ઝહર હૈ કે પ્યાર હૈ તેરા ચુમ્મા? : વો સ્ત્રી હૈ, કુછ ભી કર સકતી હૈ!

- સ્પેક્ટ્રોમીટર-જય વસાવડા
- મર્યાદા, મહોબ્બત, મેરેજ, મર્ડર આ બધું આજકાલનું નથી. દુનિયાની જૂની 'એડલ્ટ' સ્ટોરીઓ વાંચો તો ખબર પડે કે આ ભમ્મરિયા બ્લેક હોલમાં કૈંક પ્રકાશ ગરકાવ થયેલા છે !
પ્રા ચીન સંસ્કૃત ગ્રંથ 'કથાસરિતસાગર' સાથે અનુવાદોમાં પંચતંત્ર જેવો પ્રપંચ થયો છે. પાછલી સદીઓમાં ભારતની અસલી ઓળખ ગુમાવીને મર્યાદાના પ્યાદા બની ગયેલા વિદ્વાનોએ લાજ કાઢીને એના વર્ણનો અને કહાનીઓ એડિટ કરી નાખ્યા છે. હમણાં એનસીઇઆરટીમાં પેલી સિંધુ ખીણની મોહેં જો દરોની ત્રિભંગી પ્રતિમાની નગ્નતા જોઈ ભડકીને એને વસ્ત્રોની માફક કાળાશ પહેરાવવામાં આવી એમ જ મહાભારત રામાયણ સહિત આપણા સંસ્કૃત ગ્રંથોના બધા મસાલાને ધોઈને ફિક્કાં વર્ઝન્સ પીરસવામાં આવ્યા છે. પણ મૂળભૂત રીતે આપણા પૂર્વજોએ કેવળ ધર્મ ધર્મ મોક્ષ મોક્ષ રમવાને બદલે માનવસ્વભાવના અંતરંગ રંગો ઝીલ્યા હતા. એટલે એમાં નવરસ સાથે આકર્ષણ, વ્યભિચાર, સેક્સ, છળકપટ જેવા વિષયો કોઈ છોછ વિના વણી લેવાતા. સાહિત્ય ત્યારે પ્રેક્ટિકલ બોધનું સમાંતર શિક્ષણ હતું. ચોસઠ કળાઓમાં પણ આવી વિદ્યાઓ વિશેનું જ્ઞાન હતું.
તો મૂળ પાઠમાં તો આજની ભાષામાં અશ્લીલતાના નામે હોહાગોકીરો થઇ જાય એવી એક વાર્તા મૂળ શિવે પાર્વતીના મનોરંજન માટે કહેલી વાર્તાઓમાંથી થોડી બચેલી વાર્તાઓનું સંકલન ગણાય છે, એવા ગ્રંંથ 'કથાસરિતસાગર'ની સમાચારો જોતા જોતા યાદ આવી ગઈ. ડાર્ક એડલ્ટ હ્યુમર સાથે જાહેરમાં ચર્ચાતો નથી એવો એનો સાર તો સૃષ્ટિનું સમજવા જેવું પરમ વૈજ્ઞાનિક સત્ય છે, એટલે સંસ્કૃત સાહિત્યને સલામી સાથે એક કથા બને એટલી સભ્ય ભાષામાં ગાળીચાળીને
પ્રસ્તુત છે :
'સખીસ્પર્શસુખવિભોર ! કેવો મનોહર શબ્દ ! મૂળ તો આકાશમાં ઉડતી જતી માયાસુરની મોહિની જેવી સુંદર દીકરી સોમપ્રભા નીચે મહેલની અટારીમાં ઉભેલી રતિરૂપિણી રાજકુમારી કલિંગવાટીને જોઇને પહેલી નજરના પ્રેમની જેમ પહેલી નજરનું સખ્ય અનુભવે છે. બેઉ ગાઢ સખીઓ બની જાય છે. ક્લોઝ ફ્રેન્ડશિપનું એક લક્ષણ છે, એકબીજા સાથે સિક્રેટ્સનું શેરિંગ અને અન્યને ના કહી શકાય એવી રંગીન વાતો કે જોક કે કોમેન્ટ કે ગોસિપ કહેવાનો ભરોસો. એમાં બેઉ બહેનપણીઓ કામવાસના કેન્દ્રમાં હોય એવી વાર્તાઓ એકમેકને કહે છે. એક વૈશ્યપુત્ર અને રાજકુમારની કથા સોમપ્રભા કહે છે, પછી સખીને બે હાથ પકડીને એની વાર્તા કહેવાનો અનુરોધ કરે છે ત્યારે આ શબ્દ આવે છે ! અને શરમાતી કલિંગવતી એક બ્રાહ્મણ ( મૂળ પાઠમાં નામો ખાસ પાત્રોના આપવામાં નથી આવ્યા, પણ આપણે જ્ઞાતિને બદલે કર્મથી ઓળખ આગળ કરીશું) અને પિશાચની કથા માંડે છે.
તો એક કઠિયારો જંગલમાં લાકડા કાપવા જતો હતો, ત્યારે એની જાંઘમાં લાકડું ઘુસી ગયું અને જોરદાર જખમ થતાં એનો સાથળ ચીરાઈ ગયો. ઘેર પત્નીએ બહુ પ્રયાસો કર્યા પણ એ ઘા ભરાયો નહિ. ગામના વૈદે એમાં આજની ભાષામાં સેપ્ટિક થઇ જશે એવી આગાહી કરી હાથ ઊંચા કર્યા. કાપો કોઈ રીતે રુઝાતો નહોતો ને એમાં વધુ ચલાતું ના હોઈને કઠિયારાની આજીવિકા પણ બંધ થઇ ગયેલી. એક મિત્રની સલાહ મળી કે મધરાતના કોઈને કહ્યા વગર ગુપ્ત રીતે અંધકારમાં ડાર્ક સાઈડ યાને મેલી વિદ્યાની પૈશાચિક વિધિ કરવાથી એક પિશાચ પ્રગટ થશે અને એ ચમત્કારિક રીતે જખમ રૂઝાવી દેશે. કઠિયારાએ એનો અમલ કર્યો ને સાચે જ એક બિહામણો કદાવર પિશાચ પ્રગટ થયો. એણે કઠિયારાનો ઘા કોઈ વનસ્પતિના લેપથી ગાયબ તો પળવારમાં કરી દીધો. પણ પછી કહ્યું કે મારી તો આ જ પ્રવૃત્તિ છે, ને તે મારું આહ્વાન કર્યું હોવાથી હવે હું રોજ તારી પાસે આવીશ, નવો ઘા કરીશ અને પછી એને રૂઝવી દઈશ ! કઠિયારાએ પોતાની મુર્ખાઈને દોષ દીધો કે સાત્વિક સાધના મુકીને ક્યાં આ પિશાચના જંતરમંતરમાં પડયો કે જેનો અંત ક્યારેય સારો હોય જ નહિ.
પિશાચ રોજ આવીને કઠિયારાને દારુણ જખમ આપે ને પછી એ મટાડે. કઠિયારાની વેદના ઘરમાં બધાને ખબર પડતા એણે આ રહસ્ય ખુલ્લું કર્યું. દર્દના આ સીલસીલાથી પોતે મરી જશે એ બીક પ્રગટ કરી. પત્ની વિલાપ કરવા લાગી. પણ એની એક યુવાન વિધવા દીકરી બહુ ચતુર હતી. નાની વયમાં જ પતિવિયોગને લીધે એ માતાપિતા પાસે રહેતી હતી. એણે કહ્યું કે 'પિતાજી તમે ચિંતા ના કરો. પિશાચને એકાંતમાં મારી પાસે મોકલો. હું તમને એનાથી છુટકારો અપાવી દઈશ.' લાચાર કઠિયારા પાસે આમ પણ બીજો વિકલ્પ નહોતો.
બીજી રાત્રે પિશાચ પ્રગટ થયો અને એકાંતમાં સુતેલી યુવતી પાસે એને મોકલવામાં આવ્યો. એ ગરજ્યો કે હું જખમ ભરવાની નિયતિ માટે જ ભટકી રહ્યો છું ને મને ભરવા માટે કોઈ કાપો ચીરો, ઘા આપવામાં ના આવે તો હું પેદા કરીંને પણ એ રુઝાવીશ. હસીને ચાલાક કન્યાએ પોતાનો નીવિબંધ છોડયો અને પિતાનો પ્રાણ બચાવવા પિશાચ સામે મર્યાદા બાજુએ રાખી કમર નીચેથી અનાવૃત થઇ અને પોતાનું ગુહ્યાંગ બતાવી કહ્યું કે આ ઘા રૂઝવવાનો છે. પિશાચે વનસ્પતિના લેપનું મર્દન ત્યાં શરુ કર્યું. પણ એ તો જન્મજાત અંગ હતું. કોઈ તીક્ષ્ણ વસ્તુથી દેહ પર થયેલો કાપો નહોતો ! કેવી રીતે એ કોઈ લેપથી ગાયબ થાય. હા, પિશાચના ત્યાં લેપ ઘસવાના પ્રયાસોથી એ યૌવનસભર કન્યા પ્રસન્ન હતી અને ખિલખિલાટ હસવા લાગી. માતાપિતાને પણ થયું કે ગંભીર સુપુત્રી આટલી આનંદમાં કેમ રહે છે. પિશાચે બહુ પ્રયાસો કર્યા, ફરી ફરી નવા નવા લેપ ઉડીને આવ્યો. ઘણી રાત સુધી મથ્યો. પણ જે માર્ગેથી જીવ જગતમાં આવે એ પ્રકૃતિનું દ્વાર કોઈ પિશાચ, કોઈ લેપ કેવી રીતે બંધ કરી શકે. ઉલટું ઘણી રાત્રિઓની મથામણ બાદ એનું ધ્યાન અન્ય ઉત્સર્ગદ્વાર પર જતા એ વધુ ગભરાયો કે એક ઘા ભરાતો નથી ત્યાં બીજું છિદ્ર થયું અને એ કાયમ માટે એ ગામની દિશા ભૂલીને પલાયન
થઇ ગયો !
આ કથા કહીને કલિંગવતી સોમપ્રભાને કહે છે કે એનો મધ્યવર્ર્તી વિચાર સમજાવવામાં મને લજ્જા આવે છે, અને સોમપ્રભાએ ખડખડાટ હસતા કહ્યું કે અમુક સાર પણ ગૂઢ અને ગુપ્ત રહેવા દેવામાં વધુ મજા છે. જે શબ્દોમાં સમજાવી શકાય નહિ !
મૂળ વર્ણન તો ખાસ્સું એડિટ કરીને રિટોલ્ડ કર્યું છે. પણ સાર તો જેને અક્કલ હશે એને સમજાઈ ગયો હશે. નારીને સ્ત્રીત્વ પ્રદાન કરતા અંગમાં મોટા મોટા રાજપાટ કે કાફલાઓ પણ ડૂબી જાય એવું ચિરંતન માયાવી આકર્ષણ છે, ત્યારે ભૂતપ્રેતની શું વિસાત. આમ તો નાર હોય કે નારી એ લાલસાનો જખમ કદી રુઝાતો નથી એટલે તો સંસારમાં જીવન આગળ ચાલ્યા કરે છે, ને એમાં જ અગણિત ગુનાઓ પણ માનવજાત પેદા થઇ ત્યારથી, સ્વયં ઈશ્વરની ચેતવણી છતાં આદમ અને ઈવના સ્નેક એન્ડ એપલ ટાઈમથી થયા જ કરે છે ! એવો એક સાર જુદી જ સંસ્કૃતિ અને ભાષાની સામાજિક બોધકથાઓના સંકલન તરીકે બહાર પડેલી 'અરેબિયન નાઈટ્સ'ની શરૂઆતમાં જ આવતી પ્રોલોગ જેવી વાર્તામાં પણ છે. અગેઇન, મૂળ પાઠ ખાસ્સો ગાળીચાળીને લખીએ તો..
પોતપોતાની બેગમોની રાજમહેલના નોકરો સાથેની બેવફાઈથી ત્રાસીને શહરયાર અને શાહઝમાન બેઉ સુલતાન ભાઈઓ ઘર છોડીને નીકળી જાય છે. હતાશ મન લઇ દરિયાકિનારે બેઠા હોય છે ત્યાં દરિયામાંથી એક દાનવ જીન્ન બહાર નીકળે છે. બેઉ ભાઈઓ ગભરાઈને નજીક રહેલા ઊંચા વૃક્ષ ( ખજૂરી કે નાળિયેરી ? ) પર સંતાઈ જાય છે. વિકરાળ જીન્ન પાસે જેમાં પરી જેવી એક અપૂર્વ સુંદરી કેદ છે ને એને સાંકળથી બાંધીને એની કમર પર તાળું લગાવેલું છે. એ સુપુષ્ટ દેહ ધરાવતી કામિનીનું ધ્યાન ઉપર બેઠેલા બે ભાઈઓ પર જાય છે. એ સુડોળ મુખાકૃતિવાળી રમણી એમને ઈશારો કરી નીચે બોલાવે છે. રાક્ષસી જીન્ન તો ભારે નસકોરાં બોલાવતો સુઈ ગયો છે. એ લાવણ્યમયી એમને બોલાવી જીન્નની કમરે લટકતી ચાવી લઇ પોતાની સાથે સમાગમ કરવા કહે છે. જો એવું ના કરે તો પોતે ચીસો પાડી જીન્નને જગાડી દેશે એવી ધમકી આપે છે. જીવ બચાવવા લાચાર ભાઈઓ ચાવી હળવેકથી સેરવી તાળું ખોલે છે. એ રૂપાંગના બેઉ ભાઈઓની મરજી ના હોવા છતાં એમને ભોગવે છે, અને સહશયનથી તૃપ્ત થઇને એમની બે વીંટીઓ માંગી લે છે.
પછી કહે છે કે 'આ કુરૂપ મોન્સ્ટર પોતાની તાકાતના જોરે મને હરી આવેલો છે. એ મારું બહુ ધ્યાન રાખે છે ને મને સુખી કરવાની કોશિશ કરે છે. પણ મને એ દીઠો ગમતો નથી. એટલે હું એને બહેલાવીને શરતો મુકું છું પણ એની સાથે હમબિસ્તર થતી નથી. હું ભાગી ના જાઉં એટલે એ મને બાંધી રાખે છે, હું જતી રહું તો મને શોધીને ખતમ કરી નાખે પણ એની હાજરીમાં જ એની નજર ચોરીને અત્યાર સુધીમાં તમારા બેઉ સહીત કુલ સો પુરુષો સાથે સંબંધ બાંધ્યા છે. ૯૮ વીંટીના ઝુડામાં હવે તમારી બે ઉમેરાશે. આ જ મારો એની સામે પ્રતિશોધ છે.'
બેઉ ભાઈઓ એમાં જ ફકીરી મૂકી, સ્ત્રીની પાછા ફરી એક પછી એક સ્ત્રી સાથે લગ્ન કરીને સુહાગરાત ઉજવી એની કતલ કરવાનું શરુ કરે છે. જેને એક સુંદરી શહજાદી જ પોતાની પ્રજ્ઞાથી વાર્તાઓ કહીને માનસપરિવર્તન કરાવીને રોકે છે. અને એકાંગી સિલેક્ટીવ થતા જતા બ્રેઈનને સત્ય દર્શાવે છે કે બેવફા અને કુટિલ કાતિલ સ્ત્રી કે પુરુષ કોઈ પણ હોઈ શકે છે, એના માટે આખી જાતિને ગુનેગાર માની લેવાની ને નિર્દોષો સાથે અન્યાય કરવાની વાત સદંતર ખોટી !
રીડરબિરાદર, એકબીજાની મિરર ઈમેજ જેવા બે કેસ એમાં પુરતો ડ્રામા હોઈ આપણી મસાલાપ્રેમી જનતામાં એવા ચગ્યા કે, ફાયર સેફટી, વોટર મેનેજમેન્ટ, એર પોલ્યુશન, કન્સ્ટ્રકશન કરપ્શન, ટ્રાફિક ટેરર, ડ્રગ્સ ડેવિલ જેવા જીવલેણ મુદ્દાઓને બદલે ક્રાઈમ ઓફ પેશનની લાઈવ થ્રિલર જેવા ન્યુઝ એનાથી છવાઈ ગયા. ઇન્દોરના રાજા રઘુવંશીની પત્ની સોનમે હનીમૂન માટે લઇ જઈને પુરાણા પ્રેમી સાથે મળીને એનું કાસળ કાઢી નાખ્યું. (જો કે, કોર્ટમાં હવે સોનમ નામુકર ગઈ છે કે મારો એમાં કોઈ રોલ નથી.) પૂણેના ૨૬ વર્ષના કેતન અગ્રવાલની સગાઈ ૨૦ વર્ષની સંપન્ન કુટુંબની સિયા સાથે થઇ. અને પ્રેમી જોડે મળીને એક નિષ્ફળ પ્રયાસ બાદ જન્મદિન ઉજવવાના નામે લોહગઢ પેલેસ પરથી ધક્કો મારીને એના ભરોસાનો ભંગ કરી પતાવી દીધો. એક નંબર પર એક વર્ષમાં ૨૩૮ કલાક વાત ચાલેલી ને લોકેશન પર ભીષણ ગરમીમાં ચહેરો ઢાંકવા હૂડી જેકેટ પહેરી ફરો તો શખ્સ શકમંદ લાગતા ભોપાળું ફૂટી ગયું. જો કે પોલીસ પુરાવા સાથે જડબેસલાક ચાર્જશીટ ના બનાવે તો મીડિયામાં ગમે તે આવે, પણ ધીમી અદાલતમાં સાક્ષીના અભાવે છૂટી પણ જાય અપરાધી ! કરોડોના પેલેસમાં ચાર્ટર્ડ ફ્લાઈટ બૂક કરી મહેમાનોને લઈને ડ્રીમ વેડિંગ થવાનું હતું. એમાં મેરેજને બદલે મર્ડર થઇ ગયું. અગાઉ એક ડોક્ટરનું ભણતી કન્યાએ પોતાના ડોક્ટર મંગેતરને અન્ય બોયફ્રેન્ડસ સાથે મળીને મારી નાખી જૂઠી કહાની બનાવી હતી ને પેલું બ્લ્યુ ડ્રમ મર્ડર હસબંડનું યાદ જ હશે.
આવા ન્યૂઝ જયારે પણ આવે, એટલે આપણે ત્યાં બની બેઠેલા સમાજહિતચિંતકો ઉપદેશના ઢગલા શરુ કરી દે ને એકની એક ઘસાયેલી રેકોર્ડ શરૂ કરી દે કે આ બધું પાપ આજકાલની ફિલ્મોનું છે, ઓટીટીનું છે, અશ્લીલ કન્ટેન્ટનું છે, ટીવી મોબાઈલનું છે, વેસ્ટર્ન લાઈફસ્ટાઈલનું છે વગેરે વગેરે. અરે, એટલી બધું પુરાતન કથાઓ વિશ્વની દરેક સંસ્કૃતિમાં સબૂત તરીકે છે કે છેલ્લા સો વર્ષમાં આવેલા ને ચગેલા આ બધા મિડીયમના અસ્તિત્વ નહોતા ત્યારે પણ આ બધું વ્યભિચાર હોય કે વાસના માટે ખૂન બધું ભરપૂર હતું જ. મોબાઈલ વગેરેને લીધે તો ઉલટું વધુ ઝડપથી ભેદ પકડાઈ જાય છે, અને ફિલ્મો સિરીયલોની અસર એવી થતી હોય તે સૌથી વધુ જોનારા એની સાથે કામ લેનારા બધા ક્રિમીનલ થવા જોઈએ એવું નથી હોતું. સમસ્યાનું જ સરળીકરણ કરી નાખો તો પછી ઉકેલ ક્યાંથી જડે ?
જો ખરેખર આમાં ઊંડા ઉતરવું હોય તો ૩૬૦ ડિગ્રીના વિચાર નામની આદત જોઈએ. વાંચો આગળ.
આ બધા ચકચારી હાઈ પ્રોફાઈલ કેસ ને જેમાં આપઘાત કે દહેજ ઉત્પીડન થતા હોય એવા પણ કેસ બધામાં એક બાબત તરફ સામાજિક ઠેકેદારોનું ધ્યાન એટલે નથી જતું કે એમને એ જોવું જ નથી. એ છે એરેન્જડ મેરેજને મેઈનસ્ટ્રીમ બનાવી દેવાની સોશ્યલ સીસ્ટમ. આ લેટેસ્ટ કેતન સિયા કેસમાં પણ નજીકના સગાની ભલામણ બાદ સંબંધ કરવામાં આવેલો.
કોઈ લવ મેરેજ ખરાબે ચડી જાય તો ઉછળી ઉછળીને પ્રેમલગ્ન પર જ પ્રતિબંધ મુકવાની માંગણી કરનારા નરકાસુરો કેમ કબૂલ નથી કરતા કે ભારતમાં સેંકડો પરિવારની સંમતી સાથે ગોઠવાયેલા, જેમાં વિડીયોમાં રાજકુમાર કે રાજકુમારી જેવા ખુશ દેખાતા લોકો વાસ્તવમાં મારવા મારવા સુધી જતા રહે છે. વડીલોનો વાંક છે ને એમની ચોઈસ પણ હળાહળ ખોટી પડે છે એ નથી દેખાતું ?
મૂળ તો ભારતમાં જે સરમુખત્યારી વડીલશાહી ભલભલા ભણેલા કે શ્રીમંત કુટુંબોમાં પણ ચાલે છે, એમાં છોકરા ને ખાસ તો છોકરીને લગ્ન સમયે કોઈ શાંતિથી બેસાડીને પૂછતું જ નથી કે તમને આ ખરેખર ગમે છે ? તમારી પોતાની કોઈ પસંદ છે ? બધાને લોકો શું કહેશે એની ચિંતા છે પણ પોતે ઉછેરેલા સંતાનો શું કહે છે એ સાંભળવા કે સ્વીકારવાની તૈયારી નથી. પ્રેમનો વિચાર જ પાપ છે, એટલે એ છુપાવી રાખવો પડે. બાકી એની ખુલીને જો ઘરમાં ચર્ચા થાય તો પાત્ર નબળું હોય ને જુવાનીના જોશમાં કે ઓછી સમજના ઘેનમાં જે હકીકત દીકરી કે દીકરાને ના સમજાતી હોય એ કમસેકમ બતાવી તો શકાય. પણ આવું સ્વસ્થ મેચ્યોર કોમ્યુનિકેશન આપણે ત્યાં ભાગ્યે જ થાય છે ફેમિલીમાં. પાર્ટીઓ થશે, પણ ડીપ ટોક નહિ થાય. એટલે અધુરી અક્કલના ઘેલચંદ્રો અને ઘેલચંદ્રિકાઓ કોઈ નિર્દોષનો જીવ લેવા સુધીની બદમાશ બેવકૂફી કરીને જેલમાં જતા રહે છે. પણ એમને કેમ મેરેજ જેલ જેવા લાગે છે એની ખુલીને વાત પણ કરવી એ જાણે અપરાધ છે.
બીજી એક માન્યતા પણ તૂટી જવી જોઈએ આવા કેસ સમજીને કે બધું છોકરીઓને રૂપ કે રૂપિયાનું જ આકર્ષણ હોય એ જનરલ સ્ટેટમેન્ટ ભૂલભરેલું છે. સોનમ કે સિયા ને પતિઓ તો હેન્ડસમ ને પૈસાદાર હતા. છતાં એમને એમનાથી ઓછું કમાતા કે ઓછા સારા દેખાતા પુરુષ જોડે એવી સ્નેહગાંઠ બંધાઈ ગઈ કે દગો ને કતલ સુધી વાત પહોંચી ગઈ ! એટ્રેક્શન એક રહસ્યકથા છે ને એને સાયન્ટીફિકલી ભણાવવામાં પણ નથી આવતી. એની સમજ શું નિખાલસ ચર્ચા માટેનો પણ માહોલ નથી આપણી આસપાસ. જે સંસ્કારી વેલ સેટલ્ડ ઠેકાણા સમજવામાં આવે છે એ અત્યારની પેઢી માટે સોનાનું પિંજરું છે. કૈંક મનમેળમાં અને ફ્રેન્કલી તનમેળમાં તો સમજો. ખાલી બેંક બેલેન્સમાં હેપિનેસ શોધવાને બદલે.
ત્રીજું એ કે જવાબદાર કોઈ મીડિયા કે કલાને કાયમ માટે જવાબદાર ઠેરવી દેવાને બદલે (ઓટીટી પહેલા પણ રામગોપાલ વર્માએ ફિલ્મ બનાવેલી એવી એક ફૌજીની હત્યા પ્રેમી સાથે મળીને એક મોડેલે મુંબઈમાં નહોતી કરી?) આપણું એજ્યુકેશન કેટલી હદે ફેઈલ ને બોગસ છે એ તરફ ધ્યાન દેવાની જરૂર છે. માર્ક્સ ને ડિગ્રી પાછળ પાગલ થઈને એમાં પણ રીતસર મરી જતો ભારતીય સમાજ શાંતિથી એ વિચારતો નથી કે આ શિક્ષણમાં સમજણ સરખી બધાની ખીલતી નથી. ઉલટું ઉત્તમ સિનેમા, આર્ટ, સાહિત્ય, વાર્તા કવિતા એ માટે પણ છે. જેથી વિચારશક્તિ વિકસે અને માનવમનના ઊંડા કૂવાના અંધારા હેન્ડલ થાય.
ચોથું, હવે પેઢીને કમિટમેન્ટ કરતા કિકમાં વધુ રસ પડે છે. એને જે આપી દો આસાનીથી એમાં સુખ નથી લાગતું. જે નથી મળતું એમાં રોમાંચ લાગે છે. જે પ્રેમી કે પ્રેમિકા માટે નર કે નારી અપરાધી બને છે, એ પણ જો સહેલાઈથી મળી ગયા હોત તો થોડા વખતમાં એમનાથી કંટાળી ગયા હોત ને નવું કશુંક શોધતા હોત એવું પણ બની શકે ! જબરદસ્તી નથી ગમતી. એફર્ટસની બોરિંગ લાઈફમાં થ્રિલ આવે છે. બધાને સ્પાર્ક ને મજા પડી જાય એવા નવીન લટકાઝટકા જોઈએ છે લાઈફમાં જે સતત કોઈ માટે શક્ય નથી. કોઈને આલીશાન જીવન માટે ગુનો કરવો છે, તો કોઈને એ ગુંગળામણથી છટકવા. જે જ્યાં હોય ત્યાં રાજી નથી. એમને શું જોઈએ છે એ પણ ખબર નથી.
પાંચમું, સોનમ હોય કે સિયા આવા બનાવો દોઢ અબજના દેશમાં સતત લાઈક્સ મળે એમ ચગે છે, પણ એટલે બધા આવા જ છે એવું માની લેવાની ભૂલ પણ કરવા જેવી નથી. કેટલાય લગ્નો સુપેરે ચાલે છે.ઘણા લાઈફ કોઈને પરેશાન કર્યા વિના એન્જોય કરે છે. કોઈ બાબતની વધુ પડતી ચર્ચા એ સોશ્યલ મીડિયાનો રોગ છે. એનો અર્થ એ નથી કે અપવાદો જ નિયમ હોય !
બાકી તો પિશાચ કે જીન્ન કે શહેનશાહ કે ગોડ બધા કોઈ ને કોઈ સ્થિતિમાં સેક્સ સામે લાચાર છે એ પરમ સત્ય છે.
ફાસ્ટ ફોરવર્ડ
'મુશ્કેલી એ છે કે આપણે દાંપત્યમાં નાની નાની વાતો મેચ નથી થતી એ અવગણતા શીખતા નથી. જે મોટી મોટી વાતો જોડી રાખે છે આપણને એની સરખી કદર નથી. જે કરો એ જાતે નિર્ણય લઇ દિલથી કરો. ભાંગેલા દિલ સાથે ના તમે ખુશ થશો ના બીજાને કરી શકશો. કોઈ માટે આકર્ષણ ના હોય પણ એમની આદત હોય તો એ પણ ખરાબ બાબત નથી. વિશ્વાસ એમાંથી જ જન્મે છે. કયારેક માણસની બાજુમાં ચૂપચાપ બેસો સ્વજન તરીકે કોઈ વાત કર્યા વિના એ પણ પુરતું છે. બીજા સ્ત્રી કે પુરુષ ગમી જાય એ સ્વાભાવિક છે, પણ એને લીધે કોઈ આપણને ચાહતું હોય એને ધિક્કારી દેવું એ સારી વાત નથી.'
( નવી પેઢીની રિલેશનશિપના અમુક રહસ્યો સુંદર રીતે સમજાવતી ને અચૂક જોવા જેવી 'કોકટેલ ટુ' ફિલ્મના સંદેશનો સંક્ષેપ)









