ક્રિસ્ટોફર નોલાનની ઓડિસીનો આઈમેક્સ કરતાં પણ વિરાટ એવો આ સાચો સંદેશો સમજાયો છે?

- સ્પેક્ટ્રોમીટર-જય વસાવડા
- એક ફિલ્મ તરીકે ઓડિસી શું કહેવામાં સફળ રહે છે અને શું દેખાડવામાં નિષ્ફળ રહે છે? જીવનમાં પ્રેરણા અને મનમાં ચિંતન મળે એવી એની માનવતાના મૂલ્યો સમજાવતી બારીકીઓનું દર્શન !
પિ થીયાના માનવરાજા પેલાઉસના લગ્ન જળપરી જેવી સાગરપુત્રી દેવી થેટીસ સાથે થયા, જેમનો દીકરો જ જેને અમર જીવન કરતા અમર યશ (ઈમ્મોર્ટલ ગ્લોરી)ની ચાહ હતી એ મહાવીર એકિલસ અને એ લગ્નમાં કલહકંકાસની દેવી એરીસને બોલાવવામાં નહોતી આવી કે શુભ અવસરે કજિયાનું મોં કાળું. પણ એ ય ઉસ્તાદ હતી. ઉગ્ર બોલાચાલીના ઝગડા તો ભૂલાઈ જતા હોય છે પણ કંકાસની દેવીએ એક સોનેરી સફરજન 'ટુ ધ ફેઅરેસ્ટ' લખીને ફેંક્યું. એમાંથી જન્મેલી ઈર્ષા કલહ તરફ લઇ ગઈ. પણ નોલાનની ઓડિસીમાં એના અંજામની અસરોનો ગિલ્ટ છે !
૨૦૦૪માં આવેલી ને આજે યાદ કરવામાં આવે છે એવી બ્રેડ પિટ એરિક બાનાની ટ્રોય ફિલ્મ માટે પહેલા બ્રિટીશ ક્રિસ્ટોફર નોલાનનો કોન્ટેક્ટ કરવામાં આવેલો. પણ બેટમેનવાળી ડાર્ક નાઈટ ટ્રાયોલોજીના પહેલા ભાગ 'બેટમેન બિગીન્સ' માટે નોલાને એ પિક્ચર છોડયું જે વુલ્ફ્ગૅન્ગ પીટરસને બનાવ્યું ને ડાર્ક નાઈટને લીધે નોલાનની તો આખી કક્ષા જ ફરી ગઈ અને એ સુપર સ્ટેટ્સની પ્રિમીયમ લીગમાં સિતારાની જેમ ચમકી ઉઠેલું નામ થઇ ગયું. જે પછી તો એના જોરે લોકો ફિલ્મોમાં ધસી આવે એવી બ્રાન્ડ થઇ ગઈ. પણ પોતાની ટીનએજમાં ઓડિસીની જે અસર છે એ ગઈ નહીં ! એમ જુઓ તો નોલાનની દરેક ફિલ્મમાં ક્યાંક ઓડિસી છે.
ક્રિસ્ટોફર નોલાનની પહેલી ફિલ્મ ફોલોઈંગ(૧૯૯૮)માં હોમરની ઓડિસી જેવું નોન લિનિયર સ્ટોરીટેલિંગ હતું. યાને વાર્તાનો પ્રવાહ સળંગ આગળ ના વધે પણ આગળ પાછળ થયા કરે. ઘડીકમાં ફ્લેશબેક, ઘડીકમાં વર્તમાન એવું. એમની જાણીતી ઇન્સેપ્શનમાં દરિયાકિનારે મેમરી માટે લથડતો નાયક હતો. ભૂતકાળની ઘટનાઓને છૂટીછવાઈ યાદ કરતો નાયક મેમેન્ટોમાં હતો. ઘાયલ નાયક પોતાના શહેર અને સ્વજનોને બચાવવા આવે એ એંગલ ડાર્ક નાઈટમાં હતો. અંધાપો, ટવીન્સ ને જીતવાની જીજીવિષા પ્રેસ્ટીજમાં હતી. પારકા દરિયાકાંઠે લડતી પાશવી લડાઈ ડનકર્કમાં હતી.
નોલાનનો ઓડિસિયુસ એના ઓપનહાઈમર જેવો છે. પોતે યુક્તિથી કશું એવું સર્જે છે જેનો તત્કાલ તો એને જશ મળે છે, પણ પછી એના ઘનઘોર ક્રૂરતા અને કરુણતા જન્માવતા પરિણામોથી એને આઘાત લાગે છે. આ વિષાદગ્રસ્ત જીનિયસની વાર્તા છે, જેની સામે જ્યારે કોઈ સમસ્યા આવે છે, ત્યારે તે એને ઝડપથી અને પ્રભાવશાળી રીતે ઉકેલી નાખે છે કે તેને તેના દૂરગામી પરિણામોની કોઈ પરવા નથી હોતી. નોલાનનાં ઓડિસિયુસનો આત્મા કલિંગના યુદ્ધમાં જીતીને પણ પોતાની આત્માથી હારી ચૂકેલા સમ્રાટ અશોક જેવો છે. વિજય ભયાનક નરસંહાર પછી હજારો લાશોની વચ્ચે સાવ એકલો ઊભેલો એક સમ્રાટ, જે એ નક્કી નથી કરી શક્યો કે- ખરેખર તે જીત્યો કે હારી ગયો !
ક્રિસ્ટોફર નોલનની ફિલ્મ 'ધ ઓડિસી' જાણે દરિયા પર લખેલી કોઈ ઉદાસ કવિતા છે. જિંદગી દરિયાની જેમ વારંવાર ઉછળે છે, શાંત થાય છે અને પછી કોઈ અનંત ઊંડાણની જેમ ફેલાઈ જાય છે. સમંદર પાસે ગહેરાઈ છે, ખામોશી છે, વિદ્રોહ છે, શાંતિ છે, ઘૂઘવાટ છે, સૌંદર્ય છે, એકાંત છે, પ્રતીક્ષા છે. એના મોજાંઓ સામે બાથ ભીડી લડી નથી શકાતું પણ એને સહન કરીને તરવું પડે છે, સફર ખેડવા માટે એની અનિશ્ચિતતાના જોખમો વેઠવા પડે છે.
નોલાને એના ઓડિસીના વર્ઝનમાંથી દેવતાઓ કાઢી નાખ્યા છે. એનો માત્ર ઉલ્લેખ આવે છે. મૂળ ગ્રીક એપિકમાં તો દેવી દેવતાઓ મનુષ્યોના જીવનમાં ભાગ ભજવે છે. ભાગ્ય શબ્દમાં જેમ ભગવાન છે, એમ ડેસ્ટિનેશન તરફ જતા આવતા વળાંકોની ડેસ્ટીની વિધાતા યાને દેવતાઓ લખે છે. નોર્સ માયથોલોજીમાં ચબરાકીભરી યુક્તિઓનો છળ કરતો દેવતા લોકી માર્વેલની ફિલ્મોને લીધે પોપ્યુલર થયો. એના પર ભરોસો થઇ શકતો નથી. એ ક્યારે શું કહેશે કરશે એ નક્કી નથીં. લક શબ્દનો પ્રાસ એની સાથે આબાદ મળે છે !
નોલાને રામ નામના ઈશ્વરને બદલે રામ નામના દેવો પણ જેમનું ચરિત્ર સાંભળવા માંગે એવા મનુષ્યની કથા વાલ્મીકિએ લખી જેમાં ચમત્કારિક ઘટનાઓ ને અવનવા રાક્ષસો કે પ્રાણીઓ કે પાત્રો હતા, એવું વર્ઝન એની ઓડિસીનું બનાવ્યું છે. મૂળ કથા પર તો ચાર ભાગમાં લખાઈ ગયું, હવે ફિલ્મને પણ મહિનો થવા આવ્યો. એક મહિનામાં અઈમેક્સના માર્કેટિંગના જોરે ફિલ્મે તગડી કમાણી કરી ને કદાચ ભવિષ્યમાં મોટી ફિલ્મો જ પૈસા ખર્ચીને મોટા સ્ક્રીન પર લોકો દોડીને જોવા આવે, બાકીની તો ઘેર જુએ જ છે એ ટ્રેેન્ડના એંધાણ પણ આપી દીધા. હવે સ્પોઈલર એલર્ટ સાથે વાંચજો.
નોલાને એમાં પણ મોટા ઢોલ વગાડયા કે સીજીઆઈ યાને રામાયણના ટ્રેલરમાં ચોમેર જોવા મળે છે એવી ડિજીટલ સ્પેશ્યલ ઈફેક્ટસની ફિલ્મ બનાવી છે. મતલબ વિશાળ કદના માનવીઓ માટે એવા જ તોતિંગ બાંધો ધરાવતા અભિનેતા લીધા છે. રાક્ષસો એનિમેટેડ નથી પણ લાકડા ને રબ્બરના મોડેલ કે સ્ટોપ ગેપ ટેક્નિક સાથે શૂટ કર્યા છે. એમાં તો મૂળ કથામાં મોહિનીસ્વરૂપ પણ અહીં નોલાનની અરસિક નજરે રૂપવિહીન ડોશી જેવી લાગતી જાદૂગરણી સરસી સૈનિકોને સુવ્વર બનાવે એ સીન કરતા તો નાઈન્ટીઝની મહેશ ભટ્ટવાળી હિન્દી 'ઝુનુન'માં રાહુલ રોયનું વાઘમાં રૂપાંતર વધુ ખૌફનાક રીતે થતું હતું ! અરે, કોમ્યુટર પહેલાની અંગ્રેજી તો જવા દો, બાબુભાઈ મિસ્ત્રી કે રવિ નાગાઈચની ફિલ્મોમાં ક્યાંય આલીશાન ઈફેક્ટસ જોવા મળતી.
પણ નોલાનને અદ્ભુતરસની કથા નથી કહેવી. એને શૌર્ય અને શૃંગારની દાસ્તાન પણ નથી કહેવી, એમાં તો જેના ફેમિનિસ્ટ ટ્રાન્સલેશનનો આધાર એણે એ એમિલી વિલ્સન પણ ખીજાઈ ગયા ને કહ્યું કે સાવ સેક્સલેસ ફિલ્મ બનાવી નાખી છે ! ટ્ ધેટ ! ચાર્લીઝ થેરોન જેવી કામણગારી કાયાની માયાવી માલિકણ કેલિપ્સો બને જે ઓડિસિયુસના પૌરુષ પર જ મોહી પડે અને એને જવા ના દે અને દેવતાઓ હર્મિસ દ્વારા સંદેશો આપે ત્યારે મનફાવે ત્યારે માનવ સ્ત્રી સાથે સંબંધ બનાવતા દેવોના બેવડા ધોરણ કોસે કે હું દેવી થઈને ઓડિસિયુસનો સહવાસ ભોગવું એ કેમ ખુંચે છે ને જેને નવી પણ લાગે કે હું પથારીમાં બાજુમાં મોજૂદ છું છતાં મૃત્યુલોકની ઘરડી થતી પત્ની પાસે કેમ ઓડિસિયુસને જવું છે, એ એટલી સુંદર ના હોય છતાં પણ ! આ રોમાન્સની કશ્મકશ નોલાને સ્પર્શી
જ નથી.
કારણ કે નોલાનને તો વર્તમાન સ્થિતિનો સંદર્ભ લઇ પોસ્ટ વોર ટ્રોમા યાને યુદ્ધની વિભીષિકાથી થાકેલો હતાશ યોદ્ધો બતાવવો છે, જેને પસ્તાવો થાય છે. જેને એના પાપ એવા પોકારે છે કે એને બુદ્ધિ ને બહાદૂરીની દેવી એથીના નથી દેખાતી, પણ ટ્રોયની કુંવરી નજર સામે કતલ થયેલી, એની છાયા એ જાત સાથે સંવાદ કરે ત્યારે દેવી તરીકે દેખાય છે, જે રોલ સપાટખપાટ ઝેન્ડયાએ ભજવ્યો છે. ગ્રીસમાં ઓનલાઈન કેમ્પેઈન પણ ચાલ્યા કે નાં આ ગ્રીક કલ્ચર છે, ના આમાં આખી દુનિયાના અભિનેતા અભિનેત્રીઓ છે પણ સમ ખાવા કોઈ ગ્રીક એકટર છે, ના તો આ કપડાં ને શરીર ગ્રીક ગાથાઓ જેવા સુપુષ્ટ અને આકર્ષક છે. હોમરનો ઓડિસિયુસ તો રાજવી છે. પર્પલ મખમલના રોબમાં સોનાના રત્નોવાળા આભૂષણ સાથે ફરે છે, એટલે છેલ્લે બૂઢો ભિખારી બતાવવા એથીનાએ ચમત્કાર કરવો પડે છે.
પણ નોલાનનો નાયક ઓડિસિયુસ વધુ વાસ્તવિક છે. આજનો છે. જે કાળની થપાટો ખાતો મુફલિસ થઇ જાય છે. દીદાર એના ફરી જાય છે. નોલાનને યુદ્ધ પછીની એના આત્માને પીડતી યાદોની ભૂતાવળ પર ફોકસ કરવું છે એટલે એને મળેલા મોટા ભાગના સાત્વિક મદદગારો જેમ કે પવન બાંધી આપતો એલીયોસ, ડૂબે નહિ એવું કામરે વીંટાળવાનું લાઈફજેકેટ જેવું વસ્ત્ર આપતી ઈનો, જાદૂઈ ઔષધિ આપતો હમસ, અને એને ઇથાકા ખરેખર મોકલતી તરુણી નૌસિકા પરિવાર સહિત ગાયબ છે. જ્યાં ખરેખર તો યુવાનો સામે એ સ્પર્ધા જીતીને જાતને સાબિત કરે છે કે આ કોઈ જેવોતેવો મુસાફર નથી.
પણ નોલાનને તો યુદ્ધ ને હિંસાથી ભાગવા મથતો એવોર્ડવિનર ગાંધીનુમા આઇકોન બનાવવો છે. મેટ ડેમનનો એક મોનોલોગ છે કે ટ્રોયમાં તમામ ભીષણ રક્તપાતને કારણે તેના માટે ઘરવાપસી અશક્ય બની ગઈ. કારણ કે તેને લાગતું હતું કે પોતાના મૂળ સ્વરૂપમાં પાછો નથી ફરી રહ્યો, એક નિર્દયી હત્યારા અને લુચ્ચાઈ કરી જીતેલા વીર તરીકે એ ઘરને કલંકિત કરશે. એ પેઈનફૂલ મેમરી ભૂલાવવા કેન્સરનો દર્દી પેઈનકિલર મોર્ફીન ખાય એમ એ કમળના ફૂલ ખાય છે ! મૂળ વાર્તામાં સાયરનના ગીત પણ અદમ્ય સેક્સ્યુલ ખેંચાણ ઉભું કરે છે, જેને ખાળવું કોઈ પણ ખલાસી માટે શક્ય નથી. ઇન્વાઇટિંગ મેટિંગ સોંગ્સ છે. ભલભલા બે ઘડીના મોહમાં જીવન ગુમાવી દે એવું. ચંદ્રના ક્ષય કે પાંડુ માદ્રીની કથા યાદ કરો. નો ફિલ્મની જેમ, સાયરન કોઈ અનામી અવાજની એવી હૃદયદ્રાવક પોકાર છે જે સાંભળનારે જે હંમેશ માટે ગુમાવ્યું હોય એવા કોઈ ભૂતકાળના સુખ ને બાળપણની માસૂમિયતની યાદ અપાવી દુ:ખી કરે છે ! પણ નોલાનને સાહસિક નહિ, ટ્રેજિક હીરો ઘડવો છે એડવેન્ચર સ્ટોરીમાંથી. એટલે ઓડિસિયુસ જેમ્સ બોન્ડ જેવો રમુજી ફ્લર્ટ હતો એને મળતી દરેક સ્ત્રી, દેવી એથીના સાથે પણ એ વાત અહીં બાકાત છે.
નોલાનની ઓડિસીનું અર્થઘટન ભાઈ જોનાથન જોડે મળી સ્ક્રિપ્ટ લખતો હતો એવું ડેપ્થવાળું નથી થયું. આઈમેક્સ સ્કેલ હોલીવુડ સિનેમા માટે નવીન હશે બાકી નાટકો ને નવલકથાઓમાં આવા ઈશ્વરીય કથાઓને સાંપ્રત માનવી સાથે જોડીને રૂપક / મેટાફોર તરીકે આપવાના અનેક સફળ પ્રયાસો થયા છે. ન્યુયોર્ક બ્રોડવે માં જ ચાલતું હેડ્સટાઉન નાટક ઓફયસની ગ્રીક પ્રેમકથાનું રૂપાંતર છે. ગિરીશ કર્નાડનું હયવદન ને નાગમંડલ નોલાનને બે વાત શીખવાડે એવું હતું. પણ એમની કદર તો આપણે જ નથી કરી તો દુનિયા ક્યાંથી જાણે ?
વેલ, ઓરિજનલ ક્લાસિક પ્લેનેટ ઓફ ધ એપ્સના કલાઈમેક્સમાં દરિયાના કાંઠે રેતીમાં વાંકી થયેલી અડધી દેખાતી લિબર્ટીની અમેરિકન ઓળખ સમી પ્રતિમાના શોટને ટ્રીબ્યુટ આપતો નોલાનનો ્રટ્રોજન હોર્સ બે પગ ઊંચા રાખી ખેંચવાના વ્હીલ વગર ઉભો છે, એ એટમ બોમ્બનો સિમ્બોલ છે. એનો રણમાં વિસ્ફોટ વિજ્ઞાન માટે એક ભવ્ય દ્રશ્ય ઉભું કરતો હતો. પણ પછી એના વિનાશક સંહારની રાજકીય ભયાનકતા જગતને સમજાઈ. કદાચ કાળી હેલન કાસ્ટ કરી નોલાન એવું કહેવા માંગે છે કે યુધ્ધમાં કોઈ પક્ષે બ્યુટી જેવું કશું બચતું નથી. બધી રમ્ય બાબતો હિંસાને લીધે પોતાની સુંદરતા ગુમાવી દે છે !
ઝિયુસના કોડ નામે 'ઝેનિયા'ને નોલાન ગોલ્ડન રૂલ તરીકે માનવજાત માટે જીવવાના આદર્શ તરીકે મુકે છે. મૂળ ગ્રીક મોરલ કોડ યાને આદર્શ આચારસંહિતા એવી હતી કે કોઈ પણ અજાણ્યા માણસ તરીકે ક્યારેક ઈશ્વર તમારી સામે ઉભો હશે તો દરેક સાથે દેવતા માનીને સારો વ્યવહાર કરો. એ વખતે અજાણી જગ્યાએ દરિયાઈ મુસાફરી ખૂબ થતી એના માટે એ સિદ્ધાંત હતો. પછી જિસસે તો આગળ વધી એવું કહ્યું કે ક્યારેક શું દરેક અજાણ્યો મનુષ્ય ઈશ્વરનો જ દૂત છે એમ માની એની સાથે વર્તો. સનાતન ભારત તો બધાને પરમાત્માનો અંશ માને છે. એમાંથી કોઈને કોઈ રીતે દરેક ધર્મમાં જે વાત ગોલ્ડન રુલ ગણાય છે એ આવી કે પોતાની સાથે થાય એવું ઈચ્છો છો એવો વ્યવહાર બીજા સાથે કરો. અર્થાત ગાંધીવાળી અહિંસા જે મહાભારતના શ્લોકમાંથી આવેલી.
નોલાનનો ફિલ્મી ઓડિસિયુસ એટલે દુખી છે એનાથી આ મોરલ કોડ તુટયો છે ટ્રોય જીતવાના નામે. આ મેટ ડેમનવાળો ઓડિસિયુસ પોતે પણ દુનિયાદારીથી વાકેફ એવો સજ્જન છે કે તે પોતાના ધનુષ્યના ટંકાર વગર હરણનો શિકાર પણ નથી કરતો; તે આપણને સમજાવે છે કે યુધ્ધમાં આગોતરી સૂચના આપ્યા વિના શત્રુ પર પીઠ પાછળ છાપો મારવો એટલે 'લડાઈ' પછી 'શિકાર'ની વિકૃતિ બની જાય છે.
જ્યારે ઓડિસિયુસના સૂચન મુજબનો લાકડાનો ઘોડો ટ્રોયની દીવાલોને ભેદીને અંદર પ્રવેશે છે, ત્યારે નોલન તેના પરિણામે થતા ક્રૂર નરસંહારને દર્શાવે છે. પરંતુ એમની નજર એ બતાવવામાં છે કે, આ ઘોડો એવી જ દુનિયામાં સફળ થઈ શકે છે જ્યાં માનવીઓ એકબીજાની વાત પર ભરોસો કરવા ટેવાયેલા હોય; જ્યાં એક ભેટ એ ભેટ હોય અને શરણાગતિ એ શરણાગતિ હોય. ટ્રોજન લોકો કશું જ ન જાણતા હોય તેવા અજ્ઞાની નહોતા કે લડી ના શકે એવા કાયર નહોતા. પણ એમની ભોળી ભાવનાનો અને નીતિનો ગેરલાભ ઉઠાવી ગ્રીકોએ ઓડિસિયુસના આઈડિયા મુજબ દગો કર્યો. આ જૂઠ પાછું ઓડિસિયુસના ફાયદા માટે નહોતું. કોઈ પોલિટીકલ લીડરને જીતવા માટે એમની ટોળીનો ભેજાંબાજ સૂચન કરે એવી વાત છે. જેમ કે, હિટલરે કરેલા યહૂદીઓને જીવતા બાળી નાખતા ઓશવિત્ઝ જેવા કેમ્પ. એ પણ કોઈએ સજેશન કર્યું હોય એવું બને ને. પછી પબ્લિકને તો લીડરનો ફેસ દેખાય છે. પણ પેલાનો અંતરાત્મા એના કર્મથી એને કોરી ખાય તો ?
એટલે તો નોલાનનો આગામેમ્નોન ફેસ નથી દેખાડતો. એ કાળો ભેદી ભયાનક હોરર આકાર છે. ફિલ્મમાં હેલનનું બેવડી ભૂમિકામાં રહેલું પાત્ર કહે છે એમ એની ઈજ્જત માટે યુદ્ધ તો એક નાટક, એક બહાનું હતું. મૂળ તો પતિ મિનેલોસના ભાઈ આગામેમ્નોનને ટ્રોય એ બહાને ખતમ કરી ચક્રવર્તી થવું હતું ને લખલૂટ ખજાનો ને સુંદરીઓ વગેરે ભોગવવી હતી. એ માટે આપણા વિભીષણ જેવું એક ટ્રોયના હેલિનોસનું પાત્ર પણ છે મૂળ કથામાં જેને ફોડવામાં આવે છે. એમાં તો એકિલસ દૂર થયેલો જે મિત્રતા ખાતર લડયો ને એનો દીકરો પણ પછી લડતા મર્યો.
ઓડિસિયુસ ફિલ્મમાં એટલે વ્યથિત છે કે પછી જે હદે ઊંઘતા ટ્રોયનો એના ઘોડાની તરકીબને લીધે એકતરફી ક્રૂર વિનાશ જોઇને એને થયું કે પોતે સાથ આપવામાં ને ખોટા લોકોને યુદ્ધ જીતાડવામાં કૈંક ભૂલ તો નથી કરી ને. આ ઓડિસિયુસ એટલે હીરો છે કે એ સંતાપ એને સુખી નથી થવા દેતો. એને આ પોતાનું કર્મ શ્રાપિત લાગે છે ને એટલે એનું ઇથાકા એને ઝટ નથી મળતું. એ ભટકતો રહે છે એક દસકા સુધી. એને થાય છે કે જો કોઈની પરણેતર હેલન ઉઠાવી જવી એક ગુનો હતો તો એને આગળ કરીને આગામેમ્નોને જે કર્યું એ અપરાધ તો ક્યાંય મોટો હતો. પેરિસ તો હેલનને દેવીના વરદાન તરીકે એની મરજીથી ભગાડી ગયેલો. પણ ગ્રીકોએ બદલામાં ટ્રોયની બધી નારીઓને ને આખી નગરીને ખેદાનમેદાન કરી નાખ્યું. એક અશિષ્ટ આચરણને આગળ કરી બીજી તમામ પ્રકારની હલકટ નાલાયકી કરવાનું લાયસન્સ મેળવી લીધું જાણે !
આસપાસ નજર કરો. મોટા યુધ્ધો પાછળ પણ આવા કારણો આજે નથી દેખાતા ? અરે, નજર સામે જેન ઝીની એજ્યુકેશન બાબતના ફ્રસ્ટ્રેશન અને એમની સ્ટાઈલ મુજબ જે ગાળો અમુકે આપી - જે ખોટું જ હતું ને એની ટીકા થવી જ જોઈએ - એને આગળ કરી અત્યાચાર કે ભ્રષ્ટાચાર બાબતની વાતો સાઈડમાં ના મુકાઈ ગઈ આપણે ત્યાં ? એટલે આ મેસેજ તો યુનિવર્સલ છે. ઈરાનમાં મહિલાઓ પર દમન થાય જ છે, પણ એટલે ત્યાં ભણવા બેસતી બાળકીઓને ભૂલમાં બોમ્બથી ઉડાડી નાખવી એ ન્યાય ક્યાં છે ? કોઈ ખોટું કરે એટલે એને આગળ કરી જવાબમાં અનેકગણું ખોટું કરવું કે ચેતીને વધુ સાચા ને સારા માણસ થવું આ મોટો પડકાર છે આજે ! પોલ્યુશન કે કરપ્શન અશ્લીલ ના લાગે પણ કોઈ ટૂંકા કપડા પહેરેલી છોકરી ડાન્સ કરે તો એને ગંદકી તરીકે હાઈલાઈટ કરવી એ જંગ છે અત્યારે.
ફિલ્મમાં એટલે સરસી ઓડિસિયુસને કહે છે કે 'મનુષ્યોની દુષ્ટતા આ કોઈ મનહૂસ ઘોડાના નિર્માણ કરતાંય બહુ જૂની છે. શિષ્ટાચાર તો માત્ર સડો ભરેલા ઊંડા કુવા ઉપર પાથરેલું એક પાતળું પડ માત્ર છે.' અને માટે આ સરસી ઓડિસિયુસના સાથીઓને ભૂખને લીધે છેતરીને ભૂંડમાં નથી ફેરવતી, પરંતુ તે તેમને અરીસો બતાવીને જે અસલમાં છે તેવા જ ભૂંડ તરીકે ઉજાગર કરે છે! ઓડિસિયુસ એટલે પરેશાન છે ફિલ્મમાં કે એને લાગે છે કે આજે ભલે એનું કૃત્ય તાત્કાલિક રીતે ઓછું વિનાશક હોય, પણ હવે દુનિયામાં કેટલીક એવી બાબતો, જે ન કરવા માટે આપણે સૌએ સહમતિ સાધેલી એનો મોરલ કોડ તૂટી ગયો છે, માટે ભવિષ્યમાં જૂઠ ને દગો વધશે. અને એ ભવિષ્ય આજે આપણે જીવીએ છીએ.
નોલાનની ફિલ્મમાં વિચારપ્રેરક મોરલ કોન્ફ્લિક્ટ છે, પણ ડેપ્થ નથી. ઓડકાર આવે એવી અસર કે ક્રૂક્લુઝન નથી. અહીં ઓડિસિયુસ પોતાની જ બુદ્ધિમત્તાના નૈતિક ભાર હેઠળ દબાયેલો ડિપ્રેશનનો દર્દી છે જે પોતાની આ વિજયગાથા અને એ માટે ચૂકવેલી કિંમત વચ્ચે તાલમેલ બેસાડવામાં સંઘર્ષ કરે છે. પણ અહીં પેનેલોપી જે રાહ જુએ છે એ પ્રેમ પ્રગટ થતો નથી. વેઈટિંગ ઈશ્કની સૌથી મોટી તાકાત છે. સાચો પ્રેેમ કરે એને જ એવી શક્તિ મળે કે એ વર્ષો સુધી પ્રતીક્ષા કરી શકે ગોપીભાવે. પેનેલોપી કાળ સામે યુદ્ધ લડે છે રાહ જોવાનું. આ તડપ અને તપસ્યા જે કોડ માઉન્ટન ફિલ્મમાં હતી પિયામિલનની આશ ખાતર, જે સૌરાષ્ટ્રની રસધારની વાર્તાઓમાં છે એ બતાવવામાં એન હાથવે જેવી અભિનેત્રી હોવા છતાં નોલાન ફ્લોપ છે.
બીજી સમસ્યા એ છે કે મૂળમહા કાવ્યમાં જ્યાં ઓડિસિયુસ પોતાના પુત્ર ટેલેમાકુસને યોદ્ધાની યુક્તિઓ શીખવે છે અને બંને સાથે મળીને પોતાના ઘરેલુ દુશ્મનો સામે લડે છે.કારણ કે હોમરનું 'ઓડિસી' યુદ્ધવિરોધી નથી. હોમરનો ઓડિસિયુસ એવા યોદ્ધાઓના વંશવેલામાં છે જે મહાન વેટરન લડવૈયા નેસ્ટરથી શરુ થાય છે (ફિલ્મમાં નેસ્ટર ગાયબ છે). ઓડિસી માટે યુદ્ધ એ જીવનનું એક અનિવાર્ય સત્ય છે - ભલે તે પીડાદાયક અને વિનાશક હોય. એટલે મૂળ કથામાં પત્ની પેનેલોપીના હાથના લંપટ ઉમેદવારો સામે ઓડિસિયુસ લડીને એમને કાપી નાખે છે, એ સાહજિક છે. અહીં તો આટલા પશ્ચાતાપ પછી એ ફરી એ જ હિંસા કરે છે. હા, માત્ર દીકરાને આઘો રાખે છે એ પોએટિક ટચ છે કે આગળ આ મારામારીનો વારસો વધારવો નથી. એટલે છેલ્લે એ અતૃપ્ત આત્માઓની શાંતિની સફરમાં નીકળી પડે છે. ઇથાકામાં ઠરીઠામ થઇ શકતો નથી. એની સહચરી એ પાપના ધોવાના યજ્ઞામાં એને સાથ આપે છે. નોલાનની ઓડિસી સ્ત્રીસન્માન કે પ્રેમ માટેની લડાઈ નથી. પણ નર્યા પુરુષવાદી ઘમંડ અને નિરર્થક લોહીયાળ સંઘર્ષની જ કહાની છે. જૂઠ અને કપટથી થતા ભ્રષ્ટ આચરણને હોશિયારીના માસ્ટરસ્ટ્રોક ગણાવી રાજી થતા લોકો સામે કટાક્ષ છે આ ફિલ્મ. કારણ કે દુનિયા શક્તિશાળી સત્તાના પ્રભુત્વથી નથી ટકી, એ માણસોની એકમેકને મદદ કરવાની ભાવનાથી ટકી છે !
ક્રિસ્ટોફર નોલાનની એટલે એવોર્ડ જીતવામાં અગ્રેસર રહેનારી ઓડિસીનો સાર એ છે કે, ઇતિહાસ ભલે વિજેતાઓને યાદ રાખતો હોય, પણ માણસાઈનો અંતરાત્મા ક્યારેય પીડિતોને ભૂલવા દેતો નથી !
ફાસ્ટ ફોરવર્ડ
'હીરો એ નથી કે જે નિષ્ફળ ના જાય. હીરો એ છે કે યાત્રા ચાલુ રાખે. અને મંઝિલ મળે ત્યારે રાજાની જેવા ગુમાનથી નહિ પણ ભિખારી જેવી નમ્રતાથી ત્યાં પહોંચે.
ક્યારેક તમારા રસ્તામાં અડચણો દુ:ખને બદલે સુખનું સ્વરૂપ ધારણ કરીને આવે છે. એવું સગવડ આપતું સ્વર્ગ જે તમને આગળ વધતા અટકાવી દે, જે તમારું ધ્યાન ખૂંચવી લે.
ખોવાઈ જવાથી નવી દુનિયા ઉઘડતી હોય છે. બસ, જ્યાં પહોંચવું છે એની યાદ ભૂલાવી ના જોઈએ.
એક આંખવાળા રાક્ષસો જ થઇ જાય, કારણ કે સિંગલ વિઝનમાં રસ ખીલે નહિ.
યુદ્ધ જીતી શકાય છે. સમયને જીતી શકતો નથી. એનું બલિદાન આપ્યા વિના ક્યાંય પહોંચી શકાતું નથી.'
(ઓડિસીનું અંગત પંચામૃત)









