ગૌરવકુમારને નવરાત્રિનું ફળ કેવી રીતે મળ્યું?

- કેમ છે, દોસ્ત-ડૉ.ચન્દ્રકાન્ત મહેતા
- 'ભારતના લોકોને ઉંબરાના દેવો તરછોડીને ડુંગરાનાં દેવોને પૂજવાની આદત છે' ગૌરવકુમારની જીવનદ્રષ્ટિ
ગૌ રવકુમાર બાલ્કનીમાં ખુરશી પર બેઠા હતા. પુત્રવધૂ રાધિકા સાથે હોસ્પિટલ જવાનું હતું એટલે વહેલા તૈયાર થઈને રાધિકાની રાહ જોતા બાલકનીમાં બેઠેલા ગૌરવકુમારને વૃધ્ધાવસ્થાને કારણે ઝોકું આવી ગયું હતું.
… અને એમની નજર આગળ વીતેલી જિંદગીના દ્રશ્યો પસાર થઇ રહ્યા હતાં.
ત્યારે તેમની ઉંમર ૫૬ વર્ષની હતી. પુત્ર અધિકારે બી.કોમની પદવી પ્રાપ્ત કરી હતી. અધિકારને તેના મમ્મી મિતાલીદેવી ખૂબ જ ચાહતાં હતાં. એકનો એક દીકરો હોવાને કારણે મિતાલીદેવી તેને ખૂબ જ લાડ લડાવતાં હતાં. ગૌરવકુમાર ક્લાસ વન સરકારી ઓફિસર હતા. થોડી ઘણી સંપત્તિ વારસામાં મળેલી હતી. ખૂબજ સાદગીથી રહેતા એટલે ઘરખર્ચ પણ મર્યાદિત હતું. ગૌરવકુમાર ધાર્મિક, પરગજુ અને હૃદયના પવિત્ર ઇન્સાન હતા. તેઓ પોતે ગરીબ દર્દીઓને ફળફળાદિ વહેંચતા અને પોતાની મર્યાદામાં રહીને દવા પણ લાવી આપતા. તેમના પત્ની મિતાલીદેવીને તેમની આવી ઉદારતા ખપતી નહોતી. તેઓ માનતાં હતાં કે પુત્ર અધિકાર માટે જ વધુમાં વધુ ખર્ચ કરવું જોઇએ. તેને હરવા-ફરવા અને મનોરંજન માટે ભરપૂર આઝાદી આપવી જોઇએ. એટલે ગૌરવકુમારને પૂછ્યા સિવાય તેઓ અધિકારને તે માગે એટલા પૈસા આપતા.
અધિકારને તો એટલું જ જોઇતું હતું. તે બદમાશ મિત્રોની સોબતમાં ફસાઈ ગયો. નશામાં ચકચૂર થઇને એ ઘેર આવતો ત્યારે ગૌરવકુમાર તેને ઠપકો આપતાં, ત્યારે પણ અધિકાર તેની મમ્મીને કહેતો : 'મમ્મી, આ બુઢ્ઢાને કહી દે કે મારી બાબતમાં દખલ ન કરે. તેં મને મારી રીતે જીવવાની આઝાદી આપી છે. બસ, પછી મારે કેમ જીવવું એ મારે નક્કી કરવાનું છે. આવા બુઢ્ઢાઓ આદર્શવાદને નામે નથી પોતે ઠરતા કે નથી સંતાનોને ઠરવા દેતા.' આમ નશામાં અધિકાર બકવાસ
કર્યા કરતો.
ગૌરવકુમાર મિતાલીદેવીને કહેતાં : 'મિતાલી, આ તારો દીકરો સ્વચ્છંદી થઇ ગયો છે, એ તારા અતિશય લાડનું પરિણામ છે. મારા પૈસે તાગડધિન્ના કરે છે અને મને જ ગાળો આપે છે ! હું એનું આવું ગેરવર્તન સહન નહીં કરું'
'તો તમે શું કરી લેશો ? સગા દીકરાને જેલમાં પુરાવી દેશો ? બોલાવો પોલીસને અને કરાવો મારી ધરપકડ. આમાં મારાં કરતાં વધુ બદનામી તમારી થશે. અખબારોમાં હેડલાઈન બનશે : 'ક્લાસ વન સરકારી અધિકાર અને સમાજસેવક ગૌરવકુમારના પુત્રની પોલિસે નશાખોરી બદલ ધરપકડ' કરી. વાહ ભાઈ વાહ ! કેવા ફસાયા !' કહી અધિકાર ખડખડાટ હસવા લાગ્યો.
અને સહનશીલ ગૌરવકુમારનો પિત્તો ગયો. તેમણે અધિકારના ગાલ પર સટાસટ ચાર તમાચા ચોડી દીધા. ત્યારે મિતાલીદેવી ગૌરવકુમાર પર ખૂબ ગુસ્સે થઇ ગયા એ અધિકારને કલાક સુધી પંપાળતા રહ્યા. ગૌરવકુમાર દુ:ખી થઇને પોતાના બેડરૂમમાં ચાલ્યા ગયા. જમવાના સમયે મા-દીકરાએ જમી લીધું પણ ગૌરવકુમારને જમવા માટે ન બોલાવ્યા. આ પ્રસંગ પછી અધિકારે પોતાના પ્રત્યેનો માતાનો પ્રેમ જોઇ પોતાની જીવનશૈલી બદલી નાખી. અધિકાર પોતાની માતાને જ ગુરુ માનતો. અને પિતા ગૌરવકુમાર સાથે તેણે અબોલા શરૂ કરી દીધા હતા.
એક દિવસ મિતાલીદેવીએ પુત્ર અધિકારને કહ્યું : 'બેટા, મારી એક વાત માનીશ?' 'મમ્મી, અત્યાર સુધી મેં તમારી કઈ વાત નથી માની?' અધિકારે કહ્યું.
'બેટા, મારી ઇચ્છા છે કે તું હવે લગ્ન કરી લે. તારે માટે મેં રૂપવતી અને ગુણિયલ છોકરી જોઈ રાખી છે.'
'મમ્મી, એ બધું તો ઠીક પણ મારી પણ એક શરત છે. લગ્ન પછી એ મારી અંગતજીવન પર આક્રમણ ન કરે, એ તમારે જોવાનું. અત્યારે તો મેં કામચલાઉ જીવનશૈલી બદલી છે. પણ પહેલાંની જેમ હું સ્વતંત્રતા ભોગવવામાં માનું છું. તમારે હંમેશા સાચામાં કે ખોટામાં મારી પડખે રહેવાનું. બોલો કબૂલ છે, મમ્મી ?'
મિતાલી દેવી 'પડયા એવા દેવાશે' માં માનતા હતા. એટલે એમણે અધિકારને વચન આપ્યું. અને એક દિવસ તેઓ અધિકારને પોતાની સહેલી સોનાલીને ઘરે લઇ ગયા તેમની દીકરી રાધિકાને મળવા માટે. અધિકારનું વ્યક્તિત્વ ગમે તેને પ્રભાવિત કરી શકે એવું આકર્ષક હતું. સોનાલી ને રૂપાળો અને ઓછાબોલો અધિકાર ગમી ગયો. એમણે અધિકારને કહ્યું : 'બેટા અધિકાર, અમારી દીકરી રાધિકા આસ્તિક છે. વાણી, વર્તન, વ્યવહાર અને રહેણી-કરણીની પવિત્રતા અને સાદગીમાં માને છે. એટલે એને એવું વાતાવરણ સુલભ બનાવવાની તમારી તૈયારી હોય તો જ તમારું માગું અમને મંજૂર છે.'
મિતાલીદેવીએ કહ્યું : 'અધિકારના પપ્પા પણ પવિત્રતા અને જીવનશુધ્ધિના આગ્રહી છે. તમે ચિંતા ન કરશો.'
અને અધિકારનો લગ્નોત્વ રંગેચંગે ઉજવાઈ ગયો. રાધિકાએ સાસરે આવીને જોયું કે ઘરમાં બે ગૂ્રપ છે : એક અધિકાર અને તેની મમ્મી મિતાલીદેવીનું અને બીજું સસરાજી ગૌરવકુમારનું. પહેલું ગુ્રપ ઘરમાં રાજ કરે છે.
લગ્ન પછી અધિકારે પોતાની મૂળ રહેણી કરણી શરૂ કરી દીધી અને રાધિકાને એકલી મૂકીને પાર્ટીઓમાં જતો અને નશો કરીને મોડી રાત્રે ઘરે પાછો આવતો. શરૂઆતમાં રાધિકાએ અધિકારને સુધારવાની કોશિશ કરી. ત્યારે અધિકારે કહ્યું : 'રાધિકા, તું મિતાલીદેવીની પુત્રવધૂ તરીકે આ ઘરમાં આવી છે. હું તેમની પુત્રવધૂ તરીકે જીવવામાં મારા જીવનની સાર્થકતા માનું છું. સમજી ગયા ?' રાધિકાએ ઉગ્ર સ્વરમાં કહ્યું.
'તો ચાલ મમ્મી, આ ભક્તાણી અને મારા બુઢ્ઢા બાપને આ ઘરમાં પડયા રહેવા દે. મેં જુદું ઘર પણ રાખી લીધું છે. અને નોકરી પણ પાકી કરી લીધી છે. મમ્મી, તમે હંમેશા મારી સાથે રહેવાનું મને વચન આપ્યું છે. તે વચન પાળવાનો સમય આવી ગયો છે.'
અધિકારે કહ્યું.
અને મિતાલીદેવી તથા અધિકાર ઘર છોડી ચાલ્યાં ગયાં હતાં. મોહ જીત્યો હતો અને પવિત્રતા હારી હતી. બસ ત્યારથી ગૌરવકુમાર અને રાધિકા એકલા રહેતા હતા.
સસરા ગૌરવકુમાર બાલ્કનીમાં બેઠાં બેઠાં ઝોકા ખાતા હતાં એ
રાધિકાએ જોયું એણે પપ્પાજીને હલાવીને બૂમ પાડી. 'પપ્પાજી, ચાલો આપણે હોસ્પિટલ જવાનું છે. તમારી આંખો બતાવવા. આમ બેઠાં બેઠાં જ કેમ ઊંઘી ગયા ?'
'અરે બેટા, સારું થયું તે મને વિચારતંદ્રામાંથી જગાડયો. ચાલ આપણે જઇએ, હું તો તૈયાર જ છું. આજે મારું જમવાનું ના બનાવીશ મારે નવરાત્રિના ઉપવાસ કરવાના છે.'
'પપ્પાજી, જરા જાળવીને ચાલવું પડશે. વરસાદને કારણે રસ્તા પર ખાડા પડેલા છે. હું તમારો હાથ પકડી રાખીશ એટલ પડવાની ચિંતા ન કરતા. અને પપ્પાજી ઉપવાસની વાત ફરીથી વિચારવી પડશે.'
'અરે દીકરી, તું જેનો હાથ ઝાલે એ નિશ્ચિત થઇ જાય. કોણ જાણે કઇ માટીની બનેલી છે તું ? યૌવનમાં યુગલો મોજમજા અને મસ્તીને મહત્વ આપતાં હોય છે. જ્યારે તું કર્તવ્યને નામે જિંદગીનાં અંગત સુખોને તિલાંજલિ આપવા બેઠી છે.' સસરા ગૌરવકુમારે કહ્યું 'પપ્પાજી, વખાણી ખીચડી દાઢે વળગે. ખબર છે ને, આ કહેવત ? મને ચડાવી ન મારશો. વડલો લોકોને ઠારે છે, પણ વડલાને ઠારવાનો કોઇને વિચાર નથી આવતો. પપ્પાજી તમે દર વર્ષે નિયમિત રીતે નવરાત્રિના ઉપવાસ કરો છો, પણ આ વખતે હું તેમને ઉપવાસ નહીં કરવા દઉં. એક તો સૂકલકડી શરીર અને ફલાહાર તો ઠીક પણ દૂધ, ચા કે કોફી પણ નહીં લેવાનું વ્રત. એવું આકરું વ્રત હું તમને નહીં કરવા દઉં. હવે જિંદગીનાં જેટલાં વર્ષોનું જીવતર ભગવાન આપે, તેટલું શાંતિથી જીવો.
'બેટા, મેં આ વખતે નક્કી કર્યું છે કે માતાજીની રજા માગી નવરાત્રિના નકોરડા ઉપવાસ છોડી દેવા. જે ઘરમાં તારા જેવી દુવા આપનારી દીકરી હોય એનું ઘર જ મંદિર બની જાય. તું સાક્ષાત્ જગદંબા છે. ભારતના લોકોને ઉંબરાના દેવો તરછોડીને ડુંગરાના દેવોને પૂજવાની આદત છે. જેઓ સજ્જન છે તેમના સૌજન્યમાં દેવી દેવતાઓને વાસ છે. બેટા, મને રાતદિવસ તારી ચિંતા સતાવ્યા કરે છે અને…' બોલતાં ગૌરવકુમારની આંખો ભીની થઈ ગઈ.
'પપ્પાજી, આમ ભાવાવેશી બનશો તો કેમ ચાલશે ? તમે 'અને'થી આગ અટકી ગયા એનો અર્થ હું સમજી શકું છું. અને એટલે મારા પતિ અને આપના પુત્ર અધિકારના ગુનાનું સ્મરણ. ક્ષમા આપવાથી તમે કોઇનું કલ્યાણ વાંછી શકો છો. શત્રુને ક્ષમા આપવી સહેલી છે પણ સ્વજનને ક્ષમા પ્રદાન કરવાનું કામ અઘરું છે. માટે તો ક્ષમાની તપમાં ગણતરી થાય છે. પપ્પાજી તમે તમામ પ્રકારની આસક્તિઓ ખંખેરી નાંખો અને આંતરિક શાન્તિને મહત્ત્વ આપો. મારી ચિંતા સહેજ પણ કરશો નહીં.'
ડોક્ટરને આંખ બતાવીને રાધિકા તથા ગૌરવકુમાર ઘરે પહોંચ્યા ત્યારે બારણામાં એક કવર પડેલું હતું. અધિકારે પપ્પાની સંપત્તિમાંથી ભાગ લેવા વકીલ મારફત નોટિસ મોકલી હતી… નોટીસ વાંચી ગૌરવકુમાર બોલ્યા : 'બેટા, મારા કારણે તારા સંસારમાં આગ લાગી માફ કરજે. પણ મારી સંપત્તિમાંથી એક કોડી પણ અધિકારને હું આપવાનો નથી. મારી ખરી વારસદાર તો તું જ છે રાધિકા.'
'પપ્પાજી, માફીની વાત કરી મને શરમાવશો નહીં. મારું અને અધિકારનું દામ્પત્યજીવન ભ્રામક હતું. લગ્ન થયું માટે પતિની દુષ્ટતા સહીને પણ બે ટંકના ભોજન માટે સહિષ્ણુ થવામાં હું માનતી નથી. પણ આપના જેવા પવિત્ર ઇન્સાનની સેવાનો મને મોકો મળ્યો એ જ મારું સદભાગ્ય છે. હું અધિકાર પ્રત્યે નફરતનો ભાવ નથી રાખતી. એને ફાવે તે રીતે જીવે એ મને મંજુર છે. અને હા એક દીકરા તરીકેના એના બધા હકો પણ મંજૂર છે. આ બંગલો, બીજી બધી મિલકત, દાગીના અને ગામડાની જમીન બધું હું આપ જીવશો ત્યાં સુધી સાચવીશ, પછી બધું અધિકારને સોંપી દઈશ. મારે આપની પાસેથી કશું જ જોઇતું નથી, સિવાય કે આપના આશીર્વાદ. હું જીવીશ ત્યાં સુધી આપને લાચાર નહીં બનવા દઉં.''
અને ગૌરવકુમારે કહ્યું : 'મેં આજ લગી કરેલી નવરાત્રિનું ફળ તને પુત્રવધૂ તરીકે પામીને મળી ગયું છે. દેવી, તને નમસ્કાર !'




