જીનીવા દુનિયાનું પીસ કેપિટલ કેવી રીતે બન્યું?

- સાઈન-ઈન-હર્ષ મેસવાણિયા
- અમેરિકા-ઈરાન અને રશિયા-યુક્રેન - એમ બે યુદ્ધો અત્યારે ચાલી રહ્યાં છે અને બંને મોરચે શાંતિ સ્થાપવાના પ્રયાસો માટે જે વાટાઘાટો ચાલે છે એનું સ્થળ છે જીનીવા…
વર્ષ : ૧૮૬૩.
સ્થળ : જીનીવા.
યુદ્ધમાં ઘાયલ થયેલા સૈનિકોને રણમેદાનમાં જ મેડિકલ સહાય મળે તેવી વ્યવસ્થા કરવા માટે બેઠક મળી હતી. ૧૬ દેશોના ૩૯ પ્રતિનિધિઓ બેઠકમાં હાજર હતા અને તેની આગેવાની લીધી હતી હેનરી ડયૂનાંએ. એ જ હેનરી ડયૂનાં, જેમણે પછીથી રેડ ક્રોસ સોસાયટીની સ્થાપના કરી. બેઠકનો એજન્ડા એવો હતો - યુદ્ધો વખતે બધા જ દેશોના ડોક્ટર્સ, સહાયક સ્ટાફ અને સ્વયંસેવકો ઈજાગ્રસ્ત સૈનિકોને મદદ કરે. જરૂરી આર્થિક સહાય કરે. મેડિકલ સ્ટાફ પર લશ્કરી હુમલો ન થાય. એ બેઠક સફળ રહી અને ઘણાં દેશોમાં એમાં સહમત થયા. ૧૬ દેશોના પ્રતિનિધિઓ હાજર રહ્યા હોવાથી તેને પહેલી આંતરરાષ્ટ્રીય ડિપ્લોમેટિક બેઠક ગણવામાં આવે છે. એ બેઠક મોડર્ન માનવ ઈતિહાસમાં 'જીનીવા કન્વેન્શન્સ' નામથી જાણીતી બની. આ જ નામથી પછી જીનીવામાં ૧૯૪૯ સુધીમાં ચાર બેઠકો થઈ હતી ને તેના સુધારા માટેય ૧૯૭૭ અને ૨૦૦૫માં કરારો થયા.
વર્ષ : ૧૯૧૯
સ્થળ : જીનીવા.
પ્રથમ વિશ્વયુદ્ધ પછી દેશો વચ્ચે શાંતિ સ્થાપવા કે વિવાદો ઉકેલવા માટે એક આંતરરાષ્ટ્રીય સંગઠનની જરૂર વર્તાઈ હતી. એવા સંગઠનની વિચારણા કરવા માટે જીનીવામાં ૧૯૧૯માં પહેલી બેઠક મળી. એ બેઠકમાં લીગ ઓફ નેશન્સની સ્થાપનાનો પાયો નખાયો. જે આજની યુનાઈટેડ નેશન્સની પૂર્વવર્તી સંસ્થા હતી. ઈનફેક્ટ, લીગ ઓફ નેશન્સનું હેડક્વાર્ટર જ જીનીવામાં બન્યું. દુનિયામાં શાંતિ સ્થાપવા માટે પેરિસમાં ૧૯૨૦માં કરારો થયા તેની પૂર્વભૂમિકા જીનીવામાં બની હતી. જીનીવાની ૧૯૧૯માં થયેલી બેઠકને દુનિયાની પહેલી ઈન્ટરનેશનલ પીસ કોન્ફરન્સ કહેવાય છે. બધા માન્ય દેશોનું એક સંગઠન બનાવવાની દિશા એ બેઠકથી ખૂલી હતી.
વર્ષ : ૧૯૨૫
સ્થળ : જીનીવા.
પ્રથમ વિશ્વયુદ્ધ પહેલાં જ યુદ્ધોમાં કેમિકલ વેપન્સનો ઉપયોગ શરૂ થઈ ચૂક્યો હતો. ૨૦મી સદીના અંતે જે યુદ્ધો થયાં એમાં કેમિકલ હથિયારોના ગંભીર પરિણામો સામે આવ્યા હતા. વિશ્વયુદ્ધ વખતે જર્મનીએ બેલ્જિયમમાં ક્લોરિનનો જથ્થો ઠાલવીને રાસાયણિક હુમલાને અંજામ આપ્યો હતો. વિશ્વયુદ્ધમાં રાસાયણિક હુમલાનું વધતું પ્રમાણ જોયા પછી ૧૯૨૫માં જીનીવામાં આંતરરાષ્ટ્રીય બેઠક મળી હતી. અમેરિકા, બ્રિટન, ફ્રાન્સ, રશિયા સહિતના ૪૦ દેશોના પ્રતિનિધિઓએ જીનીવામાં યોજાયેલી આ સંધિમાં ભાગ લીધો અને રાસાયણિક હુમલા ન કરવા સહમત થયા હતા. એ બેઠક 'જીનીવા પ્રોટોકલ' નામે ઓળખાય છે. એની ફોલોઅપ બેઠકો પણ જીનીવામાં ૧૦૦ વર્ષથી યોજાતી રહે છે.
સ્વિટ્ઝર્લેન્ડના જીનીવામાં આવી તો કેટલીય ઐતિહાસિક બેઠકો યોજાઈ છે. અસંખ્ય ઈમ્પોર્ટન્ટ કરારો થયા છે. ૧૯૩૬માં નાર્કોટિક્સ ડ્રગ્સ કન્વેન્શન્સ, ૧૯૫૧માં રેફ્યૂજી કન્વેન્શન જેવી સમજૂતીઓ જીનીવામાં થઈ છે. ગ્લોબલ ડિપ્લોમસી, મોડર્ન માનવ અધિકારોની સ્થાપના, આંતરરાષ્ટ્રીય કાયદા ઘડવાની પહેલ જીનીવામાં થઈ છે.
ને અત્યારે પણ અમેરિકા અને ઈરાનની શાંતિ સમજૂતીની બેઠકો જીનીવામાં યોજાઈ રહી છે. અમેરિકા-ઈરાનના યુદ્ધના કારણે હોર્મુઝની ખાડી બંધ છે અને વૈશ્વિક વેપારને મોટો ફટકો પડયો છે. યુક્રેન-રશિયાનું યુદ્ધ પણ સાડા ચાર વર્ષથી ચાલી રહ્યું છે અને તેના કારણે લાખો લોકો બેઘર બન્યાં છે. આ બે મોટા યુદ્ધો અટકે તે માટે અનેક પ્રયાસો જીનીવામાં થઈ રહ્યાં હોવાથી અત્યારે જીનીવા
ચર્ચામાં છે.
જીનીવા દિલ્હી, મુંબઈ, કોલકાત્તા, હૈદરાબાદ, ચેન્નાઈ કે અમદાવાદ-રાજકોટ-સૂરત-બરોડા જેવા શહેરોથી તો ક્યાંય નાનું છે. માત્ર ૧૬ વર્ગ કિલોમીટરમાં ફેલાયેલા આ શહેરમાં માંડ બે લાખની વસતિ રહે છે, પણ આ નાનકડા શહેરમાં દુનિયાભરના સંગઠનોના હેડક્વાર્ટ્સ ધમધમી રહ્યા છે. જગત આખાના ડિપ્લોમેટ્સ જીનીવામાં આંટા-ફેરાં કરતાં રહે છે.
સવાલ એ છે કે શાંતિકરારો માટે સ્વિટ્ઝર્લેન્ડના જીનીવા પર જ પસંદગી કેમ થાય છે? જીનીવા કેવી રીતે દુનિયાનું પીસ કેપિટલ બની ગયું છે? એ કયા કારણો છે જે જીનીવાને પીસ કેપિટલ બનાવે છે?
સ્વિટ્ઝર્લેન્ડે છેક ૧૮૧૫માં ન્યૂટ્રલ રહેવાનું પસંદ કર્યું હતું. એ વખતે નેપોલિયનના પરાજય પછી વિએનામાં બેઠક મળી હતી ત્યારે સ્વિટ્ઝર્લેન્ડે કોઈ પક્ષમાં ન જોડાવાનો નિર્ણય કર્યો હતો. એ પૉલિસી સ્વિટ્ઝર્લેન્ડે પ્રથમ વિશ્વયુદ્ધ અને બીજા વિશ્વયુદ્ધમાં પણ જાળવી રાખી. એકેય યુદ્ધમાં, એકેય પક્ષમાં સ્વિટ્ઝર્લેન્ડ જોડાયું ન હતું એટલે જ્યારે શાંતિકરારોની વાત આવતી ત્યારે નિષ્પક્ષ હોવાથી સામ-સામા વિરોધીઓ પણ સ્વિટ્ઝર્લેન્ડમાં બેઠક કરવાની સંમતિ આપતા. સ્વિટ્ઝર્લેન્ડ દુનિયાનો પહેલો એવો દેશ હતો જેણે રાજકીય રીતે નિષ્પક્ષ રહેવાનું પસંદ કર્યું હતું અને એ પણ એવા સમયે જ્યારે યુદ્ધોથી સલામત રહેવા માટે એકાદ જૂથમાં રહેવું જરૂરી મનાતું હતું.
પ્રથમ વિશ્વયુદ્ધમાં દુનિયાના દેશો બે ભાગમાં વહેચાયા, બીજા વિશ્વયુદ્ધમાં પણ એવું જ થયું અને કોલ્ડવોરમાં પણ અમેરિકા અને રશિયા તરફી જૂથો બન્યા. ભારત-ઈજિપ્ત, ઈન્ડોનેશિયા સહિતના ઘણાં દેશોએ બિનજોડાણવાદની પૉલિસી અપનાવી હતી ખરી, તેમ છતાં આ દેશોની ઈમેજ સ્વિટ્ઝર્લેન્ડ જેવી ન બની. એનું કારણ છે સ્વિટ્ઝર્લેન્ડની ડિફેન્સ પૉલિસી.
સ્વિટ્ઝર્લેન્ડ રાજકીય રીતે નિષ્પક્ષ હોવા ઉપરાંત લશ્કરની દૃષ્ટિએ પણ તટસ્થ છે. દુનિયાના મોટાભાગના દેશો કોઈને કોઈ દેશ સાથે લશ્કરી કરારો કરે છે, પણ સ્વિટ્ઝર્લેન્ડે મિલિટરી ન્યૂટ્રાલિટીની પૉલિસી અમલી બનાવી છે. સ્વિટ્ઝર્લેન્ડની ખાસિયત એ છે કે સરહદે સૈન્યની તૈનાતી રહેતી નથી. કારણ કે યુરોપના દેશો સાથે ફ્રી ટ્રાવેલના કરારો છે એટલે લશ્કરની જરૂર પડતી નથી, પરંતુ ત્યાંના દરેક પુરુષે અનિવાર્ય રીતે મિલિટરી ટ્રેનિંગ લેવી પડે છે અને સરકારનો આદેશ છૂટે ત્યારે ફરજ પર હાજર થવું પડે છે. લશ્કરી પોશાકની સાથે ઘરમાં હથિયારો રાખવાની પણ સરકાર પરવાનગી આપે છે. પણ સ્વિટ્ઝર્લેન્ડના શહેરોમાં અમેરિકાની જેમ અંધાધૂંધ ગોળીબારની ઘટનાઓ બનતી નથી.
સ્ટ્રીટ ક્રાઈમની વાત આવે ત્યારે જે દેશોમાં આવા બનાવો ખૂબ નગણ્ય બને છે એમાં સ્વિટ્ઝર્લેન્ડનું નામ પહેલું આવે છે. યુએન યુદ્ધગ્રસ્ત કે સંઘર્ષરત દેશમાં પીસકીપર્સ તૈનાત કરે છે. એમાં સ્વિસ સૈનિકો મોટી સંખ્યામાં હોય છે. સ્વિટ્ઝર્લેન્ડની સેન્ટ્રલ પૉલિસી જ માનવીય અધિકારના સમર્થનની છે અને આ વિશેષતા જ તેને દુનિયાના ડિપ્લોમેટિક મિશનોનું હબ બનાવે છે.
…તો હવે મુખ્ય સવાલ, સ્વિટ્ઝર્લેન્ડના બીજા શહેરો નહીં ને જીનીવા જ કેમ પીસ કેપિટલ બન્યું?
જ્યૂરિક સૌથી મોટું શહેર છે. બર્ન દેશના પાટનગર જેવો દરજ્જો ધરાવે છે અને પ્રાચીન શહેર તરીકે એની ખ્યાતિ છે. લ્યૂઝેર્ન જેવા શહેરો પણ જૂના છે. આ શહેરો પણ એટલા જ સલામત છે, પણ ગ્લોબલ પીસ કેપિટલ બન્યું - જીનીવા. એનું કારણ છે ૧૮૬૩ની જીનીવા કન્વેન્શન. એ બેઠક માનવ ઈતિહાસની પહેલી માનવ અધિકાર માટેની બેઠક હતી. તેનાથી મોડર્ન હ્મુમેનિટેરિયન એક્શનનો પાયો નખાયો. રેડ ક્રોસની સ્થાપના જીનીવામાં થઈ. જીનીવા સોસાયટી એવું પહેલું સંગઠન હતું, જે માનવ અધિકાર માટે કામ કરતું હતું. મોડર્ન ડિપ્લોમસીને શેપ આપતાં બે-ત્રણ મહત્ત્વના કરારો ૧૯મી સદીના અંતે જીનીવામાં થયા તેના પગલે ૨૦મી સદીમાં પણ આવી ગ્લોબલ ટોક માટે જીનીવા પહેલી પસંદ બનતું રહ્યું. પહેલા વિશ્વયુદ્ધ પછી ઈન્ટરગવર્નમેન્ટ ઓર્ગેનાઈઝેશન લીગ ઓફ નેશન્સ બનાવવાની હિમાયત જીનીવાથી થઈ, બીજા વિશ્વયુદ્ધ પછી માનવ અધિકારો ઘડવાની હાકલ પણ આ શહેરથી થઈ.
આ બધા કારણોએ જીનીવાની ગ્લોબલ પીસ કેપિટલની ઈમેજ મજબૂત બનાવી ને આટ-આટલી સરકારો બદલાઈ હોવા છતાં ૨૦૦ વર્ષથી સ્વિટ્ઝર્લેન્ડમાં રાજકીય-લશ્કરી પૉલિસીમાં પરિવર્તન ન આવ્યું એટલે જીનીવાની આ ઓળખ અકબંધ રહી. જીનીવા જુદા જુદા ક્ષેત્રોને આવરીને જીનીવા પીસ ટોકનું આયોજન કરે છે. દુનિયાના તમામ પ્રશ્નોના નિરાકરણની વિગતવાર ચર્ચા માટે પ્લેટફોર્મ પૂરું પાડે છે.
વેલ, આ જ જીનીવા આવતા વર્ષે ગ્લોબલ એઆઈ સમિટ હોસ્ટ કરશે. એઆઈ પૉલિસી, ફંડામેન્ટલ રાઈટ્સ જેવા મહત્ત્વના મુદ્દે એ સમિટમાં ચર્ચા થવાની છે. જે કામ ૨૦૨૬ની દિલ્હી એઆઈ સમિટમાં ન થયું એ જીનીવામાં થશે એવી આશા છે. એઆઈ સામે કરોડો નોકરીઓ અને માનવ અધિકાર જોખમમાં મૂકાયા છે ત્યારે ૧૮૬૩ની બેઠક જેવો કોઈ જાદુ આ શહેર કરશે એના પર દુનિયાની નજર રહેશે.
યુએનથી લઈને અનેક આંતરરાષ્ટ્રીય સંસ્થાઓના હેડક્વાર્ટર્સ જીનીવામાં
જીનીવામાં એક-બે કે પાંચ-પચ્ચીસ નહીં, ૪૦થી વધુ આંતરરાષ્ટ્રીય સંગઠનો કાર્યરત છે. સંયુક્ત રાષ્ટ્રસંઘનું યુરોપનું હેડક્વાર્ટર જીનીવામાં છે. તે સિવાય વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન, વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશન, ઈન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઈઝેશન, ઈન્ટરનેશનલ ઓર્ગેનાઈઝેશન ઓફ માઈગ્રેશન, વર્લ્ડ મીટરોલોજિકલ ઓર્ગેનાઈઝેશન, વર્લ્ડ ઈન્ટેલેક્યુઅલ પ્રોપર્ટી ઓર્ગેનાઈઝેશન, ઈન્ટરનેશનલ ટેલિકોમ્યુનિકેશન ઓર્ગેનાઈઝેશન જેવા સંગઠનોના હેડક્વાર્ટર્સ જીનીવાથી ચાલે છે. એટલું જ નહીં, રેડક્રોસ સહિતના ૭૫૦થી વધુ આંતરરાષ્ટ્રીય સેવાકીય સંગઠનો ને ૧૮૦ દેશોના ડિપ્લોમેટિક મિશનો જીનીવામાં સક્રિય છે. જીનીવામાં જેટલાં આંતરરાષ્ટ્રીય સંગઠનો કામ કરે છે એટલા દુનિયાના બીજા એકેય શહેરમાં કરતા નથી. જીનીવા ફિનાન્શિયલ સેન્ટર પણ છે. દુનિયાની કેટલીય નાણાકીય સંસ્થાઓ જીનીવાથી ચાલે છે.









