ગ્રીન ક્લીનિંગ : કેમિકલની આડઅસર સમજાતાં સર્જાઈ રહેલો અબજોનો ઉદ્યોગ

- સાઈન-ઈન-હર્ષ મેસવાણિયા
ના ળિયેરીનાં છોતરામાંથી બનેલો ડૂચો અને ચૂલાની રાખ એ વાસણ માંજવાની હાથવગી દેશી પદ્ધતિ હતી. એકેય પૈસાનો ખર્ચ કર્યા વગર વાસણો ઉટકાઈ જતાં! વાસણ માંજવા માટે લિક્વિડ, સાબૂ કે સ્ક્રબર માર્કેટમાં આવે છે એવી ખબર જ ભારતમાં ગૃહિણીઓને - ખાસ તો ગ્રામ્ય વિસ્તારોમાં હજુ બે દશકા પહેલાં પડી. વારે-તહેવારે ખૂબ ઓઈલી વાસણો હોય તો કપડાં ધોવાના સાબૂને 'ધોઈને' એનું હોમ મેડ લિક્વિડ બનાવાતું. નહીંતર રાખ અને ચીકણી માટી એ નેચરલ ડીશ વોશરનું કામ કરતાં.
ને એ જ પદ્ધતિ ઘરની સાફ-સફાઈમાં લાગુ પડતી. વારે-તહેવારે કેમિકલ વગર જ ઘર સાફ થતું. સાવરણી, સાવરણો, બહુ બહુ તો લાકડીમાં બાંધેલું કોરું કપડું, પાણી અને ભીંનું કપડું હોય એટલે સફાઈ થઈ રહેતી. અઢી ત્રણ દશકાથી શહેરોમાં થોડાં-ઘણાં કેમિકલ વપરાતા થયા હતા, પણ હવે તો હાઉસ ક્લીનિંગનું પ્લાનિંગ થાય તે પહેલાં ડઝનેક પ્રકારના જુદા જુદા કેમિકલ બજારમાંથી ખરીદી લાવવા પડે. કેમિકલ્સ વગર ક્લીનિંગ થઈ શકે એ વાત જ રાખ-નાળિયેરના છોતરાના કોમ્બિનેશનની જેમ આઉટડેટેડ થઈ ગઈ છે.
૧૮મી સદીના અંતે કેમિકલ ક્રાંતિ થઈ. ૧૮મી અને ૧૯મી સદીમાં ફ્લોર ક્લીનિંગ અને કપડાંની સફાઈ માટે ઉપયોગી ક્લોરીન બ્લીચ, ઓક્સિજન બ્લીચ, કેલ્સિયમ બ્લીચ, હાઈડ્રોજન પેરોક્સાઈડથી માંડીને હાઈડ્રોક્લોરિડ એસિડ, સોડિયમ હાઈડ્રોક્સાઈડ, એમોનિયાથી લઈને ડ્રાઈ ક્લીનિંગમાં અનિવાર્ય બનેલા હાઈડ્રોકાર્બન, પરક્લોરોથીન, સિલોક્સેન જેવા કેમિકલની ઓળખ થઈ ને તેનું વિઘટન થયું. ૨૦મી સદીમાં, ખાસ તો ૧૯૬૦ પછી આ કેમિકલ્સમાંથી બનેલી ક્લીનિંગ પ્રોડક્ટ માર્કેટમાં ઠલવાતી થઈ. અમેરિકા-યુરોપમાં આ કેમિકલ પ્રોડક્ટ્સે માર્કેટ સર કર્યું અને ૨૦મી સદી પૂરી થતાં થતાં આખી દુનિયામાં દબદબો બનાવી લીધો.
આજે ઘરની સાફ-સફાઈના સાધનો અને કેમિકલ્સનું ગ્લોબલ માર્કેટ ૨૯૫ અબજ ડોલર થઈ ચૂક્યું છે અને ૨૦૩૦-૩૨ સુધીમાં તો ૪૦૦ અબજ ડોલરને પાર પહોંચી જશે. ઘર સફાઈની સર્વિસનું માર્કેટ તો એનાથી બમણું છે. લોકોને હવે ઘરની સફાઈનો સમય નથી એટલે દરરોજ વાસણ-કચરા-પોતાં માટે મદદનીશો રાખ્યા હોય એ તો બરાબર, પરંતુ વારે-તહેવારે આખાય ઘરની સફાઈનો સમય રહેતો નથી અથવા તો એવી સફાઈમાં હાથ કાળા કરવા નથી એટલે ઓનલાઈન-ઓફલાઈન ક્લીનિંગ સર્વિસનું માર્કેટ ઝડપભેર વધતું જાય છે. ગ્લોબલી ઘર-ઓફિસની સફાઈનું સર્વિસ માર્કેટ ૪૮૦ અબજ ડોલર છે ને ૨૦૩૪ સુધીમાં બમણું થઈને ૮૬૦ અબજ ડોલરને પાર થઈ જશે.
માત્ર હોમ ક્લીનિંગનું સર્વિસ માર્કેટ જ દુનિયામાં ૩૨ અબજ ડોલરે પહોંચ્યું છે અને ૨૦૩૨ સુધીમાં આ માર્કેટ ૫૬ અબજ ડોલર થાય એવો અંદાજ છે. હોમ ક્લીનિંગ સર્વિસમાં દુનિયાના સૌથી વિકસતા માર્કેટમાં ભારતનો સમાવેશ થાય છે. ભારતમાં અત્યારે જ આ માર્કેટ ૮૧ હજાર કરોડ રૂપિયા એટલે કે અંદાજે ૯ અબજ ડોલર છે. દેશમાં આઠ ટકાના દરે આ માર્કેટ ગ્રો થઈ રહ્યું છે. એક અંદાજ તો એવો છે કે જુદી જુદી ઓનલાઈન હોમ સર્વિસ પ્રોવાઈડર્સ એપ્સમાં દરરોજ એવરેજ ૮૦ હજાર સર્વિસ બુક થાય છે. દિવાળીમાં આ બુકિંગ દરરોજ દોઢ લાખે પહોંચી જાય છે.
ક્લીનિંગ કેમિકલ અને કેમિકલ બેઝ્ડ ક્લીનિંગ સર્વિસના વધી રહેલા દબદબા વચ્ચે ધીમે પગલે દેશ અને દુનિયામાં કેમિકલનો વપરાશ મર્યાદિત કરવાની અવેરનેસ આવી રહી છે. સેંકડો લોકો કેમિકલનો વિકલ્પ તલાશી રહ્યા છે અને એ તલાશ જ્યાં પૂરી થાય છે એનું નામ છે - ગ્રીન ક્લીનિંગ.
અમેરિકાના જીવવિજ્ઞાની રશેલ કાર્સને ૧૯૬૨માં પહેલું વહેલું રિસર્ચ પેપર રજૂ કર્યું હતું, જેનું નામ હતું સાઈલન્ટ સ્પ્રિંગ. આ મહિલા જીવવિજ્ઞાનીએ પહેલી વખત એમાં ક્લીનિંગ કેમિકલ્સના વપરાશ સામે લાલબત્તી ધરી હતી. તેમણે કહ્યું હતું કે નુકસાનકારક નથી એવું કહીને ઢગલા મોઢે માર્કેટમાં ઠલવાતા કેમિકલ્સથી શરીરને નુકસાન થાય છે. ચામડીથી લઈને શ્વસનતંત્રને લાંબાંગાળે અસર થાય છે.
પણ એ વખતે લોકોએ તેમની વાત ન માની. પછીના દશકાઓમાં ઘણાં સંશોધકો ક્લીનિંગ કેમિકલ્સના ઉપયોગ સામે ચેતવણી આપતા હતા, પરંતુ તેનાથી કેમિકલ્સનો ઉપયોગ ઘટવાને બદલે વધ્યો. લોકોને ઝડપથી પરિણામ મળતું હતું એટલે કેમિકલ્સનો વપરાશ કોઠે પડવા લાગ્યો હતો.
રશેલ કાર્સનના કેમ્પેઈનના અઢી દશકા બાદ અમેરિકામાં જ 'ગ્રીન સીલ' નામનું એક સંગઠન બન્યું. આ સંગઠને સસ્ટેનેબિલિટીના સંદર્ભમાં જે પ્રોડક્ટથી પર્યાવરણ, જીવસૃષ્ટિ, માનવશરીરને કોઈ પણ પ્રકારનું નુકસાન થતું ન હોય એવી પ્રોડક્ટ્સને સર્ટિફિકેટ આપવાની તરફેણ કરી. એ માટે કેમ્પેઈન ચલાવ્યું. એ જ સંગઠનના પ્રયાસોથી નુકસાનકારક ક્લીનિંગ કેમિકલ્સનો ઉપયોગ ઘટાડવાનું ગ્લોબલી કેમ્પેઈન શરૂ થયું, ત્યારે તુરંત પરિણામ ભલે ન મળ્યું, પરંતુ તેનાથી સાયન્ટિફિક માહોલ બન્યો.
ઘર-ઓફિસની સાફ-સફાઈમાં વપરાતા કેમિકલ્સથી કેટલું અને કેવું નુકસાન થઈ શકે છે તે અંગે અમેરિકા-યુરોપની યુનિવર્સિટીઝમાં સંશોધનો થવા માંડયા. ઘરમાં કેમિકલના ઉપયોગથી દરરોજ સાફ-સફાઈ થાય તેનાથી હવા અશુદ્ધ બને છે અને શરીરને નુકસાન થાય છે એવા તારણો રજૂ થયા. ૨૧મી સદી આવી ત્યાં સુધીના એક-દોઢ દશકામાં અનેક રિસર્ચ પેપર્સ પબ્લિશ થયા. પર્યાવરણ અને પ્રકૃતિપ્રેમી સર્કિટમાં અવેરનેસ આવવા લાગી. પર્યાવરણને અનુરૂપ ચીજવસ્તુઓ બનાવવાનું શરૂ થયું ને તેના ભાગરૂપે વનસ્પતિમાંથી સાફ-સફાઈનું લિક્વિડ બનવા લાગ્યું.
અમેરિકાના સંશોધક વાન વ્લાહાકિસે છેક ૧૯૬૭માં લીબું, ફુદીનો, લીમડો વગેરેનો ઉપયોગ કરીને કુદરતી બાથરૂમ ક્લીનર બનાવ્યું હતું. એ સંપૂર્ણ કેમિકલ ફ્રી ક્લીનર હતું. તેમણે તો ગ્રીન ક્લીનર પ્રોડક્ટની ઈસીઓએસ નામની કંપની જ બનાવી હતી, જે એ પ્રકારની દુનિયાની પ્રથમ કંપની હતી. ૧૯૭૦માં બુ્રસ ફેબ્રીઝો નામના એક અમેરિકાના ભાઈએ ક્લીનિંગ કેમિકલ્સની આડઅસર ઓફિસમાં જ જોઈ. એનાથી પ્રેરિત થઈને તેણે એ જ વર્ષે મલ્ટિપર્પઝ બિનઝેરી લિક્વિડ બનાવ્યું. એ ફોર્મુલામાંથી 'સિમ્પલ ગ્રીન' નામનું કેમિકલ માર્કેટમાં આવ્યું. ત્યારે તુરંત તો નહીં, પણ સમય જતાં એ પ્રોડક્ટની ડિમાન્ડ વધી. આજે સેંકડો લોકો મલ્ટિપર્પઝ સિમ્પલ ગ્રીન લિક્વિડનો ઘર-ઓફિસમાં નિયમિત વપરાશ કરે છે. સિમ્પલ ગ્રીન લિક્વિડ એ ઈકો-ફ્રેન્ડલી ક્લીનિંગ પ્રોડક્ટના સફળ માર્કેટિંગનું સૌપ્રથમ ઉદાહરણ હતું.
કેમિકલ સામે અવેરનેસ વધતાં આજે ઈકો-ફ્રેન્ડલી ક્લીનિંગ કે ગ્રીન ક્લીનિંગનો બિઝનેસ ૧૧.૪૮ ટકાના દરે વધી રહ્યો છે. આજની તારીખે દુનિયામાં ગ્રીન ક્લીનિંગના ઉત્પાદનોનું વૈશ્વિક બજાર ૩૭ અબજ ડોલર છે. ૨૦૩૪માં આ માર્કેટ ૧૫૮ અબજ ડોલરે પહોંચી જશે. મેઈનસ્ટ્રીમ ક્લીનિંગ કેમિકલ્સના વેચાણ સામે તો આ રકમ નગણ્ય ગણાય, છતાં એનો વૃદ્ધિદર ઊંચો હોવાથી એવી આશા બિલકુલ રાખી શકાય કે ભવિષ્યમાં કેમિકલના વિકલ્પે લોકો ગ્રીન ક્લીનિંગ તરફ વળશે.
ભારતમાં જ હવે સેંકડો લોકો ગ્રીન ક્લીનિંગ તરફ વળી રહ્યા છે ને તેના પરિણામે દેશનું ગ્રીન ક્લીનિંગ માર્કેટ ત્રણથી ચાર અબજ ડોલર હોવાનો અંદાજ છે. દેશમાં ૨૦૩૦ સુધીમાં એ બમણું થઈ જાય એવી શક્યતા છે. અમેરિકાના એક સંશોધનમાં જણાયું કે ક્લીનિંગ પ્રોડક્ટ્સમાંથી ૩૪ કેમિકલ્સ એવા જણાયા કે જે કેન્સર, અસ્થમા, આંખના ઈન્ફેક્શન માટે જવાબદાર છે. એ જોતાં વહેલાં મોડું ગ્રીન ક્લીનિંગ તરફ વળ્યે જ છૂટકો.
કેમિકલની દેખીતી આડઅસર છે, પણ તેનો મજબૂત વિકલ્પ ન હોવાથી લોકો નાછૂટકે કેમિકલ વાપરે છે, પરંતુ હવે ગ્લોબલી ગ્રીન ક્લીનિંગનો કન્સેપ્ટ જામતો જાય છે. શું છે ગ્રીન ક્લીનિંગ?
દિવાળીની સાફ-સફાઈમાં અત્યારે છૂટથી કેમિકલ વપરાશે, તેથી આપણે ઉજવીશું તે પહેલાં ક્લીનિંગ
કેમિકલ માર્કેટ દિવાળી ઉજવશે…
કેમિકલ્સ કરતાં ગ્રીન ક્લીનિંગ પ્રોડક્ટ મોંઘી
કેમિકલ્સનું ઉત્પાદન જથ્થાબંધ થતું હોવાથી કેમિકલ બેઝ્ડ ક્લીનિંગ પ્રોડક્ટ્સ ગ્રાહકોને ગ્રીન ક્લીનિંગ પ્રોડક્ટની સરખામણી સસ્તી પડે છે. ગ્રીન ક્લીનિંગ પ્રોડક્ટ્સ પ્લાન્ટ્સમાંથી બને છે. એ મેળવવાનું અને તેના પર પ્રોસેસ કરવાનું સરળ નથી. લીંબુંથી લઈને નાળિયેર તેલ, નારંગી જેવા ખાટાં ફળો, લીમડો, તુલસી, ફુદીનો, ચાના પત્તા, ગૌમૂત્ર, કપૂર, એલોવેરા જેવી વસ્તુઓનો ગ્રીન ક્લીનિંગ પ્રોડક્ટ બનાવવામાં ઉપયોગ થાય છે. તેના કારણે માર્કેટમાં સરળતાથી મળતા ક્લીનિંગ કેમિકલ્સની સરખામણીએ ગ્રીન ક્લીનિંગ પ્રોડક્ટ ૨૦ ટકા જેટલી મોંઘી પડે છે. વળી, ગ્રીન ક્લીનિંગની પ્રોડક્ટનું ઉત્પાદન વધે તો આ બધી ચીજવસ્તુઓના ભાવમાં પણ વધારો થઈ શકે. ગ્રીન ક્લીનિંગ પ્રોડક્ટ સામે ભવિષ્યમાં આ સૌથી મોટો પડકાર બની રહેશે.




