ઉદ્ધાટન

- ચંડીદાન ગઢવી
- 'સરકાર તાબડતોબ સમિતિ નીમી તેની તપાસ કરી તે ચાર-પાંચ મહિનામાં રિપોર્ટ કરી દેશે. તેના પર ઊંડાણપૂર્વક ચર્ચા કરી એક-બે માસમાં દોષી હશે તેને કડક, અતિ કડક, એથીય વધુ કડક પગલાં લેશે.'
'સ ર ! કેટલાક લોકો…' 'પ્લીઝ ! મને સર ન કહીશ. હું ફફડી ઊઠું છું…'
બુધાલાલના શરીરમાંથી ધુ્રજારીનું લખલખુ પસાર થઈ ગયું.
'પરંતુ સાહેબ ! આ ચૂંટણીપંચ વાળુ 'સર' નથી.' અંગત સચિવ પીયૂષકુમાર આશ્ચર્ય અનુભવી રહ્યા.
'તો પણ, ચૂંટણી પંચ વાળાનું ભલુ પૂછવું… ના ભઈ ના ! બુધાલાલ રિવોલ્વીંગ ચેરમાં એક આંટો મારી રહ્યા.'
'વિદેશમાં તો બધે સર જ
ચાલે છે.'
'યે પૂરબ હૈ, હર નામ કી કિંમત જાનતે હૈ, હમ પૂરબવાલે !' બુધાલાલ સરખા બેસી ટટ્ટાર થયા.
'કંઈ સમજાયું નહિ સાહેબ !' પીયૂષકુમાર માથુ ખંજવાળી રહ્યા.
'જોતા નથી, ચારે તરફ નામનો જ જય જયકાર છે ! હાં… તો તમે શું કહેતા હતા ?' બુધાલાલ એકશન મોડમાં આવી ગયા.
'સાહેબ ! કેટલાક લોકો આપને મળવા માંગે છે.'
'આપણા વાળા છે કે સામાવાળા ?' બુધાલાલ પૃચ્છક દ્રષ્ટિ કરી રહ્યા.
'મિક્સ.'
'સારુ, પેલી ફાઈલો ધૂળ ખંખેરી મારા ટેબલ પર ગોઠવી દો. પેન, પેપર વેઇટ બધું યથાસ્થાને મૂકી દો. પેન ખાસ તપાસી લેજો. મુલાકાતીઓને લાગવું જોઈએ કે આપણે કામ પણ કરીએ છીએ.' બુધાલાલ ગંભીર બનવા મથી રહ્યા.
'નમસ્તે સાહેબ !' લોકો સંકોચાતા નમસ્કારની મુદ્રામાં આલીશાન કચેરીને અહોભાવથી નિહાળતા ખુરશીઓમાં ગોઠવાયા.
બુધાલાલે ઘંટડી મારી પટાવાળાને પાણી લાવવાનો સંકેત કર્યો.
'હા ! તો બોલો ! હું આપની શી સેવા કરી શકું ?' બુધાલાલ નમ્રતાનું આવરણ મુખ પર છવાઈ જાય તેવા ભાવથી સહુ તરફ સ્હેજ ઝૂકી રહ્યા.
'સાહેબ !' ટોળામાંથી આગેવાન જણાતા એક પ્રૌઢ થોડા આગળ ખસી આવ્યા. 'અમારું નાનકડું ગામ છે. સ્મશાનની સુવિધા નથી તેથી બાજુના ગામમાં જવું પડે છે. રોડ-રસ્તા પણ કહેવા પૂરતા છે. તેથી ગ્રામજનો અને દાતાઓના સહકારથી અમે સ્મશાન બનાવ્યું છે. અમારા સહુની ઈચ્છા છે કે આપના કર-કમળોથી તેનું લોકાર્પણ થાય… !' તે ડોક ફેરવી સહુ તરફ નજર માંડી રહ્યા. સર્વે માથુ હલાવી રહ્યા.
'અરે ! એ માટે તો અમે અહીં બેઠા છીએ. સરકારે પુખ્ત વિચારણાને અંતે એ નિર્ણય કર્યો છે કે મંત્રીશ્રીઓનો મોટા ભાગનો સમય ઉદઘાટનો પાછળ વેડફાય છે.' બુધાલાલ ખુરશીને અઢેલી, પેન હાથમાં રમાડી રહ્યા. તેથી વિકાસ કામો તરફ પૂરતું ધ્યાન અપાતું નથી. અને તેમના ક્રમ પાછળ તમારાં પરસેવાનાં નાણાં જાય છે. તેમના કાફલા, રેલીઓ, ભવ્ય મંડપો, લાઇટ અને લોકોનાં કામ બગાડી અહીં ભેગા કરવા સરકારી મશીનરીનો ઉપયોગ કરવો પડે છે ! તમારા અને અમારા લાખ્ખો રૂપિયા, સમય નકામો દુર્વ્યય થાય છે !… બુધાલાલના ચહેરા પર તેજ છવાઈ ગયું. આગંતુકો સ્તબ્ધ બની
સાંભળી રહ્યા.
'તેથી તે માટે અલગ મંત્રાલય ઊભું કરી તેને જ હવાલો સોંપાયો અને તે માટે મારી પસંદગી થઈ છે. એમાં એક આકરી શરત છે… સહુ ઉત્સુકતાથી મંત્રીશ્રી તરફ દ્રષ્ટિ માંડી રહ્યાં.'
'ઉદઘાટન સમારંભો માટે જે ખર્ચ થાય તે જે તે વિસ્તારના લોકોએ જ ભોગવવો.' બુધાલાલ સૂચક દ્રષ્ટિ હોય કરી રહ્યા.
સહુ પરસ્પરને મૂંઝવણભરી દ્રષ્ટિથી તાકી રહ્યાં.
'હું તો કહું છે કે આમાં લોકાર્પણ શેનું ? તેરા તુજકો અર્પણ…
વાળુ દે.'
પીયૂષકુમારે સંકેત કરી બુધાલાલનાં કાનમાં ધીમા સ્વરે ચેતવ્યા… સાહેબ આ તો આપના પગ પર જ કુહાડો… કોઈ ફરકરો નહિ તો સરકાર મંત્રાલય સમેટી લેશે અને આપણે બિસ્તરા… પોટલા બાંધી…
બુધાલાલને લાગ્યું કે થોડું વધારે પડતું બોલાઈ ગયું. ઉપર સુધી વાત જશે તો… ! ઝડપથી વાત આટોપી વાર, તારીખ અને સમય પી.એ. પાસે નોંધાવી તેમને વિદાય કર્યા.
'સાહેબ !' પીયુષકુમાર સમજાવટના સૂરમાં બોલ્યા, 'જ્યારે લોકો સમક્ષ આપ બોલો ત્યારે વચ્ચે વચ્ચે મારા તરફ નજર કરી લેવી. મારા સંકેત પ્રમાણે આગળ વધવું. નહિતર કરવા જશો કંસાર ને થઈ જશે થૂલી.'
બુધાલાલે સ્વીકૃતિ આપતી દ્રષ્ટિ કરી. 'પીયૂષ ! મીડિયા, પત્રકારો અને ફોટોગ્રાફરોને જાણ કરી ફરજિયાત હાજર રહેવાનું કહી દેજે.' બુધાલાલ મોટું બગાસું ખાઈ ખુરશીમાં લાંબા થયા.
'સાહેબ ! એ લોકોને કબ્રસ્તાનના ઉદઘાટન પ્રસંગે માંડ માંડ સમજાવ્યા હતા. કહે છે કે અગાઉ આપેલું ફંડ તો ક્યારનું ય પતી ગયું છે. તેથી નવું સબસ્ક્રીપ્શન કરો. આમેય અમારી ચેનલો કોઈ જોતું નથી. જાહેરખબરો પણ મળતી નથી. તેથી આ વખતે… !' સચીવ લાચાર નજરે નિહાળી રહ્યા.
'અરે, એમ તે કંઈ ચાલે ?' બુધાલાલ તરત જ ખુરશીમાં ટટ્ટાર થઈ ગયા. 'નાણાખાતાને જાણ કરી દો. પાંચ વરસનું ભેગું ફંડ મંજૂર કરી દે. એના વિના આપણી સિધિઓ-પ્રસિદ્ધિઓ ક્યાં કરશું એ તો આપણો મુખ્ય આધાર છે ! સરકારનો પ્રાણવાયુ છે.' બુધાલાલનો ચહેરો ગુસ્સાથી લાલ થઈ ગયો.
'સાહેબ ! રીક્ષા ચાલશે ને ! સ્મશાન થોડું દૂર છે તેથી…' ટોળાના આગેવાન એક વૃદ્ધ સાહેબને નમ્ર ભાવે રીક્ષા તરફ અંગૂલીનિર્દેશ કરી રહ્યાં.
'રીક્ષા !!' બુધાલાલ ક્રોધ મિશ્રિત આશ્ચર્ય અનુભવી રહ્યાં. 'અમારી ગાડી રિપેરીંગમાં છે. મારો મોભો જળવાય તે તો હોવું જોઈએ ને ? બુધાલાલ વરસી પડયા. સાહેબ ચલાવી લો ! આપણે તો તેમના સેવક ! પીયૂષકુમાર તેમને આંખથી ડરી રહ્યાં.'
'સારુ, ચાલો !' બુધાલાલ મન મનાવી તેમાં ગોઠવાયા.
શ્રીફળ વધેરી, કંકુ-ચોખાનાં છાંટણાં કરી, રિબિન કાપવા તાસકમાં ધરાયેલી કાતર લઈ તે આગળ વધ્યા. પરંતુ કાતર પકડવા તેમનો અંગૂઠો તેમાં પ્રવેશતો નથી. ઘડીભર તો મથ્યા છેવટે સહુ તરફ ક્રોધભરી દ્રષ્ટિ કરી, કેવી કાતર લાવ્યા છો ? 'સાહેબ કાતર તો બરાબર છે. આપનો અંગૂઠો જાડો પડે છે.' ટોળામાંથી એક યુવાન આગળ આવ્યો. 'પણ પહેલાં તો આવું કદી થયું નથી !' બુધાલાલ ગૂંચવણમાં પડયા. 'સાહેબ ! પહેલાં આપ મંત્રી ન'તા ને ! એટલે બધુ જાડુ થવા માડે. એમાં ચામડી તો ખાસ !' બીજો યુવાન કટાક્ષભર્યું બોલી સહુ તરફ ડોક ફેરવી હસી રહ્યો. પીયૂષકુમારે ઝડપથી બાજી સંભાળી. આવા વખતે તે વધારાની એક કાતર ખિસ્સામાં રાખતા. બુધાલાલના હાથમાં પકડાવી કાર્ય સંપન્ન કર્યું.
સ્વાગતની ઔપચારિકતા પુરી કરી, સરપંચશ્રીએ સભાને સંબોધિત કરવા વિનંતી કરી, મંત્રીશ્રીના ટેબલ આગળ માઇક ગોઠવ્યું.
બુધાલાલ ખોંખારો ખાઈ, કપડાં સરખાં કરી, માઇક આગળ ગોઠવાયા.
'વહાલા ગ્રામજનો ! આપના અને દાતાઓના સહકારથી આજે આપને આપનું પોતાનું સ્મશાન મળ્યું છે તે વાતની મને ખુશી છે. પોતાના મુક્તિધામમાં અંતિમ સંસ્કારની મજા જ કંઈ ઓર હોય છે.' મંત્રીશ્રી ચોતરફ દ્રષ્ટિ ફેરવી રહ્યા. સચીવ ઊંચા નીચા થતાં હતાં.
'સાહેબ !' શ્રોતાગણમાંથી એક યુવાન ઊભો થયો. 'આ મંગલ પ્રસંગનું રિપોર્ટિંગ કરવા, ટી.વી.વાળા, રિપોર્ટરો કે ફોટોગ્રાફરો કેમ દેખાતા નથી ? એમના વિના લોકાર્પણ થાય કેવી રીતે ?'
'એમાં એવું થયું કે…' પીયૂષકુમાર, સાહેબ કંઈ બાફે તે પહેલાં માઈક પાસે પહોંચી ગયા. 'એ સર્વે એક બેસણામાં ગયા છે.'
'બેસણામાં !!' સહુ આશ્ચર્યમાં પડી ગયા.
'હા ! એક બાળમરણ થયું છે તેથી…' પીયૂષકુમારનો સ્વર ઢીલો પડયો.
'કોઈ મોટા નેતાના બાળકનું…'
'ના, ના.' પીયૂષકુમારે ફોડ પાડવો પડયો. 'બંધાતા ઓવરબ્રીજનો વચ્ચેનો ભાગ, પુલ પૂરો થાય તે પહેલાં જ તૂટી પડયો. તેથી સ્થાનિકોએ ચક્કાજામ કરી શોકસભા ભરી છે. તેમાં…'
'આ તો કુદરત સર્જિત છે, ભાઈઓ !' બુધાલાલ સહજતાથી વચ્ચે કૂદી પડયાં, 'જે જન્મે તે મરે, બંધાય તે તૂટે. આજ નહિ તો કાલે, કોઈ વહેલું કોઈ મોડું…'
પરંતુ સાહેબ ! આ તો માનવ સર્જિત દુર્ઘટના છે… એમાં કુદરત… ! બીજો એક વ્યક્તિ રોષભર્યા સ્વરે બોલી રહ્યો.
'હું એ જ કહું છું' બુધાલાલ, પીયૂષકુમારની આંખનો ઈશારો પારખી ગયા, 'સરકાર તાબડતોબ સમિતિ નીમી તેની તપાસ કરી તે ચાર-પાંચ મહિનામાં રિપોર્ટ કરી દેશે. તેના પર ઊંડાણપૂર્વક ચર્ચા કરી એક-બે માસમાં દોષી હશે તેને કડક, અતિ કડક, એથીય વધુ કડક પગલાં લેશે.'
'એવી તો કેટલીય સમિતિઓના રિપોર્ટ ધૂળ ખાય છે.' સભામાંથી કોઈ ધીમા સૂરે ગણગણ્યું.
'કાયદો કાયદાનું કામ કરશે. સરકારી રાહે જે થતું હશે તે બધું જ સરકાર કરી અને છૂટી જશે.' બુધાલાલ દ્રઢતાપૂર્વક ટેબલના બે ખૂણા પકડી ટટ્ટાર થયા.
'એટલે કે સરકાર બધું જ કરી છૂટશે.' પીયૂષકુમારે બચાવ કરવો પડયો.
'મોટા ચમરબંધીને પણ નહિ છોડાય, ખરૃંને સાહેબ ?' એક વરીષ્ઠા મજાકિયા સ્વરમાં સ્મિત કરી રહ્યા. 'પકડાય તો !'
'બિલકુલ ! બુધાલાલે ટેબલ પર હાથ પછાડયો.' 'હવે આપણે મૂળ વાત પર આવીએ. આ બધું તો રોજનું છે. એટલે તેને બહુ ગંભીરતાથી લેવાની જરૂર નથી.' બુધાલાલે વીંટોવાળી લીધો.
'સરકાર, આધુનિક, ડીજીટલ સુવિધા અને એ.આઈ.થી સજ્જ સ્મશાનગૃહો તૈયાર કરવાનું ગંભીર રીતે વિચારી રહી છે. ક્યાં સુધી આપણે જૂના સ્મશાનોમાં બળતા રહીશું ? તેથી આના વિશે વિશ્વનાં સ્મશાનો અને અંતિમ ક્રિયાઓની માહિતી મેળવવા એક ટીમ દુનિયાના પ્રવાસે જઈ દરેક પાસાનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરી, આપણે ત્યાં તેને કેવી રીતે અમલમાં મૂકી શકાય તેનો રિપોર્ટ તૈયાર કરશે.' બુધાલાલ ગંભીર બની ગયા.
'પણ સાહેબ ! વિદેશોમાંનો મોટે ભાગે દફનવિધિ થાય છે ? એક શિક્ષિત લાગતો યુવક બેઠો થયો.'
'ભાઈ ! આપણે માનીએ છીએ તેટલું જગત સાંકડું નથી. એવા કેટલાય દેશો છે જ્યાં હજી પરંપરાગત સંસ્કૃતિઓ જળવાઈ રહી છે. તેથી એ ધરોહરનો ખજાનો પણ જાણવો જરૂરી છે.' બુધાલાલ વિજયી સ્મિત કરી રહ્યા. 'આ બધું એટલા માટે કે જગત પર મહામારીનું સંકટ હર પળે તોળાયેલું રહે છે. ક્યારે, ક્યાંથી ત્રાટકે તે નક્કી નહિ. તેથી પાણી પહેલાં પાળ બાંધવી જરૂરી છે. આપણે મહામારીના કડવા અનુભવમાંથી પસાર થઈ ચૂક્યા છીએ તેથી આ વખતે ઊંઘતા ઝડપાવાનું નથી. અત્યારથી જ આધુનિક મુક્તિધામો, આરોગ્ય કર્મચારીઓની ભરતી, અલાયદા વોર્ડો, દવાઓનો પૂરતો સ્ટોક, ઓક્સીજન… આ બધાની તૈયારી અત્યારથી જ શરૂ કરી દીધી છે જેથી પ્રજાને કોઈ તકલીફ જ ન પડે.'
'પરંતુ સાહેબ ! એ આફતને આવતી જ રોકાય એવું ન થઈ શકે ?' એક નાગરિક ઠાવકાઈથી જોઈ રહ્યાં.
'કેમ નહિ ?' બુધાલાલ રણકતા સ્વરે આગળ વધ્યા. રસીઓ, વેલણ થાળીઓ, દીવડાઓ… આ બધું ધ્યાનમાં જ છે. ગઈ મહામારીમાં, ગામે ગામ અને શહેરોમાં થાળી, વેલણ લઈ પ્રજાના ધસમસતા પ્રવાહથી અને ગગનભેદી રણકારથી ગભરાઈને મહામારી ઊભી પૂંછડીએ નો'તી ભાગી ? તેથી સરકારે દરેક રાજ્યોને પૂરતો જથ્થો રાખવા આદેશ કરી દીધો છે.
'સાહેબ આપણેય ભાગ્યાજ'તા ને ?' એક વૃદ્ધ બળાપો કાઢી રહ્યા. 'પરંતુ સાહેબ ! મહામારીએ જતાં જતાં હુંકાર કર્યો'તો, કહો દુશ્મનને કે હું દરિયા જેમ વળીશ પાછી, એ મારી ઓટ જોઈને કિનારે ઘર વસાવે છે. એક કવિ જેવા લાગતા વ્યક્તિ ઊભા થઈ લલકારી રહ્યા અને પછી શું થયું તે આપણે સૌ જાણીએ છીએ. પહેર્યે કપડે જીવ લઈ નાઠા'તા ને આપણે?'
'અમારી સરકાર કામ કરતી સરકાર છે, તે આપ સહુ જાણો છો.' બુધાલાલ આત્મવિશ્વાસથી રણકી રહ્યા. વંદન કરી પ્રવચન સમેટી લીધું.
'બહુ સારી રીતે !' સભામાં શ્રોતાઓ હસવું ખાળવા મોંઢા પર રૂમાલ દબાવી રહ્યા.
આભાર-દર્શનની વિધિ પતી એટલે આગેવાનો સાહેબને તૈયાર રાખેલી રિક્ષા તરફ દોરી નમસ્કાર કરી અંદર બેસાડી, ભાવભીની વિદાય આપી વિખરાયા.
'કેટલાક લોકો તમને મળવા આવ્યા છે.'
'મુલાકાતી ખંડમાં બેસાડો, ચા-પાણીની વ્યવસ્થા કરો.' બુધાલાલે આદેશ કર્યો.
'અરે ! કરિયાણાવાળા અને મકાન-માલિક ભાડા માટે આવ્યા છે.' પત્ની તેમને ઢંઢોળી રહી. 'જ્યારથી ચૂંટણી હારી ગયા છે ત્યારથી આ દશા છે.' રડમસ અવાજે શારદાબેન પતિને જગાડી રહ્યાં.
બુધાલાલ આંખો ચોળતા બેઠા થઈ, ચોતરફ આશ્ચર્યથી દ્રષ્ટિ ફેરવી રહ્યા, 'મારી ઓફિસ… મને સહી… '
રેડિયોમાંથી ગીત સરી રહ્યું હતું, 'મેરા સુંદર સપના બીત ગયા.'




