Ravi Purti

મન ભરીને જીવાય...

By GS Team
8 Aug 20266 mins read
મન ભરીને જીવાય...
  • ઝાકળઝંઝા-રવિ ઈલા ભટ્ટ
  • 'આ વિશે કાલે વાત કરીશું. આજે મારે વહેલા ઘરે જવાનું છે. એક અધિકારી મળવા આવવાના છે. થેલો ખોલીને જોયો હવે ખાલી કરીને આપ એટલે હું જાઉં.'

'પ પ્પા મને લાગે છે કે, હવે મારાથી સારંગ સાથે વધારે રહેવાય તેમ નથી. મને તેના પરિવાર સાથે કંઈ સેટ થતું નથી. તેમને મારી દરેક બાબતમાં ઈન્ટરફિયર કરવા જોઈએ છે. આવી જ પરિસ્થિતિ રહી તો મારે છુટા થવા વિશે વિચાર કરવો પડશે. તમે એક વખત મુકેશકાકાને વાત કરી રાખજો, આપણે વકીલ તો કરવો જ પડશે.'
ત્રિવેદી સાહેબના મગજમાં આ વાત ઘુમરાયા કરતી હતી. છેલ્લાં બે દિવસથી તેઓ આ વાતના ભાર સાથે પરિમલ ગાર્ડનમાં આવતા હતા પણ ભાર એટલો વધી ગયો હતો કે ચાલી શકતા નહોતા. બગીચામાં એક ખૂણામાં સિનિયર સિટીઝનના ટોળા પાસે બાંકડે બેસી રહેતા હતા. તેમની સ્થિતિ એવી હતી કે, કોઈને કહી શકતા નહોતા કે રહી પણ શકતા નહોતા. તેઓ ઘરે પત્નીને પણ આ વાત કરીને તેઓ તેને દુ:ખી કરવા માગતા નહોતા. રાજ્ય સરકારની અનેક મોટી મુશ્કેલીઓ અને યોજનાઓને સરળતાથી પાર પાડનારા ત્રિવેદી સાહેબ આજે દીકરી ખ્યાતીના જીવનની મુશ્કેલીના વમળમાં ફસાયેલા હતા.
ત્રિવેદી સાહેબ રાજ્ય સરકારમાં વિશેષ અધિકારી તરીકે રહીને એક્સ્ટેન્શન મેળવીને થાક્યા હતા. તેમણે આખરે નિવૃત્તિ સ્વીકારી લીધી હતી. અમદાવાદમાં સ્થાયી થવાનું નક્કી પણ કરી લીધું હતું. પહેલા ઈચ્છા હતી કે, દીકરા પાસે અમેરિકા જતા રહેવું છતાં અમદાવાદમાં મકાન રાખ્યું જેથી દીકરી અને તેના પરિવાર સાથે જોડાણ બની રહે.
પરિમલ ગાર્ડન પાસે જ મકાન લીધું હતું જેથી દરરોજ સવારે અને સાંજે બગીચામાં ફરવા જવાનો આનંદ મળે અને સાથે સાથે ખ્યાતીને પણ દરરોજ મળવાનું થાય. ખ્યાતી પણ નજીકમાં જ રહેતી હતી અને તે દરરોજ સવારે પિતાને મળવાના નામે બગીચામાં આવતી અને ચાલતી પણ ખરી. બંનેને ચાલવાનો અને એકબીજા સાથે સમય પસાર કરવાનો ફાયદો થતો હતો. તેઓ આજે પણ બે દિવસ પહેલાની વાતનો ભાર લઈને જ બેઠા હતા. તેઓ હકીકતે તો ગત અઠવાડિયાનો આખો ઘટનાક્રમ યાદ કરતા હતા.
'પપ્પા, આજે તો મારે સવારના પહોરમાં બોલવાનું થઈ ગયું. હું બગીચામાં આવવા નીકળતી હતી અને મારા સાસુએ પરાણે મને ચા પીવડાવી દીધી બોલો. સવાર સવારમાં ક્યાં કકળાટ કરવો એટલે મેં ચુપચાપ ચા પી લીધી અને અહીંયા આવી ગઈ.'
'મારા સસરા પણ ખરા છે યાર, ગઈ કાલે હું અહીંયાથી ઘરે ગઈ ત્યારે મારી રાહ જોઈને બેઠા હતા. તેમણે કહ્યું કે, આપણે સાથે નાસ્તો કરીએ. હું તો બહાર નાસ્તો કરીને ગઈ હતી. મારે પરાણે તેમની સાથે નાસ્તો કરવો પડયો.'
'સ્નેહા બેનની તો વાત જ ન કરશો. દર વિકેન્ડમાં તેમને મારા ઘરે આવવા જોઈએ. એકાદો થેલો ઉપાડીને આવી જશે. સાંજ સુધી રહેશે, કંઈક આપશે, કંઈક લેતા જશે અને બસ દર વીકેન્ડ આવી રીતે જ જાય છે. ગયા રવિવારે મારા માટે બે ડ્રેસ લઈને આવ્યા. મને ડ્રેસ ઓછા ગમે છે છતાં પરાણે બે આપતા ગયા. આવી પરાણે પ્રિત થોડી હોય.'
'પપ્પા, આજે તો ગજબ જ થઈ ગયો. સારંગનો ગુલાબી શર્ટ મેં ઈસ્ત્રી કરવા મુક્યો હતો અને મારા સાસુએ ધોવા નાખી દીધો. સારંગ સવારમાં ઈસ્ત્રી કરવા માટે શર્ટ શોધતો હતો અને ન મળ્યો પછી મારી નજર વોશિંગ મશિનમાં ગઈ તો મને સમજાયું કે આ મારા સાસુના જ પરાક્રમ છે. મારે તેમને કહેવું પડયું કે, અમારા કપડાં અડતા પહેલાં એક વખત અમને પૂછી લેવાનું.'
'આ વખતે બોલવાનું થોડું વધારે થઈ ગયું હતું. તેમને મને સામે જવાબ આપ્યો એટલે મારો પિત્તો ગયો અને પછી તો હું ઝઘડી પડી. એ બધાની ખોટી આદતો ગણાવી દીધી અને સ્નેહાની દર અઠવાડિયે મોં ઉઠાવીને ચાલ્યા આવવાની વાત પણ કહી જ નાખી. બધાની બોલતી જ બંધ થઈ ગઈ. આ સારંગનું ઘરમાં કંઈ ચાલતું નથી. મને લાગે છે કે, મારે શાંતિથી જીવવું હશે તો ક્યાં સારંગને છોડવો પડશે અથવા તો સારંગને લઈને આ ઘર છોડવું પડશે. આપણા ગાંધીનગરના ઘરે શિફ્ટ થવાનું વિચારું છું. તેને કંપની નજીક અને મને માનસિક શાંતિ.'
ત્રિવેદી સાહેબ આ છેલ્લાં અઠવાડિયાની વાતોથી એક બાબત પામી ગયા હતા કે, તેમની દીકરીને સારું કશું જ ખપતું નથી. સામાન્ય રીતે સાસરીયા સાચવતા ન હોય તેની પળોજણ હોય પણ આ છોકરીને તો ઓવર પ્રોટેક્શન અને કેર મળે છે તેની પડી નથી. ઘરના માણસો હાથમાં ને હાથમાં રાખે છે છતાં આ છોકરી તેમની સાથે ઝઘડા કરે છે અને એક દીકરાને તેના પરિવારથી છુટો કરવા મથી રહી છે. આ વિચારો ચાલતા હતા ત્યાં જ તેમનો ફોન રણક્યો. ખિસ્સામાંથી કાઢીને જોયું તો ખ્યાતી જ હતી.
'પપ્પા હું રાત્રે અમદાવાદ આવી જવાની છું. આપણે કાલે મળીએ છીએ. મારી પાસે આ સમસ્યામાંથી છુટવાનો એક સરસ રસ્તો છે. સાપ ભી મરેગા ઔર લાઠી ભી નહીં તુટેગી.' - ખ્યાતીએ સામેના છેડે કહ્યું અને એકાએક ત્રિવેદી સાહેબની આંખોમાં ચમક આવી ગઈ.
બીજા દિવસે સવારે ત્રિવેદી સાહેબ એક થેલો લઈને આવ્યા હતા. ખ્યાતી બગીચામાં આવી તો તેમને એ થેલા સાથે જોઈને નવાઈ લાગી.
'પપ્પા આ શું લઈને આવ્યા છો?' - ખ્યાતીએ સહજતાથી કહ્યું.
'આમાં થોડી મહત્ત્વની વસ્તુઓ છે. આપણે સાથે રાખવી પડશે. આપણે ચાલીએ ત્યારે તું ઉચકી લેજે.' - ત્રિવેદી સાહેબ બોલ્યા અને ખ્યાતીએ તરત જ થેલો ઉચક્યો. તેને થેલો થોડો ભારે જણાયો પણ તેણે કંઈ કહ્યું નહીં. બંને હજી તો બગીચાનો એક રાઉન્ડ પૂરો પણ નહોતો કરી શક્યા ત્યાં ખ્યાતી એક બાંકડે બેસી ગઈ.
'પપ્પા, આ થેલો સખત ભારે છે. મારાથી આગળ નહીં જવાય. હું અહીંયા જ બેસું છું. તમારે જવું હોય તો જાઓ. આમાં શું ભરી લાવ્યા છો?' - ખ્યાતીએ હાંફતા હાંફતા કહ્યું.
'સારું. તું આરામ કર હું બીજો એક રાઉન્ડ મારીને અહીંયા જ આવું છું. તું બસ આ થેલો સાચવજે.' - ત્રિવેદી સાહેબ એટલું કહીને, મલકાઈને આગળ ચાલી નીકળ્યા.
લગભગ વીસેક મિનિટ પછી તેઓ ખ્યાતી પાસે આવ્યા ત્યારે ખ્યાતી અચરજથી તેમની સામે જોતી હતી.
'પપ્પા આ બધું શું છે? તમે આમાં પથ્થર ભર્યા હતા. તમે મારી સાથે મજાક કરતા હતા.' - ખ્યાતીએ કહ્યું.
'આ વિશે કાલે વાત કરીશું. ચાલે આજે મારે વહેલા ઘરે જવાનું છે. એક અધિકારી મળવા આવવાના છે. થેલો ખોલીને જોયો હવે ખાલી કરીને આપ એટલે હું જાઉં.' - ત્રિવેદી સાહેબ એટલું કહીને હસી પડયા.
બીજા દિવસ ત્રિવેદી સાહેબ ફરી એક થેલો લઈને સજ્જ હતા. ખ્યાતી આવી તો તેમણે થેલો પકડાવી દીધો. આ થેલો ખાલી જણાતો હતો. ખ્યાતીએ આ થેલો પકડીને ત્રિવેદી સાહેબની સાથે નિયમિત રીતે થતા હોય તેવા ત્રણ ચક્કર માર્યા. તેઓ બાંકડે બેઠા ત્યારે ખ્યાતીએ થેલો ખોલ્યો તો તેની અંદર થોડું રૂ ભરેલું હતું અને તેના ઉપર અત્તર છાંટેલું હતું જેની સરસ સુવાસ આવતી હતી. ખ્યાતીએ આશ્ચર્યથી પપ્પા સામે જોયું.
'બેટા, આ પથ્થરો છે ને, મનનો ઊભો કરેલો ભાર છે જે જીવનને સ્લો કરી નાખે છે. તારા મનમાં જ્યાં સુધી નકારાત્મકતા ભરેલી હશે ત્યાં સુધી તું સારંગના પરિવાર સાથે જોડાઈ શકીશ જ નહીં. તારે એક પુત્રવધૂ તરીકે જે પરિવારનું ધ્યાન રાખવાનું છે, ત્યાં કામ કરવાનું છે તે બધું જ સારંગનો પરિવાર કરી લે છે. તેને કોઈ તકલીફ પડવા દેતું નથી. તારી કેટલી કાળજી કરે છે છતાં તને તેમનો પ્રેમ અને ચિંતા ભાર આપે છે. તેનો અર્થ એ છે કે, તારું મન પથ્થર જેવું છે. તારે ખરેખર કોઈ નિર્ણય કરવો હોય તો આ રૂ જેવી બની જાય. તેમણે અત્તરને પોતાનામાં સમાવી લીધું. પોતાનો ભાર વધાર્યો નહીં પણ સુવાસ ચારેકોર ફેલાવી દીધી. જ્યાં સુધી મનમાં ભરીને જીવીશ ત્યાં સુધી જીવનનો આનંદ નહીં માણી શકે. જિંદગી ભારરૂપ લાગશે. જે દિવસે મનભરીને જિંદગી માણીશ તે દિવસે હળવી ફુલ થઈ જઈશ. સંબંધોની સાચી સુવાસ તને ત્યારે આનુભવાશે.' - ત્રિવેદી સાહેબે કહ્યું અને ખ્યાતી આશ્ચર્યચકિત ચહેરે તેમને જોતી રહી.