવિતામાં ધોધમાર, અનહદ, અપાર વરસતા વહાલ અને વરસાદથી ભાવકોને ભીંજવ્યા છે.
માણસનું હૃદય સમુદ્ર જેવું હોય છે. તેમાં લાગણીની નદી ભળે છે. રોજિંદા જીવનમાં તેનો ખ્યાલ આવતો નથી. માણસ કામ કરતો રહે, બોલતો રહે અને દુનિયાના હિસાબો કરતો રહે. પણ કોઈ ક્ષણે અંદર ભરાયેલું બધું બાષ્પ બનીને ઊંચે ચડે છે. હૃદયના નભમાં વાદળો બંધાય છે. પછી સ્મરણનો પવન ફુંકાય છે, કોઈનો અવાજ વીજળીની જેમ ચમકે છે, અને અંદર સચવાયેલો સમુદ્ર વરસાદ બનીને પાછો આવે છે.
વરસાદ શરીર પરથી વહી જાય, પણ વહાલ ક્યાંથી વહે? તે આંખમાં આવે તો આંસુ થાય, હોઠ પર આવે તો સ્મિત, હાથમાં આવે તો સ્પર્શ અને પ્રતીક્ષામાં આવે તો ઝંખના. સ્વરૂપ બદલાતાં રહે છે, પરંતુ ભીનાશ એ જ રહે છે.
પ્રથમ વરસાદમાં ધરતીમાંથી આવતી સુવાસ આકાશની નહીં, ધરતીએ લાંબા સમયથી સાચવેલી તરસની હોય છે. વરસાદ તો માત્ર એને જગાડે છે. પ્રેમમાં પણ આવું જ બને છે. કોઈ માણસ આપણામાં પ્રેમ મૂકતો નથી; તે આપણી અંદર વર્ષોથી સૂતેલી સ્નેહક્ષમતાને જગાડે છે. આપણે સમજીએ કે આ સુગંધ તેના આવવાથી જન્મી. હકીકતમાં એ આપણી જ ધરતીમાં દટાયેલી હોય છે.
વહાલનો વરસાદ અકળ હોય છે, કેમકે લાગણી બુદ્ધિના રસ્તે ચાલતી નથી. બુદ્ધિ પૂછે કે, અત્યારે શા માટે? આટલું શા માટે? એ જ વ્યક્તિ માટે શા માટે? હૃદય પાસે આ પ્રશ્નોના ઉત્તર હોતા નથી. વાદળને પૂછીએ કે આ જ જગ્યાએ કેમ વરસવું છે, તો કદાચ તે પણ જવાબ નહીં આપી શકે. વરસાદ કે વહાલ બંનેને માત્ર વરસતાં આવડે છે.
બહારના વરસાદથી બચવા માણસે રેઇનકોટ, છત્રી વગેરે શોધ્યાં. અંદરના વરસાદથી બચવા વ્યસ્તતા, તર્ક, વિસ્મરણ વગેરે શોધ્યાં. પણ કેટલાંક ચોમાસાં સામે આવરણ ટકતાં નથી. તમે કામમાં ડૂબો તો એ કાગળની વચ્ચે કોઈના નામની જેમ ઊગી આવે. ભીડના અવાજોમાંથી કોઈ પરિચિત સૂર બનીને સંભળાય. ઊંઘો તો સ્વપ્નના દરવાજેથી પ્રવેશે; જાગતા રહો તો પ્રતીક્ષા બનીને પધારે.
અંતે કોઈ ક્ષણે માણસ છત્રી બંધ કરી દે છે, બહારની પણ અને અંદરની પણ. તે પોતાના અસ્તિત્વના દરવાજા ખોલીને ઊભો રહે છે. પહેલાં તે ભીંજાય છે. પછી ન્હાય છે. પછી ડૂબે છે. છેવટે તણાય છે. વહાલના પ્રવાહમાં પોતાની જાતને વહેવા દે છે. કેમકે પ્રેમમાં 'ડૂબવું'નો અર્થ તરવું થાય છે. ટીપું સમુદ્રમાં પડે ત્યારે એમ કહી શકાય કે ટીપું ખોવાઈ ગયું, પણ બીજી રીતે જોઈએ તો એ જ ક્ષણે ટીપું સમુદ્ર થઈ ગયું હોય છે.
હૃદય ભાષા નહીં ભાવ સાંભળે છે. એ નકારનો અર્થ હકાર કરી શકે, અને હકારનો અર્થ સ્વીકાર. પરંતુ વહાલનો અર્થ કબજો નથી. વાદળો ધરતી પાસેથી પાણીનો હિસાબ માગતાં નથી. પ્રેમ જ્યારે હિસાબ રાખવા માંડે ત્યારે વેપાર બની જાય છે. મેં આટલું આપ્યું, તેં કેટલું આપ્યું? મેં તારી રાહ જોઈ, તેં મારી કેટલી જોઈ? આવા હિસાબો વહાલના ઝરણાને નાળામાં ફેરવી નાખે છે. સ્નેહનું ગગન પૂછતું નથી; તે વરસે છે, કારણ કે વરસ્યા વિના તેને પોતાના ભરાવામાંથી મુક્તિ મળતી નથી.
છલકાઈ જવું નબળાઈ નથી, ભરપૂરતાનું પ્રમાણ છે. પરંતુ અહીં માત્ર છલકાવાની નહીં, છોળ થઈ જવાની વાત છે. પ્રેમની પરાકાષ્ઠા કદાચ એ છે કે માણસ પોતે વહાલ થઈ જાય.
લોગઆઉટ
રેઇનકોટ, છત્રીઓ, ગમ શૂઝ, વોટરપ્રૂફ હેટ્સ,
માનવીએ કેટલી ભીંતો ચણી વરસાદમાં! - આદિલ મન્સૂરી









