સારું છે અશાંતિ અને અજંપો કેમેરામાં ઝીલાતો નથી

- જીવનના મંચ પર પાત્ર ભજવવાને બદલે જાણે આખો સમય પ્રેક્ષકોને પ્રભાવિત કરવામાં જ વીતે છે
- હોરાઈઝન-ભવેન કચ્છી
- આપણે ભલે બડી બડી વાતો કરીએ પણ દુનિયા બધુ જાણતી જ હોય છે કે કોણ કેટલામાં છે
- કેમેરો ક્ષણને સાચવવા માટે છે, ક્ષણનો સ્વામી બનવા માટે નહીં. મોબાઇલ આપણા જીવનનો સહાયક હોવો જોઈએ, આપણા જીવનનો દિગ્દર્શક નહીં
'આ પણે જીવન જીવીએ છીએ કે જીવનની તસવીરો દુનિયાને બતાવવા માટે જીવીએ છીએ?'
આ બધાની વચ્ચે એક મહત્ત્વનો બીજો પ્રશ્ન પણ છે.શું ખરેખર સમાજને છેતરવામાં આપણે સફળ થઈએ છીએ? કદાચ થોડા સમય માટે કોઈને આપણી જિંદગી અદ્ભૂત લાગે. પરંતુ નજીકના લોકો આપણા વાસ્તવિક જીવનથી અજાણ હોતા નથી. ઘરમાં કેવો સંવાદ છે, સંબંધોમાં કેટલી હૂંફ છે, મુશ્કેલીના સમયે કોણ કોની પડખે ઊભું રહે છે અને અંગત જીવનમાં કેટલી શાંતિ છે. કોણ કેટલું સંસ્કારી છે તે જેમની સમક્ષ આપણે ભ્રામક પોસ્ટ અને તસવીરો મૂકીએ છીએ તેઓ વાસ્તવિકતા જાણતા જ હોય છે. પાણી તેની સપાટી શોધી લે તેમ અમુક સમયગાળા પછી આપણી જુઠ્ઠી અને ભ્રામક દુનિયા વિશે આપણે બડી બડી બડાશ મારીએ તો પણ બધા મનોમન આપણા દંભને જોઈને સ્મિત કરી લેતા હોય છે. ભાષા શૈલી અને તસવીરોથી જાણીતા તો શું અજાણ્યાની પણ રોજેરોજ઼ની પોસ્ટ જોઈને કુંડળી નિકાળી શકાતી હોય છે. આપણે ક્યારેક એવા લોકોને પ્રભાવિત કરવા માટે જીવનનો મોટો હિસ્સો ખર્ચી નાખીએ છીએ, જેમના અભિપ્રાયથી આપણા જીવનમાં ખાસ કોઈ ફેર પડવાનો નથી.
ચહેરો બદલાયો
પોતાનો ચહેરો આયનામાં જોવાને બદલે આપણે એ ચહેરો બીજાને કેવો દેખાશે તેની ચિંતા કરીએ છીએ. હવે આનંદ અનુભવવાની પહેલાં તેને પ્રદર્શિત કરવાની ઉતાવળ છે, પ્રસંગ માણતાં પહેલાં તેની પોસ્ટની ચિંતા છે અને યાદો હૃદયમાં ઉતરે એ પહેલાં મોબાઇલની ગેલેરીમાં ઉતરી જાય છે. જાણે કોઈ ક્ષણ ખરેખર બની જ નથી, જ્યાં સુધી દુનિયાને તેની જાણ ન થાય!
થવું અને દેખાવું
સુખી થવું અને સુખી દેખાવુ - આ બંને વચ્ચેનો તફાવત સમજવા જેવો છે. સુખી થવું એ મનની અવસ્થા છે, જ્યારે સુખી દેખાવું એ ઘણી વાર સમાજની અપેક્ષાઓને સંતોષવાની કવાયત બની જાય છે. એકમાં મનની શાંતિ મહત્ત્વની છે, બીજામાં બીજાની નજરમાં આપણું સ્થાન. એકમાં પોતાની જાત સાથેનો સંતોષ છે, બીજામાં બીજાની સરખામણીમાં પોતે ક્યાં ઊભા છીએ તેની ગણતરી.
નાની રોજિંદી ખુશી
ખરેખર તો સુખની એક મજાની વાત છે તે સમજ આપણે ગુમાવતા જઈએ છીએ. કઈંક મોટી કે 'લાર્જર ધેન લાઈફ' ઘટના કે પ્રસંગ બને તો જ આપણે સુખ અનુભવીએ છીએ પણ સુખનો એહસાસ હંમેશાં મોટી સિદ્ધિઓની રાહ જોતું નથી. ઘણી વાર સુખ સવારની ચાના કપમાં હોય છે, કામ પરથી પાછા ફરતાં કોઈ પ્રિય વ્યક્તિના સ્મિતમાં હોય છે, જૂના મિત્ર સાથેની નિરાંતે થયેલી વાતચીતમાં હોય છે, વરસાદની સુગંધમાં હોય છે કે ગરમીમાં અનુભવાતી શીતળ લહરમાં હોય છે. રવિવારે કોઈ ખાસ આયોજન વિના પરિવાર સાથે વિતાવેલી બપોરમાં હોય છે. આ ક્ષણો મેળવવા માટે મોટા પગારની, મોંઘી ગાડીની કે સમાજમાં ઊંચા સ્થાનની જરૂર નથી. જરૂર છે તો માત્ર એટલી કે આપણે એ ક્ષણોમાં હાજર હોઈએ. શરીર એક જગ્યાએ હોય અને મન આવતીકાલની ચિંતામાં દોડતું હોય, તો સુખ બાજુમાં બેઠું હોવા છતાં તેનો અનુભવ
થતો નથી.
માપદંડ જ જુદો
સુખ માટેની આપણી કલ્પના પણ ઘણી વાર બીજાઓએ નક્કી કરેલા માપદંડોથી ઘડાય છે. સમાજમાં જે વ્યક્તિને સફળ ગણવામાં આવે છે, તેના જેવી જિંદગી મેળવવી છે. જે સુવિધાઓને પ્રતિષ્ઠાનું પ્રતીક માનવામાં આવે છે, તે મેળવવી છે. જે સ્થાનને માન-મોભાનું માપ ગણવામાં આવે છે, ત્યાં પહોંચવું છે. પરિણામે આપણે પોતાની જરૂરિયાતો કરતાં સમાજની અપેક્ષાઓ પ્રમાણે જીવવા લાગીએ છીએ. કોઈને ખરેખર સાદું જીવન ગમતું હોય, છતાં તે સાદગીમાં જીવતાં સંકોચ અનુભવે છે, કારણ કે બીજાઓ તેને ઓછું સફળ ન માની બેસે! કોઈને પોતાના વ્યવસાયમાં પૂરતો સંતોષ હોય, છતાં આસપાસના લોકો વધુ કમાતા હોય તો તેને પોતાની પ્રગતિ અધૂરી લાગવા માંડે છે. આ રીતે માણસ પોતાની પસંદગીનું જીવન જીવવાને બદલે બીજાઓને સ્વીકાર્ય લાગે એવું જીવન જીવવા લાગે છે.
સુખનું આયોજન
જીવનનો એક મોટો વિરોધાભાસ એ છે કે આપણે ઘણી વાર સુખને ભવિષ્યમાં ધકેલી દઈએ છીએ. આ કામ પૂરું થાય પછી નિરાંતે જીવીશું, આ જવાબદારી પૂરી થાય પછી પરિવાર સાથે સમય વિતાવીશું, આટલી બચત થઈ જાય પછી મનગમતી વસ્તુ કરીશું, નિવૃત્ત થઈશું પછી જીવન માણીશું. પરંતુ એક જવાબદારી પૂરી થાય ત્યાં સુધીમાં બીજી આવી જાય છે. જીવનમાં મુશ્કેલીઓ અને જવાબદારીઓનો અંત આવતો નથી; તેમની વચ્ચે આનંદ શોધવાની કળા શીખવી પડે છે. નિવૃત્તિ પછી માણવા માટે બચાવેલું જીવન ક્યારેક એટલી બધી શારીરિક મર્યાદાઓ લઈને આવે છે કે જે કરવાનું વિચાર્યું હતું તે શક્ય રહેતું નથી. તેથી જીવનને માણવા માટે કોઈ સંપૂર્ણ અનુકૂળ સમય આવશે તેની રાહ જોવી એ પણ એક પ્રકારની ભૂલ છે.વળી એક ક્ષણ પછી પણ શું થવાનું છે તેની આપણને ખબર નથી હોતી તેથી બહુ બધુ પાછલી અવસ્થા માટે ઠેલવવું પણ ન જોઈએ.
સુખી દેખાવાની ઇચ્છા માણસને પોતાની નબળાઈઓ છુપાવવા પણ પ્રેરે છે. દરેક વ્યક્તિના જીવનમાં મુશ્કેલીઓ હોય છે, સંબંધોમાં મતભેદ હોય છે, નિષ્ફળતાઓ હોય છે અને ક્યારેક એકલતાની લાગણી પણ હોય છે. પરંતુ આપણે ઘણી વાર એવી છાપ ઊભી કરવા માગીએ છીએ કે આપણું જીવન હંમેશાં વ્યવસ્થિત અને સફળ છે. પરિણામે પોતાની મૂંઝવણ સ્વીકારવામાં પણ સંકોચ અનુભવીએ છીએ. જાણે દુ:ખી થવું એ નબળાઈ હોય અને મદદ માગવી એ પરાજય! હકીકતમાં પોતાની મુશ્કેલી સ્વીકારી શકવી, જરૂર પડે ત્યારે કોઈની સાથે વાત કરી શકવી અને જીવનના અપૂર્ણ પાસાંઓ સાથે સહજતાથી જીવવું એ પણ આંતરિક મજબૂતીનાં લક્ષણો છે. સુખી હોવાનો દાવો કરવો સહેલો છે; પોતાની જાત સાથે પ્રામાણિક રહેવું વધારે અઘરું છે.
સંબંધનું ગણિત
આખરે સુખનો સંબંધ માત્ર આપણે શું મેળવ્યું તેની સાથે નથી, પરંતુ જે મેળવ્યું છે તેની સાથે આપણો સંબંધ કેવો છે તેની સાથે પણ છે. એક જ સુવિધા કોઈને સંતોષ આપી શકે છે અને કોઈ બીજાને વધુની ઇચ્છામાં ધકેલી શકે છે. એક જ ઘર કોઈ માટે પ્રેમ અને હૂંફનું સ્થાન બની શકે છે, જ્યારે બીજા માટે પ્રતિષ્ઠા જાળવવાની જવાબદારી. એક જ નોકરી કોઈને અર્થપૂર્ણ જીવન આપી શકે છે, જ્યારે બીજા માટે સતત અસંતોષનું કારણ બની શકે છે. બહારની પરિસ્થિતિ મહત્ત્વની છે, પરંતુ તેની સાથે આપણી માનસિકતા, અપેક્ષાઓ અને પ્રાથમિકતાઓ પણ એટલી જ મહત્ત્વની છે.
જીવનનો હેતુ એ નથી કે દુનિયા આપણને સુખી માનેત જીવનનો સાચો આનંદ તો એ છે કે એક દિવસ આપણે પોતે, કોઈના પ્રમાણપત્ર વિના, મનથી કહી શકીએ 'હા, હું જે જીવું છું તેમાં મને આનંદ મળે છે.'
સેન્સર જગત
જીવનનો હિસાબ સોશિયલ મીડિયાના આંકડાથી થવાનો નથી. વર્ષો પછી આપણને એ યાદ નહીં રહે કે કોઈ પોસ્ટ પર કેટલા લાઇક્સ મળ્યા હતા, પરંતુ એ જરૂર યાદ રહેશે કે કોઈ મુશ્કેલ સમયે મિત્રએ હાથ પકડયો હતો, પરિવાર સાથે હસતાં હસતાં આંખમાં પાણી આવી ગયું હતું કે કોઈ પ્રવાસમાં અજાણી જગ્યાએ મળેલા માણસે નિ:સ્વાર્થ મદદ કરી હતી. આ જ અનુભવો જીવનને અર્થ આપે છે.
સાધન જ્યારે સાધ્ય બની જાય, ત્યારે મુશ્કેલી ઊભી થાય છે. કેમેરો ક્ષણને સાચવવા માટે છે, ક્ષણનો સ્વામી બનવા માટે નહીં. મોબાઇલ આપણા જીવનનો સહાયક હોવો જોઈએ, આપણા જીવનનો દિગ્દર્શક નહીં.
યાદ રહે કેમેરાની તસ્વીર મનની સ્થિતિને સેન્સર કરી દેતી હોય છે
જ્ઞાન પોસ્ટ
આપણે દર્શકમાંથી કેમેરામેન, સહભાગીમાંથી પ્રસારક અને નિજાનંદ માણનારામાંથી પોતાની જ જિંદગીના પ્રચારક બની ગયા છીએ. જીવનના મંચ પર પાત્ર ભજવવાને બદલે જાણે આખો સમય પ્રેક્ષકોને પ્રભાવિત કરવામાં જ વીતે છે.




