જો જો, એક દિવસ સૂરજદાદા બચુડા બુધને ગળી જશે

- હોટલાઈન-ભાલચંદ્ર જાની
- સૂર્ય ગમે તેટલો ફેલાઈ જશે તો પણ પૃથ્વીને તે કોળીયો કરી શકશે નહીં. ૧.૧ અબજ વર્ષ પછી ગ્રીનહાઉસ ઇફેક્ટને કારણે પૃથ્વી પરના તમામ જીવો નાશ પામશે
આ પણા સૂર્યમંડળનો સભ્યો મંગળ, શુક્ર, ગુરુ અને શનિ જેવા ગ્રહો વિશે વારંવાર વાતો થાય છે. ચંદ્ર અને મંગળ સુધી તો ઇસરોના અવકાશયાન પણ ફેરો મારી આવ્યા છે. પરંતુ બુધની કોઇ વાત નથી કરતું મંગળ પછી સૂર્યમાળામાં પૃથ્વીની નજીકનો ગ્રહ બુધ છે. સંધ્યા સમયના ગ્રહ તરીકે ઓળખાતા બુધનું પૃથ્વીથી સીધી લીટીમાં અંતર ૨૬.૧ કરોડ કિલોમીટર છે.
આપણે અહીં બુધની કુંડળી એ ટલા માટે ખોલી રહ્યા છીએ કેમ કે આ ટચુકડા ગ્રહને માથે પનોતી બેઠી છે.
સૂર્યમાળાનો આ સૌથી નાનો ગ્રહ જેને ભારતમાં બુધ અને વિદેશમાં મરક્યુરી તરીકે ઓળખવામાં આવે તે ધીમે ધીમે ઠંડો પડવા સાથે સંકોચાઇ રહ્યો છે.સ્પષ્ટ રીતે કહીયે તો બુધનો ગ્રહ સાડા ચાર અબજ વર્ષોમાં ૨.૭ થી ૫.૬ કિલોમીટર સુધી સંકોચાઇ ગયો છે.
વધુ આગળ વધીએ તે પૂર્વે એ જાણી લો કે પૌરાણિક કથા પ્રમાણે બુધ ગ્રહને સૂર્યનો સેવક માનવામાં આવે છે. તેનું મરક્યુરી નામ રોમના દેવતા 'મરક્યુરી'ના આધારે પાડવામાં આવ્યું છે. ઈસુના જન્મ પહેલાં મરક્યુરીને બે નામો હતાં. ઈ.સ. પૂર્વે પાંચમી સદીમાં તે સૂર્યની એક તરફ દેખાતો ત્યારે સાંજે લોકો તેને મરક્યુરી કહેતા જ્યારે સવારે તેને એપોલો કહેતાં. એપોલો તે રોમનોના દેવતાનું નામ છે. એકમાત્ર પાયથેગોરસે જ સ્પષ્ટતા કરી હતી કે સવારે ને સાંજે દેખાતો ગ્રહ ખરેખર તો એક જ છે મરક્યુરી.
મરક્યુરી પરના સંશોધનમાં ઈસુના જન્મપૂર્વે છેક સુમેરિયન સંસ્કૃતિના ખગોળશાસ્ત્રીઓને પણ રસ પડયો હતો. ઈસના જન્મ પૂર્વેની ત્રીજી સદીમાં સુમેરિયનો તેને 'ઉબુ-ઈદીમ-ગુડ-ઉદ' તરીકે ઓળખતા હતા. બેબિલોનીયન સંસ્કૃતિ વખતે તેની પર નિરીક્ષણો થયાની નોંધ છે. બેબિલોનીયન લોકો તેને 'ગુઆડ' અથવા તો 'ગુ-ઉટુ' કહેતા હતા.
હવે મૂળ વાત પર આવીએ. વિજ્ઞાનીઓનું માનવું હતું કે બુધનો ગ્રહ એકથી સાત કિમી સંકોચાયો હશે. પણ બુધનો ગ્રહ જેમ જેમ ઠંડો પડી રહ્યો છે તેમ તેની ત્રિજ્યા ઘટી રહી છે. જેમ સફરજનને લાંબો સમય ખુલામાં (તડકામાં) મૂકી રાખવા આવે તો તેના પર તિરાડો પડે છે અને તેની સપાટી સંકોચાય છે. બરાબર આ જ રીતે બુધના ગ્રહ પર સપાટી સંકોચાઇ રહી છે.
વિજ્ઞાનીઓએ આ તિરાડો એટલે કે ફોલ્ટલાઇન્સનો અભ્યાસ કરી તેના ઠંડા પડવાની પ્રક્રિયાનો તાગ મેળવી તેનું કદ કેટલું સંકોચાયું તેનો અંદાજ મેળવ્યો છે. બુધના ગ્રહ પર કોઇ વાતાવરણ નથી અને તેનું તાપમાન સામસામેના છેડાંનું હોય છે. વિજ્ઞાનીઓ લવલેસ અને ક્લિમઝેકના અભ્યાસ પરથી બુધના ગ્રહના સંકોચન વિશે ચોકસાઇપૂર્વક જાણવા મળ્યું છે. આ વિજ્ઞાનીઓએ પ્રમાણમાં નવી પદ્ધતિ અપનાવી ગ્રહની સપાટીના સંકોચાવાનો અંદાજ મેળવ્યો છે. જે અગાઉના અંદાજ કરતાં વધારે ચોકક્સ જણાયો છે. વિજ્ઞાનીઓના આ નવા અભ્યાસના તારણો આ ગ્રહના વાતાવરણને સમજવામાં ઉપયોગી નીવડશે.
૪.૫ અબજ વર્ષ અગાઉ બુધનો ગ્રહ બન્યો ત્યારથી તેનો અંદરનો હિસ્સો ઠંડો પડી રહ્યો છે. જેના કારણે તે સંકોચાઇ રહ્યો છે. બુધનો મોટો હિસ્સો લોખંડનો બનેલો છે. જે ઝડપથી ઠંડો પડી રહ્યો છે. કોર હિસ્સો ઠંડો પડતો ગયો તેમ તેની સપાટી પર દબાણ વધી રહ્યું છે. આ જ કારણે બુધના ગ્રહની ત્રિજ્યા ૨.૭થી ૫.૬ કિલોમીટર જેટલી સંકોચાઇ ગઇ છે.
આમ તો બુધ આપણા ચંદ્રના વ્યાસના આકાર કરતા ૧૪૦૬.૭૪ કિમી મોટો છેબુધને જો નરી આંખે જોવો હોયતો સૂયોદય પહેલા અને સૂર્યાસ્ત પછી જોઇ શકાય છે. બુધનું સૂર્યથી સરેરાશ અંતર ૫ કરોડ ૭૬ લાખ કિમી છે. બુધનું ગુરુત્વાકર્ષણ બળ નબળું હોવાથી તેને પોતાનો કોઇ ચંદ્ર કે વલય પણ નથી. બુધ શનિના મુન( ઉપગ્રહ) ટાઇટન કરતા પણ નાનો છે.
આમ બુધ કદમાં બહુ નાનો છે. સાઇઝ પ્રમાણે સૂર્યમાળાના દસ મોટા અવકાશી પિંડોનું લિસ્ટ બનાવ્યું હોય તો બુધનો નંબર તેમાં ન લાગે! લિસ્ટમાં નં.૯ તરીકે ગુરુનો ઉપગ્રહ ગેનિમીડ હોય અને નં.૧૦ તરીકે શનિનો ઉપગ્રહ ટાઈટન પણ ખરો, પરંતુ વાસ્તવમાં ગ્રહ કહેવાતો બુધનો નંબર એ યાદીમાં ન આવે. આ બન્ને ઉપગ્રહો કરતાં તે નાનો છે. પૃથ્વીની સરખામણીમાં તો એકદમ ટચૂકડો છે. વિષુવવૃત્ત પાસે આપણી પૃથ્વીનો વ્યાસ ૧૨,૭૫૬ કિલોમીટર છે, જ્યારે બુધનો વ્યાસ ફક્ત ૪,૮૭૮ કિલોમીટર છે!
સૂર્યની સૌથી નજીક હોવાથી બુધ આઠ ગ્રહોમાં બીજા ક્રમનો સૌથી ગરમગ્રહ છે. બુધનું દિવસનું તાપમાન ૪૫૦ ડિગ્રી જયારે રાતનું તાપમાન -માયનસ ૧૭૬ ડિગ્રી જોવા મળે છે. જો કે સૌરમંડળમાં શુક્ર સૌથી ગરમગ્રહ છે.
બુધ આમ તો લોખંડનો ગોળો છે, કારણ કે તે સૂર્યની નજીક બંધાયો હોવાથી તેનો પદાર્થ અગ્નિકૃત ખડકોનો બનેલો છે. તેની ચાલ જરા વિચિત્ર છે. તેની કક્ષા પૂર્ણ નથી એટલે કે તેનું ઉદ્ગમ બિન્દુ એ જ્યારે સૂર્યની એક પરિક્રમા કરીને આવે છે ત્યારે તે જ તેની પરિક્રમાનું સમાપ્ત બિન્દુ નથી. તેની કક્ષા હેલીક્ષ (સ્પાઈરલ-સ્પિંગ) જેવી છે. તેને વાયુમંડળ નથી, કારણ કે તેનું ગુરુત્વાકર્ષણ તેના વાયુમંડળને પકડી રાખી શકતું નથી તેથી તેની સપાટી પર રાત-દિવસ ઉલ્કા પડે છે અને ઉલ્કાકુંડો બનાવતી રહે છે. તેની સપાટી ઉલ્કાકુંડ આચ્છાદિત છે. બુધ ગ્રહમાં પદાર્થ ઓછો રહ્યો છે, કારણ કે તેનો બાષ્પીભવન થઈને ઉડી જાય તેવો બધો જ પદાર્થ સૂર્યની ગરમીથી ઉડી ગયો છે અને તેનો મોટા ભાગનો પદાર્થ સૂર્યએ પોતે જ ખેચી લીધો છે.
બુધનો એક દિવસ પૃથ્વીના ૫૯ દિવસ બરાબર હોય છે. સૂર્યના ગુરુત્વાકર્ષણની બ્રેકને કારણે તેનો દિવસ સારો એવો લાંબો છે. તેની કક્ષાની ત્રિજ્યા તો કેપ્લરના નિયમાનુસાર લગભગ છ કરોડ કિલોમીટર છે તેથી તેની પરિક્રમા કરવાનો સમય ૮૬ દિવસ છે.
રસપ્રદ વાત એ છે કે બુધ ગ્રહ પર ઉષ્ણતામાન ૪૦૦ અંશ સેલ્સિયસ છે તેમ છતાં નાસાના મેસેન્જર અંતરીક્ષયાને બુધના ઉત્તરધુ્રવ પ્રદેશમાં એક હજાર અબજ ટન જેટલો બરફ હોવાનું જણાવ્યું છે. તે ઉલ્કાકુંડોમાં છે એટલે ટકી રહ્યો છે, નહીંતર સૂર્યની ગરમીને લીધે તેનું બાષ્પીભવન ક્ષણવારમાં થઈ જાય, આ કુદરતની કમાલ છે કે તેણે અગ્નિની ભઠ્ઠીમાં બરફ સાચવી રાખ્યો છે. મેસેન્જર અંતરીક્ષયાને એ પણ સ્પષ્ટ કર્યું છે કે બુધ ગ્રહના દક્ષિણધુ્રવ પ્રદેશ પર પણ પ્રચૂર પ્રમાણમાં બરફ છે.
આમ જોઇએ તો પૃથ્વીથી બુધ સુધી પહોંચવાની યાત્રાનો રૂટ ૭.૯ બિલિયન કિલોમીટર જેટલો
લાંબો છે.
મરક્યુરી (બુધ) પર સૌથી પહેલું અંતરિક્ષયાન નાસાએ છેક ૧૯૭૪ અને ૧૯૭૫માં મોકલ્યું હતું. મરીનર-૧૦ નામના એ યાને મરક્યુરીની આસપાસ ૧૦ ચક્કર લગાવ્યાં હતા અને તેની સપાટી વિષે કેટલીક રસપ્રદ વિગતો
મોકલી હતી.
પૃથ્વીની જેમ મરક્યુરી નમી ગયેલી ધરી પર ફરતો નથી. આ કારણે એના ઉત્તર અને દક્ષિણ ધુ્રવ પર કાયમી પડછાયો કે અંધારું જ રહેતું હોવું જોઈએ. વળી મરક્યુરી પર અસાધારણ એવું પાતળું વાતાવરણ છે જેના કારણે તેના ઇક્વેટરથી ગરમી બન્ને ધુ્રવો સુધી ટ્રાન્સફર થતી નથી આ કારણોસર જ તેના ધુ્રવ પર પાણી કે બરફ હોવાની શક્યતા છે. મરક્યુરીના ધુ્રવ પર માઈનસ ૧૮૦ સેન્ટીગ્રેડ ઠંડી હોવાની શક્યતા છે.
બુધનું સરેરાશ સૂર્યથી અંતર ૫૭.૮ મિલિયન કિલોમીટર છે. તેનો ગોળ ફરવાનો સમય પૃથ્વીના ૮૭.૯ દિવસનો છે. તેના ઇક્વેટરનું ડાયામીટર ૪૮૭૮ કિલોમીટર છે. ચુંબકીય શક્તિ પૃથ્વી કરતાં ૦.૩૮ જેટલી છે.
વૈજ્ઞાનિકોના મત મુજબ ૪.૫ બિલિયન વર્ષ પહેલાં ૧૦૦ કિલોમીટર લાંબી મહાકાય ઉલ્કા મરક્યુરી સાથે અથડાઈ હતી. તેની અસરથી મરક્યુરી પર ૧૫૫૦ કિલોમીટર જેટલી સપાટી પર જબરદસ્ત ખાડો પડી ગયેલો.
આ રીતે સૌથી મોટા ક્રેટરનું નામ છે કેલરિસ બેસિન, જેને ૧૯૭૪માં મરિનર-૧૦ યાને શોધી કાઢ્યો હતો. આ ગોબાનો વ્યાસ છે ૧૫૫૦ કિલોમીટર એટલે કે બુધના વ્યાસ કરતાં ચોથા ભાગનો! માની લો કે આ ગોબામાં આખું મધ્ય પ્રદેશ રાજ્ય સમાય અને સાથોસાથ પડોશી રાજ્યોના અમુક વિસ્તારો પણ આવરી લેવાાય. કેલરિસ બેસિનની કિનાર અંદાજે ૬,૫૦૦ ફીટ ઊંચા પર્વતો વડે બનેલી છે, જ્યારે અંદરનો બેસી ગયેલો પ્રદેશ જબરજસ્ત રકાબી જેવો છે. હવે તો ચંદ્રની માફક બુધ પર પણ રચાયેલા ક્રેટરને જ્હોન લેનોન, બ્રોન્ટ સિસ્ટર્સ, ચકબેરિસ વગેરેના નામ અપાયા છે.
લઘુ ગ્રહો અને ઉલ્કાઓના ગોદા ખાતા બુધ ગ્રહ પર ૩૧.૭ ટકા પોટેશિયમ, ૪૯.૯ ટકા સોડિયમ, ૯.૫ ટકા અટોનિક ઓક્સિજન, ૭ ટકા ઓર્ગોન, ૫.૯ ટકા હેલિયમ, ૫.૬ ટકા મોલેક્યુલર ઓક્સિજન, ૪.૨ ટકા નાઈટ્રોજન, ૩.૬ ટકા કાર્બન ડાયોક્સાઈડ, ૩.૪ ટકા પાણી અને ૩.૨ ટકા હાઇડ્રોજન હોવાનું મનાય છે. મરક્યુરીને પોતાના કોઈ ઉપગ્રહ કે ચન્દ્ર નથી.
અમેરિકાની સ્પેસ એજન્સી નાસાએ સૌરમંડળના સૌથી નાના ગ્રહ બુધના ફોટો થોડાં સમય પૂર્વે શેર કર્યા હતા, જે આ ગ્રહ માટે મોકલવામાં આવેલા અવકાશયાન મેસેન્જર દ્વારા લેવામાં આવ્યા હતા. બુધની ફરતે ચક્કર લગાવતા ગ્રહના ફોટો શેર કરતાં નાસાએ કેપ્શન આપી હતી, ધરતીના ચંદ્ર કરતાં સહેજ મોટો બુધ સૌરમંડળનો સૌથી નાનો ગ્રહ છે. વળી એ સૂર્યની પ્રદક્ષિણા પણ સૌથી વધુ ઝડપે (એટલે કે પ્રતિ સેકન્ડ ૪૭ કિલોમીટરની ઝડપે) કરે છે. બુધનો ફોટો જોતાં એના પર પીળાશ પડતા રાતા અને વાદળી રંગના અનેક શેડ્સ દેખાય છે. આ ફોટો શેર થયા પછી એક સ્પેશ સાયન્ટીસ્ટે એને હીરા સાથે સરખાવ્યો છે. બુધ ગ્રહ પરનું વાતાવરણ એકદમ પાતળું છે. બીજા શબ્દોમાં કહી શકાય કે ત્યાં હવા જ નથી. મરક્યુરીના વાતાવરણના અણુઓ અંતરિક્ષમાં ઝડપથી ખોવાઈ જાય છે.
તેની પરના પોટેશિયમ અને સોડિયમ વાયુનો લાઈફસ્પાન માંડ ત્રણ વર્ષનો છે. પરંતુ ગ્રહ પરનું મિકેનિઝમ જ એવું છે કે જે વાયુઓનો નાશ થાય છે. તેની જગાએ તે જ વાયુઓનું સર્જન પણ ફરીથી થાય છે. ખાસ કરીને મરક્યુરીની ગુરુત્વાકર્ષણ શક્તિ જે સૂર્ય પવનોને પકડી લે છે તેમાંથી આ વાયુઓ પેદા થાય છે.
મરક્યુરીની ભૂમિમાં આયર્ન વધુ હોઈ તે વધુ નક્કર છે. આ ગ્રહ ૭૦ ટકા ધાતુનો અને ૩૦ ટકા સિલિકોનનો બનેલો છે.
મરક્યુરીનું રોટેશન ધીમું હોવાના કારણે તેની ચુંબકીય તાકાત વધુ છે. મરક્યુરી પર આયર્ન કેમ વધુ છે તે માટે અનેક થિયરી પર કામ થઈ રહ્યું છે.
બુધની કુંડળી આટલે સુધી ખોલ્યા પછી જણાવી દઉ કે પૃથ્વી માટે એક સારા અને ખરાબ એમ બન્ને સમાચાર છે. શુભ સમાચાર એ છે કે સૂર્ય ગમે તેટલો ફેલાઈ જશે તો પણ પૃથ્વીને તે કોળીયો કરી શકશે નહીં પરંતુ બીજા અશુભ સમાચાર છે કે ૧.૧ અબજ વર્ષ પછી ગ્રીનહાઉસ ઇફેક્ટને કારણે પૃથ્વી પરના તમામ જીવો નાશ પામશે.
સૂર્ય પર સંશોધનો કરતી અમેરિકાની સોલર રિસર્ચ ઈન્સ્ટિટયૂટે આ આગાહી કરી છે. ખગોળશાસ્ત્રીઓના જણાવ્યા અનુસાર આજથી ૪.૫ અબજ વર્ષ પહેલાં સૂર્ય જેટલો પ્રકાશીત હતો તેના કરતાં ૩૦ ગણો વધુ ચમકી રહ્યો છે. આ વધતા ક્રમમાં તે એક દિવસ લાલ રંગનો ભયંકર ગોળો બની જશે. એક અનુમાન મુજબ ૧.૧ અબજ વર્ષ બાદ સૂર્ય હજી દસ ગણો વધુ પ્રકાશીત હશે. પરિણામે પૃથ્વીની જીવસૃષ્ટી ગ્રીન હાઉસ ઇફેક્ટ હેઠળ પ્રલય તરફ ધપી જશે.
વૈજ્ઞાનિકો એવા મત ઉપર આવ્યા છે કે અસાધારણ ગરમીના કારણે પૃથ્વી પરનું પાણી બાષ્પીભવન થઈને ઊડી જશે અને આ પ્રક્રિયા દરમિયાન પૃથ્વી ગરમ થઈ જશે.
ઉપર જનારી વરાળને કારણે સૂર્યનાં પારજંબાલી કિરણોનું વિઘટન થશે અને હાઇડ્રોજન હલકો હોવાથી બ્રહ્માંડમાં તેનું વિલિનીકરણ થઈ જશે. પરિણામે પૃથ્વી પર પાણી ખતમ થઈ જશે. ટૂંકમાં ૩.૫ અબજ વર્ષ બાદ સૂર્ય ૪૦ ગણો વધુ તેજસ્વી હશે અને સમુદ્રોનું પાણી વરાળ બનીને ઉડી જશે. આ રીતે પૃથ્વી શુક્ર જેવી નિર્જીવ, શુષ્ક અને અત્યંત ગરમ બની જશે.
બીજું એક એવું અનુમાન છે કે ૪.૮ અબજ વર્ષ પછી સૂર્યનો પોતાનો હાઇડ્રોજન સ્રોત સમાપ્ત થઈ જશે અને સૂર્ય ભયંકર એવા લાલ ગોળામાં પલટાઈ જશે ત્યારે હાઇડ્રોજન સળગી ઉઠવાને કારણે સૂર્ય પરનો હીલીયમ પણ એક ખૂણામાં સળગવા માંડશે. એ સમયે સૂર્યનો પ્રકાશ બેગણો થઈ જશે. એના ૧.૩ અબજ વર્ષ બાદ સૂર્યનો વ્યાસ મોટો થવા માંડશે અને સૂર્ય આજે છે તેના કરતાં ૧૭૦ ગણો મોટો થઈ જશે. પરિણામે સૂર્ય સૌથી પહેલાં તેના નજીકના ગ્રહ બુધને ગળી જશે. તેના ૯૯ કરોડ વર્ષ બાદ સૂર્યનો વ્યાસ હજુ વધશે અને તેનું તેજ ૫૨૦૦ ગણું વધી જશે.
પરંતુ તેમ થવાથી પૃથ્વી તેનો ભોગ બનશે કે કેમ તે માટે અભ્યાસ થઈ રહ્યો છે. એમ મનાય છે કે સૂર્યનો પ્રકાશ વધશે પણ તેનું વજન હાલ છે તેના કરતાં ૭૨.૫ ટકા જ રહેશે. જ્યારે પૃથ્વીનું વજન ઘટીને હાલ છે તેના કરતાં ઘટીને ૫૯.૯ ટકા થઈ જશે. હવે થશે એવું કે સૂર્યનું ગુરુત્વાકર્ષણ ઘટશે એટલે બીજા ગ્રહો તેનાથી દૂર ભાગશે. શુક્ર આજે છે તેના કરતાં ૧.૨૨ ગણો દૂર ભાગશે. પૃથ્વી આજે છે તેના કરતાં ૧.૬૯ ગણી દૂર જતી રહેશે.
ટૂંકમાં મંગળ પરીઘ સુધી પૃથ્વી પહોંચી જશે. તેમ છતાં પૃથ્વી પરનું તાપમાન ૧૬૦૦ ડીગ્રી હશે. આટલી ગરમીમાં ખડક પણ પીગળી જાય. પરંતુ ધીમે ધીમે સૂર્ય સંકોચાવા માંડશે. પૃથ્વી વધુ દૂર જશે અને હીમયુગનો આરંભ થશે. સૂર્ય ઓછી શક્તિવાળો થઈ જશે અને ક્રમશઃ શુક્ર અને પૃથ્વી અત્યંત ઠંડીમાં ડૂબી જશે.
ખેર, આ બધી ખૂબ દૂરના ભવિષ્યની વાત છે. વર્તમાનમાં બુધની ચોક્કસ પરિસ્થિતિ કેવી છે, અને તેની આસપાસ રચાયેલા રહસ્યના વાદળોનો ભેદ પારખવા એક નવું અભિયાન આગામી નવેમ્બર-ડિસેમ્બરમાં શરૂ થવાનું છે. યુરોપ અને જપાનના જોઈન્ટ મિશન બેપી કોલોંબો એપ્રિલ ૨૦૨૭થી બુધની નવી તસવીરો અને તાસીર રજુ કરશે.
ખગોળશાસ્ત્રીઓ એવું માને છે કે બુધનો બારીકાઈથી અભ્યાસ કરવો જરૂરી છે. કારણ કે ઘણા ખગોળવિજ્ઞાનીઓ એવી શંકા વ્યક્ત કરી રહ્યા છે કે મંગળ અને આપણો ચંદ્ર પણ કદમાં ઘટી રહ્યા છે.




