Ravi Purti

સહજ મળે તે સાચું

By GS Team
27 Jun 20264 mins read
સહજ મળે તે સાચું
  • અંતરનેટની કવિતા-અનિલ ચાવડા
    લોગઈન :
    સહજ મળે તે સાચું.
    કરી ઉધામા કૈંક પામીએ એ સઘળુંયે કાચું.
    વરસે વ્હાલો ધોધમાર, છલકે જીવતરની ઝોળી.
    મહેકી ઊઠે એમ પછી તો રુદિયાની રંગોળી.
    આપે અપરંપાર પછી હું નાહક શાને યાચું?
    સહજ મળે તે સાચું.
    પંથ ઉપર પાડેલું પગલું ઊડી આભમાં પૂગે.
    સમય સાચવી સૂખનો સૂરજ આપોઆપ જ ઊગે.
    ભાર બધો ભૂલીને હું તો રામનામમાં રાચું.
    સહજ મળે તે સાચું.
  • નીતિન વડગામા
    કવિતા આપણને એવાં નક્કર સત્યો સુધી લઈ જાય છે, જ્યાં તર્કની સીડી નકામી થઈ જાય છે. કવિ નીતિન વડગામાએ સહજતાના સત્યને ઉજાગર કર્યું છે. આખું જીવન માણસ કંઈક મેળવવા માટે દોડધામ કરે છે, હિસાબો માંડે છે, પ્લાન બનાવે છે, રઘવાયો થાય છેત પણ અંતે ખબર પડે છે કે જેની માટે લોહીઉકાળા કર્યા તેનું એટલું મહત્ત્વ હતું જ નહીં. સૌથી કિંમતી હતું તે તો સહજ રીતે, પ્રયત્ન વગર, કોઈ દાવપેચ વગર પાસે આવ્યું હતું. આ સહજતા એ જ સત્ય, બીજાં વલખા!
    દરેક માણસ ક્યાંક પહોંચવા માંગે છે. કોઈ નામ કમાવા માંગે છે, કોઈ સંપત્તિ, કોઈ પ્રતિષ્ઠા, કોઈ પ્રેમ. પરંતુ આ દોડમાં એ ભૂલી જઈએ છીએ કે દરેક પ્રાપ્તિનો અર્થ આનંદ નથી હોતો. ઘણી વસ્તુઓ હાથમાં આવે છે, હૃદયમાં નથી આવતી. કાચના ટુકડાઓ સૂર્યપ્રકાશમાં હીરા જેમ ચમકે તો તે હીરા નથી બની જતા. ઘણી સિદ્ધિઓ બહારથી ભવ્ય દેખાતી હોય, પરંતુ અંદરથી ખાલીખમ હોય છે. કવિએ એટલે જ કહ્યુંં છે કે ઉધામા કરીને મેળવેલી વસ્તુ કાચી હોય છે, સાચી નહીં.
    જીવનની સૌથી મૂલ્યવાન વસ્તુઓ કોણ ખરીદી શકે? માતાના હાથનો સ્પર્શ, મિત્રની નિષ્ઠા, બાળકનું નિર્દોષ હાસ્ય, પ્રથમ વરસાદની સુગંધ, પ્રિયજનની આંખોમાં દેખાતો વિશ્વાસ, સાંજના આકાશમાં ઊતરતો રંગ, કે પછી અચાનક અનુભવાતી શાંતિ… આમાંથી કઈ વસ્તુ બજારમાં મળે છે? કઈ વસ્તુ માટે ભાવતાલ થાય છે? આ બધું સહજ રીતે મળે છે. અને કદાચ એટલે જ તેમાં ભારોભાર સચ્ચાઈ છે.
    આપણને એવોભ્ર્રમ છે કે સુખ સર્જવું પડે. આપણે સુખને પ્રોજેક્ટની જેમ લઈએ છીએ. એટલે જ તો ચોગઠા ગોઠવીએ છીએ કે વધારે પૈસા મળે, મોટું ઘર મળી જાય, પ્રસિદ્ધિ મળી જાય, તો સુખ આપોઆપ મળી જશે. પરંતુ સુખ ઈમારત નથી કે ઈંટ પર ઈંટ ગોઠવીને ચણી શકાય. સુખ તો વરસાદ જેવું છે. જ્યારે અંદરની ધરતી તૈયાર થાય ત્યારે તે આપોઆપ વરસી પડે છે. કવિ જીવનને ઝોળી કહે છે. આપણે તેને ભરવા માટે સતત મથતા રહીએ છીએ, પણ જે ભરે છે તે તો કોઈ અદ્રશ્ય કૃપા છે, કોઈ અજાણ્યા આશીર્વાદ છે, કોઈ એવી વ્યવસ્થા છે જે આપણાથી અનન્ય મોટી છે. એ જ્યારે વરસે ત્યારે આપોઆપ જીવનની ઝોળી છલકી ઊઠે છે. જ્યારે કૃપા વરસે ત્યારે બહારની દુનિયા જ નહીં, અંદરથી પણ બધું બદલાઈ જાય છે.
    આધુનિક જીવનની કરુણતા એ છે કે આપણે સહજતાથી દૂર થઈ ગયા છીએ. આપણે બધું નિયંત્રિત કરવા માંગીએ છીએ. સંબંધો યોજના મુજબ ચાલે, સફળતા સમયપત્રક પ્રમાણે મળે, આનંદ આપણા તાબામાં રહે વગેરે. પરંતુ જીવનને આદેશો નથી ગમતા. જીવન તો નદી છે. તેને વહેવા દો તો સંગીત બને, રોકવા જાઓ તો પૂર બને. સહજતા એટલે જીવન સાથે યુદ્ધ નહીં, જીવન સાથે મિત્રતા.
    આપણું દુ:ખ આપણી ઉતાવળમાંથી જન્મે છે. બીજ વાવ્યું ને તરત ફળની આશા રાખીએ છીએ. પ્રકૃતિ ઉતાવળને ઓળખતી નથી. સૂર્ય પોતાના સમયે જ ઉગે છે. ફૂલ પોતાના સમયે જ ખીલે છે. ઋતુઓ પોતાના સમયે જ આવે છે. કવિ એટલે જ કહે છે, 'સમય સાચવી સુખનો સૂરજ આપોઆપ જ ઊગે.'
    અંતિમ પંક્તિમાં આવતું રામનામ માત્ર ધાર્મિક અર્થમાં નથી. તે એક આંતરિક સમર્પણનું પ્રતીક છે. જ્યારે માણસ સતત મેળવવાની ચિંતા છોડી દે, સતત સરખામણી છોડી દે, સતત સ્પર્ધા છોડી દે, ત્યારે તેની અંદર એક અજાણી હળવાશ જન્મે છે. પછી તે દરેક ક્ષણમાં આનંદ શોધી શકે છે. તેને નાનીનાની વાતોમાં પણ પરમાત્માનો સ્પર્શ અનુભવાય છે.
    જીવનનો સાર બહુ જ સરળ છે. જે સહજ છે તે ટકાઉ છે. જે સહજ છે તે ઊંડું છે. નદી સહજ છે, તેથી સમુદ્ર સુધી પહોંચે છે. ફૂલ સહજ છે, તેથી સુગંધ આપે છે. આકાશ સહજ છે, તેથી અનંત છે. અને મનુષ્ય પણ ત્યારે જ સુંદર બને છે જ્યારે તે પોતાની અંદરની સહજતા સાથે જોડાય.
    લોગઆઉટ:
    દુ:ખનો સહજ સ્વીકાર થવા દો પછી જુઓ,
    થોડો સમય પસાર થવા દો પછી જુઓ.
    ભીતર પડયું હશે તો કદાચિત પ્રગટ થશે,
    ક્યારેક અંધકાર થવા દો પછી જુઓ.
  • આર.બી. રાઠોડ