Ravi Purti

આશિક હૂં મૈં... કાતિલ ભી હૂં

By GS Team
11 Jul 20266 mins read
આશિક હૂં મૈં... કાતિલ ભી હૂં

સિનેમા એક્સપ્રેસ-શિશિર રામાવત
'ઝુલ એન્ડ જિમ' ફિલ્મ સવાલ કરે છે: જેને 'પ્રેમ' જેવું રૂપાળું નામ મળ્યું છે તે લાગણી પોતાની સીમાનું ઉલ્લંઘન સતત કર્યા કરે ત્યારે શું થાય? વિવાદાસ્પદ સિયા ગોયલ-કેતન અગરવાલ-ચેતન ચૌધરીના કેસ જેવો વિવાદાસ્પદ પ્રણય ત્રિકોણ હોય, એમાં સેક્સ અને લગ્ન જેવાં તત્ત્વો ઉમરાયાં હોય ત્યારે કશુંય સામાન્ય રહી શકે ખરું?

વી સ વર્ષની સિયા ગોયલે પોતાના મંગેતર કેતન અગરવાલની કરેલી કથિત હત્યાએ પેદા કરેલા તરંગો શાંત પડવાનું નામ લેતા નથી. આ ખરેખર તો લવ-ટ્રાયેન્ગલ છે. સિયાનો બોયફ્રેન્ડ ચેતન ચૌધરી પ્રણય ત્રિકોણનો ત્રીજો ખૂણો છે. પ્રણય ત્રિકોણ અને હત્યાનું ખતરનાક કોકટેલ તૈયાર થાય ત્યારે જાતજાતના સવાલો પેદા થાય: હત્યા પાછળ ઈરાદો શો હતો? અહીં વિક્ટિમ કોણ છે? ખરેખર દોષ કોનો છે? સિનેમા અમુક અણિયાળો સવાલો દાયકાઓથી પૂછતું આવ્યું છે: જેને 'પ્રેમ' જેવું રૂપાળું નામ મળ્યું છે તે લાગણી પોતાની સીમાનું ઉલ્લંઘન સતત કર્યા કરે ત્યારે શું થાય? ત્રણ માણસો - બે પુરુષ અને એક ી - એકમેકને પ્રેમ કરતાં હોય, એમાંય ખાસ કરીને સેક્સ અને લગ્ન જેવાં તત્ત્વો ઉમરાયાં હોય ત્યારે કશુંય સામાન્ય રહી શકે ખરું?
આજે 'ઝુલ એન્ડ જિમ' (૧૯૬૨) નામની એક ક્લાસિક ફ્રેન્ચ ફિલ્મની વાત કરવી છે. તેમાં એક પણ એક ટ્રેજિક લવ-ટ્રાયેન્ગલ છે. ડિરેક્ટર ફ્રાન્ઝવાં ત્રુફોનું બહુ મોટું નામ છે. ન્યુ વેવ ફ્રેન્ચ સિનેમા તરીકે જાણીતા બનેલા દોરમાં જે ફ્રેન્ચ ફિલ્મો બની તેણે દુનિયાભરના દેશોમાં બનતી ફિલ્મો પર તીવ્ર પ્રભાવ પેદા કર્યો હતો. ત્રુફો આ ન્યુ વેવ ફ્રેન્ચ સિનેમાના એક અગ્રેસર ફિલ્મમેકર છે.
શું છે 'ઝુલ એન્ડ જિમ'માં? સો કરતાંય વધારે વર્ષ પહેલાંની વાત છે. પેરિસમાં ઝુલ (ઓસ્કર વર્નર) અને જિમ (હેનરી સીર) નામના બે પાક્કા દોસ્તાર રહે છે. બન્ને ભરપૂર જુવાનીથી છલકતા કલાપ્રેમી માણસો. ઝુલ (અંગ્રેજી સ્પેલિંગ પ્રમાણે આ નામ 'જુલ્સ' વંચાય છે) સ્વભાવે શરમાળ અને અંતર્મુખ. એની તુલનામાં જિમ ઘણો વધારે બહિર્મુખ. એક દિવસ બન્નેનો ભેટો કેથરીન (ઝાન મોહો) નામની અલગારી યુવતી સાથે થઈ ગયો. કેથરીન જબરી બિન્દાસ. અતિ ચંચળ. કઈ ઘડીએ એનો કેવો મૂડ હશે અને ક્યારે શું કરી બસશે એ કોઈ કળી ન શકે. ઝુલ અને જિમ સાથે એનું જબરું ક્લિક થઈ ગયું. ત્રણેય એકમેકના સંગાથમાં પુષ્કળ સમય પસાર કરવા લાગ્યાં. ઝુલ અને જિમ બન્ને એના પ્રેમમાં પડયા.
દરમિયાન પ્રથમ વિશ્વયુદ્ધ ઘોષિત થયું. ઝુલ પોતાને વતન ઓસ્ટ્રિયા ચાલ્યો ગયો. સાથે કેથરીનને પણ લઈ ગયો. બન્નેએ લગ્ન કરી લીધાં. ચાર-પાંચ વર્ષના ગાળા બાદ જિમ તેમને મળવા એમના સુંદર મજાના ઘરે ગયો. કેથરીન અને ઝુલ એક દીકરીનાં મા-બાપ બની ચુક્યાં હતાં. જોકે પતિ-પત્ની વચ્ચેનો સંબંધ કથળી ચુક્યો હતો. ઝુલ પોતાના દોસ્ત સામે હૈયું ઠાલવતા કહે છે કે કેથરીન સાથે કેવી રીતે પનારો પાડવો એ જ મને સમજાતું નથી. અમારી વચ્ચે ઝઘડો થાય તો મારા પાર ગુસ્સો ઉતારવા એ પરપુરુષો સાથે સંબંધો બાંધે છે. વચ્ચે છ મહિના સુધી એ ઘર અને નાનકડી દીકરીને છોડીને જતી રહી હતી. આમ છતાંય ઝુલ પત્નીને ખૂબ પ્રેમ કરે છે અને કોઈ પણ ભોગે એને ખોવા માગતો નથી.
જિમ અને કેથરીન વચ્ચે પણ એક સમયે કુમળી લાગણી હતી જ. કેથરીન વર્ષો પછી મળેલા જિમ સાથે ફ્લર્ટ કરવા લાગે છે. ઝુલને બધી ખબર છે. એ બાપડો કહે છે કે તમે વિના સંકોચે સંબંધ આગળ વધારી શકો છો, હું તમારી વચ્ચે નહીં આવું!
પણ આવા થૂંકના સાંધા જેવા સગવડિયા સંબંધો કેટલો સમય ચાલે? કેથરીન સાથેના સંંબંધમાં ટેન્શન થવા માંડયું એટલે જિમ પાછો ફ્રાન્સ જતો રહ્યો. એમની પાછળ પાછળ પતિ-પત્ની પણ ફ્રાન્સ આવ્યાં. કેથરીને જિમનું દિલ જીતવાની ખૂબ કોશિશ કરી, પણ જિમ આ વખતે મક્કમ હતો. એણે પોતાની એક એક્સ ગર્લફ્રેન્ડ સાથે લગ્ન કરવાનું નક્કી કરી નાખ્યું હતું.
સંબંધોમાં અસ્પષ્ટતા અને તનાવ સતત વધતાં ગયાં. એક દિવસ ત્રણેય ભેગાં થયાં ત્યારે કેથરીન જિમને કહ્યું, 'મારે તને કશુંક કહેવું છે.' આમ કહીને પ્રેમીને પોતાની કારમાં બેસાડયો. કેથરીને મનમાં જાણે કશીક ગાંઠ વાળી લીધી હતી. એનું વર્તન ભેદી બની ગયું હતી. એણે બ્રિજ પર કાર મારી મૂકી. બ્રિજ પર એક જગ્યાએ પાળી થોડીક તૂટેલી હતી. કેથરીને તે તૂટેલા ભાગ તરફ ગાંડાની જેમ કાર ભગાવી. કાર હવામાં ફંગોળાઈને સીધી નીચે ધસમસતી વહી રહેલી નદીમાં ખાબકી. ઝુલ સ્તબ્ધ થઈ ગયો. એક ઝાટકમાં એણે પત્ની અને દોસ્ત બન્નેને ખોઈ નાખ્યાં. બસ, આ આઘાતજનક બિંદુ પર ફિલ્મ પૂરી થાય છે.
હેનરી-પીઅર રોશ નામના ફ્રેન્ચ લેખકે 'ઝુલ એન્ડ જિમ' નામની એક નોવેલ લખી હતી. જુવાનીમાં તેઓ પ્રણયત્રિકોણ જેવી અવસ્થામાંથી પસાર થયા હતા. તે અનુભવો અને લાગણીઓ તેમણે નવલકથામાં આલેખ્યા છે. આ પુસ્તક કોઈએ વાંચીને પસ્તીમાં કાઢી નાખ્યું હશે, જે પેરિસની સેકેન્ડ-હેન્ડ ચોપડીઓ વેચતી કોઈ દુકાનમાં પહોંચી ગયું. ડિરેક્ટર ફ્રાન્ઝવાં ત્રુફો એક વાર અહીં જુનાં થોથાં ઉથલાવી રહ્યા હતા ત્યારે અચાનક તેમના હાથમાં આ ચોપડી આવી ગઈ. એમણે ઊભા ઊભા બે-ચાર પાનાં વાંચી નાખ્યા. ખૂબ રસ પડયો એટલે પછી નિરાંતે આખી ચોપડી વાંચી. ત્યાર બાદ નવલકથાના લેખકને મળ્યા ને ફિલ્મ બનાવવા માટેના રાઈટ્સ માગ્યા. ત્રુફો તે વખતે ફ્ક્ત ૨૯ વર્ષના હતા, જ્યારે નવલકથાકાર રોશ ૭૪ વર્ષના. ત્રુફોની બે ફિલ્મો ઓલરેડી રિલીઝ થઈ ચુકી હતી અને વખણાઈ ચૂકી હતી. રોશને ત્રુફોનો ઉત્સાહ સ્પર્શી ગયો. એમણે ત્રુફોને ફક્ત રાઈટ્સ જ નહીં, બલકે, સાઠ વર્ષથી સાચવી રાખેલી પોતાની પર્સનલ ડાયરીઓ પણ આપી. તે વખતે રોશે ક્યાં વિચાર્યું હશે કે આ માણસ જે ફિલ્મ બનાવવાનો છે તે માસ્ટરપીસ બનીને અમર બની જવાની છે!
ટાઈટલ ભલે 'ઝુલ એન્ડ જિમ' રહ્યું, પણ ફિલ્મનો અસલી 'હીરો' તો કેથરીન છે. ફિલ્મ કથાપ્રવાહની ડ્રાઈવર-સીટ પર કેથરીન બેઠી છે. વાર્તામાં જે અણધાર્યા ટ્વિસ્ટ્સ-એન્ડ-ટર્ન્સ આવતા રહે છે તે કેથરીનનાં અનપ્રેડિક્ટિબલ વર્તન-વ્યવહારને કારણે આવે છે. કેથરીન મુક્ત પંખી છે. એ કોઈ એક જગ્યાએ કે કોઈ એક વ્યક્તિ સાથે બંધાઈને રહી શકે જ નહીં. એ સૌથી વધારે પોતાની જાતને પ્રેમ કરે છે. પ્રિયપાત્રને એ પ્રસન્નતા અને પીડા બન્ને એકસરખી માત્રામાં આપતી રહે છે. એક અસર એવી ઉપજે કે કેથરીન ભલે અવિચારીપણે જીવતી હોય તેવું લાગે, પણ મૂળભૂત રીતે એ વિચારશીલ ી છે. અંતમાં કેથરીન નદીમાં કૂદી પડે છે. તે જાણે કે મુક્તિની ક્ષણ છે. પ્રેક્ષક ભલે કેથરીન સાથે સહમત ન હોય પણ તેમને ક્યારેય કેથરીન પ્રત્યે અભાવ કે અણગમો જાગતો નથી. આ પ્રકારનું પાત્ર ઊપસાવવું ખૂબ કઠિન છે. અમેરિકા જેવા આધુનિક દેશમાં આ ફિલ્મ જ્યારે રિલીઝ થઈ ત્યારે ત્યાંના રુઢિચુસ્ત ખ્રિસ્તીઓએ આવી 'ચરિત્રહીન' નાયિકા વિરુદ્ધ ગોકીરો મચાવી દીધો હતો.
સિનેમાનો ઉદ્દેશ, અલબત્ત, પ્રજાને ઉપદેશ આપવાનો કે સુધારવાનો ક્યારેય નહોતો. સમય જતાં આ ફિલ્મને એક કલ્ટ સ્ટેટસ મળ્યું. માસ્ટરપીસનો દરજ્જો મળ્યો. કેટલાંય વિવેચકોની દષ્ટિએ 'ઝુલ એન્ડ જિમ' ત્રુફોની શ્રે ફિલ્મ છે. ન્યુ ફ્રેન્ચ વેવ હેઠળ જે કોઈ ફિલ્મો બની હતી તેમાં 'ઝુલ એન્ડ જિમ' સંભવત: સૌથી વધારે પ્રભાવશાળી પૂરવાર થઈ. તેણે ફિલ્મમેકિંગની એક નવી ભાષા, નવી શૈલી ઈન્ટ્રોડયુસ કરી. ન્યુઝરીલ ફૂટેજ, ફ્રીઝ ફ્રેમ, વોઈસઓવર દ્વારા વાર્તા આગળ વધારવી - આ બધાનો ત્રુફોએ બહુ સરસ રીતે ઉપયોગ કર્યો. માર્ટિન સ્કોર્સેઝી, ક્વેન્ટિન ટેરેન્ટિનો જેવા હોલિવુડના દિગ્ગજ ફિલ્મમેકરો 'ઝુલ એન્ડ જિમ'થી પ્રભાવિત રહ્યા છે.
'ઝુલ એન્ડ જિમ' ૬૪ વર્ષ જૂની છે, પણ આજેય તે તરોતાજા અને રિલવન્ટ લાગે છે. લાગે જ, ખાસ કરીને સિયા ગોયલ - કેતન અગરવાલ - ચેતન ચૌધરી પ્રકારના ઘાતકી લવ ટ્રાયેન્ગલ મિડીયામાં ધમાલ મચાવી રહ્યો હોય ત્યારે!
શો સ્ટોપર
સરકાર ફિલ્મ પર જેટલો વધારે પ્રતિબંધ મૂકશે, લોકો એટલી વધારે માત્રામાં ફિલ્મ જોશે. 'સતલજ' ફિલ્મ જોવાનો મારો કોઈ ઈરાદો નહોતો, પણ એના પ્રતિબંધ મૂકાયો એટલે હવે હું તે જોઈશ. હું તો કહું છું કે બધાએ આ ફિલ્મ જોવી જોઈએ. ભલે પાઇરેટેડ વર્ઝન હોય, પણ જુઓ.

  • અનુરાગ કશ્યપ
    (ફિલ્મમેકર)