Ravi Purti

'અનુગ્રહ, મારા ભાઈ, તેં તો મારું મરણ સુધારી દીધું' અનહદ

By GS Team
4 Jul 20267 mins read
'અનુગ્રહ, મારા ભાઈ, તેં તો મારું મરણ સુધારી દીધું' અનહદ

કેમ છે, દોસ્ત-ડૉ.ચન્દ્રકાન્ત મહેતા
ભારતીય નારી પ્રથમ માતા છે. સંતાન એનું સર્વસ્વ. પતિનો એ દ્રષ્ટિએ બીજો નંબર આવે. પરંતુ તારિકા જેવી નારીને આ વાત લાગુ પડે ખરી ?

અ નહદ ફરી એકવાર મિત તરફ નજર કરે છે. એના ક્ષીણ અને દુર્બળ હાથમાં મિતને અંતિમવાર સ્પર્શ કરી લેવાની પણ તાકાત નથી. અનહદે પોતાની પૂર્વ પત્ની તારિકાને સંદેશો મોકલ્યો છે, પણ અફસોસ તે હજુ યે આવી નથી. … બીજી જ પળે ફરી પોતાના મસ્તક પાસે બેઠેલા નાનકડા મિત તરફ અનહદની નજર જાય છે. સતત માથું અને પગ દબાવતો મિત આખી રાત ઊંઘ્યો નથી. મૃત્યુથી સાવ અજાણ છ વર્ષનો મિત તેના પપ્પાને પળવારે ય છોડવા તૈયાર નહોતો. મિતના નાનાજી દવા લેવા માટે ગયા હતા.
કેન્સર હોસ્પિટલમાં અનહદ અંતિમ શ્વાસ લઈ રહ્યો છે. આંખો શ્રાવણી નીર વરસાવી રહી છે. કાન અવરજવર કરતા પ્રત્યેક પગલાંની લિપિ ઉકેલી રહ્યા છે : 'હજુ તારિકા ન આવી ?'
મૃત્યુ પહેલાં અનહદનું મન કેટકેટલી વાતો કહેવા વલોપાત અનુભવતું હતું ! પરંતુ સાંભળનાર કોઈ નહોતું. હૃદય કમજોર થઈ ગયું હતું. પરંતુ હૃદયને કમજોર બનાવનાર વ્યકિત વિષે કશું પણ ન કહી શકવાની એની લાચારી હતી. આ સંસારમાં મૃત્યુ પહેલાં પણ માણસે કેટકેટલીવાર મરવું પડતું હોય છે ? અને હૃદય પર જખમ આપનારાઓની યાદી પણ નાની નથી હોતી.
અનહદની નજર આગળથી વીતેલાં વર્ષોની સ્મૃતિઓની વણજાર પસાર થાય છે. છ વર્ષ પૂર્વેની ઘટના : જ્યારે તારિકાના પપ્પા શેઠ આલોકરાય અનહદને જોવા આવ્યા હતા. અનહદની પોણા છ ફૂટની ઊંચાઈ, અણિયાળું નાક, કાળી ભમ્મર આંખો, વિશાળ લલાટ, ગૌર વર્ણ અને જોનારને જોતાંની સાથે જ વહાલું લાગે તેવું વ્યકિતત્વ. ત્યારે તારિકાના પપ્પાજી આલોકરાયે અનહદને કહ્યું હતું : 'અનહદ, તારા વિશે મેં બહુ સાંભળ્યું હતું અને આજે તને નજરોનજર નિહાળ્યો. મારી તારિકા માટે હું તારો હાથ માગવા આવ્યો છું. બેટા, તું ના ન કહેતો. તું એકલો છે અને મારે કોઈ પુત્ર નથી. હું તને મારો પુત્ર બનાવવા માગું છું. જમાઈરૂપે મને પુત્ર મળશે. મારી એકની એક દીકરી તારિકા નાની ઉંમરથી માતાની શીળી છાયા ગુમાવી ચૂકી છે. એટલે લાડમાં ઉછરી છે. દેખાવમાં અતિસુંદર, પણ સ્વભાવમાં જીદ્દી અને ઘમંડી છે. બેટા અનહદ તારો સ્વભાવ નમ્ર, વિવેકી અને નિરાભિમાની છે, એટલે મને ખાતરી છે કે તમારી બન્નેની જોડી બરાબર જામશે.'
આલોકરાયની વાત સાંભળી અનહદ વિચારમાં પડી ગયો હતો. અનહદે પણ બંગલો, ગાડી અને સમાજમાં મોભાના સ્વપ્નો જોયા હતા. પણ આ બધું શક્ય નથી એમ માનીને અનહદ અનેક અભાવોવાળું જીવન જીવતો હતો. આલોકરાયની વાત સાંભળ્યા બાદ અનહદને લાગ્યું કે લક્ષ્મી ચાંદલો કરવા આવી હોય ત્યારે મોં ધોવા ન જવાય. અનહદના મનમાં સ્વપ્નની એક નવીન સૃષ્ટિએ આકાર લઈ લીધો અને તેણે તારિકા સાથેના લગ્નનો પ્રસ્તાવ સ્વીકારી લીધો હતો.
અને તારિકા સાથે અનહદનો લગ્નોત્સવ ધામધૂમથી સંપન્ન થયો હતો. લગ્નજીવનમાં બે-ત્રણ વર્ષ તો હેમખેમ પસાર થઈ ગયા હતાં પણ જેમ જેમ તારિકા પોતાની સહેલીઓના અત્યંત આધુનિક રીતે જીવતા પતિઓના સંપર્કમાં આવતી ગઈ તેમ તેમ તેમની સરખામણીમાં અનહદની સાદગી તેને ખટકવા લાગી હતી. એમાંથી અસંતોષની ચિનગારી પ્રગટી હતી, જે ધીરે ધીરે આગના માર્ગે આગળ વધી રહી હતી.
આલોકરાય અનહદને ખૂબ જ માન આપતા હતા. અનહદ પણ તેમની બહુ જ કાળજી રાખતો હતો. તારિકા આગળ જ્યારે તેના પપ્પા અનહદની પ્રશંસા કરતા ત્યારે તારિકા ઉશ્કેરાઈને કહેતી, 'પપ્પાજી, તમને અનહદ સારો લાગે છે, કારણ કે તમે સારા છો. એ તમારી સેવા નથી કરતો, તમારા ધનની સેવા કરે છે. પૈસાની લાલચના કારણે એ તમારી ચાપલૂસી કરે છે. એણે આપણો વૈભવ જોઈને જ મારી સાથે લગ્ન કર્યાં છે, નહીં તો આજના જમાનાનો કોઈ યુવાન પોતાની ભાવિ પત્નીને જોયા કે મળ્યા વગર લગ્ન કરે ખરો ? તમને અનહદ ભલે સારો લાગતો હોય પણ મને તો એ મીઠડો, સ્વમાન વગરનો, વાયડો, સ્વાર્થી અને સ્ટફલેસ
લાગે છે.'
તારિકા અને અનહદના સંબંધો એટલા વણસવાની પરાકાષ્ઠાએ પહોંચ્યા કે તારિકા એક દિવસ પોતાના નાનકડા બે મહિનાના પુત્ર મિતને મૂકીને ઘર છોડીને ચાલી ગઈ. અને પોતાની સાહેલીને ઘેર રહેવા લાગી. તારિકાએ અનહદ પર લગ્નવિચ્છેદ માટે દબાણ શરૂ કરી દીધું. તારિકાની જિદ આગળ આલોકરાયે નમતું જોખ્યું હતું અને બન્નેના લગ્નવિચ્છેદ માટેની સંમતિ આપી દીધી હતી.
લગ્નવિચ્છેદ માટે અદાલતની મંજૂરી બાદ તારિકા માટે પુનર્લગ્નનો માર્ગ મોકળો થયો અને એણે એક અમીર પરિવારના એકના એક દીકરા અનુગ્રહ સાથે લગ્ન કરી લીધાં. અનહદે પોતાનું શેષ જીવન પોતાના નાનકડા દીકરા મિતના વાત્સલ્યભર્યા ઉછેર માટે અર્પિત કરી દેવાનો નિર્ણય કર્યો. અનહદે આલોકરાય પાસે તેમનું ઘર છોડીને જવાની અનુમતિ માગી, પરંતુ આલોકરાયે તેની વિનંતી માન્ય ન રાખતાં કહ્યું : 'બેટા અનહદ, મેં તને મારો પુત્ર માન્યો અને આજે પણ માનું છું. તારિકા જતી રહી તો શું થઈ ગયું ? તું મારો જમાઈ મટી ગયો પરંતુ, પુત્ર તો છે જ. તારે ક્યાંય જવાનું નથી. જીવનપર્યંત મારી સાથે જ રહેવાનું છે.'
બસ ત્યારથી જ અનહદે બીજું બધું ભૂલી જઈને પોતાના દીકરા મિતને સરસ રીતે ઉછેરવાનું અને પિતા સમાન આલોકરાયની સેવા કરવાનું વ્રત સ્વીકારી લીધું. અનહદ સ્વાવલંબી બનવા માટે જોબ કરવા ઈચ્છતો હતો પરંતુ આલોકરાય હંમેશા એક જ વાત કરતા : 'અનહદ, તું અને મિત નિરાંતે જીવી શકો એથી પણ વધારે મિલકત મારી પાસે છે અને પિતાની મિલકત પર પુત્રનો હક હોય છે.'
આલોકરાયના પ્રેમ આગળ અનહદ ઝૂકી ગયો અને એણે કહ્યું : 'પપ્પાજી, હું તમારી સાથે રહેવા તૈયાર છું, પણ એક શરત સાથે. આપ જીવો છો ત્યાં સુધી હું આપની સાથે રહીશ. આપની કાળજી રાખીશ. પરંતુ આપની મિલકત પર માત્ર ને માત્ર તારિકાનો જ હક છે. મારો લેશમાત્ર નહીં. આપની બધી મિલકત તારિકાને નામે ટ્રાન્સફર કરી દો. એના ગયા પછી હું તમારી સાથે પૈસાની લાલચમાં રહું છું, એવી ગેરસમજ તારિકાને ન થવી જોઈએ.'
સમય વહેતો રહ્યો. મિત ૫ વર્ષનો થઈ ગયો. સિનિયર કે. જી.નું શિક્ષણ પૂરું થતાં એને પહેલા ધોરણમાં દાખલ કરવામાં આવ્યો. અનહદ મિતને શાળાએ મૂકવા જતો. બપોરે મોટી રિસેસમાં મિતને મનગમતો નાસ્તો અને દૂધ તૈયાર રાખતો. શાળા છૂટવાના સમયે અનહદ જાતે મિતને લેવા દોડી જતો.
અનહદના જીવનનું કેન્દ્રબિન્દુ માત્ર ને માત્ર મિત જ હતો. મિત જ એને મન સર્વસ્વ હતો.

એક દિવસ અનહદને તાવ આવ્યો. આલોકરાય તરત જ અનહદને ડૉક્ટર પાસે લઈ ગયા અને સારવાર ચાલુ કરી. પણ તાવ ઊતરવાનું નામ જ નહોતો લેતો. જાત જાતના ટેસ્ટ કરાવ્યા બાદ અંતે નિદાન થયું કેન્સરનું. આલોકરાયની વૃધ્ધાવસ્થા અને મિતના ભવિષ્યની ચિંતા. અનહદે પોતાનું સ્વમાન બાજુએ મૂકીને તારિકાને સંદેશો મોકલ્યો. તારિકાની અમાનત એને સોંપીને એ મરવા માગતો હતો. મોતની નિકટ પહોંચેલા અનહદને ચોતરફ એક જ પડઘા સંભળાતા હતા : 'હજુ તારિકા, ન આવી.'
અનહદનો મેસેજ આવતાં તેના બીજા પતિ અનુગ્રહે કહ્યું : 'તારિકા, તારે અનહદ પાસે તાત્કાલિક જવું જોઈએ. એણે આજ સુધી આપણને તકલીફમાં ક્યારેય મુક્યાં નથી. આજે અંતિમવેળાએ તને મળી હૈયું હળવું કરવા ઇચ્છતો હોય તો તારે પળનો ય વિલંબ કરવો જોઈએ નહીં. અને નાનકડા મિતને તું અહીં આપણા ઘરે લઈ આવે.'
અને તારિકાએ કહ્યું હતું : 'જે દરવાજે મેં જાતે જ તાળું વાસી દીધું છે, એ દરવાજો મારે ફરી નથી ખોલવો. પૈસાની લાલચમાં મારા પપ્પાને ઘેર પડી રહ્યો છે. તે બિમાર પણ નહીં, ઢોંગ કરતો હશે. સોરી અનુગ્રહ, મારે એક પાર્ટીમાં જવું છે. મને મોડું ન કરાવ.'
અનુગ્રહ અને તારિકા વચ્ચે ખાસ્સી જીભાજોડી ચાલી હતી. અનુગ્રહે તારિકાને કહ્યું હતું : 'તારિકા, પોતે પાળેલા જાનવર સાથે એકા-બે વર્ષ ગુજાર્યા હોય તો પણ માણસ માનવતા ખાતર એની અંત્યેષ્ટિ કરવાની ફરજ અદા કરે છે. જ્યારે અનહદ તો તારો પતિ હતો. અને મિત તારો પુત્ર છે. છેડો પડાય પણ છેડા સાથે લાગણી અને માનવતાને ગળે ટૂંપો દેવાની તારી વાત મને સમજાતી નથી.'
'મારી સમક્ષ અનહદના વકીલ બનવાની જરૂર નથી.' કહીને તારિકાએ પાર્ટી માટે પ્રયાણ કર્યું હતું.
અને એક પળનો ય વિલંબ કર્યા વગર અનુગ્રહ કેન્સર હોસ્પિટલ પહોંચી ગયો હતો. અનુગ્રહને આવતો જોઈને અનહદની આંખોમાં ચમક આવી ગઈ. એણે મનોમન વિચાર્યું : 'નારી પાસેથી બધું છીનવી શકાય, પણ માતૃત્વ નહીં. ભારતીય નારી પ્રથમ માતા છે. સંતાન એનું સર્વસ્વ. પતિનો નંબર એ દ્રષ્ટિએ બીજો આવે છે. પરંતુ તારિકા જેવી નારીને આ વાત લાગુ પડે ખરી ?
અનુગ્રહ આવ્યો પણ તારિકા નજરે ન પડી. અનહદની આંખો તારિકાને શોધી રહી છે. એ વાત અનુગ્રહ સમજી ગયો. એણે મિતને તેડી લીધો. એના મસ્તક પર હાથ ફેરવતાં કહ્યું : 'અનહદ, માનવતા માટે સંબંધની નહીં, લાગણીભીનાં હૈયાની જરૂર છે. વાત્સલ્ય નારીહૃદયના જ અધિકારની વસ્તુ નથી. મારા હૃદયમાં વાત્સલ્યનું ઝરણું સદાય વહેતું રહ્યું છે. પણ ઈશ્વરે મને સંતાન નથી આપ્યું. મિત આજથી મારો દીકરો છે. હું તને વચન આપું છું કે, મિત ખાતર મારે તારિકાનો ત્યાગ કરવો પડે તો હું તારિકાને 'અલવિદા' કહી દઈશ પણ મિતને મારા પ્રાણના ભોગે પણ નહીં ત્યજુ.'
'અનુગ્રહ, મારા ભાઈ, તેં તો મારું મરણ સુધારી દીધું. તારી માનવતા અને મહાનતાના પુણ્યની પોટલી છાતીએ બાંધીને હું…' વાક્ય પૂરું કરતાં પહેલાં જ અનહદે ઈહલીલા સંકેલી લીધી.